Opinion Magazine
Number of visits: 9680066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાના આ સમયમાં બે વાતે મને ઝંઝોડી

સરિતા જોષી|Opinion - Opinion|17 March 2021

આંગિકમ ભુવનમ યસ્ય

વાચિકં સર્વ વાડ્ગ્મયમ

આહાર્યં ચન્દ્ર તારાધિ

તં નમઃ સાત્ત્વિકં શિવમ્

તં નમઃ સાત્ત્વિકં શિવમ્

તં નમઃ સાત્ત્વિકં શિવમ્

ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: 

નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ.

નમસ્કાર. સરિતા જોષીના વંદન વાંચજો. આ અમારા નાટકવાળાઓની સ્તુતિથી આપણે શરૂઆત કરી છે. આને આંગિકમ કહેવાય. હું કોઈ પણ કામ શરૂ કરું તો મને પહેલાં આ સ્તુતિની તો જરૂર હોય જ ને એમાં ય મારા પ્રિય પ્રેક્ષક, સૉરી, હવે પ્રિય વાચક સાથે વાતો કરવાની છે તો આ નવા કામ માટે મને એની ખૂબ જરૂર પડવાની છે. તેમની શુભેચ્છા, તેમના આશીર્વાદ અને મારી મનોકામના. આ બધાનો સુમેળ થવો જોઈએ એવી મારી ઇચ્છા છે અને એ ઇચ્છા ફળશે એનો મને વિશ્વાસ છે. 

તો ચાલો શરૂઆત કરીએ આપણે.

એક લટાર યાદોની કુંજગલીમાં, 
એક વિહાર સ્વપ્નોની કલ્પભૂમિમાં,

એકમાત્ર સરિતા. હા, એકમાત્ર સરિતા, ચાલો, એની સાથે વાતો કરીએ. 

***

હું સરિતા જોષી, અહીં, આ જગ્યાએથી તમને એક સ્ત્રીના મનની વાત કરીશ, તેના બાળપણની, જેનું નામ હતું ઇન્દુમતી ભીમરાવ ભોસલે. એ નાનકડી છોકરી, જે એક-બે સ્ટેન્ડર્ડ સુધી ભણેલી છે અને તમારી સમક્ષ પદ્મશ્રી સરિતા જોષી બનીને કેટલી વાર નાટકો કર્યાં, નાના સ્ક્રીનમાં અભિનય કર્યો એટલે હું અહીં ટી.વી.ની વાત કરું છું. કોઈ કોઈ વાર તમે મને ગુજરાતી કે હિન્દી ફિલ્મોમાં જોઈ હશે, પણ પ્રેક્ષકો, તમારા પ્રેમ સાથે મને સતત પ્રોત્સાહન મળ્યું છે, સતત આશીર્વાદ મળ્યા છે. જ્યારે હું નાની હતી ત્યારે પણ, મોટી થઈ ત્યારે અને આ ઉંમરે પહોંચી ત્યારે પણ તમારો જે પ્રેમભાવ ‘સંતુ રંગીલી’ માટે હતો એ જ પ્રેમભાવ, એ જ વહાલ અને લાગણી આજે પણ મળતી રહે. મારી એવી ઇચ્છા છે કે હું આ જે કંઈ લખી રહી છું, લખવાની છું એમાં ક્યાં ય પણ કંઈક ભૂલચૂક થાય તો તમે તમારી રીતે એમાં સુધારો કરીને, ઉમેરો કરીને એને સરસ કરીને વાંચજો. લખવાની આ પ્રક્રિયા સાવ નવી છે, પહેલી વારની છે, પણ શીખ્યું એ જ છે હંમેશાં, નવું કરવાનું અને સતત નવું કરતા રહેવાનું અને નવું કરવા માટે ક્યારે ય કોઈ ઉંમર મોટી નથી હોતી.

આપણે અહીં કરીશું મારા મનની વાત. મારા જીવનમાં ઘડાયેલા પ્રસંગોની વાતો પણ થશે તો નાટકોની વાત પણ માંડીશું અને એ બધા માતબર કલાકારોની વાત, જેઓ મારા જીવનમાં આવ્યા અને મને આ, જ્યાં હું છું ત્યાં એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનું જે બિરુદ મળ્યું એ સ્તરે લઈ જવાનું કાર્ય કરી ગયા, જેઓ સૌ મારા આ યશના ભાગીદાર છે એ અમારા બૅકસ્ટેજ વર્કર, એ મેકઅપમૅન, એ મ્યુઝિશ્યન અને એ મારો પ્રેક્ષક. હા, એ બધા ભાગીદાર છે મારા કામ માટે, કામ દ્વારા પ્રાપ્ત કરેલી ખ્યાતિ માટે.

યાદીની આ કુંજગલીમાં વિહરતાં-વિહરતાં જીવનની એ સંધ્યા પણ યાદ કરીશું જેણે મારું જીવન માતબર બનાવ્યું, જેણે મારા જીવનને રાતરાણી જેવી મહેક ધરાવતી યાદો આપી અને જેણે આ આયખું, આ જીવન ખમતીધર બનાવ્યું, પણ એ બધી વાતો કરતાં પહેલાં આપણે વાત કરવાની છે હમણાંના છેલ્લા થોડા સમયની.

***

આ વર્ષની બે વાતે મને ઝંઝોડી, હા, રીતસર ધ્રુજાવી દીધી. પ૭ વર્ષ. ઉંમરની દૃષ્ટિએ પ૭ના વર્ષની વાત નથી કરતા આપણે, આપણે વાત કરીએ છીએ ઈસવી સન ૧૯પ૭ની. હા, ૧૯પ૭થી હું કામ કરું છું. બાળકો થયાં ત્યારે મેં પહેલાંના બેત્રણ મહિનાનો રેસ્ટ લીધો અને પછીના બેત્રણ મહિના એમ અંદાજે ૬-૭ મહિના જે રેસ્ટ જરૂરી હોય અને લેવા પડે એ રેસ્ટ લીધો, પણ બાકીના સમયમાં હું સતત કામ કરતી રહી છું, કોઈ બ્રેક નહીં, કોઈ રજા નહીં. કોઈ વેકેશન નહીં અને કોઈ પિકનિક નહીં. કામ જ મારું વેકેશન અને કામ જ મારો આરામ, પણ સડનલી એવું થયું કે ઓહોહોહોહો … 

કોરોનાબહેન આવ્યાં કે પછી કહો કે કોરોનાભાઈ આવ્યા. આવીને મને કહ્યું, ‘ચાલ સરિતા, તું બહુ, બહુ, બહુ કામ કરે છે. જરા આરામ કર અને હમણાં ઘરની બહાર નીકળવાનું નથી.’ 

‘ઓકે …’

કહી દીધું આપણે હસતાં-હસતાં અને વાત પણ એવી જ સહજ રીતે, હસતાં-હસતાં જ લઈ લીધી અને પછી તો તાળીઓ પણ પાડી અને થાળીઓ પણ વગાડી. મંદિરમાં ઘંટ વાગે એમ ઘંટ પણ વગાડ્યા અને સાચું કહું, આનંદ મળ્યો, ખૂબ, ખૂબ ખૂબ આનંદ મળ્યો. પોતાના વડા પ્રધાન માટે આદર છે. ૨૫ માર્ચથી તેમણે લૉકડાઉન જાહેર કર્યું અને ૩૧ માર્ચે તેમણે બધાને આદર-સત્કાર માટે થાળી અને તાળી વગાડવાનું આહ્‍વાન કર્યું. આદર હોવો જ જોઈએ નરેન્દ્રભાઈ માટે. તેઓ આપણે માટે કામ કરે, સેવક બનીને કામ કરે. તેમનું માન તો રાખવું જ પડે.

લૉકડાઉન થયું એ પછી હું તો આનંદમાં હતી, મજા કરી બહુ સરસ રીતે. આરામ કર્યો અને પછી તો ધીરે-ધીરે ખાવાનું બનાવવા લાગ્યાં. નોકર-ચાકર તો બંધ હતા બધા પોતપોતાના ઘરમાં. હા, મારો ઘરમાં રહેતો બાળુ છે, તેનું નામ રામ ઝામણે, પણ હું તેને બાળુ કહું. તે એક ઘરમાં મારી સાથે રહે અને તે મને સતત સહાય કરે. પછી તો હું ઘરમાં વાસણ માંજવા જાઉં તો આવીને મને કામ કરતી રોકવા માટે કહે, ‘બહેન, તમે વાસણ માંજશો તો પછી હું નહીં માંજુ હોં …’

આ પ્રેમ છે સાહેબ, આ લાગણી છે, આ માયા છે. અજાણ્યા પોતીકા બન્યા અને પોતીકા વધુ નજીક આવ્યા. આ બધા અનુભવો અને બીજા પાસેથી સાંભળેલા અનુભવો, જેને દૃષ્ટાંત કહેવાય એ જ તમારું ઘડતર કરે છે. આવી વાતો તમને ઝંઝોડે અને કુદરતે આપેલા આ ઝંઝાવાતમાંથી જ અંદરની લાગણી જન્મે, પરસ્પર પ્રત્યે પ્રેમ સ્ફુરે.

કોરોનાએ આ સમયગાળામાં મને ઝંઝોડી તો એવી જ રીતે મને ઝંઝોડવાનું કામ બીજી પણ એક ઘટના કરી ગઈ, જેની વાતો આપણે આવતા મંગળવારે કરીશું.

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 16 માર્ચ 2021

Loading

૨૧મી સદીનું યુદ્ધ મેદાનોમાં નહીં, કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ખેલાવાનું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|17 March 2021

ગયા વર્ષે ૧૨મી ઓક્ટોબરે, ગ્રીડ ફેલ્યરના પગલે નાણાંકીય રાજધાની મુંબઈમાં મોટા પ્રમાણમાં  વીજળી ગાયબ થઇ ગઈ હતી, જેના પગલે ટ્રેનો પાટા પર રોકાઈ ગઈ હતી, કોરોના મહામારી વચ્ચે માંડ-માંડ કામ કરી રહેલા લોકોની ગતિવિધિઓ બંધ થઇ ગઈ હતી, હોસ્પિટલો સેવાઓ અટકી પડી હતી અને હજારો કમ્પ્યુટરો ખોટકાઈ ગયાં હતાં. વીજળી જતી રહેવી એ ભારતમાં સામાન્ય વાત છે. મુંબઈ જેવા મોટાં શહેરો, જ્યાં ૨૪ કલાક વીજ પુરવઠાની વ્યવસ્થા છે, ત્યાં પણ ક્યારેક વીજળી ગાયબ થઇ જવાની ઘટનાઓ બને છે. ગામડાં અને નાના શહેરોમાં તો આ છાશવારે બને છે.

આપણા માટે તો વીજળી હોવી જ એક ચમત્કાર જેવું છે, એટલે મુંબઈમાં છેલ્લા એક દાયકામાં ચાર કલાક માટે વીજળી જતી રહેવાની ઘટના બની તે તકનીકી ખરાબીથી વિશેષ કશું ન હોય, એમ માનીને આપણે પૂર્વવત જીવવા લાગી જઈએ તે પણ સ્વાભાવિક છે, પરંતુ આ ઘટના કદાચ એટલી સાધારણ ન હતી. અમેરિકાના પ્રતિષ્ઠિત સમાચારપત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ના એક ચોંકાવનારા સમાચાર અનુસાર, ચાઇનીઝ સરકાર સાથે સંકળાયેલા રેડ ઇકો નામના એક હેકર ગ્રૂપે મુંબઈની પાવર ગ્રીડમાં ઘૂસ મારી હોય અને માલવેર છોડીને સિસ્ટમને ખોરવી નાખી હોય તેવું સંભવ છે.

મહારાષ્ટ્રના સાઈબર-સેલના અહેવાલના આધારે રાજ્યમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ મુંબઈના વીજ પુરવઠામાં સાઈબર-સેબોટેજની સંભાવના વ્યક્ત કરી છે. અમેરિકા સ્થિત રેકોર્ડેડ ફ્યુચર નામની સંસ્થાએ (જેના આધારે ટાઈમ્સમાં અહેવાલ આવ્યો હતો) એવી શંકા વ્યક્ત કરી હતી કે લડાખમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનનાં સૈન્યો વચ્ચેના ઘર્ષણના જવાબમાં હેકર ગ્રૂપે ભારતની પાવર ગ્રીડ્સને નિશાન બનાવી હોવાનું સંભવ છે. કેન્દ્રીય ઉર્જા રાજ્યમંત્રી રાજ કુમાર સિંહે સાઈબર-એટેકના અહેવાલોને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે મુંબઈમાં માનવીય ભૂલના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો.

એ જ વખતે તેલંગણામાંથી સમાચાર આવ્યા કે ગયા અઠવાડિયે બીજી માર્ચના રોજ કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઓફ ઇન્ડિયાની સમયસર ચેતવણીને પગલે તેલંગણાની વીજ વ્યવસ્થાને હેક કરવાના ચીન સ્થિત હેકર ગ્રૂપનો પ્રયાસ નાકામ બનાવાયો હતો. આ કિસ્સામાં 'થ્રેટ એક્ટર ગ્રૂપ કમાન્ડ એન્ડ કંટ્રોલ' નામનું ચાઇનીઝ ગ્રૂપ તેલંગણા સ્ટેટ લોડ ડીસ્પેચ સેન્ટર અને ટ્રાન્સમીશન કોર્પોરેશન ઓફ તેલંગણાની કમ્પ્યુટર સિસ્ટમ સાથે સંપર્ક કરવા પ્રયાસ કરી રહ્યું હતું.

આ બે કિસ્સા પરથી એટલું સાબિત થાય છે કે વીજળી ગાયબ થઈ જવી એ ૨૧મી સદીમાં સાધારણ ઘટના ન હોવી જોઈએ. એ આધુનિક યુદ્ધનો અંતરંગ હિસ્સો હોઈ શકે છે. આપણે જ્યારે રિયા ચક્રવર્તી જેવી એક્ટરની વોટ્સએપ ચેટ્સ કે પર્યાવરણ કાર્યકર દિશા રવિની ગૂગલ ટૂલકીટને રાષ્ટ્રીય સંકટ ગણીને દિવસોના દિવસો સુધી આટલો બધો રસ લેતા હોઈએ, તો પછી સાઈબરની દુનિયામાં દેશ સામે કેવું અસલી જોખમ છે, તેના પર દિવસો-મહિનાઓ સુધી નહીં, પણ આવનારાં વર્ષોના વર્ષો સુધી ધ્યાન આપવું જોઈએ, કારણ કે ૨૧મી સદીનું યુદ્ધ મેદાનો અને ખીણોમાં માણસો વચ્ચે નહીં, કમ્પ્યુટર સિસ્ટમ્સમાં ખેલાવાનું છે. આપણે તેના માટે તૈયાર છીએ?

૨૦મી સદીમાં પરંપરાગત યુદ્ધના સ્થાને પરમાણું યુદ્ધની સંભાવના આવી ગઈ હતી, પણ પરમાણું બોમ્બમાં બધાના સાગમટે વિનાશની ક્ષમતા હોવાથી તેના ઉપયોગની શક્યતા ઉત્તરોત્તર ઘટતી જાય છે, અને બીજું એ કે નાનામાં નાના દેશનો એક પરમાણું બોમ્બ એટલો જ વિનાશ વેરી શકે તેમ છે, જેટલો મોટા દેશના બોમ્બ વેરી શકે છે. પરમાણું યુદ્ધ સામૂહિક આત્મહત્યા છે. એટલે ૨૧મી સદીમાં બોમ્બ સામે લડવા માટે ટેકનોલોજી વધુ કારગત નીવડવાની છે. દેશોની સરહદો પર નાના-મોટા છમકલાંને બાદ કરતાં મોટું યુદ્ધ જો ફાટી નીકળે, તો તેમાં લાખો સૈનિકો નહીં, પણ ગણ્યાગાંઠ્યા ટેકનોલોજીના જાણકાર લોકો એક સૈન્યને ભારે પડી જશે. એટલા માટે વિકસિત દેશો આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ વિકસાવવા માટે મહેનત કરી રહ્યાં છે.

ભવિષ્યમાં કોઈ દેશને હરાવવા માટે તોપગોળા અને ફાઈટર પ્લેનની કે મોટી સંખ્યામાં માણસોને મારી નાખવાની જરૂર નહીં પડે. દેશના અર્થતંત્રને ખોરવી નાખો, તો દેશ આપોઆપ પાયમાલ થઇ જશે. દાખલા તરીકે, એક દેશ બીજા દેશનાં ન્યુક્લિયર પાવર સ્ટેશન, શેર બજાર, ટ્રેન અને વિમાનોની કમ્પ્યુટર સિસ્ટમ કે તેની પાવર કંટ્રોલ સિસ્ટમને હેક કરી નાખે, તો યુદ્ધ જેવી જ તારાજી થાય.

દુનિયામાં મોટાભાગના દેશોનાં નાગરિક, લશ્કરી અને સુરક્ષાનાં માળખાં કમ્પ્યુટર સિસ્ટમ આધારિત થઇ ગયાં છે. સાઈબર સ્પેસ એક નવી સરહદ છે, જ્યાં યુદ્ધો લડાવાની સંભાવનાઓ વધતી જાય છે. ટેકનોલોજી અને પૈસાની ક્ષમતાવાળા દેશો તેમાં વધુને વધુ ધ્યાન આપી રહ્યા છે. સોવિયત સંઘ પર અમેરિકાનો વિજય પરંપરાગત યુદ્ધ સિવાયના અનેક વિકલ્પોમાંથી આવ્યો હતો. અમેરિકા ઈરાક અને અને અફઘાનિસ્તાનમાં યુદ્ધ છેડીને તોબા પોકારી લીધી છે. વિયેતનામમાં હાથ બાળ્યા પછી, ચીન સશસ્ત્ર સંઘર્ષમાં પડતું નથી. ઈરાન અને અમેરિકાએ સાર્વજનિક રીતે કબૂલ્યું છે કે તેઓ એકબીજા પર સાઈબર-એટેક કરવા માટે  સજ્જતા કેળવી રહ્યા છે.

તમે નિયમિત એવા સમાચાર વાંચ્યા હશે કે ફલાણી વેબસાઈટને પાકિસ્તાને હેક કરી અથવા ઢીંકણી સાઈટને ડીફેસ (વિકૃત) કરી નાખી. આ તો છોકરમત જેવું છે. દુનિયામાં તેનાથી વધુ ગંભીર પ્રયાસો થઇ રહ્યા છે. રશિયાએ ઉક્રેનમાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં સાઈબર-એટેક કરીને અઢી લાખ લોકોનો વીજ પુરવઠો ખોરવી નાખ્યો હતો. ૨૦૦૭માં એસ્ટોનિયાની બેન્કિંગ અને કમ્યુનિકેશન સિસ્ટમને ખોરવી નખાઈ હતી, પરિણામે દેશમાં ૨૨ દિવસ સુધી અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

૧૯૪૫ પછી, દુનિયામાં સત્તા માટે કોઈ મહાયુદ્ધ થયું નથી, કારણ કે યુદ્ધમાં સરવાળે કોઈ જીતતું નથી. તેની આર્થિક અને જાનમાલની પાયમાલી બંને પક્ષે સરખી જ હોય છે. તેના બદલે, બીજા વિશ્વયુદ્ધ પછી દેશો આર્થિક અને નોલેજની તાકાત પર ધ્યાન આપી રહ્યા છે. તમારી પાસે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, બાયો-એન્જિનિયરિંગ જેવું જ્ઞાન હોય, તો તેને સૈનિકો મોકલીને કે તોપ ફોડીને ખતમ કરી ન શકાય. ભૂતકાળમાં સૈન્યો દુશ્મન દેશનાં સંશાધનો પર કબજો કરીને સામ્રાજ્યનો ફેલાવો કરતાં હતાં. આજે તમારે  તમારી જગ્યાએથી ઊભા થયા વગર ખાલી એ દેશોની નિર્ણાયક કમ્પ્યુટર સિસ્ટમ્સમાં જ ઘૂસ મારવાની જરૂર છે.

અમેરિકન સુરક્ષા નિષ્ણાતો માને છે કે આજે જો યુદ્ધ થાય, તો ચાઇનીઝ જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ પાસે દુશ્મન દેશની ત્રણ ‘સી-સિસ્ટમ’ (કોમ્બેટ, કંટ્રોલ, કમ્યુનિકેશન) પર સીધો હુમલો કરવાની અને  ટેકનોલોજી આધારિત યુદ્ધ શરૂ કરવાની ક્ષમતા છે. ચીનને પણ અમેરિકાની ક્ષમતાનો અંદાજ છે. માર્ચ ૨૦૨૦માં એક ચાઇનીઝ સાઈબર સિક્યુરિટી કંપનીએ આરોપ મુક્યો હતો કે સી.આઈ.એ. અનેક ચાઇનીઝ કંપનીઓને હેક કરી રહ્યું છે. ચીન ૨૧મી સદીમાં સાઈબર-યુદ્ધ માટે આક્રમક રીતે આગળ વધી રહ્યું છે.

ચીન પાસે દુનિયાનું સૌથી મોટું પરંપરાગત સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મી (પી.એલ.એ.) છે, અને ચીને તેમાં સાઈબર સિક્યુરિટી તેમ જ ટેકનોલોજીકલ કંપનીઓને જોડીને સાઈબર બટાલિયનો ઊભી કરી છે. એક અંદાજ પ્રમાણે પી.એલ.એ.ની વેસ્ટર્ન કમાન્ડ જ્યાં આવેલી છે તે ચેંગડુમાં ૫૦,૦૦૦ હાજર વિશ્લેષકો ભારતની સાઈબર સ્પેસ પર નજર રાખી રહ્યા છે.

કહેવાનો મતલબ એ છે કે ભારત સામે અસલી સંકટ સાઈબર-સ્પેસમાં છે. તેની સામે ફેસબુક, ટ્વીટર કે વોટ્સએપ કોણ શું કરી રહ્યું છે તે તો બાળકોની રમત છે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 14 માર્ચ 2021

Loading

કાળી, શ્યામ, સાંવરી, ઘઉંવર્ણી, ગોરી : ચામડીનાં જુદાંજુદાં રંગો

ભદ્રા વડગામા|Opinion - Opinion|16 March 2021

'મેઘનના બાળકનો વાન કેવો હશે?' રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો, તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિનાં દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?

'બેટા, બેબી કોના જેવી છે, રેશ્મા જેવી ગોરી કે તારા જેવી સાંવરી?' જો કોઈ ગુજરાતી દાદીએ પરદેશમાં રહેતા પોતાના પુત્રને આવો પ્રશ્ન કર્યો હોય, તો આપણને એમાં ખાસ કઈં અજુગતું ન લાગે, કે ન આપણે માની લઈએ કે દાદી આવનાર બેબીને વ્હાલ નહીં કરે. તે છતાં ય આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં ગોરાં હોવું એટલે રૂપાળાં હોવું એવી માન્યતા પરંપરાથી ચાલતી આવી છે. 'એ છે કાળી, પણ બહુ નમણી છે.' કેમ જાણે કાળી ચામડીવાળાં લોકો નમણાં ન હોય! વળી એક કહેવત પણ આ વાતને પ્રોત્સાહન આપતી હોય એવું મને લાગે છે. 'સિદ્દી બાઈને સિદકાં વ્હાલાં.' એનો અર્થ એ થાય કે ગમે તેટલું કદરૂપું બાળક હોય, પણ તેની માને તો વ્હાલું જ લાગશે. એટલે એમ જ ને કે સિદ્દી લોકો કાળાં હોવાથી કદરૂપાં હોય અને તેમનાં બાળકો પણ. અને એમાં એવો ભાવ પણ આવે છે કે એ બાળક કદરૂપું હોવાથી અન્ય માતાઓને વ્હાલું નહીં લાગે, ફક્ત એની સિદ્દી માતાને જ.

આફ્રિકામાં વસેલાં ગુજરાતીઓએ ત્યાંનાં કાળાં લોકોને ક્યારે ય સુંદર માન્યાં નથી. એમણે લાકડામાંથી કોતરેલી આફ્રિકન ચહેરાવાળી માનવકૃતિઓને કળાની દ્રષ્ટિએ જોઈ જ નથી. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં તમને એવી એકાદ કૃતિ જોવા મળે. એવી માન્યતા પણ હતી કે એવી મૂર્તિઓ સગર્ભા સ્ત્રી જૂએ તો તેનું બાળક કદરૂપું અવતરે. હવેની વાત જુદી છે.

‘ચામડી માટે ગોરો રંગ સારો કે કાળો?” – Sandesh – http://sandesh.com/skin-to-white-color-good-c/ November, 29 2017 લેખમાં એ.એમ. ખાન લખે છે :

“આપણે ત્યાં કોઈક કારણસર ગોરા બનવાની ઘેલછા ખૂબ વ્યાપક છે. અત્યાર સુધી તો મહિલાઓ જ ગોરાં થવાની મહેનત કરતી હતી, હવે મેટ્રોસેક્સ્યુઅલ માનસિકતામાં પુરુષોને પણ ગોરા થવા પ્રેરણા આપવામાં આવે છે. ગોરા થતાં જ યુવતિઓ તમારી ઉપર લટ્ટુ બની જશે એવું દર્શાવતી જાહેરાતો કરવામાં આવે છે. કેટલાંક લોકો અંગ્રેજો દ્વારા આપણામાં જગાવવામાં આવેલી હીન ભાવનાના કારણે ગોરા થવાની ઘેલછા વ્યાપક બની છે એવું માને છે. પરંતુ શ્રીકૃષ્ણના જમાનામાં પણ રાધા ગોરી હોવાથી બાળ શ્રીકૃષ્ણ યશોદા માતાને ફરિયાદ કરતા હોય એવાં ભજનો ગવાય છે, ‘યશોમતિ મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યોં ગોરી, મૈં ક્યું કાલા?’ રાધા અને શ્રીકૃષ્ણના પ્રણયપ્રસંગોમાં પણ રાધા ‘મોરા ગોરા રંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે …!’ કહેતી હોય એવાં ભજનો આપણે ગાઈએ છીએ. અંગ્રેજોના આગમનના સેંકડો વર્ષ અગાઉ પણ કોઈ સુંદરીના રૂપના વખાણ કરવા માટે રૂપરૂપનો અંબાર અને દૂધ જેવો શ્વેત રંગ એવી ઉપમાઓ કહેવાતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એટલે ગોરા રંગ માટેની ઘેલછા આજકાલની તો ન હોઈ શકે!”

તો પછી બ્રિટનનું રાજવી કુટુંબ racist છે એવું કોઈ મોટી ઉંમરનો ગુજરાતી માનતો હોય તો તે નર્યો દંભ કહેવાય.

e.mail : bv0245@googlemail.com

15 March 2021

Loading

...102030...1,9992,0002,0012,002...2,0102,0202,030...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved