Opinion Magazine
Number of visits: 9735506
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|25 March 2026

એપ્રિલ માસમાં આવતી મહાપુરુષોની જયંતીઓના ત્રિવેણી સંગમે, નારાયણ ગુરુના આદર્શોથી માંડીને આંબેડકર–જગજીવનરામના સંવાદો દ્વારા રચાતા ભારતીય દલિત વિમર્શનો તારસ્વર

બાબુ જગજીવન રામ અને બાબાસાહેબ આંબેડકર

પ્રકાશ ન. શાહ

હમણે વાંચી તો રહ્યો છું એક હસ્તપ્રત, જગજીવન રામ વિશે અરવિંદ માર્ડનની કલમે : જોઉં છું કે પાંચમી એપ્રિલે એમની જન્મજયંતી ટકોરા દઈ રહી છે; અને વાંસોવાંસ ફુલે જયંતી (અગિયારમી એપ્રિલ) અને આંબેડકર જયંતી (ચૌદમી એપ્રિલ) પણ … બિલકુલ, એપ્રિલ જાણે કે દલિત ઇતિહાસ માસ સ્તો.       

જો કે આ લખી રહ્યો છું ત્યારે બે પિછવાઈધક્કા પણ ચિરશોભીતા અનુભવું છું. હવામાં કાંશીરામને ભારતરત્ન ઘોષિત કરવાની માંગ માયાવતીની જ નહીં, રાહુલ ગાંધીની પણ છે. વળી, ખાસ તો, આજકાલ શશી થરુરની નારાયણ ગુરુ પરની કિતાબ ચર્ચામાં છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીના પૂર્વાર્ધના ગાળામાં એક તબક્કે એ કેવી મોટી ઘટના હશે, એનો બને કે આજે આપણને પાધરો ખયાલ નયે હોય. પણ વરસેક પર વાયકોમ સત્યાગ્રહની શતાબ્દી વિશે વાંચવા-લખવાનું થયું ત્યારે ગાંધીજીનો એક હૃદયવેધી ઉદ્દગાર બલકે પુણ્યાવેશી ચિત્કાર નોંધવાનું બન્યું હતું તે બસ થઈ પડશે. મંદિર ફરતે જે રસ્તાઓ હતા તેમાં દલિતોને ચાલવાની પરંપરાગત બંધી હતી. ગાંધીજીએ કહ્યું હતું : જેની ફરતે રસ્તા પર નારાયણ ગુરુ પણ ન ચાલી શકે તેવું મંદિર હું કલ્પી શકતો નથી.

ઈસવી 2000 સંકેલાતે મેન ઓફ ધ મિલેનિયમ કોણ એવી ચર્ચામાં વિશ્વસ્તરે ઊપસેલું નામ ગાંધીજીનું હતું. પણ 1999માં એક મલયાલી અખબારે કેરળ પૂરતું આવું સર્વેક્ષણ કર્યું ત્યારે ઉભરેલું નામ નારાયણ ગુરુનું હતું : વાયકોમ પર્વમાં ગાંધીનું નારાયણ સ્મરણ એક સહસ્રાબ્દી પુરુષે બીજા સહસ્રાબ્દી પુરુષને આપેલી અનન્ય અંજલિ હતી.

જે કાળે બેછૂટ છુઆછુતને કારણે વિવેકાનંદને કેરળની ભૂમિ ગાંડાઓના આશ્રયધામ (લ્યુનેટિક એસાયલમ) જેવી લાગી હતી એની વચ્ચે નારાયણ ગુરુ આવ્યા અને એક નાત, એક ધર્મ, એક ઈશ્વર એવા ખ્યાલ સાથે કેમ જાણે છાઈ ગયા. શિવગિરિ જાતરાનો જે સમો એમણે બાંધી જાણ્યો એમાં ઊપસી રહેલાં વાનાં શિક્ષણ, સ્વચ્છતા, ખેતી, ઉદ્યોગ ને ટેકનિકલ ટ્રેઈનિંગ જેવાં હતાં. વિશેષતા એ રહી નારાયણ ગુરુની ધર્મચર્ચાની કે એમાંથી દેશનું સંભવત: પહેલું રેશનલિસ્ટ એસોસિએશન આવ્યું, અને એક તગડમસ્ત લેબર યુનિયન પણ!

વાયકોમ દિવસોમાં, એમ તો, કાઁગ્રેસમેન પેરિયાર પણ સત્યાગ્રહ સાથે હતા પણ એ મોળો લાગતાં ખસી ગયા હતા. જો કે એમની રીતે એમણે પૂરા કદનો જ વૈકલ્પિક વિમર્શ જગવ્યો એની વચાળે ગાંધી પરત્વે એમનો અભિગમ પ્રસંગે સલામત અંતર એટલો જ સટીક સમાદરનો રહ્યો.

આ ત્વરિત તવારીખી ટિપ્પણીમાં એક સાથે જે બધાં નામો દડી આવે છે, દોડી આવે છે, તે બધા મળીને ખરું જોતાં પ્રજાસત્તાક સ્વરાજને લાયક દલિત વિમર્શ માટેની સર્વાંગી ખોજમથામણનો ગોફ રચે છે. સમાજસુધારા વગર ચાલવાનું નથી. તે સંદર્ભે ધર્મશોધન કદાચ દુર્નિવાર છે. મહારાષ્ટ્રની ફુલે-આંબેડકર પરંપરા જુઓ. શિવાજી તો અમારા શુદ્રોના રાજા કહેતાં ફુલે અંગ્રેજી રાજને કારણે જે સમતાલક્ષી સંભાવના ઊભી થઈ એના કાયલ છે. આંબેડકર બૌદ્ધ બનવું પસંદ કરે છે, અને ક્યારેક વાઈસરોયની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ પર રહ્યા પછી એ તમને પ્રજાસત્તાક સ્વરાજના બંધારણના અગ્ર ઘડવૈયાઓમાં જોવા મળે છે.

પુના કરારે ગાંધી-આંબેડકર જેવા બે કથિત સ્પર્ધી ભેરુઓને એવા સાંકળ્યા છે કે ગાંધીસૂચને આંબેડકર નેહરુ-પટેલના બરકયા સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંડળ પર છે. આ તો પ્રમાણમાં જાણીતી વિગત છે. પણ ઇંદ્રાણીએ પતિ જગજીવન રામનાં જે સંસ્મરણો આલેખ્યાં છે એમાં નોંધ્યું છે કે ત્યારે દલિત છેડેથી કાઁગ્રેસ નેતૃત્વમાં ઉભરેલા જગજીવન રામ પણ આંબેડકર સાથી પ્રધાન હોય તેવું સૂચવવામાં હતા. જે અર્થમાં જગજીવન રામ સીધી સ્વરાજ લડતમાં હતા તે અર્થમાં આંબેડકર અલબત્ત નહોતા. પણ સમતા વગરની રાજકીય સ્વતંત્રતા અધૂરી છે એ સમજમાં તો બેઉ સાથે જ હતા ને.

પુના કરાર સાથે આંબેડકર રાષ્ટ્રીય સ્તરે ઊંચકાયા ત્યારે જગજીવન રામની રાજકીય કામગીરી ને કારકિર્દીની પણ માંડ શરૂઆત હશે. બિહારના આ તેજસ્વી છાત્રને માલવિયાજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ સારુ નિમંત્ર્યા, પણ જેમ સયાજીરાવ આંબેડકરને નિવાસ ન અપાવી શક્યા તેમ માલવિયાજી જગજીવન રામને છાત્રાવાસ ન અપાવી શક્યા. કલકત્તે જઈ ભણી ઊતર્યા ને ડિપ્રેસ્ડ લીગ તેમ કાઁગ્રેસ મારફતે સક્રિય બન્યા. એમણે ધર્માંતરમાં નહીં પણ ધર્મસુધારમાં ઉગાર જોયો. વ્યાપક સમાજ સાથે, સમતા મથામણ પૂર્વક પણ અનુબંધની ભૂમિકાએ એ સક્રિય હતા. કેન્દ્રીય પ્રધાનમંડળના એમનાં વર્ષો બાંગલા ઘટના વેળાએ સંરક્ષણ પ્રધાન તરીકે તેમ હરિયાળી ક્રાંતિના વારામાં કૃષિપ્રધાન તરીકે ઝળહળતાં છે. લઘુત્તમ વેતન ધારો તેમ જ કામદાર વીમા યોજના આદિનું શ્રેય એમને નામે ઇતિહાસ જમે છે.

કાંશીરામે આંબેડકરને ગુરુ કીધા તો કીધા, પણ આંબેડકર જો અલ્પસંખ્યક માત્રને પૂરા અધિકારે સજ્જ બનાવવામાં અગ્રતા જોતા હતા તો કાંશીરામ નાનામોટા અલ્પસંખ્યકોને એકત્ર કરી બહુસંખ્ય રાજનૈતિક ફતેહની રણનીતિમાં રમેલા હતા. આંબેડકરને માટે હિંદુ મટી બૌદ્ધ થવું એ અંતરતમની આરત હશે તો કાંશીરામ માટે આપણે સત્તા પર આવીએ અને બૌદ્ધ બનીએ તો રોલો પડી જાય એવું હશે. માયાવતી સર્વસમાજ ફોર્મ્યુલા સાથે મુખ્ય મંત્રીની પાયરીએ પહોંચ્યાં એ નિ:શંક એક વિક્રમ ઘટના હતી.

જો સહયોગપૂર્વક સમતાલક્ષી સ્વરાજ નિર્માણ અભીષ્ટ હોય તો કેવળ આંબેડકર છેડેથી અગર કેવળ જગજીવન રામ છેડેથી ચાલવાનું નથી. થોડી બાંધછોડ, થોડી સોરાબ-રુસ્તમી … અને તમે જુઓ, કેવોક ગોફ ગુંથાતો આવે છે!

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”;  25 માર્ચ 2026

Loading

શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

રમેશ ઓઝા|Opinion - Opinion|24 March 2026

રમેશ ઓઝા

યુદ્ધ અત્યારે નીચ, બેવકૂફ અને મરણિયા વચ્ચે ચાલી રહ્યું છે, જેમાં ત્રણ અઠવાડિયા પછી પણ મરણિયો સરસાઈ ધરાવી રહ્યો હોય એમ લાગે છે. સુજ્ઞ વાચકને નીચ, બેવકૂફ અને મરણિયાની ઓળખ આપવાની જરૂર તો નથી, છતાં જણાવી દઉં કે નીચ ઇઝરાયેલના શાસક બેન્જામીન નેતાન્યાહૂ છે, બેવકૂફ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ છે અને ઈરાનનું નેતૃત્વ મરણિયું છે. ઇતિહાસ કહે છે કે મરણિયા હંમેશાં ભરી પડે કારણ કે એની પાસે બચવા કે બચાવવા માટે કશું બચ્યું હોતું નથી અને તે પોતાના સહિત દરેક ચીજને સ્વાહા કરવા તૈયાર હોય છે. ઈઝરાયેલે ઈરાનના તેલમથકો પર હુમલો કર્યો એ પછી ઈરાને યુદ્ધને લશ્કરીમાંથી આર્થિક બરબાદીમાં ફેરવી નાખ્યું છે અને હવે જગતને શાસકોમાં હોવા જોઈતા સંયમ, સમજદારી અને સહિષ્ણુતાના ગુણોની કિંમતનો પરિચય થવા લાગ્યો છે અને જેને હજુ સુધી નથી થયો તેમને હવે થવાનો છે. ધીરજ રાખો, આપણે ત્યાં અંધભક્તોને પણ તેનો જલદી પરિચય થવાનો છે. મુસ્લિમપીડાનું વિકૃત સુખ મેળવવા માટે ક્યાં સુધી ખુવાર થતા રહેવાનું! 

પહેલાં નીચની વાત. 

ઇઝરાયેલ આર્થિક અને લશ્કરી રીતે સ્થિર થયા પછી, સ્થિર નહીં અખાતી દેશોમાં સરસાઈ મેળવી લીધા પછી તેનો બીજો એજન્ડા વિસ્તરવાનો હતો. મે ૧૯૪૮માં ઇઝરાયેલની સ્થાપના થઈ, ત્યારે તેનું ભૌગોલિક ક્ષેત્રફળ માત્ર ૧૪,૦૦૦ થી ૧૫,૦૦૦૦ ચોરસ કિલોમીટર હતું જે આજે ૨૨,૦૦૦ ચોરસ કિલોમીટર કરતાં વધુ છે, સાત દાયકા દરમ્યાન મોકો જોઇને ધીરે ધીરે ઇઝરાયેલે તેના કદમાં એક તૃતીયાંશ ક્ષેત્રફળનો વધારો કર્યો હતો. અમેરિકા અને યુરોપના દેશોમાં યહૂદીઓનું લોબિંગ અને મુસ્લિમ વિરોધી માનસિકતાના કારણે ઇઝરાયેલના વિસ્તારવાદનો બહુ વિરોધ નહોતો થતો. આ સિવાય ઇઝરાયેલ પાસે અસ્તિત્વ પર જોખમનું બહાનું તો રોજનું હતું. 

બેન્જામીન નેતાન્યાહૂ

બેન્જામીન નેતાન્યાહૂ ૨૦૨૧-૨૨નો દોઢ વરસનો અપવાદ છોડીને ૨૦૦૯ની સાલથી ઇઝરાયેલમાં શાસન કરે છે. ૨૦૦૯થી ૨૦૧૫-૧૬ સુધી તેમનો એ ચહેરો જોવા નહોતો મળ્યો જે આજે જોવા મળે છે. કારણ એ હતું કે દુનિયામાં હજુ ડાહ્યા લોકો શાસન કરતા હતા જેને એટલું ભાન હતું કે સ્વાર્થનું રાજકારણ પણ આસ્તે આસ્તે કરવું જોઈએ. યુનો હજુ વગ ધરાવતું હતું અને અમેરિકામાં બરાક ઓબામાં, ભારતમાં ડૉ મનમોહન સિંહ કે સિંગાપુરમાં લી જેવા શાસકો હતા જેના શબ્દોની કિંમત હતી. ગયા દશકના અંત ભાગમાં નેતાન્યાહૂને લાગવા માંડ્યું કે હવે ઇઝરાયેલ વિસ્તારવાદની ઝડપ વધારી શકે એમ છે. કારણ? ચારેબાજુ આત્મમુગ્ધ નેતાઓ સત્તામાં આવી રહ્યા છે જે પોતાનાં માટે, પોતાની વાહવાહી માટે શાસન કરી રહ્યા છે, વૈશ્વિક વ્યવસ્થાનો તેઓ પોતાના માટે ઉપયોગ કરી રહ્યા છે અને જો ઉપયોગ કરવામાં સાથ ન આપે તો તેને તોડી પાડવામાં પણ કોઈ શરમ કે સંકોચ અનુભવતા નથી. જે દેશોમાં આવા સાશકો નથી ત્યાં તેમને લલકારનારાઓ વીંગમાં ઊભા છે. ટૂંકમાં જગત એવા નેતાઓથી ગ્રસ્ત છે જેમાં રાજ્ય ભીંસમાં છે અને નિર્બળ બની રહ્યું છે. નેતા મોટો અને શક્તિશાળી અને રાજ્ય નિર્બળ. બીજી બાજુ ચીન અને રશિયા છે જેનું રાજ્ય મજબૂત છે અને તેના સાશકો દૂર રહી તક વીણતા રહે છે. નેતાન્યાહૂના ઇઝરાયેલને ચીન અને રશિયા તરફથી સીધો ખતરો નહોતો. 

નેતાન્યાહૂએ ઇઝરાયેલને વિસ્તારવાની ઝડપ વધારી. બૃહદ્દ ઇઝરાયેલ માટે ૮૫ હજાર ચોરસ કિલોમીટર સુધી વિસ્તરવાની તેની યોજના છે. ક્યાં ૧૯૪૮માં યુનો દ્વારા આકાર અપાયેલી બહુપક્ષીય સંમતી (સર્વસંમતી નહીં, મતલબ પૂરતી પેદા કરવામાં આવેલી સંમતી) સાથે ઇઝરાયેલને આપવામાં આવેલો ૧૪,૦૦૦ ચોરસ કિલોમીટર અને ક્યાં ૮૫ હજાર ચોરસ કિલોમીટર! આડખીલી હતી માત્ર ઈરાન અને ઈરાનના પ્રોક્સી. બીજા મુસ્લિમ દેશોની તેને ચિંતા નહોતી, કારણ કે એ બધા દેશોના શેખો તેલના ધંધામાં અમેરિકન કંપનીઓમાં ભાગીદાર છે. ભારતનાં અને જગતના મુસલમાનોએ અહીં સમજવું જોઈએ કે મુસ્લિમ શાસકો માટે ઇસ્લામ કરતાં ડોલર વધારે કિંમતી છે. ૧૯૭૯થી ઈરાનમાં અમેરિકાનાં અને અમેરિકનોના કોઈ હિતસંબંધ નથી. ઇઝરાયેલ અને યહૂદીઓના સંબંધનો તો કોઈ સવાલ જ નથી. આ સિવાય ઈરાન અણુશસ્ત્રો બનાવવામાં લગભગ કિનારે પહોંચી ગયું છે એમ પણ કહેવાય છે. જો ઈરાનને ખતમ કરવામાં આવે તો અખાતી દેશોની ૮૫ હજાર ચોરસ કિલોમીટર જમીન હડપી જવામાં ઇઝરાયેલને કોઈ રોકી નહીં શકે. નેતાન્યાહૂએ પહેલાં પ્રોક્સીઓને ખતમ કર્યા અને પછી ઈરાનને સીધું નિશાના પર લીધું. ઇઝરાયેલ જે કરે છે એ તેની લાંબા ગાળાની યોજનાના ભાગરૂપે કરે છે. 

હવે બેવકૂફની વાત. 

સ્વાર્થનું રાજકારણ પણ સમજી વિચારીને, જરૂરી ભૂમિકા બનાવીને, પ્રમાણમાં ગળે ઉતરે એવું બહાનું બનાવીને આસ્તે આસ્તે કરવું જોઈએ એટલી સમજ ધરાવતા શાસકો અમેરિકાને મળતા રહ્યા છે. જ્યોર્જ બુશ (જુનિયર) જેવા સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવતા પ્રમુખ પણ આટલી અક્કલ ધરાવતા હતા. અફઘાનિસ્તાન અને ઈરાકમાં તેમણે નાટો દેશોને સમજાવી પટાવીને સંડોવ્યા હતા. એવું નથી કે અમેરિકાના પૂર્વી શાસકો નીતિનિષ્ઠ હતા, તેઓ સમજદાર હતા. પણ ડોનાલ્ડ ટ્રમ્પ તો લાખોમાં એક છે. તેઓ અમેરિકા પર અમેરિકન પ્રજાના હિતમાં શાસન નથી કરી રહ્યા, પણ પોતાના માટે અને પોતાનાંઓના હિત માટે શાસન કરી રહ્યા છે. સવારે ઊઠીને પહેલો વિચાર એ કરે કે આજે એવું શું કરું કે જગતમાં સોપો પડી જાય. વાહ વાહ થાય. અને હા, પોતાને મદદ કરનારાઓને ફાયદો થાય. તેમને સભ્યતા અને સંસ્કાર સાથે તો લેવાદેવા નથી, સાતત્ય સાથે પણ લેવાદેવા નથી. એક જ દિવસમાં બે વાર પલટી મારે. તમને આશ્ચર્ય થશે યુદ્ધ શરૂ થયું ત્યારથી આ લખાય છે ત્યાં સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિષે સો કરતાં વધુ  નિવેદનો કર્યાં છે. જે મનમાં આવે એ બોલે.

ડોનાલ્ડ ટૃમ્પ

નેતાન્યાહૂએ વિચાર્યું કે જેવો જોઈએ એવો વરરાજો અમેરિકામાં ઘોડે ચડી ગયો છે. આ સિવાય બીજા દેશોમાં પણ આવા ઘોડે ચડેલા વરરાજાઓ છે જે આત્મમુગ્ધ છે અને પોતાની વાહવાહી થાય એવી હેડ લાઈન્સ શોધતા રહે છે. તેમણે મર્યાદાઓ આધારિત વૈશ્વિક વ્યવસ્થાની ઐસીતૈસી કરી નાખી છે અને ઘર આંગણે લોકતંત્રને કબજે કર્યું છે. વિરોધીઓને મેનેજ કરવા ધન જોઈએ અને ધન સારુ ક્રોની કેપિટલિસ્ટોની બેડી પણ તેમણે પહેરી લીધી છે. તેઓ કશું જ કરવાના નથી અને કરી શકે એમ પણ નથી. ઇઝરાયેલ માટે મોકળું મેદાન છે. 

ગયા જૂન મહિનામાં નેતાન્યાહૂએ અમેરિકાની મદદ સાથે ઈરાન પર હુમલો કર્યો. એ યુદ્ધ ૧૨ દિવસ ચાલ્યું અને ઈરાન અત્યારની જેમ જ ત્યારે ભારે પડ્યું હતું. એ યુદ્ધમાં અમેરિકા મદદગાર હતું, સીધું ભાગીદાર નહોતું એટલે ત્રીજા દેશ તરીકે યુદ્ધવિરામ કરાવવાની સ્થિતિમાં હતું. અમેરિકાએ બારમાં દિવસે યુદ્ધ રોકી દીધું અને ટ્રમ્પે ફરી એકવાર શાંતિ માટે નોબેલ પારિતોષિકનો દાવો કર્યો. ગણતરી એવી હતી કે ઈરાનનો મુકાબલો કરવાની તૈયારી કરવી, પ્રોક્સીઓની તાકાત હજુ વધુ તોડી નાખવી. આર્થિક રીતે ઈરાન બરબાદ થઈ ગયું છે એટલે પ્રજામાં અસંતોષ પેદા કરવો, એ દરમ્યાન ઈરાન સાથે વાતચીતનું નાટક કરવું અને એ પછી મોકો જોઇને પાછો હુમલો કરવો. ઈરાનને નેતૃત્વ પરિવર્તન માટે મજબૂર કરવું. આપણને અનુકૂળ કઠપૂતળીને બેસાડી દેવી. અમેરિકાને ઈરાનનું તેલ અને ગેસ મળે અને ઇઝરાયેલને વિસ્તરવા મળે. આગળ જતા વાસ્તવિકતાનો સ્વીકાર કરીને બૃહદ્દ ઇઝરાયેલને સંમતીની મહોર પણ મળે. આ બધું નેતાન્યાહૂએ ટ્રમ્પને સમજાવ્યું હતું અને ટ્રમ્પે સંકટ પેદા કર્યા પછી સંકટમાંથી બહાર નીકળવાનો પ્લાન બી વિચાર્યા વિના ઇઝરાયેલને ઇશારે ઝંપલાવ્યું. 

આ વખતે પણ ઈરાન ભારે પડી રહ્યું છે પણ અમેરિકા સીધું ભાગીદાર છે એટલે ટ્રમ્પબાબા યુદ્ધવિરામ કરી શકે એમ નથી. ઈરાનને યુદ્ધવિરામ માટે કાં તો મજબૂર કરવું પડે અથવા સમજાવવું પડે. જો પોતે યુદ્ધવિરામ જાહેર કરે તો એ પરાજય ગણાય. બીજી સમસ્યા એ છે કે અમેરિકન પ્રજા અને પોતાના પક્ષના સમર્થકો સવાલ પૂછી રહ્યા છે અમેરિકા યુદ્ધમાં ભાગીદાર બન્યું શા માટે? આ તો ઈરાનનું યુદ્ધ છે એમાં અમેરિકાને સીધો કૂદકો મારવાની શી જરૂર હતી? વિવિધ સર્વે મુજબ ચારમાંથી ત્રણ અમેરિકન યુદ્ધનો વિરોધ કરે છે. 

બન્યું છે એવું કે ઇઝરાયેલ અને અમેરિકાની ગણતરી ઊલટી પડી. ઈરાનના ધાર્મિક નેતા ખોમૈનીએ બંકરમાં છૂપાવાની ના પાડી અને શહીદ થવાનું વધારે પસંદ કર્યું. ઇઝરાયેલ-અમેરિકાએ ખોમૈની સહિત વિવિધ મહત્ત્વનાં પદ ધરાવતા ડઝનબંધ વરિષ્ઠ નેતાઓને કે શાસકોને મારી નાખ્યા. આને કારણે હજુ મહિના પહેલા ઈરાની શાસકોની સામે રસ્તા પર ઉતરેલી પ્રજા ખોમૈની માટે માતમ કરવા રસ્તા પર ઉતરી. ખોમૈનીની શહાદતે ઈરાનીઓને જોડવાનું કામ કર્યું. ટૂંકમાં સત્તાધારીઓ અશક્ત બનવાની જગ્યાએ શાસકોની શહાદતનાં કારણે સશક્ત થઈ ગયા. ઓછામાં પૂરું ઇઝરાયેલે ઈરાની શાળા પર હુમલા કર્યા જેમાં દોઢસો કરતાં વધુ બાળકોનાં મોત થયાં. સત્તાપરિવર્તન તો બાજુએ રહ્યું ઈરાની પ્રજા સત્તાધારીઓને પડખે ઊભી રહી ગઈ.

આપણે વાત બેવકૂફની કરી રહ્યા છીએ. સવાલ એ છે કે અમેરિકા યુદ્ધમાં પ્રવેશ્યું શા માટે? આ વખતે સીધું ભાગીદાર છે એટલે યુદ્ધવિરામ પણ કરી શકે એમ નથી? શી જરૂરત પડી? કેટલાક લોકો કહે છે કે એપ્સ્ટીન ફાઈલ્સમાં ટ્રમ્પની જાતીય વિકૃતિઓની વિગતો બહાર આવી છે અને હજુ વધુ ફાઈલો ખૂલવાની છે એને કારણે ટ્રમ્પ ઇઝરાયેલના ઇશારે ઇઝરાયેલ કહે એ કરવા મજબૂર છે. એપ્સ્ટીન ઇઝરાયેલની જાસૂસી સંસ્થા મોસાદ માટે કામ કરતો હતો એમ પણ કહેવાય છે. મને એમ નથી લાગતું. એ શક્ય છે અને એ પણ એક કારણ હોઈ શકે, પણ મુખ્ય કારણ બેવકૂફી અને ઉપરથી અભિમાન તેમ જ ચારિત્ર્યહીનતા છે. બેવકૂફ જો નીચ હોય અથવા નીચ બેવકૂફ હોય અને ઉપરથી પોતાને અતિશય પ્રેમ કરનાર આત્મમુગ્ધ હોય તો એ કોઈનો ઝાલ્યો રહેતો નથી. એવા લોકો સાહસ કરી જ બેસે. દૂરનું જોવું અને દૂરનું વિચારવું એ બે ચીજ એવી છે જે માણસને આપોઆપ સંયમી બનાવે. ટ્રમ્પબાબા એટલા માટે કૂદી પડ્યા કે તેમને જે યુદ્ધ જીતવું આસાન લાગતું હતું તેનો જશ નેતાન્યાહૂ ન લઈ જાય! જુઓ મેં ઈરાનને પાઠ ભણાવ્યો જેને ૧૯૭૯થી અત્યાર સુધીમાં સત્તામાં આવેલા કોઈ પણ પ્રમુખ નહોતા કરી શક્યા. મૈંને કિયા. ‘ખીચડી’ નામની સિરિયલના પ્રફુલ્લની માફક ‘બાબુજી મૈને કિયા’. 

હવે મરણિયાની વાત

ઈરાન શિયા મુસ્લિમ બહુલ દેશ છે એટલે સુન્ની મુસ્લિમ દેશો સાથે તેનો મધુર સંબંધ ક્યારે ય નહોતો. ૧૯૭૯માં ઈરાનમાં ઇસ્લામી ક્રાંતિ થઈ અને ૬૬ અમેરિકનોને ૪૪૪ દિવસ સુધી બાનમાં રાખ્યા ત્યારથી ઈરાનની અમેરિકા સાથે દુશ્મની છે. અમેરિકાના ઇશારે ઈરાકે ઈરાન સામે યુદ્ધ કર્યું. એ યુદ્ધ આઠ વર્ષ ચાલ્યું જેમાં ઈરાન સારી રીતે ખુવાર થયું હતું. ઈરાને સ્વબચાવ માટે અણુ કાર્યક્રમ હાથ ધર્યો તો અમેરિકાએ તેનો વિરોધ કરીને પ્રતિબંધો મૂક્યા. બે દાયકાથી ઈરાન લશ્કરી તેમ જ વાણીજ્ય વ્યાપારમાં પ્રતિબંધિત છે અને તેને કારણે પણ ઈરાન અંદરથી તૂટી ગયું છે. ઉત્તર ઈરાનમાં કુર્દ નામનાં કબીલાઈ લોકો ઈરાન સામે સંઘર્ષ કરી રહ્યા છે. 

હવે કલ્પના કરો કે ઈરાનની જગ્યાએ બીજો કોઈ દેશ હોય તો આટલાં સંકટોનો સામનો કરતા રહીને ચાર દાયકા સુધી ટકી રહે ખરો? દેશમાં અરાજકતા પેદા થાય અને અંદરથી સડેલાં ફળની માફક ખરી પડે. પણ ઈરાનની બાબતમાં એવું બન્યું નથી. શા માટે? યુદ્ધખોરોએ આ પ્રશ્ન યુદ્ધ કરતાં પહેલા પોતાને પૂછવો જોઈએ. એવું શું છે ઈરાનમાં કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ૬૬ નાગરિકોને ૪૪૪ દિવસ સુધી બંધી રાખે? એવું શું છે ઈરાન પાસે કે અમેરિકા સામે ૧૯૭૯(૪૭ વરસ)થી ઝીંક ઝીલી રહ્યું છે? એવું શું છે ઈરાનમાં કે ઈરાક સામે (ઈરાક તો પ્રોક્સી હતું, અમેરિકા સામે) આઠ વરસ લડીને પણ અડીખમ ઊભુ રહ્યું. એવું શું છે ઈરાનમાં કે અમેરિકાના વિરોધ છતાં ય અણુ કાર્યક્રમ અમલમાં મૂક્યો અને આજે અણુ બોંબ બનાવવાની નજીક પહોંચી ગયું હોવાનું કહેવાય છે. એવું શું છે ઈરાનમાં કે ૧૯૭૯થી (વચ્ચે બે-પાંચ વર્ષના બે ત્રણ અપવાદ છોડીને) અમેરિકન અને અમેરિકાના મિત્ર દેશોના આર્થિક અને અન્ય પ્રતિબંધો છતાં ઈરાન હજુ સુધી અડીખમ છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે. એવું શું છે ઈરાનમાં કે એ તૂટતું નથી?   

એક કારણ તો એ છે કે અખાતી મુસ્લિમ દેશોમાં ઈરાન એક માત્ર એવો દેશ છે જેની પ્રાગ ઇસ્લામિક અસ્મિતા પ્રબળ છે. ઈરાન શબ્દનો અર્થ જ આર્ય થાય છે. મામુલી પરિવર્તન સાથે કોઈ ભાષા જો બે હજાર વરસથી એકધારી વપરાશમાં હોય તો એવી વિશ્વની બે-ત્રણ ભાષામાં એક પર્શિયન ભાષા છે. જેની હયાતી પ્રબળ હોય એની જિજીવિષા પણ પ્રબળ હોય. તો આ એક કારણ થયું. બીજું કારણ એ કે એકલા પડી ગયેલા કે પાડવામાં આવેલા ઈરાન પાસે ટકી રહેવા માટે ભૂખ્યા રહીને પણ લશ્કરી તૈયારી કરવા સિવાય કોઈ છૂટકો નહોતો. માર્યા વિના મરશું નહીં એ ઈરાનનો રાષ્ટ્રમંત્ર છે. ઈરાન પાસે તેલ છે અને ઈરાન એ તેલ ચીનને (ભલે સસ્તે ભાવે) વેચીને પૈસા કમાય છે. અમેરિકાના પ્રતિબંધને ચીન ગણકારતું નથી અને અમેરિકા ચીન સામે કાંઈ કરી શકતું નથી. રશિયા પાછળ રહીને ઈરાનને લશ્કરી મદદ કરે છે. પણ આ બધાં કારણોમાં મુખ્ય કારણ બે છે : એક પ્રબળ હયાતીની પ્રબળ જિજીવિષા અને બીજું માર્યા વિના મરશું નહીં એવો રાષ્ટ્રમંત્ર. મરવાનું હશે તો મરીશું, પણ દુશ્મનને મારીને. ટ્રમ્પ બાબા અને તેમના જેવા જ તેમના સહાયકોએ (જેવો વરરાજા એવા જાનૈયા) આ બધું વિચાર્યું નહોતું એટલે સંકટ પેદા કરીને તેમાંથી નીકળવું કઈ રીતે તેનો પ્લાન બી બનાવ્યો નહોતો. 

અમેરિકા-ઇઝરાયેલે ઈરાની નેતૃત્વ પર હુમલો કર્યો અને તેમને મારી નાખ્યા ત્યારે ગણતરી એવી હતી કે ઈરાન અંદરથી વિખરાઈ જશે, પણ એવું બન્યું નહીં. હવે શું કરવું? ઇઝરાયેલે ઈરાનનાં તેલમથકો પર હુમલા કર્યા. ગણતરી એવી હતી કે તેલ જો ઈરાનને ટકાવી રાખતું હોય તો એ કમર તોડી નાખીએ. મને એમ લાગે છે કે જેમ હિટલરે રશિયા પર હુમલો કરવાની છેલ્લી ભૂલ કરી હતી એમ નેતાન્યાહૂની આ છેલ્લી ભૂલ હતી. લશ્કરી યુદ્ધ તેલયુદ્ધમાં ફેરવાઈ ગયું. હવે ઈરાન મરણિયું થઈ ગયું છે. તમને અને ચૂપ રહીને તમાશો જોનારી આખી દુનિયાને ડૂબાડીને ડૂબીશું. જગત બળતણનાં સંકટનો સામનો કરી રહ્યું છે. 

હવે શું થશે? કોઈ કશું જ કહી શકે એમ નથી. જવાહરલાલ નેહરુ જેવો કોઈ અવાજ પણ નથી જેની વાત જગત સાંભળે. આશ્ચર્યની વાત છે કે અમેરિકાના ચાર ચાર વિદ્યમાન ભૂતપૂર્વ પ્રમુખો તેના ગાંડા અનુગામીએ અમેરિકાને કારણ વગર યુદ્ધમાં હોમી દીધું પણ એ છતાં ય કશું બોલતા નથી. ચીન અને રશિયા પાછળ રહીને ઈરાનને મદદ કરે છે અને અમેરિકાને પાયમાલ થતું જુવે છે. અખાતી દેશો અને અમેરિકાના મિત્ર દેશો ટ્રમ્પની ગુહાર છતાં ય અમેરિકાને મદદ કરવા આગળ આવતા નથી. ઇઝરાયેલ વિસ્તરવાની તક છોડવા માગતું નથી અને ઈરાન મરીને મરવા તૈયાર છે. આમાં સપડાયેલું છે અમેરિકા. 

તો લેસન એ છે કે શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ, પોતાની જગ્યાએ દેશહિતનું વિચારતો હોવો જોઈએ. આત્મમુગ્ધ અભિમાની અને ગાંડા શાસકો દેશની આવી દશા કરે. હવે પછી થશે શું ખબર છે? હવે પછી જગતમાં અમેરિકાની એ વગ અને પ્રતિષ્ઠા નહીં હોય જે ઈરાન સાથે યુદ્ધ કરતાં પહેલાં હતી. ઈરાન કેસરિયા કરી રહ્યું છે અમેરિકા આત્મઘાત.     

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 022 માર્ચ 2026

Loading

આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 

આશા બૂચ|Opinion - Opinion|23 March 2026

પોણા ભાગના દેશો સીધી કે આડકતરી રીતે વર્તમાન સમયમાં ચાલતા યુદ્ધમાં જોડાઈ ગયા છે.

સવાલ એ છે કે આ બધી લડાઈઓ જરૂરી હતી? આ યુદ્ધ કોણ અટકાવશે?

જંગ છેડવાનો નિર્ણય કોણ લે? પહેલાના જમાનામાં રાજાઓ અને તેના વઝીર નક્કી કરતા. કાં તો પોતાના રાજ્યની સીમા પર ચડી આવતા બીજા રાજાને રોકવાનો અથવા પોતાના રાજ્યના સીમાડા વધારવાનો હેતુ રહેતો. હા, એ લોકો પણ મિત્ર રાજ્યોને કુમક જરૂર મોકલતા.

રાજાશાહીનું સ્થાન કહેવાતી લોક્શાહીએ લીધું. હવે ‘સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે’ એવું રણશિંગુ ફૂંકવાનું માન જે તે દેશના પ્રેસિડેન્ટ કે વડા પ્રધાનને મળે છે.

યુદ્ધ શરૂ કરવાનો દોષ બસ એક, બે કે ત્રણ પ્રેસિડેન્ટ કે વડાmપ્રધાનને જ આપી શકાય, પણ તેને ટેકો આપવા માટે અસંખ્ય લોકો જવાબદાર ઠરે.

લડાઈને સંભવ બનાવનાર લોકોની તો બહુ મોટી સાંકળ હોય છે.

એના મૂળથી જ શરૂઆત કરીએ. શસ્ત્રો બનાવવા માટે કાર્બન અને સ્ટેઇનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને મિશ્ર ધાતુઓ, કાંસુ અને પિત્તળ, સીસું અને ટાઇટેનિયમ જેવી ધાતુઓની જરૂર પડે. ઉપરાંત વધુ આધુનિક (એટલે કે વધુ વિધ્વંસક) શસ્ત્રો બનાવવા માટે પોલિમર્સ અને કાર્બન ફાઇબર પણ આવશ્યક માલ ગણાય. અને હા, કાચ અને લાકડા જેવો સાધારણ કાચો માલ તો જોઈએ જ પરંતુ અણુશસ્ત્રો બનાવવા યુરેનિયમ અને પ્લુટોનિયમ મેળવવા પણ અનિવાર્ય ગણાય. (શરત એટલી કે તમે ઇસ્લામિક દેશના ન હોવા જોઈએ.). હવે આ ધાતુઓ અને અન્ય કેમિકલ્સની ખાણ અને ફેકટરીઓમાં કામ કરનાર મજૂરો અને કામદારો જો માલિકોને કહે કે આ તમામ કાચા માલનો ઉપયોગ માનવ જીવનને સુગમ બનાવવા, તેને સુરક્ષિત રાખવા અને વિકસિત કરવા વાપરી શકાય છે એ અમે જાણીએ છીએ; માટે જેટલા પ્રમાણમાં આ ધાતુઓ દેશની ‘સુરક્ષા’ એટલે કે જો કોઈ દેશ તમારી સીમા પર આક્રમણ કરે તો માત્ર અને માત્ર સ્વબચાવ માટે જરૂરી એટલાં શસ્ત્રો પૂરતો જ ધાતુનો પુરવઠો તમને આપીશું, બાકીનો તેના માનવહિતના ઉપયોગ માટે સંસાધનો બનવનારાને આપીશું. તો કાચા માલના અભાવમાં આધુનિક શસ્ત્રોની સંખ્યા આપોઆપ ઓછી થઇ જાય અને મિ. ટ્રમ્પ ‘ચિંતા ન કરો, અમારી પાસે અખૂટ શસ્ત્ર ભંડાર છે, અમે ભૂમધ્ય પ્રદેશના બધા દેશોને ખતમ કરી કાઢશું.’ એમ ન કહી શકે.

આ સાંકળનો બીજો મણકો છે નિત નવીન શસ્ત્રાસ્ત્રો બનાવવા સંશોધન કરનારી અને બનવનારી ખાનગી તેમ જ સરકારી કંપનીઓ. BAE, લોકહીડ માર્ટિન, નોરથોર્પ ગ્રૂમન વગેરે જેવી કંપનીઓમાં કામ કરતા કામદારો, એન્જિનિયર્સ, ઇન્સ્પેકટર્સ વગેરેને કોઈ દિવસ વિચાર નહીં આવતો હોય કે મારા ભાણામાં જે રોટલો આવે છે એ તો અન્યનો નાશ કરે તેવાં સાધનો બનાવવામાંથી મળે છે? આ જ હાથથી હું વાહનનોના પાર્ટ્સ, મકાન માટે જરૂરી મશીનો વગેરે ન બનાવી શકું? અત્યાર સુધી અમેરિકા, રશિયા, યુરોપ અને દક્ષિણ કોરિયા જેવા દેશો આ ઉદ્યોગમાં આગેવાની કરતા હતા, પરંતુ ભારતમાં પણ સરકારી તેમ જ ખાનગી કંપનીઓ શસ્ત્ર ઉત્પાદનમાં મોટો ફાળો આપી રહી છે. (‘અહિંસા પરમો ધર્મ’ એ આપણા ધર્મનો મુખ્ય મંત્ર છે એ વાત હમણાં નહીં યાદ કરવાની). હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ, જેવી કંપનીઓ ઉત્પાદન કરે અને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વધુ સંહારક અને અચૂક નિશાનબાજ શસ્ત્રો માટે સંશોધન અને ડિઝાઈનનું કામ કરે. કેવો સહકારી ઉદ્યોગ! તો આ બંને ઉદ્યોગોમાં કામ કરતા વૈજ્ઞાનિકો, નિષ્ણાત એન્જિનિયર્સ વગેરે સુરક્ષા મંત્રાલયને જરૂર કહી શકે કે અમારા શસ્ત્રાસ્ત્રોના તમામ સંશોધન અને ઉત્પાદન અમે માત્ર ‘આપણા’ દેશની સુરક્ષા માટે જ આપીશું. અને પછી જુઓ કે આ વિશ્વયુદ્ધ છેડવાની કોની હિંમત થાય છે.

શસ્ત્રો અને હવે તો જેને ‘War intelegence’ કહેવામાં આવે છે એ કમ્પ્યુટર ટેક્નોલોજી વગેરેની લે-વેચ કરનારી કંપનીઓ તો યુદ્ધ કરવા માટે બહુ મોટે પાયે જવાબદાર છે. યુ.એસ.એ., રશિયા, ચીન અને યુરોપના ઘણા દેશોની કંપનીઓ લડાયક વિમાનો, મિસાઇલસ અને સંરક્ષણ માટેની ટેક્નિક પણ વેંચવાનું કામ કરે છે. એ મોતના વેપારમાંથી મહાકાય કંપનીઓ લખલૂટ ધન કમાય છે. એકાદ ઉદાહરણ આપવું પૂરતું થઇ રહેશે; લોકહીડ માર્ટિન વર્ષે દહાડે 60 બિલિયન યુ.એસ. ડોલર કમાય છે. શસ્ત્રોના વેપાર કરનારી કંપનીઓમાં કામ કરતા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરથી માંડીને નાનામાં નાના વહીવટ કર્તાને દુનિયામાં બીજો કોઈ વ્યવસાય નહીં મળ્યો હોય કે આવા મહાન સંહારક શસ્ત્રોની લે-વેચનો ધંધો કરે છે? શસ્ત્રોના વેચાણ-ખરીદીમાં ભાગીદાર તમામ કર્મચારીગણ અને તેના વડાઓ રાજકીય નેતાઓને ટેકો આપવાનું બંધ કરે તો યુદ્ધ સંભવ જ નહીં બને.

પુરાણ કાળમાં સૈનિકોને રણસંગ્રામમાં સામસામે લડાઈ કરવા મોકલવામાં આવતા હતા. પોતાના પતિ અને પુત્રોને ગુમાવવાનું પોસાય નહીં એટલે હવે લડાયક વિમાનમાંથી મિસાઈલ ફેંકીને કામ પતાવાય છે. તેમાં પણ વિમાન પર હુમલો થવાથી જાનહાનિ થવા લાગી. હવે પ્રગતિ થઈ, ડ્રોનથી ઘેર બેઠા ‘ટાર્ગેટ’ પર રિમોટ કંટ્રોલથી મિસાઈલ મોકલીને થોડી મિનિટોમાં વધુ નાગરિકો – જેમાં મુખ્યત્વે બાળકો, સ્ત્રીઓ, વૃદ્ધો – કે જેને આ યુદ્ધ સાથે કોઈ લેવા દેવા નથી હોતી તેમનો નાશ કરી શકાય. રશિયા અને અમેરિકાએ દુનિયાના ઘણા દેશોમાં શાસકો બદલીને ત્યાં ‘શાંતિ’ (કે અશાંતિ?) સ્થાપવાનો ઠેકો લીધો છે એટલે બીજા વિશ્વયુદ્ધ બાદ જે દેશ પાસે પૂરતાં શસ્ત્રો ન હોય એ દેશો પ્રત્યે અનુકંપાથી પ્રેરાઈને મદદ કરવા આવી જ પહોંચે. તો એ દેશોની પ્રજામાં એટલી હામ કેમ નથી કે પોતે ચૂંટીને મોકલેલા મંત્રી, વડા પ્રધાન કે પ્રેસિડેન્ટને પોતાની ફરજનું ભાન કરાવે અને આ માનવ સંહાર રોકવા સામૂહિક અસહકારની ચળવળ શરૂ કરે?

આજથી બે વર્ષ પહેલા દુનિયા આખીના દેશોએ આ યુદ્ધ પાછળ 2.7 ટ્રિલિયન યુ.એસ. ડોલર ખર્ચ્યા હોવાનો અંદાજ છે. (એક ટ્રિલિયનમાં કેટલા શૂન્ય હોય એ મને ખબર નથી પણ ગણ્યા ગણાય નહીં એટલા તો ખરા જ). મોટા ભાગના દેશોમાં સંરક્ષણનું બજેટ તેના સ્વાસ્થ્ય, માળખાંકીય વ્યવસ્થા, શિક્ષણ અને સમાજ સુરક્ષાના અંદાજનો સરવાળો કરો તેનાથી પણ વધી જાય! વિજ્ઞાન, સંશોધન, વિદેશી સહાય, પર્યાવરણ સુરક્ષા કે માનવ હિતને ઉપયોગી ટેકનોલોજી પર ધન ખર્ચવાને બદલે યુદ્ધ સામગ્રી પર આટલો ખર્ચ થાય એ દેશની પ્રજા શાંત કેમ બેસી રહે?

આખી દુનિયા ‘સંરક્ષણ’ પાછળ ખર્ચ કરે છે તેના 60% ખર્ચ અમેરિકા, રશિયા, ચીન , જર્મની અને ભારત ભોગવે છે, કે જે કોઈ પણ રાજ્યની નાણાંકીય અગ્રતાક્રમને અતિક્રમી જાય છે. અહીં સવાલ જરૂર થાય કે કયા દુ:શ્મનથી ‘સંરક્ષણ’ કરવા આટલો જાલિમ ખર્ચ કરવાનું વ્યાજબી ઠરે? યુક્રેઇન રશિયાની જમીન પચાવી પાડીને તેનાં ઢોર ઢાંખર ઓળવી ગયું હતું? ઈરાન ઇઝરાયેલના ખેતરોમાંથી પાક ઉઠાવી લઇ ગયું? આપણી આવનારી પેઢી આપણને નીચે આપ્યું છે એ વિધાન માટે સવાલ કરશે. શું જવાબ આપશું? કોસ્ટારિકા પાસે લશ્કર નથી, કયા દેશે તેના પર આક્રમણ કર્યું? એ દેશે કોના સંહારમાં ભાગ પડાવ્યો?

સ્વીકારવું અઘરું થઈ જાય પણ યુદ્ધના કેટલાક આડકતરા ફાયદા પણ છે. લડાઈને પુષ્ટિ આપવા ટેક્નોલોજી અને મેડિકલ ક્ષેત્રમાં ઘણા સંશોધન થયા જે લાંબે ગાળે શાંતિના સમયમાં રોજિંદા જીવનને સુરક્ષિત અને નિરોગી બનાવવામાં લાભદાયી પણ થયા. કેટલાક કિસ્સાઓમાં સમાજને આર્થિક ફાયદો પણ થતો હોય છે અને રાજકારણમાં પણ ઇચ્છિત બદલાવ આવતો હોય છે, જેમ કે દમનકારી શાસનનો અંત અને મહિલાઓની વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી. જો કે સામે પલ્લે માનવોની જાનહાનિ અને  સામાજિક અને આર્થિક પાયમાલીનો હિસાબ મૂકીએ તો એનું પલ્લું જ નમે એ નિઃશંક છે.

યુદ્ધના આ આંગળીને વેઢે ગણાય એવા ફાયદાઓની તોલે માનવજાતને ભારે કિંમત ચૂકવવી પડે છે એ કેમ ભુલાય? સૈનિકો અને હવે તો અગણિત સંખ્યામાં જાન ગુમાવતા નાગરિકો, તેમના પરિવાર જનો અને પૂરા સમાજને ભારે ખોટ અને નુકસાન ભોગવવા પડે. શારીરિક અને માનસિક આઘાતથી પેઢીઓ સુધી જનતા સબડે, દેશને ટકાવી રાખનાર અને સંચાલિત કરતા માળખાનો નાશ થાય, પર્યાવરણની સુરક્ષા પર આવતી કટોકટી અને લાંબા ગાળા સુધી બેઠા ન થઇ શકાય તેવી આર્થિક પાયમાલી થાય એ કંઈ નાનુંસૂનું નુકસાન નથી.

લડાઈની માનવ અને માનવેતર જીવો પર બુરી અસરો તો રામાયણ અને મહાભારત કાળમાં થયેલ યુદ્ધ સમયે પણ પડી હતી. ત્યારે ઘોડા અને હાથી મરાયા હશે, ખેતરો રોળાઈ ગયા હશે, પાકને નુકસાન થયું હશે. સૈનિકો મરાયા અને ઘવાયા હતા એ ખરું. પણ તલવારના ઘાથી કેટલાકને મારી શકાય? અને એ સૈનિક સામા રાજ્યના સૈનિકને હણી શકતો. મિસાઈલ અને બૉમ્બ કેટલા હજારને મારી શકે? એ દુ:શ્મન દેશના સૈનિક + રસ્તે ચાલતા નાગરિકો + શાળામાં ભણતા વિદ્યાર્થીઓ + હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ એવી તમામ નિર્દોષ પ્રજાને ખતમ કરી નાખે. આધુનિક ‘એડવાન્સ’ શસ્ત્રો જમીનનો રસકસ ચૂસી લે, હવામાં ઝેર ફેલાવે, પાણી અને ખોરાકને પ્રદૂષિત કરી મૂકે, જંગલો બરબાદ થઇ જાય, ઝેરી ગેસના ફેલાવા દાયકાઓ સુધી જનતાને રંજાડે અને ગ્રીન હાઉસ ગેસની જોખમી અસરો પેઢી દર પેઢી ભોગવવી પડે. પૂછો હિરોશિમા અને નાગાસાકીના માનવ સંહારમાંથી બચી જવા પામેલી જનતાને. અશ્મિભૂત ઇંધણ અને બીજા કુદરતી સંસાધનોનો લખલૂટ ઉપયોગ યુદ્ધોમાં થાય છે એ આપણે સહુ જાણીએ છીએ, તો પણ યુદ્ધ નિવારવાના કે અટકાવવાના કોઈ પ્રયાસ કેમ થતા નથી? જ્યાં સુધી યુદ્ધની નીતિ ઘડનારા અને હુકમ આપનારા અને શસ્ત્રો બનવનારા લોકોના પરિવાર જનો જાન નથી ગુમાવતા ત્યાં સુધી આ સંહાર ચાલુ રહેશે.

જાનહાનિના આંકડા તો માત્ર બે પગે ચાલતા અને બોલી શકતા માનવીઓની વાત કરે છે. જળ, આકાશ અને જમીન પર રહેતાં પ્રાણી માત્ર, જેની વાચા આપણે સમજી નથી શકતા તેના વિનાશનો કોણ વિચાર કરશે? NATO, U.N, Red Cross, યુનિસેફ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનો રચાયાં, શું કરે છે એના સભ્ય દેશો આ આગ ઓલવવા? ઊલટાનું હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે આજે હારેલા દેશો વધુ શસ્ત્રો બનાવીને લડશે અથવા આતંકવાદીઓ પેદા કરીને બદલો વાળશે અને 20/25 વર્ષમાં બીજી લડાઈ શરૂ થશે.

યુદ્ધનો વિચાર માનવ મનમાં પેદા થાય છે. યુદ્ધ ખેલવા માટે ‘બીજા’ લોકો માટે નફરત અને ધિક્કારની લાગણી હોય તો જ તેના હાથ શસ્ત્રો ઉગામે. માનવ મનમાં અન્ય જાતિ કે દેશ વિરુદ્ધ મતભેદ, અણબનાવ અને સંઘર્ષ પહેલાં મુઠ્ઠીભર માણસોના મનમાં જાગે, એ લોકો તેનો પ્રચાર-પ્રસાર કરે અને એ ઝઘડા અને હિંસક લડાઈમાં પ્રગટ થાય. મોટા ભાગની લડાઈ અમારા દેશમાં બીજા લોકો અણહક્કના પેસી જશે, અમારો ધર્મ અભડાઈ જશે, અમારી રોજી રોટી છીનવાઈ જશે, અમારાં પ્રાકૃતિક સાધનો ઝુંટવાઈ જશે એવા ભયથી અથવા તો બીજાની જમીન પર કબજો મેળવવાની, બીજાના ધર્મનું નામોનિશાન મિટાવવાની વિકૃત મહેચ્છાઓથી પ્રેરિત થતી હોય છે. અને એ પ્રકારનો ભય ફેલાવવાનું કામ જે તે દેશના શાસકો જ કરતા હોય છે એ આપણે ક્યાં નથી અનુભવતા? તો હવે આવી મનોવૃત્તિથી મુક્ત એવા ‘માનવ’ અને ‘વિશ્વ નાગરિક’ ઘડવાનો સમય આવ્યો છે.

સામાન્ય રીતે સત્તારૂઢ વ્યક્તિઓ અને પક્ષો ભૂતકાળમાં બનેલી ઘટનાઓ, સહેવા પડેલા અન્યાયો વગેરેને કારણે લોકોમાં ઉદ્દભવેલી વેર ભાવના સતત પ્રજ્વલિત રાખતી હોય છે. જનતા એવા નેતાઓ કરતાં વધુ શાણી હોય છે. જનતાએ પોતાના સામૂહિક શાણપણમાં હિંમત ભેળવીને અવળે રસ્તે ગયેલા નેતાઓને સાચો માર્ગ બતાવવાનો રહે છે.

બીજા વિશ્વયુદ્ધ પછી 1946માં બાળકોના અધિકારોની સુરક્ષા કરવા, તેમના સ્વાસ્થ્યની બાંહેધરી આપવા, તેમને પોષક આહાર અને રોગપ્રતિકારક રસી પૂરી પાડવા અને કટોકટીના સમયમાં રાહત પૂરી પાડવા માટે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડની રચના કરવામાં આવી.  કરુણતા તો જુઓ, યુનિસેફ દ્વારા આજે આ વીડિયો તૈયાર કરવામાં આવી છે. (જેની લિંક નીચે સામેલ છે). એ બાળ કલાકારો દર્દભર્યા સૂરોમાં સવાલો પૂછે છે તેનો સારાંશ:

“કોઈ માણસ મોત નથી ચાહતું એ તો નિશ્ચિત છે, તો અમને કહેશો આ લડાઈ શા માટે કરો છો? મિ. પ્રેસિડન્ટ, હું જાણું છું કે તમે બાહોશ વ્યક્તિ છો, તો મને સમજાય એવા શબ્દોમાં કહેશો કે આ પૃથ્વી ઉપર કોઈ મા પોતાના વહાલા બાળકને રણઆંગણમાં ગુમાવવા નથી ઇચ્છતી તો આ સૈનિકો શા માટે એક કતારમાં માર્ચ  કરતા હોય છે? શા માટે તેઓ બીજાને ભયભીત કરવા અને જાન લેવા તત્પર થાય છે? હું આપને વધુ એક વખત પૂછું છું, આ યુદ્ધ શા કારણે કરો છો? મિ. પ્રેસિડેન્ટ, હું માત્ર નવ વર્ષનો છું, પણ મને જંગલમાં પણ મિસાઈલ અને ટેન્કનો ભય લાગે છે. આપ અમને કહો છો કે સાયરન વાગે ત્યારે બંકરમાં છુપાઈ જાઓ, પણ એ લડાઈના કારણની મને જાણ નથી. જ્યારે ફાયર બૉમ્બ અને રોકેટ આકાશમાંથી વર્ષે છે ત્યારે કેટલા લોકોના જાન જાય છે એ જાણો છો? તમને નાના બાળકોનાં રુદન સંભળાય છે? લોકો સામસામે આવી જાય છે, જો તક મળે તો તેઓ એકબીજાના મિત્રો થઈ શકે, પણ એ તક મળે તે પહેલાં તેઓ એકબીજાને ઠાર કરે છે. આ કેવી મુર્ખામી ભરી વાત છે? મને કહો, આ લડાઈ કયા કારણ સર લડો છો? દુનિયામાં વસતા અબજો લોકોને પૂછ્યું કે આ લડાઈ તમારી મુશ્કેલીઓને હળવી બનાવશે? કે માત્ર તમારા મળતિયાઓને આ યુદ્ધમાંથી તેઓ કેટલું ધન કમાશે એ પૂછ્યું જેથી ધિક્કારના બીજ વાવીને પોતાની પત્ની માટે એ લોકો હીરા જવેરાત ખરીદી શકે? કે પછી આ કોઈ ધર્મની બાબત છે કે કયો ભગવાન સ્વર્ગમાં શાસન કરે છે તેનો મામલો છે? સ્વર્ગ તો હોય કે ન પણ હોય મને એમ હતું કે ધર્મનો સંદેશ માત્ર પ્રેમનો જ છે. કે પછી આટલી બધી યાતના પહોંચાડવાના બીજા કોઈ કારણ છે? હું માનું છું કે હું બહુ નાનો છું, કદાચ મોટો થઈને આ વાતો સમજીશ.

https://youtu.be/Hvksaarg3Qo?si=2NFJdkgUq_1PTEE1

ભારતીય રચનાત્મક સમાજના કાર્યકરો ઝારખંડ, મણિપુર આસામ અને કાશ્મીર જેવા વિસ્તરોમાં યુવાનોને સંઘર્ષનો અહિંસક ઉકેલ લાવવા માટે તાલીમ આપે છે અને કહે છે કે हमें युद्ध नहीं बुद्ध चाहिए

e.mail : 71abuch@gmail.com

Loading

1234...102030...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved