થોડા સમય પછી એવું બને કે સ્કૂટરમાં પેટ્રોલ ફૂલ કરાવવું હોય તો પેટ્રોલપંપને લાખેક રૂપિયા ચૂકવવાના થાય. કોઈ શાકવાળો કાંદાની બૂમ પાડે, “એ … કાંદા દસ હજાર રૂપિયે કિલો … પાંચ કિલોના ચાલીસ હજાર …” દૂધની કોથળી પાંચ હજારની … ડોક્ટરની કન્સલ્ટેશન ફી પચાસ હજાર ને દવા લેવા જાવ તો લાખેકમાં અઠવાડિયાની માંડ આવે. આપણો પગાર મહિનાનો કરોડ રૂપિયા હોય …
એવું શક્ય છે. ત્યારે પણ બધું મોંઘું જ લાગશે. મોંઘવારી સનાતન છે. એ રામરાજમાં હતી ને કોઈ હરામરાજમાં પણ હશે. સાચું તો એ છે કે મોંઘવારીને આપણે વિકાસની સૂચક માની બેઠા છીએ ને કદાચ વિનાશની પણ !
આજે પેટ્રોલ સેન્ચુરી મારવા પર છે ને સરકાર રોજ પૈસાઓમાં ભાવ વધારતી જ જાય છે. એ આમ ડરી ડરી ને ભાવ વધારે છે તે જો જાણે કે લોકો ભાવ ખાઈ ખાઈને રીઢા થઈ ગયા છે તો રોજ રૂપિયામાં ભાવ વધારે એમ બને. સરકારને નિર્માલ્ય પ્રજા બહુ માફક આવતી હોય છે. એને આંદોલન કરતી પ્રજા ગમતી નથી. આજના નેતાઓ અને મંત્રીઓ ભલે આંદોલન કરીને સત્તા પર આવ્યા હોય, પણ સત્તા પર આવ્યા પછી બીજા લોકો એની સામે આંદોલન કરે તો તેની “આંદોલનજીવી” કહીને મશ્કરી થતી હોય છે. જો કે આજની પ્રજા શક્તિ અને ભક્તિ પ્રદર્શનમાં માને છે એટલે પેટ્રોલ હજાર રૂપિયે લિટર થાય તો પણ ચૂં કે ચાં કરે એમ નથી. આ સારું છે કે ખરાબ તેમાં ન પડીએ, પણ ઘણાંને લાગે છે કે લોકોને ગમે ત્યારે ઉલ્લુ બનાવી શકાય એમ છે ને ગમ્મત એ છે કે લોકો હોંશે હોંશે ઉલ્લુ બનવા તૈયાર પણ છે.
આજનો સૌથી મોટો રોગ અપ્રમાણિક્તાનો છે.
પ્રજા સાચું શું છે તે નક્કી જ ન કરી શકે એ રીતે તેને રમાડાય છે. દેશમાં તો ઠીક, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ રમત ચાલે છે. કોરોના ચીનથી ફેલાયો એવું જગતે જાણ્યું તો થોડા દિવસ પર વિશ્વ આરોગ્ય સંસ્થા(who-હુ)એ મમરો મૂક્યો કે કોરોના ચીનના વુહાનથી ફેલાયો નથી ને હવે એ જ “હુ” કહે છે કે તે વુહાનથી ફેલાયો હોવાની શક્યતા નકારી શકાય એમ નથી. કોઈ પીધેલો માણસ પણ ન કરે એવા લવારા આંતરરાષ્ટ્રીય કક્ષાએથી થતા હોય તો કોનો ભરોસો કરવો તે સમજાતું નથી. એમાં એવા સમાચાર પણ આવે છે કે કોરોના તો બચ્ચું છે, તેના કરતાં પણ ભયંકર વાઇરસ આવી રહ્યો છે. સમજ નથી પડતી કે આ લોકો ચેતવે છે કે ડરાવે છે. કોઈ એવું છે જે ઈચ્છે છે કે લોકો ડરેલા ને છેતરાયેલા જ રહે ને બીજું કશું વિચારે નહીં જેથી એનો લાભ ઉઠાવી શકાય.
તમને ખબર છે, મોંઘવારી ટી.વી.માં જ નથી !
તમારી હેલ્થની ઘણી કંપનીઓને ચિંતા છે. તમને ચોકઠું હોય તો પણ અનેક જડીબુટ્ટીઓવાળી એટલી ને એવી પેસ્ટ એ બતાવે છે કે તમને ચોકઠું બદલવાની ઈચ્છા થઈ આવે. હેલ્થ ઈન્સ્યોરન્સનો રાફડો ફાટ્યો છે. એક સમયે સિનિયર્સનો કોઈ હેલ્થ ઈન્સ્યોરન્સ ઉતારતું ન હતું, પણ હવે તો એમાં જ કમાણી દેખાય છે ને એટલી ચોઈસ અપાય છે કે હોસ્પિટલમાં દાખલ થવાનું શૂર છૂટે. આપણામાં તો અક્કલ જ નથી એટલે કેટલી બધી જાહેરાતો કહેતી ફરે છે કે આ લો અને પૈસા બચાવો. તે લો અને દવામાં ઓફ મેળવો. એ વળી એવા ડાન્સ સાથે કહેવાતું હોય છે કે એ “ઓફ” નહીં મેળવીએ તો જાણે “ઓફ્ફ” થઈ જઈશું !
આખું ચક્કર ચાલે છે. અમુક પાન મસાલા ખાવ કે શાકમાં અમુક મસાલો નાખો કે અમુક ચોકલેટ ખાવ … વગેરેની એવી જાહેરાત આવે છે કે દાંત બધું ભચડવા પર આવી જાય ને એમ કરતાં કદાચને દાંત બગડે તો ટૂથપેસ્ટ ક્યાં નથી? એની જાહેરાત પણ તમને તો શોધી જ કાઢે છે. કાર ખરીદવી છે, કાર વેચવી છે કે કારનો ઈન્સ્યોરન્સ લેવો છે તો બધાં જ તમારી સેવામાં હાજર છે. તમારા બાથરૂમમાં કયું લિક્વિડ ચાલશે તેની તમને ખબર નથી, પણ એક્ટરોને છે. કોઈ ડિટરજંટ તમે નાખશો તો તમે સાફ થઈ જશો, પણ બાથરૂમ સાફ નહીં થાય. હા, પેલો એક્ટર આવીને સાફ કરી જાય તો વાત જુદી છે. જાહેરાતનું ક્રીમ, મોડેલને આપે છે એવો ગ્લો આપણને નથી જ આપતું, પણ આપણે ખરીદીએ છીએ, કારણ આપણી પાસે પૈસા છે ને અક્કલ સિવાય બધું જ છે.
આ બધું એટલું બધું સસ્તું છે કે તમે ન લો તો મોંઘું પડે. આ બધાં જ આપણા પૈસા બચાવવા માંગે છે. ફરક એટલો જ છે કે ઘણા લોકો આપણું ભલું કરવા માંગે છે, આપણા પૈસા બચાવવા માંગે છે, પણ સરવાળે આપણે બચતા નથી તે હકીકત છે.
આમ છતાં આ બધું જ સસ્તું અને માફ કરવા જેવું લાગે એવા એક સમાચાર ગયે અઠવાડિયે આવ્યા. મુંબઈની એક બાળકી, પાંચ મહિનાની. તેને જિનમાં એવી તકલીફ થઈ કે તે વધુ જીવી શકે નહીં એવી વાત બહાર આવી. તેને એક ઈન્જેકશન વિદેશથી મંગાવીને આપો તો કદાચ બચી જાય, એવું ડોકટરોએ કહ્યું. એનાં માબાપ સારી એવી નોકરીમાં, પણ તે આખી જિંદગી મહેનત કરીને મરી જાય તો પણ, 22 કરોડ રૂપિયાનું ઈન્જેકશન કમાઈ ન શકે. ધારો કે એટલું કમાય તો પણ, દીકરી ત્યાં સુધી ટકે જ એની કશી ખાતરી નહીં. માબાપે દીકરી માટે જાહેર અપીલ કરી ને દીકરી એટલી નસીબદાર કે 16 કરોડ રૂપિયા ભેગા થયા ને સરકાર એટલી ભલી કે તેણે છ કરોડનો ટેક્સ માફ કર્યો.
ટૂંકમાં. અત્યારે તો એમ કહેવાય છે કે સમયસર બધુ થયું ને હવે દીકરી બચી જાય એમ બને. સૌ સારું થયું એનો આનંદ છે, પણ અંદરથી ચીરી નાખે એવો એક સવાલ એ આવે છે કે એક સાધારણ માણસે કેટલા અબજ રૂપિયા કમાવા જોઈએ કે તે પોતાનો ઈલાજ કરાવી શકે? એક ઈલાજના બાવીસ કરોડ રૂપિયા? એવું તે શું છે એમાં કે એક ઈન્જેક્શન બાવીસ કરોડનું થાય? સોનું નાખો તો પણ આટલા રૂપિયા ન થાય. વારુ, એમાં વળી છ કરોડનો ટેક્સ તે દાઝ્યા પર ડામ જેવો ! એવી દલીલ થઈ શકે કે ઈન્જેકશન વિદેશનું છે એટલે મોંઘું છે. માન્યું વિદેશનું છે, તો પણ શું? ત્યાં પણ એ લાખો ડોલરનું જ હશે ને ! બની શકે કે ત્યાં પણ એટલા ડોલર કાઢતાં માણસ હાંફી જાય. આ બરાબર છે?
મેડિકલ સાયન્સ અમુક તમુક સર્જરીની કે મેડિસિનની શોધની વાતો કરે છે ત્યારે આનંદ થાય છે કે ચાલો માનવ જીવનને સુરક્ષિત કરવાની દિશામાં કશુંક નક્કર તો થયું, એ સાથે જ સારી નાખતો પ્રશ્ન એ ઊઠે છે કે આ બધું કોને માટે છે? એનો સીધો જવાબ એ છે કે જે એટલા પૈસા ખર્ચી શકે એને માટે ! ક્યાંક ચેરિટી પણ થતી હશે, ક્યાંક ડિસ્કાઉંટ પણ અપાતું હશે ને ક્યાંક દયા પણ દાખવાતી હશે, તે છતાં સામાન્ય માણસે પૈસા ન હોવાને કારણે મરી જ જવું પડે એ હદે સારવાર ને દવાઓ મોંઘી છે એની ના પાડી શકાશે નહીં. દુનિયાએ તો ભલભલી શોધો કરી, લેટેસ્ટ સાધનો વિકસાવ્યાં ને ઘણું ઘણું કર્યું ને હજી કરશે, પણ ત્યાં સુધી જો સાધારણ માણસ પહોંચી શકે એમ જ ન હોય કે ન તો આ સારવાર કે દવા એના સુધી પહોંચી શકે એમ હોય તો આ બધું સાધન સંપન્ન માણસ માટે જ છે એમ માનવાનું રહે.
એમ લાગે છે કે આવનારા સમયમાં એટલો વિકાસ થવાનો છે કે એ દોડમાં સાધારણ કે ગરીબ માણસનું અસ્તિત્વ જ ન રહે એમ બને. એ જીવી શકે એટલી તકો જ એની પાસે કદાચ નહીં રહે. એટલા પૈસા જ નહીં હોય કે એ ટકી શકે.
આવનારા સમયમાં અબજોપતિ માબાપો સીધા અબજપતિને જ જન્મ આપે ને એ પછી શ્વાસ લેવાના કરોડ રૂપિયા ચૂકવીને જીવવાનું શરૂ કરે એમ બને.
આવું જીવન જોઈએ છે આપણને?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 15 ફેબ્રુઆરી 2021
![]()


ન્યુઝીલૅન્ડની સંસદમાં ડિબેટીંગ ચેમ્બરમાં પુરુષ સંસદ સભ્યએ પ્રશ્ન પૂછવા માટે ટાઈ પહેરેલી હોવી ફરજિયાત છે. આ પ્રથા ન્યુઝીલૅન્ડમાં બ્રિટિશ રાજ વખતની છે. આવો જ કાયદો બ્રિટનમાં ૨૦૧૭માં રદ્દ કરવામાં આવેલો. ૯ ફૅબ્રુઆરી, ૨૦૨૧ના રોજ રાવિરી વાઈટિટીને પ્રશ્નો પૂછવાથી સ્પીકર ટ્રૅવર મલાર્ડે બે વખત રોક્યા. “આ બાબત ટાઈને લગતી નથી, સાંસ્કૃતિક ઓળખને લગતી છે”, વાઈટિટીએ ચેમ્બરમાંથી બહાર નીકળતા કહ્યું એમ સ્થાનિક સમૂહ માધ્યમોએ જણાવ્યું. આદિવાસી પ્રતિકારના ભાગરૂપે વાઈટિટીએ ટાઈ પહેરવાનો ઇનકાર કર્યો હતો. ટાઈને “ઉપનિવેશક ગાળિયો” કહી એને બદલે એમણે ગળામાં “હેઇ-ટીકી” (પારંપારિક ગ્રીનસ્ટોનનું માઓરી પૅન્ડન્ટ) ધારણ કર્યું. પાંચ રાજકીય પક્ષોમાં કુલ ૧૨૦ સાંસદોના ૨૧% સાંસદો માઓરી છે. મિસ્ટર વાઈટિટી એમની લાક્ષણિક કાઉબૉય હૅટ અને આખા ચહેરા પરના ટૅટૂમાં સજ્જ (છૂંદણું, જેને માઓરી પરંપરામાં ‘ટા મોકો’ કહે છે) હોઈ પોતાની માઓરી હાજરી નોંધાવ્યા વિના રહેતા નથી.
ટીના ગાટા જેવાં માઓરી આદિવાસી કર્મશીલો મુજબ આજે પણ માઓરી આદિવાસીઓ ઉપનિવેશક વારસાથી પીડિત છે. “અમારા લોકોની કતલ કરનારનો, અને હજુ પણ ચાલુ હોય એવી અનુભૂતિનો પ્રારંભ જેણે કર્યો હોય એનો ઉત્સવ મનાવવામાં આવે તે અમારા માટે ખૂબ અપમાનજનક છે. આ તો એક આક્રમણની અને સામ્રાજ્યના વિસ્તરણની ઘટનાનો સ્મારક-ઉત્સવ છે. માઓરી આદિવાસીઓ દયનીય સ્થિતિમાં જીવી રહ્યાં છે. આત્મહત્યાનું પ્રમાણ ખૂબ ઊંચું છે, રહેણાક વ્યવસ્થા નબળી છે, બાળ મૃત્યુદર ઊંચો છે, કેદમાં બંધ માઓરી વ્યક્તિઓનો આંકડો પણ દુનિયામાં સૌથી ઊંચો છે,” ટીના ગાટા વધુમાં કહે છે કે, “ઉપનિવેશક પ્રક્રિયા દ્વારા અમારું આત્મનિર્ધારણ છીનવી લેવામાં આવ્યું છે. આ બધા મુદ્દાઓ માટે જવાબદાર કારણોનો ઉત્સવ મનાવવા માટે લખલૂટ ડૉલર ખર્ચવામાં આવી રહ્યા છે. આ જોઈને લાગણી દુભાય છે અને ખૂબ માઠું લાગે છે.”
રસપ્રદ બાબત એવી બની કે બીજા જ દિવસે હંગામી સમાધાનના ભાગરૂપે મિસ્ટર મલાર્ડે મિસ્ટર વાઈટિટીને ગળામાં ટાઈ પહેર્યાં વિના પ્રશ્ન પૂછવાની અનુમતિ આપી અને મોડી સાંજે જાહેરાત કરી કે હવે ફરજિયાત ટાઈનો નિયમ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે છે. એમણે કહ્યું કે સર્વસંમતિ ન થઈ શકી, પરંતુ બહુમતી આ નિયમ નાબૂદ કરવાની તરફેણમાં હોઈ આ નિર્ણય લેવાયો છે.
૨૦૧૯ના જૂન મહિનામાં બિહારના મુઝફ્ફરપુરની શ્રી ક્રિષ્ના મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૨૪ કલાકમાં ૧૦૦થી વધારે બાળકોનાં આરોગ્યસંભાળની સિસ્ટમની નિષ્ફળતાને કારણે મૃત્યુ થયાં, આ નિમિત્તે મારા મનમાં ત્રણ વિચાર આવ્યા. (આવું જ નજીકનાં વર્ષોમાં યુ.પી., મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પણ બન્યું.)