જાણે ઘવાઈ ક્યાંક ઝનૂની વસંત, જો –
રાતીપીળી ને જંગલી ખૂની વસંત, જો –
જોવાની પણ ગમે નહીં આવી છે એ રીતે,
એથી સરસ તો સ્મૃતિમાં જૂની વસંત, જો –
પ્હેલાં તો ઠાઠમાઠથી આવી જતી ઘરે,
આવી છે આજ બારણે સૂની વસંત, જો –
ફૂટે છે કેસૂડી દીવીઓ વૃક્ષ વૃક્ષ પર,
ને શ્હેરમાં ધસી રહી ઊની વસંત, જો –
એને વિકાસ જોઈને ગમતું ન શ્હેરમાં,
છે કેવી જંગલી અને ધૂની વસંત, જો –
આકાશ શ્વેત વાદળી બે ત્રણ ઉછાળીને,
એ પણ ઘડી મનાવતું રૂની વસંત, જો –
પુષ્પો તો આજ કાગદી ખીલે છે વાઝમાં,
જોવી જ હો તો દોસ્ત, શરૂની વસંત, જો –
0
વસંત પંચમી, 16 ફેબ્રુઆરી, 2021
![]()


ઝારખંડ વિધાનસભાના એકદિવસીય ખાસ સત્રમાં આગામી વસ્તીગણતરીમાં આદિવાસીઓ માટે અલગ ધર્મકોડની માંગણીનો પ્રસ્તાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. અલગ ઝારખંડ રાજ્યની રચના જેટલી જ જૂની માંગ અલગ આદિવાસી ધર્મકોડની પણ છે. ઝારખંડ મુક્તિ મોરચાએ વિધાનસભા ચૂંટણીમાં અલગ ધર્મકોડનું વચન આપ્યું હતું. એ જ પક્ષના હેમંત સોરેન મુખ્ય મંત્રી બનતાં માંગણીને બળ મળ્યું. દેશનાં અનેક રાજ્યોના આદિવાસીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ આ માંગ વરસોથી કરતા રહ્યા છે. ઝારખંડનાં આદિવાસી સંગઠનો કોરોનાકાળમાં પણ અલગ ધર્મકોડ માટે ઉગ્ર આંદોલન કરી રહ્યા હતા. એટલે સરકારે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવ્યું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જમણેરી બળો આદિવાસીઓને હિંદુ જ ગણે છે, પરંતુ આદિવાસીઓના મત ગુમાવવા ન પડે એટલે રાજ્યના મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષને પણ સરના-આદિવાસી એવા અલગ ધર્મકોડની માંગણીનું સમર્થન કરવું પડ્યું છે.