Opinion Magazine
Number of visits: 9572323
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાળી, શ્યામ, સાંવરી, ઘઉંવર્ણી, ગોરી : ચામડીનાં જુદાંજુદાં રંગો

ભદ્રા વડગામા|Opinion - Opinion|16 March 2021

'મેઘનના બાળકનો વાન કેવો હશે?' રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો, તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિનાં દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?

'બેટા, બેબી કોના જેવી છે, રેશ્મા જેવી ગોરી કે તારા જેવી સાંવરી?' જો કોઈ ગુજરાતી દાદીએ પરદેશમાં રહેતા પોતાના પુત્રને આવો પ્રશ્ન કર્યો હોય, તો આપણને એમાં ખાસ કઈં અજુગતું ન લાગે, કે ન આપણે માની લઈએ કે દાદી આવનાર બેબીને વ્હાલ નહીં કરે. તે છતાં ય આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં ગોરાં હોવું એટલે રૂપાળાં હોવું એવી માન્યતા પરંપરાથી ચાલતી આવી છે. 'એ છે કાળી, પણ બહુ નમણી છે.' કેમ જાણે કાળી ચામડીવાળાં લોકો નમણાં ન હોય! વળી એક કહેવત પણ આ વાતને પ્રોત્સાહન આપતી હોય એવું મને લાગે છે. 'સિદ્દી બાઈને સિદકાં વ્હાલાં.' એનો અર્થ એ થાય કે ગમે તેટલું કદરૂપું બાળક હોય, પણ તેની માને તો વ્હાલું જ લાગશે. એટલે એમ જ ને કે સિદ્દી લોકો કાળાં હોવાથી કદરૂપાં હોય અને તેમનાં બાળકો પણ. અને એમાં એવો ભાવ પણ આવે છે કે એ બાળક કદરૂપું હોવાથી અન્ય માતાઓને વ્હાલું નહીં લાગે, ફક્ત એની સિદ્દી માતાને જ.

આફ્રિકામાં વસેલાં ગુજરાતીઓએ ત્યાંનાં કાળાં લોકોને ક્યારે ય સુંદર માન્યાં નથી. એમણે લાકડામાંથી કોતરેલી આફ્રિકન ચહેરાવાળી માનવકૃતિઓને કળાની દ્રષ્ટિએ જોઈ જ નથી. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં તમને એવી એકાદ કૃતિ જોવા મળે. એવી માન્યતા પણ હતી કે એવી મૂર્તિઓ સગર્ભા સ્ત્રી જૂએ તો તેનું બાળક કદરૂપું અવતરે. હવેની વાત જુદી છે.

‘ચામડી માટે ગોરો રંગ સારો કે કાળો?” – Sandesh – http://sandesh.com/skin-to-white-color-good-c/ November, 29 2017 લેખમાં એ.એમ. ખાન લખે છે :

“આપણે ત્યાં કોઈક કારણસર ગોરા બનવાની ઘેલછા ખૂબ વ્યાપક છે. અત્યાર સુધી તો મહિલાઓ જ ગોરાં થવાની મહેનત કરતી હતી, હવે મેટ્રોસેક્સ્યુઅલ માનસિકતામાં પુરુષોને પણ ગોરા થવા પ્રેરણા આપવામાં આવે છે. ગોરા થતાં જ યુવતિઓ તમારી ઉપર લટ્ટુ બની જશે એવું દર્શાવતી જાહેરાતો કરવામાં આવે છે. કેટલાંક લોકો અંગ્રેજો દ્વારા આપણામાં જગાવવામાં આવેલી હીન ભાવનાના કારણે ગોરા થવાની ઘેલછા વ્યાપક બની છે એવું માને છે. પરંતુ શ્રીકૃષ્ણના જમાનામાં પણ રાધા ગોરી હોવાથી બાળ શ્રીકૃષ્ણ યશોદા માતાને ફરિયાદ કરતા હોય એવાં ભજનો ગવાય છે, ‘યશોમતિ મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યોં ગોરી, મૈં ક્યું કાલા?’ રાધા અને શ્રીકૃષ્ણના પ્રણયપ્રસંગોમાં પણ રાધા ‘મોરા ગોરા રંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે …!’ કહેતી હોય એવાં ભજનો આપણે ગાઈએ છીએ. અંગ્રેજોના આગમનના સેંકડો વર્ષ અગાઉ પણ કોઈ સુંદરીના રૂપના વખાણ કરવા માટે રૂપરૂપનો અંબાર અને દૂધ જેવો શ્વેત રંગ એવી ઉપમાઓ કહેવાતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એટલે ગોરા રંગ માટેની ઘેલછા આજકાલની તો ન હોઈ શકે!”

તો પછી બ્રિટનનું રાજવી કુટુંબ racist છે એવું કોઈ મોટી ઉંમરનો ગુજરાતી માનતો હોય તો તે નર્યો દંભ કહેવાય.

e.mail : bv0245@googlemail.com

15 March 2021

Loading

અમૂલ્ય સિક્કાની બે બાજુ : ગાંધીજી અને નહેરુ

સુરેશ શુક્લ|Opinion - Opinion|16 March 2021

ગાંધીજીની ‘આત્મકથા’ તેમની ગૌરવશાળી પ્રતિભાને લીધે વિશ્વમાં ખ્યાતિ પામી છે. આ આત્મકથાનો પ્રધાન સૂર સહજ રીતે વ્યક્ત કરેલી એમની કેટલીક નબળાઈઓ. એ નબળાઈનો ગ્રાફ કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર સરળ શૈલીમાં રજૂ કર્યો છે. કિશોરવયે સામાન્ય વાતાવરણમાંથી પણ સત્યના અવલંબન દ્વારા અભ્યુન્નતિના શિખરે એ કેવી રીતે પહોંચ્યા ? તે કથની એટલે કે ‘સત્યના પ્રયોગો’. આ કથાને લાયોનેલ ટ્રિલિંગના શબ્દોમાં જોઈએઃ

‘The impulse to write autobiography may be taken as virtually definitive of psychological changes to which the historians point out. His conception of his private and uniquely interesting individuality, together with his impulse to reveal himself without reluctance.’

‘આત્મકથા’ લખનારને એમની સ્મરણશક્તિ, આત્મખોજ કરતાં શું કહેવું ! શું ન કહેવું ! કારણ કે અહીંયાં કથાનકને અંગત વાત કરવામાં બેસૂરું વાજું નથી વગાડવાનું. પણ કેટલાંક પ્રકરણો દા.ત. ‘પિતાજીનું મૃત્યુ’ અને ‘મારી નામોશી’, ‘નિર્બલ કે બલરામ’ કરેલા ગુનાઓની કબૂલાત કદાચ સેંટ ઑગસ્ટાઇન અને રુસો કરતાં પણ વાચકના મનને અસરકારક છે. ગાંધીજીની આત્મકથાનું સ્વરૂપ વિશ્વની અનેક આત્મકથાઓ કરતાં તદ્દન જુદું જ છે. “મારે આત્મકથાને બહાને ‘સત્ય’ના મેં જે અનેક પ્રયોગો કર્યા છે. તેની કથા લખવી છે.” કર્તાની પારદર્શકતા, રહેણીકરણી ‘સત્યના પ્રયોગો’માં પાને-પાને સ્પષ્ટ જણાય છે. સત્ય વિશેની એમની નિષ્ઠા જ એટલી ગહન છે કે એમને વિના આયાસે લેખનકળાએ જાણે વરમાળા જ પહેરાવી હોય ! સત્યને જ પોતાના આરાધ્યદેવ માનીને ક્યારેક અકથ્ય એવી ઝીણામાં ઝીણી વાતની રજૂઆત કરતાં એમની ‘નિરીક્ષણશક્તિના’ અને યાદશક્તિનો પરચો કરાવે છે. ક્યાં ય કૃત્રિમતાની છાંટ પણ નથી, શૈલીમાં વૈવિધ્ય સચવાયું છે. ક્યારેક સૌરાષ્ટ્રની તળપદી ભાષાનો સૂર સંભળાય છે. એક જ વાક્ય, પણ એ સહજ રીતે કહે છે : “હું શરમાયો, ચેત્યો, હૃદયમાં મિત્રનો ઉપકાર માન્યો. માતાની પાસે લીધેલી પ્રતિજ્ઞા યાદ આવી. હું ભાગ્યો …”

સંયમ જ લેખકના જીવનનું પ્રેરકબળ છે. જીવનમાં ડગલે અને પગલે સંયમનો આગ્રહ છતાં પ્રસન્નતા પર ક્યારે ય વિષાદ ઘેરાતો નથી ….

એમના પૂર્વજોનું ટેકીલાપણું ગાંધીજીમાં હતું. માતા પૂતળીબાઈ ખૂબ જ ધર્મપરાયણ, ભાવિક, વ્રતપરાયણ અને અલૌકિક શક્તિમાં શ્રદ્ધા. ગાંધીજીમાં એ ગુણો હતા. દાઈ પાસેથી જ રામનામનો મહિમા બાળપણમાં શીખ્યા. વિવિધ પરિસ્થિતિનું તેમનું પરિશીલન કહો કે પૃથક્કરણ એ સાચી સમજણ દર્શાવે છે. આ પ્રકારની રજૂઆત કાંઈ એમણે પોતાની અગત્ય બતાવવા નથી લખી. સત્યાગ્રહને આચરણમાં મૂકવા ઉપરાંત નાની-મોટી બાબતમાં એમણે અનેક પ્રકારના અખતરા કર્યા જે ભાગ્યે જ કોઈની આત્મકથામાં વાંચવા મળે. જર્મન લેખક વેલીડેમ વો પોશમેરના મંતવ્ય પ્રમાણેઃ “It was not Gandhi's aim to be politician. His inner revolt against such flagrant injustice, which appeared to him as a sacrilegeon mankind, ceased him to resolve to better lot of his countrymen. In Bombay, he found his first friend and adviser in the Congress leader Gokhale, with whom he had a common aim, that of helping the suffering of masses.'

‘સત્યના પ્રયોગો’ મુખ્યત્વે આત્મનેપદી પ્રકારની રજૂઆત છે, એટલે કે લેખક આંતરમનને સતત ચોકસાઈપૂર્વક રજૂ કરે છે. એ સમયના જીવનની … એ દેશમાં હોય કે પારકા દેશના કડવા અનુભવોની વાત કરવામાં પણ કસર કરી છે, એમણે કોઈ પણ પ્રકારનાં રોદણાં રોયા વિના કે બડાઈ માર્યા વગર જે કાંઈ પણ સહન કર્યું એ વાત કરવામાં પણ એમણે સહજ રીતે હિચકિચાટ અનુભવ્યો એમ લાગે છે. કોઈના પ્રત્યે નફરત કે તિરસ્કાર ક્યારે ય વ્યક્ત કર્યો નથી, એ રીતે આપણા સમયના એક ઋષિમુનિની સિદ્ધિનો પરિચય કરાવે છે.

ગર્ભશ્રીમંત કુટુંબમાં એકનો એક દીકરો હોય, તો માબાપે તેને હથેળીમાં રાખવો પડે, સૌ સ્વજનો અને શુભેચ્છકો તરફથી પણ અનેરો પ્રેમ મળે, વધુ પડતા લાડકોડ પામેલો છોકરો ક્યારેક નાદાનિયત પણ કરે ખરો ! જવાહરલાલ કરતાં એમની બહેનો ખૂબ જ નાની, એટલે તેઓ એકલવાયા જ ઊછર્યા એમ કહેવાય. પૂર્વજો કાશ્મીરના વડવાઓ. સમાજમાં મોભો વધે માટે કાશ્મીરી પહાડી ખીણમાંથી ફળદ્રુપ મેદાનમાં પણ રહેઠાણ નદીકિનારે પસંદ કરેલું એટલે ‘નહેરુ’ કહેવાયા. વડવાઓમાં કૌલ નહેરુ તરીકે ઓળખાયા. મોતીલાલ નેહરુ અને એમના વડીલ બંસીધર નહેરુ અંગ્રેજ સરકારની કચેરીમાં કામ કરતા. એ દિવસોમાં મોતીલાલ નહેરુએ પણ કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરીને આગ્રાની વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. થોડા સમયમાં વકીલ તરીકેની ખ્યાતિ મળી. અચાનક એમના ભાઈ નંદલાલનું નિધન થતાં મોટા કુટુંબના બોજો સંભાળવાની જવાબદારી આવી પડી. પણ મોતીલાલ નેહરુની વકીલાતમાં ખૂબ જ સારી કમાણી થતાં કુટુંબની રહેણીકરણી અકથ્ય એવી શાહી ઢબની થઈ. વારંવાર પાર્ટી પ્રોગ્રામ થતાં અને ત્યાં ગોરા લોકો પણ આવતા.

જવાહરલાલને પિતા પ્રત્યે ખૂબ જ માન હતું, કારણ કે તેઓ ખૂબ જ હિંમતવાન અને મહેમાનો સાથેની ચર્ચામાં હંમેશાં ખૂબ જ બુદ્ધિશાળી. વળી, સાચદિલી, નિખાલસતા, નાના પ્રસંગમાં પણ તેમના વર્તનમાં પ્રગટ્યા વગર રહેતી નથી :

કેટલીક વાર હું પડદા પાછળ ડોકિયું કરીને જોતો કે આ મોટા લોકો એકબીજા સાથે શું વાત કરી રહ્યા છે. આમ, ડોકિયું કરતાં જો હું પકડાઈ ગયો તો મને એ લોકો બહાર ખેંચી લઈ જતા અને મારી ભયગ્રસ્ત દશા છતાં પિતાશ્રીના ગોઠણ ઉપર મને ગોઠવતા. આવા એક પ્રસંગે મેં એમને ક્લેરેટ કે એવા બીજા લાલ દારૂ પીતા જોયા. વ્હીસ્કીને હું ઓળખી શકતો. મેં ઘણી વાર મારા પિતાને અને તેમને મિત્રોને એ પીતા જોયેલા. પણ આ નવી ચીજથી બેબાકળો બની ગયો અને મેં ઘરમાં દોડી જઈને માને કહ્યુંઃ ‘મા, જુઓ, તો ખરા, પાપા લોહી પીએ છે !’

સામાન્ય રીતે જવાહર પિતાના કરતાં વધુ સમય માતા પાસે જ વિતાવતા. ઘણી વખત તે પિતાને અમુક વાત કરવાની ટાળતા. જવાહરને મા ઉપરાંત કેટલીક વાત કરવા માટે પિતાશ્રીના મદદનીશ મુનશી મુબારકઅલી હતા. એમના સાંનિધ્યમાં જવાહર કલાકો સુધી એરેબિયન નાઇટ્‌સ જેવી વાતો કરે. ક્યારેક ૧૮૫૭ના જમાનાના રસપ્રદ કિસ્સાઓ તો, ક્યારે રામાયણ-મહાભારતની તેમ જ હિંદુપુરાણોની એ વાર્તાઓ કહેતા. આમ છતાં જવાહરનો ધર્મ વિશેનો ખ્યાલ તદ્દન સામાન્ય રહ્યો. સ્વજનો અને શુભેચ્છકો અનેક ધાર્મિક ક્રિયાઓ વખતે જવાહરને હાજર રાખવા પ્રયત્નો કરતાં. એવા કાર્યક્રમમાં એમને આનંદ આવતો ખરો પણ સવિશેષ રક્ષાબંધન – ભાઈબીજ જેવા તહેવારો સૌની સાથે ઊજવતા.

એકંદરે જવાહરનું બાળપણ ગાંધીજી કરતાં ખૂબ જ સુખશાંતિવાળું, એમણે ક્યારે ય કોઈ બાળમંદિર કે ગામઠી નિશાળનો અનુભવ નહોતો કર્યો. એમને ઘેર જ શિક્ષણ માટે અંગ્રેજ શિક્ષક-શિક્ષિકાની વ્યવસ્થા કરવામાં આવતી. આ રીતે જવાહરને નાનપણથી જ અંગ્રેજો માટે ભાવ રહ્યો. ક્યારે ય પણ એમણે જેલમાં પણ અંગ્રેજો પ્રત્યે કોઈ પણ પ્રકારનો દ્વેષ કે તિરસ્કાર વ્યક્ત કર્યો નથી. બારેક વર્ષની વયે એમને માટે ફર્ડિનન્ડ બ્રુક્સને શિક્ષક તરીકે એમના ઘરમાં રાખવામાં આવ્યા. હકીકતમાં એ ચુસ્ત થિયોસૉફિસ્ટ હતા. એમની ભલામણ શ્રીમતી એની બેસંટે નહેરુના પિતાને કરેલી. આ રીતે બ્રુક્સના માર્ગદર્શનને લીધે નહેરુએ નાનપણથી જ વાંચવાનો શોખ કેળવ્યો. કિશોરોને પસંદ પડે એ પ્રકારનું સાહિત્ય નહેરુએ વાંચ્યું …. ‘ડોન ક્વિકઝોટ’, સ્કોટ, ડિકન્સ, ઠેકરે અને લૂઈ કેરોલ ઉપરાંત વેલ્સ અને માર્કઇનની વાર્તાઓ વાંચી. શેરલોક હોમ્સ અને પ્રિઝનર ઑફ ઝેન્ડા તથા કિપલિંગનાં પુસ્તકો પણ વાંચ્યાં. બ્રુક્સે વિજ્ઞાનની ખૂબીઓ દર્શાવવા એક નાનકડી લૅબોરેટરી ઘરમાં પણ બનાવરાવી. આ ઉપરાંત એક જૈફ વયે પહોંચેલા પંડિત પાસેથી એમને હિંદી અને સંસ્કૃત શીખવવાનો પ્રયત્ન થયેલો પણ એ બાબતમાં નહેરુને સારી ફાવટ ન આવી.

ઈ.સ. ૧૯૦૫માં હેરોની શાળામાં પ્રવેશ મેળવ્યો. પણ ત્યાં એકાદ વર્ષ તેમને પાછળ મૂકવામાં આવ્યા. કારણ કે નહેરુનું લૅટિનનું જ્ઞાન બહુ જ મર્યાદિત હતું. સમય જતાં નહેરુને અભ્યાસમાં સારી પ્રગતિ કરવા બદલ જી.એમ. ટ્રેવેલિયનનું ‘ગેરીબાલ્ડી’નું જીવનચરિત્ર ઇનામમાં મળેલું. ત્યાર બાદ ટ્રિનિટી કૉલેજ, કૅમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રવેશ લીધો. એ વર્ષોમાં ઓસ્કર વાઇલ્ડ, અને વોલ્ટર પેટરની અસર થઈ. સહજ રીતે વિલાસી જીવન ભોગવવાની ઇચ્છા થઈ ત્યારે તે મુક્ત રહ્યા. કૅમ્બ્રિજમાં એમના રાજકીય વિચારો ઘડનાર પુસ્તકોમાં ટાઉનલૅન્ડની ‘એશિયા અને યુરોપ’ ગણાવી શકાય. ઈ.સ. ૧૯૧૨માં નહેરુ બૅરિસ્ટર બન્યા. એ દિવસોમાં હિંદુસ્તાનમાં રાજકારણ સાવ સામાન્ય હતું. મધ્યમવર્ગના લોકોને દેશની પરિસ્થિતિનો જરા પણ ખ્યાલ નહોતો. ઈ.સ. ૧૯૧૨ નાતાલમાં બાંકીપુરની મહાસભામાં પહેલી વખત તેમણે પ્રતિનિધિત્વ કર્યું. હવે વકીલાતની પ્રૅક્ટિસ શરૂ કરી પણ વાતાવરણ અમુક અંશે શુષ્ક લાગ્યું. ઈ.સ. ૧૯૧૫માં ગાંધીજીને નહેરુ પ્રથમ વખત મળ્યા, લખનૌ મહાસભામાં. આ પહેલાં એમણે દક્ષિણ આફ્રિકામાં જે કાંઈ અંગ્રેજનો વિરોધ કર્યો હતો, એ વિષેની તેમને જાણકારી હતી.

ઈ.સ. ૧૯૧૬માં કમલા સાથે નહેરુનાં લગ્ન દિલ્હીમાં વસંતપંચમીને દિવસે થયાં. ગાંધીજીએ એમની આત્મકથામાં કસ્તૂરબા સાથેનાં લગ્નની જે વિગત આપી છે એ પ્રકારની કોઈ વિગત નહેરુએ ‘મારી જીવનકથા’માં આપી નથી. ગાંધીજીએ એમની મનોવિકારની વાત સહજ રીતે આપી છે, એમની સરખામણીમાં નહેરુ ઠાવકાઈપૂર્વક કહે છેઃ ‘અમારી બંને બાજુએ પહાડો ઊભા હતા જેનાં શિખરો ઉપર હિમનો મુકુટ ચળકતો હતો. નાના પ્રપાતો અમારું સ્વાગત કરવાને જાણે અતિમંદ ગતિથી ઊતરી રહ્યા હતા. પવન ઠંડો અને આકરો હતો. પણ દિવસના સૂરજનો મધુર તડકો રહેતો અને હવા એટલી નિર્મળ હતી કે અમે એક સ્થાનેથી બીજા સ્થાન વચ્ચેના અંતર વિષે છેતરાતા અને દૂરનાં સ્થાનોને પાસે માનતા … પ્રકૃતિમંદિરોમાં હું કાંઈક અજબ તૃપ્તિ અનુભવતો અને સ્ફૂર્તિથી અને આહ્‌લાદથી ઊભરાતો.’ આ રીતે અંગત વાત કહેવાનું ટાળે છે.

નહેરુની આત્મકથા એ મહદંશે, હિંદુસ્તાનની રાજકીય પરિસ્થિતિની બાબતમાં એ ‘સત્યાગ્રહની ચળવળ’ જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે કરેલો અત્યાચાર અને સી.એફ. એન્ડ્રુઝના ‘પૂર્ણસ્વરાજ્ય’ વિષેના લેખની ચર્ચા કરે છે. નહેરુ ગાંધીજીને બિરદાવતા કહે છેઃ અમે માનતા કે તેઓ એક મહાન અને અપ્રતિમ મનુષ્ય છે અને તેજસ્વી નેતા છે જે ક્યારેક વિનોદમાં કહેતા :

‘સ્વરાજ્ય આવે ત્યારે એ બધું આપણે નહિ ચાલવા દઈએ.’

નહેરુ એમના સહકાર્યકરો વિષે સહજ રીતે ટીકા કરતાં કહે છે :

“…. અમારા ચુનંદા કાર્યકર્તાઓ …. હું સુધ્ધાં મંચ ઉપર ઊભા રહી નાટક કરતા એમાં સારી પેઠે દંભ હતો અને અમારાં છટાદાર ભાષણોમાં આડંબરનો પાર નહોતો …”

અહિંસા અને શાંત અસહકારની હિમાયત કરતાં ગાંધીજીએ પોતાના તમામ વાક્ચાતુર્ય અને સામશક્તિને ખરચી નાંખી હતી. એમની ભાષા સીધી અને અલંકારરહિત હતી. એમનો અવાજ અને દેખાવ શાંત, સ્વચ્છ અને આવેશરહિત હતો પણ એ બરફના બાહ્ય આચ્છાદનની નીચે આવેશનો ધગધગતો જ્વાળામુખી સળગી રહ્યો હતો.

થોડો સમય નહેરુ અને કમલા જીનિવામાં હવાફેર માટે રહ્યાં. એ વખતે શ્યામજી કૃષ્ણવર્મા પણ એમની પત્ની સાથે આવેલાં. એ દંપતી પાસે ખૂબ જ પૈસો હતો પણ શ્યામજીના હાથે પૈસો છૂટતો નહીં … સામાન્ય રીતે નહેરુ કોઈની પણ ટીકા કરતા નહીં, પણ આ પ્રકારનો અનુભવ એક પાડોશી તરીકેનો સહજ રીતે એમની કથામાં નોંધ્યો છે.

માલવિયાજીને બનારસ હિંદુ યુનિવર્સિટી સ્થાપવામાં સફળતા મળી. તેમની પારદર્શકતા, સાચા દિલની ધગશ તેમનું અસરકારક અને ગંભીર વક્તૃત્વ, નમ્ર સ્વભાવ અને એ મોહનમૂર્તિ હિન્દુ જનતાને પ્રિય થયાં. એમની લાંબા કાળની સેવા અને તેમની વયોવૃદ્ધ અવસ્થાને કારણે તે હિંદી રાજકારણના ભીષ્મપિતામહ છે.

– ઈ.સ. ૧૯૧૯ અને ૧૯૨૬ના વર્ષના અંતમાં સમસ્ત ભારતવર્ષને અરેરાટી ભરી દે એવી કરુણ ઘટનાથી દેશભરમાં શોકની લાગણી ફેલાઈ. કોઈ ધર્મ ઝનૂનીએ સ્વામી શ્રદ્ધાનંદનું ખૂન કરેલું.

મોતીલાલ નહેરુ પુત્રની રાજકારણ પ્રવૃત્તિથી નારાજ હતા, એ અંગે સહજ રીતે જવાહરલાલ કહે છે : “મારા પિતાશ્રીને મારું રાજકારણ બહુ પસંદ નહોતું …. મારી તેઓ ઘણીવાર ટીકા કરતા અને મારી સાથે જરા અક્કડ થઈને પણ બોલતાં પરંતુ એમની મહેરબાની જાળવી રાખવાની ઇચ્છાવાળા કોઈ પણ માણસથી તેમની હાજરીમાં મને ઉતારી પાડવાની હિંમત થાય એમ નહોતું. ધારાસભાના કાર્ય વિષે મારા પિતાનો વિશ્વાસ તદ્દન ઊઠી ગયો હતો અને તેઓ પોતાનો અભિપ્રાય જાહેર કરતા કે હવે એ તલમાં તેલ રહ્યું નથી …!”

નહેરુએ અનેક વર્ષ ભારતની જુદીજુદી જેલમાં વિતાવ્યાં છે. એ અંગેના કાર્યક્રમની વિગત આપી છેઃ “કામ અને કસરતનો નિયમિત કાર્યક્રમ અમે બાંધી લીધો હતો. કસરતને માટે અમે વાડાની દીવાલને લગોલગ દોડતા અનેક ચક્કર લેતા અથવા બબ્બે જણ બળદની માફક જોડાઈ અમારા વાડામાંના કૂવામાંથી મોટો કોસ ખેંચતા અને નાનકડી સરખી એક શાકભાજીની વાડી કરી હતી, તેને પાણી પાતા, થોડું કાંતતા. પણ ટૂંકા દિવસો અને લાંબી રાતમાં વાંચવાનો સમય મળતો હતો. શિયાળાની આ લાંબી રાતે નિરભ્ર આકાશમાં તારા જોવાની મજા આવતી અને અમારી પાસે નભોમંડળના કેટલાક નકશા હતા અને ઘણા ગ્રહો અને નક્ષત્રો ઓળખવા રોજ રાત્રે તેમના નીકળવાની રાહ જોતાં અમે બેસીએ અને તેમને જોઈને પરિચિત મિત્રોને મળતા હોઈએ તેમ આનંદથી વધાવતા.”

પુત્રપ્રેમ-પિતૃપ્રેમ : મોતીલાલના પુત્રપ્રેમને જો કોઈની સાથે સરખાવવો હોય તો તેને જવાહરના પિતાપ્રેમ સાથે જ સરખાવી શકાય. જવાહરે બૅરિસ્ટર બન્યા પછી મહાસભાની પ્રવૃત્તિમાં રુચિ બતાવી અને ત્યાર બાદના પ્રત્યેક આચરણમાંથી પિતાની ક્ષેમકુશળતા માટેની ચિંતાનો આવિષ્કાર થતો રહ્યો. બંને જેલમાં સાથે હતા, ત્યારે પુત્રરત્ને જે ભક્તિભાવથી સેવા કરેલી તેનાથી પ્રભાવિત થઈને મોતીલાલે ગાંધીજીને લખ્યું હતું કે : “જવાહર મારે કઈ વસ્તુની જરૂર છે, તેની સચોટ રીતે કલ્પના કરી શકે છે. એ મારા માટે કોઈ કામ બાકી રાખતો નથી ! આવાં સંતાનો માટે ગૌરવ લઈ શકે એવા ઘણા પિતાઓ હોય એમ ઇચ્છું છું.”

પશ્ચિમના વિચારોથી પ્રભાવિત અને ધર્મ પ્રત્યે અથવા કોઈ સંપ્રદાય વિશે વાત સાંભળવા કે વિચાર પણ ન કરે એવા નહેરુ; બીજી તરફ ભારતીય સંસ્કૃતિ અને દર્શનના પ્રતીકસમા ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા ધરાવનાર, ગીતાના સઘન અભ્યાસી, આધ્યાત્મિકતાને ઓવારે ઊભેલા ગાંધીજી. એ વિષે અનેક લેખકોએ અને નહેરુએ પણ સાચી સમજ કેળવીને સહાનુભૂતિથી વિવરણ નિષ્ઠાપૂર્વક કર્યું છે. ગાંધીજી માટે સાધન અને સાધ્યમાં કોઈ તફાવત નહોતો. નહેરુએ પણ અહિંસા અપનાવી હતી, પણ એમની અખૂટ શ્રદ્ધા શરૂઆતના બે દશકા સુધી ગાંધીજી જેટલી નહોતી. નહેરુની બહેનો અને માતા સ્વરૂપરાણી પર જ્યારે પોલીસનો અમાનુષી પ્રહાર થયો અને આસામ ઉપર પરદેશી હુમલો થયેલો ત્યારે એમની શ્રદ્ધાના પાયા એકદમ ડગી ગયા હતા. ઈ.સ. ૧૯૩૩માં એમને એવી અકળામણ થઈ કે અહિંસાને અપનાવીને ગુલામીમાં ડૂબી રહેવા કરતાં હિંસા દ્વારા હાંસલ કરેલી આઝાદીની વધુ અગત્ય છે એ માન્યતા દૃઢ થવામાં હતી.

ગાંધીજી ચળવળ શરૂ કરવામાં ઢીલ કરે અથવા કોઈક જગ્યાએ થોડી મારામારી થાય અથવા કોઈ કેદી જેલમાં જેલરની સૂચનાની અવગણના કરે તો નહેરુ માટે અસહ્ય બનતું. નહેરુ અકર્મણ્યતાથી અકળાતા. એ ગમે તે પ્રકારે આઝાદી મેળવવા પ્રયત્નો કરવામાં માનતા. ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ની વાતે આંદોલનમાં ગાંધીજીને નહેરુને સમજાવવા માટે મુશ્કેલીનો અનુભવ થયો હતો.

ગાંધીજીના યરવડા જેલના ઉપવાસે જવાહરે ખૂબ જ બેચેની અનુભવેલી. શત્રુઓને સમજાવવાનો આ પ્રકારનો કીમિયો નહેરુને અનુકૂળ નહોતો. ગાંધીજીની તબિયત લથડે અને કાંઈક વિપરીત પરિણામો આવે તો ? એ પ્રકારની શંકાથી નહેરુની બેચેની વધુ રહેતી.

નૈની જેલમાં નહેરુઃ “સાત વર્ષ પછી હું પાછો જેલમાં ગયો, એટલે કે જેલજીવનનાં મારાં સંસ્મરણો કાંક ઝાંખાં થઈ ગયાં.

“૨,૨૦૦થી ૨,૩૦૦ કેદીઓની વસ્તી માટે જેલના મોટા વાડાથી મારો રહેવાનો વાડો અલગ હતો. આખી જેલમાં મારો વાડો અને તેમાં આવેલી બૅરેક ‘જેલ’. એ ‘કુત્તાઘર’ તરીકે ઓળખાતી.

“તારાઓનું નિરીક્ષણ કરવાનું મને ગમતું અને કેટલાંક પ્રસિદ્ધ નક્ષત્રોના સ્થાન પરથી હું સમયની ઠીક-ઠીક અટકળ કરી શકતો. હું જે જગ્યાએ સૂઈ રહેતો. ત્યાંથી બરાબર દીવાલની કોર પરથી ધ્રુવના તારાને ડોકિયું કરતા જોઈ શકતો અને તે હંમેશાં એકના એક સ્થાને જોવા મળતો તેથી મારા જીવને અતિશય સુખ થતું.”

નહેરુજીએ “ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ(૧૯૩૭, ડિસેમ્બર)માં વિજ્ઞાનની સિદ્ધિઓમાં શ્રદ્ધા રાખીને કહ્યું હતું :

'Science alone could solve the problems of hunger and poverty, of insanitation and illiteracy, of superstition and deadening custom and tradition.’

નહેરુ રૂઢ અર્થમાં સંત કે ભક્ત નહોતા પણ એ સાત્ત્વિક પુરુષ હતા. એ પોતે અન્યત્ર કહે છે : “પ્રકૃતિની વિવિધતા અને વિપુલતા અંતરમનને હચમચાવી દેતી. એ આત્માનો સુસંવાદ પણ પેદા કરતી હશે.” એમણે કોઈ ધર્મની આચારસંહિતાઓનો મુખપાઠ કર્યો નહોતો, દીક્ષા કે ટીલાંટપકાંથી તે ખૂબ દૂર રહ્યા હતા. એ માનવતાવાદી અને ઉદારમતવાદી હતા, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણને હંમેશાં એ અગત્ય આપતા રહ્યા. માર્ક્સનો પ્રભાવ અમુક અંશે સ્વીકારેલો પણ એ ભૌતિકવાદી નહોતા, અદ્વૈત વિશેની વેદાંતની ફિલસૂફી તરફ તે આકર્ષાયા હતા. ગીતા અને ઉપનિષદોની વાતમાં રુચિ કેળવી હતી. બાળપણમાં ગૌતમબુદ્ધની કથાઓની અસર એમના ચિત્તમાં પડેલી હતી. બાળકોને હરહંમેશ એ ચાહતા રહ્યા. પ્રેમને છુપાવતા એ ક્યારે ય શીખ્યા નહોતા ! એક વખત કોઈ પ્રશ્નકર્તાએ કમલા અંગે પણ કાંઈ પૂછ્યું છે. નહેરુજીએ નિઃસંકોચ ઉત્તર આપેલો છે. મહાપુરુષોનું ‘નિજ’ સર્વ સાથે એકરૂપ બને છે. અદ્વૈતની ભાષામાં તાત્ત્વિક દૃષ્ટિએ પણ નહેરુ માનતા હતા. કમલાજીનાં અસ્થિની રાખ એમણે જતનપૂર્વક સાચવી હતી. આ રીતે નહેરુજી સર્વાભિમુખ પ્રેમના સ્રોત હતા. સાચે જ ! પૂર્વગ્રહમુક્ત વ્યક્તિ જ આ પ્રકારે સ્તુત્ય વિકાસની પગદંડી રાષ્ટ્રપ્રેમીઓ માટે તૈયાર કરી શકે.

૧૯૪૬માં શિખરપરિષદ પછી ઝીણાએ હિંદુસ્તાનમાં હિંદીઓ નહિ પણ હિંદુઓ અને મુસલમાનો જ રહે છે એવી ઘોષણા કરી એ અંગે કોઈ મહાનુભાવે લખ્યું છે કે, એ એક વાક્યમાં ઝીણાએ હિંદુસ્તાનનાં ચાર હજાર વર્ષના પ્રાચીન ઇતિહાસને ભૂંસી નાંખ્યો છે. ઝીણા અને મુસ્લિમ લીગે સ્વાર્થખાતર બ્રિટિશરોને અકથ્ય એવી રીતે સાથ આપ્યો. કૉંગ્રેસના માર્ગમાં વિઘ્નો ઊભાં કરવાનું કામ કર્યું. ગોળમેજી પરિષદ, ક્રિપ્સ મિશન, લૉર્ડ વેવલ પ્લાન, હિંદુઓ સામે જાતજાતનાં તહોમતો મૂકતો પીરપુરનો અહેવાલ રજૂ કર્યો. અંગ્રેજોના આ પ્રકારના આકરા વલણનું અમલીકરણ કરવા પ્રયત્નો થયા પણ લૉર્ડ માઉંટબેટન વાઇસરૉયે સમજ અને સહાનુભૂતિ બતાવી અને હિંદની જનતા અને એમના નેતા જવાહરનાં દિલ કઈ રીતે જીતી લીધાં એ દર્શાવવાનું માઇકલ બ્રેશર ચૂક્યા નથી.

કોઈ પણ આપવીતી એટલે કે ‘આત્મકથા’ લખનાર વ્યક્તિ જન્મથી કે છેલ્લો શ્વાસ રૂંધાય ત્યાં સુધીની રજૂઆત ન કરી શકે. ‘આત્મકથા’ એ સાહિત્યસ્વરૂપ ખરું પણ એ લખનારની યાદશક્તિ, વ્યક્તિને ભૂતકાળમાં જે કાંઈ નોંધપાત્ર ઘટના પ્રસંગોને ક્રમાનુસાર રજૂ કરવામાં પણ ચોક્કસ પ્રકારની સ્વયંસિદ્ધ મર્યાદા તો રહેવાની. સામાન્ય રીતે વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલી ‘આત્મકથા’ની શરૂઆત કિશોર-અવસ્થાનું પહેલું ચરણ હોય. કિશોર-અવસ્થામાં સ્વજનો તરફથી થયેલા આદેશનું કેટલે અંશે પાલન કરેલું અથવા એ સમયે કરેલી આદેશની અવહેલના, કિશોર-અવસ્થામાં વાચન, રમતગમતનો કે સંગીતનો કેળવાયેલો શોખ. એ સમયે ઘર અને બહારની દુનિયામાંથી મળેલા મિત્રોનો જે સંગરંગ લાગે એ પ્રકારની પ્રવૃત્તિમાં વ્યક્તિનું ઘડતર થાય … આ રીતે ‘આત્મકથા’ એ વ્યક્તિના મર્યાદિત વર્ષોના સારા/માઠા પ્રસંગોની રજૂઆત હોય છે, પણ અહં પ્રેમ કે ક્યાં ય આત્મમોહની અકારણ રજૂઆત ન થવી જોઈએ.

ગાંધીજી અને નહેરુની આત્મકથામાં સારો એવો તફાવત છે. ગાંધીજીએ કિશોર-અવસ્થા સામાન્ય કક્ષાનાં છોકરાંઓ વચ્ચે વિતાવી, જ્યારે નહેરુએ તદ્દન સુરક્ષિત શાહી કુટુંબમાં બાળપણ વિતાવ્યું. નોકરચાકરની પણ રખેવાળી એટલે નઠારી સોબતનો કોઈ પણ પ્રકારનો ચેપ લાગે જ નહીં. ગાંધીજીએ શિક્ષણ પબ્લિક સ્કૂલમાં લીધું, જ્યારે નહેરુને ફર્ડીનન્ડ બ્રુક્સ જેવા અંગ્રેજ શિક્ષક પાસે પશ્ચિમી તાલીમ મળી. ગાંધીજીએ ઇંગ્લૅંડ જતાં પહેલાં એક રૂઢિચુસ્ત, ધર્મપરાયણ માતા પૂતળીબાઈ પાસે પ્રતિજ્ઞા લીધી. છતાં એક યા બીજા કારણસર પશ્ચિમના લોકોનું અનુકરણ કરવાની પરોક્ષ રીતે ફરજ પડી. નહેરુને હેરો કૅમ્બ્રિજમાં પ્રવેશ લેવામાં અને એ લંડનના સામાજિક વાતાવરણને અનુકૂળ થવામાં કોઈ તકલીફ નહોતી. નહેરુએ એમની માતા સ્વરૂપરાણી અને પિતાની હૂંફ મેળવ્યાનો ભારપૂર્વક ઉલ્લેખ કર્યો છે. મોહનદાસને કરમચંદ અને માતા પૂતળીબાઈની કેવા પ્રકારની હૂંફ હશે તે વિષેની નોંધ નથી. ગાંધીજીએ કસ્તૂરબાની સાથેના વ્યવહારની વિગત આપવામાં સંકોચ નથી અનુભવ્યો, પણ નહેરુએ કમલાના સ્વાસ્થ્ય વિષેનો સામાન્ય ઉલ્લેખ કર્યો છે. બંને વચ્ચેના સુમેળની કોઈ રસપ્રદ વિગત આપી નથી. ગાંધીજીના જીવનમાં ‘હરિશ્ચંદ્ર’ નાટક અને ‘શ્રવણની પિતૃભક્તિ’ માતાપિતાની સેવા કરવાની પ્રેરણા મળેલી. એ પ્રકારનો થોડો ઉલ્લેખ નહેરુ અને એમના પિતાશ્રી મોતીલાલ જેલમાં સાથે હતા, ત્યારે જે પ્રકારની પિતાની સંભાળ લીધી એ વિષે નોંધ છે. ગાંધીજીને એમના મુંબઈ નિવાસ દરમિયાન રાયચંદભાઈ જેવા ધર્મપરાયણ અને તત્ત્વજ્ઞાનીના સંપર્કની વાત છે. નહેરુને મુબારકઅલી મુનશી અને બ્રુક્સે જે શીખ આપી, વાચનનો શોખ કેળવ્યાની વાત છે. ગાંધીજીને જે મહાનુભાવો પરિચય થયો એમાં મુખ્યત્વે નારાયણ હેમચંદ્ર, રાયચંદભાઈ, બાલાસુંદરમ્‌, ગોખલે, અબ્દુલ્લા શેઠ એ રીતે નહેરુએ પણ મુબારકઅલી મુનશી, બ્રુક્સ, કપુરથલાના પ્રિન્સ પરમજીતસિંગ, શ્રીનિવાસ શાસ્ત્રી, ‘અમૃતબજાર પત્રિકા’ના તંત્રી મોતીલાલ ઘોષ, સાહિત્યકાર ધનગોપાલ મુકર્જી, શ્રી પિલ્લે, રેકે બુકમેન અને કૅપ્ટન માર્ટીન (યરવડા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ) વિષે વાત કરી છે.

ગાંધીજીની વિનોદવૃત્તિઃ ગાંધીજીનું જીવન ઘણા જ દેશના જવાબદારીવાળા કાર્યમાં સતત ગૂંથાયેલું હતું. આમ છતાં એ કાર્યભારને વિનોદી સ્વભાવને લીધે સહજ રીતે હળવો કરી શકતા. મહાદેવભાઈની ડાયરીમાં ગાંધીજીના વિનોદ-પ્રસંગો છે. એ પ્રમાણે ‘સત્યના પ્રયોગો’માં પણ તેમના વિનોદી સ્વભાવનો પરિચય થાય છે. એમના હાસ્યરસમાં ક્યારે કોઈને ઉતારી પાડવા માટેનો ડંખીલો કટાક્ષ નહોતો. હકીકતમાં તેમનો વિનોદ પરસ્મૈપદી કરતાં આત્મનેપદી વિશેષ છે.

લંડનમાં અભ્યાસ કરતાં પણ એમને ફ્રાંસની મુલાકાત લેવાની ઇચ્છા થઈ અને એ માટેની પૂર્વતૈયારી કરવાનો પ્રયત્ન કરતાં કહે છે :

‘સભ્યપુરુષને છટાદાર ભાષણ કરતાં આવડવું જોઈએ. મેં નાચ શીખી લેવાનો નિશ્ચય કર્યો. એક વર્ગમાં જોડાયો. એક સત્રના ત્રણેક પાઉંડ ભર્યા. ત્રણેક અઠવાડિયાંમાં છએક પાઠ લીધા હશે. બરોબર તાલસર પગ ન પડે. પિયાનો વાગે પણ તે શું કહી રહેલ છે તે ખબર ન પડે.’ એક, બે, ત્રણ’ ચાલે પણ તેની વચ્ચેનું અંતર તો પેલું વાજું જ બતાવે, તે કંઈ ગમ ન પડે ત્યારે હવે ! આ અનુભવનું યથાર્થ વર્ણન કરવા ગાંધીજી પેલો ખૂબ જ પ્રાચીન જાણીતો ટૂચકો કહે છેઃ ‘હવે તો બાવાજીની બિલાડીવાળું થયું. ઉંદરને દૂર રાખવા સારુ બિલાડી, બિલાડી સારુ ગાય એમ બાવાજીનો પરિવાર વધ્યો તેમ મારો લોભ પણ વધ્યો.’

નહેરુ એમની આત્મકથામાં કહે છેઃ ‘મારામાં વિનોદશક્તિ ન હોત, તો હું આપઘાત કરીને મરી ગયો હોત.’

ખેર ! ‘આત્મકથા’ કલાકૃતિ જેમ વધારે ઉચ્ચ અને વધારે સૂક્ષ્મ તેમ એના અધિકારી સહૃદયો પ્રમાણમાં ઓછા પણ હોય, પણ અધિકારીઓની સંખ્યા પરથી કોઈ કલાકૃતિની સફળતાનો નિર્ણય કરવો વાજબી નથી. લોકપ્રિયતાની દૃષ્ટિએ જ જોઈએ તો કદાચ ‘સત્યના પ્રયોગો’ માંગ વિશ્વમાં રહી છે એટલી ‘મારી જીવનકથા’ની માંગ ન પણ હોય. પણ નહેરુની શૈલી કોઈ એક સારા અંગ્રેજ લેખકની કક્ષામાં અચૂક મૂકી શકાય, એવી ‘પોએટીક’ છે. ગાંધીજી કરતાં શાહી વાતાવરણમાં ઉછરેલા નહેરુ અને એમના કુટુંબના સભ્યોએ બ્રિટિશરોના રાજ્યમાં અકથ્ય એવી યાતના વર્ષો સુધી ભોગવેલી. આ રીતે ‘સત્યના પ્રયોગો’ અને ‘મારી જીવનકથા’ એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કાની બંને બાજુનો ચળકાટ સરખો નથી હોતો.

Reference Works:

1. Lionel Trilling : Sincerity and Authenticity (London: Oxford Univ.)

2. Mahatma Gandhi : Jawaharlal Nehru, Signet Press, Calcutta-20 (1949)(

3. Mahatma Gandhi as Germans See Him. Edited by HELMO RAU (Gandhi Centenary Year 1969) Shakuntla Publishing House, Bombay4

4. Jawaharlal Nehru (A Biography) By Frank Moraes Jaico Publishing House, Bombay

5.  મારી જીવનકથાઃ અનુ.મહાદેવ હરિભાઈ દેસાઈ (નવજીવન ત્રીજી આવૃત્તિ, ૧૯૪૭)

6. GANDHI (His Life and Message for the World) BY Louis Fisher (Signet Key Book) January, 1954 

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 03-06 

Loading

હાથથી મળસફાઈ કરનારા વધે છે, પુનર્વસનનું બજેટ ઘટે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|15 March 2021

સંસદ અને રાજ્યોનાં વિધાનગૃહોના અંદાજપત્ર સત્રો ચાલી રહ્યાં છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી બજેટનો માહોલ છે. શહેરી મધ્યમવર્ગને આવકવેરાની મુક્તિમર્યાદા કે શું શું સસ્તું – મોઘું થયું એટલા પૂરતી બજેટમાં દિલચસ્પી હોય છે. વિધાનગૃહોમાં પણ બજેટ પર સાર્થક ચર્ચાઓ બહુ ઓછી થાય છે; કેમ કે આર્થિક બાબતો પર ઠોસ ચર્ચા કરી શકે એવા જનપ્રતિનિધિઓની ખોટ છે. બજેટની સૂક્ષ્મ વિગતો ઉજાગર કરી તેનું વિશ્લેષણ કરનારો વર્ગ પણ બહુ સીમિત છે. એટલે જાહેર થયા પૂર્વે અંદાજપત્ર અતિગુપ્ત હોય છે અને પછીથી તે વણચર્ચ્યો આર્થિક દસ્તાવેજ બની રહે છે. આ સંદર્ભે ટ્રાન્સ્પેરન્સી ઈન્ટરનેશનલ ઈન્ડિયા’નો “બજેટ પ્રક્રિયામાં પારદર્શિતા” વિષયક તાજેતરનો અહેવાલ બજેટના ઘડતર અને તેની જાહેર ચર્ચા પર સારો પ્રકાશ પાડે છે. બજેટીય પારદર્શિતાના મુદ્દે કેન્દ્રીય અંદાજપત્ર ૧૦૦માંથી ૭૬ અંક મેળવીને સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતા બહુ પાતળી છે. ગુજરાત રાજ્યોના અંદાજપત્રોની પારદર્શિતામાં સત્તરમા ક્રમે છે.

૨૦૨૦-૨૧ના વરસના અંદાજપત્રને હાંસિયાના લોકોના લાભાલાભની રીતે મૂલવીએ તો નિરાશા સાંપડે છે. બહુ પ્રચારિત અને મહત્ત્વાકાંક્ષી સ્વચ્છ ભારત મિશન યોજનાનો બીજો તબક્કો  શરૂ થઈ ગયો છે. પણ જેમના માથે દેશ આખાની સ્વચ્છતાની જવાબદારી મરાઈ છે તેવા ગટર કામદારો, સફાઈ કામદારો કે હાથથી મળસફાઈ કરનારાના જીવનમાં ઝાઝો ફેર આણી શકાયો નથી. ભારતની સમાજવ્યવસ્થાની એ બલિહારી છે કે વર્ણબહારના ગણાયેલા દલિતોના માથે સફાઈના ગંદા કે હલકા ગણાતાં કામો કરવાનાં આવ્યાં છે. ચન્દ્ર કે મંગળ મિશનના આયોજક દેશમાં હજુ હાથથી મળસફાઈને સંપૂર્ણ તિલાંજલી અપાઈ નથી. દેશનાં અનેક શહેરો અને જિલ્લા ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર કરાઈ રહ્યાં છે. ઘરેઘરે સંડાસ બનાવાઈ રહ્યાં છે. બીજી તરફ ખુદ સરકાર હાથથી મળસફાઈ કરનારા અને ગટરમાં ઊતરીને સફાઈ કરનારા વધી રહ્યાના આંકડા સંસદમાં આપે છે.

મહારાષ્ટ્રના લોકસભા સભ્ય સુધાકર તુકારામ શિંગારેના અતારાંકિત પ્રશ્ન ક્રમાંક ૫૫, તા.૨-૨-૨૦૨૧ના લેખિત જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું છે કે ૨૦૧૬થી ૨૦૨૦ સુધીમાં દેશનાં ૧૯ રાજ્યોમાં ૩૪૦ લોકોના ગટરમાં ઉતરીને સફાઈ કરવાના કારણે મોત થયાં છે. સૌથી વધુ બાવન ગટર કામદારોનાં મોત ઉત્તરપ્રદેશમાં તે પછી તમિલનાડુમાં ૪૩, દિલ્હીમાં ૩૬, મહારાષ્ટ્રમાં ૩૪ અને ગુજરાત તથા હરિયાણામાં ૩૧-૩૧ સફાઈ કામદારોનાં મોત થયાં છે. રાજ્યસભામાં મંત્રી મહોદયે આપેલી માહિતી મુજબ ૩૪૦માંથી ૨૧૭ને જ વળતર ચૂકવી શકાયું છે; કેમ કે બાકીના મરણ પામેલા ગટર કામદારો વિશે પૂરતી વિગતો મળતી નથી. ગટર સાફ કરવાને કારણે મરણ થયાં છે તે હકીકત છે, સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તેમને વળતર પણ ચૂકવવાનું છે, પણ જેમને ગેરકાયદે ગટરમાં ઉતારીને મારી નંખાયા છે તેમનાં નામ-ઠામનો પત્તો વિશ્વગુરુ બનવા માંગતા દેશના વહીવટી તંત્ર પાસે નથી !

ગટરસફાઈ કરતાં મૃત્યુ પામેલા કામદારોની સાચી માહિતી જેમ સરકાર પાસે નથી તેમ મેન્યુઅલ સ્કેવેન્જર્સ કહેતાં માથે મેલું ઉપાડનારા કે હાથથી મળસફાઈ કરનારા લોકો દેશમાં ખરેખર કેટલાં છે તેના અધિકૃત, ચોક્કસ અને વિશ્વસનીય આંકડા પણ સરકાર પાસે નથી. રાજ્યસભાના વર્તમાન સત્રમાં સરકારે હાથથી મળસફાઈ કરનારા ૬૬,૬૯૨ લોકોની ઓળખ થઈ હોવાનું લેખિતમાં સ્વીકાર્યું છે. તેમાં પણ અડધોઅડધ કરતાં વધુ, ૩૭,૩૭૯ના આંક સાથે, યુ.પી. અવ્વલ છે. સરકારી સંસ્થા “નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન”ના ૨૦૧૩ના ૧૩ રાજ્યોના સર્વેમાં હાથથી મળસફાઈ કરનારાનો આંક ૧૪,૫૦૫ દર્શાવ્યો છે. ૨૦૧૮-૧૯માં ૧૮ રાજ્યોના ૧૭૦ જિલ્લાના ૮૭,૯૧૩ લોકોની હાથથી મળસફાઈ કરનારા તરીકે ઓળખ થઈ હતી. પરંતુ રાજ્ય સરકારોને તે સ્વીકાર્ય નહોતી. એટલે ૧૪ રાજ્યોના ૮૬ જિલ્લાના ૪૨,૪૦૩ની ઓળખ જ માન્ય રહી હતી. બિહાર, હરિયાણા, જમ્મુ-કશ્મીર અને તેલંગણાએ પોતાના રાજ્યમાં મેન્યુઅલ સ્કેવેન્જર્સ હોવાનો જ ધરાર ઈનકાર કર્યો છે. હવે ૨૦૨૦ના અંતે સરકાર તે વધીને ૬૬,૬૯૨નો થયાનું જણાવે છે. દેશમાં વિકાસ અને આધુનિકતાની, રેકર્ડ સમયમાં કોરોનાની રસી શોધ્યાની, ગુલબાંગો પોકારાય છે પણ મહાનગરો-નગરો અને ગામડાંઓમાં ગટરો અને ખાળકૂવા સાફ કરવા માટેનાં યંત્રો શોધાતાં નથી, શોધાયાં હોય તો ખરીદાતાં નથી  અને ખરીદાયાં હોય તો વપરાતાં નથી.

૧૯૯૩ અને ૨૦૧૩ના સૂકા જાજરૂ બનાવવા પ્રતિબંધ ફરમાવતા અને ગટરસફાઈ સહિતની હાથથી થતી મળસફાઈને ગેરકાયદે ઠેરવતા કાયદા થયા છે. કાયદામાં દોષિતોને જેલ અને દંડની સજાની જોગવાઈ છે પરંતુ ખાનગી ધોરણે જ નહીં સરકારી તંત્રોમાં પણ હાથથી મળસફાઈ અને ગટર સફાઈ કરાવવામાં આવી રહી છે અને સંસદમાં કહેવાયું છે તેમ આખા દેશમાં એક પણ વ્યક્તિને સજા થઈ નથી ! પૂર્વ ક્રિકેટર અને દિલ્હીના બી.જે.પી. સાંસદ ગૌતમ ગંભીરના પૂરક પ્રશ્નના જવાબમાં લોકસભામાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકાર હાથથી થતી મળસફાઈ માટે કોઈ નવો કાયદો ઘડવાની નથી કે હાલના કાયદામાં કોઈ સુધારો પણ કરવાની નથી. મંત્રીમહોદયની વાત સોઆની સાચી છે. કોઈ કડક કાયદો ઘડવાની નહીં, વર્તમાન કાયદાનો અમલ કરાવવાની જરૂર છે. કાયદા હેઠળ દોષિત ઠરેલ કોઈ એકાદને પણ દંડ અને સજા કરાવવાની જરૂર છે.

યંત્રોથી જ સફાઈ કરવાની રાષ્ટ્રીય નીતિ સરકાર ઘડી રહી હોવાનું સંસદને જણાવાયું છે. ગયા વરસના બજેટ ભાષણમાં નાણાં મંત્રી નિર્મલા સિતારામને કહ્યું હતું કે “અમારી સરકાર એ વાતે પ્રતિબધ્ધ છે કે ગટરની સફાઈ વ્યક્તિ દ્વારા ન જ કરવી. આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય ગટરોની સફાઈ યંત્રો દ્વારા કરાવવાની ટેકનિક શોધી રહી છે. સરકારના આ વિભાગો દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સતત સંપર્કમાં છે. જેથી તેઓ ગટર સફાઈની ટેકનિક અપનાવે. આ યોજનાનો કાનૂની અમલ કરવા સાથે ભારત સરકાર રાજ્યોને આર્થિક મદદ પણ કરશે.” નાણાં મંત્રીની આ ઘોષણા પછી દેશના કેટલા મહાનગરો-નગરોમાં ગટર સફાઈ માટે યંત્રો અપનાવાયાં કે ઘરેઘરે શૌચાલયો બની ગયાં તે તપાસનો વિષય છે. પણ  હા, હજુ ય ગટરસફાઈ કરતાં દલિતોના મરણ થઈ રહ્યાં છે.

રાજકીય ઈચ્છાશક્તિ વગરની સરકારો અને સંવેદનહીન સરકારી બાબુઓ આ બાબતે શું કરી શકે છે તેનું ઉદાહરણ તાજેતરમાં ગુજરાતમાં જોવા મળ્યું છે. રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારો પાસે ફલશ કે પાણીબંધ જાજરૂ હોવાની બાંહેધરી માંગી હતી. તેનો અર્થ એ કે જનપ્રતિનિધિ બનવા માંગતી વ્યક્તિના ઘરે પણ પાણીસહિતના જાજરૂ ન હોવાની વાત સરકાર સ્વીકારે છે. અમદાવાદની મહાનગરપાલિકાના કમિશનરે તાબાના અધિકારીઓને લેખિત સૂચના આપી છે કે હવેથી સરકારી દસ્તાવેજ અને પત્રોમાં ગટરો માટે ‘મેનહોલ’ને બદલે ‘મશીનહોલ’ શબ્દનો જ ઉપયોગ કરવો ! ભલે માણસોને અંદર ઉતારીને ગટરો સાફ કરાવાય પણ ગટરો ‘મશીનહોલ’ કહેવાશે. ઘરે જાજરૂ ના હોવાની સજા વ્યક્તિને ચૂંટણી લડતા અટકાવીને કરાશે.

ભારતનું બંધારણ પ્રત્યેક નાગરિકને ગરિમાપૂર્ણ જીવનનો અને સન્માનજનક રોજગારનો અધિકાર આપે છે. છતાં દલિતોને જ સફાઈનું નિમ્ન ગણાતું કામ કરવું પડે છે. તેમને સન્માનજનક વૈકલ્પિક રોજગાર આપી તેમનું પુનર્વસન કરવાનું કામ સરકારનું છે. આ બાબતમાં સરકારી સંવેદના કેવી છે તેના પુરાવા પણ બહુ દૂર શોધવા જવાની જરૂર નથી. ગટરકામદાર કે હાથથી મળસફાઈ કરનાર વ્યક્તિના કુટુંબના કોઈ એક સભ્યને સ્વરોજગાર માટે રૂ. ૪૦,૦૦૦ની આર્થિક સહાય, મહિને રૂ.૩,૦૦૦ની સહાય સાથે બે વરસ સુધી કૌશલ્યવિકાસની તાલીમ અને સ્વરોજગાર માટે રૂ.૩.૨૫ લાખ સુધીની લોનની રૂપાળી યોજના કાગળ પર જ છે. કેન્દ્રના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની સ્થાયી સમિતિના લોકસભામાં રજૂ થયેલા દસમા અહેવાલમાં જણાવ્યા મુજબ પુનર્વસન માટે લાયક ૪૮,૬૮૭ મેન્યુઅલ સ્કેવેન્જર્સમાંથી માત્ર ૩૦,૨૪૬ને જ પુનર્વસન માટે રોકડ સહાય મળી છે. તેમના કૌશલ્ય વિકાસ માટેની તાલીમ કે ગરિમાપૂર્ણ વૈકલ્પિક વ્યવસાયનું સર્જન કરવામાં આવ્યું નથી.

કેન્દ્રના ૨૦૧૭-૧૮ના અંદાજપત્રમાં પુનર્વસન માટે માત્ર રૂ.૫ કરોડની જોગવાઈ હતી. ૨૦૧૯-૨૦માં રૂ.૧૧૦ કરોડની જોગવાઈ સામે બજેટ ફાળવણી રૂ.૮૪.૮૦ કરોડની જ થઈ હતી. ૨૦૨૦-૨૧માં ફરી એ જ રૂ.૧૧૦ કરોડની બજેટ જોગવાઈ તો કરી પણ છ મહિના સુધી એક પણ રૂપિયાની ફાળવણી થઈ નહીં. હવે સુધારેલા અંદાજમાં ૧૧૦ કરોડની ફાળવણી ઘટાડીને રૂ.૩૦ કરોડની અને ગયા વરસની રૂ.૧૧૦ કરોડની જોગવાઈમાં ઘટાડો કરીને ૨૦૨૧-૨૨ના બજેટમાં રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરી છે એટલે એક જ વરસમાં બજેટ જોગવાઈમાં ૭૩ ટકાનો કાપ કર્યો છે. સફાઈ કામદારોના પુનર્વસનનો જેમાં સમાવેશ થતો નથી તે સ્વચ્છ ભારત મિશનના ૨૦૨૦-૨૧ના બજેટની રૂ.૧૨,૩૦૦ કરોડની જોગવાઈ સુધારેલા અંદાજમાં ઘટીને રૂ.૭,૦૦૦ કરોડ થતાં તેમાં પણ ૪૩ ટકાનો કાપ મુકાયો છે. નવા નાણાકીય વરસમાં સ્વચ્છ ભારત મિશનની બજેટ જોગવાઈમાં એક પણ રૂપિયાનો વધારો કર્યો નથી.

ભારે આર્થિક અને તીવ્ર સામાજિક અસમાનતા ધરાવતા આપણા દેશમાં સમાજના નબળા કે હાંસિયાના વર્ગોના કલ્યાણનો ખ્યાલ વિકાસ, સશક્તિકરણ અને હવે અધિકારિતા અને ન્યાય જેવા રૂપાળા શબ્દોમાં બદલાઈ રહ્યો છે. પણ શબ્દોનો બદલાવ તેમના જીવનને બદલી શકે એવી આર્થિક જોગવાઈઓ અને યોજનાઓ, સામાજિક માહોલ અને રાજકીય ઈચ્છાશકિતનો ભારોભાર અભાવ પ્રવર્તે છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયનો  ૨૦૧૯-૨૦નો બજેટ ખર્ચ રૂ.૮,૭૧૨.૬૧ કરોડ હતો. ૨૦૨૦-૨૧નું બજેટ અનુમાન રૂ.રૂ.૧૦,૧૦૩.૫૭ કરોડ હતું જે સુધારેલા અંદાજોમાં રૂ. ૫૦૫.૦૮ કરોડ ઘટાડીને રૂ.૮૨૦૭.૫૩ કરોડનું થઈ ગયું છે. હવે નવા બજેટમાં ગત વરસના અનુમાનમાં સામાન્ય વધારો કરીને રૂ.૧૦,૫૧૭.૬૨ કરોડની જોગવાઈ થઈ છે. દલિતોની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવણી થતી નથી. વધુ આંચકાજનક બાબત તો એ છે કે આ વરસની બજેટ સ્પીચમાં ફાઈનાન્સ મિનિસ્ટરે શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઈબ સબપ્લાનનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી.

જે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે તે પૈકીના ચાર પશ્ચિમ બંગાળ, કેરળ, અસમ અને તમિલનાડુ માટે મોટી બજેટ જોગવાઈ થઈ છે. આ બજેટ જોગવાઈ રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણ, મેટ્રો, ટેકસટાઈલ પાર્ક, સમુદ્રી શેવાળ પાર્ક માટે કરી છે. દેશની રાજધાની દિલ્હીના ૩૦ ટકા વિસ્તારમાં આજે ય ગટર લાઈન નથી.  આ ચાર રાજ્યોનાં મહાનગરો-નગરોની સ્થિતિ કંઈ દિલ્હી કરતાં સારી નથી. ત્યારે ગટરલાઈન માટે કોઈ બજેટ જોગવાઈ નથી. સ્માર્ટસિટી તો બનાવવાં છે, પણ સ્માર્ટ સેનિટેશન નહીં. દેશને ખુલ્લામાં શૌચમુક્ત કરવા સાથે જેમના માથે સફાઈનું કામ મારવામાં આવ્યું છે તેમને મુક્ત કરી ગરિમાયુક્ત રોજગાર માટેના નક્કર પગલાં અને યોજના કેમ વિચારાતાં નથી ?

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2021; પૃ. 10-11

Loading

...102030...1,9631,9641,9651,966...1,9701,9801,990...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved