Opinion Magazine
Number of visits: 9680512
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’

ચિરાગ ઠક્કર|Diaspora - Features|22 April 2021

પ્રસ્તાવના

આમ તો 'જય જગત' વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે, પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં 'ઓપિનિયન' સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. 'ઓપિનિયન' મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું. કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું 'જય'નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુનાઇટેડ કિંગ્ડમ નિવાસ દરમિયાન, 'ઓપિનિયન' સામાયિક અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’(યુનાઇટેડ કિંગ્ડમ)ના સંસર્ગથી.

વાંચન અને લેખન તો બાળપણથી હાડમાં ઉતરેલી આદત હતી. જ્યારે 2006માં યુ.કે. આવવાનું બન્યું ત્યારે વધારે સમય મળતાં એ પ્રવૃત્તિ પણ વધી. 2008માં બ્લોગિંગ શરૂ કર્યું અને સોશિયલ મીડિયા થકી એ બ્લોગ પહોંચ્યો પંચમ શુક્લ પાસે. તેમણે સામેથી મારો સંપર્ક સાધ્યો, અનિલ જોશીના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું અને હું આ શું હશે તેમ વિચારતો વિચારતો પહેલી વાર તે કાર્યક્રમમાં ગયો. એ કાર્યક્રમ હૃદયને એટલો બધો સ્પર્શી ગયો કે તેના વિષે બ્લોગ ઉપર લખ્યું. અને વિપુલભાઈએ એ લેખ 'ઓપિનિયન' મેગેઝિનમાં લેવા માટે મંગાવ્યો.

મારા માટે એ અત્યંત નવાઈની વાત હતી. ગુજરાતમાં તો સાહિત્યિક સામાયિકોમાં કંઈક છપાય એ માટે કેવાં શામ-દામ-દંડ-ભેદ ચાલતાં હોય છે એના વિષે તો બધાં જાણે જ છે. ગુણવત્તા કરતાં ત્યાં ઓણખાણ મોટા ભાગે વધારે મહત્ત્વની બની રહે છે. માટે મેં એ લેખ સાદર મોકલાવ્યો અને આવી રીતે 'ઓપિનિયન' તેમ જ GLA (U.K.) સાથે મારો પ્રેમસંબંધ શરૂ થયો.

એ પછી જેમ હેરી પોટરના મનોજગતને હોગવર્ટ સ્કૂલના આચાર્ય ડમ્બલડોર વિસ્તારે અને વિકસાવે છે એમ પ્રિય વિપુલ કલ્યાણીએ આ જયના જગતને વિસ્તારવા અને વિકસાવવા માંડ્યું. એમની શૈલી પાછી નિરાળી. એ સીધે-સીધું કશું જ કહે કે સૂચવે નહીં. બધાનો ઓપિનિયન પ્રગટ કરનારા એ પોતે સીધે-સીધો ક્યારે ય પોતાનો 'ઓપિનિયન' રજૂ જ ન કરે. પણ કંઇક એવું વાંચવા તરફ આંગળી ચીંધે કે એવા કોઈ કામમાં સામેલ કરે કે આપણે આપોઆપ વિસ્તાર અને વિકાસની દિશામાં અગ્રેસર થઈએ.

હું બ્લોગ પર જે લખું તેને વિપુલભાઈ 'ઓપિનિયન' મેગેઝિનમાં શબ્દશઃ છાપે. તેમાંથી પાછું ક્યારેક પ્રકાશભાઈ 'નિરીક્ષક'ના પાનાં પર પણ ઉતારે ને ક્યારેક કોઈ બીજા ગુજરાતી સામાયિકમાં પણ છપાય. આમ 'ઓપિનિયન' મેગેઝિન અને GLA(UK)ની ટીમે મારા અવાજને સ્પષ્ટ અને ઘેરો બનાવ્યો.

એ અવાજ લઈને હું સાતેક વર્ષ ડાયસ્પોરાની ભૂમિમાં વીતાવીને વારસાની ભૂમિ પર પાછો ફર્યો. અહીંયા એ સફર ચાલુ રાખી છે અને તેનાં પાયામાં 'ઓપિનિયન' રહેલું છે તેનો ઋણસ્વીકાર કરું છું.

Reverse Racism

આરાધનાબહેન ભટ્ટે જે રેસિઝમ અને રિવર્સ રેસિઝમની વાતની માંડણી કરી, તે વાત ખૂબ મહત્ત્વની છે. મને જીવનના થોડા-ઘણા અનુભવે એમ શીખવ્યું છે કે સામેવાળું આપણાથી કોઈક રીતે અલગ છે એમ દર્શાવવું એ રેસિઝમનો સૂક્ષ્મ પ્રકાર જ છે.

અને એ સૂક્ષ્મ રેસિઝમ ડાયસ્પોરા વિશ્વના આપણા ગુજરાતીઓમાં અને ભારતીયોમાં અવશ્ય જોવા મળે છે. બે અજાણ્યા ગુજરાતીઓ મળે ત્યારે 'તમે કયાં ગામના?' અને 'તમે કેવા?' એવી પૃચ્છા કરવી હજું પણ ત્યાં એકદમ સામાન્ય છે.

આપણે આ પ્રશ્નો પૂછવાનું બંધ કરીને માનવમાંથી વિશ્વમાનવ બનવા તરફ આગળ વધી શકીશું એમ લાગે છે. આ દિશામાં પણ 'ઓપિનિયન' પોતાનો નક્કર અભિપ્રાય રજૂ કરતું રહેશે એવી અપેક્ષા છે.

રતિલાલ ચંદેરિયાનું સ્મરણ

રોહિતભાઈ બારોટે રતિલાલ ચંદેરિયાનું સ્મરણ કર્યું છે. તેમને મારા વંદન. એ વ્યક્તિત્વનો પરિચય તો નહોતો થયો, પરંતુ ઓળખાણ 'ઓપિનિયન' થકી જ થઈ હતી અને અત્યારે તેમના દ્વારા સર્જાયેલી ગુજરાતીલેક્ષિકોન.કોમનો મારા જેટલો નિયમિત ઉપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે.

સૂચક વાત

નટવરભાઈ ગાંધીએ ડાસ્પોરા વિશ્વની બીજી અને ત્રીજી પેઢી વિષે એમ સૂચક વિધાન કર્યું કે એ પેઢીએ "અમેરિકામાં ઉછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું [તે] પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે." આ પ્રાસ્તાવિક વાતને વારસાની ભૂમિના સંદર્ભે પણ મૂકી શકાય છેઃ "21મી સદીમાં ઉછરીને 21મી સદીના વૈશ્વિક ભારતીય ન થવું અને 19મી કે 20મી સદીનાં ભારતીય બની રહેવું, તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.

'ડાયસ્પોરા' શબ્દ

આ બેઠકમાં લોર્ડ ભીખુ પારેખે ડાયસ્પોરા શબ્દ સામે વાંધો નોંધાવીને કહ્યું કે તેમના અનુસાર ડાસ્પોરા શબ્દમાં અત્યંત લઘુમતીમાં હોવાની અને વતનમાં પાછા ફરવાની ઝંખના હોવી જોઈએ. 42 દેશોમાં વિખરાયેલો ભારતીય સમાજ 22 દેશોમાં નોંધપાત્ર સંખ્યા ધરાવે છે અને મહદઅંશે કોઈ પાછા ફરવાની ઝંખના સેવતું નથી. માટે એ સમાજ માટે 'ડાયસ્પોરા' શબ્દ વાપરવો કેટલો યોગ્ય છે અને તે ન વાપરી શકાય તો ગુજરાતીમાં કયો શબ્દ યોગ્ય રહેશે તેમ પણ તેમણે પૂછ્યું હતું.

જેમ અંગ્રેજી ભાષા વિદેશી શબ્દો યથાતથ સ્વીકારે છે કે તેમાં નવી અર્થછાયા ઉમેરે છે, તેમ ગુજરાતીએ પણ પોતાના યાયાવર સંતાનો માટે 'ડાયસ્પોરા' શબ્દનો બહુધા સ્વીકાર કર્યો છે અને ધીમે-ધીમે તેની અર્થછાય પણ વધારે સ્પષ્ટ બનતી જશે એમ માનવું અસ્થાને નહીં ગણાય.

સમાપન

બેઠકમાં હાજર વિપુલ કલ્યાણી, પંચમ શુક્લ, નીરજ શાહ, અશોક કરણિયા, ભદ્રા વડગામા ઉપરાંત અનિલ વ્યાસ, વલ્લભ નાંઢા, મારા પ્રિય અદમ ટંકારવી, ધવલ વ્યાસ, ધ્વનિ ભટ્ટ એ સૌનાં મધુર સ્મરણ સાથે વિરમું છે.

e.mail : chirag@chiragthakkar.me

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Loading

હ્યુમન લાઈબ્રેરી : મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 April 2021

"પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે”, એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના  કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની, શિક્ષણની, જરૂરિયાતની, ટાઇમ-પાસની વસ્તુ છે. કોઈને કોઈ સ્વરૂપે પુસ્તક આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પડાવોને પ્રભાવિત કરતું રહે છે. પુસ્તકોનો આવિષ્કાર થયો, ત્યારથી લઈને માનવ જીવનમાં તેની ઉપયોગિતા પર અનેક જ્ઞાની લોકોએ ખૂબ બધા વિચારો કર્યા છે, ખૂબ બધું લખ્યું છે.

આધુનિક રાજકીય ચિંતન અને રાજકીય વિજ્ઞાનના જનક ઇટાલિયન નિકોલો મેકિયાવલી આમ તો નિષ્ઠુર વિચારક હતો, પરંતુ તેના વ્યક્તિત્વમાં અમુક નાજૂક બાબતો પણ હતી. એમાં પુસ્તકોનો સમાવેશ થાય. તત્કાલીન રોમમાં ફ્લોરેન્ટીનના રાજદૂત અને અંગત મિત્ર ફ્રાંસેસ્કો વેટ્ટોરીને ડિસેમ્બર ૧૫૧૩માં લખેલા પત્રમાં મેકિયાવલીએ તેના વાંચનના શોખ અંગે લખ્યું હતું –

"સાંજ પડે હું નિવાસે પાછો ફરું છું અને પુસ્તકોના મારા કમરામાં જાઉં છું. દરવાજે હું દિવસનો મારો મેલોઘેલો પહેરવેશ ઊતારીને ટાંગી દઉં છું, અને દરબારી વસ્ત્રો ધારણ કરીને પ્રાચીન જ્ઞાનીઓના દરબારમાં પ્રવેશ કરું છું. મને પ્રેમથી આવકાર આપવામાં આવે છે. ત્યાં મારા માટે આહાર તૈયાર હોય છે. હું તેમની સાથે વાતો કરું છું અને તેમના આચરણ વિશે હું સવાલો પૂછું છું. તેઓ નમ્રતાથી મને જવાબો આપે છે. ત્યાં ચાર કલાક સુધી મને  કંટાળો નથી આવતો, હું દરેક દુઃખ ભૂલી જાઉં છું, મને ગરીબી, મોતનો ડર નથી લાગતો. હું મારી જાતને સંપૂર્ણપણે તેમને સમર્પિત કરી દઉં છું."

મેકિયાવલી તેનાં પુસ્તકો સાથે વાતો કરતો હોય એ કલ્પના કેટલી જબરદસ્ત છે. એ સાચી પણ છે. આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ, ત્યારે આપણે તેની સાથે એવી રીતે સંવાદ કરીએ છીએ, જાણે એક મિત્ર સાથે વાત કરતા હોઈએ!  ૨૦૦૬માં, હોલીવૂડની એક ફિલ્મ 'નાઈટ એટ ધ મ્યુઝિયમ' આવી હતી. તેમાં રોજ રાત પડે મ્યુઝિયમમાં શો-કેસમાં મુકવામાં આવેલાં જનાવરો જીવતાં થાય છે!

ધારો કે મેકિયાવલીની લાઈબ્રેરીનાં પુસ્તકો જીવતાં થઈને જે તે લેખકનું સ્વરૂપ ધારણ કરે અને મેકિયાવલી સાથે સંવાદ કરે તો? આમ ભલે ફિલ્મી કલ્પના લાગે (કોઈએ આવો પ્લોટ વિચારવા જેવો છે), પણ ડેન્માર્કમાં પ્રતિવર્ષ યોજાતા રોસકિલ્ડે મ્યુઝિક ફેસ્ટિવલમાં સન ૨૦૦૦માં રોની અબેરજેલ નામના એક સ્થાનિક લેખકને એવો વિચાર આવ્યો હતો કે જેમ પુસ્તકોની લાઈબ્રેરી હોય છે, તેવી માણસોની લાઈબ્રેરી હોય તો કેવું?

આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસની સાથે માણસોએ એકબીજા મળવાનું અને સંવાદ કરવાની ઓછું કરી દીધું છે, ત્યારે માણસો એકબીજાંને 'પુસ્તક' તરીકે મળે, તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ એવો વિચાર આ રોનીભાઈને આવ્યો હતો. એ વિચાર એટલો સશક્ત હતો કે આજે ૨૦ વર્ષ પછી ૮૦ દેશોમાં આવી લાઈબ્રેરી ચાલે છે, જેમાં માણસો 'પુસ્તક' બનીને એકબીજાને મળે છે. એ પ્રવૃત્તિનું નામ છે ‘હ્યુમન લાઈબ્રેરી’ એટલે કે માણસોની લાઈબ્રેરી.

આઈડિયા એવો છે એમાં જે વ્યક્તિ ‘મેમ્બર’ બનવા માગતી હોય, તે ‘પુસ્તક’ બને, અને ‘વાચકો’ માટે ઉપલબ્ધ રહે. એટલે ધારો કે હું ‘પુસ્તક’ તરીકે પેશ થવા તૈયાર થાઉં, તો કોઈ નિશ્ચિત જગ્યાએ કોઈ મને ‘વાંચવા’ આવે. એ મને મારા જીવન વિશે, વ્યવસાય વિશે, સફળતા-નિષ્ફળતા વિશે, દુઃખ-દર્દ વિશે પૂછે. ભારતમાં પણ અનેક શહેરોમાં આવી લાઈબ્રેરીઓ ચાલે છે.

જેમ પરંપરાગત લાઇબ્રેરીમાં વિષયવાર પુસ્તકો હોય છે, તેવી રીતે આ ‘હ્યુમન લાઈબ્રેરી’માં પણ કેવા પ્રકારના લોકો ‘પુસ્તકો’ રૂપે ઉપલબ્ધ છે, તેની સૂચિ બને છે. એટલે ધારો કે કોઈ ‘વાચક’ને સેરેબ્રલ પાલ્સીનું પુસ્તક ‘વાંચવું’ હોય, તો લાઈબ્રેરીમાં તે એવા રોગનો અનુભવ હોય તેવી વ્યક્તિને ‘વાંચવા’ માટે પસંદ કરી શકે. વ્યક્તિઓ સામેથી ‘પુસ્તક’ બનવા તૈયાર થઇ હોય, એટલે તેમને ‘વાચકો’નો કોઈ પણ સવાલનો જવાબ આપવાની શરમ ન હોય.

ધ હ્યુમન લાઇબ્રેરી ઓર્ગેનાઈઝેશન નામની નહીં નફો-નહીં ખોટના ધોરણે ચાલતી સંસ્થા આ લાઇબ્રેરીને ચાલવે છે. આ સંસ્થા ઊભી કરનાર રોની અબેરજેલ કહે છે કે અગાઉ તેણે અને તેના સહયોગીઓએ શહેરી વિસ્તારોમાં થતી હિંસા સામે સ્ટોપ ધ વાયોલેન્સ નામની ચળવળ સાત વર્ષ ચલાવી હતી. તે વખતે તેને પ્રશ્ન થયો હતો કે લોકો સાવ અજાણ્યા માણસો પર હિંસા કેમ કરતા હશે? તેને લાગ્યું કે તેનું એક કારણ એ છે કે તેમની વચ્ચે ભૂતકાળમાં કોઈ સંબંધ ન હતો. રોની કહે છે કોઈ વ્યક્તિ પસંદ ન હોય પણ તેની સાથે એક સામાજિક સંબંધ હોય, તો હિંસા ઘટી શકે.

આ વિચારમાંથી હ્યુમન લાઈબ્રેરીનો જન્મ થયો હતો, જેનો મૂળ હેતુ અજાણ્યા લોકો સાથે ઓળખાણ સ્થાપિત કરવાનો છે. આપણે અત્યંત ધ્રુવીકરણવાળા સમયમાં રહીએ છીએ, જેમાં જે ‘આપણા’ જેવા ન હોય અથવા આપણાથી ‘જુદા’ હોય તેવા લોકો પ્રત્યે આપણને બહુ બધા પૂર્વગ્રહો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ જેલની સજા કાપીને આવી છે અથવા ધારો કે સમલૈંગિક છે. આપણે જ્યાં સુધી તેને જાણતા નથી, ત્યાં સુધી આપણામાં તેના વિશે ઘણીબધી ગેરમાન્યતાઓ હોય છે. તેમાંથી જ નફરત અને ઘૃણા પેદા થાય છે. હ્યુમન લાઇબ્રેરીમાં આવા વિષમ લોકોને ખુલ્લા થવાનો અને પૂર્વગ્રહો દૂર કરવાનો મોકો મળે છે.

જુદા હોવું એટલે એકલા હોવું. જે સમાજ એક સરખા જોડા સીવતો હોય અને બધાને તેમાં ફીટ કરવાનો પ્રયાસ કરતો હોય, ત્યાં ‘નાના-મોટા પગવાળા’ માણસો તરછોડાય છે અને ભેદભાવનો શિકાર બને છે. આપણે નાના હતા ત્યારે આપણા વડીલો આપણને ઘણીવાર કહેતા હતા કે ‘આ પુસ્તક તારાથી ન વંચાય.’ આપણે સ્વતંત્રત થઈને ન વાંચવાનાં પુસ્તકો વાંચતા થયા, પછી આપણને ખબર પડી કે એ પુસ્તકોમાં તો કશું અસાધારણ ન હતું. બલકે, આપણે તે વાંચ્યા ન હતાં એટલે આપણે અધૂરા હતા. મોટા થઈને આપણે બહુ બધાં પુસ્તકો વાંચ્યાં, પછી ખબર પડી કે કોઈ પુસ્તક સારું કે ખરાબ નથી હોતું. પુસ્તક સારી રીતે લખાયેલું અથવા ખરાબ રીતે લખાયેલું હોય છે.

માણસોનું પણ એવું જ છે. આપણે તેને ‘વાંચીએ’ નહીં ત્યાં સુધી તે આપણને ખરાબ જ લાગે. શાહરુખ ખાનની ‘બાઝીગર’ ફિલ્મમાં ગીતકાર રાની મલિકે એટલે જ લખ્યું હતું;

કિતાબે બહોત સી પઢી હોંગી તુમને
મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ

સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

આ મુશ્કેલ સમયમાં (54)

સુમન શાહ|Opinion - Opinion|21 April 2021

આજકાલ ભારતમાં ભમી રહ્યો છે એ કોરોના મહા રાક્ષસ છે. નાનપણમાં ‘ટચૂકડી ૧૦૦ વારતાઓ’-ની ચૉપડી વાંચેલી. એમાં કેટલીયે વારતાઓમાં રાક્ષસની વાત આવે, બોલતો ને હાંફતો ને ધૂણતો ને ફાંફાં મારતો જતો હોય – માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં. આ કોરોના એવો છે, કહો કે એથીયે ભૂંડો છે.

‘ધ વૉશિન્ગ્ટન પોસ્ટ’ આજે લખે છે કે ભારતમાં કોરોનાનો ઉછાળ અતિ ગમ્ભીર સ્વરૂપ પકડી રહ્યો છે. એ વિશ્વવ્યાપી ત્રીજો નવો ચેપ છે. સૂરતના એક સ્મશાનગૃહે એ છાપાના પ્રતિનિધિને જણાવ્યું કે રોજ ૧૦૦ શબ આવે છે, અમારી ચિમનીઓના સ્ટિલના બે પાઇપ નિરન્તરના વપરાશે કરીને પીગળી ગયા છે …

કોરોના-કોવિડની માહિતી WorldOmeter દર્શાવે છે :

વિશ્વમાં : કુલ કેસ : ૧૪,૩૧,૦૩,૭૯૫ : કુલ મૃત્યુ : ૩૦,૪૮,૯૦૧

ભારતમાં : કુલ કેસ : ૧,૫૫,૨૮,૧૮૬ : : નવા કેસ : ૨,૧૩,૪૭૨ કુલ મૃત્યુ : ૧,૮૧,૮૭૦ : નવાં મૃત્યુ : ૧,૩૨૦

આ આંકડા આ ક્ષણના છે, લખાતાં, પ્રકાશિત થતાં અને વંચાઈ રહેતાં, વધ્યા જ હોય, કેમ કે સર્વત્ર કોરોનાસંલગ્ન તમામ આંકડા નિત્યવર્ધમાન છે – સરકારો ખોટા આપે ને છાપાં છાપે, તે પછી પણ.

પહેલા વિશ્વયુદ્ધમાં ૨૦ મિલિયન મૃત્યુ થયેલાં, બીજમાં ૭૫ મિલિયન. ૧ મિલિયન = ૧૦ લાખ. આ આંકડા કોરોનાના આંકડા કરતાં મોટા છે !

કોરોનાને ઈશ્વરદત્ત ગણીએ ને યુદ્ધને માનવસરજિત કહીએ તો બધા દોષ સંસ્કૃતિઓમાં, સભ્યતાઓમાં અને પ્ર-ગતિશીલ આાચરવિચારમાં જોવા જોઈશે. કોરોનાને મૅનમેડ કહેવાયો છે, મનુષ્ય-સરજિત. કોઈકે તો એ માટે ચિનને દોષી ઠેરવ્યું છે. આ જો સાચું હોય તો એથી વધારે નઠારું ને ઘોર અ-માનવીય શું હોઈ શકે?

જો કે, ઈશ્વરમાં માનનારા ઘણા બધાઓ રોજ પ્રાર્થનાઓ કરે છે – હે ઈશ્વર ! બહુ થયું, બસ કર. પણ ઈશ્વરમાં માનનારા કેટલાક એમ પણ કહે છે કે જે થઈ રહ્યું છે એ ઈશ્વરની જ યોજનાથી થઈ રહ્યું છે, સહી લો.

વિજ્ઞાનમાં માનનારા અને વિજ્ઞાનીય દૃષ્ટિમતિ ધરાવનારાઓ એમ કહે છે કે જે થઈ રહ્યું છે એનાં ચૉક્કસ કારણો છે. એ કારણો મળી ગયાં છે ને રસી શોધાઈ ગઈ છે. અમુક સમયના અન્તરે હર્ડ ઈમ્યુનિટી વધશે ને લગભગ બચી જવાશે. 'લગભગ' એટલા માટે કે સૌએ જીવનશૈલી બદલવી પડશે, નહીં બદલે એમના બારામાં રસી કે કોઈ પણ ઔષધ નિષ્ફળ નીવડશે.

સમાજવિજ્ઞાનીઓ પ્રજાજનોનો વાંક જુએ છે – માસ્ક પ્હૅરતા નથી, સોશ્યલ ડિસ્ટન્સ જાળવતા નથી. એ લોકો સરકારોના પણ દોષ જુએ છે – કારગત ઉપાયો કરતી નથી. પ્રજાને માટે થાય એ કરે છે પણ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સરકારોનાં લટિયાં એકબીજાં સાથે ઘણાં ગૂંચવાયેલાં છે.

એક જ રસ્તો છે : તમામ બાબતોથી શક્ય તેટલા દૂર થઈ જવું ને બસ ઘરમાં રહેવું. પણ સામો સવાલ એ છે કે જેઓ રોજે રોજ જાતમહેનતથી કમાયા પછી જ પેટનો ખાડો ભરી શકે છે એમને તો બહાર જવું જ પડવાનું, એમનું શું? મુમ્બઈના ધારાવીમાંથી ૨૫ હજાર જેટલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી છે. સામો સવાલ એ પણ છે કે વતનમાં ય એમને આશરો કેટલો ને કેવોક મળશે.

આ બધું જણાવનારા સૌ અંશત: સાચા છે. પણ કોરોના સ્વાયત્ત છે, નિરંકુશ છે, બેફામપણે પોતાનું કામ કરી રહ્યો છે. એ સંજોગોમાં કોઈને કશું પણ ચૉક્કસ – લાજવાબ – સૂઝતું નથી એ કરુણતા છે, એ મહા મોટી વાસ્તવિકતા છે.

કાવ્યો ને ગઝલો કરવાથી ગાયનો ગાવાથી નવલકથાઓ વાંચવાથી ફિલ્મો જોવાથી ઘડીભર સારું લાગે, પણ એ એક પ્રકારે તો પલાયન જ છે; અને એ પલાયન પણ ક્યાં લગી?

મેં હમણાં જ એક ફિલ્મ જોઈ ‘ધ પિયાનિસ્ટ’. ૧૯૩૯થી ૧૯૪૫ સુધી વિસ્તરેલા બીજા વિશ્વયુદ્ધમાં એક પોલિશ પરિવાર ફસાયું હોય છે. પુત્ર, સુખ્યાત પિયાનોવાદક, વિખૂટો પડી જાય છે ને બૉમ્બાર્ડિન્ગથી ધ્વસ્ત શેરીઓમાં ને ઘરોમાં આશરા ને મદદો શોધતો અથાક ભટકે છે … વગેરે, વગેરે.

સત્તાથી થતા હજારો નિર્દોષોની નિર્ઘૃણ હત્યાઓને હું સહી શકેલો નહીં. લાઈનમાં ઊભા રાખે, તું બહાર આવ, તું બહાર આવ, કરી લાઈનની બહાર કરે ને એ દરેકને વારાફરતી ગોળી મારે. પેલાઓ ઢળી પડે. લાશોનો ઢગલો કરાય ને પછી બાળી નંખાય.

એ અમેરિકન ઍક્ટર ઍડ્રિયન બ્રોડીની સર્જકતાભરી કલાએ મને ખુશ કરેલો. બ્રોડીને આ ફિલ્મમાં ૨૦૦૩માં લીડિન્ગ રોલ માટે ઍકેડેમી અવૉર્ડ અપાયેલો, ત્યારે એ માત્ર ૨૯-નો હતો, ૧૯૭૩માં જન્મ્યો છે.

પણ છેલ્લે હું ખૂબ વ્યથિત હતો.

ધર્મ, સાહિત્ય કે કલાઓ આજે સમ્મૂઢ ભાસે છે – સત્પ્રયાસ ભરપૂર કરે છે, તો પણ. આંશિક સત્ય, જૂઠાણાં અને પોસ્ટ ટ્રુથ વચ્ચેનો ભેદ ભુસાઈ ગયો છે. આ બધાનો આડકતરો અર્થ એ છે કે માણસ ઇચ્છે તો પણ અર્થ શોધી શકતો નથી. અનર્થની આ પરમ કોટિ છે.

મેં એક ઍપિગ્રામ લખ્યો છે :

અનર્થમાં અર્થ ન શોધ
આકાશને ન માપ
અર્થ પણ ક્યારેક અનર્થ હતો
આકાશ આકાશી ખયાલ છે

= = =

(April 20, 2021: USA)

Loading

...102030...1,9621,9631,9641,965...1,9701,9801,990...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved