Opinion Magazine
Number of visits: 9680460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ઉપેક્ષિતા – મરિયમ માગ્દાલેણ (મેરી મેગ્ડેલીન)

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|23 April 2021

વિશ્વસાહિત્યના મહાન સર્જકો હોય કે  ધાર્મિક ગ્રંથોના સર્જકો, ઉત્તમ સર્જક  જગત સમક્ષ આદર્શરૂપ, ઉદ્દાત ચરિત્રોનું નિર્માણ કરવાને જ એનું કવિકર્મ ગણે છે. ઘણાં સાહિત્યિક અને ધર્મગ્રંથોનાં પાત્રો આજે તો લોકોત્તર અને અલૌકિક સ્થાન પ્રાપ્ત કરી ચુક્યાં છે. ધાર્મિક આસ્થા ધરાવતા લોકો તેમને દેવ તરીકે પૂજે છે. ક્યારેક આ જગત પર જન્મ ધારણ કરનાર અવતારી, મહાન વિભૂતિઓનાં જીવનચરિત્રનું ઉદ્દાત નિરૂપણ કરવામાં લેખકો પોતાની સમગ્ર સર્જનશક્તિ ખર્ચી નાખે છે, સર્જક આમ કરવા જતાં ક્યારેક  કોઈ મહત્ત્વના પાત્રને જાણે અજાણે અન્યાય કરી બેસે છે. એ પાત્રના ચરિત્રની રેખાઓ ઉપસાવવામાં કંઈક ચૂકી જાય છે. એનું જીવન, એની વ્યથા, વેદના કે સંવેદનાને અજાણતા નજરઅંદાજ કરે છે. અભ્યાસીઓ દ્વારા વિશદ વિવેચનાત્મક અને સંશોધનાત્મક અભિગમ સાથે આવાં ઉપેક્ષિત પાત્રોનો અભ્યાસ કરવામાં આવતાં એમનાં ચરિત્રની એમનાં વ્યક્તિત્વની વણસ્પર્શી વિગતો આશ્ચર્યજનક રીતે ઊડીને આંખે વળગે છે. આવાં પાત્રોની એક વણકથી અધૂરી કથા હોય છે. થોડા સમય માટે આવતાં આ પાત્રો પોતાની અમીટ છાપ છોડી જાય છે. તેમનો પ્રભાવ લાંબો સમય જનમાનસ પર રહે છે. તેમના વિના કથાનક અધૂરું લાગે છે. ઓવરશેડ આવાં પાત્રોના સંદર્ભે ફ્રાન્ઝ્વા મોરિયેકનું એક વિધાન અહીં નોંધપાત્ર બને છે, એમને મતે સર્જકનું કામ  – ‘સમાજ જેને ઉચ્ચ, ભવ્ય કે ભદ્ર ગણે છે એવા પાત્રોના આંતરમનમાં પડેલી પતીતતા અને આપણે જેમને પતીત અને અધમ ગણીએ છીએ તેવાં પાત્રોના હૃદયનાં ઊંડાણમાં વહેતી પાવિત્ર્યની સરવાણી એણે શોધી બતાવવાની છે.’ ઘણીવાર સાહિત્યમાં કે ધાર્મિક ગ્રંથોમાં આવાં ઉપેક્ષિત પાત્રો જોવા મળે છે, જેના પાત્રને યોગ્ય ન્યાય ન મળ્યો હોય.

ભારતીય મહાકાવ્યોની વાત કરીએ તો ‘રામાયણ’માં વિના કારણે ચૌદ વર્ષ પતિ વિયોગે પસાર કરતી લક્ષ્મણપત્ની ઉર્મિલાનું પાત્ર. ‘મહાભારત’નું એક મહત્ત્વનું પાત્ર કર્ણ, જે શુદ્ર ન હોવા છતાં આજીવન એ કલંકનો ભાર વેંઢારતો રહ્યો, અપમાન વેઠતો રહ્યો. એ જયેષ્ઠ પાંડવ અને કુંતીપુત્ર હોવા છતાં રાધેય તરીકે ઓળખાયો તે કર્ણ  !  કે આદિવાસી કુમાર,  જે અર્જુન જેવો જ સક્ષમ બાણાવળી હોવા છતાં શુદ્ર હોવાને કારણે સતત હડધૂત થતો રહ્યો એટલું જ નહિ, ગુરુ ન હોવા છતાં ગુરુપણાના દાવેદાર દ્રોણને અંગૂઠો કાપી આપી ગુમનામીમાં ખોવાય ગયો તે એકલવ્ય. બાઈબલમાં પણ આવાં પાત્રો જોવા મળે છે. જેમનું વ્યક્તિત્વ ગુમનામ રહ્યું.

‘બાઈબલ’ના ‘નવા કરાર’(New Testament)માં માત્ર અછળતો ઉલ્લેખ પામતું સિમોન કુરેની ( Simon Cyrene) કે મરિયમ માગ્દાલેણ(Mary Magdalene)નાં પાત્ર. ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન, વિશ્વની એક અપૂર્વ અને અદ્ભુત ઘટના, તેની એક માત્ર સાક્ષી મરિયમ માગ્દાલેણ,  ઈસુની વફાદાર અનુયાયી અને સાથી હોવા છતાં, એના જીવન કે કાર્ય વિશે વિગતે કોઈ ખાસ માહિતી ‘નવા કરાર’ના ચારે ય પ્રારંભિક પુસ્તકોમાંથી પ્રાપ્ત થતી નથી ! આમ છતાં આ ઉપેક્ષિત પાત્રનું મહત્ત્વ અને એ પાત્રની રહસ્યમય રેખાઓ અભ્યાસીઓને આકર્ષી રહી છે. વિશ્વના અભ્યાસીઓએ સાંપ્રત સમયમાં મરિયમ માગ્દાલેણ(Mary Magdalene)ના પાત્ર વિશે ઊંડા અભ્યાસી સંશોધનો કર્યા છે, એના વિશે અનેક પુસ્તકો લખાયાં છે, ફિલ્મો બની છે, ઢગલેબંધ યુ ટ્યુબ વીડિયો બન્યા છે, આ બધામાં સત્ય કેટલું ? એ એક મોટો પ્રશ્ન છે. પણ એક વાત ચોક્કસ છે કે એનું પાત્ર વિશેષ પ્રકાશમાં આવ્યું. આપણી ભાષામાં પણ મરિયમ માગ્દાલેણ (Mary Magdalene) વિશે  કશુંક લખાય અભ્યાસ થાય એ જરૂરી છે. આ લેખ એ દિશાનો ઉપક્રમ છે.  વાસ્તવિકતા એ છે કે, ઘણાં ધાર્મિક લોકો એને બિનજરૂરી સમજી એના પર ચર્ચા કરતાં પણ કતરાય છે. ગુડ ફ્રાઈડે કે ઈસ્ટરના સંદેશાઓમાં મરિયમ માગ્દાલેણ (Mary Magdalene) નામોલ્લેખ સિવાય ક્યાં ય વિશેષ સ્થાન પામી હોય એવું યાદ નથી. ઘણાં આવી વાતોને નકામી અને ક્ષુલ્લક ગણે છે. પરંતુ આ સંદર્ભે અહીં ઓશોનું એક વિધાન યાદ કરવા જેવું છે કે, – ‘મારી વિચારધારા ફક્ત અત્યંત બુદ્ધિમાન લોકોને જ સમજાશે, એ લોકો જે બધી રૂઢિઓ અને પરંપરાઓ અને કટ્ટરતાથી ત્રાસી ગયા છે અને એ લોકો જે મનુષ્યના પૂરા ઇતિહાસથી તંગ આવી ગયા છે. મારા લોકો બુદ્ધિમંત છે, પોતપોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ છે.’

‘બાઈબલ’ના ‘નવા કરાર’માં જૂજ અને અછળતો ઉલ્લેખ પામતાં મરિયમ માગ્દાલેણ (Mary Magdalene)ના પાત્રને આપણે મોટે ભાગે તો ઈસ્ટર વીકએન્ડની આજુ બાજુના સમયમાં જ જોઈ શકીએ છીએ. મેરીનો પ્રથમ પરિચય આપણને લુકની સુવાર્તા 8.2માં– As One of the follower of Jesus, named Mary called Magdalene. તરીકે મળે છે, જુઓ (કેટલીક સ્ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે માગદાલેણ કહેવાયેલી મરિયમ જેનામાંથી સાત ભૂત નીકળ્યાં હતાં તે, – લુક 8.2)

આ પવિત્રગ્રંથના પ્રારંભિક ચાર પુસ્તકો સંત માત્થીની સુવાર્તા, માર્ક, લુક અને યોહાનની સુવાર્તામાં એક બે પ્રસંગે જ મેરી મેગ્ડેલીન દેખાય છે. આ વિદ્વાન સંદેશવાહકોએ પોતાની રચનાઓમાં પ્રભુ ઇસુનાં જન્મ, જીવન, સેવાકાર્યો – ઉપદેશ, મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ જેવા પ્રસંગોનું વિગતે આલેખન કર્યું છે, ક્યારેક તો પુનરાવર્તનનો દોષ વહોરીને પણ પ્રભુ ઇસુનું  જીવનચરિત્ર વિસ્તારથી રજૂ કર્યું છે. પરંતુ જે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી ઇસુના પગલે પગલે ચાલી હોય, જેણે પ્રભુ ઈસુનાંસેવાકાર્યોમાં સક્રિયપણે કાર્ય કર્યું હોય તેના જીવન વિશે કંઈ જ ન લખાય ?! એ કેવું ? પ્રભુ ઈસુએ પુનરુત્થાન પછી જેને નામથી બોલાવી હોય, જેણે જગતને ઈસુના પુનરુત્થાનની ખબર આપી હોય, આ અદ્ભુત ઘટનાની જે એક માત્ર સાક્ષી હોય, છતાં ય તેના જીવન વિશે અછળતો ઉલ્લેખ માત્ર !  ઈસુના સ્વર્ગારોહણ પછીની સ્થિતિ, શિષ્યોમાં  અને મંડળીમાં એની ભૂમિકા વિશે કંઈ જ ન લખાય ? બિલકુલ શૂન્યાવકાશ ? પછી શું થયું મેરીનું ? કોઈ માહિતી નહિ ! આ ધરાર ઉપેક્ષા નહિ તો બીજું શું છે ? ‘નવા કરાર’ના લેખકોએ મેરીની જવાબદારીઓ અને આધ્યાત્મિક કાર્યોની અવગણના કરી છે. એક અભ્યાસી ભાવક તરીકે આપણને જરૂર પ્રશ્ન થાય કે, જેણે પોતાનું સર્વસ્વ છોડી પ્રભુ ઈસુને જીવન સમર્પિત કર્યું હોય, રૂઢિચુસ્ત યહૂદી સમાજમાંથી આવતી એક સ્ત્રી હોવા છતાં ઈસુની સાથે ખભે ખભો મિલાવી કામ કર્યું હોય, પુરુષપ્રધાન શિષ્યગણની વચ્ચે પોતાની સ્વતંત્ર વિચારધારા દર્શાવી, આધ્યાત્મિક જૂથનું નેતૃત્વ કર્યું હોય, જે પ્રભુ ઈસુના ક્રુસિફિકેશન (Crusification) દફન (Burial) અને પુનરુત્થાન(Resuraction)ની એક માત્ર સાક્ષી હોય, જેને પ્રભુ ઇસુએ ‘સાચું શિક્ષણ’ (secreate knowledge) આપ્યું હોવાનું મનાય છે, એટલું જ નહિ તેણે પોતે પણ રહસ્યદર્શી આત્મિકજ્ઞાનનો ગ્રંથ (Gospel of Mary Magdalene – Gnostic Gospel) રચ્યો હોવાનું પણ મનાય છે. પ્રારંભિક ખ્રિસ્તીધર્મમાં તેણીએ આટલું મહત્ત્વપૂર્ણ પ્રદાન કર્યું હોવા છતાં તેના વિશે વિગતે કોઈ હકીકત પ્રાપ્ત થતી નથી એ આશ્ચર્યજનક છે ! તેના પાત્રનું આવું સંદિગ્ધ આલેખન વિચારવા પ્રેરે છે.

મરિયમ માગ્દાલેણ (Mary Magdalene)  વિશેની પૂર્ણ અભ્યાસ વિનાની, અધૂરી અને અર્ધસત્ય માહિતી ધરાવતા લેખકો અને ઈર્ષાળુ તેજ છિદ્રાન્વેશી લોકોએ એના પાત્રને વિવાદાસ્પદ બનાવી દીધું. જેને કારણે મરણોત્તર લગભગ બે હજાર વર્ષો પછી પણ તેણીના વ્યક્તિત્વને લોકો વિકૃત રીતે જુએ છે. તેણે ચારિત્ર્યહનનનું અપમાન સહેતાં રહેવું પડ્યું. ઘણાં અભ્યાસી લેખકો અને ધાર્મિક સ્કોલર એને પાપી સ્ત્રી કે ગુમનામ વેશ્યા તરીકે ચિત્રિત કરતાં રહ્યાં છે. વાસ્તવમાં મરિયમ માગ્દાલેણ (Mary Magdalene) એક ધર્મનિષ્ઠ અને ઈસુને વફાદાર અનુયાયી અને પ્રારંભિક રહસ્યવાદી ખ્રિસ્તીમંડળોની અગત્યની ધર્મનેતા (લીડર) હતી.

મરિયમ માગ્દાલેણ(Mary Magdalene)ના અંગત જીવન તરફ એક નજર નાખીએ તો – Mary Magdalene નામ તેના જન્મસ્થળ કે ગામના નામ પરથી આવ્યું છે. (ગુજરાતમાં આજે પણ ગામના નામ પરથી અટક રાખવાનું પ્રચલન છે.) ગાલીલના સમુદ્રને કાંઠે ઉત્તર – પશ્ચિમમાં આવેલું માગદાન (Magdan) એક બંદર (Port city) છે. તત્કાલીન સમયમાં 40,૦૦૦ની વસતી ધરાવતું આ શહેર માછીમારીના ઉદ્યોગ માટે જાણીતું હતું. અરામાઈક ભાષામાં મગદેલ અને હિબ્રુમાં મગદીલા તરીકે ઓળખાતું આ શહેર તત્કાલીન રોમન સામ્રાજ્યના તાબામાં હતું અને રોમન સૈનિકોની ક્રૂરતાનો ભોગ બન્યું હતું. પોતાની ધાક બેસાડવા અને પ્રજાને નિયંત્રણમાં રાખવા રોમનો યહૂદી પ્રજા પર ભારે જુલ્મ અને અત્યાચાર કરતા, અનેક પ્રકારના કરવેરા નાખી આર્થિક શોષણ કરતા, સામાન્ય ગુના માટે આકરી સજા કરી ત્રાસ ફેલાવતા એટલું જ નહિ તેઓ પોતાનાં દેવદેવીઓની મૂર્તિઓની પૂજા માટે ફરજ પાડતા અને વિરોધ કરનારને વધસ્થંભ જેવી ક્રૂર સજા કરતા, પરિણામ સ્વરૂપે પ્રજા રોમનોની વિરુદ્ધમાં હતી. રોમનો વિરુદ્ધના પ્રથમ યહૂદી વિદ્રોહનું જન્મસ્થાન મગદલા, રોમન સરકાર વિરુદ્ધની ગતિવિધિઓનું કેન્દ્ર હતું. વિદ્રોહને કારણે રોમન શાસક વેસ્પેસિયનના પુત્ર તિતસે ઈ.સ.67માં શહેર પર આક્રમણ કરી ભારે વિનાશ વેર્યો હતો.

એક અભ્યાસ મુજબ મગદલાની મરિયમ(Mary Magdelene)નું કુટુંબ ચુસ્ત યહૂદી ધાર્મિક કુટુંબ હતું. રોમનોની ધાર્મિક દખલથી તેઓ રોમન સામ્રાજ્યથી નારાજ હતાં, મેરી અને મગદલાના લોકોએ રોમનોથી ડર્યા વિના યહૂદી પરંપરા જાળવી રાખી અને દેવના રાજ્ય અને ઉધ્ધારક મસીહ સંબંધી માન્યતાને ચુસ્ત રીતે વળગી રહ્યાં. મેરી એક ધર્મનિષ્ઠ છોકરી હતી, તેની મા પાસેથી તે ઘરકામ શીખી અને માછીમારીના વ્યવસાયમાં પણ ખાસું ધ્યાન આપતી આથી કેટલાક પ્રતિસ્પર્ધી માછીમારોને તે ન ગમતું, આથી તેણીને બદનામ કરતાં.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે મેરી ફ્રોમ મગદલા પરંતુ બાઈબલ એવી કોઈ માહિતી આપતું નથી કે મગદલા તેનું જન્મસ્થળ હતું કે ત્યાં એનું ઘર હતું. ઉપરાંત બાઈબલ એવી પણ કોઈ માહિતી આપતું નથી કે મેરી કેટલાં વર્ષે ઈસુને મળી (ઈસુને મળી ત્યારે કેટલા વર્ષની હતી) પણ એ વાત કહે છે કે ઈસુએ તેનામાંથી સાત અશુદ્ધ આત્મા કાઢ્યા હતા. (અશુદ્ધ આત્મા – વિવિધ પ્રકારના શારીરિક – માનસિક વિકાર.) ઈસુને મળ્યા પછી મેરી નવો જન્મ પામી, તેના હૃદયનું બદલાણ થયું, તેના જીવનનું લક્ષ્ય બદલાયું. ઈસુના સેવાકાર્યો, ચમત્કારો અને દૈવીપ્રતિભાથી આકર્ષાયેલી મેરી ઘરબાર છોડી ઇસુ સાથે જોડાઈ અને ત્રણ વર્ષ ઇસુ સાથે યાત્રા કરી, ઈસુની આજ્ઞાથી દેવના શબ્દનો પ્રચાર અને પ્રસાર કર્યો, ગાલીલના લોકોને દેવના રાજ્યનો સંદેશ આપ્યો. વાસ્તવમાં મેરી સમૃદ્ધ, સંપત્તિવાન, ધર્મનિષ્ઠ અને સ્વતંત્ર સ્વભાવની હતી. ઈસુને પણ તેનો વિદ્રોહી અને સ્વતંત્ર સ્વભાવ ગમતો. મેરી એક માત્ર વ્યક્તિ હતી જે ઈસુની સેવા કરતી. ઇસુ સાથે તેને ઘનિષ્ઠ સંબંધ હતો એવું માનવામાં આવે છે. કેટલાક અભ્યાસીઓ મેરીને ઇસુની કલીગ, સાથે પ્રચાર કરનાર પ્રોફેટ, ઈસુની મિનીસ્ટ્રીની લીડર માને છે. કેટલાકના મત પ્રમાણે ઈસુના અનુયાયીજૂથ માટે ભોજન બનાવવાનું અને વહેંચવાનું મહત્ત્વનું કામ પણ તે કરતી, પરંતુ એના કોઈ ઐતિહાસિક કે બિબલિકલ પુરાવાઓ નથી.

કેટલીક ખ્રિસ્તી પરંપરાઓ મેરીને Apostle of the apostle કહે છે. કેટલાક Lost Gospel  જેવા કે – Dialogue of the Savior, The pistis Sophia, The Gospel of Thomas, The Gospel of Philip and The Gospel of Mary, મેરી મેગ્ડેલીનને Gnostic Christian writingની પ્રેરક મહત્ત્વની વ્યક્તિ માને છે. આ ગ્રંથો મેરીને પ્રેરિત તરીકે ઓળખાવે છે.  ઈસુની નજીકના અને અતિ પ્રિય અનુયાયીઓ પૈકી મેરી એક માત્ર વ્યક્તિ હતી જે ઈસુના ઉપદેશને / શિક્ષણને સાચી રીતે સમજી હતી. ઈસુએ તેને કોઈ માર્મિક જ્ઞાન આપ્યું હોવાનું પણ મનાય છે.

મેરી મેગ્ડેલીનના જીવન વિશેની કેટલીક માહિતી Lost Gospelના મળવાથી વધુ સ્પષ્ટ થઇ, ઈ.સ. 1945માં ઈજિપ્તના નાગ હમ્માદી પાસેના એક ગામમાં પોતાના ખેતરમાં કામ કરતા મોહમ્મદ અલ સમ્મન નામના ખેડૂતને ખેતરના ખેડાણ દરમ્યાન માટીની બરણીઓમાં સીલબંધ, ચામડામાં બંધાયેલા 13 પ્રાચીન ગ્રંથસંગ્રહ મળ્યા, જે પેપીરસ કોડ નામે ઓળખાય છે. આ 52 ટેક્સ્ટ ઈજિપ્તની નાગ હમ્માદીની લાયબ્રેરીમાં સંગ્રહાયેલા છે. ઈસુએ પોતાના (Gnosis Desciple) મૂળ શિષ્યોને જે રહસ્યમય જ્ઞાન (Secreat knowledge) આપ્યું તે Gnosis અંદાજે 70-90 AD વચ્ચે લખાયું હોવાનું મનાય છે તે Gnostic Gospel(સાધુવાદી કે રહસ્યમય લેખન)ના ગ્રંથો Dialogue of the Savior, The pistis Sophia, The Gospel of Thomas, The Gospel of Philip and The Gospel of Mary, મેરી મેગ્ડેલીનને Gnostic Christian writingની Centre figure માને છે. આ ગ્રંથો મેરી વિશે લગભગ 1900 વર્ષથી થઇ રહેલા બેજવાબદારપૂર્ણ અને અપમાનજનક જીવન આલેખન પર સત્યનો પ્રકાશ પાડે છે અને એક ઉદ્દાત ચરિત્રને પ્રકાશમાં લાવે છે. Gospel of Philip મેરીને ઈસુની સાથીદાર કહે છે (Closer to the others) ફિલિપ એક પ્રસંગે ઈસુને મેરીના કપાળ પર ચુંબન કરતાં દર્શાવે છે પણ ઈર્ષ્યાને કારણે કેટલાક લખાણો કપાળના ચુંબનને બદલે હોઠ પર દર્શાવે છે. કેટલાક શિષ્યો ઇસુ પોતાના કરતાં મેરીને વધુ પ્રેમ કરે એ ગમતું નહોતું.

મેરીનો વિદ્રોહી અને સ્વતંત્ર સ્વભાવ તેમ જ ઇસુ સાથેની તેની ઘનિષ્ટતા બીજા કેટલાક શિષ્યો માટે ઈર્ષ્યા, અદેખાઈ, તણાવ અને સંઘર્ષનું કારણ બન્યો. વિશેષ કરીને પિતર (Peter), મેરી સ્ત્રી હોઈ પુરુષ જૂથનું નેતૃત્વ કરતી માટે અને ઇસુ દ્વારા તેણીને અપાયેલ વિશેષ શિક્ષણ કે ખાસ જ્ઞાનને કારણે મેરીની ઈર્ષ્યા કરતો. Gospel of Philip પ્રમાણે મેરી કહે છે કે – ‘પીટર હેટ જેન્ડર, આઈ એમ અફ્રેઈડ ઓફ ધેમ’ Gospel of Thomasમાં પણ શિષ્યોને સ્ત્રી નેતૃત્વ (Women Leadership) પસંદ ન હોવાનું જોવા મળે છે, મેરીએ પુરુષ જૂથ છોડી જવું જોઈએ એવું તે માને છે અને મેરીને વાઈફ ઓફ ગુરુ તરીકે ઓળખાવે છે. Gospel of Mary તેની નેતાગીરી અને આધ્યાત્મિક સફળતાને આલેખે છે અને ઈસુના વફાદાર અનુયાયી તરીકે દર્શાવે છે, તત્કાલીન સમયની તે સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રી હતી. તેની પાસે એક ચોક્ક્સ દર્શન (vision) હતું. ઈસુના પુનરુત્થાન પછી તે ઇવેન્જ્લિસ્ટ બની. તેનું મુખ્ય કાર્ય ઈસુના પુનરુત્થાનના સુસમાચાર જગતમાં ફેલાવવાનું હતું, જગતને સાચો પ્રકાશ બતાવવાનું હતું. તેણે લોકોની વચ્ચે લોકશિક્ષણ અને ઉપદેશનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી પ્રેરિતોને પ્રેરણા પૂરી પાડી. તે હિંમતવાન લીડર હતી. ઈસુના મૃત્યુ પછી શિષ્યો નિરાશ હતા, તેમનો વિશ્વાસ ડગી ગયો હતો, રોમનોનો અત્યાચાર હદ વટાવી રહ્યો હતો. ત્યારે મુશ્કેલ સમયમાં મેરીએ પ્રેરિતોમાં ઉત્સાહ પ્રેર્યો. ઈસુનું નામ જીવંત રાખવા હિંમતવાન અને નીડર બની સ્પષ્ટતા સાથે શિષ્યોને સમજ આપી, સંતોની સાથે ફરી 14 વર્ષ પ્રચારનું કાર્ય કર્યું. ઈસુના સ્વર્ગારોહણ પછીના સમયમાં તેના જૂથના શિષ્યોમાં જૂથવાદ વકરતાં તે નિરાશ થઇ સમુદ્ર માર્ગે ફ્રાન્સ તરફ જતી રહી ને જીવનનાં છેલ્લાં લગભગ ત્રીસ વર્ષ ઉપવાસ સાથે એક ગુફામાં પસાર કર્યાં. એક મત પ્રમાણે તેનું મૃત્યુ ફ્રાન્સમાં અને બીજા એક મત પ્રમાણે એફેસસ(સેલસક – તુર્કી )માં મેરીનું મૃત્યુ થયું.

મરિયમ માગ્દાલેણ (Mary Magdalene)ના જીવન અને કાર્યો વિશેની ઉપરોક્ત હકીકત જાણ્યા પછી સ્વાભાવિક રીતે જ તેણીના પ્રત્યે આપણને માન જન્મે. મરિયમ માગ્દાલેણ (Mary Magdalene)ના પાત્ર સાથે ભારે અન્યાય થયો … ઈ.સ. 591માં.  પોપ ગ્રેગરી 1 દ્વારા અપાયેલ ઈસ્ટરના ઉપદેશોની શ્રેણી પછી મેરીને વેશ્યા તરીકે ચીતરવાનું શરૂ થયું !  લુક 8.2માં આલેખાયેલ મરિયમ માગ્દાલેણ જેનામાંથી ઈસુએ સાત દુષ્ટ આત્મા કાઢી તેને મંદવાડમાંથી સાજાપણું આપ્યું હતું તે Mary Magdalene અને લુક 7. 36-50માં ચિત્રણ પામેલ એક ગુમનામ પાપી સ્ત્રી, જેણે અત્તર વડે ઈસુનો અભિષેક કર્યો અને આંસુથી ભીંજાયેલા ઈસુના પગને પોતાના ચોટલા વડે લૂછ્યા તે સ્ત્રીને એક જ ગણી લેવાની ભૂલને કારણે પોપ ગ્રેગરી 1 મેરીના પાત્રને વિકૃત રીતે રજૂ કરે છે. ઉપરાંત યોહાન 11.2માં જે ઘટનાનું વર્ણન છે, તે બેથાનિયાની મરિયમ ‘જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછ્યા હતા …’ તે ઘટના.  એક જ ઘટના અને પાત્રો જુદા હોવાથી અહીં મોટી ગેરસમજ થઇ. એક પાપી સ્ત્રી (લુક 7.36-50 ) અને મેરી મેગ્ડેલીનને એક ગણી લેવામાં આવી એટલું  જ નહિ પણ યોહાન 11.2ની ઘટનાને કારણે ઘણાં મેરી બેથાની અને મેરી મેગ્ડેલીન એક હોવાનું પણ કહે છે. આ આખાયે ઘટનાક્રમ પાછળ પોપ ગ્રેગરી lનો ઈસ્ટરનો 591 ઈ.સ.નો ઉપદેશ છે. તેઓ એક માત્ર ફાધર છે જેમણે મેરી મેગ્ડેલીનને વેશ્યા તરીકે ઓળખાવી ! અને ત્યાંથી તેની છબીને વિકૃત રીતે આલેખવાનું શરૂ થયું. બીજા એક ફાધર સંત ઓગસ્ટીન ઈ.સ. 400માં મેરી મેગ્ડેલીનને નહિ પણ મેરી બેથાનીને પાપી સ્ત્રી તરીકે ઓળખાવે છે. કદાચ આની પાછળનું કારણ યોહાન 11.2માં વર્ણવાયેલ ઘટના છે, બેથાનિયાની મરિયમ ‘જે મરિયમે પ્રભુને અત્તર ચોળ્યું હતું, અને તેમના પગ પોતાને ચોટલે લૂછ્યા હતા…’ એ ઘટના. સત્ય જે હોય તે, પણ …  એક સરખા નામ અને ક્યારેક ગુમનામ ઓળખને કારણે મેરી મેગ્ડેલીન (મરિયમ માગ્દાલેણ)ને હજારો વર્ષ તિરસ્કાર અને અપમાન સહન કરવા પડયા. એક સ્ત્રી, એક પ્રતિભાશાળી સ્ત્રી, એક વફાદાર સાથી સેવકની આવી ઉપેક્ષા કઠે છે !! અને એટલે જ અહીં એક સ્ત્રીના પુન:સ્થાપનનો ઉપક્રમ રાખ્યો છે.

નવા કરારમાં માત્થી, માર્ક, લુક અને યોહાન પોતાના ગ્રંથમાં એક સમાન રીતે આ પાત્રને આલેખે છે. માત્થી અને માર્ક ‘એક સ્ત્રી’, લુક ‘પાપી સ્ત્રી’ વિશેષણથી તેણીની ઓળખ કરાવે છે જ્યારે યોહાન સ્પષ્ટપણે કશું આલેખતા નથી, પરંતુ એક વ્યભિચારિણી સ્ત્રીની કથાનું દ્રષ્ટાંત આપણી સામે મૂકે છે, યોહાનની વ્યભિચારિણી સ્ત્રી, માત્થી અને માર્કની ‘એક સ્ત્રી’ અને લુકે  ‘પાપી સ્ત્રી’ તરીકે જેની ઓળખ કરાવી છે તે કેટલાક અભ્યાસીઓને મતે શક્યત: મરિયમ માગ્દાલેણ હોવાનું મનાય છે, પણ એ સાચું નથી એના કોઈ આધારભૂત પુરાવાઓ નથી. છતાં કેટલાક અંકોડાઓ જોઈએ તો … યોહાન પોતાના પુસ્તકના 12મા અધ્યાયની ત્રીજી કલમમાં મરિયમ નામના જે સ્ત્રીપાત્રને પ્રભુ ઈસુને અત્તર ચોળતી દર્શાવે છે, તે બેથાનિયાની માર્થા અને લાઝરસની બહેન મરિયમ છે . બીજી તરફ  માત્થી, માર્ક અને લુક ‘અત્તર ચોળવાનો’ આ પ્રસંગ એક સમાન રીતે ‘એક સ્ત્રી’ કે ‘પાપી સ્ત્રી’ને સંદર્ભે આલેખે છે. શક્યત: આ સંદિગ્ધ સ્ત્રી મરિયમ માગ્દાલેણ હોવાનું કેટલાક અભ્યાસીઓ એટલા માટે માને છે કેમ કે, જે વ્યભિચારી સ્ત્રીને ઈસુએ યહૂદીઓથી બચાવીને માફી આપી હતી તે સંદર્ભે જુએ છે. યોહાન આ ત્રણે લેખકોથી જુદો પડે છે અને પોતાના લખાણ દ્વારા વિરોધાભાસ ઊભો કરે છે.

‘નવા કરાર’ના માત્થી, માર્ક અને લુકની સુવાર્તામાં એક સમાન રીતે આલેખાયેલ પ્રસંગને જુઓ :

માત્થી 26.7 પ્રમાણે – ‘ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને ‘એક સ્ત્રી’ તેની પાસે આવી ને તે જમવા બેઠો હતો ત્યારે તેના માથા પર તેણે તે રેડ્યું …’ આથી કેટલાક શિષ્યો ગુસ્સે થયા, ત્યારે ઈસુએ કહ્યું કે ‘એ સ્ત્રીને તમે કેમ સતાવો છે ? કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે’. એટલું જ નહિ પણ પોતાના ભાવિ વિશે આગાહી કરતાં તેનાં આ કાર્યને યથાર્થ ઠેરવ્યું, જુઓ – ‘તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું એ તો મારા દટાવાની તૈયારીને સારું કર્યું, હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરાશે ત્યાં એણે જે કર્યું તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’ (માત્થી 26.12,13) પ્રભુ ઇસુ અહીં આ સ્ત્રીને તેના કાર્યને અમરતાનો આશીર્વાદ આપે છે, કોણ છે આ સ્ત્રી ? સુવાર્તામાં મધર મેરી સિવાય પ્રભુ ઈસુના જીવન સંદર્ભે જો અન્ય કોઈ સ્ત્રીને યાદ કરાતી હોય તો તે માત્ર મેરી મેગ્ડેલીન / મરિયમ માગ્દાલેણ જ છે. મરિયમ માગ્દાલેણનો ઈસુ પ્રત્યેનો સમર્પિત પ્રેમ સર્વ વિદિત છે. સ્ત્રી જીવનનો મહિમા જ એ છે કે, તે નાનામાં નાની વાતને પણ પ્રેમ વડે મહાન બનાવી શકે છે.

સંત માર્કના પુસ્તક પ્રમાણે ઇસુ સિમોન કોઢિયાના ઘરમાં જમવા બેઠો હોય છે, ત્યારે એક સ્ત્રી જટામાં સીના અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી ભાંગી તેલ રેડે છે (માર્ક 14.3) આ સિવાય આખોયે પ્રસંગ માત્થીના આલેખન પ્રમાણે જ પુનરાવર્તિત થયો છે.

લુક આજ પ્રસંગના આલેખનને વિગતસભર બનાવે છે. ઈસુ કોઈ ફરોશીના ઘરમાં જમવા બેઠો હતો – ‘ત્યારે જુઓ એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી, તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને તે તેના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લુછવા લાગી, તેણે તેના પગને ચૂમ્યા અને તેમને અત્તર ચોળ્યું ‘આ જોઈ મૂંઝવણ પામેલ સિમોન અને અન્યને ઉત્તર આપતાં પ્રભુ ઈસુએ કહ્યું કે સિમોન હું તારે ઘેર આવ્યો ત્યારે તેં મારી આગતાસ્વાગતા કરી નહિ, …. તેં મને પગ ધોવા પાણી આપ્યું નહિ. પણ એણે મારા પગ આંસુથી પલાળીને ચોટલાથી લૂછ્યા છે, તેં મને ચુંબન કર્યું નહિ પણ હું માંહે આવ્યો ત્યારથી એ મારા પગને ચુંબન કર્યા કરે છે. તેં મારે માથે તેલ ચોળ્યું નહિ પણ તેણે મારા પગે અત્તર ચોળ્યું છે. (લુક 7. 37- 47) – માટે હું ખચિત કહું છું કે એનાં પાપ ઘણાં છે તે તેને માફ થયા છે, કેમ કે એણે ઘણો પ્રેમ રાખ્યો’ અહીં એક પાપી સ્ત્રી જે અધિકારથી ઈસુના પગ આંસુથી ધોઈ પોતાના ચોટલાથી લૂછે, અત્તર ચોળી પ્રભુના પગ ચૂમે એમાં એ સ્ત્રીનો નિ:સ્વાર્થ સમર્પણભાવ અને સ્વામીભક્તિ છલકાય છે. પોતાના આત્મીય સ્વજન પ્રત્યેના પ્રેમની આ ઉત્તમ અભિવ્યક્તિ છે. શબ્દો જ્યાં મૌન બની જાય ત્યારે ભક્ત વત્સલ ભગવાન એ મૌનને પામી લે છે. અને માંગ્યા સિવાય એ એને માફી અને આશીર્વાદ પણ આપે છે. માત્થી અને માર્ક તો નોંધે છે કે ઈસુએ એ સ્ત્રીને અમરતાના આશીર્વાદ આપ્યા. (માત્થી 26.16, માર્ક 14.9)

માત્થી, માર્ક અને લુક પોતાની સુવાર્તામાં ‘એ સ્ત્રીના પ્રભુ ઈસુ પ્રત્યેના નિ:સ્વાર્થ અને નિષ્કલંક આધ્યાત્મિક પ્રેમ અને સમર્પણભાવને એક સમાન રીતે આલેખે છે. હા, એ સ્ત્રીનું નામ દર્શાવવામાં ઉપેક્ષા જરૂર દાખવે છે. પ્રભુ ઈસુ સ્વયં ‘એ સ્ત્રી’માં વિશ્વાસ મૂકી ભવિષ્યમાં ‘એ’ મહત્ત્વના પાત્ર તરીકે નોંધપાત્ર બનશે એવાં આશીર્વાદ આપે છે, ‘એ સ્ત્રી’ શું સામાન્ય હોઈ શકે ? જે સ્ત્રીના નિર્દોષ અને નિ:સ્વાર્થ પ્રેમને પ્રભુએ સ્વીકાર્યો છે, ત્યારે એવું અન્ય કોઈ સ્ત્રીપાત્ર આ સમયગાળામાં દેખાતું નથી કે જેને ભવિષ્યમાં પ્રભુના કહ્યા પ્રમાણેનું સ્થાન પ્રાપ્ત થયું હોય સિવાય કે મરિયમ માગ્દાલેણ. લુકની સુવાર્તામાં ઉપરોક્ત ઘટના પછી તરત જ લુક 8.2માં મગદલ્લાની મરિયમનો ઉલ્લેખ જોવા મળે છે એ સંદર્ભ આ બાબતે નોંધપાત્ર બને છે. પ્રભુ ઈસુએ તેનામાંથી સાત ભૂત (સાત અશુદ્ધ આત્મા/ માનસિક રોગમાંથી મુક્તિ) કાઢી એના આત્માનું શુદ્ધિકરણ કર્યું. (માર્ક 16.9)

માણસના પોતાના આંતરિક છ દુશ્મન છે, ભારતીય દર્શન તેને ષડરિપુ કહે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ છ દુશ્મન ષડરિપુ પર જે વિજય પ્રાપ્ત કરે તે ‘સાતમો પુરુષ’ અર્થાત સંપૂર્ણ શુદ્ધ આત્મા. ઈસુએ એ પતિત સ્ત્રીને આ અશુદ્ધિઓમાંથી મુક્ત કરી તેનું શુદ્ધાત્મા તરીકે સંસ્થાપન કર્યું. ખ્રિસ્તી ધર્મમાં માણસનું બદલાણ, તેના હૃદયનું પરિવર્તન ખુબ જરૂરી અને અગત્યનું છે. (પ્રે.કૃ. 13.26) પ્રભુ ઈસુનો સંદેશ એ તારણનો સંદેશ છે, તે ભૂંડાઈના બંધનથી મુક્ત કરે છે. જુઓ મુક્તિનું વચન – ‘માણસને તારવાને માટે અને માણસનું પવિત્રીકરણ કરવાને માટે દેવે પોતાના પ્રેમે કરીને માણસને પસંદ કર્યા (2 થેસ્સા.2.13) આપણા મહાન પ્રભુનો આ Saving and Sanctiflying Love છે. (બચાવનાર અને શુદ્ધતા પ્રદાન કરનાર પ્રેમ.) આ પ્રેમના લીધે માણસ ગતકાળના સંજોગોમાંથી છૂટો થાય છે, અને ભવિષ્યના સંજોગો માટે બળવાન થાય છે. મરિયમ માગ્દાલેણ પ્રભુના આ જ આશીર્વાદ પામીને વિપરીત સંજોગોમાં પણ  કાલવરીની મુક્તિયાત્રા સુધી પ્રભુ ઈસુની પાછળ પાછળ ચાલી. એના નામનો અર્થ જોઈએ તો પણ એના જીવનનો સંઘર્ષ એમાં ચરિતાર્થ થતો દેખાય છે. Mary નામ હિબ્રુ શબ્દ Miriam પરથી આવ્યો છે, જેનો એક અર્થ Bitter (કડવાશ) થાય છે અને બીજો અર્થ Drop of Sea (સાગરની બુંદ) અર્થ એટલા સારા ન હોવાથી કદાચ તત્કાલીન સમયમાં છોકરીનું નામ મેરી રાખવા કોઈ ભાગ્યે જ તૈયાર થતું હશે, પરંતુ યહૂદિયાના રાજા હેરોદની બીજી પત્નીનું નામ મેરી હોવાથી લોકો સામાજિક પ્રતિષ્ઠા બતાવવા તેમ જ અર્થ કરતાં ઉચ્ચારણ વધુ સુંદર કે મીઠું હોવાને કારણે મેરી નામ ‘નવા કરાર’માં પછીથી લોકપ્રિય બને છે. ઈસુના સમયમાં ‘નવા કરાર’(New Testament)માં મેરી નામ ધરાવતાં છ સ્ત્રીપાત્ર જોવા મળે છે. એ પૈકી મગદલાની મેરીનું જીવન એના નામ પ્રમાણે કડવાશ અને ખારાશથી ભરપૂર રહ્યું, સતત સંઘર્ષપૂર્ણ રહ્યું.

અભ્યાસલેખમાં પૂર્વે જોયા મુજબ માત્થી, માર્ક અને લુક  ‘જે સ્ત્રી‘ વિશે નોંધે છે તે સ્ત્રી પાપી, વ્યભિચારિણી કે ભૂતના વળગાળવાળી અર્થાત અશુદ્ધ આત્માથી ઘેરાયેલી કે અસદના પ્રભાવવાળી હશે. ઘણાં અભ્યાસીઓ આ સ્ત્રી મરિયમ માગ્દાલેણ (Mary magdelene) હોવાની સંભાવના વ્યક્ત કરે છે. ખેર, જે હોય તે પણ જો એ સ્ત્રી મરિયમ માગ્દાલેણ હોય તો … પ્રભુ ઈસુ એના શરીરમાંથી સાત અશુદ્ધ આત્મા કાઢીને એને શુદ્ધ કરે છે, એના પાપ માફ કરે છે અને એના સ્ત્રીત્વને સ્થાપિત કરે છે અને મેરી એનો જે પ્રતિધ્વનિ આપે છે, તે પણ જોવા જેવો છે. જુઓ જેને યોગ્ય ઓળખ પ્રાપ્ત થઈ નથી એવી આ સ્ત્રી પ્રભુએ કરેલા ઉપકારનો બદલો સર્વસ્વ સમર્પણ દ્વારા આપે છે. ઈસુ પ્રત્યેના દિવ્યપ્રેમને કારણે તે પોતાનું વતન છોડી પ્રભુ ઈસુની પાછળ અંધારે ઊભેલા પડછાયાની જેમ સતત સાથે રહી છે. મા અને માતૃભૂમિ દરેકને પ્રિય હોય છે છતાં મરિયમ માગ્દાલેણ, ગાલીલ કાંઠાના કાપરનાહૂમ અને કાના વચ્ચે આવેલ પોતાના વતનનું ગામ માગદાન છોડી ઈસુની પાછળ યરુશલેમ સુધીની રઝળપાટ આદરે છે. ગાલીલના સમૃદ્ધ પ્રદેશને છોડી તેણી ખારાસમુદ્રની મરુભૂમિ સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી આખાયે પેલેસ્ટાઇનની યાત્રા કરે છે, જગતનાં સ્ત્રી પુરુષો પોતાને વિશે શું ધારશે તેની ચિંતા છોડી, પરમેશ્વરને માર્ગે ઈસુની પાછળ ચાલી નીકળે છે. તેના જીવનની દંતકથાઓ પ્રમાણે તો  અતીતમાં સમૃદ્ધિ અને ભૌતિક સુખોમાં રાચનારી આ સ્ત્રી પ્રભુ ઈસુને નામે સર્વસ્વનો ત્યાગ કરે છે. સંદર્ભ જોઈએ તો માત્થી 27.55, 56 અને લુક 23.54 પ્રમાણે – ‘… ત્યાં ઘણી સ્ત્રીઓ હતી કે જેઓ ઈસુની સેવા કરતી ગાલીલથી તેની પાછળ આવી હતી … તેઓમાં મગદલાની મરિયમ તથા અન્ય સ્ત્રીઓ હતી’.

ઘણા ધર્મગુરુઓ અને વિદ્વાનો આજે પણ મરિયમ માગ્દાલેણ(Mary Magdelene)ને પતિત માની એના વિશે ચર્ચા કરવાની પણ સૂગ ધરાવે છે ! પ્રભુએ જે પાત્ર પર નિ:સ્વાર્થ પ્રેમ કર્યો હોય, માફી આપી હોય, પતિતનું સંસ્થાપન કર્યું હોય તેના પ્રત્યે આટલી બધી ઉપેક્ષા ! ખ્રિસ્તનો પ્રેમ તો માફી આપે છે અને પાપ કરનારને સાચા રસ્તે ચઢાવે છે. પ્રભુ ઈસુના ક્રૂસિફિકેશન – કાલવરી સુધીની મુક્તિયાત્રાના કરુણ અને કઠિન સમયમાં જો કોઈ પાત્ર વધસ્થંભની વેદનાથી વ્યથિત થઈને સતત ઈસુની પાછળ પાછળ ચાલ્યું હોય તો તે મરિયમ માગ્દાલેણ જ છે. માત્થી, માર્ક, લુક અને યોહાન પણ પોતાનાં પુસ્તકોમાં આ તથ્યને સમર્થન આપે છે. દુઃખ અને વિપત્તિના કે મુશ્કેલીના સમયમાં સાથ નિભાવે તે જ સાચો પ્રેમ. વિપરીત સંજોગોમાં દેવનો પ્રેમ માણસને હિંમતવાન બનાવે છે. (Strenghthening Love) મરિયમ હિંમતપૂર્વક પ્રભુ ઈસુની વેદનાને આઘે ઊભી ઊભી સાક્ષી ભાવે જુએ છે. ઇતિહાસ નોંધે છે તેમ મહાન વિપત્તિના સમયમાં સ્ત્રીએ હંમેશાં સાક્ષી બનવું પડ્યું છે.

વિશ્રામવારની વહેલી પરોઢે યહૂદી રિવાજ પ્રમાણે પ્રભુ ઈસુના શરીરને સુગંધી દ્રવ્યો અને અત્તર ચોળવા આવનાર સ્ત્રીઓમાં પણ મરિયમ માગ્દાલેણ અગ્રેસર છે, જેની નોંધ ચારે પ્રબોધકોએ લીધી છે. યોહાન 20.13 પ્રમાણે મરિયમ માગ્દાલેણ કબર પાસે ઊભી રડતાં રડતાં દૂતને પૂછે છે – ‘… તેઓ મારા પ્રભુને લઇ ગયા છે અને તેઓએ ક્યાં મૂક્યા છે તે હું જાણતી નથી માટે હું રડું છું’. અત્યાર સુધી મૌન રહી સેવા કરતી મરિયમ માગ્દાલેણ કદાચ પ્રથમવાર પોતાની પીડા અહીં રજૂ કરે છે. ભક્તવત્સલ ભગવાન પોતાના ભક્તોની વ્યથા વેદનાને અગાઉથી જાણી લે છે, પરમેશ્વર પોતાનો પરમ ઉદ્દાતપ્રેમ (Sublime Love) અહીં મરિયમ માગ્દાલેણ પ્રત્યે દર્શાવે છે, પરિણામે મરિયમ માગ્દાલેણ આ જગતની અનન્ય અને અપૂર્વ એવી પુનરુત્થાનની મહાન ઘટનાની સૌ પ્રથમ સાક્ષી બને છે. ‘ઈસુ ઊઠ્યા છે’ એ વાતની સાક્ષી મરિયમના માધ્યમથી જ દુનિયા સમક્ષ પહોંચી. શું આ ઘટના નાની કહેવાય ? અને છતાં આપણે પુનરુત્થાનની ચર્ચા કરતાં કે સંદેશો આપતાં મરિયમ માગ્દાલેણના પાત્રને નજરઅંદાજ જ કરીએ !!

પ્રભુ ઇસુનો વિશ્વાસ સંપાદન કરી શકનાર, સ્વયં ઈસુ પોતાના પુનરુત્થાનના દિવ્યસંદેશને ઝીલનાર પાત્ર તરીકે જેની પસંદગી કરે તે મરિયમ માટે તો જીવનનો એ ધન્યપ્રસંગ છે, એનો દિવ્ય આનંદ કંઇક આ રીતે અભિવ્યક્ત થયો હશે . – ‘આજે મેં જેને દિલ દીધું છે, જે મારા આત્માનો પ્રીતમ છે, તેમને જોઈ મારુ દિલ કેવું હરખાઈ ઊઠશે અને સ્વર્ગીય વરરાજા પોતાની આત્મિક પ્રિયતમાને જોઈ કેવા હરખાઈ ઊઠશે અને પછી તો હું સદાકાળ સુધી યહોવાહના ઘરમાં રહીશ.’ (ગી.શા .23.6)

‘જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખાતો નથી, કેમ કે દેવ પ્રેમ છે’. (1 યોહાન 4.8) એવા સુંદર વચનોના સંદર્ભો ટાંકતા આપણે થાકતા નથી, પણ ખરેખર પ્રેમની વાત આવે ત્યારે આંખ આડા કાન કરીએ છીએ. અને એટલે જ મરિયમ માગ્દાલેણના શુદ્ધ અને નિર્દોષ પ્રેમને સમજવામાં અને સ્વીકારવામાં આપણે ઊણા ઉતરીએ છીએ. પ્રભુ ઈસુ પ્રત્યેના તેણીના પ્રેમને સમજવા માટે ભક્તિના પ્રકારોને સમજવા ઈષ્ટ થઇ પડશે.

ભક્તિનો એક અર્થ પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ છે, આ પ્રેમને કેન્દ્રમાં રાખીને તો ભક્ત પ્રભુપ્રાપ્તિને ઝંખે છે, અને પરમેશ્વરના પ્રેમમાં લીન થઇ જાય છે. પ્રભુ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરવાના, પ્રભુ પ્રાપ્તિના બે માર્ગ છે.

1, પરમેશ્વરને સર્વસત્તાધીશ માની, ઈશ્વરનું મહત્ત્વ સ્વીકારી એને વિશ્વનું સંચાલન કરનાર સ્વામી કે પિતા તરીકે જોવાનો માર્ગ. જેમાં ભક્ત પોતાને પાપી, અલ્પાત્મા માની દાસભાવે પરમપિતાની ઉપાસના કરે છે, એમાં કષ્ટસહિત પ્રાર્થનાની આવશ્યકતા રહે છે. ખ્રિસ્તી ધર્મના મહત્તમ અનુયાયીઓ ભક્તિના આ માર્ગે જ પ્રભુપિતાની ઉપાસન કરે છે.

2, પ્રભુપ્રાપ્તિનો બીજો માર્ગ પરમેશ્વરને પોતાના પ્રિયતમ કે પતિ કલ્પી પ્રેમ અને સંપૂર્ણ સમર્પણભાવથી ઉપાસના કરવામાં આવે તેને ભારતીય ભક્તિ પરંપરા પ્રેમલક્ષણા ભક્તિ કહે છે. પરમાત્મા પ્રત્યેની અદમ્ય આસક્તિ અને પ્રત્યક્ષ મિલનની આરઝૂ અને નિ:સંકોચ સર્વસ્વનું સમર્પણ પ્રેમલક્ષણાનું સ્વરૂપ છે. આત્મા અને પરમાત્મા વચ્ચેનો આંતર સંબંધ હૃદયસ્પર્શી રીતે ભક્તિશૃંગારથી અભિવ્યક્ત થાય છે.

‘ખ્રિસ્તી જીવનની સંપૂર્ણતા પ્રેમમાં છે’. (રૂમી 13.10) પ્રેમ કરવાથી બીજું એકે ય મોટું કામ દુનિયામાં નથી. ‘દેવ પ્રેમ છે’ ‘નવા કરાર’ પ્રમાણે સ્વર્ગ કે પૃથ્વી પરના ઉત્તમ સંબંધોના પાયામાં પ્રેમ છે. ‘પ્રભુ ઈસુના જીવનનો મુખ્ય હેતુ, તે મનુષ્ય પ્રત્યેનો પ્રેમભાવ છે.’ (ગલાતી 2.7, 2 થેસ્સા. 2.16, એફેસી 5.2, યોહાન 15.9) નવો કરાર પ્રભુ ઈસુના દિવ્યપ્રેમનું કાવ્ય છે. 1 કોરીન્થી 13.13 પ્રમાણે – ‘અને વિશ્વાસ, આશા તથા પ્રેમ એ ત્રણે ટકી રહે છે પણ તેઓમાં પ્રેમ શ્રેષ્ઠ છે.’ પરંતુ … ખ્રિસ્તીધર્મના ઉપાસકો પોતાની આદર્શ પરંપરાને વળગીને જ પ્રાર્થના, આરાધના કરે છે. પ્રભુ પ્રાપ્તિના બીજા માર્ગે પ્રભુ ઈસુની ઉપાસના કરનાર ભક્ત આજે તો ભાગ્યે જ જોવા મળે! જે ધર્મ માનવપ્રેમના પાયા પર ઊભો છે તેમાં આ માર્ગ વિશે કોઈ કદાચ કલ્પના પણ નહિ કરતું હોય ! પ્રભુ પ્રાપ્તિના આ સહજ માર્ગે ચાલવું ખ્રિસ્તી ધર્મના ઉપાસકને અડવું લાગે, પરંપરા બહારનું પણ લાગે. પરંતુ … મરિયમ માગ્દાલેણના પાત્રની આછી રેખાઓ અને અછળતા ઉલ્લેખોના અંકોડાઓ મેળવતાં પ્રભુ પ્રાપ્તિના બીજા માર્ગથી, પ્રેમલક્ષણા ભક્તિથી પ્રભુ ઈસુની ઉપાસના અહીં સ્પષ્ટ દેખાય છે. માણસ ઈશ્વરના પરાક્રમને લીધે તાબે થાય છે એમ નથી પણ માણસ ઈશ્વરના પ્રેમને લીધે તાબે થાય છે, પ્રેમને લીધે માણસનું હૃદય વશ થાય છે. દુનિયાને પ્રેમની દુહાઈ આપનાર આપણે મરિયમ માગ્દાલેણના પ્રભુ ઈસુ તરફના નિર્દોષ અને નિષ્કલંક પ્રેમ પ્રત્યે આંખ આડા કાન કરીએ છીએ અને પછી દંભી બનીને કહીએ છીએ કે – ‘જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી કેમ કે દેવ પ્રેમ છે’. (1 યોહાન 4.8)

આપણાં ચર્મચક્ષુઓની દુન્યવી દ્રષ્ટિમાં મરિયમ(Mary Magdelene)ની પ્રભુ ઈસુ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિને સમજવાનું સામર્થ્ય પ્રગટાવવું જરૂરી છે. મધ્યકાળના ગુજરાતી સંતકવિઓ નરસિંહ મહેતા અને મીરાંનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ એનું ઉદાહરણ છે. ફારસીમાં મીરાં શબ્દનો અર્થ ‘પરમેશ્વરની પત્ની’ થાય છે. સાયુજ્ય મુક્તિ ઈચ્છતી મીરાં પરમેશ્વરને પ્રિયતમ સ્વરૂપે જુએ છે. મીરાંની સમકાલીન વિદેશી સ્ત્રીસંત સેન્ટ જોન ઓફ ધ ક્રોસ પણ આજ ભાવને વ્યક્ત કરતાં કહે છે કે – ‘ Live in the world as though there were in it but God and thy soul’. (આ જગતમાં જાણે કે એક માત્ર પરમેશ્વર અને તારો આત્મા જ છે એમ આ જગતમાં જીવજે.) મીરાંના જીવન સાથે સામ્ય ધરાવતી આ યુગની ફ્રેંચ સન્નારી સાઈમોન વેઈલ કહે છે – ‘Perfect attention is perfect prayer’ (પૂર્ણ ધ્યાન એ પૂર્ણ પ્રાર્થના છે). એક માત્ર જીવનધ્યેય પરમેશ્વર પ્રાપ્તિ. આમ જુઓ તો મેરી નામ મીરાં સાથે ઉચ્ચારણ અને ધ્વનિસામ્ય ધરાવતું નામ છે અને મીરાંની જેમ જ મરિયમ માગ્દાલેણ પણ પ્રભુ ઈસુ પ્રત્યે સમર્પણભાવ અનુભવે છે. આ સંદર્ભ મેરી મેગ્ડેલીનની પ્રભુ ઈસુ પ્રત્યેની પ્રેમલક્ષણા ભક્તિને સમજવામાં ઉપયોગી થઇ પડશે. લુક 7.38માં મરિયમ પોતાના ચોટલાથી ઈસુના પગ લુછી ચૂમે છે, આ પ્રસંગ તેના સમર્પિત પ્રેમનું જ ઉદાહરણ છે. ભારતીય ભક્તિ પરંપરા પરમાત્મા પ્રત્યેના આ ભક્તિભાવને પ્રેમલક્ષણા ભક્તિ કહે છે. જેને પવિત્ર અને દિવ્ય ગણવામાં આવે છે.

થોડાંક વર્ષો પહેલાં ડેન બ્રાઉન નામના પશ્ચિમી ફિલ્મ સર્જકે ‘ધ દા વિન્ચી કોડ’ નામની વિવાદાસ્પદ ફિલ્મ બનાવીને ખોટી ગેરસમજ ફેલાવી. મેરી મેગ્ડેલીનની પ્રેમલક્ષણા ભક્તિ અને પરમેશ્વર પ્રત્યેના સમર્પિત પ્રેમનું ખોટું અને સ્થૂળ અર્થઘટન કરી એક કાલ્પનિક કથા દ્વારા ઊહાપોહ મચાવી પૈસા કમાવાની તરકીબ શોધી કાઢી, હાલના સમયમાં કોઈ પણ મહાન વ્યક્તિ કે અવતારી માનવો વિશે સનસની ફેલાવી, તથ્યોને મારીમચડી વિવાદ ઊભો કરવો અને TRP મેળવી કમાણી કરી લેવાની વૃતિ ઘણાં લેખકો કે ફિલ્મ, ટી.વી.ના સર્જકોમાં ફાલીફૂલી છે. તાજેતરમાં ખાનગી ચેનલ પરથી પ્રસારિત થતી ‘ઈસુ‘ સીરિયલ પણ એનું જ ઉદાહરણ છે. મૂડીવાદની ગળથૂથી પીને મોટા થયેલા ડેન બ્રાઉન જેવા આર્થિક લાભ જોનાર, ભૌતિકતાવાદી સર્જકને આત્મા અને પરમાત્મા વચ્ચેના દિવ્ય પ્રેમસંબંધની સૂઝ સમજ ક્યાંથી હોય ? પ્રેમલક્ષણા ભક્તિ જેવા ભક્તિસંપ્રદાયની એને ક્યાંથી ખબર હોય ? પ્રભુ ઈસુ અને મરિયમ માગ્દાલેણના દિવ્યપ્રેમ(Platonic Love)ને દુન્યવી દ્રષ્ટિએ આલેખનાર ડેન બ્રાઉનના ‘કોડ’નું   ‘ડી –કોડીંગ’ પ્રેમલક્ષણા ભક્તિમાં છે. પરમેશ્વરને પૂજ્યભાવે, સ્વામીભાવે ભજવા. પરમાત્મા વર છે અને ભક્ત પોતે કન્યા છે, એ ભક્તિશૃંગારના ભાવથી ઈશ્વરની આરાધના પ્રભુને પ્રિય છે. બાઈબલમાં ‘વર’ અને ‘કન્યા’ના પ્રતીકાત્મક સંદર્ભો અનેકવાર પ્રયોજાયા છે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતા, મીરાંબાઈ કે દયારામ જેવા અનેક ભક્તકવિઓએ ભક્તિ શૃંગાર ગયો છે. જુઓ મીરાં શું કહે છે – ‘પરણું તો પ્રીતમ પ્યારો …’ કે ‘અખંડ વરને વરી… ‘ જેવા પદોમાં પરમેશ્વર પ્રત્યેનો ઉત્કટ પ્રેમ અભિવ્યક્ત થયો છે.  મરિયમ માગ્દાલેણનો પ્રેમ આ કક્ષાનો છે. તે પણ કદાચ આમ જ ગાતી હશે કે,  – ‘ઈસુ છે મારો મિત્ર, તે મારો છે પ્રીતમ, બીજા સૌ કરતાં મને છે તે વ્હાલો…'

પરમેશ્વર આપણા ઉપર પ્રેમ રાખે છે. આપણું સર્જન કરવામાં તેમનો ઉદ્દેશ કે હેતુ પ્રેમ છે. આપણે તેમને ઓળખીએ, તેમના ઉપર પ્રેમ રાખીએ, તેમને પ્રેમ કરવાનું અને નિભાવવાનું શીખીએ. એમની સંગતનો આનંદ માણીએ તે ઈશ્વરની મોટામાં મોટી ઝંખના છે. તેથી જ્યારે આપણે આપણા મન સાથે તેમનું મન મિલાવી, હૃદય સાથે હૃદય જોડી, ઈશ્વર સાથે વાત કરીએ કે તેમનું સાંભળીએ તે પ્રાર્થના જ છે. કેમ કે દેવ પ્રેમ છે  અને  પ્રેમ સર્વોત્તમ છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો સર્વોત્તમ માર્ગ પ્રેમ છે. કરિંથીઓને પત્ર 13. 2માં કહેવાયું છે કે – ‘જો કે …. હું સર્વ મર્મો તથા સર્વ વિદ્યા જાણતો હોઉં …પ ણ મારામાં પ્રેમ ન હોય તો હું કંઈ નથી’.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, અમદાવાદ – 380 001   

Loading

આગમની ગાન: ગિરિ, ગણેશ છે શુભકારી!

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 April 2021

હૈયાને દરબાર

ચૈત્રી નવરાત્રિ હમણાં જ પૂરી થઈ. એ દરમ્યાન કંઈક નવાં ગીત-ગરબા શોધી રહી હતી. પારંપરિક ગુજરાતી ગરબા તથા બેઠા ગરબાથી આપણે પરિચિત છીએ એટલે એ વિશે તો કંઈ લખવું નહોતું. અન્ય રાજ્યોમાં આ સમયે શું ગવાતું હશે એ શોધખોળમાં ‘આગમની ગાન’ વિશે જાણવા મળ્યું. આ નામ અગાઉ સાંભળ્યું હતું, પરંતુ એના વિશે વિશેષ જાણકારી નહોતી. દરમ્યાન, જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા સંતૂરવાદક સ્નેહલ મુઝુમદારે બહુ રસપ્રદ માહિતી આપી. તેમણે કહ્યું કે આમ તો શારદીય નવરાત્રિમાં આગમની ગીતો ગવાય છે. ખાસ કરીને બંગાળમાં. તેઓ અત્યારે આગમની ગીતો સ્વરબદ્ધ કરવાનું કામ કરી રહ્યા છે, પરંતુ એ વિશે મૂળ સંશોધન સતીશચંદ્ર વ્યાસે કર્યું છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જીવન કવનથી આકર્ષાઈને બંગાળી ભાષાના અધ્યયનમાં ડૂબેલા સતીશચંદ્ર વ્યાસ, આચાર્ય ક્ષિતિમોહન સેનની ખોજયાત્રા સાથે જોડાઈને બાઉલ ભજનો અને શાક્ત પદાવલિનો પ્રગાઢ આસ્વાદ લેતાં લેતાં આગમની પદોના રસાત્મક આસ્વાદ્ય સુધી પહોંચ્યા છે, પામ્યા છે અને આત્મસાત્ કર્યાં છે.

જામનગરમાં વસતા સતીશચંદ્રભાઈએ બંગાળી, પંજાબી, રાજસ્થાની લોકગીતો, ભક્તિગીતો તથા રવીન્દ્ર સંગીત ઉપર પુષ્કળ સંશોધન કર્યું છે. છસો જેટલાં આગમની ગીતોનો કાવ્યાત્મક અનુવાદ કર્યો છે. આગમની ગીતોની કથા જાણવા સતીશચંદ્રને ફોન કર્યો તો ખૂબ બધી અજાણી અને રસપ્રદ વાતો જાણવા મળી. આગમની ગીતો વિશે સતીશચંદ્ર કહે છે, "છસો વર્ષ પહેલાં આ ગીતો બંગાળમાં લખાયાં છે. આ ગીતો દેવી પાર્વતીના સ્વગૃહે આગમન માટે ગવાય છે. બંગાળમાં વ્યાપક રીતે શારદીય નવરાત્રિમાં લોકો ભાવપૂર્વક પાર્વતી પુત્રીની રાહ જુએ છે. દુર્ગા પૂજા મહોત્સવ સાથે ઘણી પૌરાણિક કથાઓ ગૂંથાયેલી છે. એક કથા અનુસાર પ્રભુ શિવજીનાં અર્ધાંગિની ઉમા, એટલે પાર્વતી પોતાના પિતૃગૃહે – માતા મેનાવતી જે મેનકા તરીકે ઓળખાય છે એ અને પિતા ગિરિરાજને ઘરે આવે છે. લોકો પણ પોતાની સગી દીકરી આવવાની હોય એ રીતે રાહ જુએ છે, આવકારે છે, તેની સ્થાપનાનાં, વિરહનાં, સ્વાગતનાં ગીતો ગાય છે. આ ગીતોમાં મેનકાનો માતૃપ્રેમ ગહન અને હૂબહૂ છલકે છે. એ ગીતો એટલાં ભાવપૂર્ણ હોય છે કે ક્યારેક તો કવિ ભાવાવેશમાં આવી જાણે જગતપતિ, જમાઈ શિવજીની ભર્ત્સના (ટીકા) પણ કરે છે. આપણે ત્યાં જેમ ફટાણાં ગાવાની પરંપરા છે એ રીતે આગમની ગીતોમાં આ ભાવનાં ગીતો છે.

વિશ્વની એકેય ભાષામાં આગમની ગીતો જેટલી ભાવાભિવ્યક્તિ તમને જોવા નહીં મળે. જુદા જુદા ધર્મોમાં ભગવાન જુદી જુદી રીતે પૂજાય છે. માતા-પિતા તરીકે આપણે ઈશ્વરને પૂજીએ જ છીએ, પરંતુ ક્યાંક સખા ભાવ (કૃષ્ણ-અર્જુન), ઈસ્લામમાં સખી ભાવ (ઈશ્ક-એ-હકીકી) જેમાં ઈશ્વરને માશૂકા તરીકે પૂજવામાં આવે છે તો ક્યાંક વળી દાસીભાવ જોવા મળે છે, પરંતુ આગમની ગીતોમાં ભક્ત પિતા છે અને ભગવાન પુત્રી પાર્વતી છે. આવો ભાવ કોઈ સાહિત્યમાં જોવા મળતો નથી. નવરાત્રિના પહેલા દિવસથી પુત્રીની રાહ જોવામાં આવે છે. એને રીઝવતાં ગીતો ગવાય છે. દિવ્ય પુત્રીના વિરહમાં બેબાકળી બનેલી માતા પતિ ગિરિરાજને મનોદશા વર્ણવતાં ગાય છે; ‘ગિરિ, ઉમા છે મુજ જીવન આધાર, ઉમાના મુખ ચંદ્ર વિના મને ઘરમાં લાગે છે અંધાર ..!’ પુત્રપ્રેમથી ખેંચાઈને દીકરી આવે એ માટે ભાણેજને પહેલાં બોલાવવામાં આવે. ભાણેજ એટલે પાર્વતીપુત્ર ગણેશ. ભાણેજને પહેલાં બોલાવો એટલે માતા પાછળ આવે જ. એ રીતે પહેલાં ગણેશજીનાં ગીતો ગવાય. જેમાંનું એક ગીત છે; ‘ગિરિ, ગણેશ આમાર શુભકારી’ એટલે કે ‘ગિરિ, ગણેશ છે શુભકારી, એની પૂજાથી માતા મળે ને થશું, ચંદ્રમાળા અધિકારી …!’ ત્યાર બાદ શિવજીની ભર્ત્સનાનાં ગીતો ગવાય કે ‘શિવજી, તમે તો ગંજેરી છો, ગળે નાગ વીંટાળીને ધ્યાનમગ્ન રહેતા ભેખધારી સાધુ છો, વ્યાઘ્રચર્મ પહેરીને ફરો છો અને અમારી દીકરીનું કંઈ ધ્યાન નથી રાખતાં’ એવાં ગીતો ગવાય. એ પછી પાર્વતી આવે ત્યારે નવરાત્રિના છઠ્ઠા દિવસે એમની ઘરમાં બિલિના વૃક્ષ નીચે સ્થાપના કરવામાં આવે. આખી મૂર્તિ ઘડાઈ જાય પછી ‘ચોખેર દાન’ એટલે કે ચક્ષુદાન કરી મૂર્તિ પર આંખો લગાડવામાં આવે ત્યારે એની પ્રાણપ્રતિષ્ઠા થઈ કહેવાય. નવમીના વિદાય દિને સુહાગણ સ્ત્રીઓ ‘સિંદૂર ખેલા’ રમીને એકબીજાને સિંદૂરની ડબ્બી આપે અને પુત્રીરૂપે પધારેલાં મા પાર્વતીને અશ્રુભરી વિદાય કરે. આમ, અઢળક ભાવ પ્રગટ કરતાં આગમની ગીતો નવરાત્રિના નવે દિવસ આજે ય બંગાળમાં ગવાય છે.

સતીશચંદ્રજીના કહેવા મુજબ, આ ગીતોની અસર બંગાળ પછી ઓરિસ્સા, બિહાર, મધ્ય પ્રદેશ અને છેક ગુજરાત સુધી જોવા મળી છે. ગુજરાતના દેવીદાસ કૃત પ્રસિદ્ધ ઈશ્વર વિવાહમાં મેનકાનો રોષ મહાશિવ પુરાણ કરતાં બંગાળના આગમનીની વધુ નજીક લાગે છે. આ ગીતોમાં અભિવ્યક્ત થતી કોમળ અને મધુર લાગણીઓ વાતાવરણને પ્રેમ અને ભક્તિમય બનાવે છે. સતીશચંદ્રે આ આગમની ગીતોનું ગુજરાતી ભાષાંતર કર્યું છે.

બંગાળી લખાણોમાં ઉચ્ચારણ ફરક છે. ગીતો મૂળ બંગાળી મૂળાક્ષરો પ્રમાણે સામાન્ય રીતે લખાયેલાં છે, પરંતુ અમુક સ્થાને ઉચ્ચાર પ્રમાણે પણ લખાણ કરેલું હોવાથી ગુજરાતી સમાજને અભિપ્રેત એવા ભાવાર્થ એમાં રજૂ કરવામાં આવ્યા છે. બંગાળી આગમની ગાનનું બેલુર મઠ દ્વારા થયેલું અંગ્રેજી ભાષાંતર, રામચરિત્ર કથામૃતમાં રામકૃષ્ણ પરમહંસ દ્વારા થયેલું વિવરણ તથા ક્ષિતિમોહન સેન દ્વારા અપાયેલા આગમની ગાનની સમજૂતી દ્વારા આ ગીતો સમજાવવામાં આવ્યાં છે.

દાસરથી રાય જેવા પ્રાચીન કે પછી હરીન્દ્ર કુમાર બસુ જેવા ઠીક ઠીક અર્વાચીન કવિઓની કલમ અને કંઠથી ટપકતાં આ ગીતો ભક્તિરસને અનેક પટ ચઢાવીને ભાવકને અદ્ભુત અનુભૂતિ કરાવે છે. નાની ઉંમરે સાસરે વળાવેલી પુત્રી તરફ માતાના વાત્સલ્ય ભાવની અભિવ્યક્તિ, ઉમામાં પુત્રીભાવનું આરોપણ, જમાઈ ગમે તેટલો સારો હોય તો પણ સ્વાભાવિક અણગમો પણ આ પદોમાં વર્તાય છે. લાડમાં ભાણેજને ખાઉધરો અને પાંચમોઢાળો કહેવાની ચમત્કૃતિ, શ્વશુર ગૃહનું ઐશ્વર્ય એ ઉમાની જ દેન છે અને તેના વડે જ શિવજીનો સંસાર ચાલે છે. ઉમા વિના બધું ય શૂન્ય છે … જેવા અનેક ભાવની ઝાંખી આગમની ગીતોમાં છે. કેટલી ય ગુજરાતી ભક્તિરચનાઓમાં આગમની ગીતોનો પ્રભાવ જોવા મળે છે.

સ્નેહલ મુઝુમદાર કહે છે, "આગમની ગીતોમાં શાસ્ત્રીય સ્પર્શ છે, પરંતુ શાસ્ત્રીય સંગીતનો ભાર બિલકુલ ન જણાય. વહેતાં ઝરણાં જેવાં સરળ, સુંદર અને ભાવપૂર્ણ આ ગીતો હોવાથી સતીશચંદ્ર વ્યાસે અનૂદિત કરેલાં ગુજરાતી આગમની ગીતો હું મૂળ ઢાળને બરકરાર રાખી મારી રીતે સ્વરબદ્ધ કરી રહ્યો છું. કેટલાંક ગીતો નવો સ્પર્શ આપીને બનાવું છું. મૂળ ગીતો રાગ-તાલ સાથે જુદા જુદા કવિઓએ રચ્યાં છે. મુંબઈમાં આગમની ગીતોનો કાર્યક્રમ થયો હોય એવું ધ્યાનમાં નથી, પરંતુ આ ખૂબ અનોખો પ્રોજેક્ટ છે.

આગમની ગીતોમાં ગિરીશચંદ્ર ઘોષ જે ભાવ લાવે છે એ સૌથી નિરાળો છે. અન્ય ગીતોમાં માતા દીકરીને સ્વગૃહે આવવા વીનવે છે, જ્યારે આ ગીતમાં દીકરી માતાને કહે છે કે ‘તું ય ભૂલી ગઈ મા! હતી હું વ્યસ્ત હર સેવામાં! જે મારા વિણ કશું ન ભાળે એ શિવજીને સુખ દેવામાં!’ શિવજી જેવા યોગીની પત્ની તરીકે પડતી તકલીફોનું પણ એ ગીતમાં વર્ણન છે.

આ લખાય છે ત્યારે રામનવમી છે. એ વિશે પણ સતીષચંદ્રજીએ રસપ્રદ વાત કરી. આપણે ત્યાં દેવઊઠી અને દેવપોઢી અગિયારસ છે. અષાઢી એકાદશીથી કારતક મહિનાની એકાદશી સુધી દેવી-દેવતાઓ આરામ કરે એમ કહેવાય છે, પરંતુ રામનવમીએ ભગવાન રામે રાવણનો વધ કરવા મા દુર્ગાને જગાડ્યાં હતાં. બંગાળનું કૃતવાસ રામાયણ વિશિષ્ટ છે, કારણ કે તેમાં મા દુર્ગાની સ્તુતિ કરતા ભગવાન રામને સુપેરે વર્ણવેલા છે. તેથી ચૈત્ર માસમાં ભગવાન રામચંદ્રજીનો જન્મ અને ચૈત્રી નવરાત્રિ બન્નેનું સંમિશ્રણ કરી સંયુક્ત ભક્તિગાન કરી શકાય એવા પ્રબંધ આ રામાયણમાં છે. માતાને જગાવવાની ક્રિયાને બંગાળીમાં પાતિયાબોધન કહે છે તેનું જે પ્રસિદ્ધ ચિત્ર છે એ જ લેખમાં સામેલ કરવામાં આવ્યું છે.

આમ, આ ચૈત્રી નવરાત્રિ દરમ્યાન સંગીતનું એક નવું જ પાસું જાણવા મળ્યું એ આનંદ સાથે મા દુર્ગા અને ભગવાન શ્રીરામ પાસે એક જ પ્રાર્થના કરીએ કે વાઇરસરૂપી રાક્ષસનો વધ થાય અને આપણે ફરીથી સામાન્ય જીવન જીવી શકીએ.

——————–

ગિરિ, ગણેશ છે શુભકારી!
એની પૂજાથી માતા મળે ને થશું,
ચંદ્રમાળા અધિકારી …!
ગિરિ, ગણેશ છે શુભકારી!

બીલી વૃક્ષ નીચે કરીશું સ્થાપન
ગણપતિ સાથે ગૌરીનું આગમન!
ગૌરીનું ભ્રમણ, ગૌરીનું શ્રવણ
સાથે આવશે શિવ જટાજૂટ ધારી
ગણેશ છે શુભકારી! ગણેશ છે શુભકારી!

લખમી સરસ્વતી માતાના ખોળે
આભમાં ચઢ્યા બે ચંદ્ર હિલોળે!
સુરેશ અને ગણેશ વિના ભીંજાઈ જાતી
આંખ અમારી!
ગણેશ છે શુભકારી! ગિરિ, ગણેશ છે શુભકારી!

કવિ : દાસરથી રાય    •   ભાષાંતર : સતીશચંદ્ર વ્યાસ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=689166

Loading

ભારતના દર દસમાંથી સાત બાળકો મજૂરી કરે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 April 2021

‘યુનિસેફ’નું અનુમાન છે કે કોરોના મહામારીને કારણે લોકોની આવક ઘટતાં અને બેરોજગારી વધતાં બાળમજૂરીમાં પણ વૃદ્ધિ થઈ છે. એક સર્વેના તારણ અનુસાર કોરોનાને કારણે શાળાઓ બંધ હોવાથી બાળશ્રમનું પ્રમાણ ૧૦૫ ટકા વધ્યું છે. છોકરીઓમાં ૧૧૩ ટકા અને છોકરાઓમાં ૫૪ ટકા બાળમજૂરી વધી છે. ૨૦૧૨ થી ૨૦૧૬માં દુનિયામાં બાળમજૂરી એક ટકો ઘટી હતી. પરંતુ કોરોનાની આર્થિક પછડાટ પછી બાળમજૂરીમાં મોટો વધારો થઈ રહ્યો છે. ‘ઈન્ટરનેશન લેબર ઓર્ગેનાઈઝેશન’ના મતે વિશ્વમાં આજે પાંચથી ૧૭ વરસના ૧૫૨ કરોડ બાળમજૂરો છે તે સાત વરસ પછી પણ ૧૨૧ કરોડ તો હશે જ. ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પરંતુ સરકારી આંકડાને નહીં સ્વીકારતા સ્વતંત્ર અભ્યાસો ૪ કરોડ અને શાળા બહાર રહેલાં તમામ બાળકોને બાળમજૂર ગણીને ૧૦ કરોડ બાળકો ભારતમાં બાળમજૂરો તરીકે કામ કરતાં હોવાનો અંદાજ આપે છે.

કાયદા દ્વારા નિર્ધારીત વય કરતાં ઓછી ઉંમરે કામ કરતાં બાળકો એટલે બાળમજૂરો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે કામ કરવાની ઉંમર ૧૮ વરસ અને વિશ્વ કામદાર સંગઠને ૧૫ વરસ ઠરાવી છે. ભારતમાં કાયદા દ્વારા કામ કરવાની ઉંમર ૧૪ વરસ નિર્ધારિત કરી હોઈ, ચૌદ વરસ કરતાં નાની ઉંમરના બાળકોને બાળમજૂર ગણવામાં આવે છે. બાળમજૂરી દેશની શરમજનક વરવી વાસ્તવિકતા છે. શાળાએ જવાની ઉંમરે આ દેશના આવતી કાલના નાગરિકોને પેટનો ખાડો પૂરવા મજૂરી કરવી પડે છે. ખેતરો, કારખાનાં, મિલો, હોટલો, દુકાનો અને ઘરોમાં બાળકો કાળી મજૂરી કરે છે. કચરો અને કાગળો વીણે છે, જાહેર સ્થળોએ બૂટપોલીશ કરે છે, ઢોર ચરાવે છે, તો ભીખ પણ માગે છે. પ્રતિબંધિત ખતરનાક વ્યવસાયો, દારૂખાનાંની ફેકટરીઓ, કાચ અને બંગડી ઉદ્યોગ, ચાના બગીચા, ગાલીચા અને તાળા બનાવવાનું કામ, સાડી પર જરી કામ, ઈંટોના ભઠ્ઠા, પાવરલૂમ્સ, સ્લેટ-પેન, બીડી અને હીરા-ઉદ્યોગ તથા નગરો-મહાનગરોના વેશ્યાગૃહોથી માંડીને ઘરનોકર તરીકે આ દેશનું બચપણ કમરતોડ મજૂરીમાં પીસાઈ-પીડાઈ રહ્યું છે.

ભારતમાં ૧૪ વરસ સુધીની ઉંમરના બાળકોની વસ્તી અમેરિકાની વસ્તી જેટલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પાંચથી ૧૪ વરસના બાળકો દેશમાં ૨૫.૯૬ કરોડ છે. તેમાંથી ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પાંચથી ૯ વરસના ૨૫.૩૩ લાખ બાળકો ત્રણથી ૧૨ માસ મજૂરી કરે છે. દેશના પાંચ મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં દેશના કુલ બાળમજૂરોના ૫૫ ટકા બાળમજૂરો છે. દેશની કુલ શ્રમશક્તિમાં બાળમજૂરોનો હિસ્સો ૩.૬ ટકા અને દેશની જી.એન.પી.માં તેમનો હિસ્સો ૨૦ ટકા છે. દેશના દર દસમાંથી સાત બાળકો મજૂરી કરે છે. તે પૈકી ૮૫ ટકા ખેતી, ખેતમજૂરી અને પશુપાલનમાં, ૯ ટકા ઉત્પાદન-સેવા અને બાંધકામમાં જ્યારે ૦.૮ ટકા કારખાનામાં કામ કરે છે. જો કે આ સરકારી આંકડા બાળમજૂરી નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ – સંગઠનો સ્વીકારતાં અંથી. અને ખરેખર આનાં કરતાં ઘણાં વધારે બાળકો મજૂરી કરતાં હોવાનું જણાવે છે.

ઔદ્યોગિક વિકાસની સાથે જ દુનિયામાં બાળમજૂરીનો ઉદ્દભવ થયાનું મનાય છે. ભારતમાં ગરીબી અને બેકારીને કારણે બાળમજૂરી પ્રવર્તે છે. અંગ્રેજ શાસનકાળમાં રોયલ કમિશને બાળમજૂરી નાબૂદી અંગે સૌ પ્રથમ વિચારણા હાથ ધરી હતી. આઝાદી બાદ ઘડાયેલા ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણના અનુચ્છેદ ૨૩ અને ૨૪માં બાળમજૂરી નાબૂદીની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૪માં, ’૧૪ વરસથી નીચેની ઉંમરના બાળકોને કારખાનાં, ખાણો અને ખતરનાક વ્યવસાયમાં મજૂરીએ રાખી શકાશે નહીં’, તેવી સ્પષ્ટ જોગવાઈ છે.

બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોના અનુચ્છેદ ૩૯(ચ)માં ’બાળકોના સ્વતંત્ર અને ગરિમામય  સમાન વિકાસ અને શોષણ નાબૂદી’ની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૫માં બાળકો અને સ્ત્રીઓના અધિકારોની રક્ષા અંગે યોગ્ય કાયદા બનાવવા રાજ્યોને સત્તા અપવામાં આવી છે. તે મુજબ આઝાદી પૂર્વે અને પછી, ૧૯૮૬ના બાળમજૂરી નાબૂદીના કેન્દ્રીય કાયદા સાથે, ૧૨ જેટલા કાયદાઓ દ્વારા, બાળકલ્યાણ માટેની અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ ૨૦૧૬માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે પારોઠનું પગલું ભરતાં ‘બાળશ્રમ નિષેધ અને નિયમન સંશોધન વિધેયક’ પસાર કર્યું હતું. આ કાયદાથી દેશમાં પ્રવર્તતી ઘણીખરી બાળમજૂરીને કાયદેસર કરવામાં આવી હતી. વિધેયકનો ઉદ્દેશ તો ૧૪ વરસ સુધીના બાળકોને કુટુંબના વ્યવસાયમાં અને ફિલ્મ_ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાની છૂટ આપવાનો જણાવાયો હતો. પણ વાસ્તવમાં તે બાળમજૂરીના નિક્રુષ્ટતમ રૂપોને અને સરવાળે બાળમજૂરીને કાયદેસર બનાવતું હતું.

૧૯૮૬ના બાળમજૂરી નિષેધ કાયદામાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક ગણાતા જે ૮૩ વ્યવસાયો હતા તે ૨૦૧૬ના કાયદામાં ઘટાડીને ૩ જ કરી દેવાયા હતા. તેને કારણે પણ આ કાયદાનો ભારે વિરોધ થયો હતો. એટલે સરકારને કેટલીક જોગવાઈઓ નિયમો ઘડતી વખતે પડતી મૂકવી પડી હતી. આ કાયદો પારિવારીક ધંધા રોજગારમાં બાળકોને કામ કરવાની મંજૂરી આપે છે. બાળકોનો મોટો વર્ગ ખેતીના પારિવારીક કામમાં રોકાયેલો રહે છે. શાળા સમય સિવાય બાળકોને ત્રણ કલાક કામ કરવાની છૂટ આપતો આ કાયદો બાળકોના શિક્ષણ પર ભારે અસર કરે છે. વળી આ કાયદો દલિતોનાં બાળકો તેમના જાતિગત વ્યવસાયોમાં જોતરાયેલા રહે તેને પણ જાણે કે મંજૂર રાખે છે. પરિવાર દ્વારા કરાવાતી મજૂરીમાં બાળકોની સામેલગીરી અને શાળા સમય બાદની બાળમજૂરીને આ કાયદો યોગ્ય ઠેરવે છે.

બાળમજૂરીના નામે બાળકોનું કેવું નઘરોળ શોષણ થાય છે તે સર્વવિદિત છે. બાળકો પાસે દસથી બાર કલાક વૈતરું કરાવવામાં આવે છે. તેમને એક જ ઓરડામાં સમૂહમાં રાખવામાં આવે છે. પૂરતું ખાવાનું મળતું નથી, નશીલી ચીજોના સેવનની આદતો પડાય છે. રોટલાના ટુકડા માટે જીવતાં આ બાળકોની હાલત અંગે જસ્ટિસ પી.એન ભગવતીએ તેમના એક ચુકાદામાં જણાવ્યું હતું તેમ, બાળમજૂરો અમાનવીય સ્થિતિમાં જીવે છે, આપણી સભ્યતાથી બહિષ્કૃત છે. જાનવરોથી બદતર જિંદગી જીવતાં  આ બાળકો બંધનોમાં જકડાયેલાં છે અને તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.

કુટુંબની ઉંમરલાયક વ્યક્તિને મજૂરી ન મળતાં કે અપૂરતી મળતાં તેઓને બાળકોને મજૂરી કરાવવી પડે છે. એટલે જો બાળમજૂરી નાબૂદ કરવી હશે તો એકલા જાગૃતિ કાર્યક્રમોથી નહીં ચાલે. બાળમજૂરોના જે ૨૦ કરોડ માબાપોને માત્ર પેટ ભરવા પૂરતી મજૂરી જ નહીં જીવનયોગ્ય મજૂરી મળવી આવશ્યક છે. ગરીબી અને બેરોજગારી ઘટે તે દિશામાં પૂરતા વેતનવાળી રોજગારીના સર્જનના પ્રયત્નો કરવા પડશે.

બાળમજૂરીની સમસ્યાનો એક ઉકેલ શિક્ષણ છે. જે બાળક શાળામાં નથી, તે મજૂરી કરે છે તે સાદું સત્ય છે. પણ બાળકને મજૂરીએથી શાળાએ લાવવું હશે તો તેના માટે રોજગારી આપતા ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો પડશે. બાળકોની કમાણીથી ઘર-કુટુંબની આવકપૂર્તિ થતી હોય ત્યારે બાળકને શિક્ષણ સાથે થોડી આર્થિક રાહત આપવી જોઈએ. આ બધાનો ઉકેલ બાળકને પારિવારીક વ્યવસાયમાં ધકેલવાનો નથી. પ્રાથમિક શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે, પણ બાળમજૂરી કે શિક્ષણના અધિકાર માટેની ૧૪ વરસની ઉંમર યોગ્ય નથી. જો મતદાનની ઉંમર ૧૮ વરસની હોય તો કમાવાની ઉમર ૧૪ વરસની કેમ ?

જે દેશમાં બાળગોપાલની ભક્તિભાવે પૂજા થતી હોય, દરવરસે રામ અને કૃષ્ણના જન્મોત્સવો ધૂમધામથી મનાવાતા હોય, તે દેશમાં બાળકો ખેલવા-કૂદવાની કે ભણવા-ભમવાની ઉંમરે મજૂરી કરે તે સ્થિતિ બંધ થવી જોઈએ. દેશની ઉજળી આવતીકાલ માટે વસુંધરાના આ વહાલાંદવલાંને ખોળે લેવાની અને મૂરઝાતાં ફૂલોને નવપલ્લવિત કરવાની જરૂરિયાત છે. જ્યારે દેશમાં પ્રતિવરસ ૨.૨ ટકાના દરે જ બાળમજૂરી ઘટતી હોય અને કોરોનાકાળમાં વધી હોય ત્યારે વર્તમાન બાળમજૂરીને ખતમ થતાં એકાદ સદી નીકળી જવાની શક્યતા છે. સરકારે પણ બાળમજૂરીને કાયદેસર કરવાના કીમિયો અજમાવવાને બદલે રોજગાર સર્જન અને સર્વને માટે શિક્ષણની રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,9601,9611,9621,963...1,9701,9801,990...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved