Opinion Magazine
Number of visits: 9572136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાવપ્રેમથી ‘વિદાય–સલામ’ …

‘સ.મ.’ના સંપાદકો, ‘સ.મ.’ના સંપાદકો|Opinion - Opinion|24 March 2021

‘સન્ડે ઈ.મહેફીલ’ના વાચકમિત્રોને

હવેથી આપના Inboxમાં ‘સન્ડે ઈ.મહેફીલ’ની pdf File નહીં આવે .. ‘સ.મ.’ની આજની આ મેલ, તે છેલ્લી પોસ્ટ છે. હવે આજથી આ ‘સન્ડે ઈ.મહેફીલ’ આપ સૌની કાયમી વિદાય લે છે..

સને 2005માં જ્યારે યુનિકોડ ફોન્ટ નહોતા, કમ્પ્યુટરમાં કશું ગુજરાતી વાચન પ્રાપ્ત નહોતું; ત્યારે ગુજરાતમાં, ગુજરાતનાં બીજાં રાજ્યોમાં અને દેશવિદેશે સ્થાયી થયેલા ગુજરાતીઓને, બેપાંચ પાનાંનું જીવનપોષક, રસિક ‘સુવાચન’ પ્રાપ્ત થાય, ગુજરાતી સાહિત્યની સર્જાયેલી અને સર્જાતી કૃતિઓનો તેમને પરિચય મળી રહે તે આશયથી, આ ‘સન્ડે ઈ.મહેફીલ’નો ઉપક્રમ શરૂ કરેલો. નનયુનિકોડ ફોન્ટમાં રચના લખી, તેની પી.ડી.એફ. બનાવી, તે મોકલવાની શરૂ કરેલી .. તે વાતને સોળ વરસનાં વહાણાં વાઈ ગયાં ..

હવે યુગ બદલાયો છે. ગુજરાતીને યુનિકોડ ફોન્ટ મળ્યા. ફેસબુક, વૉટસેપ, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવાં ઘણાં સરળ અને ઝડપી પ્રસાર–માધ્યમો મળ્યાં છે. છાપાંઓ, તેની પૂર્તિઓ, સામયિકો વગેરે …. પુષ્કળ વાચન–સામગ્રી સરળતાથી નેટ પર ઉપલબ્ધ છે .. એટલે હવે આ પ્રવૃત્તિનો, વેળાસર અને અમે  જાતેપોતે જ, સંકેલો – સમાપન કરીએ છીએ ..

આમ, 29 મે, 2005થી શરૂ થયેલી આ ‘સન્ડે ઈ.મહેફીલ’; આજે 28 માર્ચ, 2021ની આ 475મી છેલ્લી પોસ્ટથી, સદાની વિદાય લે છે.

તો હવે આ પળે, ખૂબ જ આવશ્યક કામ તો એક જ છે. અને તે, આ સોળ વરસની લાંબી ‘સુવાચનયાત્રા’ની પ્રવૃત્તિમાં, અમને જેમનો જેમનો સ્નેહથી સાથ–સહકાર મળ્યો છે – મારા પરિવાર સહિત – તેમનો હૃદયપૂર્વક આભાર માની, તેમના ઋણને માથે ચડાવી, તેમનું અભિવાદન કરવાનો – તેમના પ્રતિ અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરવાનો.

અમે સાચે જ કૃતજ્ઞ છીએ……

.1. ‘મહેફીલ’ માટે પોતાની કૃતિ લેવાની પરવાનગી આપનાર દેશ–વિદેશ સ્થિત સૌ સર્જકોના, જેના વિના આ ઉપક્રમ શક્ય જ નહોતો …

.2. આવી પરવાનગી મેળવવામાં સહાયભૂત થયેલા અને સર્જકોની કૃતિ, તેમનો પરિચય અને ફોટો મેળવવામાં પણ સક્રિય મદદ કરનાર સૌ સહૃદયી, ઉત્સાહી, સેવારત, સાહિત્યરસિક મિત્રોના …

.3. વિદેશમાં વસતા સાહિત્યકારોની કૃતિઓ મેળવી, તેના સંપાદનનો કાર્યભાર સંભાળી લેનાર અઝીઝ મિત્ર સ્વ. હરનિશભાઈ જાનીના … તેમ જ અહીં, ગઝલ–સંપાદનમાં શરૂઆતના કાળમાં, સક્રિય મદદ કરનાર આચાર્ય કવિ મીત્ર મનસુખ નારિયાના .. અને ત્યાર પછી આજદિન સુધી, પદ્યવિભાગનો કાર્યભાર સંભાળનારા, અતિથિ સમ્પાદક, ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ ગઝલકાર કવિ, ભાઈ ગૌરાંગ ઠાકર અને નિવૃત્ત વિજ્ઞાન–શિક્ષક મિત્ર સુનીલ શાહના …. જેઓ, પસંદગી પામેલી અને ‘સ.મ.’માં સ્થાન પામનારી, હજારો ગઝલો ટાઈપ કરી, પ્રુફ–રિડીંગ કરી, મને મોકલતા રહ્યા છે, તેમનો તો દિલથી આભાર અને ઋણ પણ. ગઝલો ટાઈપ કરતાં કરતાં સુનીલભાઈ પોતે જ આજે પ્રસિદ્ધ ગઝલકાર બની ગયા છે ..

.4. શરૂઆતમાં, મહેફીલ વધારે રમણીય બની જેમનાં ધારદાર વ્યંગ–વિત્રોથી તે, અમેરિકાસ્થિત કાર્ટૂનિસ્ટ મિત્ર મહેન્દ્રભાઈ શાહના … અને અમદાવાદસ્થિત કાર્ટૂનિસ્ટ અને સર્જક મિત્ર શ્રી નિર્મીશ ઠાકરના …

.5. શરૂઆતના સમયમાં, સ્વેચ્છાએ નનયુનિકોડ ‘વિજયા ફોન્ટ’માં ટાઈપ કરવાનું શીખી, અક્ષરાંકન કરી આપી અને છેક પ્રુફ–રિડીંગ સુધીની સહાય કરનાર વહાલા મિત્રો, સુનીલ શાહ, જુગલકિશોર વ્યાસ, વિજેશ શુક્લ અને અમે અમેરિકા હતાં, ત્યારે સર્વ વાતે આવા જ ઉમળકાથી મદદ કરનાર મિત્ર સુરેશ જાની, કૅપ્ટન નરેન્દ્ર ફણસે અને સ્વ. કિશોર રાવળ વગેરે જીગર–જાન દોસ્તોના …

.6. પાંચ હજારથી વધારે વાચકો થયા અને સૌ વાચકોને અમારાથી જાતે (મેન્યુઅલી) મોકલવાનું મુશ્કેલ બનતાં, મુંબઈ–અમદાવાદની તે સમયની, મૅગ્નેટ ટૅક્નોલૉજીના ભાઈ અશોક કરણિયા અને તેમના સ્ટાફનાં મીનાબહેન છેડા, કાર્તિક મિસ્ત્રી, અંકુર પટેલ અને જાગૃતિબહેન વાલાણી વગેરે તરવરિયાં યુવાન–ભાઈબહેનો અમારી વહારે ધાયાં અને નિયમિતતાથી હજારો મિત્રોને ‘મહેફીલ’ પહોંચાડતા રહ્યાં તેમના …

સમયાંતરે ‘સ.મ.’ને ‘લેક્સિકન’ના સર્જક સ્વ. રતિલાલ ચંદરયાની છત્રછાયા મળી અને અમદાવાદમાં ‘લેક્સિકન’ની ઓફિસ બની. ત્યારથી આજદિન સુધી એની રવાનગીનું કામ, નિયમિતરૂપે અને ઉમળકાથી કરી રહેલાં બહેન મૈત્રી શાહ, શ્રુતિ પટેલ, મીનલ મિસ્ત્રી, સ્વ. હિતેન્દ્ર વાસુદેવ તથા દેવળ તલાટીનો અને એમની સાથે કામ કરતા સર્વ સાથીઓનો તો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. છેલ્લા કેટલાક માસથી તો મેલ મોકલવી જ મુશ્કેલ થઈ ગઈ. ત્યારે સુરતના ભાઈ ગૌરવ રાદડિયાએ, એમના એક પ્રોગ્રામ મારફત મેલ મોકલવાની સગવડ કરી આપી, એ બદલ એમનો હાર્દિક આભાર …

.7. જરાયે આગોતરા અણસાર આપ્યા વિના, નિ:સ્વાર્થભાવે, કેવળ ઉમંગ અને પૂરા ભાવથી, ‘સન્ડે ઈ.મહેફીલ’ માટે એક સર્વગ્રાહી વેબસાઈટ https://sites.google.com/site/semahefil/  બનાવી આપનાર અને બધી જ પોસ્ટને, ચેન્નઈ, નવસારી કે મુમ્બઈ બેઠેબેઠે અપલોડ કરતા રહી, અમને સરપ્રાઈઝ ભેટ ધરનાર નવસારીના વહાલા ભાઈ હિમાંશુ મિસ્ત્રીના ..

.8. ‘ગુજરાતમિત્ર’, ‘દિવ્ય ભાસ્કર’, ‘મુંબઈ સમાચાર’ વગેરે દૈનિકો તથા ‘નયા માર્ગ’, ‘વિવેકપંથી’, ‘સૌજન્ય માધુરી’, ‘સત્યાન્વેષણ’, ‘ઓપિનિયન’(બ્રિટન), ‘માતૃભાષા’ (ઓસ્ટ્રેલિયા), ‘ગુજરાત દર્પણ’ (અમેરિકા), ‘ચિત્રલેખા’ વગેરે સામયિકોના તંત્રી–સંપાદકો અને લેખક મિત્રોના, જેમણે ‘સન્ડે ઈ.મહેફીલ’ની પ્રવૃત્તિની ખાસ નોંધ લઈ તે અંગેના અહેવાલ–લેખ પ્રસિદ્ધ કર્યા તે માટે …

.9.  છેલ્લે, અમે ખાસ તો આભારી મહેફીલના સુજ્ઞ અને ગુણગ્રાહી હજારો વાચક–ભાવકમિત્રોના, જેઓ પોતાના પ્રેમાળ પ્રતિભાવો અને મૈત્રીની ઉષ્મા વડે અમને સતત પ્રોત્સાહિત કરી સજાગ રાખતા રહ્યા અને જેમણે આ સાદાસીધા ઉપક્રમને અમારા માટે ‘ઉમદા યાત્રા’માં પરિવર્તિત કર્યો  છે તેમના …

તે સિવાય પણ, જે જે મિત્રોએ એક યા બીજા સ્વરૂપે અમને સહાય કરી છે, તે સહુના અમે દિલથી આભારી છીએ … તો વહાલા મિત્રો, સ્નેહભર્યા પ્રણામ સાથે વિદાય, આવજો… મેલ કે વૉટસેપથી તો આપણે મળતા જ રહીશું …. અલવવિદા ..

•••••••

દિવંગત બન્ને મહાનુભાવોને અમારા શત શત સ્નેહ–વંદન

‘લેક્સિકન’ના સારથિ અને ‘સ.મ.’ના સદાના સાથી, ભાઈ અશોક કરણિયા, પોતાની લાગણી નીચેના શબ્દોમાં વ્યક્ત કરે છે :

‘Sunday eMahefil’ is an immensely popular and life-enriching periodical. ‘SeM’ has carefully curated and showcased the best work in 475 POSTs in 16 years from writers across the globe. 

‘Sunday eMahefil’ is not a magazine, it is a movement! What started as a small attempt to preserve and promote Gujarati language, became a juggernaut! The visionary Uttam Gajjar has initiated the idea and has given his everything to make it a successful mission. His passion found support from Shri Balvant Patel, Shri Ratilal Chandaria and other like- minded friends. 

‘SeM’ has played an immense role in promoting the language – especially during the initial days of computer and internet in 2005. It became a habit – A lovely and warm addiction for thousands of its readers. The ‘SeM’ email was a high awaited email for many people and they left everything to read it immediately! And it was forwarded so many times!

As technology progressed, ‘SeM’ adopted it and continued to reach Gujarati readers. It was available on many websites, got the eBook avatar and now spreading through WhatsApp.

All good things come to an end and ‘Sunday eMahefil’ has played its important role in nurturing the language in the days when no other technology form or digital media catered to Gujarati Readers.

Though ‘SeM’ as a periodical may stop, the seeds sown by it, will continue to flower!

•••••••

આટલું કહ્યા પછી, બીજી બે વાત કહેવાની બાકી રહે છે :–

એક : ‘સ.મ.’ની ઈ.બુક્સ વિશે. ‘સ.મ.’માં પ્રકાશિત થયેલી 475 રચનાઓની અમે ઈ.બુક્સ બનાવી છે. દરેક ઈ.બુકમાં પચીસ રચનાઓ છે.. એવી ઓગણીસ ઈ.બુક્સ છે. જે છૂટથી અને મફત ડાઉનલોડ પણ થઈ શકે છે.

તે ઉપરાંત ‘સ.મ.’માં પ્રકાશિત થયેલાં ગઝલ, ગીત, કાવ્ય, અછાંદસ રચનાઓની ચાર ઈ.બુક્સ થઈ છે. બીજી દસેક ઈ.બુક્સ પ્રકાશિત કરવાનું પણ વિચારાયું અને ગોઠવાયું છે.

નીચેનાં સ્થળેથી તે બધી જ ઈ.બુક્સ તમે મફત ડાઉનલોડ કરી શકો છો. અત્યાર સુધીમાં હજારો વાચકોએ તે ડાઉનલોડ કરી છે, તેના આંકડાઓ પણ તમે ત્યાં જોઈ શકશો..

https://www.gujaratilexicon.com/ebooks/

And

http://www.aksharnaad.com/downloads/

(જો કોઈ વાચક જાતે તેમ ન કરી શકે અને મને પોતાનાં નામ–ઠામ, મોબાઈલ ફોન નંબર સાથે વિગતે ઈ.મેલ લખશે, તો હું તેમને તે મોકલી આપીશ.)

હવે બીજી વાત 

2019ના જાન્યુઆરીથી, જૂની ‘સ.મ.’માંની, પસંદગીની જૂની પોસ્ટ્સ નવી પેઢીને પીરસવા, અમે ‘મોબાઈલ એડિશન’ શરૂ કરી છે. આંખને જરાયે પરિશ્રમ આપ્યા સિવાય, સાવ સરળતાથી સૌ મોબાઈલમાં વાંચી શકે તે માટે, તે મોટ્ટા અક્ષરે બનાવી છે .. અઢી હજારથીયે વધારે વાચકો તેમાં જોડાયા છે. આનંદની વાત એ છે કે યુવાપેઢી પણ આ ‘વાચનયાત્રા’માં ઊલટભેર જોડાઈ રહી છે .. પૂરા એક સો અગિયાર શુક્રવારથી, દર શુક્રવારે, માત્ર એક જ પી.ડી.એફ., વૉટસેપથી નિયમિત મોકલાય છે..

જો તમે વૉટસેપ વાપરતા હો તો અને તેમાં જોડાવા ઈચ્છો તો, મારા વૉટસેપ નંબર (Uttam Gajjar -Surat – +91 97268 98772) પર, તમારું પૂરું નામ – સરનામું લખી, મને વૉટસેપ સંદેશ મોકલી શકો છો.

અમને લાગ્યું કે હવે ઈ.મેલ વ્યવહાર–પ્રવાહ પણ પાતળો પડી, ખો..ડં..ગા..ઈ રહ્યો છે.. વૉટસેપનું ચલણ વધ્યું છે, તેથી હવે આ ‘સુવાચનયાત્રા’ને અમે  વૉટસેપના સરળ અને સુગમ માર્ગે ચડાવી છે..

જરૂર પડ્યે, મેલથી કે વૉટસેપથી તો આપણે જરૂર મળતા રહીશું. અલવિદા ..

‘જય ગુજરાતી’

Late- Ratilal Chandaria,
Late- Balvant Patel,
Uttam Gajjar, e-mail:uttamgajjar@gmail.com
Ashok Karania, e-mail: ashok@gujaratilexicon.com
Maitri Shah, e-mail: maitri@gujaratilexicon.com
Sunil Shah, e-mail: sunilshah101@gmail.com

‘સ.મ.’ના સંપાદકો વતી,

ઉત્તમ.મધુકાન્તા ગજ્જર (સુરત)

2021-03-28

@@@@@@@@@

સૌજન્ય : 475.SUNDAY_eMAHEFIL-VIDAAY_SALAAM-Sampaadak_ManDaL-SeM-28-03-2021

Loading

આપણે બોલવું જોઈએ તે બોલી શકીએ છીએ ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 March 2021

આપણે ગુજરાતી છીએ અને ઘણું ખરું ગુજરાતી બોલીએ છીએ. આપણાં સંતાનોને ભાન ન કરાવ્યું હોત તો એમણે પણ ગુજરાતી જ લખવા, વાંચવા કે બોલવાનું સ્વીકાર્યું હોત. બહુ બહુ તો એમણે અંગ્રેજી, હિન્દી ભાષાને એક વિષય તરીકે સ્વીકારી હોત ! આમ તો અંગ્રેજોના વખતમાં જ ગુજરાતી શાળાઓ શરૂ થઈ હતી. અંગ્રેજોના ગયા પછી પણ આપણી ભાષામાં થોડો વખત ગુજરાતીમાં ભણવાનું ને બીજી ભાષાઓ એક વિષય તરીકે શીખવાનું ચાલ્યું. પછી અંગ્રેજી માધ્યમનો ધંધો કરવાનું ને વધુ કમાણી કરવાનું શરૂ થયું. સરકારે પણ ગુજરાતી માધ્યમની સ્કૂલો બંધ કરતાં જઈને અંગ્રેજી માધ્યમનો વ્યાપાર શરૂ કર્યો. બધાં જ ઇંગ્લેન્ડ, અમેરિકા જવાના હોય તેમ, સરકારી દેખરેખ હેઠળ અહીં જ અંગ્રેજી પેઢી ઉછેરવા માંડી. આ વેપલો ન થાય તો કોઈ ગુજરાતી, અમેરિકા કે ઇંગ્લેન્ડ જઈ જ નહીં શકે એમ માનીને, અહીં “અંગ્રેજો” પેદા કર્યા ને કરી રહ્યા છીએ.

અંગ્રેજી માધ્યમ થયું તે પહેલાં કોઈ ગુજરાતી પરદેશ ગયો જ ન હતો એવું ન હતું. ઘણી વાર તો અહીં જરૂરી અંગ્રેજી થોડો વખત ખાનગી ટ્યૂશન દ્વારા શીખીને ઘણા ગુજરાતીઓ વિદેશ ગયા. કોઈ ગુજરાતી અંગ્રેજી ન આવડવાને કારણે ગુજરાત પાછો આવ્યો હોય એવું જાણમાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે અંગેજી માધ્યમ હોય કે ન હોય કે ગુજરાતી માધ્યમમાં જ શિક્ષણ થયું હોય તો પણ, જેમને અંગ્રેજી કે બીજી ભાષા શીખવાની જરૂર પડી તે શીખીને જ રહ્યા છે ને જેમને ભાષા આવડવાની જ ન હતી તે તો અંગ્રેજી માધ્યમમાં ભણવા છતાં, ભાષા બાબતે નબળાં જ રહ્યાં છે.

આ તો માધ્યમની વાત થઈ, પણ ભાષા તરીકે ગુજરાતીને આપણે બહુ જ ઓછી ચાહી છે. ગુજરાતીને માન્ય ભાષાનો દરજ્જો મળેલો છે, છતાં અન્ય પ્રદેશના લોકો પોતાની ભાષાને જે માન આપે છે, એ આપણે ગુજરાતીને નથી જ આપતા. અંગ્રેજી માધ્યમની અને અંગ્રેજી ભાષાની આપણે કરીએ છીએ એવી ચાપલૂસી બીજા કોઈ રાજ્યમાં નથી. આમ થવાનું કારણ એ છે કે આપણી સરકાર અંગ્રેજીની ભાટાઈ કરવામાંથી ઊંચી નથી આવતી અને તેની માનસિકતા એવી છે કે અંગ્રેજીમાં નહીં ભણે તો ગુજરાત પાછળ રહી જશે ને કરુણતા એ છે કે અંગ્રેજી માધ્યમની આટલી દલાલી કરવા છતાં ગુજરાત શિક્ષણને મામલે પાછળ જ રહ્યું છે. બંગાળીઓ, બંગાળીને કારણે કે મરાઠાઓ, મરાઠીને કારણે પાછળ નથી પડ્યા. એમાં ગુજરાતી જ અપવાદ છે. એને જ એવો ભય છે કે વિદેશમાં ગુજરાતી ભાષાને કારણે ગુજરાતી નિષ્ફળ જશે. અહીં કોઈ પણ ભાષા કે માધ્યમનો વાંધો નથી જ, વાંધો ગુજરાતીને માતૃભાષા તરીકે માન ને પ્રેમ નથી મળતાં તેનો છે.

એક વાત સમજીએ કે ભાષા ન હતી ત્યારે પણ મનુષ્ય તો હતો જ. ભાષા ન હતી ત્યારે ઉદ્દગારો કે હાવભાવથી વ્યવહાર ચાલતો હતો. પછી વ્યવહારની સરળતા માટે ભાષા અનેક કુળ, પ્રકારો સાથે દેશ-વિદેશોમાં વિકસી. ભાષા જાણ્યા પછી ભાષા વગર કામ પાડી શકાય કે કેમ તેવા પ્રયોગો પણ થયા. ફિલ્મોમાં પહેલાં ભાષા ક્યાં હતી? વર્ષો સુધી ફિલ્મો મૂંગી રહી. ફિલ્મો બોલતી થઈ તે પછી પણ “સાઇલન્ટ મૂવી”ના પ્રયોગો થયા છે. સેમ્યુઅલ બેકેટ જેવાએ તો સંવાદ વગર પણ નાટક ખેલ્યું છે. નાટકમાં સંવાદ વગર ચાલે નહીં, પણ સંવાદનું કામ બેકેટે ક્રિયા પાસેથી લીધું. પણ, આ બધા પ્રયોગો છે. એ પછી પણ એટલું સ્વીકારવાનું થાય કે ભાષા વગર મનુષ્યને ચાલે એમ નથી.

અંગ્રેજી શાસન પહેલાં ભારત પર સંસ્કૃતનો ખાસો પ્રભાવ હતો. સંસ્કૃત દેવભાષા હતી. તે આપણી ઉદાસીનતાને કારણે દેવલોક થવાની સ્થિતિમાં આવી. સંસ્કૃતમાંથી હિન્દી, મરાઠી અવતરી એમ જ ગુજરાતી પણ જન્મી. નરસિંહ મહેતા ગુજરાતીનો આદિ કવિ ગણાયો ને નર્મદ અર્વાચીનોમાં આદ્ય ગણાયો. અનેક કવિઓ, લેખકોને હાથે ગુજરાતીનું જતન-સંવર્ધન થયું. ગુજરાતી અનેક પ્રદેશોમાં બોલાતી થઈ. તેમાં જે તે પ્રદેશની લાક્ષણિક્તાઓ ભળી ને એમ ચરોતરી, સુરતી, કાઠિયાવાડી જેવી અનેક બોલીઓ વિકસી. બાર ગાઉ એ બોલી બદલાય – એમાં બોલીનો અને એ દ્વારા ગુજરાતીનો જ મહિમા થયો. એ ભાષાને આપણે ગુજરાતીઓ ભૂંસવા બેઠા છીએ.

બાળક જન્મે છે પછી તેને સ્કૂલમાં કક્કો શીખવાય છે, પણ તે પહેલાં તેને ક, ખ, ગ, ઘ બોલતાં આવડી ગયું હોય છે. એ શીખે છે તે મા પાસેથી, કુટુંબ પાસેથી. બધી ભાષા શીખવી પડે છે, માતૃભાષા શીખવી પડતી નથી. એ માતૃભાષાની ગુજરાતમાં કોઈ કદર-કિંમત નથી. સરકાર પોતે માતૃભાષાને ભૂંસવાનું પાપ કરી રહી છે તે ઠીક નથી.

હવે એ જોઈએ કે ભાષાનો આપણે કેવોક ઉપયોગ કરીએ છીએ? ભાષા કોઈ પણ હોય, એ બોલીએ છીએ ત્યારે કેટલી આપણી હોય છે અને કેટલી આપણામાં આરોપવામાં આવે છે? જરા ધ્યાનથી જોઈશું તો સમજાશે કે આપણે એ તો બોલતાં જ નથી જે બોલવું છે.

ભાષા અત્યારે નફો રળવાનું ને છેતરવાનું મોટું કામ કરે છે. ટી.વી. પર કે અન્ય માધ્યમોમાં આવતી જાહેરખબર જોઈએ તો ખબર પડશે કે તે આપણને લલચાવનારી ભાષાનો ઉપયોગ કરીને છેતરે છે. હેલ્થ ઈન્સ્યોરન્સની જાહેરાતો આપણી હેલ્થ સાથેની સીધી રમત છે. બધાં જ આપણા પૈસા બચાવવાની વાતો કરે છે ને છૂપો હેતુ ગજવાં ખંખેરી લેવાનો રાખે છે. ભાષાનું એ છેતરામણું રૂપ છે. અસત્ય કે અર્ધસત્ય, ભાષા દ્વારા એ રીતે પ્રગટ થાય છે કે કોઈને કોઈ કારણે આપણે તે તરફ ખેંચાઈએ ને ખંખેરાઈએ. એની ખૂબી એ છે કે આપણે સામે તરત પ્રતિક્રિયા પહોંચાડી શકતાં નથી.

બીજી તરફ તરત પ્રતિભાવની સગવડ આપણને સોશિયલ મીડિયામાં ભરપૂર મળી છે. એમાં મોટે ભાગે ભાષાનો ઉપયોગ થતો નથી ને થાય છે તો દુરુપયોગ જ થાય છે. હવે તો આપણે ભાષાનું કામ સિમ્બોલ્સથી લેવા માંડયું છે. શબ્દો ટૂંકા કરી દીધા છે. તેટલું પણ ન કરવું પડે એટલે લાઈક્સ, ઇમોજિસથી કામ કાઢીએ છીએ. મેસેજ કે આર્ટિકલ કે ફોટો જોયા, જાણ્યા વગર જ લાઈક્સ કે થમ્સ અપના સિમ્બોલ્સથી કામ લેતાં આપણને આવડી ગયું છે. આપણે જેને માટે અંગૂઠો મારીએ છીએ તે પણ જાણે છે કે સામેવાળાએ કૈં જોયું નથી. આમાં કેટલાંક ખરેખર સાચું કહે, લખે છે, પણ મોટે ભાગના તો વેઠ જ ઉતારે છે. આમ કરવાનું કોઈ કહેતું નથી, પણ બધું દેખાદેખી ચાલે છે. કોઈના મરણનો મેસેજ પણ “લાઈક” થાય છે. મરનાર વ્યક્તિ હાજર હોતી નથી, બાકી કહી શકે કે મરવાની હજાર લાઈકસ મળી. મેસેજ મૂકાય ત્યાં તો લાઈક્સ આવવા માંડે છે. એવું થતું નથી, બાકી તો લાઈક્સ, મેસેજ પહેલાં પણ આવવા માંડે. આમાં સાચી ભાષાને અવકાશ જ ક્યાં રહે છે? એક આખી નકલી સંસ્કૃતિ બધે જ ઊભી થઈ છે, જે ખોટાંને સાચી લાઈક્સ આપીને કે વખાણીને ભાષાનો દુરુપયોગ કરે છે. અહીં સત્ય સિવાય બધું જ ખપે છે.

આપણને એ ખ્યાલ છે કે આપણે ઘેટાંની જેમ વર્તીએ છીએ? ઘેટાં એકની પાછળ એક ચાલ્યા કરે છે. આપણું પણ એવું જ છે. સાચું તો એ છે કે આપણે નરવા માણસ જ નથી. આપણે આ કે તે પક્ષના કે ધર્મના કે સમાજના છીએ. આપણને કહેવામાં આવે છે ને આપણે કોઈ સ્થળે જીવનું જોખમ હોય તો પણ ઠલવાઈએ છીએ. આપણો નેતા કે ધર્મગુરુ કૈં કહે છે તો તે આંખ મીંચીને સાંભળીએ કે કરીએ છીએ. આપણને કહેવામાં આવ્યું છે એટલે કે બીજા પાડે છે તે જોઈને તાળીઓ પાડીએ છીએ કે સૂત્રોચ્ચાર કરીએ છીએ. આપણામાં ને ઘેટાંમાં ફરક નથી. એ માલિક કહે છે તેમ કરે છે, આપણને નેતા કે કથાકાર કહે તેમ કરીએ છીએ. આપણે વ્યક્તિ નથી, ટોળું છીએ. આમ આપણી પાસે સમય નથી, પણ ટોળું કરવામાં, ક્યાંક બેસીને સાંભળ્યા કરવામાં આપણી પાસે કલાકો છે. કૈં થાય છે તો નેતા ગોળી નથી ખાતો, આપણે ખાઈએ છીએ. કોઈ કારણ ન હોય કે કોઈ વાંક ન હોય, પણ લાઠી આપણે ખાઈએ છીએ. એવું તો નથીને કે આપણી વફાદારી, કોઈ નેતા કે પક્ષ આપણાં મોતથી વટાવે છે?

કોઈનું કહ્યું કેમ કરવાનું એવા સવાલો પણ આપણને થતા નથી. સવાલો ન થવા એ સારી સ્થિતિ છે, પણ અહીં આપણે આધ્યાત્મિક ભૂમિકાએ નથી. આપણને ખરુંખોટું સમજાય નહીં ને મૂઢમારની અવસ્થામાં પ્રશ્નો જ ન થાય એ સારી સ્થિતિ નથી. આપણને જાણે “બોસ”ની ટેવ પડી ગઈ છે! એમાં કોઈ કૈં ખટાવે ને તેની ગુલામી કરીએ તે તો સમજી શકાય, પણ એમ જ કોઈ દોરે ને દોરવાયા કરીએ એમાં આપણાપણું બચે છે ખરું? આપણે કોઈનું બોલાવેલું બોલીએ છીએ. કોઈનું કહેલું કરીએ છીએ. એ ખોટું હોય કે ખરું, કરીએ છીએ. પ્રશ્ન તો એ થાય કે આપણે વિચારીએ છીએ ખરા કે કોઈનું વિચારેલું જ વિચાર્યા કરીએ છીએ? એવું તો નથીને કે આપણે બદલે બીજું જ કોઈ આપણામાં જીવે છે? આપણે જ આપણા ન હોઈએ ત્યાં ભાષા આપણી કેટલીક હોય? હકીકત એ છે કે ચાવી દીધેલ રમકડાંનું જીવન આપણે જીવીએ છીએ. એમાં આપણાપણું નથી, પારકાપણું જ છે ને આપણે કહીએ છીએ કે આપણે સ્વતંત્ર છીએ, આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. આનાથી મોટી મજાક બીજી કઈ હોય?

આનો ઉપાય શો? ઉપાય એ કે બીજા વિષે વિચારીએ તેની સાથે જ પોતાને વિષે પણ વિચારીએ. જાતને પૂછીએ કે આપણામાં આપણો વિચાર છે? આપણું વિચારેલું આપણે કહી, કરી શકીએ તેમ છીએ? એવું કહેવાની જગ્યા છે કે સમજ્યા વગર આપણે બીજાનું બોલાવેલું જ બોલ્યા કરીએ છીએ? આપણે એ તો નથી કરતાં ને જે કરવું નથી? આપણે મશીન છીએ કે માણસ તે જાતને પૂછીએ ને વિચારી શકતા હોઈએ તો વિચારીએ –

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 માર્ચ 2021

Loading

લોકભારતી

નટવર ગાંધી|Opinion - Opinion|22 March 2021

દેશમાંથી અમેરિકાની ગુજરાતી લિટરરી અકાદમીના આશ્રયે અમેરિકા આવેલા ઘણા સાહિત્યકારોમાં મનુભાઈ પંચોળી ‘દર્શક’નું મહત્ત્વ મને વિશેષ હતું. એમની લોકપ્રિય નવલકથા ઝેર તો પીધાં છે જાણી જાણી વાંચી ત્યારથી જ મને એના પાત્રોનું ઘેલું લાગેલું. ખાસ કરીને અચ્યુત અને સત્યકામનાં યુરોપના પરાક્રમો વાંચીને મને પરદેશ જવાની પ્રેરણા મળેલી.

પછી ખબર પડી કે દર્શક પોતે તો માંડ માંડ પાંચ ચોપડી ભણેલા હતા! યુરોપ અને હિંદના ઇતિહાસનો એમનો અભ્યાસ જાતકમાઈનો હતો. જેમણે હાઈસ્કૂલ પણ પૂરી કરી નથી અને જેમની પાસે કૉલેજની કોઈ ડિગ્રી નથી, અને છતાં જે ગુજરાતના એક ખૂણામાં બેસીને યુરોપનાં વિશ્વયુદ્ધો અને વિચારધારાઓનો અભ્યાસ કરે અને એના વિશે પુસ્તકો લખે, એમનો ચેતોવિસ્તાર કેવો વિશાળ હશે! નાનાભાઈ ભટ્ટ અને સ્વામી આનંદના એ શિષ્ય. નાનાભાઈ આગળ એ ઉપનિષદ ભણ્યા. અને પછી તેમની સાથે જ રહી એમણે લોકભારતી ચલાવી. આઝાદીની લડાઈમાં નાની ઉંમરે જોડાઈને જેલમાં જઈ આવેલા. એમનો ગાંધીવાદ પોથીમાંનાં રીંગણાંનો નહીં, પણ રગેરગમાં ઊતરેલો હતો.

અકાદમીના પહેલા મહેમાન તરીકે ‘દર્શક’ને દેશમાં જઈને આમંત્રણ આપવાનું સદ્ભાગ્ય મને મળ્યું. એ નિમિત્તે હું પહેલી વાર સણોસરા ગયો અને અમારો સંબંધ બંધાયો. પછી તો જ્યારે જ્યારે હું દેશમાં જાઉં ત્યારે એમને મળવા સણોસરા જાઉં. એ પણ અમેરિકા આવે ત્યારે અઠવાડિયું, દસ દિવસ જરૂર અમારે ત્યાં વૉશિંગ્ટન આવે. જ્યારે જ્યારે એમને મળવાનું થાય ત્યારે દેશવિદેશના રાજકારણની અને અન્ય અલકમલક વાતો થાય. એ વાતચીતોમાં એમનું નવું જાણવાનું કુતૂહલ પ્રગટ થતું. આ વાતોમાં એમની ગાંધીભક્તિ, નાનાભાઈ અને સ્વામી આનંદ પ્રત્યેનો આદર, તૉલ્સતૉય, લિંકન જેવા મહાનુભાવો માટે એમનું અપાર માન, લોકસેવા અને લોકશિક્ષણ કરવાની એમની તીવ્ર ઝંખના વગેરે જરૂર દેખાઈ આવે.

એ હાડે શિક્ષક હતા. પોતે ભલે યુરોપ અમેરિકામાં હોય કે બીજે ક્યાં ય પણ હોય, એ લોકભારતીને ભૂલે નહીં. એક વાર કહે કે આપણે ત્યાં ગામડાંઓનું બહુ શોષણ થયું છે. એ શોષણ અટકાવવા માટે અમે ગામડાંઓનાં છોકરાછોકરીઓને શીંગડાં બતાડતાં શીખવીએ છીએ. એવાં શોષણને નીચી મૂંડીએ મૂંગા મૂંગા સહન કરવાને બદલે એનો સામનો કરવાનું શીખવીએ છીએ. ગામડાંવાસીઓને સજ્જ કરવાની અમારી ફરજ છે, હજી પણ દેશની બહુમતિ પ્રજા ગામડાંઓમાં વસે છે. બીજું એમણે એ સમજાવ્યું કે માત્ર શુભભાવના, સહાનભૂતિ કે સમસંવેદનથી જનસેવા નથી થતી, એને માટે દક્ષતા, કુશળતા, કામસૂઝ, અને ચાલાકી અનિવાર્ય છે. લાગણીવેડા કે વેવલાપણાથી દેશસેવા નથી થતી.

એમની ગ્રામોદ્ધારની વાતો સામે હું એમને ચીનના અર્બાનાઈઝેશન અને ઔદ્યોગિકરણ (industrialization, particularly, manufacturing emphasis) વિશે વાત કરી ને કહું કે દેશની ભયંકર ગરીબીમાંથી છૂટવા માટે આ એક મૉડેલ વિચારવા જેવું છે, પણ એમનો ગામડાંઓ માટેનો ગાંધીવાદી બાયસ એવો જબરો હતો કે એ વાત ‘દર્શક’ સાવ નકારી કાઢતા. કહેતા કે ગામડાંઓમાંથી લોકોને બહાર કાઢવાને બદલે ગામડાંઓને કેમ સુધારીએ નહીં?

ગ્રામોદ્ધાર કરવો હોય તો ગામડાંઓમાં જઈને રહેવું પડે. એમનું ગામડાંઓની પરિસ્થિતિનું જ્ઞાન જાત અનુભવનું હતું. એમને ખબર હતી કે દેશની ગરીબી હઠાવવી હોય તો એ ગરીબી હઠાઓ કે આરામ હરામ હે એવા સ્લોગનથી એ કામ થતું નથી. પંચવર્ષીય યોજનાઓ સાચી પણ આ ભગીરથ કામમાં તો જીવન આપી દેવું પડે, અપાર ધીરજ ધરવી પડે.

દેશના રાજકારણમાં પણ એમનો સક્રિય રસ. એ વિશે એમના ગાંધીવાદી વિચારો વ્યક્ત કરવા મનુભાઈ હંમેશ બેધડક લખતા. જ્યારે જરૂર પડી ત્યારે ચૂંટણી પણ લડ્યા. શિક્ષણ પ્રધાન થયા. લોકભારતી જેવી મોટી વિદ્યાપીઠ પણ ચલાવી. જીવનભર જેમ એ કાર્યરત રહ્યા તેમ એ કંઈ ને કંઈ લખતા પણ રહ્યા. અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતા એમના જીવનમાં એમને નવલકથા અને નાટકો લખવાનો સમય કેવી રીતે મળે? મને એમ હંમેશ લાગ્યા કર્યું છે કે એમનું સાહિત્યસર્જન જાણે ડાબા હાથનો ખેલ હતો. એટલે જ તો કેટલાકને એમના સર્જનમાં શિથિલતા દેખાય છે. સ્વામી આનંદ જેવા એકે એક શબ્દ ચકાસતા સાહિત્યમર્મી તો એમને ઠપકો આપતા. કહેતા, “તું લખે છે તેમાં લાપસી સાથે આ કાંકરા કેમ આવે છે?”

હું જ્યારે જ્યારે દર્શકનો વિચાર કરું છું ત્યારે એમણે લોકભારતીમાં હજારો વિદ્યાર્થીઓ તૈયાર કરીને જે અમૂલ્ય સેવા કરી છે તે તો સહજ  યાદ આવે.  છતાં લોકભારતીનો એમનો પ્રયોગ મને પટોમ્પકિન વિલેજની વાત યાદ અપાવે છે. ૧૭૮૭માં ક્રાઇમિયામાં ફરવા નીકળેલાં રશિયાના મહારાણી કેથરીન પર છાપ પાડવા માટે ગ્રેગોરી પટોમ્પકિન નામના રશિયન અધિકારીએ એક આદર્શ ગામ તૈયાર કર્યું અને રાણીને બતાડ્યું કે એમના રાજ્યમાં રશિયામાં કેવી પ્રગતિ થઈ છે અને લોકો કેટલા સુખી છે!

લોકભારતી જાણે કે એમનું આ પટોમ્પ્કિન વિલેજ હતું. ત્યાં પ્રવેશ કરતાં જ બધું સ્વચ્છ અને સુંદર દેખાય. મકાનો લાઈનસર બંધાયેલા, ફૂલોથી લચી પડતા બગીચાઓ, વ્યવસ્થિત રોપાયેલાં વૃક્ષો, ગૌશાળામાં દરેક ગાયનું નામ હોય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વગેરે વિવેક અને શિસ્તથી એક બીજા સાથે વર્તે, બધા સાથે જમે, વાર તહેવારે મિષ્ટાન ફરસાણ પણ હોય, ક્યાં ય તંગી ન વર્તાય! સવારસાંજ પ્રાર્થનાસભામાં બધા સાથે મળે અને ભજનો ગાય, અને આદર્શ જીવન કેમ જીવવું એની ચર્ચા કરે.

આ બધું સાવ સાચું, પણ જેવા લોકભારતીના દરવાજા બહાર નીકળો કે તમને સણોસરામાં દેશનું એનું એ જ ગામડું દેખાય! એ જ ગંદકી, ગરીબી, અને ગેરવ્યવસ્થા. અર્ધા નાગા છોકરાઓ ધૂળમાં રમતા હોય, અને જે નાના છોકરાઓએ નિશાળમાં જઈને કક્કા બારાખડી ભણવું જોઈએ એ વાંકા વળીને દિવસરાત હીરા ઘસતા દેખાય. નોકરીધંધા ઓછા એટલે પુરુષો ઓટલે બેઠા બેઠા બીડીઓ ફૂંકે. છોકરાઓની હીરા ઘસવાની કમાણી પર ઘર ચાલે! જેવું દેશનાં લાખો ગામડાંનું તેવું જ સણોસરાનું. આઝાદીને આજે સિત્તેરથી વધુ વર્ષો થયાં. પણ દુનિયાભરના વધુમાં વધુ અભણ માણસો હજી આપણા દેશમાં છે! દેશની લગભગ 30 ટકા વસતી (૩૦૦ મીલિયન) હજી પણ અભણ છે!

લોકભારતી અને સણોસરા—આ બન્નેની દુનિયા જાણે કે સાવ જુદી જ. એ બે દુનિયા વચ્ચેનો આડાગાડાનો તફાવત. આનો અર્થ એ નથી કે ‘દર્શક’ને આ વિરોધાભાસનું ભાન નહોતું. લોકભારતીની દીવાલની બહારના સણોસરાની એમને ખબર હતી. એ તો આખો દેશ ભમી ચૂકેલા. ગરીબ બિહાર રાજ્યના કંગાળ પ્રાંતોમાં જયપ્રકાશ નારાયણ સાથે ફરેલા અને કામ કરેલું. લોક્ભારતીની દીવાલની બહારની દુનિયાનું જુદી છે એની એમને ખબર હતી. પણ એમનો જવાબ પૂરેપૂરો ગાંધીઅન હતો: મારાથી જે થાય છે તે હું કરું છું. બહારની દુનિયાના ભીષણ અંધકાર સામે હું જો મારો નાનો સરખો પણ દીવો ન પ્રગટાવું તો હું મારી ફરજ ચૂક્યો ગણાઈશ. એટલે જ તો લોકભારતી કરીને અમે એક નાનો દીવો પેટાવ્યો છે.

શબ્દ સંખ્યા 902  

Loading

...102030...1,9581,9591,9601,961...1,9701,9801,990...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved