Opinion Magazine
Number of visits: 9747145
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને ‘સોસાયટી’

દીપક મહેતા|Opinion - Literature|18 May 2021

ઇસ્વિસો અઢારે અડતાલીસની સાલે શુભ,
તારિખ તો છવ્વીસમી ડીસેમ્બર માસની,
મંગળ વાસરે મહા માંગલિક ક્રિયા કીધી,
કિન્લાક સાહેબ તણી કીર્તિના પ્રકાશની.
સ્થાપી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તે,
અધિક વધારનારી વિદ્યાના અભ્યાસની,
દ્વિજ દલપતરામે દિલથી આશિષ દીધી,
આજથી સોસાયટી તું થજે અવિનાશની.

(ઉપરની પંક્તિઓમાં તથા હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

અમદાવાદ બ્રિટિશ હકૂમત નીચે આવ્યું છેક ૧૮૧૮માં. પરિણામે મુંબઈ કે પૂનાની સરખામણીમાં અર્વાચીનતાનો વાયરો અમદાવાદમાં પ્રમાણમાં મોડો વાયો. ૧૮૧૮માં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ હસ્તગત કર્યું ત્યારે તે એક મરવા પડેલું શહેર હતું. ‘અમદાવાદનો ઇતિહાસ’ (૧૮૫૧) પુસ્તકમાં મગનલાલ વખતચંદ નોંધે છે: 'ગાયકવાડ સરસૂબાની વખતમાં અમદાવાદમાં ગમે તેવો શાહુકાર હોએ પણ ધાયાધોયાં લૂગડાં તથા મોહોટા પહનાના જાડાં થેપાડાં તેહેનાથી પહેરાતાં નહિ પણ ઢેંચણ સમું પોતીયું, તેહેના ઉપર બાસ્તાનો જાંમો ને માથે છીંટની વગર તોરાની પાઘડી પેહેરાતી. ને કદી કોઈ એથી લગીર સારાં લૂગડાં પહેરે તો સરસુબાના રાખેલા ચાડીઆ ચાડી ખાએ એટલે તે માણસને બોલાવી તેહેને કેહે કે ‘તમારી પાસે પુંજી ઘણી છે માટે પાંચ-દશ હજાર સરકારને આપો.’ કદી તે ના કેહે તો તેની છાતીએ પથ્થર મૂકીને લે, તેથી કોઈ ખુલ્લી રીતે ઉઘરાણી કરી શકતું નહિ. ચોરીઓ પણ પ્રમાણમાં પુષ્કળ અને ધોળે દહાડે થતી કેમ કે હાકેમને તેમાંથી ચોથાઈ મળતી, અને ન્યાય પણ એ રીતે છચોક વેચાતો.’ 

૧૮૪૬ના નવેમ્બરમાં એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે ત્યાં નહોતી બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ઝાઝી નિશાળો, નહોતાં ઝાઝાં છાપખાનાં, નહોતી કોઈ સાહિત્યિક કે સાંસ્કૃતિક સંસ્થા. એ વખતે અમદાવાદમાંથી નહોતાં પ્રગટ થતાં પુસ્તકો, અખબારો, કે સામયિકો. અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સીધી રેલવે સેવા પણ છેક ૧૮૬૪માં શરૂ થઈ. એ વખતના ગુજરાતની મનોદશા દર્શાવતો એક પ્રસંગ ‘સ્મરણમુકુર’માં નરસિંહરાવ દિવેટિયાએ આલેખ્યો છે : ‘મ્હારા પિતાની કોર્ટમાં બે કારકૂનો ટપાલની રાહ જોતા બેઠા છે. ટપાલ આવી, દરેકનાં પોતપોતાનાં ‘બુધવારિયાં’ આવ્યાં. (એક જ પત્રની પ્રતો) પાણી પીવાની ઓયડીમાં બંને ઉત્સાહભેર જાય છે, અને એક વાંચે છે અને બીજો પોતાની પ્રત તપાસે છે. અંતે ‘વાહ! શબ્દે શબ્દ બરોબર છે, લગારે ભૂલ્ય નથી. ત્હારી ને મ્હારી નકલ બરોબર છે;’ એમ આશ્ચર્ય તથા માનનો ભાવ દર્શાવતા બંને પાછા જાય છે.’

હા સુરત, ભરૂચ, અમદાવાદ જેવાં કેટલાંક શહેરોમાં બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી રડીખડી નિશાળો હતી ખરી, પણ આ નિશાળોમાં ભણાવતા માસ્તરોને પોતાને જ જે ભણાવતા હતા તેમાં વિશ્વાસ નહોતો. ‘દુર્ગારામ ચરિત્ર’માં મહીપતરામ નીલકંઠ કહે છે: ‘મુંબઈમાં મહેતાજીઓએ ભૂગોળ તથા ખગોળ વિદ્યાઓમાં પ્રવેશ કર્યો હતો, ને ઉપરીના હુકમથી હવે તે બાબતો નિશાળમાં ચલાવી. પુરાણોમાં લખ્યા પ્રમાણે એ વિદ્યાઓ નહિ હોવાથી લોકમાં નિંદા ચાલી. નિત્યાનંદ અને પરમાનંદના સંવાદ રૂપે છપાયેલી એ વિશેની ચોપડી ભણે તે લોકને ગમે નહિ. પ્રાણશંકર છોકરાને કહેતા કે સાહેબ પરીક્ષા લેવા આવે ને પૂછે ત્યારે કહેવું કે પૃથ્વી ગોળ છે, ને ફરે છે. પણ તે તમે માનશો નહિ, કેમ કે પૃથ્વી ગોળ હોય ને ફરે તો આપણાં ઘર પડી જાય. તે પડતાં નથી માટે એ વાત ખોટી છે.’ (રમેશ મ. શુક્લ સંપાદિત મહીપતરામ ગ્રંથાવલી, ખંડ ૧)

ફાર્બસે પોતાની આસપાસ જે જોયું તેનાથી એક વાત તો તેમના મનમાં ઠસી ગઈ : આ સમાજને અર્વાચીનતા તરફ લઈ જવા માટે કામ કરવાની જરૂર છે. શરૂઆત ભલે ગમે તેટલી નાની હોય, પણ શરૂઆત કરવી તો પડશે જ. પણ લોકોની ભાષા – ગુજરાતી – જાણ્યા વગર આ દિશામાં ઝાઝું કામ થઈ શકે નહિ એ હકીકતથી પણ ફાર્બસ સભાન હતા. અમદાવાદમાં ૧૮૪૬માં પહેલવહેલી અંગ્રેજી સ્કૂલ શરૂ થઈ તેમાં ભોગીલાલ પ્રાણવલ્લભદાસ ‘માસ્તર’ તરીકે કામ કરતા હતા. એટલે ફાર્બસે તેમની પાસેથી ગુજરાતી ભાષા શીખવાનું શરૂ કર્યું. ત્યાર પછી અમદાવાદના ઉત્તમરામ, વિજાપુરના એક બારોટ, નડિયાદના કવિ રણછોડ, વગેરેને અજમાવી જોયા, પણ ફાર્બસને એકેથી સંતોષ ન થયો.

ભોળાનાથ સારાભાઈ અમદાવાદની દીવાની અદાલતમાં મુનસફ હતા અને તેમની સાથે ફાર્બસને સારો પરિચય હતો. આથી કોઈ સારું નામ સૂચવવા ફાર્બસે ભોળાનાથભાઈને વિનંતી કરી. અગાઉ દલપતરામ પાસે ભોળાનાથભાઈ પિંગળ ભણ્યા હતા, અને તેમને દલપતરામનો સારો પરિચય હતો. ભોળાનાથભાઈની સૂચનાથી ફાર્બસે વઢવાણથી કવિ દલપતરામને મળવા બોલાવ્યા. ફાર્બસના અવસાન પછી ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની દલપતરામની લાંબી લેખમાળા ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થઈ હતી. તેમાં ફાર્બસ સાથેના પહેલા મેળાપ અંગે તેઓ કહે છે : ‘તેને (ફાર્બસને) અંગ્રેજી કવિતાના ગ્રંથોનો અભ્યાસ હતો, તેથી ગુજરાતી કવિતાના ગ્રંથો ભણવાની મરજી થઈ, ત્યારે અમદાવાદમાંથી તથા વિજાપુરમાંથી બ્રાહ્મણ, ભાટ, વગેરે કેટલાએક કવિઓને બોલાવ્યા, પણ પોતાને કોઈ પસંદ પડ્યો નહિ. પછી રાવસાહેબ ભોળાનાથ સારાભાઈને પૂછ્યાથી તેઓએ મારું નામ બતાવ્યું. તે વખતે હું મારી જન્મભૂમિમાં વઢવાણમાં રહેતો હતો, ત્યાંથી મને તેડવા સારૂ શેઠ પ્રેમાભાઈ હિમાભાઈની મારફતે વઢવાણ મખસુદ માણસ મોકલ્યું. તેથી હું અમદાવાદમાં હાજર થયો … સન ૧૮૪૮ના નવેમ્બર મહિનાની તા. ૧ને રોજ સાહેબની મારે મુલાકાત થઈ, અને મારી બનાવેલી કવિતા સંભળાવી તેથી તે ઘણા ખુશ થયા. અને રૂ. ૨૪૦નું વર્ષ કરીને મને પોતાની પાસે રાખ્યો.’ (દલપત ગ્રંથાવલી, ભાગ ૫)

ગુજરાતનાં ઇતિહાસ, ભાષા, સાહિત્ય, સંસ્કૃતિના વારસાની જાળવણી કરવાનું કામ એકલે હાથે થઇ શકે તેમ નથી એ વાત ફાર્બસને સમજાઈ જતાં તેણે સમાનધર્મી વ્યક્તિઓનો સાથ લઈને એક સંસ્થા ઊભી કરવાનું વિચાર્યું. આવી સંસ્થા પુસ્તકો, સામયિકો, અને વર્તમાન પત્રો પ્રગટ કરી શકે, નિશાળો શરૂ કરી શકે, પુસ્તકાલયો સ્થાપી શકે. આથી કેટલાક અંગ્રેજ અધિકારી મિત્રોની એક સભા તેમણે ૧૮૪૮ના ડિસેમ્બરની ૨૬મી તારીખે બોલાવી. સાધારણ રીતે નાતાલના અરસામાં બ્રિટિશ અફસરો નોકરીમાંથી છુટ્ટી લઇ મોજમજા કરવા ઊપડી જાય. પણ તેને બદલે કેટલાક અંગ્રેજો તે દિવસે ભેગા થયા, અને ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ સ્થાપવાનું ઠરાવ્યું. આ પહેલી બેઠકમાં હાજર રહેનારા બધા અંગ્રેજો જ હતા, એક પણ ‘દેશી’ માણસ તેમાં હાજર નહોતો. પહેલા વરસની ‘કમિટી’માં નીચેના સભ્યોનો સમાવેશ થતો હતો : કેપ્ટન વોલેસ, કેપ્ટન ફૂલજેમ્સ, રેવરન્ડ આર.ઈ. ટીરવીટ, રેવરન્ડ જી. ડબલ્યુ. પેરિટ્સ, એ.કે. ફાર્બસ, અને ઈ.જી. ફોસેટ. તેમાંથી સોસાયટીના પહેલા સેક્રેટરી તરીકે ફાર્બસની નિમણૂક થઈ. 

ત્યાર બાદ આ ‘કમિટી’ની પહેલી બેઠક ૧૮૪૯ના જાન્યુઆરીની ચોથી તારીખે મળી હતી. તેમાં આ સંસ્થાના પેટ્રન બનવા માટે મુંબઈના ગવર્નર લોર્ડ ફોકલેન્ડને વિનંતી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઉપરાંત પુસ્તકાલય, છાપખાનું, ઇનામી નિબંધ-સ્પર્ધા વગેરે અંગે ઠરાવો પસાર થયા હતા. આ બધાં કામો માટે તે જ વખતે ફાળો ઉઘરાવાયો હતો જેમાં ૨,૯૫૦ રૂપિયા ભેગા થયા હતા. આ રકમ કુલ ૨૯ અંગ્રેજોએ એકઠી કરી હતી. હકીકતમાં ૧૮૫૪ સુધી સોસાયટીની ‘કમિટી’માં એક પણ ‘દેશી’ નામ દેખાતું નથી. એ વરસમાં પહેલી વાર ભોગીલાલ પ્રાણવલ્લભદાસનું નામ જોવા મળે છે. એટલે કે, સોસાયટી શરૂ થઈ ત્યારે દલપતરામ તેની સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા. ફાર્બસને ત્યાં નોકરી કરતા હોવાથી તેમના કહેવાથી સોસાયટીનાં નાનાં-મોટાં કામ કરતા હોય એ, અલબત્ત, શક્ય છે. 

સોસાયટીની સ્થાપના થઈ ત્યાં સુધીમાં ફાર્બસ ગુજરાતી ભાષા સહજ રીતે બોલી શકતા થયા હતા. ‘રાસમાળા’ના પહેલા ભાગની ૧૯૨૪માં પ્રગટ થયેલી આવૃત્તિમાં એચ.જી. રોલિંગ્સને ફાર્બસ વિશેનાં સ્મરણો લખ્યાં છે. તેમાં તેમણે કહ્યું છે : ‘ફાર્બસ અસાધારણ શુદ્ધિપૂર્વક અને અસ્ખલિત રીતે ગુજરાતી ભાષા બોલી શકતા હતા. આથી યુરોપિયનો માટે અસાધારણ કહેવાય તેવી સહેલાઈથી તેઓ લોકોનો વિશ્વાસ જીતી શકતા અને સાધારણ રીતે જે માહિતી સહેલાઈથી ન મળી શકે તે મેળવી શકતા.'

પોતે ગુજરાતનો જે ઇતિહાસ લખવા માગે છે તે અંગેની પૂરતી સામગ્રી એકઠી થઈ ગઈ છે એમ ફાર્બસને લાગ્યું. પણ સરકારી નોકરીનું કામકાજ કરતાં કરતાં આવું પુસ્તક લખવાનું મુશ્કેલ છે એ પણ તેઓ જાણતા હતા. આથી નોકરીમાંથી ત્રણ વરસની રજા લઈને સ્વદેશ પાછા જવાનું તેમણે નક્કી કર્યું. દલપતરામની ઇચ્છા સાહેબ સાથે ઇન્ગ્લન્ડ જવાની હતી. પણ એ વખતના જ્ઞાતિઓના વિધિનિષેધોથી ફાર્બસ પૂરેપૂરા વાકેફ હતા એટલે તેમણે દલપતરામને કહ્યું કે ત્યાં પરદેશમાં તમે તમારો ધરમ નહિ સાચવી શકો. રોજેરોજ નળનું પાણી પીવું પડશે. પરિણામે પાછા આવ્યા પછી તમને ન્યાત બહાર મૂકવામાં આવશે. માટે તમે મારી સાથે ન આવશો.

અત્યાર સુધી દલપતરામ ફાર્બસની અંગત નોકરીમાં હતા, અને પોતે સ્વદેશ પાછા જાય તે પછી દલપતરામ નોકરી વગરના થઈ જશે એ વાતનો પણ ફાર્બસને પૂરો ખ્યાલ હતો. આથી તેમણે મહીકાંઠાના પોલિટિકલ એજન્ટની ઓફિસમાં દલપતરામને નોકરી અપાવી. ૧૮૫૩ના ઓક્ટોબરમાં ફાર્બસની અંગત નોકરી છોડી દલપતરામ સરકારી નોકરીમાં જોડાયા. ફાર્બસ અને તેમનાં પત્ની ૧૮૫૪ના માર્ચની ૨૮મી તારીખે મુંબઈથી જહાજમાં સ્વદેશ જવા રવાના થયાં. દલપતરામની મદદથી જે હસ્તપ્રતો અને બીજી સામગ્રી એકઠી કરી હતી તે બધી જ તેઓ પોતાની સાથે લઈ ગયા. આ સામગ્રી અને બીજાં કેટલાંક પુસ્તકોને આધારે તેમણે ‘રાસમાળા’ લખવાની શરૂઆત કરી. એ વખતે દર બે-ત્રણ મહીને ફાર્બસ દલપતરામને કાગળ લખતા. ૧૮૫૬માં ‘રાસમાળા’ પુસ્તક બે ભાગમાં પ્રગટ થયું તે પછી ફાર્બસ અને તેમનાં પત્ની હિન્દુસ્તાન પાછાં આવ્યાં.

દલપતરામનો સોસાયટી સાથેનો ખરેખરો પ્રત્યક્ષ સંબંધ શરૂ થયો તે ફાર્બસનાં સલાહ-સૂચનથી, પણ તેમની ગેરહાજરીમાં. ૧૮૫૪ના સપ્ટેમ્બરની ચોથી તારીખે દલપતરામ સાદરાથી કાવ્યપઠન કરવા અમદાવાદ ગયા હતા. એ વખતે સોસાયટીના સેક્રેટરી ટી.બી. કર્ટિસે સરકારી નોકરી છોડીને સોસાયટીની નોકરી સ્વીકારવાનું સૂચન દલપતરામને કર્યું હતું. પણ દલપતરામે જવાબ આપ્યો કે ‘મહિકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હાઈટલોકસાહેબ સોસાયટીના મેમ્બર છે, તેઓની મારા પર ઘણી મહેરબાની છે તેથી સરકારી ખાતામાં મને મોટે અધિકારે ચડવાની આશા છે. માટે હું ત્યાં રહીને સોસાયટીને મદદ કરતો રહીશ.’ આ જવાબ આપીને તેઓ સાદરા પાછા ગયા.

સોસાયટીની લાયબ્રેરી ચાલુ રાખવામાં જો ‘દેશી’ઓને રસ ન હોય તો તે બંધ કરવી એવી માગણી ૧૮૫૫ના જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં કેટલાક અંગ્રેજ સભ્યોએ કરી. એટલે કર્ટિસે ફાર્બસને કાગળ લખી જણાવ્યું કે અત્યારની મુશ્કેલીમાંથી સોસાયટીને બચાવી શકે એવો એક જ માણસ છે, દલપતરામ. તમે તેને સોસાયટીની નોકરીમાં જોડાવા સમજાવો. એટલે ફાર્બસે પત્ર લખી દલપતરામને સોસાયટીની નોકરી સ્વીકારવા સમજાવ્યા. સાથે એમ પણ લખ્યું કે ‘જો સોસાયટી ભાંગી પડશે તો તમારી આખી ઉંમર સુધીની ફિકર હું રાખીશ.’ એ જ અરસામાં કર્ટિસે પણ પત્ર લખી નોકરીની ઓફર મોકલી. દલપતરામ રાજી થયા, પણ પોલિટિકલ એજન્ટ તેમને છૂટા કરવા તૈયાર નહોતા. તેમણે એ વાત પત્ર લખીને સોસાયટીના સેક્રેટરીને જણાવી. પણ છેવટે તેમણે દલપતરામને નોકરીમાંથી છૂટા કર્યા. પછી દલપતરામે કર્ટિસને પત્ર લખી જણાવ્યું:

‘સ્વદેશનું શુભ ચાહીને આવીશ અમદાવાદ,
સોસાઈટીને સેવવા, બાર-તેર દિન બાદ.’

અને ૧૮૫૫ના જૂનની પહેલી તારીખથી મહીને ૩૦ રૂપિયાના પગારે દલપતરામ સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા. અને તે દિવસથી દલપતરામના જીવનનું જ નહિ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ઇતિહાસનું પણ એક નવું અને સમૃદ્ધ પ્રકરણ શરૂ થયું. 

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિ પ્રકાશ”, ઍપ્રિલ 2021

Loading

ખેડૂત આંદોલન વિશે

લાભુભાઈ ગ. પટેલ|Opinion - Opinion|17 May 2021

સતત ત્રણેક મહિનાઓથી મુખ્યત્વે પંજાબ-હરિયાણાના ખેડૂતો વડે આરંભાયેલું, કેન્દ્ર સકારના કાનૂનો વિરુદ્ધનું આ આંદોલન દેશની પ્રમુખ સાંપ્રત સમસ્યા બની બેઠું છે, સેંકડો ટ્રેકટરો અને ૧૨-૧૫ હજાર ખેડૂતો વડે દિલ્હી આસપાસના માર્ગો માઈલો સુધી જામ કરી દેવાયા હતા, અને હજુએ તેવી ધમકીઓ અપાવી ચાલુ છે. આંદોલનકારીઓ સાથેના સરકારના અગિયાર વાર્તાલાપો નિષ્ફળતાને વર્યા છે. સરકારનું કહેવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોથી ખેડૂતોના હિતરક્ષણ માટે ડૉ. સ્વામીનાથને સૂચવેલી ભલામણો, કે જેના અમલીકરણ માટે તમામ વિરોધપક્ષો પણ સહમત હતા, તેને જ આ કાનૂન દ્વારા અમલરૂપ અપાયું છે. છતાંયે જો કાનૂનોનો કોઈ હિસ્સો ખેડૂતોને પોતાના હિતમાં બાધક જણાતો હોય તો  સરકાર તેને બદલવા તૈયાર છે. પરંતુ આંદોલનકારીઓની એક માત્ર જકકી હઠ ત્રણે કાનૂનોને સંપૂર્ણપણે રદ્દ કરવાની રહી છે. ત્રણે કાનૂનોની જોગવાઈઓ જોતાં તો તે સ્પષ્ટરૂપે નાના-મોટા તમામ ખેડૂતોના હિતની જણાય છે જેનો ઉલ્લેખ કરવા માત્રથી આંદોલનકારીઓ બચી રહ્યા છે, ત્યારે તેમના હેતુ પરત્વે સંશય જાગે છે.

દુનિયા જાણે છે કે જગતાત કહેવાતી ખેડૂત આલમ આજ સુધી આર્થિક અન્યાયનો ભોગ બનતી આવે છે. કાળજાંતૂટ મહેનત છતાં અસહ્ય આર્થિક બોજને પરિણામે તેણે આત્મહત્યા સુધ્ધાં કરવી પડી રહી છે. આ આંદોલન તેમના શોખનું નથી. મહિનાઓથી અગવડભરી સડકો પર જીવન વીતાવવું અતિ કષ્ટકારી છે. બાળકો, ઘરડાં, મહિલાઓ, બીમારો, બધાને સાથે રાખી શિયાળાની કાતિલ ઠંડીમાં, કયારેક વરસી જતા વરસાદમાં, ફુંકાતા પવનમાં ૧૨-૧૫ હજારની સંખ્યાએ ભીંસાતી ભીડમાં રહી ખાવું-પીવું, નહાવું-ધોવું, અને વિના લેટ્રીને કુદરતી હાજતો પાર પાડવી તે કેટલું નર્કાગારની યાદ અપાવે તેવું પશુતુલ્ય જીવન હોય છે! કઠોર હૃદયના માનવીને પણ તેમના પ્રત્યે ગહરી અનુકંપા ઉદ્‌ભવે, તે સહજ છે. પરંતુ આવી સહાનુભૂતિમાં ભળેલી કેટલીક તકસાધુઓની જમાતને યે ઓળખી લેવી જરૂરી છે. બધાનું તપ અતિ આકરું છે. પરંતુ ગલત હેતુપ્રાપ્તિ માટે કરાતી તપશ્ચર્યા યે હેતુને સાચમાં બદલી શકતી નથી.

જ્યારે કોઈ આવાં જનઆંદોલનો થાય છે ત્યારે રાજસત્તા પર આવવાનું એક માત્ર ધ્યેય રાખનારા રાજકીય પક્ષો વગર આમંત્રણે ઘૂસી જાય છે. તેવાઓએ આ આંદોલનની શરૂઆતમાં પ્રજાને પીડનારાં રસ્તા રોકોવાળા ધરણાં, જાહેર મિલકતોને સળગાવવી, પોલીસના વ્યવસ્થાતંત્ર પર હિંસક હુમલાઓ કરવા જેવા વિરોધપક્ષો જ્યારે પણ સત્તા મળી છે ,ત્યારે ય તેમણે ખેડૂત આલમની ભરપૂર ઉપેક્ષા જ કરી છે. આંદોલનકારીઓને જ્યારે આ સમજાયું ત્યારે આંદોલનમાંથી તેમને દૂર કરાયા. છતાં યે તેની અસરથી હજુ આંદોલનમુકત નથી. નહિતર વિરોધપક્ષોએ મોદીને દૂર કરવાનો શીખવાડેલો નારો તેમને બંગાળના ચૂંટણી જંગ પ્રસંગે કોલકાતા ન ખેંચી જાત ! ત્રણે કાનૂનો રદ્દ કરવાની વાત મોદીની સત્તાનો ઈન્કાર છે, જે પેલાએ શીખવાડેલો છે.

જ્યારે આ આંદોલનને ગાંધીબાપુના સત્યાગ્રહો જોડે સરખાવાય છે ત્યારે એ બન્નેની ભૂમિકાઓ વચ્ચેનો તફાવત સમજવો પડે તેમ છે. ગાંધી બાપુની સવિનય કાનૂનભંગની અહિંસક લડત પરદેશી-બ્રિટિશ હકૂમત સામેની હતી. પરદેશીઓના કાનૂનો જનહિતલક્ષી નહીં, અંગ્રજોનો પોતાના હિત તરફી ગુલામીને દ્રઢ કરનારા હતા. તેનો વિરોધ કરવો તે સ્વાતંત્ર્ય વીરોનો ધર્મ હતો. આજે આઝાદ ભારતના કાયદાઓ આમ જનતાએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી વિધાનસભા અને પાર્લામેન્ટ નિશ્ચિત બંધારણીય રીતે ઘડે છે. તેમાંન કશાયે ફેરફાર બંધારણીય રીતો વડે જ થઈ શકે છે. કોઈ પણ કાયદો બદલવા જનમતને તેની તરફેણમાં લાવવો પડે છે અને વિધાનસભા મારફત જ ફેરફાર સંભવી શકે છે. જનહિતના કાયદા યે કોઈના અયોગ્ય અધિકારોને નિયંત્રણમાં લાવતા હોય છે. તેવો વર્ગ તો વિરોધમાં હોવાનો જ . શુ તેવા અહં વર્ગીય આંદોલનને તાબે થવાય? આવાં તોફાની આંદોલનો લોકશાહીનો જ ઈન્કાર છે. એમાંયે જો તે હિંસાનો આશરો લે, તો તે દેશદ્રોહી બને છે.

કેટલાંક વિચારપત્રોએ કાનૂનો માટેની જોગવાઈઓની કરેલી ચર્ચાઓ મારા વાંચવામાં આવી છે. તેમાં મોટે ભાગે છેલ્લાં ચાલીસ વર્ષોથી ખેડૂતોની જે બેહાલી થતી આવી છે, તેનાં જ વર્ણનો કરાયાં છે. અને આ બધું કેમ જાણે આ નવા આવનારા કાનૂનોનો પ્રભાવ હોય તેવું ચિત્ર ઊભું કરાય છે. પણ આ કાનૂનોમાં આજ સુધી કરાયેલા અન્યાયી કારનામામાંથી છૂટવાના ઉપાય છે, તે જોવાનું ઈરાદાપૂર્વક ટળાય છે. કાલ્પનિક કુર્તકો વડે આ કાનૂનોથી ખેડૂતોને કઈ રીતે નુકસાન પહોંચી શકે, તેનાં કપોળકલ્પિત વર્ણનો કરાય છે. આજ સુધીના કાનૂનોએ તેવું કર્યું હશે, આ કાનૂનો તેવા નથી. પણ દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકીને પીએ છે. કેવા કેવા કુતર્કો લડાવાય છે, તેમાં એક દાખલો આપું.

ખેત ઉત્પાદનોની ખરીદીનાં સ્પર્ધાયુક્ત ક્ષેત્રો વધે તેમાં ખેડૂતોનું હિત છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં જ પોતાનો માલ વેચવો પડે, તો તેમાં છેતરાવાની સંભાવના વધુ છે. ક્યાં, કોને વેચવો તેની આઝાદી આ કાનૂનો આપે છે. તે સામે કહેવાય છે કે ખરીદી ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટરો (ખાસ તો અંબાણી-અદાણીના નામે ભડકાવાય) ઊંચા દામ આપી સંગ્રહખોરી કરશે. (આમાં જ ખેડૂતોનું હિત ન દેખાયું? પછી કેમ માની લીધું કે નવા વર્ષે નવો પાક બજારમાં નહીં આવે?) અને દુષ્કાળને કારણે માલની તંગી ઊભી થશે ત્યારે આ પ્રાઇવેટ સેક્ટરો બહુ ઊંચા દામ વસુલશે! હું નથી માનતો કે સંભવિત દુષ્કાળની રાહે સંગ્રહખોરો પોતાનો માલ બગડી જાય તે હદે સંગ્રહીને દેવાળું કાઢવાની મુર્ખાઈ કરે તેવા હશે. વળી સ્પર્ધાત્મક ખરીદીનું વિશાળ ક્ષેત્ર ખેડૂતોને વધુ ભાવ અપાવે છે એટલું જ નહીં, કોઈનીએ પ્રાઈવેટ મોનોપોલીને નિયંત્રણમાં રાખે છે. અંબાણી-અદાણીનીયે!

એક તર્ક કરાય છેઃ પ્રાઇવેટ સેક્ટરોની ખરીદીને સમાપ્ત કરી ખેતપેદાશની તમામ ચીજો સરકાર મેક્સિમમ મૂલ્ય આપીને ખરીદી લે. ધનકુબેરેય ન કરી શકે તેવું કામ કરવાનો પડકાર કરાયો છે, કારણ કે તેમણે સરકારને ભીંસમાં લેવી છે. છતાં ય માનો કે સરકાર વરસોવરસ ઓછામાં ઓછા ત્રીસ ત્રીસ લાખ કરોડ ચૂકવીને બધો માલ ખરીદી લે, તો તે માલની શી દશા થાય, તે કહ્યું છે? આનાથી મોટું એકાધિકારવાદી મોનોપોલીનું બીજું કોઈ દૂષણ કલ્પી શકાય છે? સરકારી અમલદારોના ભ્રષ્ટાચારી તંત્રને કેમ ભૂલી જવાય છે? સરકારી તંત્રથી જેટલા આઘા, તેટલા સલામત છીએ. અણીના સમયે સંબંધિત નોકરો મહિનાની હડતાળ પર ઊતરી જાય તો તેનું કોણ શું બગાડી લેવાનું છે? કેન્દ્રિત બજારુ અર્થવ્યવસ્થામાં ઉછરેલાઓની સામે ગામડાંઓની વિકેન્દ્રિત સ્વાવલંબી અર્થવ્યવસ્થાની વાત મારે કેમ માંડવી? સરકારને ય તે સમજાતી નથી. દુનિયાભરના દેશોએ તેના પર આવવું પડવાનું!

નવા કાનૂન પ્રમાણે કોન્ટ્રેક્ટ ખેતીમાં વધુ લાભ દેખાય તો જ ખેડૂતોએ સ્વેચ્છાએ જોડાવાનું હોય છે. અને લાભ ન દેખાય તો થયેલા કોન્ટ્રાક્ટ રદ્દ કરવાનો ખેડૂતોને અધિકાર છે. કોન્ટ્રાક્ટરે ખેત ઉત્પાદનના વધુ ભાવ મેળવ્યા હોય તો તેનો બે હિસ્સો ખેડૂતોએ નિશ્ચિત અવધિમાં ચૂકવી દેવો પડશે. જમીનના માલિકી હક્ક પરત્વે કોન્ટ્રાક્ટરની દખલઅંદાજી બંધ થાય છે. આ બધી કોન્ટ્રાક્ટરોને ગમતી વાત નથી. અને માર્કેટ યાર્ડના દલાલોને ગમતી વાત નથી કે ખેડૂતોને પોતાનો માલ યાર્ડમાં જ વેચવા બાધ્ય થવું પડે! આ કાનૂનોએ દલાલો અને કોન્ટ્રાક્ટરોની ઊંઘ ઉડાડી દીધી છે. પણ તેણે કાનૂનોનો વિરોધ કરવા જગતાત – ખેડૂતોનું મહોરું પહેરવું પડી રહ્યું છે!

આવા કુતર્કોનો પાર નથી. કહેવાય છે, આવા કાનૂનોનો અધિકાર કેન્દ્રને નથી. આ રાજ્યોનું અધિકાર ક્ષેત્ર છે. પરંતુ રાજ્ય પોતાની ફરજો ભૂલે તો તે પળાવવાની ફરજ કેન્દ્રની છે. કેન્દ્ર સરકાર આમાં બંધારણ વિરુદ્ધ નથી ચાલી.

બન્ને વચ્ચેના વિવાદ સમયે સ્થાનિક ન્યાય સમિતિની જોગવાઈ ખેડૂત તરફે ઢળે છે. તેમાંથી અતિ વિલંબી ન્યાયતંત્રના અન્યાયથી ખેડૂત બચી જાય છે. આવા બીજા વધુ કુતર્કોની ચર્ચા વાચકોને ત્રાસરૂપે ન બને તેથી અટકું છું.                                                     

(માર્ચ ૨૦૨૧)

મુ. પો. માલપરા, વાયા ઢસા, જિ. બોટાદ-૩૬૪ ૭૩૦.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 12-13

Loading

વડોદરા, ચોથા શનિવારની સાંજે

અજય પાઠક|Opinion - Opinion|17 May 2021

વડોદરા આપણી સંસ્કારી નગરી છે. અમે ભાવનગરવાસીઓ આ સંસ્કારનગરીને ભાવસિંહજી મહારાજના સમયથી પ્રશંસાભરી નજરે જોવાને ટેવાયેલાં છીએ. તેથી વડોદરામાં આકાર લેતી તેમ વિકસતી આવતી સંસ્કાર, સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓની નોંધ લેવી ગમે જ ગમે. વળી અહીં જે પ્રવૃત્તિની વાત કરવી છે તેનાં નક્કર પરિણામો હાથવગાં થયાં છે. તેથી આખી વાતને ‘સુવર્ણરેખ સમી પ્રવૃત્તિ અને પ્રાપ્તિ’ શબ્દોથી વધાવીએ છીએ.

વાત છે ‘ચોથા શનિવારની સાંજે ….’ શીર્ષકથી પ્રગટ થયેલ ચાર ગ્રન્થોની. “સાહિત્યસૃષ્ટિ”ના વાર્તાલાપોના સંગ્રહો ગુજરાત પુસ્તકાલય મંડળ લિ.એ પ્રકાશિત કરેલ આ પુસ્તકોનું સંપાદન-સંયોજન સંભાળ્યું છે અવિનાશ મણિયારે. આ સહકારી સંસ્થા લગભગ ૯૬ વર્ષથી કાર્યરત છે.  શતાબ્દી વર્ષ તરફ મીટ છે. મહામહોપાધ્યાય કે.કા. શાસ્ત્રીના સાંનિધ્યમાં યોજાયેલ ગુજરાત પુસ્તકાલયના હીરક મહોત્સવને યાદગાર બનાવવા ઉપક્રમ રચાયો હતો. સાહિત્ય ઉપરાંત જીવનોત્કર્ષના અન્ય વિષયોને પણ સાંભળવાની, વાંચવાની, વિચારવાની, વાતો કરવાની તક રહે એવા દૃષ્ટિકોણથી અનૌપચારિક શ્રોતામંડળની રચનાનો વિચાર સંસ્થાના તે વખતના અધ્યક્ષ અંબુભાઈ ડી. પટેલે રજૂ કર્યો હતો. તેમણે ‘સાહિત્યસૃષ્ટિ’ એવું નામ આપ્યું હતું. તેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે વિભિન્ન વિષયો પર જાહેર વાર્તાલાપ યોજાતા રહે તે ઈચ્છનીય છે. તે મુજબ વાર્તાલાપો યોજાવા લાગ્યા. રસ ધરાવનાર સૌ કોઈને આવકાર. કશી ફી રાખવી કે સભ્યપદ નોંધવું વગેરે વહીવટથી સંપૂર્ણ મુક્ત એવી આ ગોષ્ઠી કાળક્રમે સરસ વિક્સી. સાહિત્ય તથા જીવનલક્ષી વિષયોમાં રુચિ ધરાવનાર શ્રોતા-વક્તા સૌએ પ્રવૃત્તિને પોતીકી ગણી. નિયમિતતા સ્થાપિત થઈ. દર ચોથા શનિવારની સાંજે નિયમિત મળવાનું ગોઠવાયું ને સૌએ હોંશથી આવકાર્યું, ગુજરાત પુસ્તકાલય મંડળ સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા ખાતેનો વ્યાખ્યાન હૉલ સૌને અનુકૂળ આવતાં એક સ્થિર પ્રવૃત્તિનું કેન્દ્ર અહીં વિકસ્યું.

ઈ.સ. ૨૦૧૫માં આ વાર્તાલાપો પૈકી ૩૮ વાર્તાલાપોનું એક પુસ્તક થયું, “ચોથા શનિવારની સાંજે …!” સંપાદક અવિનાશ મણિયાર. પ્રવૃત્તિના આરંભથી ૨૦૧૫ સુધીમાં લગભગ ૨૦૦થી વધુ વાર્તાલાપો યોજાયા જેમાંથી કેટલાકનું ચયન કરીને પહેલા પુસ્તકમાં મૂકવામાં આવેલ છે. આ વાર્તાલાપોના વિષયોમાં સાહિત્ય ઉપરાંત અન્ય કલાઓ, ભારતીય શાસ્ત્રો, પત્રકારત્વ, પર્યાવરણ, પ્રેરણાદાયી ચરિત્રો, જ્યોતિષ, નાટક, સિનેમા, જીવનસાફલ્ય, પુસ્તકાલય, શિક્ષણ, કાનૂન વગેરે વિષયો આવરી લેવાયા છે.

એ નોંધવું જરૂર ગમે કે શ્રેણીનો પ્રથમ વાર્તાલાપ લેખક-પત્રકાર નવીનભાઈ ચૌહાણે આપ્યો હતો. ૧૦૧મો વાર્તાલાપ, મ.સ. યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ. મનોજભાઈ સોનીએ આપ્યો હતો. ૧૫૦મો વાર્તાલાપ રાજ્યના પૂર્વ શિક્ષણ સચિવ કુલીનચંદ્ર યાજ્ઞિકે આપેલો. ૨૦૦મો વાર્તાલાપ ‘ગ્રંથગોષ્ઠી’ સંસ્થાના સંયોજક શ્વેતા જોષીએ આપ્યો હતો. આમ વિષયવૈવિધ્ય તથા વક્તાઓની યાદી જોઈને હૈયું હરખાય તેવી ઘટના છે.

વડોદરા શહેરની વ્યક્તિ પ્રતિભાઓ, તજ્‌જ્ઞો તથા વિવિધ ક્ષેત્રે કાર્યરત બૌદ્ધિકોનાં વક્તવ્યો નિયમિત રીતે યોજાતાં રહ્યાં, યોજાય છે. પ્રસંગોપાત સમગ્ર ગુજરાતમાંથી કોઈ પ્રતિભાનું વક્તવ્ય યોજાય છે. મુખ્યત્વે સિનિયર સિટિઝન્સનો શ્રોતાસમૂહ આ વક્તવ્યોને માણે છે. પ્રવૃત્તિ તરીકે વડોદરા શહેરની સાંસ્કૃતિક આબોહવાની પરિચાયક બની રહી છે. આ પ્રવૃત્તિનો પરિચય સમગ્ર ગુજરાતને મળી શકે તેવી ઘટના બની તે ‘ચોથા શનિવારની સાંજે ભાગ-૧’નું ડિસેમ્બર, ૨૦૧૫માં થયેલું પુસ્તક પ્રકાશન. પ્રથમ મુખપૃષ્ઠ પર સભાખંડમાં શ્રવણમગ્ન શ્રોતા સમૂહની છબિ મૂકાઈ છે જ્યારે ચોથા મુખપૃષ્ઠ પર ૩૪ વક્તાઓના પાસપોર્ટ ફોટાને વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકવામાં આવ્યા છે. કુલ ૨૨૪ પૃષ્ઠ પૈકી ૨૨૦ પૃષ્ઠોમાં ૩૮ વક્તવ્યો મૂકાયાં છે. વક્તવ્યો યોજવાં, યોગ્ય વક્તાઓ મેળવવા, રસપ્રદ વિષયો પસંદ કરવા, રજૂઆત પામેલ વક્તવ્યના મુદ્રિત સ્વરૂપને મેળવીને, યોગ્ય ચયન કરીને પુસ્તક આકારે સમાજ પાસે પ્રસાદીરૂપમાં ધરવું; આ સૌ મહેનત તથા ચીવટ માગી લેનારું કામ છે. સંયોજક તેમ સંપાદકની ભૂમિકામાં કાર્યરત અવિનાશ મણિયાર આ મુદ્દે એક સન્નિષ્ઠ આયોજકની છાપ મૂકી જાય છે. હરિશ્ચંદ્ર જોશી તથા વિનોદ જોશીએ મહુવા ખાતે વાર્ષિક ધોરણે “અસ્મિતા પર્વ” તથા ‘સંસ્કૃત પર્વ’નાં આયોજનો દ્વારા સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આવી પ્રવૃત્તિનું હાર્દ પ્રગટતું જોવા મળે તે તમામ આયોજનો ધ્યાનાર્હ ગણાય. તેથી ભાઈશ્રી અવિનાશ મણિયારના આ સાત્ત્વિક પુરુષાર્થને હું હૃદયપૂર્વક આવકારું છું.

વક્તાઓ  પૈકી કેટલાંક નામોનો ઉલ્લેખ  કરું. સિતાંશુ યશ્ચંદ્ર, દેવદત્ત જોશી, ગુણવંત શાહ, સતીશ ડણાક, વિરંચી ત્રિવેદી, મોહન બારોટ, અંજનીબહેન મહેતા, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, ખલીલ ધનતેજવી, પ્રવીણ દરજી, સુધાબહેન પંડ્યા, યજ્ઞેશ દવે, હરીશ વટાવવાળા વગેરે. આ સૌ જાણીતાં સાહિત્યકારો છે. સાહિત્ય વિષયક તેમનાં વક્તવ્યો રસપ્રદ એવં માહિતીપૂર્ણ હોય તે સ્વાભાવિક છે. આપણે ત્યાં સાહિત્ય વિષયક વાર્તાલાપો ઘણાં શહેરોમાં તથા તાલુકાકક્ષાએ પ્રસંગોપાત યોજાતા રહેતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, અન્ય નાની મોટી શિક્ષણ સંસ્થાઓ, સાહિત્યિક વર્તુળો તેમ સિનિયર સિટિઝન્સ મંડળો આવી પ્રવૃત્તિને સંકોરવાનું કાર્ય કરે છે. ક્યારેક પુસ્તકાલયોમાં પણ આવી પ્રવૃત્તિ આકાર લેતી હોય છે. શબ્દની જ્યોત ઝળહળતી રહે છે.

અહીં નોંધપાત્ર મુદ્દો એ છે કે સાહિત્ય ઉપરાંત જીવન વિષયક અન્ય ઉપયોગી એવં માહિતીપ્રદ વિષયો પર વાર્તાલાપો પ્રસ્તુત થતા રહ્યા છે. કેટલાક વિષયોનો ઉલ્લેખ કરુંઃ શૂન્યનું સર્જન, વૈદિક સંસ્કૃતિ, ન્યાયના મંદિરે, આજના સમયમાં ગ્રાહક સુરક્ષા, ખેલકૂદમાં ગુજરાતનું સ્થાન, કાર્યની કુશળતા-મનની એકાગ્રતા, સંબંધોનો સંસાર, પગ વગરના માટે પગ, વૃક્ષદેવતાના સાંનિધ્યમાં, વિશ્વાસનું વહાણ અને શ્રદ્ધાનું સુકાન, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાઓની ખામી ભરેલી કાર્યપદ્ધતિ, ભારતીય સ્વરાજ દૃષ્ટિ, શાંતિની શોધમાં, વગેરે. એક જ પુસ્તકમાં વિવિધ વિષયોના જાણકારોના અભ્યાસપૂર્ણ તથા રસપ્રદ લેખો / વક્તવ્યો ઉપલબ્ધ બને છે. તે ઘટના ખરે જ નોંધપાત્ર છે. સુવર્ણરેખ સમી પ્રવૃત્તિની નગદ-નોંધ સમી પ્રાપ્તિ ગણાય. સમગ્ર ગુજરાત આથી લાભાન્વિત બને છે તેનો આનંદ છે. પ્રત્યેક પુસ્તકાલય કે શિક્ષણ સંસ્થામાં દર શનિવારે આ પુસ્તકમાંથી એક લેખનું પઠન કરવાનો ઉપક્રમ ગોઠવાય તો આ અનુકરણીય પ્રવૃત્તિનો સંદેશ સરસ રીતે ઝિલાયો ગણાય. સૂચનના રૂપમાં આ વાત એટલા માટે મૂકી કે આવાં આયોજનો કરવા માટે જે અનેક સુવિધાઓ જોઈએ તે મહદંશે દુર્લભ હોય છે.

આટલી વાત ‘ચોથા શનિવારની સાંજે … ભાગ-૧’ નિમિત્તે કર્યા પછી અત્યંત આનંદપૂર્વક જણાવવાનું કે આ શ્રેણી અંતર્ગત ૨૦૧૬-મે માસમાં ભાગ-૨નું પ્રકાશન થયું. તેમાં કુલ પૃષ્ઠ ૩૦૪ તથા કુલ વાર્તાલાપ – ૫૨. ત્યારબાદ એપ્રિલ-૨૦૧૮માં વાત વિસ્તરતાં ભાગ-૩નું પ્રકાશન થયું. તેમાં કુલ પૃષ્ઠ-૧૯૨ અને વાર્તાલાપની સંખ્યા-૨૬ રહ્યાં પછીથી સપ્ટેમ્બર-૨૦૨૦માં ‘ચોથા શનિવારની સાંજે … ભાગ-૪’નું પ્રકાશન થયું. તેમાં કુલ પૃષ્ઠ-૨૦૮ અને વક્તવ્યો ૨૪ છે. ભાગ-૪ના ૪થા મુખપૃષ્ઠ પર વિરંચી ત્રિવેદીના અભિપ્રાયને રજૂ કરતું અવતરણ મૂકવામાં આવ્યું છે તે અત્રે ટાંકું છું : ‘ચોથા શનિવારની સાંજે’ને સમગ્રતઃ અવલોકતાં, અનેકવિધ પાસાંઓના ઉત્તમ સંકલનમાં જાણે આયનામાં આકાશને ઉતારતો હોય એવી પ્રતીતિ કરાવતો હોવાથી ગ્રંથવિશેષનું ગૌરવ પ્રાપ્ત કરે છે.

એક ઉલ્લેખ આનંદપૂર્વક કરું. ભાગ-૧માં દેવદત્ત જોશીનું વક્તવ્ય ‘ગુજરાતમાં સમકાલીન-રામાયણ પરંપરા’ પર વાંચવા મળે છે. ભાગ-૪માં શ્રુતિ ત્રિવેદીનું વક્તવ્ય ‘સ્ત્રી-પુરુષ સંબંધો’ પર વાંચવા મળે છે. ત્રણ દાયકા જેટલો સમય આ ‘સાહિત્યસૃષ્ટિ’ના વાર્તાલાપ આયોજન પ્રવૃત્તિને થયો. એક જ પ્રવૃત્તિમાં પિતા-પુત્રીનું કાળક્રમે થયેલું યોગદાન ખાસ ધ્યાન ખેંચે છે. તમે શ્રુતિ ત્રિવેદી અને / અથવા દેવદત્ત જોષીને સાંભળ્યાં છે? મેં બંનેને ઈ.સ. ૧૯૭૭માં બિલિમોરા ખાતે સાંભળ્યાં છે. ત્યારે ટીનેજમાં પ્રવેશતી શ્રુતિ વક્તૃત્વકલામાં માહેર હતી. આજે આવા બોલ્ડ વિષયને ન્યાય આપી શકે છે. પ્રવૃત્તિને ધન્યવાદ.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 14-15

Loading

...102030...1,9551,9561,9571,958...1,9701,9801,990...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved