Opinion Magazine
Number of visits: 9747038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારની કામ કરવાની રીત : થોડી હકીકત, જ્યાદા ફસાના

રમેશ ઓઝા|Opinion - Opinion|10 June 2021

ગયા વરસે ગાલ્વાનની ઘટનાને હાથ ધરવામાં કરેલા છબરડા પછી અને ચીન સામે નાક કપાયા પછી આબરૂ બચાવવા કેન્દ્ર સરકારે (વડા પ્રધાને વાંચો) કોરોનાપ્રતિકારક રસી તરફ નજર દોડાવી હતી. જો એમાં સફળતા મળી હોત તો વડા પ્રધાન ઊંચક્યા ઉંચકાતા ન હોત. દેશમાં અને વિદેશમાં તેમનો જયજયકાર થયો હોત. જગતની વસ્તીના દર પાંચમાં માણસને એક વરસમાં રસી આપી દેવી એ કોઈ જેવીતેવી સિદ્ધિ ન ગણાત. તેમના દુશ્મનોએ પણ એની કબૂલાત કરવી પડત. આ ઉપરાંત ભારતના પાડોશી દેશોને અને જગતના ગરીબ પછાત દેશોને પણ મદદ કરવાના મનોરથ હતા કે જેથી ભારતની અને વડા પ્રધાનની પ્રતિષ્ઠા વધત. અંગ્રેજીમાં કહીએ તો એ માસ્ટર સ્ટ્રોક હતો.

પાછો આ એક એવો મનોરથ હતો જે સાકાર કરવો મુશ્કેલ નહોતો. આગલી સરકારોની મહેરબાનીથી ભારત વૈજ્ઞાનિક સંશોધન અને વિજ્ઞાનસંસ્થાઓની બાબતે નસીબદાર છે. ગાય-ગોબર અને ગોમૂત્રની આરાધના કરવામાં તેમણે આયખું નહોતું વિતાવ્યું. વિજ્ઞાન અને સંશોધનની બાબતે ભારત અને ભારતીયો આગળ છે એ વાતની જગત કદર કરે છે અને વિદેશમાં ભારતીય ‘બ્રેઈની’ તરીકે ઓળખાય છે. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારત સરકારે બે જ કામ કરવાનાં હતાં. ભારતની બે આરોગ્ય-સંશોધન સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ભારતમાં જે જે ખાનગી કે સરકારી કંપની/સંસ્થા રસીનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે તેને આપવાની હતી. એ જ રીતે ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને હમણાં કહી એવી સંસ્થાઓને આપી દેવાની હતી. આ ઉપરાંત ફાયઝર, જહોન્સન એન્ડ જહોન્સન જેવી ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેમ જ વિદેશી સરકારી સંસ્થાઓએ વિકસાવેલી રસીની ફોર્મ્યુલા ખરીદીને વહેંચી આપવાની હતી. ઝાઝા હાથ રળિયામણા.

બીજો ઉપાય એ હતો કે ભારત સરકાર ગયા વરસે જ ૫૦ કરોડ રસીનો ઓર્ડર (સબ્જેક્ટ ટુ એપ્રુવલ એટલે કે રસી ક્લિનીકલ ટ્રાયલમાં પાસ થાય અને જે તે દેશની માન્યતા આપનારી ડ્રગ્સ કન્ટ્રોલર સંસ્થા માન્યતા આપે તો જ) જે તે સંસ્થા/કંપનીઓને આપી શકી હોત. અમેરિકા અને પશ્ચિમ યુરોપના અને બીજા વિશ્વના અનેક દેશોએ આ રીતે પોતપોતાની જરૂરિયાત મુજબ ઓર્ડર આપી દીધા હતા.

આમ બધું બહુ જ સહેલું હતું. અમર થવું જરા ય મુશ્કેલ નહોતું. તમે જગતમાં એવો કોઈ દેશ જોયો જે રસી માટે વલખાં મારતો હોય અને પોતાના વિદેશ પ્રધાનને રસી માટે યાચના કરવા અમેરિકા મોકલવો પડ્યો હોય? ગરીબ દેશ પણ નહીં જડે. કારણ કે દરેકે પોતાની ઔકાદ મુજબ રસીની વ્યવસ્થા કરી લીધી હતી. કોઈકે વિકસાવી, કોઈકે લાયસન્સ ખરીદીને ઉત્પાદનમાં ભાગીદારીની વ્યવસ્થા કરી, કોઈકે ખરીદી અને કોઈકે આંતરરાષ્ટ્રીય વૈદકીય સમજૂતીની જોગવાઈનો ઉપયોગ કરીને સહાય તરીકે મફતમાં મેળવી. માત્ર ભારત જ આવી શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયું અને ચીન સામે નાક બચાવવા જતાં ઘર આંગણે અને જગતમાં નાક કપાવ્યું. આવું કેમ બન્યું? દેખીતી રીતે લાભનો સોદો નુકસાનમાં કેમ ફેરવાઈ ગયો?

કારણ કે આ એક તાળી-થાળી જેવો ખેલ હતો. એવું એક મનભાવન વિશ્વ (નેરેટિવ) રચવાનું જેમાં રાજ કપૂરના ‘જોકર’ ફિલ્મના ગીતમાં કહ્યું છે એમ થોડી હકીકત, જ્યાદા ફસાના હોય. લોકોને એમ લાગવું જોઈએ કે કાંઈક અનોખું અને અપૂર્વ બની રહ્યું છે. એ બનશે ત્યારે ભારત સામે કોઈ આંખ પરોવીને વાત કરવાની હિંમત નહીં કરી શકે. ‘કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને બતાવી આપ્યું છે.’ ‘ભારત વિશ્વને કરોનામુક્ત કરવામાં પહેલી હરોળનો દેશ છે.’ ‘ભારત વર્લ્ડ ફાર્મસી છે.’ આવાં નિવેદનો કરવા માટે ખરેખર ૫૬ ઇંચની છાતી જોઈએ અને આપણા વડા પ્રધાન એવી છાતી ધરાવે છે. બીજું, મોટી સંખ્યામાં કઢીચટાઓ ઘાસના એક તણખલાને લીલા ઘાસના પૂળા તરીકે રજૂ કરતા હોય ત્યારે ઘેટાંની ચિંતા શા માટે કરવાની! એ ક્યાં નાસી જવાના છે. જે તૈયારી હતી એ ખેલ માટેની હતી, બોલ્યું પાળવા માટેની નહોતી. નોટબંધી પણ આવો જ એક ખેલ હતો. અધકચરો જી.એસ.ટી. પણ આવો જ એક ખેલ હતો. પાંચ ટ્રિલિયન ડોલર ઈકોનોમી પણ આવો જ એક ખેલ હતો. કાચા-અધૂરા પાયા ઉપર મનભાવન મહેલ બાંધવાનો અને મહેલ બંધાઈ ચુક્યો છે એવી જાહેરાત કરીને ઉત્સવો કરવાના. આગળનું કામ કઢીચટાઓ સંભાળી લેશે.

એક બીજો પણ વહેમ આવે છે. શા માટે ભારત સરકારે વિકસાવેલી રસીનું ઉત્પાદન કરવાનો ઈજારો ભારત બાયોટેક નામની એક જ કંપનીને આપવામાં આવ્યો? પાછી આ કંપની બહોળા ઉત્પાદનની ક્ષમતા પણ નથી ધરાવતી! શા માટે બીજા રસી ઉત્પાદકોને ભારતમાં પ્રવેશ આપવામાં ન આવ્યો? શા માટે એક માત્ર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઉપર મદાર રાખવામાં આવ્યો? કોઈ ડાહ્યા માણસને હાથમાં કેલ્ક્યુલેટર આપીને બાજુમાં બેસાડ્યો હોત તો એણે ગણતરી માંડીને કહ્યું હોત કે ભારતને રસીના કેટલા અબજ ડોઝની જરૂર પડશે અને કઈ કંપનીની ઉત્પાદનની કેટલી તાકાત છે. શા માટે દેશે વિકસાવેલી રસીની ફોર્મ્યુલા એક ખાનગી કંપનીને આપવામાં આવી અને એ પણ ઈજારાશાહી સાથે. જરૂર વહેમ આવે એવી વાત છે.

પ્રચંડ આત્મવિશ્વાસ સાથે નવનિર્માણનો લલકાર કરવાનો પણ તૈયારી બિલકુલ નહીં કરવાની એનું આ પરિણામ છે. નોટબંધી વખતે પણ આવું જ થયું હતું. નોટબંધી વખતે કાળું નાણું તો ઠીક, નકલી નાણું પણ અસલી થઈ ગયું અને એમાં ખાનગી બેંકો અગ્રેસર હતી. તમને ખબર છે? ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે નોટબંધીને કારણે ભારતનું અર્થતંત્ર ખાડે જશે એમ કહ્યું ત્યારે સરકારે અને તેના કઢીચટાઓએ તેમને જવાબ તો નહોતો આપ્યો, ગાળો આપી હતી. આ વખતે ડૉ. મનમોહન સિંહે જ્યારે સરકારને સલાહ આપી કે ભારતની વસ્તીનું પ્રમાણ જોતા માત્ર બે કંપની રસી આપવામાં પહોંચી નહીં વળી શકે અને રસી બનાવનારા એકથી વધુ સંસ્થા / કંપનીઓને પ્રવેશ આપવો જોઈએ ત્યારે ભારતના આરોગ્ય પ્રધાને બદતમીઝીપૂર્વક ડૉ. મનમોહન સિંહને જવાબ આપ્યો હતો. આજે હવે સરકારે એ જ કરવું પડે છે જે ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું. સર્વોચ્ચ અદાલતે પણ આકરી ટીકા કરી છે.

તો વાતનો સાર એ છે કે કામ ભલે નાનું કરીએ, પણ નક્કર કરવું જોઈએ. સાત વરસમાં આઠ વખત રડવાનું બન્યું એનું કારણ કાચા પાયા ઉપર અધૂરા મહેલની રચના છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 10 જૂન 2021

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|10 June 2021

આપણી વચ્ચે સમાંતર શું છે ?
દગ દિશા ને આ દિશાંતર શું છે?

માર્ગ સઘળા ઊમટ્યાં મારામાં,
પગરખાંનું આ સ્થળાંતર શું છે?

આપણે ટક ટક ટકોરા દેશું,
એ જ છે વિસ્મય અવાંતર શું છે?

મેં કહ્યું ને તેં વખોડ્યું એમાં,
મતથી ભારેખમ મતાંતર શું છે?

લ્યો બરફ થઈ ઓગળ્યું ‘નિર્મન’,
પાણીનું બીજું રૂપાંતર શું છે?

09.06.2021

—

e.mail : daveparesh1959@gmail.com

Loading

રે’શું અમેય ગુમાનમાં, હરિ સંગ નહીં બોલીએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|10 June 2021

હૈયાને દરબાર

મીરાં કાવ્યો કે મીરાં ગીતો એ સાહિત્યનો એક આખો વિષય થઈ શકે એટલી સમૃદ્ધિ મીરાંના વ્યક્તિત્વમાં અને એમનાં પદો, ભક્તિગીતો તથા એમના વિશે લખાયેલાં ગીતોમાં છે. ભગવાન કૃષ્ણ જેમ ઘણી વાર આપણા વિચારોમાં આપોઆપ પ્રગટે એમ રાધા-કૃષ્ણ ને મીરાંનાં ગીતો ય અનાયાસે યાદ આવી જાય. રમેશ પારેખની આવી જ એક રચના યાદ આવી અને સાથે સ્મરણ થયું એ ગીતની ગાયિકા જાહ્નવી શ્રીમાંકરનું. ‘રે’શું અમે ય ગુમાનમાં …’ ગીત મીરાંની ખુમારીનું ગીત છે. રમેશ પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે સંગીતકાર સુરેશ જોશીએ.

આ ગીતના સર્જન વિશે સુરેશ જોશી કહે છે, ‘તમે નહીં માનો, પણ આ ગીત મારી ટીનેજમાં મેં કમ્પોઝ કર્યું હતું. એ વખતે કદાચ ગીતના શબ્દો પૂરા સમજાયા નહીં હોય અને રાગદારીની સમજ પણ કેળવાઈ નહીં હોય છતાં ગીત બની ગયું. એ માલકૌંસ અને ચંદ્રકૌંસ રાગના સંયોજનમાં બન્યું એ તો પછી ખબર પડી. પાંચ-છ વર્ષ પહેલાં જાહ્નવી શ્રીમાંકરે મ્યુઝિક આલબમ માટે આ ગીત ગાયું હતું. થોડા વખત પહેલાં મેં આ જ ગીત ફરીથી રાગ દરબારીમાં પણ સ્વરબદ્ધ કર્યું છે. ગીતનો ભાવાર્થ ખૂબ સરસ છે. શરૂઆતમાં તો મીરાંનાં ગુમાન અને રિસામણાની વાત લાગે પણ છેલ્લી પંક્તિઓમાં વાત બદલાઈ જાય છે. મીરાં અંતમાં કહે છે કે ‘આ ભર વસંતમાં, જીવતર દઈ દેશું દાનમાં; હરિ સંગ નહીં બોલીએ …!’ આમાં જીવનની વસંતની વાત અભિપ્રેત છે કે મીરાં પોતાનું યૌવન સુધ્ધાં દાનમાં આપી દેવા તૈયાર છે, પણ હરિ સંગ બોલશે તો નહીં જ! ત્યાગ, બલિદાન અને સમર્પિતતાનાં મીરાં કાવ્યો કરતાં આવું ખુમારીનું મીરાં ગીત અલગ છાપ ઊભી કરે છે. રમેશ પારેખના કાવ્યસંગ્રહ ‘મીરાં સામે પાર’ પરથી એક નાટક ‘મીરાં’ પણ તૈયાર થયું હતું, જેમાં ર.પા.નાં મીરાં ગીતો સ્વરબદ્ધ કરીને મેં અન્ય ગાયકો સાથે રજૂ કર્યાં હતાં. આ ગીતમાં મીરાંનો ગર્વ છે એ ગીતને નવું પરિમાણ આપે છે.’

મીરાંબાઈ મધ્યકાલીન સંત કવયિત્રી. સ્ત્રીસંતોમાં ઝળહળતું નામ એટલે મીરાં. નરસિંહ અને મીરાં ઉપર જેમણે ખૂબ સંશોધન કર્યું છે એવા જવાહર બક્ષી પાસે મીરાં વિશે અઢળક માહિતીઓ છે. મીરાંબાઈ વિશેના એક વક્તવ્યમાં જવાહર બક્ષીએ જણાવ્યું હતું કે, ‘મીરાં બહુ સૌંદર્યવાન રાજકુંવરી હતી. ભક્તિમાં તરબોળ અને રાજપૂતાના પરંપરા પ્રમાણે નૃત્ય અને સંગીત શીખેલી. નરસિંહ મહેતાનાં સો વર્ષે રાજસ્થાનની ધરા પર મળે છે મીરાં. મીરાંનાં સાચા પદો તો ૧૩૮ જ છે જેમાં ૧૭ આત્મચરિત્રનાં, ૨૮ કૃષ્ણભક્તિનાં અને ૪૭ વિરહનાં પદ છે. મીરાંની ભક્તિ સગુણ ભક્તિ હતી. એમણે ‘સાકાર’ સાધના કરી હતી. કબીર નિરાકાર કે નિર્ગુણ ભક્તિ પરંપરાના વાહક, નરસિંહ મહેતા સાકાર અને નિરાકાર બંને ભક્તિના પ્રેરક હતા, જ્યારે મીરાંએ તો પોતે જ કહ્યું હતું કે ‘મીરાં બાત કરે પરગટ કી …’ એટલે કે મીરાંની ભક્તિ, કૃષ્ણપ્રીતિ પ્રગટ હતાં. અલબત્ત, મીરાંનાં પદો નિર્વિકાર ચેતનાનાં પદો છે. ગુજરાતી ભાષામાં મીરાંની અનેક રચનાઓ જોવા મળે છે. મીરાંનો કૃષ્ણ એમની સાથે રમી શકે, દોડી શકે, રાસ રમી શકે એવો કૃષ્ણ છે.’

મીરાંનું પ્રાગટ્ય રાજસ્થાનના મેવાડમાં. નાની વયે પિતાનું મૃત્યુ થતાં એમના દાદાએ મીરાંને ઉછેરેલાં. દાદાજીનો સાધુસંતો સાથે સત્સંગ હોવાથી મીરાં રાજપાટને બદલે ભક્તિ – સાદગીના સંસ્કાર પામ્યાં અને એટલે જ એમણે લખ્યું ‘મ્હારો પ્રણામ બાંકે બિહારી …’ જેના મુખડાની માયા મીરાંને લાગી હતી. દાદા પાસે આવતા સાધુસંતોમાંથી એક સાધુ પાસે કૃષ્ણની બહુ જ સુંદર મૂર્તિ હતી. નાનકડી મીરાંએ જીદ કરી કે મારે આ જોઈએ જ છે. ત્યારે સાધુએ કહ્યું કે આ હું નહીં આપી શકું, કારણ કે આ મારા ગુરુએ દીક્ષિત કરેલી મૂર્તિ છે. મીરાં હતાશ થઈ ગયાં. પણ એ જ રાત્રે સપનામાં એ સાધુને ગુરુજીએ આવીને કહ્યું કે આ મૂર્તિ બાળકીને આપવા માટે જ મેં તમને મોકલ્યાં છે, તો એ બાળકીને મૂર્તિ આપી દો. સાધુએ મૂર્તિ આપી અને હર્ષોલ્લાસ સાથે મીરાં પગમાં ઘૂંઘરુ બાંધી નૃત્ય કરવા લાગી. ‘મીરાં પ્રેમ દીવાની’ની શરૂઆત અહીંથી થઈ હતી. મીરાંનો પ્રેમ નિર્વ્યાજ હતો. એમણે આખી જિંદગી કોઈ જ કર્મકાંડ, સાધના કર્યાં નહોતાં, માત્ર શ્રીકૃષ્ણને પ્રેમ કર્યો હતો. રાજકુંવરી હોવાથી ઘોડેસવારી, તલવારબાજી શીખ્યાં પણ એમનું ચિત્ત તો કૃષ્ણની મૂર્તિમાં જ ચોંટેલું હતું અને છેવટે લગ્ન પણ એમણે મનોમન એ મૂર્તિ સાથે જ કર્યાં હતાં.

આવી પ્રેમ દીવાની મીરાંને અનેક ભારતીય કવિઓએ ગાઈ છે. શબ્દો ઘણી વાર એટલા સરસ હોય કે સ્વર સીધો હૃદયના ખૂણે ખૂણે પ્રસરી જાય.

આ પા મેવાડ અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામનાં મંજીરાં
બાજે રણકાર નામ મીરાં!

કેવા સરસ શબ્દો છે! ભગવતી કુમાર શર્માની આ અદ્ભુત કવિતાને સંગીતકાર ઉદયન મારુએ એટલી જ લાજવાબ સ્વરબદ્ધ કરી છે અને આલાપ દેસાઈએ ગાઈ છે. સુરેશ દલાલ, મૂકેશ જોશી સહિત ગુજરાતી કવિઓએ મીરાં કાવ્યો ક્યારેક તો લખ્યાં જ છે. લયના કામાતુર રાજવી એવા કવિ રમેશ પારેખે ‘મીરાં સામે પાર’ નામે આખો કાવ્યસંગ્રહ મીરાં કાવ્યોનો આપ્યો છે. એમાંનું એક ગીત એટલે;

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ

રમેશ પારેખના સર્જન વિશે લખતાં કાગળ, શાહી અને આપણી લેખનશક્તિ ઓછી પડે એવું વિરાટ એમનું કાવ્ય કવન છે. ‘રે’શું અમેય ગુમાનમાં …’ ગીતમાં મીરાંના પ્રેમની અભિવ્યક્તિ સાવ જુદી જ છે. તમે ભલે ભગવાન છો પણ સામે પક્ષે હું ય કંઈ ઓછી નથી એ ખુમારી આ ગીતમાં અભિવ્યક્ત થઈ છે. પ્રિયતમ કાનુડા પ્રત્યે રીસ છે પણ કૃષ્ણપ્રેમથી અળગાં તો રહી શકાય એમ નથી એટલે મીરાં કૃષ્ણ માટે બધું જ કરવા તૈયાર છે, પણ હરિ સંગ એને બોલવું નથી. ગુમાનમાં રહેવું છે કે જાઓ તમારે માટે આ બધું કરીશ, પણ વાત તો નહીં જ કરું. આગળ કહે છે;

આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં …

મીરાંને પ્રેમના બધા ઈશારા માન્ય છે, પણ હરિ આવે તો ગુમાનમાં, અભિમાનમાં રહેવું છે.

આવો પરોક્ષ પ્રેમ અને પરોક્ષ અબોલા અનુભવ્યા છે તમે ક્યારે ય? વોટ્સએપ મેસેજમાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ હેટ યુ’ કહી દેનારી જનરેશનને કદાચ એ નહીં સમજાય. બાકી, આ પરોક્ષ પ્રેમ અને પરોક્ષ અબોલાની થ્રિલ જુદી જ છે. કશું બોલ્યા વિના ઈશારાથી મનની વાત કહી દેવી, પ્રેમનો એકરાર જાતે કરવાને બદલે ગમતા શાયરની શાયરીઓ પ્રિય પાત્રને મોકલવી, ચાંચમાં ચાંચ પરોવીને બેઠેલાં પક્ષીઓનાં ચિત્રો મોકલવાં એ બધાં પરોક્ષ પ્રેમના સંકેત છે, પરંતુ નારાજગી થઈ હોય ત્યારે રિસાવાની પણ એક રીત હોય છે. પ્રેમ છે, છતાં નથી એવું બતાવવાની લાગણી કવિએ આ ગીતમાં વ્યક્ત કરી છે.

ગીતનાં ગાયિકા જાહ્નવી શ્રીમાંકર કહે છે, ‘નાનપણથી હું મીરાંના વ્યક્તિત્વથી પ્રભાવિત છું. જ્યારે પણ મીરાંબાઈનું ગીત ગાવાનું હોય ત્યારે કોણ જાણે કેમ પણ હું મીરાંના પાત્રમાં ખોવાઈ જાઉં છું અને હું પોતે જ મીરાં હોઉં એવું મને પ્રતીત થાય છે. મીરાં ગીત ગાવામાં મને વિશેષ આનંદ આવે છે. હું મીરાંમય બની જાઉં છું. કૃષ્ણ માટેનો મીરાંનો અગાધ પ્રેમ, એમની ભક્તિ, કૃષ્ણપ્રેમની કોમળ ભાવના તથા કૃષ્ણ પ્રત્યેની તન્મયતા તેમનાં અલૌકિક પદો અને સંગીત રચનામાં દેખાય છે. સદ્ભાગ્યે મને ત્રણ-ચાર ઉત્તમ મીરાં ગીત ગાવાની તક મળી જેમાં સંગીતકાર સુરેશ જોશીએ સ્વરબદ્ધ કરેલું ‘રે’શુ અમેય ગુમાનમાં …’ રાગ ચંદ્રકૌંસનો સ્પર્શ ધરાવતું આ ગીત મેં સુરેશ જોશીના એક આલબમમાં તો ગાયું જ છે, પરંતુ એ સિવાય અનેક પ્રોગ્રામમાં ગાયું છે. અભિનેત્રી-ગાયિકા માનસી પારેખની એક યુટ્યુબ ચેનલ પર એ અનપ્લગ્ડ પણ રજૂ કર્યું છે.’

જાહ્નવી શ્રીમાંકરે ગાયેલાં અન્ય બે મીરાં ગીતો પણ ખૂબ સરસ છે. આજના જમાનાને અનુરૂપ આધુનિક સંગીત અને દૃશ્ય પરિકલ્પના બંનેના સંયોજનથી એ બંને ગીતો વધારે નીખરી ઊઠ્યાં છે. વૈભવ ત્રિવેદીએ સ્વરબદ્ધ કરેલું ‘ચૂંદલડી’ તથા પાર્થ ભારત ઠક્કરના સ્વર નિયોજનમાં રજૂ થયેલો માધવ અને મીરાંનો રાસ લાજવાબ છે. પાર્થ ભરત ઠક્કર એ મુંબઈ સ્થિત યુવા નિર્માતા અને સ્વરકાર છે. ગુજરાતી સંગીત ક્ષેત્રે એવું કામ કરવા ઈચ્છે છે કે ગુજરાતી યુવા પેઢી એમની કોલર ટ્યુનમાં ગુજરાતી ગીતો રાખતી થઈ જાય અને કવર સોંગ બનાવવું હોય ત્યારે પણ ગુજરાતી ગીત જ એમને યાદ આવે. ૨૦૨૦ની વર્ચ્યુઅલ નવરાત્રિ વખતે રજૂ થયેલા આ વીડિયોને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો. રાધા અને માધવનો રાસ આપણે જોયો છે, પરંતુ નીરેન ભટ્ટે લખેલા મીરાં અને માધવના રાસના શબ્દો હતા;

હે રાણી રાધાને થાય અદેખાઈ રે,
જોઈ આજ મીરાં ને માધવનો રાસ,
હે ઓલી મોરલી એ સૂર ભૂલી જાય
જોઈ મીરાં ને માધવનો રાસ,
આ તો સરયૂ ને સાગરનો રાસ,
આ તો ચાતક ને ચાંદાનો રાસ ..!

આ રાસ ગાયો હતો જાહ્નવી શ્રીમાંકર અને આદિત્ય ગઢવીએ. વીડિયોમાં ગુજરાતી અભિનેત્રી વ્યોમા નંદીએ મીરાંની ભૂમિકા ભજવી અને જાહ્નવી પણ એમાં ખૂબસૂરત ગાયિકા તરીકે દૃશ્યમાન છે. દાદીમાનું હવેલી સંગીત સાંભળીને નાનકડી જાહ્નવીના મનમાં સંગીતનાં બીજ રોપાયાં હતાં. માતા-પિતા અને સ્વજનોના પ્રોત્સાહનથી સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી જાહ્નવી શ્રીમાંકર સંગીત ક્ષેત્રે લગભગ ૨૦ વર્ષથી કાર્યરત છે. ગુજરાતી સુગમ સંગીત, ગરબા, ઠૂમરી, ગઝલ અને ફિલ્મ સંગીતના શો એમણે દેશ-વિદેશમાં કર્યા છે. ગીતકાર જાવેદ અખ્તર તથા સંગીતકાર અમિત ત્રિવેદી સાથે મ્યુઝિકલ ટૂર્સ કરી છે, મ્યુઝિક આલબમ્સ તથા અર્બન ગુજરાતી ફિલ્મોમાં એમણે ગાયું છે. કોઈના અવાજની કોપી કર્યા વિના પોતાના મધુર કંઠ દ્વારા આગવી ઓળખ ઊભી કરનાર જાહ્નવી શ્રીમાંકરે ગાયેલાં મીરાંનાં આ દરેક ગીત એકબીજાંથી સાવ જુદાં છે. તક મળે તો સાંભળજો.

———–

રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહીં બોલીએ …

ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,
આવકારા દેશું સાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …

આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …

લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,
મુખવાસા દેશું પાનમાં;
હરિ સંગ નહીં બોલીએ ….

મીરાં કે અંતમાં, આ ભર વસંતમાં,
જીવતર દઈ દેશું દાનમાં;
હરિ સંગ નહીં બોલીએ …

•   કવિ : રમેશ પારેખ    •   સંગીતકાર : સુરેશ જોશી    •   ગાયિકા : જાહ્નવી શ્રીમાંકર

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=692437

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 10 જૂન 2021

Loading

...102030...1,9241,9251,9261,927...1,9301,9401,950...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved