Opinion Magazine
Number of visits: 9572127
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાહેબના બચાવની છેલ્લી છેલ્લી દલીલો

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 April 2021

નરેન્દ્ર મોદીના તમામ સમર્થકો ખડી પડે એવા, નાગરિકો માટે કરુણ અને અરાજકતાભર્યા માહોલમાં, કેટલાક ભક્તોની ભક્તિ હજુ અવિચળ તપે છે. તે એક યા બીજી રીતે નરેન્દ્ર મોદીના – કેન્દ્ર સરકારના – ગુજરાતની રાજ્ય સરકારના બચાવમાં-પ્રશંસામાં લખ્યા કરે છે. તેમની ભક્તિપૂર્ણ દલીલો સામે અસલિયત મૂકતાં પહેલાં નરેન્દ્ર મોદીના ભક્તો અને તેમના ટીકાકારો વચ્ચેનો મૂળભૂત તફાવત સમજી લેવો જરૂરી છે.

ભક્તો નરેન્દ્ર મોદીની ભક્તિની બાબતમાં એક જ પ્રકારની લાગણીથી દોરવાતા હોય છે. એક સમયે મોદી-સમર્થકોમાં પણ જુદા જુદા પ્રકાર હતા. જેમ કે ડાબેરીઓના વિરોધી, કૉંગ્રેસના વિરોધી, ગાંધી-નેહરુના વિરોધી, મુસલમાનોના વિરોધી … ઘણાખરાનો વિરોધ ધિક્કારની કક્ષાનો હતો, પરંતુ આટલા વખતમાં ધ્રુવીકરણનું વલોણું એવું ફર્યું છે કે મોદીના બધા સમર્થકો એકરસ (સમરસ) થઈ ગયા છે. તેમની વચ્ચેના ભેદ મટી ગયા છે. તે મહદંશે એક જ પ્રકારની ચાવીથી, એક જ ચીલે હંકાનારા અથવા હંકારનારા થઈ ગયા છે.

બીજી તરફ છે નરેન્દ્ર મોદીના ટીકાકારો. તેમનામાં હજુ પણ અનેક પ્રકાર છે. કૉંગ્રેસી, ડાબેરી, ‘આપ’વાળા, ગાંધીવાદી, આંબેડકરવાદી, મધ્યમ માર્ગી, મોદીમોહમાંથી નિર્ભ્રાંત થયેલા, નાગરિક ભૂમિકાએ રહીને ટીકા કરનારા … હજુ બીજા હશે. દેખીતું છે કે આટલા બધા જુદા જુદા વિચારવાળા લોકોને એક રીમોટ કન્ટ્રોલથી ન હંકારી શકાય. ધ્રુવીકરણનું વલોણું ફરતું રહ્યું તેમ ભક્તોની તીવ્રતાની સાથે મોદીવિરોધીઓની તીવ્રતા બેશક વધી છે. ઘણી વાર તેમાં અસ્વસ્થતા અને આત્યંતિકતા પણ ભળી જાય છે. છતાં, તેમનો કોઈ એક સમૂહ નથી, જેને સાયબર સેલની માફક કે આર.એસ.એસ.ની માફક એકજથ્થે મેદાનમાં ઉતારી શકાય. તેમાંથી ઘણા બધા તો મોદીવિરોધ સિવાયની સારી એવી બાબતોમાં એકબીજાના ટીકાકાર કે વિરોધી પણ હોઈ શકે છે, પરંતુ મોદીભક્તો એવો પ્રચાર કરે છે કે મોદીનો વિરોધ કરનારા બધા એકરૂપ-એકજૂથ છે.

દેશ માટે સર્જાયેલી આ અભૂતપૂર્વ કરુણતાના માહોલમાં વડા પ્રધાન મોદીની અને તેમની સરકારની જવાબદારી એટલી સીધી છે કે તેમના ભક્તોને કદાચ પહેલી જ વાર તેમનું કામ અઘરું લાગી રહ્યું છે. પહેલી વાર તે આક્રમણને બદલે મોટા પાયે બચાવની, મૌનની કે કામચલાઉ સ્વીકારની ભૂમિકામાં જોવા મળે છે.

મોદી અને તેમની સરકારની જવાબદારી અંગ્રેજીમાં જેને ‘કમિશન ઍન્ડ ઓમિશન’ કહે છે, એવી બંને પ્રકારની છે. એટલે કે તેમણે જે કર્યું છે ફાંકાફોજદારી, ઇમેજ મૅનેજમૅન્ટ, ચૂંટણી રેલીઓ, ક્રિકેટ મેચ, કુંભમેળો, કોવિડ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન વગેરે અને જે નથી કર્યું — કોરોના તરફથી એક વારની ચેતવણી મળ્યા પછી કરવી જોઈતી તૈયારીઓ, આફત આવ્યા પછી બધું લક્ષ્ય તેના ઉકેલમાં પરોવવાની સન્નિષ્ઠતા, ભૂલોનો સ્વીકાર કરીને તેમાંથી શીખવાની-સુધરવાની તત્પરતા વગેરે — એ બંને બાબતો વર્તમાન કરુણ પરિસ્થિતિના અને અરાજકતાના સર્જનમાં મોટા પાયે જવાબદાર છે. લોકોની બેદરકારીનો મુદ્દો ચોક્કસપણે છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં, પરંતુ લોકોની બેદરકારી તળે સર્વસત્તાધીશ સરકારની આગવી બેદરકારી કોઈ રીતે સંતાડી શકાય એમ નથી.

એટલે છેલ્લા ઉપાય તરીકે, બધું ભૂલાવી દેનારું કશુંક મોટું ગતકડું ન મળે ત્યાં સુધી, કપરો સમય કાઢવા માટે ભક્તો અવનવી દલીલો રજૂ કરી રહ્યા છે. તેમની સાથે સંવાદ કે ચર્ચાની કોઈ ભૂમિકા જ બનતી નથી. એટલે ચર્ચાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ અનુમાન નથી, ભૂતકાળના અનેક પ્રયાસોની નિષ્ફળતામાંથી મળેલો બોધપાઠ છે. પરંતુ સોશિયલ મીડિયા પર હજુ પણ સાહેબની તરફેણમાં અવનવી દલીલો રજૂ થઈ રહી છે. ઢચુપચુ માનસિકતા ધરાવતા લોકોને તેમ જ ન્યાયના ભોગે ‘તટસ્થ’ દેખાવાના શોખ ધરાવતા લોકોને ખેંચવાનો અથવા કમ સે કમ વિમુખ થતા અટકાવવાનો તેમનો પ્રયાસ છે. આવી દલીલ કરનારા સાથે ગંભીર ચર્ચામાં ઊતરવું એ સમયનો સંપૂર્ણપણે બગાડ છે. પરંતુ તેમની દલીલો વાંચીને મનમાં જરા જેટલી પણ અવઢવ જાગે નહીં એટલા પૂરતી, એ દલીલો વિશે પ્રાથમિક ટિપ્પણીઓ. આવા કપરા સમયે ભક્તો કેવી કેવી દલીલો કરતા હતા તેના દસ્તાવેજીકરણ તરીકે પણ એ ભવિષ્યમાં ખપ લાગશે.

૧. ‘આમાં નરેન્દ્ર મોદી શું કરે? આ તો સિસ્ટમની નિષ્ફળતા છે.’

સાહેબે પોતાના જયજયકાર, વિરોધીઓ વિશેનાં જૂઠાણાંના પ્રચાર, ચૂંટણીઓની જીત અને ખરીદવેચાણ સિવાય બીજી કેટલી સિસ્ટમ દેશમાં ધબકતી રાખી છે? ઘણીખરી સિસ્ટમોને પંગુ બનાવીને સત્તાનું સંપૂર્ણપણે કેન્દ્રીકરણ કરી નાખ્યું. બધાં સૂત્રો પોતાના હાથમાં લઈ લીધાં અને હવે અચાનક સિસ્ટમ ક્યાંથી આવી ગઈ? અને સિસ્ટમ સરકારના કાબૂની બહાર હોય તો પછી સરકાર થઈને શાના ફરે છે?

૨. ‘દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, મોદી મહાન યુદ્ધ લડી રહ્યા છે. આ કપરી ઘડીમાં અમે એમની સાથે છીએ. જય હિંદ.’

દેશ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેમાં વડા પ્રધાન અને તેમની સરકારના મહાન પ્રદાન વિશે તો કંઈક કહો. ભર કોરોનાએ બંગાળમાં સભાઓ પર સભાઓ ગજવતા, તક મળ્યે સૂફિયાણી ભાષણબાજીમાં સરી જતા સાહેબ માટે પોતાની ઇમેજ સિવાય બીજું કોઈ યુદ્ધ મહાન નથી. આટલી સાદી સમજ કોઈ નહીં આપી શકે. એ તો જાતે જ ઉગાડવી પડશે. આ કપરી ઘડીમાં કાં પેઇડ હોય કાં સામે ઊભેલો હાથી નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ હોય, તે જ આવી કરપીણ રીતે કાલી જાહેરાત કરી શકે. અત્યારે તેમની સાથે હોવાનું એનું ગુજરાતી એટલું જ થાય કે તેમના ઇમેજ મૅનેજમૅન્ટમા તેમની સાથે છો અને લોકોની દુર્દશાથી નહીં, તેમની ઇમેજને પડતા ઘસરકાથી તમને વધારે અકળામણ થાય છે. જય હિંદ બોલવાથી વ્યક્તિભક્તિ દેશપ્રેમ નથી બની જતી.

૩. ‘તમારે તો બેઠાં બેઠાં ટીકા કરવી છે. કામ કરો તો ખબર પડે.’

દુનિયાભરની એકહથ્થુ સત્તા ગજવામાં ઘાલીને ફરતી સરકાર રાજીનામું આપી દે, જે જે સ્વૈચ્છિક સંસ્થાઓનાં ગળાં દબાવ્યાં છે એ બધાને મુક્ત રીતે શ્વાસ લેવા દે અને બધી રાજકીય ગણતરીઓ છોડી દે. પછી જુઓ, લોકો કામ ઉપાડી લે છે કે નહીં. પણ સત્તા જરા ય છોડવી નથી. લોકોને અંતિમ સંસ્કાર માટે લાકડાં મળતાં નથી ત્યારે કોવિડ હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવાના અભરખા હજુ જતા નથી. અને બીજાને કામ કરવાની શીખામણ આપતાં શરમ નથી આવતી?

૪. ’કૉંગ્રેસનું રાજ હોત તો આથી પણ ખરાબ સ્થિતિ હોત.’

આ દેશે આનાથી વધારે ખરાબ સ્થિતિ ક્યારે ય જોઈ નથી, એવું ઘણી હદે નરેન્દ્ર મોદીના ‘શાણા’ સમર્થક મનાતા શેખર ગુપ્તાએ ગઈ કાલે લખ્યું, ત્યારે અનુપમ ખેર ‘આયેગા તો મોદી હી’ લખીને પોતાની અસલિયત વધુ એક વાર બતાવી ગયા. સાહેબોએ લોકશાહીનાં અનેક સત્તાકેન્દ્રોને, નાગરિક સંગઠનોને, સ્વૈચ્છિક સંસ્થાઓને નષ્ટ કર્યાં અથવા ભક્ત બનાવ્યાં અને પોતાના સિવાય કોઈ રહે જ નહીં, એવી આપખુદશાહી તરફ દેશને લઈ ગયા, તેનું આ પરિણામ છે. એટલે બીજું કોઈ હોત તો આનાથી ખરાબ સ્થિતિ હોત એવી દલીલ અસ્થાને જ નહીં, ખોટી છે. આટઆટલું થયા પછી પોતાની ઇમેજને જ્યાં પહેલા ક્રમે મુકવામાં આવતી હોય, એનાથી વધારે ખરાબ સ્થિતિ દેશના નાગરિકો માટે શી હોવાની?

૫. ’બધી ટીકા સાચી, પણ બીજું છે કોણ? વિપક્ષો પણ નિષ્ફળ ગયા છે.’

રાજકારણમાં વિકલ્પો રેડીમેડ નથી આવતા. સંજોગો વિકલ્પ ઊભા કરે છે. વિપક્ષોમાંથી સભ્યો ખરીદ કરવાના, વિરોધીઓને યેનકેનપ્રકારેણ દબાવવાના અને પછી ભોળા થઈને કહેવાનું કે બીજું છે કોણ? એક વાર ગાળિયો છૂટો તો કરો. બહુ બધા આઝાદ થશે ને વિકલ્પો ઊભા થશે. અને વિપક્ષોની નિષ્ફળતાની વાત સાચી હોવા છતાં સરકારની નિષ્ફળતા સામે તેનું કશું વજૂદ નથી. આટલા પ્રચંડ મિસમૅનેજમૅન્ટ પછી અને વ્યક્તિગત વેદના-સ્નેહીસ્વજનોની વિદાય વેઠ્યા પછી પણ, ‘આ તો ન જ જોઈએ’ – એટલી લાગણી મનમાં ન જાગતી હોય તો તમે પણ એમના સાગરીત જ છો. પછી કાલા થઈને ફરિયાદ કરવા ન બેસશો.

૬. ‘હા, ખોટું થયું છે, પણ વિરોધીઓ ઉછળી ઉછળીને રાજી થઈ રહ્યા છે.’

કેટલાં ય સ્વજનો-સગાં-સ્નેહીઓ-અડોશીપડોશીઓ પીડાય છે. તેનાં રોષ-પીડા-વેદના-ત્રાસમાં રાજી થવા કોણ નવરું છે? પણ બહુ ફુલાવેલો રંગીન ફુગ્ગો ફૂટી ગયો એ તો માણસ કહે કે ન કહે? અને તે એક વાર નહીં, તેને મનમાં ઉભરો થાય એટલી વાર કહેશે અને ફુગ્ગો ફૂટ્યો એનો હાશકારો પણ વ્યક્ત કરશે. એનાથી બીજી બધી બાબતોનો શોક મટી જતો નથી. પણ એ લોકોના હાશકારાથી તમને આટલી તકલીફ કેમ પડે છે?

૭. ‘બધી વાત સાચી, પણ અત્યારે સરકારની ટીકા કરવાનું ટાણું નથી. અત્યારે આ સમય કાઢી નાખીએ. ટીકા પછી કરીશું.’

વર્તમાન કટોકટીમાં કોઈ પણ રીતે મદદરૂપ થવું એનો અર્થ એવો હરગિઝ નથી કે સરકારની ટીકા ન કરવી. એ બંને સાથે થઈ જ શકે છે. પણ સરકારની ટીકાથી લ્હાય અનુભવતા ભક્તો આખી વાતને એ રીતે રજૂ કરે છે, જાણે આ બંનેમાંથી એક જ બાબત શક્ય હોય.

કોઈક વળી ‘બધો રોષ ચૂંટણીમાં ઠાલવજો’ એવું સૂચવવા પણ ઇચ્છતું હોય. છતાં આપણી માનસિકતામાં ‘પછી’નું ગુજરાતી થાય છે ‘ક્યારે ય નહીં’. અને સરકારની ટીકા અત્યારે ચાલુ વર્તમાનકાળમાં, ચોતરફ હાલાકી છે ત્યારે જો કરવાની ના પડાતી હોય, તો બધું સામાન્ય થઈ ગયા પછી આ જ લોકો એમ નહીં કહે કે ‘ગઈ ગુજરી ભૂલી જાવ?’ ત્યારે એ લોકોને ભૂતકાળની હાલાકી યાદ કરાવીને તેમનો રોષ જગાડવામાં-લોકશાહી ઢબે રોષ ઠાલવવામાં મદદરૂપ થવાના છે? માટે, સરકારની ટીકા કરવાની ના પાડે, એવી કોઈ પણ સલાહને શંકાની નજરે જોવી. એ માટેનાં પૂરતાં કારણ છે.

(લેખકના બ્લોગ urvishkothari-gujarati.blogspot.comમાંથી સાભાર, તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૧)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2021; પૃ. 01, 02 તેમ જ 13

Loading

કેટલાંક ટેકે જ મનનું મકાન ટકી જાય છે

ખેવના દેસાઈ|Opinion - Opinion|27 April 2021

તમારા બધાંની જેમ જ મેં પણ અનુભવી એ વ્યગ્રતા, ચિંતા, પીડા, એકલતા અને બીક. અલબત્ત, બીજાનાં દુઃખ સામેનું મારું દુઃખ નગણ્ય હતું અને અંતે બધું સુખરૂપ પાર પણ પડ્યું. એટલે એ અનુભવો અહીં મૂકવાનો કોઈ અર્થ નથી. It's like revisiting the ordeal for me and ugly reminder to others. Why add to the painful moments? પણ એ સમય પણ વીતી ગયો અને હું વેરવિખેર ન થઈ એનાં પાયામાં કેટલાક બારસાખના ટેકા છે જેને ટેકે ઊભી રહી હું આવતીકાલના સૂર્યની રાહ જોઈ શકી. બસ, એમને સલામ કરવાનું ન ચૂકાય એટલે આ વાત. થોડી લાંબી થાય તો ય એને એક જ ભાગમાં પૂરી કરવી છે, અનિશ્ચિતાઓ વચ્ચે હવે કશું આવતીકાલ માટે બાકી રાખવું પરવડે એમ નથી.

આખું વર્ષ અનેક તકેદારીઓ છતાં અમે ત્રણેય (મમ્મી-પપ્પા અને હું) કોરોનાગ્રસ્ત થયાં જ. અમારી 'મૈત્રેયી' સોસાયટી આખું વર્ષ કહેતી કે "આપણે શાંતિ છે એકેય કેસ નથી". અને પછી 'મૈત્રી'દાવે એક સાથે 14 કેસ, ચાર ફ્લેટ, ચાર હોસ્પિટલાઈઝડ અને બે મૃત્યુ. આજ સુધી જીવનની અનેક રાતો ICU વોર્ડની બહાર અંદર સૂતેલાં સ્વજનોની ચિંતામાં ગાળી છે. પણ ક્યારે ય પોતાનાં જ ઘરમાં દસ દસ રાત એક પણ મટકું માર્યા વગરની નથી ગાળી. મને હંમેશાં લાગ્યું કે હું બહુ જ practical અને emotionally strong વ્યક્તિ છું. વહેમ હતો મારો. આ વખતે તો B.P. machine, Pulse meter અને ECG ત્રણેયે મને કહી દીધું : "ફિશિયારી રહેવા દે, અંદરથી હચમચી ગઈ છે". બધાં જ આંકડા 100+ની રેન્જમાં. અને ના આ બધું કોવિડના દરદી તરીકે નહીં, ફક્ત સાક્ષી તરીકે. મને કોવિડ આવ્યો એ પહેલાના દિવસો. મારો કોવિડ તો રિપોર્ટ પકડી જ નહોતો શક્યો. ફેફસાંમાં જઇ નાનકડું ઘર બનાવ્યું ત્યાં સુધી છૂપા રૂસ્તમ અને એ પછી ય કોઈ જ લક્ષણો નથી. દવાઓ લીધી ત્યાં સુધી નહોતાં. આજે પણ નથી. એટલે આવ્યો એવો ગયો. ચૂપચાપ.

એટલે મારી પોતાની તકલીફો તો બધી માનસિક જ હતી. તકલીફ વધશે તો શું થશે એનો ભય. બંને સિનિયર સિટિઝન અને નાની મોટી બીમારીના ઇતિહાસ સાથે મમ્મી-પપ્પાનું oxygen 94થી નીચે જશે તો. કોઈ કહેતાં કોઈના વગર હોસ્પિટલ સુધી લઈ જઈ શકીશ? જગ્યા મળશે? સતત આવતા સ્વજનોના મૃત્યુના સમાચાર વચ્ચે ટકી જવાશે? બહેન – બનેવી ધારે તો ય અમારા સીલ કરેલા બિલ્ડીંગમાં ન આવી શકે. બહારના કામમાં મદદ કરી શકે પણ દાદરો ચઢીને ઉપર ન આવી શકે.  આવા ભય સાથેના અનેક દિવસો. સામાન્ય લક્ષણોથી શરૂ થયેલો એ કાળ આખરે થોડો કપરો બન્યો જ. પપ્પાનો આઠમા દિવસે CT ane blood રિપોર્ટ થોડો ગરબડવાળો. ઉંમર અને બીજા પરિબળોને લીધે 'પાણી પહેલા પાળ' બાંધવી એમ નક્કી કરીને કોવિડ કેરમાં દાખલ કરવાનો નિર્ણય અને બધાં જ ભયથી વિપરીત એક સરળ અને શિસ્તબદ્ધ પ્રક્રિયાનો અનુભવ. આ જ ખાસ વહેંચવું છે મારે મારા મુંબઇ-ગુજરાતના મિત્રો-સ્વજનો સાથે :

1. મુંબઈમાં વોર્ડ પ્રમાણે 'war room' બન્યા છે જે ખરેખર યુદ્ધને ધોરણે પણ માણસાઈની એરણે કામ કરી રહ્યાં છે. જે તે વોર્ડના દરદીને જરૂરિયાત પ્રમાણે જે તે વૉર્ડમાં જ બેડ મળે એની શિસ્તબદ્ધ ગોઠવણ છે. મને ફોન કર્યાની દસમી મિનિટે (તે દિવસે મુંબઈમાં 10 હજારથી વધુ કેસ હતા છતાં પણ) હિન્દુજા જેવી વિશ્વસનીય હોસ્પિટલના કોવિડ કેર બેડનું allotment થયું હતું. પેશન્ટના મુખ્ય પેરામીટર સિવાય કોઈ પૂછપરછ નહીં .. ઉપરથી મને હોસ્પિટલનો નમ્બર આપીને કહ્યું, “મેડમ, બેડ પ્રાઇવેટમે હૈ, આપ ચાર્જ જાન લિજીયે આપકો ઠીક લાગે તો બુક કરેંગે".

2. પેશન્ટને એમ્બ્યુલન્સની જરૂર નથી, અને તમારી પાસે ગાડી છે જેમાં એ સુરક્ષિત રીતે આવી શકે છે તો એમાં પણ લઈ જવાની છૂટ. હું પોતે તો exposed હતી જ પણ બહેન-બનેવી કોઈ પણ બીક વગર તત્કાળ ગાડી લઈને આવ્યાં અને પપ્પા અડધા જ કલાકમાં દાખલ થઈ ગયા. બેડ નમ્બર પહેલેથી alloted હતો.

3. મને ખાસ કહેવામાં આવ્યું ‘આપ કો ઝ્યાદા નઝદીક ચાહીયે ઔર કલ સુબહ તક વેઇટ કર સકતે હૈ તો Ramakrishna mission ભી કલસે શુરુ હો રહા હૈ .. આપ કો સુબહ સાડે આઠ બજે બેડ મિલ જાયેગા".

4. કોઈ કાગળિયા, રિપોર્ટ કે આધાર કાર્ડની માથાકૂટ નહીં પ્રવેશ વખતે .. એડમિટ થયા પછી ફક્ત આધારકાર્ડની કોપી અને રિપોર્ટ માંગ્યા એ પણ watsapp પર.

5. છેક ડિસ્ચાર્જ થયા ત્યાં સુધી એક પણ કાણો ફદિયો માંગ્યો નથી. મને કહેવામાં આવ્યું, “મેડમ, ઐસી સિચ્યુએશનમે આપ કૈસે આયેગી, બાદમે દેખ લેંગે. ટ્રીટમેન્ટ નહીં રૂકની ચાઇયે”.

6. બહુ જ સામાન્ય સગવડ અને ઓછા સ્ટાફમાં પણ આરોગ્યની કાળજી લેવાતી. મુખ્ય ડોકટર દિવસમાં એક જ વાર આવે છતાં રોજે રોજની અપડેટ આપે, રિપોર્ટ કરાવીને જ આગળના નિર્ણય લે. મેં સ્ટીરોઈડ, રેમડેસેવિયરનું પૂછ્યું ત્યારે પણ ફોર્મ દેખાડીને કહેવાયું, ”આ ફોર્મના પેરામિટરમાં પેશન્ટ બંધ બેસે તો જ અપાય અને એ પણ અમે procure કરીશું. તમારે કશે જવાનું નથી લેવા". છેક સુધી જરૂર ન પડી અને એક પણ દવા વધારાની અપાઇ પણ નહીં.

7. વોર્ડ – વૉર રૂમમાંથી હજુ 18 દિવસ પછી પણ રોજ ફોન આવે છે … ઘર અને બિલ્ડીંગ સેનીટાઈઝ કરી ગયા છે. હજુ ગઈ કાલે જ ખબર પડી કે સામે છેડે એ વૉર રૂમમાં તો BMC teachers and health officer છે. જે શિક્ષકો વિશે આપણા મનમાં કોઈ માન ન હોય, આપણને ઓછા કાર્યક્ષમ લાગતા હોય એવા આ વૉરિયર્સ. રાત દિવસ ખૂબ શાંતિથી, ધીરજથી, અનેક જોખમ વચ્ચે શિસ્તબદ્ધ રીતે મુંબઇને ટેકો આપી રહ્યાં છે. મેં કરેલો એક પણ ફોન ન ઉપડ્યો હોય એવું નથી બન્યું.

મુંબઇની વસ્તી 2 કરોડની આસપાસ છે. કદાચ દેશનું સૌથી ગીચ શહેર અને છતાં ય આટલા ચોક્કસ પ્રોટોકોલ સાથે જે રીતે કામ થઈ રહ્યું છે એ કાબિલે-દાદ છે .. MyBMCનું ટ્વિટર હેન્ડલ હજુ હાંફ્યું નથી. સતત ધબકયા કરે છે એમાં મુંબઈગરા માટેની કાળજી!! કોઈ રાજકીય પક્ષાપક્ષી વગર પણ સતત સેવાનો કે કાર્યદક્ષતાનો ધોધ વરસી રહ્યો છે. ન્યાત, જાત કે ધર્મના વાડાની પાર નવા સેન્ટરો, સગવડો, દવાઓ અને ઓક્સિજન મળી રહ્યો છે. બધું ઠીક છે એવું કહેવાનો આશય નથી. પરિસ્થિતિ હજુ પણ કપરી જ છે. Resource logistics ane allotmentમાં ગાબડા છે જ. પણ તો ય રોજના 11 હજાર કેસમાંથી 3 હજાર પર પહોંચેલું આ શહેર માણસાઈ અને શિસ્તમાં 100માંથી 100 મેળવી જ શકે. I salute and thank Mumbai BMC H west ward war room for their efficiency and kindness.

આખી ય anxiety યાત્રામાં સતત મારી પડખે હતાં મારા મનોબળની સારવાર કરનાર થોડાં મિત્રો અને સ્વજનો. મંજરી મઝુમદાર, સ્નેહલ મઝમુદાર. બન્નેને સૌથી પહેલી અને મોટી સલામ. પહેલે દિવસથી મંજરીબહેન કહ્યા કરતાં હતાં, "બંને સારા જ છે, તું ખોટી ચિંતા નહીં કર". ત્યારે એ ડોક્ટરની સાથે માતૃવત્સલ પણ બની જતાં. મારા ફેમિલી ડૉક્ટર થોડું ગભરાવે એટલે હું મંજરીબહેનને ફોન કરું અને વાત કર્યા પછી મારી પલ્સ 100થી નીચે આવે. સ્નેહલભાઈ તો એમની કપરી માંદગી વખતે પણ હળવાફૂલ હતા. મને દિવસમાં બબ્બે વાર તબિયત પૂછનાર, કાળજી કરનાર આ પિતાતુલ્ય મિત્રને સલામ. એ સિવાય એક ફોન પર જ, દૂર રહીને પણ મદદ કરવા હાજર એવા મિત્રો અને સ્વજનો હીરલ છેડા, ચિંતન નાયક, ભૂમા વશી, રક્ષિત અક્રુવાલા, પ્રજ્ઞા પટેલ અને મારી મીઠીબાઈના પરિવારજનોનો આભાર નહીં માનું પણ ઋણી તો રહીશ જ. You all were my blessings, I counted on you when I was crumbling. બીજાં અમુક મિત્રો અને સ્વજનો એટલાં અંગત છે કે એમનું નામ અહીં મૂકીશ તો મને માર પડશે એટલે એમને બસ વ્હાલ મોકલું છું. મેં કોઈ સારાં કે મોટાં કામ કર્યાં નથી. બસ અંગત જીવનની ફરજો નિષ્ઠાથી નિભાવી છે. વિદ્યાર્થીઓ અને કોલેજ પ્રત્યે પ્રમાણિક રહી છું. And I still knew there were hands and hearts blessing us, praying for us and caring for us. I am grateful.

May we all come out of this soon. As safer, healthier and better humans.

સૌજન્ય : લેખિકાની ફેઇસબૂક દિવાલેથી સાદર, 27 ઍપ્રિલ 2021

Loading

ઓક્સિજન !

એષા દાદાવાળા|Poetry|27 April 2021

તમે અનુભવ્યો છે એ તરફડાટ?
મોઢું બંધ રાખી નાક પર આંગળીઓ દાબી
થોડી પળો માટે તમે જે અનુભવશો
એના કરતાં પચાસ-પંચોતેર-પંચાણું લિટર
તરફડાટ વધારે અનુભવશે એ લોકો …
ટોપી ઊંધી કરી પૈસા ઊઘરાવાય
એવી જ રીતે બોટલમાં ઊધરાવી શકાતો હોત
તો ભરી આપી હોત
બોટલોની બોટલો અમે …
પ્લાસ્ટિકની થેલીમાં એમનાં શરીરને પેક કરો
ત્યારે હેન્ડ ગ્લોવ્ઝ વડે પંપાળી લેજો
શ્વાસ લેવાનાં તરફડાટ વચ્ચે
સોરાઇ ગયેલી-પાડી ન શકાયેલી
સેંકડો ચીસોને …
અમે બે હાથ જોડીને માફી માંગી લઇશું
હાથે કરીને બહેરા થઇ ગયેલા અમારા કાનોની …
ઓક્સિજન વિના તરફડીને
મરવું કેવું હશે એ તો અમે છતે
ઓક્સિજને અનુભવી લીધું છે
જેમ કોઇ માછલી
પાણીમાં જ મરતી વખતે
તરફડાટ
અનુભવે એમ !

#esha #eshadadawala

સૌજન્ય : એષા દાદાવાળાની ફેઈસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,9171,9181,9191,920...1,9301,9401,950...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved