Opinion Magazine
Number of visits: 9572330
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૂઝ કનેક્શન (9) : સહનશીલતા

સુમન શાહ|Opinion - Opinion|28 April 2021

મારે ઈન્ટર આર્ટ્સમાં ઇ.એમ. ફૉર્સ્ટરનો ‘ટૉલરન્સ’ નિબન્ધ ભણવામાં હતો. ‘અ રૂમ વિથ અ વ્યૂ’-થી વિખ્યાત બનેલા ઇન્ગ્લિશ મૅન ફૉર્સ્ટર મુખ્યત્વે નવલકથાકાર, પ્રેમમાં ય માને, પણ કહે કે પ્રેમ ઘરમાં બરાબર છે, બહાર તો સહનશીલતા જોઈશે – ટૉલરન્સ. આપણે તો સ્પષ્ટપણે માનીએ છીએ કે માણસો એકમેકને પ્રેમ કરે તો ઘણા પ્રશ્નો આપોઆપ ઉકલી જાય, પણ ફૉર્સ્ટર ના પાડે છે. નિબન્ધમાં મુખ્યત્વે એમનું કહેવું એમ છે કે દુનિયાના ભલા માટે અને માનવજાતના કલ્યાણ માટે દરેક વ્યક્તિએ સહનશીલતાનો ગુણ કેળવવો જોઈશે અને તદનુસારનું વર્તન કરવું જોઈશે.

ફૉર્સ્ટરનો સમય છે : 1879 -1970 : એમનો એ નિબન્ધ પહેલી વાર 1938-માં પ્રકાશિત થયેલો, મારા જન્મના એક વર્ષ પહેલાં અને દુનિયા બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશવાને થનગનતી હતી, ત્યારે. ફૉર્સ્ટર ભારતમાં પણ રહેલા. દેવાસના મહારાજાના પ્રાઇવેટ સૅક્રેટરી હતા. પોતાના એ ઇન્ડિયા-નિવાસની એમણે ‘હિલ ઑફ દેવી’-માં વીગતે સુન્દર વર્ણના કરી છે. ઇન્ગ્લૅન્ડ પાછા ફર્યા પછી એમણે નવલ લખી, ‘ઍ પૅસેજ ટુ ઇન્ડિયા’. ખૂબ વખણાયેલી.

ઇ.એમ. ફૉર્સ્ટર / E M Forster

ભારતમાં રહી ગયેલા અંગ્રેજ સાહિત્યકારો મને મારા એ ભણતરકાળમાં બહુ ગમતા. ફૉર્સ્ટર તો ખરા જ પણ સુખ્યાત નવલકથા ‘જંગલ બુક’-ના સર્જક રુડયાર્ડ કિપ્લિન્ગ (1865-1936) અને ‘1984’ -ના કર્તા જ્યૉર્જ ઑરવેલ (1903-1950) પણ ખરા. કિપ્લિન્ગ અને ઑરવેલ તો જન્મેલા જ ભારતમાં.

રુડયાર્ડ કિપ્લિન્ગ / Rudyard Kipling

સહનશીલતાને ફૉર્સ્ટર નબળાઈ નથી ગણતા એ ખરું પણ સહી લેવાની એમની વાત મારા મગજમાં ઊતરતી ન્હૉતી. કેમ કે પ્રશ્નો તો જાહેરમાં હોય છે અને ઘણા હોય છે વળી સંકુલ હોય છે. અને પોતાના સંદર્ભના પ્રશ્નોને વેઠી લેવાને બદલે દરેકે અવાજ ઉઠાવવાની જરૂરત ખાસ પડતી હોય છે, જ્યારે ફૉર્સ્ટર ઊંધું કહે છે.

જ્યૉર્જ ઑરવેલ / George Orwell

અલબત્ત, પહેલું વિશ્વયુદ્ધ જીવી ચૂકેલી સંત્રસ્ત દુનિયાને ફૉર્સ્ટર બીજા વિશ્વયુદ્ધને ટાણે આવું કહે એ સ્વાભાવિક લાગે છે. જો કે ફૉર્સ્ટર આગળ વધીને ટૉલરન્સને નૅગેટિવ વર્ચ્યુ કહેવા લાગ્યા, ત્યારે મને બરાબર લાગેલું. કેમ કે, મને થતું કે સહી લેવું એ સદ્ગુણ ભલે છે પણ એ એક પ્રકારની નકારાત્મકતા છે – જાણે તમે કશું હકારાત્મક કરવાની ગુંજાઈશ ખોઈ બેઠા છો, ન-ગુણા છો. મને થાય, સહનશીલતા એક રૂપાળા આદર્શથી વિશેષ ન હોઈ શકે.

માની લઇએ કે સહનશીલતા સદ્ગુણ છે, પણ ક્યારે, શું અને કેટલું સ્હૅવું એ પ્રશ્ન છે.

બાજુમાં બેસીને મારી સામે કોઈ લાડુ ખાતું હોય અને મને એક તો ઠીક પણ ટુકડો ય ન આપે, મૉં ચલાવતાં ચમકતી આંખે હસી-હસીને ચ્હૅરો નચાવે, તો મારે એ સુ-ઘટનાને સહી લેવી પડે, કેમ કે મારાથી તો અવિવેકી ન જ થવાય.

મેં મારા અ-રસિક અધ્યાપકોને બહુ સહ્યા છે – એ લોકો નિરાંતે નૉટો ઉતરાવે, બધાં ઊધું ઘાલીને ઉતારે. હું બેસી રહું – સહનશીલતા કે કંઈ જુદું? અધ્યયન-અધ્યાપનની ગુણવત્તા સુધરે એ માટે ‘સન્નિધાન’ શરૂ કર્યું તેનું મહત્ કારણ આવા નૉટો ઉતરાવનારા …

લેટ સિક્સ્ટીઝથી અર્લિ નાઇન્ટીન્સ લગી બસોમાં ફરવાનું બહુ થયેલું – વ્હાલા ગુજરાતી સાહિત્ય અંગે વ્યાખ્યાનો માટે સ્તો ! કેટલીક વાર, વિદ્યાનગરથી અમદાવાદ જતાં, બસમાં એકપણ સીટ ખાલી ન હોય ને એ સ્થિતિને મેં ઊભાંઊભાં વેઠી હોય. એક વાર એક પૅસેન્જર મારી જેમ જ ઊભેલો પણ એના મૉંએ રૂમાલ બાંધેલો. હું પૂછું એ પ્હૅલાં જ એણે રૂમાલ કાઢી નાખીને કહ્યું – આગલી બસમાં બ્રેકને કારણે સીટ જોડે મૉઢું ભટકાયું. મેં જોયું કે નીચેના એના આગલા બે દાંત પડી ગયેલા, એક સાંધામાં આછું લોહી પણ હતું … મને થાય, ઘરવાળીને શું ક્હૅશે. એની એ વ્યથાને હું પણ વેઠવા લાગેલો અને રાહ જોતો’તો કે બારી બ્હાર સરતાં દેખાતાં વૃક્ષો ને ખેતરો ક્યારે પતે …

કોઈ તમાચો મારે તો બીજો ગાલ ધરવાની સલાહ સારી લાગે છે પણ બીજો ગાલ કોઈ ધરતું નથી. સહી લે છે, નતમસ્તકે નીકળી જાય છે. આ પણ એક આદર્શ છે. અવળું એ બને કે બીજા ગાલે પેલો બેત્રણ તમાચા લગાવીને જતો રહે !

પાણ્ડવોમાં સૌથી વધુ સહનશીલ હતો, અર્જુન. ભીમ ન્હૉતો. યુધિષ્ઠિર ધર્મની છાયામાં શાન્ત હતા. યુદ્ધના મૅદાનમાં અર્જુન બેસી પડેલો. એનું ગાંડિવ સરી ગયેલું. એને ક્લૈબ્યનો – નામર્દાઈનો – અનુભવ થવા લાગેલો. કેમ કે આપ્તજનોની હત્યા કરવાને વિશે એ લાચાર થઈ ગયેલો. એ ખરું છે, પણ એ પૂર્વે એણે ઘણું જ ઘણું વેઠ્યું હતું : કર્ણને વેઠ્યો. ભરી સભામાં પ્રિયા દ્રૌપદીનું વસ્ત્રહરણ વેઠ્યું. વિરાટને ત્યાં બૃહન્નલા રૂપે અવશ થઈ વારે વારે મૃદંગ બજાવ્યાં. એની કારકિર્દીમાં સંભવેલી એ લાચાર ઘટનાઓમાં એની સહનશીલતાની અવધિ હતી. એને થયેલા પ્રશ્નો તીવ્ર અને વાસ્તવિક હતા. કૃષ્ણે એના લાંબા લાંબા ઉત્તર આપ્યા તે પણ એણે સહ્યા હતા. કૃષ્ણે અર્જુનને બેઠો જરૂર કર્યો પણ મુત્સદ્દીગીરી અને ફિલસૂફી વાપરીને – જેને આપણે ‘ભગવદ્ ગીતા’ કહીએ છીએ.

દુનિયાભરમાં સૌથી વધુ કોઈ સહે છે – ના, ‘સ્હૅવું’ ક્રિયાપદ ઉચિત નથી – વેઠે છે; તે છે સ્ત્રીઓ. આ કોઈ ચર્ચાસ્પદ મુદ્દો નથી, ચર્ચાથી પર હકીકત છે. પૂર્વના દેશોમાં અને ભારતમાં બળાત્કાર, ડોમેસ્ટિક વાયોલન્સ, વગેરે દુષ્કર્મો છે અને પશ્ચિમના દેશોમાં અને અમેરિકામાં નથી એમ કહેવું જૂઠ છે. ફર્ક એટલો જ છે કે ભારતીય સ્ત્રી પોલીસ પાસે જઈને કેસ નથી કરતી, કરે તો ફાવતી નથી. મારે છે પુરુષો, માર ખાય છે સ્ત્રીઓ. ગાળો પણ ખાય છે. મા-બેન સમાની ગાળો મારનો પૂર્વ-ભાગ હોય છે – કરુણ નાટકનું ઍક્સ્પોઝિશન. સ્ત્રીઓ ગાળો નથી બોલતી કે એમના વાંકગુના નથી હોતા એમ નથી પણ એનાં ઊંડાં કારણો શોધવા બેસશો તો છેલ્લે જડી આવશે પુરુષો, જેઓએ એ સ્ત્રીઓને વાંકગુના કરવાની ફરજો પાડેલી. કોઈ કોઈ સ્ત્રીઓ જ ગાળો બોલી જાણે છે …

જુઓ, સહનશીલ વ્યક્તિ છેવટે તો એકલી પડી જાય છે. એને કાંઈ ગમતું નથી. દુનિયા જીવવા જેવી નથી લાગતી. જતા રહેવાની ઇચ્છા થાય છે. પણ જવાતું નથી, એનું સંસાર સાથેનું કનેક્શન લૂઝ પડી જાય છે અને લૂઝનું લૂઝ રહી જાય છે.

આપણે કારણે કોઈને કશું પણ સ્હૅવું ન પડે એવાં આપણે સહજ સરળ થઈએ તો કેવું સારું ! સરળતા મોટો સદ્ગુણ છે અને હકારાત્મક છે …

= = =

(April 28, 2021: USA)

Pictures Courtesy : Google Images

Loading

આપણું સામૂહિક પાપ

છાયા ઉપાધ્યાય|Opinion - Opinion|28 April 2021

આઈ.આઈ.ટી. કરી, યુ.એસ.માં પીએચ.ડી. – પંદર વર્ષ નોકરી કરી, આયોજનપૂર્વક અમુક આર્થિક સદ્ધરતા કેળવી લઈ ભારતમાં સ્થાયી થયેલાં, અંતરિયાળ વિસ્તારનાં બાળકોને ગણિત વિજ્ઞાન શિખવતાં યુગલ સાથે વાત થતી હતી. બહેને કહ્યું, "આપણે ત્યાં ટ્રાફિકનો નિયમ તોડીએ તો કૉન્ટેબલ ખીજાય, છોકરો ડ્રાઈવ કરતો હોય તો ગાળો ય બોલે, સ્ત્રી હોય તો 'આવડતું નથી ને નીકળી પડ્યા છો' એમ કહે. પણ પછી જવા દે. યુ.એસ.માં અમલદાર 'સર/મૅડમ વીલ યુ પ્લિઝ.…’ વગર વાત ના કરે, પણ જવા ના દે. તમે નિયમ તોડ્યો, દંડ ભરો, સીધી વાત."

ગામમાં ચૂંટણી સભાઓમાં જતી, બાળક તરીકે. એક ઘટના તાદૃશ્ય છે- પછીથી (કૉન્ગ્રેસ કાળમાં) મુખ્ય મંત્રી થયેલ વ્યકિતએ પ્રવચનમાં કહ્યું, "ફલાણાભાઈ, આમ તો પી.ટી.સી. બારમા પછી કરવાનું શિક્ષણશાસ્ત્રીઓ કહે છે, પણ નહીં કરીએ જાવ. તમારા બે ય છોકરા પી ટી સી  થઈ જાય પછી કરીશું." મારું માથું ભમી ગયેલું. સમાજનું કલ્યાણ થાય તેવા નિયમને વ્યક્તિગત મુદ્દે ઠેલવાનો અને પાછું તેનું ગૌરવ લેવાનું? આઠમામાં હતી, હું ત્યારે. વિષય તરીકે નાગરિક શાસ્ત્ર તે જ વર્ષે અભ્યાસક્રમમાં આવેલું. બોર્ડમાં ચોરી માટે ખ્યાત મારા ગામના સામૂહિક સાંસ્કૃતિક વંટોળમાં મેં ય સગાંવ્હાલાંને ચોરી કરાવી હતી. પણ મારા પોતા પર આવ્યું ત્યારે સમજાયેલું, "ના કરાય. ભણતરમાં ચોરી ના કરાય." મેં દસમું ગામમાં નહોંતું કર્યું.

કર્મચારી તરીકે જોડાઈ ત્યારથી મને સિસ્ટમ સમજાતી નથી. નોકરીએ હાજર થઈ ત્યારે મારા પગે ફૅક્ચર હતું. ડૉક્ટરે કહ્યું હતું કે બેઠકને સમાંતર પગ રાખવો. અધિકારી મુલાકાતે આવ્યા. વર્ગના દરવાજે ઘડીક રોકાઈ ઑફિસમાં ગયા. હું તો ઓળખું નહીં એટલે આમ ડોકાઈને જતી રહેતી વ્યક્તિને ખાસ તવજજો ના આપી. મને ઑફિસમાં તેડાવવામાં આવી ત્યારે જાણ્યું કે તેઓ સાહેબ છે. પ્રાથમિક પરિચય થયો ત્યાં સુધી હું ઊભી રહી. પણ, મારા સ્વાસ્થ્ય અંગે સભાન હોવાથી, 'મને ફૅક્ચર છે, બેસું ખુરશીમાં?' એમ રજા લઈ બેસી. મારા આચાર્ય થથરતા જીવે સાહેબની બાજુમાં ઊભેલાં. તેમનું થથરવું મને સમજાતું નહોતું. … સાહેબના ગયા પછી આચાર્યે કહ્યું, "ખરાં છો તમે તો, સાહેબથી બીતાં ય નથી?"

તે સમયે હું એટલી બાઘી હતી (ચપટી સુધારો થયો છે) કે મેં એમ પૂછ્યું, "એટલે સાહેબથી બીવાનું એવો કોઈ નિયમ છે?" આચાર્યને જોઈને મને સાચે જ એમ લાગેલું કે તેવો નિયમ હોઈ શકે અને નિયમ તોડાય નહીં.

આદર અને કરપ્શન વચ્ચે ભેદ છે, આટલો જ. સાહેબ આવે ત્યારે માનપૂર્વક ઊભા થવું, આપણા કામનો હિસાબ આપવો, ના આવડતું હોય તો સલાહ લેવી – તેમને માલિક બનાવ્યા વગર (બોલ્ડમાં).

વિજ્ઞાનમાં (સાદી ભાષામાં) કામ/Workની વ્યાખ્યા આમ છે: સ્થિતિમાં (state of the…) બદલાવ. મેં એક દડાને ધક્કો માર્યો અને તે ના ખસ્યો તો તે કામ થયું ના કહેવાય. ભાષાકીય રીતે કહેવાય 'Not done'. એમ કહેવામાં 'work' શબ્દ પણ ખપમાં નથી લેવાતો. મારે એવાં એવાં કામ કરવાનાં થાય છે, જેને કામ જ ના કહેવાય. જ્ઞાની મિત્રોનું મગજ અને જીવ ખાઈને મેં સમજવા પ્રયત્ન કર્યા છે કે અમુક પત્રકનો end હેતું શું? જવાબ : 'બસ, system / પરંપરા / નિયમ છે.' પણ હું મૂઈ માસ્તર છું અને સભાન જીવ છું – સિસ્ટમમાં ન બંધાવું, મારા વિદ્યાર્થીને તે પ્રત્યે સભાન કરવો તે મારી નૈતિક ફરજ છે. પણ, Alas…. સિસ્ટમમાં રહીને ખૂબ કામ કર્યાં છે બૉટમ ટુ ટૉપ – અને એવા અધિકારી મળ્યા છે જે 'Get things done and that too qualitatively, with human touch', પણ, પ્રશ્ન એ છે કે તે વ્યવસ્થાનું નિહિત ચલણ કેમ નથી, અપવાદ કેમ છે?

રસોઈ કરવાની હોય, ધંધો કરવાનો હોય કે વર્ગ લેવાનો હોય, કામ કરનાર પાસે તેની બ્લુ પ્રિન્ટ હોય. ના હોય તે બૈરું ફૂવડ કહેવાય, ધંધો ના ચાલે, માસ્તર ફેઈલ જાય. પણ, ભારતનું વહીવટીતંત્ર એમ જ ચાલે છે.

અને Quality? કઈ બલાની વાત કરો છો?

સિલીકોન વૅલી – અમેરિકાની અને ભારતની – દુનિયાભરની સિસ્ટ્મ્સ માટે સૉફ્ટવેર બનાવે છે અને તેમાં ભારતીયો નોંધપાત્ર છે. આવી સિસ્ટમ્સની પ્રાથમિક જરૂરિયાત તરીકે હોય 'કસ્ટમર ફ્રેન્ડલીનસ'. આપણી દેશી કોઈ પણ સાઈટ કે ઍપ લઈ લો. ઍવરેજ કસ્ટમર જાણે ચંબલનો ડાકુ હોય એમ તેની વ્યવસ્થા હોય. મને થાય, "આ લોકો પેલા પ્રોગ્રામર નવયુવાનને એમ કહેતા હશે, પ્રોજેક્ટ પ્રપોઝલ વખતે – 'make it least customer friendly, સૌંદર્ય બોધ બને તેટલો નકારાત્મક?' આપણા નવા કન્ટ્રકસન જુઓ, જગ્યા ઉપરાંતના રિસોર્સિસનો ઉપયોગ જાણે કુરુપતા નિર્માણ માટે કરાયો હોય. ઉદાસીનતા એક તબક્કો છે અધ્યાત્મનો, પણ આ તે માટેનો રસ્તો તો નથી!

વિકસીત – ફર્સ્ટ વર્લ્ડ દેશોમાં ય વ્યવસ્થા ના તો દૂધે ધોયેલી છે, ના હૉલિવુડની ફિલ્મો જેવી છે. પણ, આમ નાગરિક દંડાતો, પીલાતો, પીસાતો નથી. અને એમ થાય તો ન્યાય માંગી શકાય છે અને મળે પણ છે.

આરોગ્ય સેતુ ઍપનો શો ઉપયોગ કર્યો? વૅક્સિનેશનના રજિસ્ટ્રેશનના ડેટા કેટલા પ્રકારના ઍનેલિસીસ માટે વાપર્યા? આ બે હોવા છતાં કેમ સેકન્ડ વેવ પારખવામાં મોડું થયું? ગત વર્ષથી કોવિડ માટે ચોક્કસ – અલગ માળખું કેમ નથી?

શા માટે સત્તાધારી પક્ષના હોદ્દેદારો સેવા માટે નીકળે, શા માટે સરકારી માણસોની ચૅનલ ના હોય?

કેમ આપણે આત્મનિર્ભર નથી? ઍટ લિસ્ટ, આપણા આધ્યાત્મની શાખે?

કેમ આપણી બાબુશાહી આટલી જડસુ છે?

શું હજી ય અંગ્રેજોનું રાજ ચાલે છે?

આપણે ચૂંટ્યા, ચલાવ્યા કેમ આવા લોકોને?

અત્યારે જે થઈ રહ્યું છે- એ આપણું સામૂહિક પાપ છે.

સૌજન્ય : લેખિકા, છાયાબહેન ઉપાધ્યાયની ફેઇસબૂક દિવાલેથી સાદર, 28 ઍપ્રિલ 2021

Loading

રોશન નામનો ઊંટ પાકિસ્તાનમાં ઘરે રહી ભણતાં બાળકોને પુસ્તકો પહોંચાડે છે

અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Opinion|28 April 2021

નૈઋત્ય પાકિસ્તાનના છેવાડે, રણ ખેડીને રોશન નામનો ઊંટ મૂલ્યવાન બારદાનનું વહન કરે છે: કોરોના વાઈરસને લીધે થયેલાં લૉકડાઉનને કારણે શાળામાં નહીં જઈ શક્તાં બાળકો માટે પુસ્તકો.

આ બાળકો જે છેવાડાનાં ગામોમાં રહે છે ત્યાં ફળિયા એટલા સાંકડા છે કે વાહનોનું પ્રવેશવું શક્ય નથી. એટલે બાળકો પોતાના નવા વસ્ત્રો પહેરીને રોશનને મળવા દોડી જાય છે. બૂમો પાડતા એની આજુબાજુ ટોળે વળે છે : “ઊંટ આવી પહોંચ્યું છે.”

કોવિડ-૧૯ની મહામારીના પરિણામે માર્ચ ૨૦૨૦માં પાકિસ્તાનની શાળાઓ પ્રથમ વખત બંધ કરવામાં આવી. વચ્ચે વચ્ચે ખુલતી રહી છે. લગભગ પાંચ કરોડ શાળા અને યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઘરે રહી શિક્ષણ મેળવી રહ્યાં છે. ઈન્ટરનૅટ સેવાઓ નહિવત્ હોવાને કારણે બલોચિસ્તાન જેવા પ્રદેશના ગામોમાં ખૂબ મુશ્કેલી નડે છે.

રાહિલા જલાલ હાઈસ્કૂલનાં આચાર્યા છે અને એમણે એમની બહેન, જે ફૅડરલ મંત્રી છે, એમની સાથે મળીને કૅમલ લાઈબ્રૅરી પ્રૉજૅક્ટની સ્થાપના કરી છે. એ કહે છે કે એમણે ગયા ઑગસ્ટમાં આ પુસ્તકાલય શરૂ કર્યું કારણ કે શાળાઓ બંધ હોવા છતાં છેવાડાના એમના વતનમાં બાળકો શિખતા રહે એવું એ ઈચ્છતા હતાં.

પાકિસ્તાનમાં ૩૬ વર્ષોથી બાળકો માટે પુસ્તકાલય પ્રકલ્પ ચલાવતી બે સ્વયંસેવી સંસ્થાઓ ફિમેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલિફ લૈલા બુક બસ સોસાયટીના સહયોગથી આ પ્રકલ્પ ચાલી રહ્યો છે.

કૅચ જિલ્લાનાં ચાર ગામોમાં રોશન પુસ્તકો પહોંચાડે છે. અઠવાડિયામાં ત્રણ વાર એ ચારે ય ગામોમાં જાય છે અને દરેક ગામમાં બે કલાક રોકાય છે. બાળકો પુસ્તકો લઈ જાય છે અને બીજી વેળા જ્યારે રોશન જાય છે ત્યારે પરત કરે છે.

“મને ચિત્રોવાળાં પુસ્તકો ગમે છે, કારણ કે જ્યારે હું ચિત્રો અને ફોટા જોઉં છું ત્યારે હું વાર્તા સારી રીતે સમજી શકું છું,” નવ વર્ષના અંબારીન ઈમરાને રોયટર્સ ન્યુઝ એજન્સીને જણાવ્યું.

જલાલ આશા સેવે છે કે વધુ ગામોને આવરી લેવા માટે પ્રકલ્પનો વિસ્તાર થાય અને પ્રકલ્પ ચાલુ રખાય, પરંતુ એ માટે નાણાંકીય સહાયની જરૂર છે. રોશન માટે મહિને $ ૧૧૮ની જરૂર છે.

મુરાદ અલી, રોશનના રખેવાળ, કહે છે કે પ્રથમ વાર આ પ્રકલ્પ સંદર્ભે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમને આશ્ચર્ય થયું હતું પરંતુ એ માને છે કે પરિવહન માટે ઊંટ સૌથી સમજુ માધ્યમ છે.

એમને આ ફેરા કરવામાં અને બાળકોની ખુશી જોવાની મોજ પડે છે. બળતણ માટેનાં લાકડાંની ખેપ કરવામાં કમાતા હતા એટલી જ કમાણી આ કામથી તેઓ કરે છે.

પાકિસ્તાનમાં લગભગ અડધોઅડધ હિસ્સામાં ફેલાયેલું બલોચિસ્તાન અલ્પ વસ્તી ધરાવે છે અને દેશનો સૌથી ગરીબ પ્રાંત પણ છે.

સ્રોત: https://mattersindia.com/2021/04/roshan-the-camel-brings-books-to-pakistans-homeschooled-children/

Loading

...102030...1,9161,9171,9181,919...1,9301,9401,950...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved