કરો ખમૈયા, બંધ કરો આ નકરો વાણી વિલાસ
સૂગ ચડે છે અમને જોતા ભાતભાતના લિબાસ
કરો ખમૈયા, બંધ કરો આ નકરો વાણીવિલાસ
ઘેલા થઈને જોઈ રહ્યા’તા શુભદિવસોની વાટ
પણ મિજબાની કરતા દીઠાં ગીધડાં સરિતાઘાટ
નવરા બેઠા અમે આદરી મનની ફેરતપાસ
કરો ખમૈયા, બંધ કરો આ નકરો વાણીવિલાસ
ભૂલા પડ્યા કે મારગ ભૂલ્યો કોને કરીએ રાવ?
ધોળા દિવસે, સૂરજ સાખે લાગ્યા કેવા ઘાવ!
નજરું સામે એ તો મહાલે, કરીએ કેમ તલાશ?
કરો ખમૈયા, બંધ કરો આ નકરો વાણીવિલાસ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 11
![]()


દુનિયાના સમૃદ્ધ અને વિકસિત દેશોમાંના એક જાપાનની સરકારે તાજેતરમાં સવાસો વરસ જૂના, લગ્ન પછી દંપતીને એક સમાન અટક અપનાવવાના કાયદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. એ જ દિવસોમાં ગુણવંતી ગુજરાતના, અમદાવાદ જિલ્લાના સાણંદમાં, ૨૧ વરસના દલિત યુવાનને દરબાર જેવી અટક હોવાના લીધે માર મારવામાં આવ્યો છે. ઈ.સ. ૧૮૯૬માં જાપાને કાયદો કરીને લગ્ન પછી પતિ-પત્નીએ એકસરખી અટક રાખવાનું ઠરાવ્યું હતું. એક અંદાજ મુજબ જાપાનની ૯૬ ટકા સ્ત્રીઓને લગ્ન પછી પતિની અટક અપનાવવી પડે છે. મહિલા જાગૃતિકરણ અને સમાનતાના આ જમાનામાં સ્ત્રીઓને તે ખટકતું હોઈ, તેઓ લાંબા સમયથી આ કાયદો બદલવાની માંગ કરે છે. જાપાનના વડા પ્રધાને દેશના લોકમત અને પોતાના પક્ષની ઉપરવટ જઈને સ્ત્રીઓની તરફેણમાં કાયદો બદલીને કોઈને લગ્ન પછી અટક બદલવાની જરૂર નથી, તેવો નિર્ણય લીધો છે. ઘરઆંગણે ગુજરાતમાં કોરોના મહામારીની હાડમારીથી રાહત મેળવવા જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકાના ભેટાડી ગામનો દલિત યુવાન ભરત જાદવ સાણંદના કારખાનામાં મજૂરી કરવા આવ્યો હતો. સાણંદ વિસ્તારના દરબારો જેવી જાદવ અટકના કારણે ભરતને દરબારોએ માર મારીને ભગાડી મૂક્યો છે. જાપાનમાં પિતૃસત્તા અને ગુજરાતમાં જ્ઞાતિસત્તાને કારણે આજકાલ અટક વિવાદમાં છે.