વર્તમાન સમયમાં, વિશ્વમાં ચારેબાજુ ઊઠેલા વિવિધ સળગતા પ્રશ્નોથી થતા અજંપાની અભિવ્યક્તિ
******************** *********************** ***************
માયાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં કેમ કરી બોળું?
જુગજૂની વાતોથી બાંધેલા જીવને શિવ ભણી કેમે ઝબોળું?
ગોવર્ધન પર્વતને આંગળીએ ઝીલી,
લીધા ઉગારી તેં ગોકુળના વાસી.
નરસિંહ, પ્રહલાદ ને કેવટની નાવડી,
શબરી, અહલ્યા અનેક લીધા તારી.
મીરાંને કાજ એ મેવાડના પ્યાલામાં ઝેરને અમૃતથી ઘોળ્યું;
કેમ રે સંતાયો આજ, તું યે ના દેખે આ કાળુ ને ધોળુ?!
ફૂંફાડે ફેણ ધરી અવનવા કાળીનાગ,
ડોલે મદારીનાં ડુગડુગિયાં ગાન-તાન,
કેટલાંયે આસપાસ મેલાં દુઃશાસન,
ખેંચીને ચીર આજ સર્જે મહાભારત.
ધૃતરાષ્ટ્રના પાટા ને ખોટા અંધાપાને કેમ કરી અહીંયા ઢંઢોળું?
નહિ આવે જીસસ, કબીર કે કહાન કૈં, કળિયુગમાં ખાલી શું ખોળું?
પાક્યો સમય હવે પરિત્રાણ સાચો,
ને આવ્યો વખત દુષ્કૃત્ય-વિનાશો,
સમરાંગણો, મહામારી આ હટાવો
બની પાર્થસારથિ, વિષાદો મિટાવો.
સંસ્થાપવાને કુરુક્ષેત્રે ધર્મો, પધારો તો વાતો ફરીથી વાગોળું;
વેદનાના દોરડે બાંધેલી ગાગરને સાગરમાં શાંત થઈ બોળું.
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com
![]()


કોઈ મને કહે કે : તે દિવસ પછી તો, તમે મને બહુ જ ગમવા લાગ્યા છો : તો એના દિલમાં એને સારું જ લાગતું હોય છે, સાંભળીને મારું મન પણ હસુ હસુ થઈ જાય છે. ભાષા આપણને જોડે છે. સમ્બન્ધ દૃઢ થાય છે, ન હોય તો નવો શરૂ પણ થાય છે.
‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકોને ‘લંડન કૉલિંગ’ કૉલમ અને એના લેખક વિપુલ કલ્યાણી જરૂર યાદ હશે. ગાંધીવાદી પત્રકાર, સાહિત્યકાર અને યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના પ્રમુખ વિપુલભાઈ બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર જાણે ભેખ લીધો હોય એમ સતત કાર્યશીલ રહ્યા છે. માત્ર મહેફિલો-મુશાયરા નહીં, બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે, શિક્ષકો અને પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં-કરાવ્યાં છે અને ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિપુલભાઈએ બ્રિટનમાં રહીને ગુજરાતી ભાષામાં ચલાવેલા ‘ઓપિનિયન’ સામયિકને પચીસ વર્ષ પૂરાં થયાં. એ નિમિત્તે પ્રસ્તુત છે ‘જન્મભૂમિ પ્રવાસી’ના વાચકો માટે લીધેલી તેમની ખાસ મુલાકાતની ખાસ ખાસ વાતો.
1975માં કટોકટી આવી ત્યારે વિપુલભાઈ ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પત્રકાર હતા. બ્રિટિશ પાસપોર્ટ તો હતો જ. તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં જ સ્થાયી તયા. બ્રિટનમાં અંગ્રેજી ભાષાનું અને યુરોપના બીજા દેશોમાં જે તે દેશની ભાષાનું સામ્રાજ્ય. આ દેશોમાં વસતા ગુજરાતીઓમાં ગુજરાતી ભાષા પ્રત્યેની સમજણ અને લગાવ આવે તેવો ત્યારથી જ વિપુલભાઈનો પ્રયત્ન રહ્યો. એ પહેલા છૂટાંછવાયાં કામો અને પ્રવૃત્તિ થતાં. સામયિકો, કાર્યક્રમો, કવિઓ, લેખકો અને લહિયાઓ, ગુજરાતી ભાષા શીખવવાના વર્ગો બધું ખરું, પણ એકવાક્યતા નહીં. તેથી ગુજરાતી સાહિત્યનાં વિવિધ પાસાંઓ તેમ જ પ્રવૃત્તિઓને વેગ આપવા, ગુજરાતી ભાષાની અસ્મિતાનો વિકાસ કરવા અને ગુજરાતી સંસ્કૃતિનો પ્રસાર-પ્રચાર કરવા 1977માં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરવામાં આવી.’ અકાદમીનું મહામંત્રીપદ વિપુલભાઈએ 1978ના અરસામાં 37 વર્ષની ઉંમરે સંભાળ્યું અને સન 2010ના માર્ચ અંતે સિત્તેરની ઉંમરે નિવૃત્ત તે પદેથી થયા.