સાંતા ક્રુઝમાં કાનજીભાઈ અને હસનઅલીનાં બાળકો સાથે બેસીને ગુજરાતી શીખતાં
સાંજ પછી કોઈ ટ્રેનથી આવે તો ફાનસ અને લાઠી લઈ તેડવા સ્ટેશને જવું પડતું
માનશો? ૧૯૨૮ સુધી સાંતા ક્રુઝમાં ઈલેક્ટ્રીસિટી નહોતી
ઘોડ બંદર પર ઘોડા દોડાવવાનું બંધ કરીને ચાલો પાછા શાંત કુંજ, સોરી, સાંતા ક્રુઝ. છેક ૧૯૨૦ સુધી જુહુનો દરિયા કિનારો સાંતા ક્રુઝ કે વિલે પાર્લે સાથે જોડાયો જ નહોતો. જુહુનો એક અલગ નાનકડો ટાપુ હતો. ઓટ વખતે ત્યાં ચાલીને જઈ શકાતું. ૧૮૯૬માં મુંબઈમાં પ્લેગનો રોગચાળો ફેલાયો તેણે બીજાં કેટલાંક પરાંની જેમ સાંતા ક્રુઝના વિકાસમાં પણ મદદ કરી. ખાધે પીધે સુખી લોકો તળ મુંબઈ છોડીને પરાંમાં રહેવા ગયા. શરૂઆતમાં તો તેમણે જ્યાં મળી ત્યાં જગ્યા ભાડે લઈ લીધી, પણ પછી ધીમે ધીમે જમીન ખરીદીને પોતાના બંગલા બંધાવ્યા. પ્લેગનો ભય દૂર થયો તે પછી ઘણા તો પાછા તળ મુંબઈમાં રહેવા ગયા, પણ પરામાં બંધાવેલા બંગલાનો ઉપયોગ ‘સેકંડ હોમ’ તરીકે કરવા લાગ્યા. મોટા ભાગના બંગલા એક માળના હતા, કોઈક વળી બે માળના. એટલે ઘણાએ એકાદ માળ ભાડે આપવાનું શરૂ કર્યું. એ રીતે બંગલો અવાવરુ પડ્યો ન રહે અને ચોર-લૂંટારાની બીક પણ ઓછી રહે. એક પંથ ને દો કાજ. બરજોર પાવરી, હસન અલી અબ્દુલ અલી, કાનજી કરસનદાસ, તુલસીદાસ ખીમજી વગેરેએ અહીં પુષ્કળ જમીન ખરીદી હતી. તેમાંથી દાઉદી કોમના હસન અલી અબ્દુલ અલી મૂળ ધોળકાના વતની. પહેલાં તો તેમણે કોટ વિસ્તારમાં બોમ્બે સ્ટેશનરી માર્ટ સ્થાપી અને સ્ટેશનરીનો વેપાર કર્યો. ૧૮૮૭ના અરસામાં સાંતા ક્રુઝ રહેવા આવ્યા. સાંતા ક્રુઝ સ્ટેશન રોડ પર આવેલ મસ્જિદ બાંધવા માટેની જગ્યા તેમણે દાનમાં આપી હતી. ઘોડ બંદર રોડ પર પોતાને રહેવા માટે તેમણે ભવ્ય મહેલ જેવો બંગલો બંધાવ્યો હતો. તેમના માનમાં અહીંની બે ગલ્લીનું નામ હસનાબાદ લેન (પહેલી અને બીજી) પાડવામાં આવ્યું છે.

હસન અલી અબ્દુલ અલી
પ્લેગનો ભોગ બનવામાંથી બચવા જે લોકો સાંતા ક્રુઝ રહેવા આવ્યા તેમાંના એક હતા ભાટિયા કાનજી કરસનદાસ. પહેલાં તેઓ હસન અલીના મકાનમાં ભાડે રહ્યા હતા. કહેવાય છે કે કાનજીભાઈ અને હસનઅલીનાં બાળકો એક સાથે બેસીને ગુજરાતી શીખતાં. તેમને ભણાવવા માટે માસ્તર તળ મુંબઈથી આવતા. ૧૯૦૯માં પોતાનું ‘આનંદ ભવન’ બંધાઈ રહેતાં કાનજીભાઈનું કુટુંબ ત્યાં રહેવા ગયું. સાંતા ક્રુઝમાં સૌથી પહેલી ઘોડા ગાડી તેમને ઘરે આવેલી એમ કહેવાય છે. તેવી જ રીતે તુલસીદાસ ખીમજી પણ તળ મુંબઈથી રહેવા આવ્યા ત્યારે પહેલાં જુહુ રોડ પરના ‘વેદ વિલા’માં ભાડે રહ્યા. ૧૯૦૯માં ઘોડ બંદર રોડ પર ‘તુલસી ભવન’ નામનો બંગલો બંધાઈ રહ્યો ત્યારે તેમનું કુટુંબ ત્યાં રહેવા ગયું.

તુલસીદાસ ખીમજીનો બંગલો ‘તુલસી ભવન’
આજના સાંતા ક્રુઝ સ્ટેશનની પૂર્વ બાજુએ અંગ્રેજોની ‘જેકલ શૂટિંગ ક્લબ’ આવેલી હતી. ત્યાં શિયાળનો શિકાર કરવા અંગ્રેજો છેક મુંબઈથી આવતા. કલબની સામે પથ્થરની ખાણ હતી. પછીથી અહીં મોટી ઝૂંપડપટ્ટી ઊભી થઈ જે ‘જેકો ક્લબ સ્લમ’ તરીકે ઓળખાય છે. ૧૯મી સદીમાં સાંતા ક્રુઝ ઈસ્ટમાં જ ફાયરિંગ રેંજ બનાવવામાં આવી હતી. ઘણા અંગ્રેજો ત્યાં નિશાનબાજીની પ્રેક્ટિસ કરવા આવતા. આજે પણ એ વિસ્તારના એક રસ્તાનું નામ ગોળીબાર રોડ છે.
૧૮૬૫માં સાંતા ક્રુઝ નજીકથી રેલવે લાઈન તો પસાર થઈ પણ અહીં સ્ટેશન નહોતું! એટલે ગુજરાતથી આવતા પારસી અને ગુજરાતી મુસાફરો કાં અહીં ગાડી રોકવા માટે પહેલેથી ગાર્ડને વિનંતી કરતા અથવા સાંતા ક્રુઝ આવે એટલે સંકટ સમયની સાંકળ ખેંચતા. સાંતા ક્રુઝને સ્ટેશન મળ્યું તે તો છેક ૧૮૮૮માં. વિલે પાર્લેના રહેવાસી એલ.એમ. મિસક્વેટાએ ઈર્લા, પાર્લા, સાંતા ક્રુઝ, જુહુ, તારા, બામણવાડા, વગેરે વિસ્તારોના લોકોની સહી ઉઘરાવીને ૧૮૮૩માં સાંતા ક્રુઝને રેલવે સ્ટેશનની સગવડ આપવા સરકારને અરજી કરી હતી. જવાબમાં સરકારે લખ્યું કે અહીં જો સ્ટેશન બંધાય તો રોજની કેટલી ટિકિટ વેચાશે એવી બાંયધરી તમે આપી શકશો તે જણાવો. જવાબમાં મિસક્વેટાએ લખ્યું કે વધુમાં વધુ રોજની ૩૦ ટિકિટ વેચાવાની બાંયધરી હું આપી શકું. સરકારે જણાવ્યું કે આટલા ઓછા મુસાફરો માટે નવું રેલવે સ્ટેશન બાંધવાનું બી.બી.સી.આઈ. રેલવેને પોસાય નહિ. આજે પણ વિલે પાર્લે ઇસ્ટમાં એક રસ્તાનું નામ મિસ્ક્વેટા સ્ટ્રીટ છે. પણ થોડા વખત પછી કેટલાક અંગ્રેજોએ કહ્યું કે અહીં સ્ટેશન બંધાય તો શિયાળનો શિકાર કરવા અને શૂટિંગની પ્રેક્ટિસ કરવા જવામાં ઘણી સગવડ પડશે. આથી રેલવે કંપનીએ પહેલાં અહીં પ્રાયોગિક ધોરણે રેલવે સ્ટેશન ઊભું કર્યું. એ વખતે નહોતું સ્ટેશનને માથે છાપરું કે નહોતા ઇલેક્ટ્રિક લાઈટ. હતાં માત્ર કેરોસીનનાં બે-ચાર ઝાંખાં ટમટમિયાં. એટલે સાંજ પછી કોઈ ટ્રેનથી આવવાનું હોય તો ઘરમાંથી હરિકેન ફાનસ અને લાઠી લઈને તેને તેડવા સ્ટેશને જવું પડતું! ૧૯૨૮ સુધી બધી સબર્બન ટ્રેન પણ સ્ટીમ એન્જિનથી ચાલતી. રેલવે સ્ટેશન થયા પહેલાં સાંતા ક્રુઝમાં જમીનનો ભાવ બે આને (આજના ૧૨ પૈસા) ચોરસ વાર હતો તે સ્ટેશન બંધાયા પછી વધીને એક રૂપિયો થઈ ગયો! અમેરિકન આંતર વિગ્રહ વખતે રૂના વેપારમાં અને શેર બજારમાં આગ ઝરતી તેજી આવી ત્યારે તળ મુંબઈમાં ઘણી રેક્લમેશન સ્કીમ શરૂ થઈ હતી. તે વખતે દરિયો પૂરવા માટે સાંતા ક્રુઝથી માટી લઈ જતા હતા. આ માટી વેગનોમાં ભરવા માટે રેલવેએ ખાસ ‘સાઈડિંગ’ બનાવ્યું હતું.

માણેકજી ગઝદર સ્કૂલ
સાંતા ક્રુઝ જૂહુના દરિયા કિનારે માણેકજી હોરમસજી ગઝદરની પુષ્કળ જમીન હતી. જો કે તેઓ રહેતા હતા અંધેરીમાં. આજનો જુહુ વિસ્તાર એ જમીન પર ઊભો છે. એવણે દરિયા કિનારે માટીની મોટી દિવાલ બંધાવીને ભરતીનાં પાણીને રોક્યાં. પછી બંધાવ્યો જુહુ તારા રોડ. અને જુહુના કિનારાને સાંતા ક્રુઝ સાથે જોડ્યો. તેમણે બહુ મોટી સંખ્યામાં કોળી, અગરી, અને ઈસ્ટ ઇન્ડિયન લોકોને નોકરીએ રાખ્યા હતા. બંધ અને રસ્તો બાંધવાના કામમાં ગઝદરે એ બધાંને રોક્યાં હતાં. આજે પણ સાંતા ક્રુઝ વેસ્ટમાં ગઝદર બંધ રોડ છે. અને ખારના એસ.બી. પાટિલ રોડ પર માણેકજી ગઝદર મ્યુનિસપલ સ્કૂલ તેમની યાદ જાળવી રહી છે. નવસારીના બરજોર પાવરી ૧૮૯૬માં સાંતા ક્રુઝ રહેવા આવ્યા હતા. તેમણે તળ મુંબઈમાં ૧૮૬૯માં ઇન્ડસ્ટ્રીઅલ પ્રેસ (છાપખાનું) શરૂ કર્યું હતું. આજના સ્વામી વિવેકાનંદ રોડથી માંડીને છેક રેલવે લાઈન સુધીની ૩૦ હજાર ચોરસ વાર જેટલી જમીન તેમણે ખરીદી લીધી હતી.
માનશો? છેક ૧૯૨૮ સુધી સાંતા ક્રુઝમાં ઈલેક્ટ્રીસિટી નહોતી! વાંદરાના રસ્તા પર ગેસના દીવા હતા, પણ સાંતા ક્રુઝના કેટલાક જ રસ્તાઓ પર કેરોસીનના દીવા હતા. ૧૯૨૭ના ફેબ્રુઆરીમાં કિલિક નિકસન એન્ડ કંપનીએ સાંતા ક્રુઝ અને તેની આસપાસના વિસ્તારને ઈલેક્ટ્રીસિટી પૂરી પાડવાનું બીડું ઝડપ્યું. ૧૯૨૮ના એપ્રિલમાં સાંતા ક્રુઝના રસ્તા પહેલી વાર વીજળીના દીવાના પ્રકાશમાં ઝળહળી ઊઠ્યા. ‘વ્હીલર વિલા’ના ગ્રાઉન્ડ પર યોજાયેલા ઉદ્ઘાટન સમાંરભમાં સર ચંદુલાલ મહેતાએ ઉદ્ઘાટનવિધિ કરી હતી. એ વખતે તેઓ મુંબઈ સરકારમાં નાણાં ખાતાના પ્રધાન હતા. એ પછી થોડા જ વખતમાં સાંતા ક્રુઝનાં ઘરો સુધી વીજળી પહોંચી. ઘરોમાં વીજળીનો પ્રકાશ પહોંચ્યો તેની સાથોસાથ વિદ્યાનો પ્રકાશ પણ પથરાયો, પણ તેની વાત હવે પછી.
*

લેડી આવાંબાઈ જમશેદજી જીજીભાઈ
ખોલાસો : દીકરીના જન્મ અને દીર્ઘાયુ માટે બાધા રાખનાર લેડી આવાંબાઈ વિષે ગયે અઠવાડિયે લખેલું વાંચીને ઘણા વાચકોએ એ બાનુ વિષે વધુ જાણવાની ઈંતજારી બતાવી છે એટલે તેમને વિષે થોડી વધુ વાત. આવાંબાઈનો જન્મ ૧૭૯૩ના ફેબ્રુઆરી મહિનામાં. બેહસ્તનશીન થયાં ૧૮૭૦ના જાન્યુઆરીની ૨૪મી તારીખે. તેમના બાવા ફરામજી નસરવાનજી બાટલીવાળાની મુંબઈના કોટ વિસ્તારમાં જૂની બાટલીની લે-વેચ કરવાની દુકાન. બીજી બાજુ નવસારીમાં ૧૭૮૩ના જુલાઈની ૧૫મી તારીખે જમશેદજી જીજીભાઈનો જન્મ. તેર વરસના થયા ત્યાં જમશેદજીએ પહેલાં માતા અને પછી પિતા ગુમાવ્યા. આવાંબાઈના પિતા ફરામજી જમશેદજીના માસા થાય એટલે મુંબઈ આવી તેમની દુકાનમાં નોકરી કરવા લાગ્યા. થોડા વખતમાં ફરામજીને ખાતરી થઈ કે છોકરો છે હોનહાર. એટલે વિચાર આવ્યો તેને જમાઈ બનાવવાનો. પહેલાં એ બન્નેને પૂછી જોયું. બંને રાજી હતાં એટલે કુટુંબીજનોને કહ્યું. અને ૧૮૦૩માં જમશેદજી અને આવાંબાઈ અદરાયાં. (પારસીઓમાં આવાં લગ્નો સામાન્ય ગણાય છે.) કેવળ આપબળે જમશેદજીએ ચીન સાથે વેપાર શરૂ કર્યો. એ માટે ચાર વખત ચીન ગયા અને પુષ્કળ કમાયા. ધણી-ધણિયાણીએ સખાવતો પણ એટલી જ કરી. ૭૫ વરસની ઉંમરે ૧૮૫૯ના એપ્રિલની ૧૪મી તારીખે સર જમશેદજી જીજીભાઈ બેહસ્તનશીન થયા તે પછી પણ લેડી આવાંબાઈની સખાવતો તો ચાલુ જ રહેલી. ખાવિંદની યાદ કાયમ રાખવા ‘સર જમશેદજી ઝંદ-પહેલવી મદ્રેસા’ શરૂ કરવા માટે ૧૮૬૨માં આવાંબાઈએ ૩૫ હજાર રૂપિયાનું દાન કર્યું. ૧૮૫૧માં ૨૩ હજાર રૂપિયા ખર્ચી જે.જે. હોસ્પિટલ નજીકના તળાવનો જીર્ણોધ્ધાર કરાવ્યો. ૧૮૬૪માં કલકત્તાનાં રમખાણો વખતે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટેના ફંડમાં સાડા સાત હજાર રૂપિયા આપ્યા. ૧૮૬૮માં ૪૭,૫૦૦ રૂપિયાને ખર્ચે ઉદવાડામાં ધર્મશાળા બંધાવી. ૧૮૬૫થી ૧૮૭૦નાં પાંચ વરસમાં મુંબઈની સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સને ૪૦ હજાર રૂપિયા આપ્યા. આવાંબાઈએ કુલ સાત દીકરા અને ત્રણ દીકરીને જન્મ આપ્યો હતો. પણ તેમાંથી ૬ સંતાનો બાળવયે જ મૃત્યુ પામ્યાં. જ્યારે ખરશેદજી, રુસ્તમજી, અને સોરાબજી એ ત્રણ દીકરા અને એક દીકરી પિરોજાંબાઈ લાંબુ જીવ્યાં હતાં. ૧૯૧૪માં પ્રગટ થયેલા સર ‘જમશેદજી જીજીભાઈ મદરસા જ્યુબિલી વોલ્યુમ’માં આવાંબાઈનો ફોટો છપાયો છે તે આ સાથે રજૂ કર્યો છે.
e.mail : deepakbmehta@google.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 10 જુલાઈ 2021
![]()


A question often raised among Gujarati NRIs at parties and elsewhere is: How to preserve the Gujrati culture if children don’t learn the language of their parents and grandparents? The obvious reason children don’t speak Gujrati, much less read or write, is that adults don’t speak the language at home. Sadly, this is true among the well educated families in India as well. It is the same everywhere: in colleges and universities, at public gatherings, as well as in conversations with friends and acauaitances. Pick up any issue of Chitralekha, a widely circulated Gujarati magazine and you will see in it a language that is an easy mixture of Gujarati and English with English words sprinkled almost every other sentence. There is even a name for this new language–Gujlish. It is prevalent all over TV and radio programs and in print media. Listen, for example, the popular Gujarati radio show by RJ Devaki just for a few minutes and you will hear conversations that are in half Gujarati and half English and sometimes mostly in English while her audience consists mostly of Gujaratis.