Opinion Magazine
Number of visits: 9677547
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું ચીન જેવી સફળતા મેળવવા તેમની શાસન રીતિ-નીતિ અપનાવીશું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 June 2021

૨૦૦૭માં ધર્મશાલામાં દલાઈ લામાને મળવાનો અવસર મળ્યો ત્યારે તેમણે અમને કહ્યું હતું કે, “મારી જિંદગી અને ચીનની સરમુખત્યારશાહી વચ્ચે ઊંધી ગણતરી (કાઉન્ટડાઉન) ચાલી રહી છે. મને ખબર નથી કે પહેલાં મારી જિંદગીનો અંત આવશે કે પછી ચીની સામ્યવાદી સરમુખત્યારશાહીનો.’ મેં તેમને કહ્યું હતું કે અત્યારે વિશ્વસમાજનો મિજાજ જોતા તમે ચીનમાં લોકશાહી જોઇને જશો એની મને ખાતરી છે.

મેં આ વાત તેમનું મન રાખવા માટે નહોતી કરી. દલાઈ લામાને આવાં કોઈ ઓઠાંની જરૂર નથી. તેઓ મેં જોયેલા બે-ચાર ટકોરાબંધ આધ્યાત્મિક પુરુષોમાંના એક છે અને મારા માટે અંગત રીતે પૂજનીય છે. મેં આમ તેમને એટલા માટે કહ્યું હતું કે ત્યારે, ૨૦૦૭માં, મને એમ લાગતું હતું કે વિશ્વ નાનામોટા પ્રશ્નો છતાં ય ધીરેધીરે વૈશ્વિકતાને સ્વીકારી રહ્યું છે અને નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું છે. બીજું ચીનનો ઢાંચો વિરોધાભાસી અને વર્ણસંકર છે. મુક્ત અર્થતંત્ર (ઑપન ઈકોનોમી) અને બંધિયાર રાજ્યતંત્ર(ક્લોઝ્ડ સોસાઈટી)નો વર્ણસંકર ઢાંચો લાંબો સમય ચાલી ન શકે. ચીનના શાસકો ઉપર નીચેથી દબાણ આવશે અને ચીનમાં રાજકીય સુધારાઓ થશે. થશે શું, કરવા જ પડશે.

બીજા વરસે ૨૦૦૮માં અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર એક અશ્વેત વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી. બરાક ઓબામાએ શ્વેત અમેરિકનોનો વિશ્વાસ જીત્યો હતો અને એક અશ્વેત વ્યક્તિની સ્વીકૃતિનો ઉત્સાહ અને તેમના પરની શ્રદ્ધા ગોરી અમેરિકન પ્રજાના ચહેરા ઉપર સ્પષ્ટ જોઈ શકાતાં હતાં. ૨૦૧૧માં જ્યાં કોઈએ કલ્પના પણ નહોતી કરી ત્યાં, આરબ વિશ્વમાં ‘આરબ સ્પ્રિંગ’ નામે ઓળખાતું આંદોલન થયું. આરબ દેશોના મુસલમાનો લોકશાહીની માંગણી સાથે રસ્તા ઉપર ઉતર્યા હતા. તેમને બંધારણીય રાજ જોઈતું હતું. તેમને કાયદાનું રાજ જોઈતું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ત્યાની પ્રજાને બંધારણને, ન્યાયતંત્ર અને પ્રજાને જવાબદાર પ્રજાસત્તાક રાજ્ય જોઈતું હતું. ભારતમાં પણ ૨૦૧૧માં રાજ્યને વધારે જવાબદાર બનાવવા માટે આંદોલન થયાં હતાં એ તમને યાદ હશે.

પણ આજે? આજે એમ લાગે છે દલાઈ લામા ચીનમાં લોકશાહી જોયા વિના આ જગતમાંથી વિદાય લેશે. ચીનની વાત છોડો, એ પવિત્ર દુઃખી આત્મા જગતનાં લોકશાહી દેશોમાંથી લોકશાહીને વિદાય લેતી કે લોકશાહીને ક્ષીણ થતી જોઈ રહ્યો છે. ખાસ કરીને જે દેશમાં તેમણે આશ્રય મેળવ્યો છે અને જે દેશને તેઓ તિબેટના ગુરુ સમાન દેશ તરીકે ઓળખાવી રહ્યા છે એ ભારતમાં લોકશાહીને ક્ષીણ થતી જોઈ રહ્યા છે. દલાઈ લામાને તેમના તિબેટ મુક્તિ અભિયાનમાં સૌથી વધુ મદદ અમેરિકાની મળતી રહી છે અને તેમની નજર સામે આજે અમેરિકામાં પણ લોકશાહી ક્ષીણ થઈ રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ બન્ને દેશમાં પ્રજાનો એક વર્ગ લોકશાહીનું માથું વધેરીને શાસકોને તાસકમાં ધરવા આતુર છે. માત્ર દસ વરસમાં આમ ઊંધા એકડા કેમ લખાવા માંડ્યા?

આવી સ્થિતિ માત્ર ભારત અને અમરિકામાં જ નથી, બીજા લોકશાહી દેશોમાં પણ છે. જે દેશો ચીનમાં લોકશાહી નહીં હોવા માટે નિંદતા હતા અને પોતાને ત્યાં લોકશાહી હોવા માટે ગર્વ અનુભવતા હતા એ દેશોને અત્યારે ચીનના ગવર્નીંગ મોડેલની ઈર્ષા થઈ રહી છે. લોકશાહી દેશોમાં કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે ચીનના શાસકો અત્યારે દુનિયામાં સૌથી વધુ મજબૂત છે અને તેમની મજબૂતીનું કારણ લોકોના દબાવ અને દખલગીરીથી મુક્તિ છે. ચીનના શાસકો મજબૂત છે કારણ કે તેઓ પ્રશ્ન પૂછનાર લોકશાહી સંસ્થાઓ(સંસદ, અદાલત, સ્વતંત્ર મીડિયા, મુક્ત વિમર્શ અને જળ, જંગલ, જમીન અને લોકોના અધિકારોનું રક્ષણ કરનારી અને શાસનનું નિયમન કરનારી લોકશાહી સંસ્થાઓ)થી મુક્ત છે. ચીનના શાસકો મજબૂત છે કારણ કે તેમને રાજ્યો અને પ્રાંતોના અધિકારક્ષેત્ર(ડીસેન્ટ્રલાઈઝેશન એન્ડ ડીસ્ટ્રીબ્યુશન ઑફ પાવર) ની ચિંતા કરવાની જરૂર હોતી નથી. આને પરિણામે ચીનના શાસકો ઝડપથી નિર્ણયો લઈ શકે છે અને માટે ચીન આગળ નીકળી ગયું છે.

ચીન આગળ નીકળી ગયું છે અને ચીન હજુ આગળ નીકળી જવાનું છે. કારણ? કારણ કે તેના શાસકોને કોઈ પૂછનાર નથી. કોઈ પૂછનાર નથી એ તેમની તાકાત છે અને તેમની તાકાત એ ચીનની તાકાત છે. આ તાકાત ખરી તાકાત છે અને તેનું અનુકરણ કરવું જોઈએ. આપણે અત્યાર સુધીમાં નાગરિકશાસ્ત્રમાં ખોટું ભણતા અને ભણાવતા આવ્યા છીએ કે ખરી તાકાત પ્રજા ધરાવે છે. ઊલટું જાગૃત અને પ્રશ્ન પૂછનાર પ્રજા રાજ્યની તાકાતને ક્ષીણ કરે છે. ગુજરાતી સાહિત્ય અકાદમીના આંગળિયાત અધ્યક્ષ વિષ્ણુ પંડ્યાએ પારુલ ખખ્ખરની બહુચર્ચિત કવિતા વિષે લખેલા નનામા સંપાદકીયમાં આ જ વાત કહી છે. વિચારનારા, જાગૃત અને પ્રશ્ન પૂછનારાઓ શાસકોની તાકાતને ક્ષીણ કરે છે અને શાસકોની તાકાતને ક્ષીણ કરનારાઓ રાજ્યની તાકાતને ક્ષીણ કરે છે અને એનું નામ જ અરાજકતા. તેમના મતે અરાજકતા એ ગુનો છે. તેઓ એ ભૂલી ગયા છે કે તેઓ અને તેમની હિન્દુત્વવાદી જમાત પુરોગામી શાસકોને પ્રશ્નો પૂછીને તેમની તાકાત ક્ષીણ કરીને અને એ દ્વારા રાજ્યની તાકાતને ક્ષીણ કરીને દિલ્હીમાં રાજ્ય કબજે કર્યું હતું અને એ અર્થમાં તેઓ પણ અરાજકતાવાદી હતા. તેમની અરાજકતા એ રાષ્ટ્રવાદ અને પારુલ ખખ્ખરની અરાજકતા એ ગુનો.

પણ આવું કહેનારાઓ છે અને આવું કહેનારાઓને સમર્થન આપનારાઓ પણ છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષે (નામ યાદ આવતું નથી અને મને ખાતરી છે કે તમને પણ નામ યાદ નહીં હોય. દરેક સ્થાને વ્હેંતિયાઓને બેસાડવામાં આવ્યા છે એટલે નામ યાદ રહેતાં નથી અને એમનું કદ જોતાં ગૂગલ કરીને એ ભાઈનું નામ શોધવાની જરૂર પણ નથી.) થોડા સમય પહેલાં કહ્યું હતું કે ભારતની સમસ્યા વધારે પડતું લોકતંત્ર છે. લોકો પ્રશ્નો બહુ પૂછે છે અને કામ કરવા દેતા નથી. આમ કહેનારાઓને સમર્થન આપનારાઓ અત્યારે મોટી સંખ્યામાં છે. કાલે કોઈ માસ્તર એમ કહે કે વિદ્યાર્થીઓ પ્રશ્નો પૂછીને ભણાવવા દેતા નથી તો આપણી પાસે બેવકૂફોની એક જમાત છે જે હોંશેહોંશે કહેશે કે સાહેબ સાચું કહે છે. પ્રશ્નો તે કાંઈ પૂછાતા હશે? સાહેબ ભણાવે ક્યારે?

તો જગતના લોકશાહી દેશોમાં કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે વિચાર કરવાથી અને પ્રશ્નો પૂછવાથી શાસકોની શક્તિ ક્ષીણ થાય છે અને પરિણામે રાજ્યની તાકાત ક્ષીણ થાય છે.  ચીન આગળ નીકળી ગયું છે કારણ કે ત્યાં વિચારવાની આદતને પ્રોત્સાહન આપવામાં આવતું નથી અને પ્રશ્નો પૂછવાની મનાઈ છે. વિચારનારાને અને પ્રશ્ન પૂછનારાને શાસન તરફથી કોઈ રક્ષણ આપવામાં આવતું નથી. હા, તમારે બોલવું જ હોય તો શાસકોની શક્તિમાં વધારો થાય અને તે પોરસાય એવું બોલો પણ અકળાવનારા પ્રશ્ન પૂછો એ ન ચાલે. શાસકોને પ્રશ્નો પૂછવાથી આખરે રાજ્યની શક્તિ ક્ષીણ થાય છે. આપણે ચીનનો મુકાબલો કરવાનો છે.

આમ ચીનના શાસકીય ઢાંચાને સફળ ઢાંચા તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે અને અત્યારે જગતમાં ચીન રેફરન્સ પોઈન્ટ બની ગયું છે. દસ વરસ પહેલાં પણ ચીન આજ જેટલી જ ઝડપથી આગળ વધતું હતું, પરંતુ તેના શાસકીય ઢાંચાને સફળ અને અનુકરણીય માનવામાં નહોતો આવતો. રાજ્યની ખરી તાકાત તેની પ્રજા છે અને પ્રજાની તાકાતમાંથી રાજ્ય તાકાત મેળવે છે એવા એક છેડાથી બરાબર બીજા છેડે પ્રજાની તાકાત શાસકોની તાકાતને અને અર્થાન્તરે રાજ્યની તાકાતને ક્ષીણ કરે છે એવી માન્યતા દૃઢ થતી જાય છે. એક દાયકામાં જગતે જાણે કે એક વર્તુળ પૂરું કરી નાખ્યું!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 જૂન 2021

Loading

કાગળનાં કોડિયાંનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 June 2021

હૈયાને દરબાર 

સુગમ સંગીતનાં બે કર્ણપ્રિય ગીતો તાજેતરમાં સાંભળ્યાં. ગુજરાતી ગીતો બહુ ગવાતાં નથી કે સંભળાતાં નથી, એવી ફરિયાદ હંમેશ માટે ઘણાને રહી છે. વાતમાં તત્ત્વ તો છે, પરંતુ એક નાનકડો વર્ગ છે જે ગુજરાતી સુગમ સંગીતને ભરપૂર પ્રેમ કરે છે, એ ગીતો સાંભળે છે તથા ગુજરાતી ગીતોમાં રસ ધરાવતા ચાહકોમાં વહેંચે છે. અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં માત્ર સુગમ સંગીતને સમર્પિત વોટ્સએપ ગ્રુપ્સ પણ છે. સૌરાષ્ટ્ર બાજુ ય હશે, પરંતુ મને એની જાણ નથી. ટૂંકમાં, વિશ્વભરમાં એક વર્ગ ખરેખર ઉત્તમ ગુજરાતી કવિતાઓ, ગીતો અને સ્વરાંકનોનો ચાહક છે. મુંબઈના હાર્દિક ભટ્ટ, પ્રતીક મહેતા, સુરતના સંજય રાઠોડ, વડોદરાના પ્રણય વસાવડા અને લંડનના ગિરીશ ચાંદેગ્રા પાસે સુગમ સંગીતનો અલભ્ય ખજાનો છે. ગુજરાતી ભાષામાં અસંખ્ય ગીતો લખાયાં છે અને સ્વરબદ્ધ થયાં છે. એ રીતે વિચારું તો ‘હૈયાને દરબાર’ કોલમમાં કદાચ સો વર્ષ ચાલે એટલાં ગીતો મળે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ગુજરાતી ગીતોના લેવાલ બહુ ઓછા છે. આ કોલમ શરૂ કરવાનો ઉદ્દેશ એ જ હતો કે આપણી માતૃભાષાનાં મીઠાં ગીતો લોકો સુધી પહોંચે. મારા આ પ્રયાસમાં મને સામેથી પણ ઘણી વાર સુંદર ગીતો ગુજરાતી સુગમ સંગીતના ચાહકો મોકલતા હોય છે. ‘કાગળનાં કોડિયાં’ ગીત લંડનથી ગિરીશ ચાંદેગ્રાએ મોકલ્યું અને ખૂબ ગમી ગયું. સુરતના જાણીતા કવિ, લેખક રવીન્દ્ર પારેખના આ ગીતને સ્વરબદ્ધ કર્યું છે આશિત દેસાઈએ અને ગાયું છે સુરેશ વાડકરે.

સુરેશ વાડકર હિન્દી તેમ જ અન્ય ભાષાઓના પાર્શ્વગાયક છે. મુખ્યત્વે એમણે મરાઠી અને હિન્દી ચલચિત્રોમાં પાર્શ્વગાયક તરીકે યોગદાન આપેલું છે. આ ઉપરાંત એમણે ભોજપુરી, કોંકણી, મલયાલમ, ગુજરાતી, બંગાળી, સિંધી ચલચિત્રો માટે પણ પોતાના કંઠે ગીતો ગાયાં છે. તેઓ ખાસ કરીને સુગમ સંગીત, ભાવગીતો તેમ જ ભક્તિગીતોના ગાયક તરીકે પ્રસિદ્ધ થયા છે. હિન્દી ફિલ્મોમાં ‘સીને મેં જલન’, ‘સાંજ ઢલે’, ‘મેઘા રે મેઘા રે’, ‘લગી આજ સાવન કી ફિર વો ઝડી હૈ’ જેવાં સરસ સ્વરાંકનો એમને ભાગે આવ્યાં હતાં. હિન્દી સિનેમાના સોનેરી યુગની એ આખરી પેઢીના કલાકાર કહી શકાય.

સુરેશ વાડકરનું પ્રદાન હિન્દી ફિલ્મ જગત ઉપરાંત મરાઠી અને ગુજરાતી સંગીત ક્ષેત્રે પણ રહ્યું છે. મરાઠી તો એમની માતૃભાષા છે, પરંતુ ગુજરાતીમાં એમણે લગભગ દોઢસો જેટલાં ગીતો ગાયાં છે.

સંગીતકાર આશિત દેસાઈ આ ગીત વિશે કહે છે, ‘આ ગીત મેં સિત્તેરના દાયકામાં ગુજરાતી સુગમ સંગીતની શિબિર વખતે સ્વરબદ્ધ કર્યું હતું. એ પછી રેડિયો પર ‘આ માસમાં ગીતો’ માટે સુરેશ વાડકર પાસે ગવડાવ્યું હતું. સુરેશજી સાથે અમારે અંગત સંબંધો છે. એમને હંમેશાં મારાં કંપોઝિશન્સ ગમે છે. આ ગીત એમણે બહુ જ સહજ-સરળ રીતે રેડિયો પર રજૂ કર્યું હતું. પ્રોફેશનલ કલાકારો કોઈ પણ ભાષામાં ગાઈ શકે છે, ફક્ત ઉચ્ચારો ક્યારેક સુધારવા પડે. મારાં સ્વરાંકનોની ખાસિયત એ છે કે કાવ્યમાં મને દૃશ્ય દેખાય તો મજા આવે. આ ગીતમાં કલ્પના એવી છે કે ‘કાગળનાં કોડિયાંનો લીધો અવતાર પછી દાઝ્યાથી કેમ દૂર રહીએ?’ કવિતાનો સાર એ જ છે કે ક્ષણભંગુર જિંદગીમાં જે મળ્યું છે એ સ્વીકારીને રહેવાનું છે. જગતના નાટ્યમંચ ઉપર આપણે જે વેશ ભજવવાનો નિર્ધારિત છે એ જ ભજવવો પડશે. જીવન ઊનનાં કોકડા જેવું છે. ઊન ઉકેલીએ તો પણ એના વળ તો એના એ જ રહે છે. એમ ઉતાર-ચડાવના વળાંકો જેવા જીવનનો છેડો છેવટે તો ભીંજાવાનો છે સૂકી રાખમાં. આ પંક્તિ, ‘ખોળિયાએ જ્યારે પંખેરી નામ પહેર્યું જ છે તો ટહુકાથી દૂર કેવી રીતે રહી શકાય?’ બહુ સચોટ છે. આ ગીત જાહેર કાર્યક્રમોમાં મેં પુષ્કળ ગાયું છે. કવિતાનો લય તરત મળી જાય તો સ્વરબદ્ધ કરવું આસાન થઈ જાય. આ ગીતમાં લય સરસ હોવાથી રિધમ પણ જળવાય છે. ગીત બની જાય પછી મને કાવ્યનું ચિત્ર તો દેખાય, એના કલર્સ પણ દેખાય.’

આ ગીત નજર સમક્ષ એક દૃશ્ય ખડું કરે છે. છેલ્લી પંક્તિઓમાં નાશવંત મનુષ્યદેહની નશ્વરતા સરસ રૂપકો દ્વારા કવિએ પ્રયોજી છે. સુરેશ વાડકરના કંઠે તો નીખરી જ ઊઠ્યું છે, પણ આશિતભાઈના અવાજમાં સાંભળવું એ ય લહાવો.

*****

બીજું માધવ રામાનુજનું ગીત, ‘એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું …’ સાંભળીને મારું બાળપણ યાદ આવી ગયું. માધવ રામાનુજને અંગતપણે મળવાનું થયું નથી, પરંતુ એમની કવિતાઓ અને ગીતો સ્મરણપટ પર નાનપણથી સજ્જડ અંકાઈ ગયાં છે.

મારા પિતાશ્રી જયંત પંડ્યા કવિ-લેખક તો હતા જ, પણ કાવ્યપઠન સરસ કરતા હતા. અમે નાનાં હતાં એ વખતે અમારે ત્યાં નવું નવું જર્મનીનું સાઉન્ડ મશીન આવ્યું હતું. પપ્પા લંડન-જર્મની ગયા હતા ત્યાંથી એમણે ખાસ મોકલ્યું હતું. સ્પૂલ ટેપમાં અમારે માટે બાળકવિતાઓ અને મમ્મી માટે એમને ગમતી કવિતાઓનું પઠન રેકોર્ડ કરીને મોકલતા. ‘પોઢો પોપટ, પોઢે સૃષ્ટિ’ જેવી બાળકવિતાઓ તો અમને ગમતી જ, પરંતુ મને હજુ પણ યાદ રહી ગયેલી પપ્પાની બે પ્રિય કવિતાઓ, જેમાંની એક લાભશંકર ઠાકરની ‘વહી જતી પાછળ રમ્ય ઘોષા’ અને બીજી માધવ રામાનુજની ‘દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન ..!’ આ બંને કવિતાઓનું ભાવવાહી પઠન પપ્પાએ કર્યું હતું. એ કુમળી વયે કવિનું નામ તો ક્યાંથી ખબર હોય પણ આજે આટલાં વર્ષે કવિતાના હૃદયસ્પર્શી શબ્દો અને પપ્પાનું રસપ્રદ પઠન મનમાં બિલકુલ અકબંધ છે. આ નાનપણનું સ્મરણ.

યુવા વયે મેં સુગમ સંગીત શીખવાનું શરૂ કર્યું ત્યારે માધવભાઈની અન્ય કવિતા, ‘એક વાર યમુનામાં આવ્યું’તું પૂર …’નો પરિચય થયો. મુંબઈના સંગીતકાર મોહન બલસારા પાસે હું ઘણી વાર ગીતો શીખવા માટે જતી હતી. સાહિત્યકાર કનુભાઈ સૂચકને ત્યાં મોહનભાઈ આવે એટલે સુગમ સંગીતની મહેફિલ જામે. એમણે મને એક વાર ‘યમુનામાં આવ્યું પૂર’ શીખવાડ્યું અને ખૂબ ગમી ગયું હતું. જો કે આ ગીત બીજા ઘણા સંગીતકારોએ સ્વરબદ્ધ કર્યું છે, પરંતુ મોહનભાઈએ શિખવાડેલી તરજ હજુ પણ ભુલાઈ નથી.

એ પછી હજુ ચારેક વર્ષ પહેલાં જ અમદાવાદમાં ગાયિકા વિભા દેસાઇને મળવાનું થયું. એમના ઘરે ગઈ ત્યારે વાતો તો ખૂબ કરી પણ એમનો જુદો જ લહેકો ધરાવતો અવાજ સાંભળ્યા વિના તો મુલાકાત પૂરી થઈ જ શકે નહીં એટલે મેં એમને કોઈક સરસ ગીત સંભળાવવાનું કહ્યું. એમણે શરૂ કર્યું, ‘કોઈના અનહદ સ્મરણમાં આંખ ભીની, કોઈ અનહદના સ્મરણમાં આંખ ભીની.’ અમર ભટ્ટનું સ્વરાંકન હતું અને વિભાબહેને એટલું સરસ એ ગાયું કે ઘરે પહોંચી ત્યાં સુધી એ ગીત સતત મનમાં ઘૂમરાયા કરતું હતું. કવિ કોણ છે પૂછતાં તેમણે કહ્યું, માધવ રામાનુજ. આ ગીત મુંબઈના સ્વરકાર પરેશ નાયકે પણ સરસ સ્વરબદ્ધ કર્યું છે અને હિમાલી વ્યાસ નાયકે ગાયું છે. હવે ચાર દિવસ પહેલાંની વાત. ગુજરાતી સુગમ સંગીતના ચાહક અને સંશોધક પ્રણય વસાવડાએ એક ગીત મોકલ્યું, ‘એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું …!’ શબ્દો સ્પર્શી ગયા. ગાયિકાનું નામ વાંચ્યું તો અન્વેષા દત્તગુપ્તા. ટેલિવિઝનના રિયાલિટી શો ‘છોટે ઉસ્તાદ’માં ઐશ્વર્યા મજમુદાર સાથે સ્પર્ધામાં જે હતી અને ખૂબ સરસ ગાતી હતી એના અવાજમાં આ ગીત સાંભળીને વિશેષ આનંદ થયો. આમ તો અમદાવાદમાં યોજાતા ‘સમન્વય’ કાર્યક્રમમાં એણે ગાયું હતું, પરંતુ શબ્દો અને સ્વરાંકન સુંદર હોવાથી ફરી ફરી સાંભળ્યું. શ્યામલ-સૌમિલ મુન્શીએ સ્વરબદ્ધ કરેલું આ ગીત મૂળ કવિતા કૃષ્ણમૂર્તિના અવાજમાં રેકોર્ડ થયું છે. ગીતના કવિનું નામ શોધ્યું તો જડ્યા માધવ. પછી તો ખાતરી થઇ ગઈ કે સંવેદનશીલતાની વાત આવે તો અત્ર-તત્ર-સર્વત્ર બધે માધવ જ છે. માધવ રામાનુજ સંવેદનાના કવિ છે અને યોગાનુયોગે એમનાં ગીતો મારા જીવનમાં અનાયાસે પ્રભાવ પાડી ગયાં છે.

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાંની વાડી ઝાકમઝોળ;
કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;
મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું …!

દુનિયાનો કોઈ પણ સંબંધ હોય એ માત્ર ને માત્ર બે જ વસ્તુ પર ટકેલો હોય છે, એક છે વિશ્વાસ અને બીજી લાગણી. એવું કોઈક અજાણ્યું સગપણ સાંભરે ત્યારે બત્રીસે કોઠે દીવા પ્રગટે અને સોણલાંની વાડી ઝાકમઝોળ થઈ જાય. આ બંને ગીતો ઈન્ટરનેટ પર મળે તો સાંભળજો. —————

કાગળનાં કોડિયાંનો લીધો અવતાર,
પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ,
પછી ટહુકાથી દૂર કેમ રહીએ?
ઊકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને
એનો છેડો ભીંજાય સૂકી રાખમાં,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું
વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય,
ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
શ્વાસોની સળિયુંને ભેગી મેલીને
કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન,
એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
ત્યારે મરવાથી દૂર કેમ રહીએ

કવિ : રવીન્દ્ર પારેખ    •   સ્વરાંકન : આશિત દેસાઈ    •   ગાયક : સુરેશ વાડકર

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 જૂન 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=692899

Loading

ગઝલ

પરેશ દવે 'નિર્મન'|Poetry|17 June 2021

માર્ગમાં ભૂવો પડ્યો છે,
આભથી ચૂવો પડ્યો છે.

ડૂબવાની શક્યતા છે,
વ્હાણનો ખૂવો પડ્યો છે.

મોતને ચાલો કહીએ,
શ્વાસનો પડઘો પડ્યો છે.

એ જ છે અફવા નગરમાં,
આયનો જૂઠો પડ્યો છે!

મેં લખેલી કૈં ગઝલનો,
વાટમાં ડૂચો પડ્યો છે.

ગોળધાણાં વ્હેંચ ‘નિર્મન’,
તર્ક પણ ઊંણો પડ્યો છે.

07.11.2018

—

e.mail : daveparesh1959@gmail.com

Loading

...102030...1,8821,8831,8841,885...1,8901,9001,910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved