Opinion Magazine
Number of visits: 9746629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દ્વિજ નામે દિલીપકુમાર

મેહુલ ત્રિવેદી|Opinion - Opinion|2 August 2021

અખંડ ભારતમાંના પંજાબના પેશાવરમાં આવેલો કિસ્સા ખાવાની બજારનો વિસ્તાર. આ તે જગ્યા છે કે જ્યાંની એક હવેલીમાં આયેશા બેગમની કૂખે મોહંમદ યૂસુફનો ૧૯રરમાં જન્મ થાય છે. તે સમયે બાજુની હવેલીમાં પૃથ્વીરાજ કપૂરનો પરિવાર વસતો હતો. જે બંને હવેલીઓ હવે પાકિસ્તાન સરકાર કદાચ મ્યૂઝિયમમાં તબદીલ કરશે. દાદા-દાદી, માતા-પિતા, કાકા-કાકી ઉપરાંત ૧ર ભાઈ-બહેનોથી ભર્યાભર્યા સંયુક્ત કુટુંબમાં બાળક યૂસુફનો ઉછેર થાય છે. તે સમયે શેરી-મહોલ્લામાં સાથે રમતો બાળમિત્ર રાજ કપૂર યૂસુફખાનને જ્યારે નાસિકની બાર્નેસ સ્કૂલમાં ભણવા મૂકવામાં આવે છે, ત્યારે એમનો સહાધ્યાયી મિત્ર પણ બને છે. જગજાહેર છે કે આગળ જતાં બાળપણના આ બંને મિત્રો ફિલ્મ-અભિનય ક્ષેત્રે વિકાસની દિશામાં પ્રગતિ માટેના પુરુષાર્થપંથની સફરના પણ વૃદ્ધાવસ્થા સુધી સાથીદાર રહ્યા. ફળોના જથ્થાબંધ વેપારી પિતા લાલા સરવરખાને ૧૯ર૬માં પેશાવર છોડીને કુટુંબ સાથે ધંધો જમાવવા મુંબઈ આવવું પડે છે. ત્યાર બાદ ક્રાફર્ડ માર્કેટમાં તે ફળોની દુકાન શરૂ કરે છે. યૂસુફને આ ધંધામાં રસ ન હોવા છતાં ય નાછૂટકે પિતાશ્રીને ધંધામાં મદદ કરતા રહે છે.

કોઈક બાબતે પિતા લાલા સરવરખાન સાથે બોલાચાલી થવાથી યૂસુફ નારાજ થઈને પૂણે જાય છે. પૂણેમાં એક પારસી કાફે ઑનર અને એક બ્રિટિશ આર્મીમેનની મદદથી યૂસુફખાનને અંગ્રેજી ઉપર સારું પ્રભુત્વ હોવાથી તેઓની કૅન્ટીનમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરી મળે છે. સમય જતાં યૂસુફ કૅન્ટીનમાં પોતાનું સૅન્ડવિચ-કાઉન્ટર શરૂ કરે છે, જે બ્રિટિશ આર્મી મેનમાં અત્યંત પ્રશંસાપાત્ર બની રહે છે.

પરંતુ આ દિવસોમાં દેશભરમાં અંગ્રેજશાસન સામે વ્યાપ્ત વિદ્રોહના ઉછાળની સ્વાભાવિક  અસર યૂસુફના દિલોદિમાગમાં પડેલી હોવાથી એક દિવસ તે કૅન્ટીનમાં અંગ્રેજશાસનની કડક ટીકા કરતું જોરદાર ભાષણ આપે છે. પરિણામે એણે થોડો વખત જેલવાસ ભોગવવો પડે છે. કૅન્ટીનની નોકરી ગુમાવી બેસે છે, પરંતુ સૅન્ડવિચ-કાઉન્ટરની પ્રાપ્ય આવકમાંથી બચતરૂપે સચવાયેલી તે દિવસોમાં ખાસ્સી મોટી ગણાતી રૂ.પ,૦૦૦ જેટલી રકમ લઈને પૂણેથી મુંબઈ પિતા લાલા મોહંમદ સરવરખાન પાસે પાછા આવે છે.

કશાક કામે દાદર જવા ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા યૂસુફખાનને પોતાના એક મિત્ર ડૉ. મસાનીનો ભેટો થાય છે. તે એમના એક ઓળખીતાને મળવા મુંબઈની એક સુવિખ્યાત સંસ્થામાં જઈ રહ્યા હોવાથી યૂસુફખાનને પણ ત્યાં પોતાની સાથે ખેંચી જાય છે. ડૉ. મસાનીના તે ઓળખીતાં એટલે દેવિકારાણી. એમની મુંબઈની જાણીતી સંસ્થા એટલે બૉમ્બે ટૉકીઝ.

ડૉ. મસાની મિત્ર યૂસુફનો દેવિકારાણીને પરિચય આપ્યા પછી બૉમ્બે ટૉકીઝમાં એને કામ આપવાની વિનંતી કરે છે, જેનો દેવિકારાણી સહર્ષ સ્વીકાર કરે છે. હિન્દી, ઉર્દૂ તથા અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકોનું સારું વાંચન ધરાવતા હોવાથી યૂસુફ બૉમ્બે ટૉકીઝમાં વાર્તાલેખન-પટકથાનું કામ શરૂ કરે છે. દેવિકાજીની પ્રતિભા આ છોકરામાં ભવિષ્યની હિન્દી ફિલ્મોના આશાસ્પદ હીરોનું હીર પારખ્યા પછી ફિલ્મ ‘જ્વારભાટા’માં એને હીરો તરીકે ૧રપ૦ના પગારમાં કામ કરવાની ઑફર કરે છે. પોતાને અભિનયની કશી જ

આવડત-અનુભવ ન હોવાથી તે આ ઑફરનો અસ્વીકાર કરે છે, જેનો હકારાત્મક વિરોધ દર્શાવતી પ્રતિક્રિયા રૂપે દેવિકાજી યૂસુફને સિનેમેટ્રોગ્રાફી અને અભિનયકલાનાં પુસ્તકો આપીને તે વાંચી જવા કહે છે. રોજ સવારસાંજ જુદી-જુદી ફિલ્મોનાં શૂટિંગ દરમિયાન અશોકકુમાર, શશધર મુખર્જી જેવા સિનિયર અભિનેતાઓનો અભિનય બારીકાઈથી જોવાનું પણ કહે છે. યૂસુફ દેવિકાજીની આ સલાહને અનુસરે છે. પરંતુ એનું બીજારોપણ તો છેક બાળપણમાં પેશાવરમાં રોજ સાંજે આગાની આંગળી પકડી એમની હવેલી પાસેના ચોક સુધી જતા, ત્યાં મૌલાના જાતજાતના કિસ્સાઓ સંભળાવતા, તે કિસ્સાઓમાંની ઘટનાઓ, પાત્રો સ્મરણમાં સાચવીને પછી ઘરે મૌલાનાએ કહેલાં વાક્યો બોલીને ભજવતા – એમાં રહેલું છે. દેવિકાજી યૂસુફખાનને ફિલ્મ અદાકાર તરીકે બીજું કોઈ નામ રાખવાનું સૂચવે છે, જે ફિલ્મરસિકો માટે સરળ અને રોમાંચક હોય. એમના દ્વારા આ સૂચનનો સ્વીકાર થયા પછી સુપ્રસિદ્ધ હિન્દી સાહિત્યકાર ભગવતીચરણ વર્માની સલાહને માન આપીને દેવિકારાણી યૂસુફખાનનું ‘દિલીપકુમાર’ નામ રાખે છે. આ વખતે યૂસુફખાનની ઉંમર ૧૯ વર્ષની હોય છે. લાંબો સમય ફિલ્મનું શૂટિંગ ચાલ્યા પછી ‘જ્યારભાટા’ ૧૯૪૪માં રિલીઝ થતાંની સાથે જ યૂસુફખાન રર વર્ષની વયે ફિલ્મ-અભિનેતા તરીકે ઉદિત થાય છે. આ ફિલ્મ નિષ્ફળ નીવડે છે. તે પછીની ફિલ્મો ‘પ્રતિમા’ અને ‘મિલન’ પણ ચાલતી નથી.

ફિલ્મ-અદાકાર તરીકે જન્મ પામી ચૂકેલા દિલીપે આ પછડાટને પરીક્ષા ગણીને એમાંના અભિનય, ફિલ્મનાં વિવિધ પાસાંઓ અંગે વિચાર કરીને વધુ ને વધુ સારું કામ કરવાની ખુદમાં સંપ્રજ્ઞતા કેળવી, જેની ફલશ્રુતિ રૂપે નાયિકા નૂરજહાં સાથેની મુખ્ય ભૂમિકાવાળી એમની ફિલ્મ ‘જૂગનુ’ સુપરહિટ નીવડી. એણે દિલીપને હિન્દી સિનેમાના નવોદિત હીરો તરીકે દેશભરમાં ઓળખ આપી. તે પછી નરગીસ સાથેની અને પરમ મિત્ર રાજ કપૂર નરગીસ સાથેની ભૂમિકાવાળી ફિલ્મો અનુક્રમે ‘મેલા’, ‘અંદાજ’ પણ સુપરહિટ નીવડી.

જેમજેમ પ્રતિભાસંપન્ન ફિલ્મ અભિનેતા તરીકેની એમની પ્રસિદ્ધિનો પારો ઊંચે ચડતો ગયો તેમતેમ એમની સામે નેક પડકારો પણ આવતા ગયા. નિષ્ફળ પ્રેમી તરીકેની કરુણ ભૂમિકાઓ સારી રીતે અદા કરવાથી આવી ભૂમિકાવાળી ફિલ્મો સફળ તો થઈ, પરંતુ આના કારણે દિલીપકુમાર ‘ટ્રેજેડી કિંગ’ તરીકેની નામના ધરાવતા લેબલબ્રાન્ડેડ અભિનેતાનાં બીબાંમાં ઢળાઈ ગયા. તે પછી એમણે કેટલીક હળવી-કૉમેડી ફિલ્મો જેવી કે ‘ગંગાજમના’, ‘સગીના’, ‘રામ ઔર શ્યામ’માં વિવિધ લાક્ષણિક ભૂમિકાઓ અદા કરી તે પણ સફળ નીવડી. દિલીપ પ્રત્યેક ફિલ્મની પોતાની ભૂમિકા પરત્વે વાસ્તવિકતા સાથેની પૂર્ણ અસરકારકતાના આગ્રહી હતા. ફિલ્મની વાર્તા અને એમાંના પાત્રનો સૂક્ષ્મ અભ્યાસ કરીને પોતીકાપણાના પરિહાર પછીના તબક્કે પાત્રપ્રવેશ સાધી પાત્રને જે વિભિન્ન કાર્યો, વિભિન્ન પરિસ્થિતિઓમાંથી પસાર થવાનું છે, એને ન્યાય મળે તે માટે તે અંગેની તાલીમ સંશોધન-પ્રક્રિયામાંથી તે પસાર થતા. ‘કોહિનૂર’ ફિલ્મના ડાયરેક્ટરે ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે’-ના અંતિમ ભાગમાં સિતાર વગાડવાનો એમનો સીન સમજાવતા કહ્યું હતું કે શૂટિંગમાં તમારો ચહેરો હોય અને અન્ય કોઈ સિતાર વગાડતું હોય એવું શૂટિંગ બીજા પાસે કરાવીએ. દિલીપને એમની આ પ્રયુક્તિ નાપસંદ હતી, એ આ સીનમાં વાસ્તવિકતા સાથેની પૂર્ણ અસરકારકતા લાવવા તે વખતના મશહૂર સિતારવાદક ઉસ્તાદ હલીમ જાફરખાન પાસે છ મહિના સુધી સિતાર શીખ્યા. આ રીતે દિલીપ પ્રયોગશીલ એવી સર્જનાત્મક અભિનેયતાનું એક અદ્વિતીય ઓજસપૂર્ણ ઉદાહરણ બની રહ્યા.

‘૭૦ના દાયકામાં એમની અદાકારીવાળી ફિલ્મો નિષ્ફળ જવાથી થોડાંક વર્ષોના વિરામ બાદ ડિજિટલ, વીડિયોના બદલાતા યુગના મંડાણમાં અભિનયના નવા બદલાવયુક્ત નિખાર સાથે દિલીપનું ઉત્તરવયે ફિલ્મોમાં વૈવિધ્યસભર પ્રૌઢભૂમિકા રૂપે પુનરાગમન થયું. ‘વિધાતા’, ‘શક્તિ’, ‘કર્મા’, ‘સૌદાગર’ આ દરેક ફિલ્મ સફળ થવા પાછળનો મોટા ભાગનો યશ એમને જ મળ્યો. છેલ્લી ફિલ્મ ‘કિલા’નું એમણે વૃદ્ધાવસ્થાની જરા ય પરવા કર્યા વિના ૧૦૧ ડિગ્રી તાવ હોવા છતાં ય સવારે ૧૧-૦૦ થી મોડી રાત સુધી શૂટિંગ કર્યું. આ છે ફિલ્મને સમર્પિત એક સક્ષમ અને સંનિષ્ઠ અદાકારનું ‘ડેડિકેશન’ અને ‘ઇન્વૉલ્વમેન્ટ’. ઇયત્તા એમની ફિલ્મોની ગુણવત્તા કરતાં ઘણી જ ઊંચી થતી ચાલી. ફિલ્મફેરથી માંડીને ફાળકે સુધીના બધા જ ઍવૉડ્‌ર્ઝ એમની ઊંચાઈ આગળ વામણા પુરવાર થયા. ક્વૉલિટેટિવ હાઇટની લૅન્થની રેન્જ પણ એમના અનુગામી અભિનેતાઓની ત્રણ પેઢી સુધી વિસ્તરતી ચાલી.

એક ઍડ્‌વર્ટાઇઝિંગ એજન્સીએ દિલીપકુમારને મળીને એક ઍડ્‌વર્ટાઇઝમાં કામ કરવાની ઑફર કરી. આ માટે મોંમાગ્યા રૂપિયા આપવાની તૈયારી બતાવી. એમણે નમ્રભાવે તે એજન્સીના માલિકને કહ્યું કે પોતે જાહેરખબર માટે નહીં, પરંતુ ફિલ્મો માટે સર્જાયા છે. તત્કાલીન વડા પ્રધાન નેહરુજી સાથે એમને ઘનિષ્ઠ સંબંધ હોવા છતાં ય એલ.આઈ.સી.ની એક જાહરેખબર માટેના એમના પ્રસ્તાવનો પણ દિલગીરી સાથે અસ્વીકાર કર્યો હતો.

આનો અર્થ એ નથી કે ફિલ્મ-અભિનેતા તરીકે દિલીપકુમારને રસ માત્ર અભિનય પૂરતો જ સીમિત હતો. આ ઉપરાંત તે સાહિત્ય, સંગીત, રમત-ગમત જેવા વિષયોમાં પણ સારો રસ ધરાવતા હતા. અભિનેતા તરીકેની પોતાની અનેક વર્ષો સુધીની લાંબી કારકિર્દી દરમિયાન નવરાશના સમયે ઘરે યુજિન ઓ’નિલ, ફ્‌યોદોર દોસ્તોયેવ્સ્કી, ટેનિસી વિલિયમ્સ જેવા સમર્થ વિદેશી સાહિત્યકારોની ક્લાસિક કૃતિઓ વાંચતાં ઉર્દૂ ઉપર સારું પ્રભુત્વ હોવાથી કેટલાક ખ્યાતનામ ઉર્દૂ કવિઓની ગઝલોના શેરો એમને કંઠસ્થ હતા. તે બ્રિજ, ચેસ જેવી રમતો સરસ રીતે રમી જાણતા. ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ પહેલાં તે ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. ઊંચા ગજાના બૉલર તરીકે એમણે એક જમાનાના ભારતીય ક્રિકેટટીમના કૅપ્ટન મનસૂરઅલીખાન પટૌડીની પ્રશંસા જીતી લીધી હતી. નૌશાદ, રફી વગેરે સાથે યથાવકાશ બેડમિન્ટન પણ રમી લેતા. ‘મુસાફિર’માં લતા મંગેશકર સાથે, ‘સગીના’માં કિશોરકુમાર સાથે અને ‘કર્મા’માં કવિતા ક્રિશ્નમૂર્તિ સાથે પણ એમણે ગીત ગાયું હતું.

બહુમુખી પ્રતિભાના માલિક દિલીપકુમારમાં પડેલી આ બધી શક્તિઓના કારણે એમની ભૂમિકાવાળી તમામ ફિલ્મોમાં તે માત્ર પોતાની ભૂમિકા પૂરતું જ ધ્યાન ન આપતા પરંતુ ક્લેપરબૉય, લાઇટમેનથી માંડીને પ્રોડ્યુસર, ડાયરેક્ટર સુધી, ફિલ્મની પટકથા, સંગીત, સિનેમેટોગ્રાફી દરેકે દરેક પર પણ ધ્યાન આપીને યોગ્ય સલાહસૂચનો કરતા. દરેક પ્રત્યે સ્નેહાદરભર્યો વર્તાવ દાખવીને સારા ફિલ્મનિર્માણ માટે એકબીજા પ્રત્યે સુમેળભર્યો સહકાર કેળવીને કામ કરવાની કોશિશ કરતા. બધા જ એમનાં સલાહસૂચનો સ્વીકારીને કામ કરતા. પરિણામે એમની ભૂમિકાવાળી મોટા ભાગની ફિલ્મો અન્ય ફિલ્મો કરતાં તદ્દન નોખી ભાત ઉપસાવતી. આમ, એમની ફિલ્મ-મૅનેજમેન્ટ માસ્ટરી પણ અસાધારણ હતી.

કારકિર્દીના પ્રારંભિકથી માંડીને અંતિમ વર્ષોના સમયગાળા દરમિયાન દિલીપના અંગત અને વ્યક્તિગત જીવનમાં અનેક દુઃખદ પ્રસંગોના આઘાતો વેઠવાના આવ્યા. અસ્થમાની બીમારીથી પીડાતાં માતા આયેશા બેગમ ૧૯૪૮માં, તો પિતા લાલા મોહંમદ સરવરખાન ૧૯પ૦માં અવસાન પામ્યા. ત્રણ ભાઈઓ નૂરમોહંમદખાન, અય્યુબખાન અને નાસીરખાન પણ અનુક્રમે ૧૯પ૪, ૧૯૯૧ અને ૧૯૭૬માં અવસાન પામ્યા. જન્મ અને સંસ્કારદાત્રી માતા આયેશાનું શિરચ્છ ગુમાવ્યું, પરંતુ ફિલ્મકલાની માતા દેવિકારાણીનું શિરચ્છત્ર એમના માટે આશ્વાસનરૂપ બની રહ્યું. આજીવન અપરિણીતા મોટી બહેન સકીનાએ આખાયે ઘરનો કારભાર ઉપાડી લીધો. બીજી તરફ વ્યક્તિગત જીવનમાં જુદા-જુદા સમયે સાથી ફિલ્મ-અભિનેત્રીઓ કામિની કૌશલ, મધુબાલા અને વહીદા રહેમાનના પ્રેમમાં પડ્યા, પરંતુ અનિવાર્ય સામાજિક સંજોગોના કારણે ત્રણમાંથી એકેયની સાથે એમનું લગ્ન શક્ય ન બન્યું. બાલ્યકાળથી દિલીપના ચાહક હોવાના કારણે એમની સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતાં સાયરાબાનો ફિલ્મ-અભિનેત્રી બન્યાં પછી ૧૯૬૬માં રર વર્ષની ઉંમરે દિલીપકુમાર સાથે પરણ્યાં. તેથી વહીદા સાથે દિલીપકુમારનું લગ્ન અશક્ય બન્યું. લગ્ન પછી લાંબા સમય સુધી સંતાન થઈ શક્યું નહીં. જોકે તે માટે બંનેએ પ્રયાસ કર્યો હતો, પરંતુ એમનું મિસકૅરેજ થવાથી ડૉક્ટરે દિલગીરી સાથે કહ્યું કે સાયરાજી હવે કદી ય માતા નહીં થઈ શકે. આ સાંભળી બંને ભાંગી પડ્યાં હતાં. પરંતુ દિલીપકુમારના મોટા કુટુંબનાં અનેક બાળકો સાથે જાણે પોતાનાં જ સંતાન હોય. એવું તાદાત્મ્ય અનુભવવા માંડ્યા. નવરાશનો સમય એમની સાથે પસાર થવાથી બંને એમનાં નિઃસંતાનપણાનું દુઃખ ભૂલી ગયાં.

આમ, કુટુંબીજનોનો વિયોગ, પ્રણય-વૈફલ્ય, લગ્ન પછી અણધારી આવી પડેલી નિઃસંતાનપણાની સ્થિતિ વગેરે તમામ દુઃખોના આઘાતોનાં સંવેદનો એમની અનેક ક્લાસિક વાસ્તવપ્રધાન ફિલ્મોમાંની વિવિધ ગંભીર ભૂમિકાઓને ઘડવા માટે દૃષ્ટિ પૂરી પાડે છે, તો એથી વિપરીત, સફળ થયેલી આવી ફિલ્મોમાંની એમની આ પ્રકારની વિવિધ ભૂમિકાઓના અનુભવો એમના વાસ્તવિક જીવનમાં મોટા સંસ્કારી કુટુંબ પ્રત્યેની સામાજિક જવાબદારી અંગે પણ દૃષ્ટિ પૂરી પાડે છે. ટૂંકમાં, દિલીપનું વાસ્તવિક જીવન અને ફિલ્મી જીવન બંને પરસ્પરને પૂરક અને પોષક નીવડ્યાં છે. પરંતુ આમ કરતી વખતે દિલીપે વાસ્તવિક જીવન ફિલ્મોમાં પોતાની ભૂમિકા ઉપર બિલકુલ સવાર ન થાય તેમ જ અભિનેતાપણાનો પ્રભાવ વાસ્તવિક જીવન પર તસુભાર પણ ન પથરાય, તે અંગે ખૂબ જ સભાનતા રાખી છે. રોમૅન્ટિક, કૉમેડી ફિલ્મોમાંની એમણે અદા કરેલી લાક્ષણિક ભૂમિકાઓને તથા એમના હળવાશભર્યા રંગદર્શી વાસ્તવિક જીવનને પણ આ હકીકત એટલી જ લાગુ પડે છે.

પઠાણોમાં પરંપરાગત લેખાતી જડતાને એમણે પોતાની પ્રકૃતિમાં લેશમાત્ર પ્રવેશવા દીધી નથી. એના બદલે માનવીય મૂલ્યોથી મહેકતી ઉદારતા એમણે જીવનમાં ડગલે ને પગલે આચરી છે. અંધજનોના કલ્યાણ માટે એમણે અનેક વર્ષો સુધી જાહેરમંચ પર આવીને ફાળો એકત્ર કરવાનું કાર્ય કર્યું હતું. પંજાબ તરફથી રણજી ટ્રૉફી મૅચમાં પસંદ થયેલા અને આ લખાય છે, એના થોડાક જ દિવસો પહેલાં અવસાન પામેલા યશપાલ શર્માની બૅટિંગથી પ્રભાવિત થઈને દિલીપકુમાર યશપાલને ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન આપવા તે વખતના ક્રિકેટ કંટ્રોલબોર્ડ(BCCI)ના પ્રમુખ રાજસિંહ ડુંગરપુરને વાત કરી હતી. એમની વિનંતીને ભાત ચાળીને યશપાલ શર્માની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી.

આ બધી હકીકતો ઊંચા ગજાના પ્રતિભાવાન સુવિખ્યાત અભિનેતા તરીકેના જરા ય અહમ્‌ ભાવ વિનાની એમની અંતઃકરણપૂર્વકની સામાજિક નિસબત સ્પષ્ટ કરે છે. આને લગતા એક પ્રસંગની આ લખનારની આંખો ખરેખર સાક્ષી છે.

’૭૮-૭૯માં મોરબીનો મચ્છુ ડેમ તૂટવાથી સર્જાયેલી જાનમાલની ભારે તબાહીના કારણે અસરગ્રસ્તોને સહાયરૂપ થવા ફંડ એકત્ર કરવા માટે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમથી ફિલ્મસ્ટારોની એક વિશાળ રેલી નીકળી હતી, જેમાં જુદી-જુદી ટ્રકોમાં તે જમાનાના સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મસ્ટારો સાથે અમુક હિન્દી ફિલ્મસ્ટારો પણ ગોઠવાયા હતા. ફંડ એકત્ર કરતી-કરતી આ રેલી રિલીફ રોડ પરથી પણ બપોરે પસાર થવાની હતી. આ રેલીના મુખ્ય અગ્રણી ફિલ્મસ્ટાર તરીકે દિલીપકુમાર ઉપસ્થિત રહ્યા હતા. હું તે વખતે નવમા ધોરણમાં ભણતો છોકરો. ત્રણ ટ્રકો પસાર થયા પછી ચોથી ટ્રક કેલિકો ડોમ પાસે આવી. જ્યાં ઊભો હતો, તે ટ્રકમાં વચ્ચે બધા જઈને પાસે આવીને, ફાળો આપી શકે તે માટે દિલીપકુમાર સાથે જ્હોની વૉકર ઊભા હતા. કૉફી કલરનો ખાદીનો ઝભ્ભો, પ૬ વર્ષની તે વખતની ઉંમરે, પણ માથે કાળા વાળ, લાલાશ પડતો સફેદ ચહેરો. પાસે ટ્રકમાં મોટો નળો ગોઠવાયો હતો. લોકોનું મોટું ટોળું ભારે ધક્કામુક્કી કરીને ટ્રક પાસે પહોંચીને એમાં ફાળો મૂકતું હતું. જે લોકો ટ્રક પાસે ન પહોંચી શકે, તે નળામાં સિક્કા પડે તે રીતે ફેંકતા હતા. એક-બે સિક્કા દિલીપકુમારના કપાળે અથડાઈને નળામાં પડ્યા. પણ દિલીપકુમાર તો તદ્દન નિર્લેપભાવે નળામાંથી જુદી-જુદી નોટો-સિક્કાઓ ભેગા કરી અલગ તારવીને પાસે રહેલા સ્વયંસેવકને આપવામાં જ તલ્લીન. આ ભારે પ્રભાવક દૃશ્ય હતું. આ પ્રસંગ વીત્યાનાં ૪ર વર્ષ પછી આ પળે પણ મારા સ્મૃતિપટ પર તાજગીપૂર્ણ તરવરે છે. તે ક્ષણના એમના દેખાવ કરતાં પણ વધારે તો મને સ્પર્શી ગઈ ગીતાએ પ્રબોધેલા સ્થિતપ્રજ્ઞ કર્મનિષ્ઠ માનવીના મહિમાને જાણે અનુસરતી હોય એવી એમની તેજોમય સ્પિરિચ્યુઅલ કૉન્શિયસનેસ.

હું પ૬નો થયો. લગભગ ૧૦-૧ર વર્ષ પહેલાં દિલીપકુમાર એમનાં પ૬ વર્ષ પહેલાંના ફિલ્મી અને વાસ્તવિક જીવનના ભાતીગળ ભૂતકાળને સ્મૃતિપટ પર તાજો ન કરી શકે એવી મનોદશામાં મુકાયા. શારીરિક સ્થિતિ કથળવા માંડી. હિન્દુજા હૉસ્પિટલના ડૉ. જલિલ પારકર અને બીજા ડૉક્ટરોએ સારવાર પછી એમને પ્રોસ્ટેટનું કૅન્સર-કિડની-ફેલ્યોર શ્વાસની તકલીફ જેવી બીમારીઓ હોવાનું જણાવ્યું હતું. આવી હાલતમાં પણ દિલીપકુમારે મોત સામે અડગ આત્મબળથી લડવાની જીવનની આ અંતિમ ભૂમિકાને બખૂબી નિભાવી. જગતદિગ્દર્શકે એના અમૂર્ત કૅમેરાની લાઇટ્‌સ ઑન કરીને આ ભૂમિકા નિભાવવા દીધી. તેથી તો તે ત્રણચાર વાર આ જ હૉસ્પિટલમાં સારવાર પામી સાજા થઈને ઘરે પાછા ફર્યા. પરંતુ છેલ્લી વાર જ્યારે આ હૉસ્પિટલમાં દાખલ થયા, ત્યારે જગતદિગ્દર્શકે ૭મી જુલાઈએ સવારે ૦૭-૩૦ વાગે એના અમૂર્ત કૅમેરાની લાઇટ્‌સ ઑફ કરી આ અંતિમ ભૂમિકા અટકાવી. ડૉક્ટરોના બધા જ સંનિષ્ઠ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા. શતાયુ થવા અંગેની એમના માટેની આશાનો દેશ-દુનિયાભરમાં વ્યાપેલો આશિકી અજવાશ ઓલવાઈ ગયો. ફિલ્મકાર તરીકેના એમના સાડા પાંચ દાયકા જેટલા લાંબા સતત વિકાસશીલ અને ભવ્ય કર્તૃત્વની ચિરંજીવ અસરોને સ્મૃતિલોપની તકલીફ કદાપિ નહીં થાય.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 12-14

Loading

વસંત-રજબ બેલડી

પીયૂષ મુકુન્દ પારાશર્ય|Opinion - Opinion|2 August 2021

દર વર્ષે જગન્નાથજીની યાત્રા સમયે વસંત હેગિપ્ટે અને રજબઅલી લાખાણીનું તીવ્ર સ્મરણ થઈ આવે. આજના સમયમાં આવા રાષ્ટ્રભક્તોનું હોવું એ જ વિચારી શકાતું નથી. આ બંનેના સ્મરણાર્થે આપણે ત્યાં ગુજરાત કે દેશમાં શું થઈ રહ્યું છે?

આ બંને કોઈ પક્ષના કે ધર્મના ન હતા. માનવધર્મ તેમનો ધર્મ હતો અને અન્યને નહીં, પણ પોતાની જાતને વફાદાર હતા અને આત્માના અવાજને જ અનુસરતા હતા. પોતે અન્યને અંતરાયરૂપ બને છે કે તેવું જરા પણ વાતાવરણમાંથી જણાય તો પોતાનું કાર્યક્ષેત્ર બદલાવી નાખતા. રજબઅલી તો ૧૯૩૦ના સમયમાં કરાંચીથી કાઠિયાવાડના લીંબડી ગામે આવ્યા અને કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. સ્વાતંત્ર્યની પ્રવૃત્તિઓ માટે ભાવનગર રાજ્યના તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીનો પૂરો સાથ હતો. ઉંમરના પ્રમાણમાં તેમની દેહ્યદ્રષ્ટિ ખૂબ જ સરસ હતી. ભાવનગરના સુપ્રસિદ્ધ બોરતળાવમાં સાથે બોટિંગ કરતાં અનંતરાયે આશ્ચર્ય વ્યક્ત કરતાં રજબઅલી માત્ર ૧૬ વર્ષના છે, તે માનવા તૈયાર નહતા, પણ કમનસીબે તે વખતના ભાવનગરના કેટલાક રાજકારણીઓ રજબઅલીના વધતા જતા પ્રભાવથી ખિન્ન હતા. તેથી રજબઅલીએ તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ભાવનગરથી અમદાવાદ કરી નાખ્યું. ભાવનગરમાં હતા, ત્યારે રજબઅલી અને તેમના મિત્રોની પ્રવૃત્તિઓનું સ્થળ ભાવનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર હાલમાં આવેલા કલાક્ષેત્રના મકાનમાં રહેલું, જેમાં ઝવેરચંદ મેઘાણીના જમાઈ અનિલભાઈ શાહ અને ચિત્તરંજન પાઠક, પ્રેમશંકરભાઈ ન. ભટ્ટ અને મહેન્દ્રભાઈ મેઘાણી સાથે જોડાયેલા રહેતા. આ બધા જ સ્વાતંત્ર્યસેનાનીઓ હતા, પણ દેશ સ્વતંત્ર થયા પછી આવા સેનાનીઓને અપાતું માસિક પેન્શન કોઈ લેતા હતા, તેવું યાદ નથી. મહેન્દ્રભાઈ મેઘાણીની વય ૯૬ વર્ષની છે. પ્રેમશંકરભાઈએ શાન્તિનિકેતનમાં ભાવનગર રાજ્યની સ્કૉલરશિપથી અભ્યાસ કર્યાનું જાણમાં છે.

રજબઅલી ભાવનગર હતા, ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ જ મોટી રહેતી અને તેમને કોઈ સામે મળે તો તે વ્યક્તિ તેમને પ્રણામ કરતી. તેમના મોટાભાઈએ (આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં) ગાંધીજીના આદેશને માથે ચડાવીને પોસ્ટ ઑફિસની સરકારી નોકરીનો ત્યાગ કરેલો. પણ ભાવનગરમાં આજે તેમનું કોઈ સ્મારક હોય, તો ધ્યાનમાં નથી, સિવાય કે શહેરની શામળદાસ કૉલેજમાં યોગ્ય જગ્યાએ ગાંધીજી, (ગાંધીજી શામળદાસના છ મહિના માટે વિદ્યાર્થી હતા.) બળવંતરાય મહેતા અને રજબઅલીનું સ્મારક છે. કૉલેજકાળના અભ્યાસ દરમિયાન કૉલેજના પ્રિન્સિપાલ માનનીય ટી.કે. શહાણી પણ રજબઅલીના રંગે રંગાયેલા અને રજબઅલીની જેમ ખાદીનાં અને રો-સિલ્કનાં વસ્ત્રો પહેરતા. નિવૃત્તિના સમય પછી લાંબા સમય સુધી તેઓ ભાવનગર રહેલા અને મેં તેમને આ વસ્ત્રોમાં જોયા છે.

મજાની વાત એ છે કે જૂન ૧૯૪૬માં વસંતરજબની ઘાતકી રીતે હત્યા થયા પછી માત્ર એક જ વર્ષમાં ૧૯૪૭માં તેમના અંગેનો સ્મૃતિગ્રંથ ઝવેરચંદ મેઘાણીના સંપાદનમાં પ્રકાશિત થયો અને આજથી પાંચેક વર્ષ પહેલાં ઇતિહાસવિદ્‌ ડૉ. રિઝવાન કાદરીના પ્રયત્નોથી તે ગ્રંથનું પુનઃપ્રકાશન થયું. આ પુસ્તક હાલમાં અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાનું જાણમાં છે. અમદાવાદના રાયખડ વિભાગમાં એનું નાનુંશું મ્યૂઝિયમ પણ મુકાયું છે. અમદાવાદ, ગુજરાતમાં આવતા સહેલાણીઓને જેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના દર્શન કરાવવાનો આગ્રહ થાય છે, તેમ આ સ્થળના દર્શનનો યોગ થાય તેવું પણ કરવું જરૂરી છે. ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું આ તીર્થસ્થળ છે. દરેક ભારતીયના ડી.એન.એ. ટેસ્ટમાં બધા જ સરખા છે, તેવા મોહન ભાગવતના વિધાનને અનુરૂપ આ એક ઘટના બની હતી. મોહન ભાગવત પોતે મહારાષ્ટી્રયન છે, તેવું જાણમાં છે. પણ વસંત હેગિષ્ટે પણ એક મહારાષ્ટી્રયન હતા, તે અંગે મોહન ભાગવત કે ચંદ્રકાન્ત પાટીલને કેટલી માહિતી છે? ચંદ્રકાન્ત પાટીલે રજબઅલીની કબર ઉપર કે રાયખડમાં આવેલા મ્યૂઝિયમમાં માથું ટેકવ્યું છે? કે વસંતનાં પરિવારજનો (ત્રીજી પેઢીના)ના સંપર્કમાં છે? અમદાવાદના મહારાષ્ટ્ર સમાજનું પણ દિશાસૂચન કરું છું. બરાબરને સંજય શ્રીપાદ ભાવે?

માહિતીનો અભાવ કે પ્રજાની નિસ્તેજતા, જે કહો તે પણ દર વર્ષે આ પ્રસંગે બિરાદરી કે તેવી ઘટના કે આદર્શો સાથે નિસબત ધરાવતા સેવાદળ, સેક્યુલર, લોકશાહી આંદોલન અને પ્રકાશભાઈ જેવા થોડા માણસોથી વધારે લોકો પાવન દિવસને યાદ નથી કરતા, સરકારશ્રીએ અને સમાજવાદ તરફ ઝોક ધરાવતી સંસ્થાઓ કે મહાનુભાવોએ દર વર્ષે એક મંચ પર ભેગા થઈને આ ઘટનાનું પવિત્ર સ્મરણ કરવું જોઈએ. સાચો ઇતિહાસ લખવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ સાચી ઘટનાના મજબૂત પુરાવાઓ (ઇતિ હાસ = ઇતિહાસ = આમ હતું, તો આ સત્ય ઘટના જ છે.)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 11

Loading

જવાબદારી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવવાની

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 August 2021

ગુજરાતના ઘણા મોટા એવા નાટ્યકર્મી ભરત દવે તાજેતરમાં અવસાન પામ્યા, તે નિમિત્તે જે અંજલિ-લેખો લખાયા તેમાં ભાગ્યે જ કોઈએ તેમના ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ (2017) પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો. આપણે વ્યક્તિને અમુક ક્ષેત્રમાં જાણેઅજાણે સીમિત કે કેદ કરી દેતા હોઈએ છીએ. ભરત દવે એમ માત્ર નાટ્યક્ષેત્રમાં બદ્ધ કરી શકાય તેવા ન હતા! ગુજરાતમાં દેશી રંગભૂમિની ઘણી બોલબાલા હતી. તે પછી દિલ્હી ખાતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની સ્થાપના થઈ અને તેમાં ગુજરાતના જે તેજસ્વી તારલાઓએ તાલીમ મેળવીને કામ કર્યું, તેમાંના એક તે ભરત દવે.

આજની સામાજિક–રાજકીય સ્થિતિ હરકોઈ વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકને અકળાવનારી છે. પ્રત્યેકના મનમાં તેમ જ જાહેર ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોમાં આ વિશે લગાતાર વિચારમંથન ચાલી રહ્યું છે. ભરત દવેએ આવા સામૂહિક ચિંતનને આગળ ધપાવવાના એક વિનમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક લખ્યું. આજે જે કોઈ પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે, તેની સામે કેવા પ્રશ્નો પુછાય છે, તે ભરત દવેએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યા છેઃ “શું તમે વિકાસના વિરોધી છો ? તમે હિન્દુઓના વિરોધી છો? સ્વચ્છતાના વિરોધી છો ? રાષ્ટ્રગીત ગાવાના વિરોધી છો ? તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો ? આતંકવાદને ટેકો આપો છો ? દેશદ્રોહીઓને ટેકો આપો છો ? તમે માઓવાદીઓના સમર્થક છો ? ‘કાશ્મીર માંગે આઝાદી’ જેવા નારાને તમે મંજૂર કરો છો? તમે ગૌમાંસ ખાવા દેવાના સમર્થક છો? બોલો, મોઢેથી જવાબ આપો.” ભરત દવે નમ્રતાથી જણાવે છે કે આના જવાબો આપવા માટે તમારામાં રવીન્દ્રનાથ ટાગોર જેવી કક્ષા જોઈએ જેમણે એમ કહેવાની હિંમત દેખાડેલી કે “હું તમારા પ્રશ્નોને જ સરાસર નકારી કાઢું છું, કારણ કે મૂળભૂત રીતે આ પ્રશ્નો જ ખોટા છે અને હું તમારા વિરોધમાં ઊભો છું અથવા તમારો વિરોધ કરું છું, એનો અર્થ એ નહિ કે દેશને હાનિ પહોંચાડી રહેલાં તમામ અપરાધિક તત્ત્વોના સમર્થનમાં હું ઊભો છું!” (‘ઘરેબાહિરે’)

લોકશાહીનું હાર્દ એમાં છે કે દેશમાં પ્રવર્તતાં દૂષણો નાબૂદ કરવા બાબતે સૌ કોઈ સંમત હોય. પરંતુ તેને નેસ્તનાબૂદ કરવાની સરકારી નીતિ-રીતિઓ બાબતે પ્રામાણિક મતભેદ હોઈ શકે. આ ક્ષેત્રના મોટા વિચારક જ્હૉન સ્ટુઅર્ટ મિલે કહેલું કે વાણીની સ્વતંત્રતા માત્ર મનગમતી વાતો કહેવા કે સાંભળવા પૂરતી નથી હોતી. તમને ન ગમતી વાતોને, તમે ધિક્કારતા હો એવી વાતોને, પણ તમે એટલી જ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક સાંભળો એ જ તમારી ખરી કસોટી છે. હાલના અમેરિકી વિચારક ચૉમ્સ્કી પણ કહે છે કે ઇતિહાસમાં સ્તાલિન અને હિટલર જેવા સરમુખત્યારોએ પણ તેમની પ્રજાઓને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. પણ માત્ર એવી જ વાણીનો, જે તેમને મંજૂર હોય! ભરતભાઈએ ગંભીર ચર્ચાસ્પદ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે સાંપ્રત સંદર્ભોને જોડીને ભારતમાં આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની શી દશા છે, તેના વિશે ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. જે 368 પાનાંમાં ફેલાયેલું દળદાર પુસ્તક છે.

પુસ્તકમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ પહેલાં બે પ્રકરણોમાં આલખાયેલો  છે. તે પછી પશ્ચિમી દેશોમાં કલાસ્વરૂપો ઉપરની સેન્સરશિપના કિસ્સાઓ અને તેની વિગતવાર ચર્ચા છે. તે પછી ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બુનિયાદ અને બંધારણીય જોગવાઈઓ સહિત કેટલીક સાંપ્રત ઘટનાઓની ચર્ચા છે. ભારતમાં સાહિત્ય, નાટક, કલા, ફિલ્મ, વ્યંગવિનોદ, ઇન્ટરનેટ અને મુદ્રિત તથા વિજાણુ માધ્યમોની સ્વતંત્રતા અને તેના પરની સેન્સરશિપ વિશે ચર્ચા છે. દેશદ્રોહનો કાનૂન અને ધાર્મિક અસહિષ્ણુતા આપણા દેશમાં કેવી છે, તે વિગતે વર્ણવાયું છે. આજની વૈશ્વિક કસોટીના પાયામાં વિશ્વભરમાં જમણેરી પરિબળોનો જે રીતે ઉદય થયો છે, તેની અભ્યાસપૂર્ણ ચર્ચા પછી ભારતીય રાજકારણ અને જમણેરી પરિબળો હેઠળ વાણીસ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતા સંદર્ભે કેવી સ્વતંત્રતા અને અરાજકતા પ્રવર્તે છે, તેની ચર્ચા કરતાં લેખકે પ્રાચીન ભારતમાં વૈચારિક સ્વતંત્રતા કેવી હતી, તેની પણ વિગતો આપી છે.

અંતમાં તેમના સમાપનના શબ્દો છે : “આજના અસહિષ્ણુ જગતમાં આપણને માત્ર હા-જી-હા કરનારાઓનો ખપ નથી, અંતરાત્માના ધીમા પણ મક્કમ અવાજને વિશાળ માનવજાતના આંતરવિવેક સુધી પહોંચાડી શકનારા ‘બળવાખોરો’ જ માનવજાતને વર્તમાન સમસ્યામાંથી ઉગારનારો કોઈ નવો વિકલ્પ ચીંધી બતાવશે.”

પુસ્તકના અંતે જે સંદર્ભસૂચિ આપવામાં આવી છે, તેમાં આ વિષયના મહત્ત્વનાં પુસ્તકો અને કેટલાક લેખોનો સંદર્ભ જોઈ શકાય છે.

આજે સર્વોચ્ચ અદાલત વાજબી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર વારંવાર ભાર મૂકે છે, ત્યારે વહીવટીતંત્ર, સરકાર અને તેમનાં ટેકેદાર વર્તુળો જે રીતે અભિવ્યક્ત થનાર વ્યક્તિ કે વિચારક પર કાયદાકીય અને અન્ય ધોંસ બોલાવે છે, ત્યારે માહોલ ચિંતાજનક સ્થિતિમાં પરિણમે છે. દેશભક્તિ એ કોઈ પ્રદર્શનની ચીજ નથી કે એનું કોઈ વળતર કે લાભ મેળવવાનો નથી. બંધારણ, તેની ભાવના, તે સંદર્ભે ઘડાયેલા કાયદાઓ અને વ્યાપક સમાજના સંદર્ભે કાયદાના શાસનની સ્થાપના અને તે પ્રત્યેની નિસબતમાં પણ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ શકે છે.

આ તબક્કે એ બરાબર સમજવાનું છે કે દરેકને પોતાની આઝાદી ગમે છે અને બીજો તે જ પ્રકારની આઝાદી ભોગવે તે સામે અતિશય વાંધાવિરોધ હોય છે. લોકશાહી કે બંધારણ કોઈ એક વર્ગસમૂહની આઝાદી કે તેના જતન માટે નથી. તે તો વ્યક્તિ માત્રની આઝાદીનું જતન કરવા માટે છે. અભિવ્યક્તિની સાથે વિચારસ્વાતંત્ર્ય આવી જ જાય છે. પ્રામાણિક મતભેદ અને વિરોધી વિચાર પ્રત્યે સહિષ્ણુતા એ સાચી આઝાદીનો મર્મ છે. ભરતભાઈએ તેમના જીવનમાં છેલ્લાં વર્ષો આવા ચિંતનને સમર્પિત કર્યાં છે. જે દર્શાવે છે કે એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે તેમને આ મુદ્દો કેટલો પીડતો હશે કે કેટલો નજીકનો લાગતો હશે.

રાજકીય સરકારોને એવું માનવું સદાય ગમતું રહ્યું છે કે જે કોઈ આપણી સાથે નથી તે બધાં આપણી સામે જ છે. આવી ખતરનાક વિચારસરણી ઉપર બંધારણ છે, ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ સ્થાપવાની મસમોટી જવાબદારી છે. સાચા નાગરિકો જ્યારે ટીકાટિપ્પણી કરે છે, ત્યારે તેમને આખા સમાજનું હિત અભિપ્રેત હોય છે તેમને માત્ર ને માત્ર રાજકીય વિરોધીઓમાં ખતવી દેવા એ પાગલપન છે. સત્તા કદી કાયમી હોતી નથી. સત્તા એ તો પ્રજાકલ્યાણનું સાધન માત્ર છે. જે નસીબદારોને જ પ્રાપ્ત થાય છે. તે સમયગાળામાં પોતાનો નાગરિક કોઇ પણ પ્રકારનું દુઃખ ન અનુભવે તે જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. તે સાથે એ પણ સમજવાનું છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો સાવ સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ પ્રકારની કોઈની પણ આઝાદી અમર્યાદ ન હોઈ શકે!

(અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, લેખક – ભરત દવે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ – 380 015, પ્રથમ આવૃત્તિ 2017, પાનાં 276, કિ. રૂા.400)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 09

Loading

...102030...1,8631,8641,8651,866...1,8701,8801,890...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved