આંખ ચાળે છે
યાદને
અને ખરે છે
આંસુઓ …
આભ
ચાળે છે પાણીને
અને જળકણો વેરાય છે
ધરતી પર
તે
નીચે બેઠી બેઠી
વેરાયેલું જળ ચાળે છે
અને કસ્તર ઉછાળી મૂકે છે
તે
ઘાસ થઈને ફૂટે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()
આંખ ચાળે છે
યાદને
અને ખરે છે
આંસુઓ …
આભ
ચાળે છે પાણીને
અને જળકણો વેરાય છે
ધરતી પર
તે
નીચે બેઠી બેઠી
વેરાયેલું જળ ચાળે છે
અને કસ્તર ઉછાળી મૂકે છે
તે
ઘાસ થઈને ફૂટે છે …
000
e.mail : ravindra21111946@gmail.com
![]()
સર્જકોએ ઘણું લખ્યું હોય, પણ એમનું નામ એમના કોઈ એક સર્જન સાથે વિશેષ જોડાઈ જાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ આવે એટલે યાદ આવે ‘વંદે માતરમ્’ અને એની ઊર્જા બીજું બધું પાછળ ધકેલી દે. મહાન લેખક, કવિ અને પત્રકાર, ભારતને માતા કહી વંદન કરનાર અને દેશને રાષ્ટ્રગાન (રાષ્ટ્રગીત નહીં) આપનાર બંગાળી વિભૂતિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મદિન 27 જૂને હતો.
1770 આસપાસ બંગાળ(ત્યારે બંગાળ, બિહાર અને ઓરિસ્સા એક હતાં)ના સન્યાસીઓએ સ્થાનિક મુસ્લિમ શાસક અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ બળવો કર્યો હતો. અમુક ઇતિહાસકારો તેને ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય યુદ્ધનો દરજ્જો આપે છે. આ ઐતિહાસિક ઘટના પરથી 1882માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘આનંદમઠ’ નવલકથા લખી, જેમાં ‘વંદે માતરમ્’ ગીત સમાવિષ્ટ હતું. 1952માં પૃથ્વીરાજ કપૂર, ગીતા બાલી, ભારત ભૂષણ અને પ્રદીપકુમાર જેવાં કલાકારોને લઈ ‘આનંદમઠ’ ફિલ્મ બની, તેમાં ‘વંદે માતરમ્’ ગીત રૂપે મુકાયું અને ખૂબ પ્રખ્યાત થયું. ગાયક-સંગીતકાર હેમંતકુમારની આ પ્રથમ હિન્દી ફિલ્મ હતી.
‘આનંદમઠ’ ઉપરાંત આપણને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ‘દુર્ગેશનંદિની’, ‘કપાલકુંડલા’ કે ‘વિષવૃક્ષ’ જેવી નવલકથાઓનાં નામ તો ખબર હોય, પણ એમની પહેલી નવલકથા ‘રાજમોહન્સ વાઈફ’ હતી અને એ અંગ્રેજીમાં લખાયેલી હતી, એ કદાચ જલદી યાદ ન આવે. હા, એના વિશે જાણીએ પછી એ નામ જલદી ભુલાય પણ નહીં. 1864માં આ નવલકથા ‘ઇન્ડિયન ફિલ્ડ’ સાપ્તાહિકમાં હપ્તાવાર પ્રગટ થતી હતી ત્યારે 26 વર્ષના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થઈ બ્રિટિશ ઇન્ડિયાની સિવિલ સર્વિસના ડૅપ્યુટી મૅજિસ્ટ્રેટ બની ચૂક્યા હતા. ‘રાજમોહન્સ વાઈફ’નું પુસ્તકરૂપે પ્રકાશન છેક 1994માં એમના મૃત્યુ પછી થયું. આ પછીની બધી નવલકથાઓ તેમણે બંગાળીમાં લખી હતી.
સર્જકોએ ઘણું લખ્યું હોય, પણ એમનું નામ કોઈ એક સાથે વિશેષ જોડાઈ જાય. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ આવે એટલે યાદ આવે ‘આનંદમઠ’ અને ‘વંદે માતરમ્’. આ બે શબ્દોની ઊર્જા પછી બીજું બધું પાછળ ધકેલી દે. વાત કરીએ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની, 26 વર્ષની ઉંમરે એમણે અંગ્રેજી ભાષામાં લખેલી પહેલી નવલકથા ‘રાજમોહન્સ વાઈફ’ની અને એનાં બળકટ, પ્રતીકાત્મક પાત્રોની.
શું છે ‘રાજમોહન્સ વાઈફ’નું કથાનક? – પ્રૌઢ રાજમોહનની 18 વર્ષની પત્નીનું નામ માતંગિની છે. લેખક કહે છે કે તેનાં ગૌરવ અને આત્મવિશ્વાસ જોઈને ખબર પડી જાય કે તેનો ઉછેર કલકત્તા બાજુ થયો છે. તેની આંખો મોટે ભાગે ઢળેલી હોય છે, પણ ખૂલે છે ત્યારે મેઘમંડિત આકાશમાં ચમકતા વીજલિસોટા સમી લાગે છે. ઈર્ષાળુ ને માલિકીભાવ ધરાવતા પતિએ તેને નદીએ પાણી ભરવા જવાની કે બહેનબનેવીને મળવાની મનાઈ કરી છે. એક રાત્રે એ માતંગિનીના બનેવી માધવને લૂંટવાનું કાવતરું કરતો હોય છે, ત્યારે માતંગિની એ સાંભળી જાય છે અને રાતના અંધારામાં એકલી નીકળી માધવને ચેતવી દે છે અને કહે છે કે પોતે તેને ચાહે છે.
માતંગિની ઘેર પાછી ફરે છે ત્યારે રાતોપીળો રાજમોહન તેને મારી નાખવા તૈયાર થાય છે. માંડ ભાગી છૂટેલી માતંગિનીને તેની એક માત્ર સહેલી કનક મથુરને ત્યાં છુપાવે છે. કદાવર ક્રૂર મથુરની દાનત માતંગિનીને કબજે કરવાની છે. માતંગિનીને ખબર નથી કે માધવ પણ મથુરના મકાનમાં જ કેદ છે અને મથુર જ માધવનો પિતરાઈ અને લૂંટ પાછળનું
માસ્ટરમાઈન્ડ છે. થોડી ઘટનાઓ પછી કાવતરું ફૂટી જાય છે, માધવ બચી જાય છે, મથુર આત્મહત્યા કરે છે, રાજમોહનને દેશનિકાલની સજા થાય છે ને માતંગિનીને પિયર મોકલી દેવાય છે. ત્યાં ટૂંક સમયમાં તેનું મૃત્યુ થાય છે.
ખરી મઝા વાર્તાનાં પ્રતીકો સમજવાની છે. માતંગિની ભારતના આત્માનું પ્રતીક છે – રાષ્ટ્ર તરીકે ઊગતું, સંકોચશીલ છતાં શક્યતાઓથી ભરપૂર, સંકલ્પબદ્ધ અને આકર્ષક. પણ તેના પર દુ:ખ અને ચિંતાઓનો બોજ છે, તે બંધનમાં છે. પહેલા જ પ્રકરણમાં માતંગિની પતિના હુકમને અવગણી નદીકાંઠે પાણી ભરવાં જાય છે અને ત્યાં તેને માધવ મળે છે. માતંગિની હવે સળિયામાં પુરાવા નથી માગતી, તેના સાચા ઘેર જવા ઈચ્છે છે. ભારતની ત્યારે આ જ સ્થિતિ હતી – ઊર્જા, સાહસ, પરંપરાઓમાં બંધાઈ રહેવાની અનિચ્છા અને સ્વાતંત્ર્યની ઝંખના.
મથુર અસંસ્કારી, જડ, સિદ્ધાંતવિહોણો, અત્યાચારી અને વાસનાથી ખદબદતો છે. માધવ સુંદર, યુવાન, શિક્ષિત, શ્રીમંત, પ્રગતિશીલ પણ માતંગિનીની તેજસ્વી ઊર્જા પાસે તે દિશાહીન અને મંદ જણાય છે. માધવ અને મથુર બંને અલગ અલગ પ્રકારના સામાજિક વર્ગોના પ્રતિનિધિઓ છે, પોતપોતાની નબળાઈઓને પોષવામાં જ એમની જિંદગી બરબાદ થાય છે. પણ બંનેને માતંગિનીની એષણા છે. ભારત કોનું થશે – આસુરી બળોનું કે દૈવી બળોનું?
રાજમોહનમાં પત્ની પ્રત્યે પ્રેમ-કાળજીનો સદંતર અભાવ અને અંકુશ-અધિકારનો સંપૂર્ણ પ્રભાવ છે. એથી માતંગિની તેનાથી દૂર થઈ છે. સમાજે જેને કાબૂમાં રાખવાની સત્તા આપી છે તેને કેમે કરી કાબૂમાં રાખી શકાતી નથી એથી ઝનૂને ચડેલો રાજમોહન પોતાનાઓથી જ વિખૂટા પડી ગયેલા સામ્રાજ્યવાદી માનસનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈક એમાં ભારતના એ શિક્ષિત વર્ગનું પ્રતીક પણ જુએ છે, જે બહોળા શ્રમજીવી વર્ગથી અલગ થઈ ગયો છે.
માતંગિની જેનું પ્રતીક છે તે ભારતની નવશક્તિ, નવલકથામાં કોઈ પરિણામ લાવ્યા વિના અંત પામે છે. ભારતની પ્રાણશક્તિ એના જ શિક્ષિત બુદ્ધિજીવી વર્ગના હાથે હણાય છે. પણ સૂચક એ છે કે નવલકથામાં મહત્ત્વ હણાવાનું નથી, નવશક્તિના જાગરણનું છે. એ સમયના પ્રશિષ્ટ, મધ્યકાલીન કે યુરોપીય સાહિત્યસ્રોતો જોતાં માતંગિની જેવાં પાત્રનું સર્જન એ કલ્પનાનો મોટો ‘જમ્પ’ કહેવાય.
તો, અંગ્રેજો આમાં ક્યાં છે? મેજિસ્ટ્રેટનું પાત્ર અંગ્રેજોનું પ્રતીક છે. મુત્સદી, અતિ સક્રિય, શક્તિમાન. છટકવા ન દે. એનો ન્યાય નિર્દોષનું ગળું રુંધી નાખે તો ભલે. બ્રિટિશ શાસન ન્યાય, શાંતિ, નિષ્પક્ષતા લાવ્યું છે, પણ તે ભારતની ઊભરાતી પ્રાણશક્તિને રૂંધી નાખી રહ્યું છે આ સૂર આખી કથામાં ઝીણો ઝીણો વાગતો આવે છે. સીધી આલોચના નથી, પણ તેમાં માતંગિની ક્યાં ય પોતાની જગ્યા કે પોતાના અંતરને ભરવાની કોઈ શક્યતા શોધી શકતી નથી. તેનાં પ્રેમ, સૌંદર્ય, આશા, સ્વપ્નો, હિંમત, સ્વાતંત્ર્યપ્રેમ અને નિર્ભયતા વેડફાઈ જાય છે. તેને કેદ થવું પડે છે, અત્યાચારો સહેવા પડે છે. તે ટકી શકે છે એ જ ચમત્કાર છે. જો કે એ તેની જીત નથી, કેમ કે તેને એ તો મળ્યું જ નથી જે તેને મળવું જોઈતું હતું, જેને તે ‘ડીઝર્વ’ કરતી હતી. ઊગીને ઊભા થવા મથતા ભારતની આ કરુણ નિયતિ છે. માતંગિની જેવાં લોકો પસંદગીના સાથી સાથે જીવી શકે એવો નવો સમાજ રચાવાને હજી વાર છે. એ ન થાય ત્યાં સુધી સંઘર્ષ કરવાનો છે, બલિદાન આપવાનું છે. પણ એ વ્યર્થ નહીં જાય, એક છાપ છોડીને જશે.
આમ આખી કોશિશ નવલકથાની જ નહીં, નવા ભારતની રચનાની છે. આ કોશિશ ટાગોરની નવલકથા ‘ગોરા’(1909)માં પણ છે. એમાં નવી પેઢી, જૂની પેઢીના આશીર્વાદથી નવું ભારત રચવા કાર્યાન્વિત થાય છે. ‘રાજમોહન્સ વાઈફ’ની માતંગિની એમ કરી શકતી નથી, પણ એક આશા આપીને જાય છે કે જે મશાલ પ્રગટાવી છે, તેના તેજમાં નવાં પાત્રો નવી રીતે આગળ વધશે. 1935માં એ ફરી પ્રગટ થઈ. જો કે તેનાં પહેલા ત્રણ પ્રકરણ મળી શક્યાં નહીં તેથી એ પ્રકરણો તેના બંગાળી અનુવાદનું અંગ્રેજી કરી મુકાયાં. બાકીનાં પ્રકરણો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે લખેલાં તે જ છે. ‘રાજમોહન્સ વાઈફ’ એમ.એ.માં પાઠ્યપુસ્તક તરીકે ભણાવાતી હતી.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ 1838માં. ટાગોર 1861માં જન્મેલા અને મહાત્મા ગાંધી 1869માં. 1857નો વિપ્લવ થયો ત્યારે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હયાત હતા. 1896માં કલકત્તામાં કૉંગ્રેસનું અધિવેશન હતું તેમાં પહેલી વાર વંદે માતરમ્ ગવાયું. તેની ધૂન ટાગોરે બનાવી હતી.
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે કહ્યું છે કે સ્ત્રી, ઈશ્વરની ઊર્જસ્વી નિપુણતાનું સર્જન છે. સ્ત્રી પ્રકાશ છે, પુરુષ પડછાયો છે. દેશને માતારૂપે કલ્પવા પાછળ આ જ વિચાર હશે? એ વિચારની જ પ્રબળતાથી દેશવાસીઓ ભારતમાતા માટે મરી ફીટવા તૈયાર થયા હશે?
e.mail : sonalparikh1000@gmail.com
![]()
ફ્રાઈડેની સાંજ, સરસ પવન, બેકયાર્ડમાં બેસીને, મારો પ્રિય રેડ-વાઈન, જે હું નાપા વેલી વાઈન કન્ટ્રીમાંથી ખાસ લાવ્યો હતો, તેની લિજ્જત લેતો હતો, અને સાથે હતી ભરૂચી સિકંદરની શિંગ!
અચાનક જ મિત્ર મહેશનો ફોન આવ્યો. સહેજ કેમ છો, કેમ નહિ, આમ તેમ વાત. લાગ્યું કે તે વાતો કરવાના મૂડમાં હતો. પછી તો તરત જ એ માંડ્યો બોલવા. જાણે બોલવે ચઢ્યો. પોતાના બધાં જ પ્રશ્નો, મૂંઝવણ, ઘરની, કામની, પત્નીની, અને બોસની ફરિયાદ. એક પછી એક અનેક, એકી શ્વાસે!
મને મજા આવતી હતી. નહિ કેમ કે તેને ઘણી મુશ્કેલીઓ હતી. નહિ કેમ કે તે ફરિયાદ કરતો હતો. પણ કારણ કે હું મારો પ્રિય વાઈન, સાથે સિકંદરની શિંગ, અને એક મિત્ર સાથે નિરાંતે વાતો કરતો હતો, તે પણ ફ્રાઈડે સાંજે!
જો કે માર્ચ ૨૦૨૦ પછી આજ સુધી સોમવાર અને શુક્રવારમાં ખાસ ફરક નથી હોતો. તો પણ, જેમ કહે છે ને TGIF! (થેન્ક ગોડ ઈટ ઇસ ફ્રાઈડે!)
મારી પાસે સમય જ સમય હતો તેના માટે. તેનો એકધારો એકતરફી સંવાદ, જો કે સંવાદ જ્યારે બે વ્યક્તિ વાત કરે ત્યારે ગણાય. આ તો મોનોલોગ કહી શકાય, ડાયલોગ નહિ. અમુક વાત પત્ની વિશે, તો વાત જાય બોસની ફરિયાદ પર, અને બીજી મૂંઝવણો. બધી જ વાતમાં અને બધાને વિષે જેમ અગ્નિશામક પાઇપનો આખો નળ ખૂલી ગયો હોય તેમ ધોધમાર, વિના સંકોચે, ખુલ્લી તલવારથી ફરિયાદ અને ભાંડે.
હું અવારનવાર "હા" .. "હં" .. "યસ"… "બરાબર" .."યસ" બોલ્યા કરતો, તેથી તેની વાગ્ધારાને ટેકો મળતો રહેતો. જાણે ઘણા વખતથી બોલવાનો ભૂખ્યો થયેલ અને પોતાની આપવિતી સંભળાવવા તત્પર માણસને કોઈ કાંઈ પૂછે અને એ જેમ તૂટી પડે, તેમ જ.
'બેફામ'ની ગઝલનો શેર યાદ આવી ગયો :
"થાય સરખામણી તો ઉતારતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી ..
કોણ જાણે હશે કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તન્હાઇની,
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, તેને આખી કહાની સુણાવી દીધી."
સાચે જ જો મેં પૂરેપૂરા ધ્યાનથી સાંભળ્યું હોત, તો મને બધી જ વાત પૂરા સંદર્ભથી સમજણ પડત. પણ શું ખરેખર એવા ધ્યાનથી સાંભળવાની જરૂરિયાત હતી, તેને કે મને? ના. હું માત્ર એક સારા મિત્ર તરીકે વર્તાતો હતો, પણ એક આદર્શ અને ધ્યાનસ્થ શ્રોતા તરીકે તો નહીં જ. છતાં કોઈ માણસ પિસ્તાલીસ મિનિટ સુધી એકધારી જુદી જુદી ફરિયાદ અને ગાથા ચલાવે રાખે, તે સાબિતી છે કે તે માણસને કાંઈક કહેવું છે!
ખેર, જે હોય તે. હજી સુધી તો મેં માત્ર સાંભળ્યું. મેં કોઈ સૂચન કે સલાહ આપી ન હતી.
હું તો હતો માત્ર તેની કહાનીનો, તેના પ્રશ્નોનો, એક માત્ર રડ્યો ખડયો, ઝપાટામાં આવી ગયેલો સહાનુભૂત શ્રોતા!
હું રાહ જોતો હતો કે તે જરા થંભે તો હું કાંઈ કહું. મારું શાણપણ બતાવી હું તેને કાંઈક એવું આપું જે મફત આપવા મોટા ભાગના લોકો તત્પર હોય છે તે – 'સલાહ'! મારા વર્ષોના નીવડેલ અનુભવની મહામૂલી મૂડીના ખજાનામાંથી કાઢીને એક બે સલાહરૂપી જણસો તેને આપવા હું પિસ્તાલીસ મિનિટથી રાહ જોતો રહ્યો.
તેની આટલી લાંબી વાતો કાંઈ ફોગટમાં થોડી સાંભળી છે?
પણ મારું આજનું નસીબ માત્ર સરસ રેડ વાઈન અને સિકંદરની શિંગ પૂરતું જ મર્યાદિત હતું. મારી મૂલ્યવાન મફત સલાહ એક જરૂરમંદ મિત્રને વહેંચવા જેટલું મારું સદ્ભાગ્ય મારી આજની કુંડળીમાં ન હતું !
છેવટે તે થોભ્યો. મને કહે "વિજય, થેન્ક યુ, આજે એટલું બધું સારું લાગ્યું કે આપણે બે મિત્રો એકબીજાને આપણા પ્રશ્નોની વાત કરી અને એક બીજાને (!) સલાહ આપી. કેમ ચાલે છે બીજું? કેમ છે પત્ની, બાળકો? તું, યાર, લકી છે. ખેર, કાંઈ પણ કામકાજ હોય તો કહે જે. સંભાળજે. સમય બહુ ખરાબ છે. આજે આપણે ગપ્પા માર્યા એટલે સારું લાગ્યું. બહુ ચિંતા કરવી નહીં. બધું બરાબર થઈ જશે. બસ, આ સમય નીકળી જાય એટલે છૂટ્યા!" આમ એણે મને સલાહ આપી. એ બોલ્યા જ કર્યો. હું હજી કાંઈ મારા તરફથી કહું ત્યાં તો તેણે કહ્યું "ચાલ, બાય, થેન્ક યુ.” એણે ફોન મૂકી દીધો.
મને થયું, કે બે કે ત્રણ પૂરા વાક્ય બોલ્યા વગર જ, મેં મારા મિત્રને કેટલું સારું લાગે તેવી મદદ કરી! તેને પ્રશ્નો હતા, પણ તેને શું ખરેખર તેના પ્રશ્નોના જવાબ કે નિરાકરણ જોઈતા હતા? ના. તેણે મને સલાહ લેવા કે જ્ઞાન લેવા ફોન કર્યો હતો? ના. તેને માત્ર જરૂર હતી બે કાનની! સહાનુભૂતિપૂર્ણ, ધીરજ વાળા કાનની.
એક એવો જણ જે તેને 'સંભળાવે નહિ' પણ તેને 'સાંભળે'!
આ કોવિડ કાળમાં, બધાને અનેક મૂંઝવણ અને પ્રશ્નો છે. પણ મોટિવેશનલ સ્પીકરસને બદલે જરૂર છે મોટિવેશનલ લિસનર્સની!
અહો રૂપમ્ અહો ધ્વનિ જેવા, નવા ફૂટી નીકળેલ ડેલ કાર્નેગીઓ, ઓન લાઈન ભાષણકારો, પૉવર પોઇન્ટ પ્રેઝન્ટેશન્સ, લાઈફ કોચિંગ એડવાઈઝર, ઝૂમ અને યુટબ પરના જ્ઞાનીઓ, કરતાં જીવંત અને પ્રત્યક્ષ 'સાંભળનાર કા'ન'ની જરૂર છે.
એક મિત્રના કા'ન પેલા ગીતાના કા'નાની ખોટ પૂરે છે!
બાય ધ વે, હું દરેક શુક્રવારે સાંજે છ પછી ફ્રી જ હોઉં છું, સાંભળવા. શરત એટલી કે રેડ વાઈન નાપા વેલીનો અને શિંગ ભરૂચી, સિકંદરની શિંગ હોવી હોવી જરૂરી છે.
July 10th 2021
e.mail : vijaybhatt01@gmail.com
![]()

