Opinion Magazine
Number of visits: 9674825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (8)

સુમન શાહ|Opinion - Literature|13 September 2021

સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ‘સિન્ગલ ઇફૅક્ટ’ હોવી જોઇએ.

આજે, એ અંગેનું મારું મન્તવ્ય રજૂ કરું :

મને યાદ આવે છે કે ટૂંકીવાર્તાના સાહિત્યપ્રકાર વિશે મેં પહેલો લેખ લખેલો, ‘સ્વાધ્યાય’-માં. એ સામયિક પ્રાચ્ય વિદ્યામન્દિર, મ.સ. યુનિવર્સિટી, વડોદરાથી પ્રકાશિત થતું હતું. લેખનું શીર્ષક હતું : ‘સાહિત્યપ્રકાર અને વિભાવના – ટૂંકીવાર્તાના સંદર્ભમાં’. લેખ પ્રકાશિત થયેલો, ૧૯૭૫માં.

ત્યારથી માંડીને આજ સુધી ટૂંકીવાર્તાએ મારો કેડો નથી મૂક્યો. કેટલીયે વાર્તાઓ લખી, કેટલીયે પાઇપલાઇનમાં છે. કેટલા ય લેખો કર્યા, કેટલાયે લખાશે. ૬ વાર્તાસંગ્રહમાં વાર્તાઓ સંઘરાઈ છે અને ‘કથાપદ’ તેમ જ ‘કથાસિદ્ધાન્ત’-માં લેખો સંઘરાયા છે. ૪૬ વર્ષ થઈ ગયાં …

એ પહેલા લેખમાં મેં ટૂંકીવાર્તા અંગેના ઍડ્ગર ઍલન પોના બે સિદ્ધાન્તની વાત જોડી છે – પ્રોઝ ટેલ – સિન્ગલ ઇફૅક્ટ. પહેલો સિદ્ધાન્ત વાર્તાના ગદ્ય વિશે છે, બીજો, વાર્તામાં હોવી જોઈતી એકમેવ અસર વિશે છે.

વાર્તાના ગદ્ય વિશે બીજી કોઈ વાર, પણ અત્યારે એકમેવ અસર વિશે કહું :

પો એમ કહે છે કે વાચક પર એકમેવ અસર, એટલે કે એક જ અસર, મૂકી જનારી ટૂંકીવાર્તાને જ સારી વાર્તા કહી શકીએ. એમનું તાત્પર્ય મારા શબ્દોમાં કહું તો એ હતું કે વાર્તાની વાચક પર પડનારી અસર કે સમગ્ર પ્રભાવ દ્વિધ, બહુવિધ કે વિવિધ હોય તે ન ચાલે – ટૂંકીવાર્તાની કલાને ઘાતક નીવડે.

Edgar Allan Poe

Picture courtesy : Wikipedia

જુઓ, ટૂંકીવાર્તામાં લાઘવ હશે. તે ટૂંકમાં જ ઘણું સૂચવી દેતું હશે. પણ એને કારણે બધું સુગ્રથિત થતું હશે, કશું પણ આઘુંપાછું બચશે નહીં, એક પણ વાનું કારણ વગરનું હશે નહીં. કથક આમતેમની વાતો કરતો હશે પણ મૂળ વાતને વીસરશે નહીં, જે ગાણું ગાતો હશે એ જ ગાશે. ટૂંકીવાર્તા તીરવેગે જાય છે કહેનારા કહેવા તો એ જ કરે છે કે નૅરેટિવ ઍરો વાંકોચૂંકો ભલે જાય પણ પોતાના ધ્યેયભણી જ જશે.

પછી છે ને … પછી છે ને … કરીને પિતાજી પણ વાર્તાના મૂળ તાંતણાને પકડી લેતા’તા, બગાસું આવતું હોય તો પણ …

આ બધાંને કારણે અને પ્રતાપે વાચકનું ધ્યાન પણ એકત્ર થઈ જશે ને જે અસર પડશે તે પણ એક જ હશે. નવલ કે નાટકમાં વાર્તા અનેક દિશાએ જાય, જવી પણ જોઈએ, ને અવનવી વાતો મૂળમાં ઉમેરાય, ઉમેરાવી પણ જોઇએ. પરન્તુ ટૂંકીવાર્તાને એવો વિલાસ પરવડતો નથી કેમ કે એમાં એટલી જગ્યા જ નથી. વાર્તાકાર જગ્યા કરવા જશે, તો રચના લાંબી કે પ્હૉળી થઈ જશે, ઢીલી પડી જશે, એમાં વરવા ઝોલ પડશે. પરિણામે, વાચક અરધેથી ભાગી જશે.

જેમ કે, મારા આ ચાલુ લેખમાં હું શું કરી રહ્યો છું? મારા વાચકને પકડીને એકમેવ અસરની એ જ એક-ની-એક વાત કરી રહ્યો છું. જાતભાતની વીગતો આપીને, મૂળ દલીલને આમથી તેમ ફેરવીને, મારે કરવું છે એટલું જ કે મારો વાચક એકમેવ અસરના મુદ્દાને ચિત્તસાત્ કરી લે, આત્મસાત્ કરી લે. સમજી જાય કે ટૂંકીવાર્તાની કલાના કલાકારે આ કરી બતાવવું અનિવાર્ય છે ને એમાં એની સર્જકતાની કસોટી છે. જો હું બીજીત્રીજી વાતો કરું તો વાચકનું ધ્યાન હરતુંફરતું થઈ જાય ને સરવાળે એ કશું જ લાભે કે પામે નહીં, ભાગી જાય. બને કે હું પણ મારા એવા યદ્વાતદ્વાના દબાણે કરીને ગપાટે ચડી ગયો હોઉં.

શિકાગોમાં અશરફ ડબાવાલાને ત્યાં એક વાર મેં ટૂંકીવાર્તા વિશે મારી વાર્તાઓને સંડોવીને વ્યાખ્યાન આપેલું. ત્યારે કહેલું કે માણસનું જીવન અપાર અને અતાગ છે. સતત ગૂંચવાતું અને ચારેય દિશામાં ફેલાતું રહેતું છે. ટૂંકીવાર્તાનો કલાકાર એનો તાગ લેવા માગે છે. એ માટે જીવનને કોઇ એક ઘટનામાં કેન્દ્રિત કરે છે, પોતાને સૂઝેલા કોઇ એક વિશિષ્ટ ઢાળામાં ઢાળે છે. એવી રીતે કે એ આખ્ખા કમઠાણનો આપણા પર એક સુગઠિત પ્રભાવ પડે.

મેં કહેલું કે સારી ટૂંકીવાર્તામાં કથકે માંડેલી વાત એક અને એક રહે છે, એમ જ રહેવી જોઈશે. કથક અને એનો જનક વાર્તાકાર સમજે છે કે ટૂંકીવાર્તાની અસર ચોતરફ દોડતી ફેલાતી વસ્તુ નથી, એ તો ચોતરફથી રસિત થતો આવતો એક સંઘાત છે. સમજે છે કે પોતે એવી અસર આપશે, એવો પ્રભાવ પાડશે, કે રચના ગમે એટલી ટૂંકી કે દીર્ઘ પણ લાગતી હોય, વાચક એને છોડશે નહીં.

મેં કહેલું કે ટૂંકીવાર્તાનું ટૂંકાપણું ટૂંકમાં પતાવી દેવા માટેનો ખેલ નથી. જે કરવાનું છે તે ટૂંકાપણાને વશ રહીને કરવાનું છે. એટલે, સમજુ વાર્તાકાર પથારો નથી કરતો, ઊંડાણને તાકે છે, ઉતરાય એટલો ઊંડે ઊતરે છે. કામ, લાગે છે સરળ, પણ છે અઘરું. ચોમેર ઢણકવાનું, પણ ખીલે બંધાયેલા રહીને !

Charles Pierre Baudelaire

Picture courtesy : CNRSnews

નીચે જે કહ્યું છે એને ‘એકમેવ અસર’-ના મારા મન્તવ્ય સાથે કશી લેવાદેવા નથી.

ટૂંકીવાર્તાના પ્રારમ્ભકાલીન પ્રણેતાઓમાં ઍડગર ઍલન પો પણ છે. ટૂંકીવાર્તાને વિશેની એમણે કરેલી બીજી વાતો હવે કાલગ્રસ્ત છે. પણ જગવિખ્યાત ફ્રૅન્ચ કવિ બૉદ્લેર આ પો સાથે કેટલુંક વૈચારિક સામ્ય અનુભવવા લાગેલા. એમણે ૧૫ વર્ષના ગાળામાં પો-ની સાહિત્ય સૃષ્ટિમાંથી નવલ નિબન્ધ વગેરે અનેક કૃતિઓનો ફ્રૅન્ચમાં અનુવાદ કરેલો. એમાં સૌથી વધુ હતી પો-ની વાર્તાઓ, ત્રણ ગ્રન્થમાં : ઍક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરીઝ, ન્યૂ ઍક્સ્ટ્રાઑર્ડિનરી સ્ટોરીઝ. ગ્રોટેક્સ ઍન્ડ સીરિયસ સ્ટોરીઝ. કહે છે, આ મનગમતા કામે બૉદ્લેરને ઠીક ઠીક કમાણી કરી આપેલી – તંગીના દિવસો હતા, કવિને જરૂર હતી.

= = =

(September 12, 2021: USA)

Loading

બે કાવ્યો

બકુલા ઘાસવાલા|Poetry|13 September 2021

છેલ્લા કેટલાક દિવસોમાં કાળજું કંપાવે એવી બનેલી આ બે ઘટનાઓ પર અમારી સંવેદનશીલ નાનકી સખી ખેવનાનું ચિત્ત ડહોળાઈ ગયું છે. એનો બળાપો મારાથી સહન ન થયો તે વેદનાની  આમ કાવ્ય ગણો તો અભિવ્યક્તિ થઈ. 

૧: 

*કોણે શરમને નેવે મૂકી : 

 
કોણ જાણે કેમ શરમ નો’તી
એટલે એને નેવે મૂકી! 
આમ તો સાબરમતી  સૌને મન ગંગા જેવી 
એટલે 
એમાં વળાવી ને વહાવી કો’ અજ્ઞાત દુહિતા 
અમારો વિકાસ પાગલ જેવો 
શરમબરમ રાખીએ તે પાલવે નહીં 
અમે તો છાપરે ચડીને પોકારીએ 
જુઓ, જુઓ …. નદીમાં વહેતી એ દીકરી! 
દીકરી? 
કેવા દીકરી ને કેવી વાત? 
એ તો ફક્ત કેસ બનીને ફાઈલે જશે. 
બે-ચાર દિવસ થોડું આક્રંદ અને થોડો આક્રોશ
 પછી બધું ત્યાં ને ત્યાં 
ખબર નથી બાયોલોજિકલ એક્સિડન્ટ હતો કે 
બળાત્કાર … કે પછી કશું જ નહીં 
વાત એમ હતી કે એ જોઈતી ન હતી
એટલે એને ગર્ભમાં જ …
બાકી અમે તો માતૃદેવો ભવ અને 
દીકરી વહાલનો દરિયોનું રટણ કરનારાં
ફક્ત અમને શરમબરમ નડે નહીં 
એટલે એક બાજુ આમ ને બીજી બાજુ તેમ 
જવા દો બધી વાત …
અમારે તો તૈયારી કરવાની  છે 
શાની? 
કેમ, ભૂલી ગયા નવરાત્રિ આવે છે તે! 
જેણે મૂકી લાજ, તેનું નાનું સરખું રાજ 
આમ પણ શરમ તો નેવે મુકાયેલી જ છેને! 

**************************************

૨ :

એક સ્ત્રી રહેતી હતી ફૂટપાથ પર.

એક સ્ત્રી રહેતી હતી ફૂટપાથ પર, 
એની પાસે કોઈ સામાન હતો કે નહીં 
તે તો ખબર નથી. 
પણ એનું ઘર જ ફૂટપાથ પર હતું તે તો નક્કી વાત. 
આમ તો કોઈને નડતી નો’તી
લોક તો કહેતું કે મગજ સ્થિર નો’તું 
અને જે મળે તે ખાઈ-પી લેતી હતી. 
આમ તો બધાંને માટે સાવ નગણ્ય 
પરંતુ કોઈની આંખે તો ચડી ગયેલી
એટલે એક દિવસ એને માણસ કેવો હોય 
તેની જાણ થઈ, ખબર નથી કે એને એ સમજાયું હોય …
પરંતુ માણસની ક્રૂરતાનો પરચો તો એને મળ્યો. 
એનાં સર્જનદ્વારને તહસનહસ કરીને સળિયો નાંખ્યો અંદર ગર્ભાશયે ! 
અને વટાવી દીધી હદ બર્બરતાએ! 
પણ એને ક્યાં ભાન હતું કે એની સાથે શું થયું? 
હોસ્પિટલ ભેગી તો થયેલી પણ છેવટે જાનથી ગઈ …
હવે આવી ઘટનાઓ પર ખાસ ઊહાપોહ થતો નથી. 
બે-ચારને ‘આક્રંદ અને આક્રોશ’ પ્રગટ કરવાની ખેવના 
એટલે વાત થોડી હવામાં ફેલાઈ, 
બાકી આજકાલ તો આવી ઘટનાઓ 
‘કેસ ફાઈલ’ બનીને રહી જાય … 
અને હા, હવે એ ફૂટપાથ પર 
કોઈ સ્મારક નથી બનવાનું. 
કદાચ,એનાં જેવી બીજી કોઈ ત્યાં 
ગોઠવાય પણ ગઈ હોઈ તો આપણને નથી ખબર! 

*********************************

“AadiRaj", Behind Jalaram Temple, Halar Road, Valsad 396 001 Gujarat, India.

Loading

મૂર્તિ બીજા તોડે તો અધર્મ ને આપણે તોડીએ તો ધર્મ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 September 2021

કોઈ ભગવાને કદી કહ્યું નથી કે મારી સ્થાપના કરો, પણ હૈયેથી પ્રેરણા થાય છે ને આપણે દશામા, ગણપતિ, અંબામા, કૃષ્ણ જેવા દેવીદેવતાઓની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરીએ છીએ. તેનું ભાવપૂર્વક ભજનકીર્તન, પૂજનઅર્ચન કરીએ છીએ ને સમય જતાં વિસર્જન પણ કરીએ છીએ. આમ કરવાનું કોઈ કહેતું નથી, પણ આમ થતું આવ્યું છે ને આપણે કરીએ છીએ. આપણે શેને માટે કરીએ છીએ તે હૈયે તો જાણીએ છીએ, પણ બહાર એવું દેખાડીએ છીએ કે આપણે ધર્મપ્રેમી, આસ્થાવાન પ્રજા છીએ ને આસપાસમાં આપણી ભક્તિ વખણાય, તેને કોઈ અહોભાવથી જોઈ રહે તેવી ઊંડે ઊંડે ઇચ્છા ધરાવીએ છીએ ને તેનો આનંદ પણ માણીએ છીએ. કારણ કોઈ પણ હોય, પણ ગણેશોત્સવ, નવરાત્રિ જેવા ધાર્મિક ઉત્સવો આપણે મન મૂકીને ભક્તિભાવથી મનાવીએ છીએ. આપણને ધર્મપ્રીતિ છે, ઈશ્વરભક્તિ છે તે બતાવવાનું ગમે છે. ઘણી વાર તો ભક્તિ, કોઈ આપણને જુએ, આપણી નોંધ લે એટલે પણ કરીએ છીએ, તો કેટલાક જીવો ખરેખર આ ઉત્સવોમાં એવા ઓતપ્રોત થઈ જાય છે કે જ્યારે વિસર્જનની ઘડી આવે છે ત્યારે ચોધાર આંસુએ દેવદેવીને વિદાય આપે છે. આમાં કૈં એવું નથી જેનો કોઈને વાંધો પડે. આપણે હિન્દુ છીએ ને ઉત્સવોની આપણી પરંપરા છે ને આપણે તેનું જ નિર્વહણ કરીએ છીએ. આનું ગૌરવ લઈ શકાય. લેવું જોઈએ.

આની બીજી બાજુ પણ છે. આપણે વિકસ્યા છીએ તે બતાવવા એ બધું પણ કરીએ છીએ જેની કોઈ ધર્મ મંજૂરી નથી આપતો. આપણે નંદ ઘેર આનંદ ભયો – કરીએ છીએ તેની સાથે જુગાર પણ રમીએ છીએ. જન્માષ્ટમીએ જુગાર રમવાનો જાણે ચાલ પડી ગયો છે. એમાં કદાચ, ‘મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશ હારિયો’ એ પંક્તિ જવાબદાર છે. એને કારણે કદાચ કૃષ્ણને આપણે જુગારી ગણીને જુગાર રમીએ છીએ, પણ એ ખોટું છે. ‘નાગદમન’ વખતે નાગણોને, કાળીનાગ સુધી પહોંચવાનું કેમ બન્યું તેનું કારણ આપતાં કૃષ્ણ કહે છે, ‘ મથુરા નગરીમાં જુગટું રમતાં …’ ખરેખર તો એ બહાનું જ છે. કૃષ્ણને મથુરા જવાનું તો કંસવધ વખતે જ થાય છે ને ‘નાગદમન’ તે પહેલાંની ઘટના છે. એટલે કૃષ્ણ જુગારી હતા એ વાત ખોટી છે ને એને નામે જુગાર રમનારાઓ કૃષ્ણની ભક્તિ નથી કરતા, એનું અપમાન કરે છે. પાંડવો દ્યુત રમવા બેસે છે ત્યારે કૃષ્ણને ત્યાં હાજર ન રહેવાનું અને ન બોલાવાય ત્યાં સુધી ન આવવાનું યુધિષ્ઠિરે વિનંતી કરીને કહ્યું હતું, એટલે જ પાંડવો હારે પણ છે. જ્યાં કૃષ્ણ નથી, ત્યાં પરાજય નિશ્ચિત છે. ક્યાંક કૃષ્ણે કહ્યું પણ છે કે હું હાજર હોત તો યુધિષ્ઠિરને દ્યુત જ રમવા ન દેત ! ટૂંકમાં, કૃષ્ણ પોતે જુગારની વિરુદ્ધ છે એટલે એને નામે જુગાર રમવાનું કેવળ ને કેવળ અધાર્મિક છે તે સમજી લેવાનું રહે.

એવું જ ગણેશોત્સવને નામે પણ ચાલે છે. ગણપતિને ક્યારે ય ક્યાં ય પણ દારૂ પીતા બતાવાયા છે? કે એ કોઈ પંડાલમાં જુગાર રમતા દેખાયા છે? તો, આપણને ગણપતિની મૂર્તિ સામે જ દારુ પીવાનો કે જુગાર રમવાનો અધિકાર કેવી રીતે મળી જાય? બને કે આવું બધે ન થતું હોય, તો, પણ ક્યાં ય પણ ધર્મને નામે અધાર્મિક થવાનો પરવાનો તો ન મળે ને !  આપણને માણસની તો ઠીક, ભગવાનની શરમ પણ નડતી નથી. નડતી હોત તો તેની સામે બેસીને દારુ પીવાયો હોત કે જુગાર ખેલાયો હોત? કોઈ ધર્મમાં ભગવાનનું આટલું અપમાન થતું નથી ને આપણે તે કરવામાં જરા જેટલી પણ નાનમ અનુભવતા નથી.

નવરાત્રિ વખતે પણ માતાને નામે, માતા બનવા સુધી વાત પહોંચે છે એવું નથી? આ ધર્મ છે? ભક્તિ છે? ને આપણે હિન્દુ હોવાનું ગૌરવ લઈએ છીએ, આમાં કયું ગૌરવ જળવાય છે? પ્રમાણમાં હિન્દુ ધર્મ વધારે ખુલ્લો અને સહિષ્ણુ છે, પણ જે ઉઘાડાપણું તહેવારોને નામે વકરે છે એને કોઈ રીતે ધર્મને જમા પક્ષે મૂકી શકાય નહીં. આ જ વર્ષની વાત કરીએ તો દશામાની હજારો મૂર્તિઓ ખંડિત હાલતમાં વિસર્જન થયા વગર રઝળતી હાલતમાં જોવા મળી. આપણાં દેવીદેવતાઓનું વિદેશમાં અપમાન થાય છે તો આપણાં ભંવાં ચડી જાય છે, તે ચડવાં પણ જોઈએ, પણ આપણે, આપણા જ શહેરમાં આપણી જ મૂર્તિઓને રઝળતી મૂકીએ છીએ ત્યારે કેમ હૃદયમાં ચિરાડો નથી પડતી? ગણેશોત્સવની ધીમે ધીમે છૂટ મળી છે. પહેલાં વિસર્જન બહાર નહીં કરવા દેવાની વાત હતી. હવે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી શકાય એવી છૂટ મળી છે. આ છૂટ પછી પણ વિસર્જન વખતે ભક્તો ગમે ત્યાં મૂર્તિ રઝળતી મૂકે એમ બને. ખરેખર તો તંત્રોએ વિસર્જનને દિવસે ચાંપતો બંદોબસ્ત રાખવો જોઈએ, જેથી મૂર્તિઓનો રઝળપાટ અટકે. મ્યુનિસિપલ કોર્પોરેશન પછી બધી મૂર્તિઓ સમેટીને ડુમસના દરિયામાં પધરાવી આવે છે, એ કામ કોર્પોરેશન વિસર્જનને દિવસે જ કરી શકે. તે આગોતરી જાહેરાત કરી શકે કે જેમને મૂર્તિ વિસર્જનની મુશ્કેલી છે તે ચોક્કસ જગ્યાએ મૂર્તિ જમા કરાવી શકે ને તે પછી કોર્પોરેશન બધી મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરી આવે. આમ થશે તો ઘણી મૂર્તિઓ રઝળતી અટકશે.

છેલ્લાં બેત્રણ વર્ષમાં એક નવી વાત સામે આવી છે. સિવિલથી મજૂરા ગેટ જવાના રસ્તે ગણેશની ને માતાજીની મૂર્તિઓ લઈને થોડા કારીગરો બેસતા હોય છે, એવું પાંડેસરા, બમરોલી, અડાજણ જેવા વિસ્તારોમાં પણ બેસે છે. વરસાદથી મૂર્તિઓ બચાવવા તેઓ પ્લાસ્ટિક ઢાંકે છે, પણ આસ્થા અને ભક્તિની બાબતમાં આ કારીગરો ઉઘાડા પડી જાય છે. ગણેશની કે માતાજીની મૂર્તિઓ જે તે તહેવાર શરૂ થાય ત્યાં સુધી વેચાતી હોય છે. આ કારીગરો વેચાય ત્યાં સુધી મૂર્તિઓ વેચે છે, તે પછી પણ મૂર્તિઓ વધે છે. આ વધેલી મૂર્તિઓ જે તે કારીગરોએ સાથે લઈ જવાની હોય, પણ તેઓ તેવું કરતાં નથી અને મૂર્તિનો ઢગલો એમ જ સ્થળ પર છોડીને જતા રહે છે. જે ભગવાને થોડીઘણી કમાણી કરાવી આપી, એ ભગવાન કારીગરોને એકદમ નકામા લાગવા માંડે છે ને એ પછી એમ જ રસ્તે મૂકીને ચાલતા થાય છે. એ ખરું કે નથી વેચાયા એ ભગવાન આ મિત્રોને કમાવી આપે એમ નથી, એટલે બોજ ઊંચકીને ક્યાં ફરવું? એટલે એ જ ભગવાનને નોધારા મૂકીને જતાં રહે છે. એમણે સમજવું જોઈએ કે જે નથી વેચાયા એ ભગવાનને નિમિત્તે જ એ બધા રોટલા ભેગા થયા છે. આમાં પીડા એ વાતની છે કે બધા જ ભગવાનને નામે માત્ર ધંધો કરે છે ને એમાં પવિત્રતા કે લાગણી કે ધર્મ કે આસ્થા જેવું ખાસ કૈં નથી. ધંધો થઈ ગયો, નફો ગાંઠે બાંધ્યો, એટલે હવે બીજા કશાની જરૂર રહેતી નથી, પછી એ ભગવાન જ કેમ ન હોય, એને છોડી શકાય છે. એમ લાગે છે આ મૂર્તિકારો કે વેચનારાઓને ધર્મ જેવું જ ખાસ નથી. એને તો ગોળ વેચવો કે ગણપતિ, એ બે વચ્ચે કોઈ ફરક નથી. ગણપતિ કે માતાજી એને માટે એક આઇટેમ છે, માત્ર આઇટેમ ! એથી વિશેષ એનું કોઈ મૂલ્ય નથી. એવું જ પંડાલમાં પધરાવાયેલ ભગવાનનું પણ છે. એક વાર સ્થાપના થઈ જાય, પછી ત્યાં જુગાર રમાય કે દારૂ પીવાય, કોઈને કોઈ સંકોચ થતો નથી.

આપણી જાતને પ્રમાણિકતાથી પૂછવા જેવું છે કે હિન્દુ ધર્મ સંદર્ભે જે આપણે કરીએ છીએ તે જ હિન્દુ ધર્મની અપેક્ષા છે કે હિન્દુ ધર્મની મહાનતાની જે વ્યાખ્યા કે સમજ છે તેમાં દેવીદેવતાને રઝળાવવાનું કહ્યું છે કે એ આપણા દંભની નીપજ છે? વિસર્જન પછી મૂર્તિઓ ખંડિત હાલતમાં રઝળતી હતી તે ઓછું હતું તે હવે સ્થાપનાના દિવસથી જ ન વેચાયેલી મૂર્તિઓ રઝળતી થઈ જાય છે ને તેની ન તો તંત્રને કે ન તો ભક્તોને કોઈ શરમ છે. આ કયા પ્રકારની ધાર્મિકતા છે કે હિન્દુઓ જ તેમના દેવીદેવતાઓને રઝળાવે છે ને કોઈનું રૂંવાડું ય ફરકતું નથી?

એટલું થયું કે ગણેશ ઉત્સવ સમિતિએ થોડી રઝળતી મૂર્તિઓ ભેગી કરીને તેને વિસર્જિત કરી, પણ એટલું પૂરતું નથી. મૂર્તિ વેચનારાઓ મૂર્તિઓ રઝળતી મૂકીને જઈ જ ન શકે એટલી, સમિતિઓએ ને તંત્રોએ આગોતરી વ્યવસ્થા જ કરવી જોઈએ, જેથી મૂર્તિ રઝળવાનો વારો ન આવે. અન્ય દેશમાં કોઈ મૂર્તિ તોડે છે તો આપણને આગ લાગી જાય છે ને એની ટીકા કરતાં કહીએ છીએ કે એ વિદેશીઓ પોતાના ભગવાનને છેડતા નથી, તો હિન્દુ દેવી દેવતાઓને કેમ છંછેડે છે? આપણી લાગણી વાતે વાતે દુભાઈ જાય છે, પણ અહીં આપણા જ દેવીદેવતાઓને આપણે જ રઝળાવીએ છીએ ત્યારે લાગણી દુભાતી નથી. એ જ બતાવે છે કે આપણા બતાવવાના ને ચાવવાના જુદા છે. આપણે દંભી અને લાગણીહીન, સ્વાર્થી અને લોભી પ્રજા છીએ. આપણું ચાલે તો આપણે સૂર્યને ચાવી જઈએ અને ઓડકાર પણ ન ખાઈએ.

ભગવાન બચાવે આવા દંભી ધાર્મિકોથી અને અસલી ભીરુઓથી … 

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7931,7941,7951,796...1,8001,8101,820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved