Opinion Magazine
Number of visits: 9674735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ

અશોક મેઘાણી|Opinion - Opinion|15 September 2021

સૌ પ્રથમ તો મને મારી અનુવાદ-ચર્યાની વાત કરવા આમંત્રણ આપવા બદલ ‘ગુજરાતી લિટરરી ઍકેડેમી’ – યુ.કે.નો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈને માંદગી હાઉકલું કરી ગયું પણ એને બહુ સહેલાઈથી તગડી શક્યા એ આપણા સહુના સદ્દનસીબ. વિપુલભાઈને મળવાનું ત્રણ-ચાર વાર જ બન્યું છે પણ એમની સાથે જ્યારે જ્યારે વાત થાય ત્યારે બહુ જૂની અને ઘનિષ્ઠ મિત્રતાનો અહેસાસ થાય. મારા વડિલબંધુઓ સાથેના એમના મીઠા સંબંધોનો લાભ મને અનાયાસે મળ્યો છે.

મેં જે થોડું કામ કર્યું છે એને અનુવાદવિશ્વ કહેવું એ અતિશયોક્તિ છે, પણ એ પ્રયત્ન શરૂ કર્યાને 25 વર્ષ થઈ ગયાં છે એટલે સ્મરણની જે નાનકડી કેડી પરથી પસાર થયો છું એની થોડી વાતો કરવી ગમશે. સાહિત્યમાં રસ લેનારાઓ માટે એમાં કાંઈ જ નવું નહીં હોય, એટલે મારા એકના જ અનુભવોની વાત કરવાની ગુસ્તાખી માટે મને ક્ષમા કરશો.

મારી પુસ્તક વાર અનુવાદો અને અનુભવોની વાત કરી લઉં પછી કોઈને સવાલ હોય તો જવાબ આપવા મને ગમશે. સમય હોય તો થોડું વાંચવાનું પણ કરી શકાય.

ચાર પ્રકાશિત અને ત્રણ હજી સુધી અપ્રગટ એવા સાત અનુવાદોમાંથી 6 ગુજરાતીમાંથી અંગ્રેજીમાં કરેલા છે, અને એક હિંમત અંગ્રેજીમાંથી ગુજરાતીમાં એક ખૂબ જ સન્માનિત લેખકના પુસ્તકને ઉતારવાની કરી છે. એ ઉપરાંત એક પુસ્તકના અનુવાદનું કામ 80 ટકા થઈ ગયું છે.

અંગ્રેજીમાં અનુવાદો કરવાની કોઈ જ પૂર્વતૈયારી હતી નહીં. શાળાનું ભણતર બધું જ ગુજરાતી માધ્યમમાં, અંગ્રેજી તો સાતમા ધોરણથી શરૂ કરીને એક વિષય તરીકે શીખાયું. કૉલેજનું પહેલું વરસ પણ જેને ‘મગન માધ્યમ’ કહેવાતું એ ગુજરાતીમાં ગયેલું. ઇજનેર થવું હતું એટલે તુક્કો ચડ્યો કે ઇંટર સાંયન્સનું વરસ અંગ્રેજી માધ્યમમાં કરવું. અમદાવાદની સેઇંટ ઝેવિયર્સ કૉલેજમાં ઍડમિશન લેવા ગયો ત્યારે પ્રિંસિપાલ ફાધર ડિસોઝાએ કહ્યું કે આવા અગત્યના વરસમાં માધ્યમ બદલવું એ તો ‘ખટ્ટર’ છે. છતાં એ કર્યું. એ પછીનો ઇજનેરી અભ્યાસ અંગ્રેજીમાં થયો પણ ભાષા તરીકે એને વધુ ભણવાનું થયું નહીં. આટલું બધું કહેવાનો આશય એ કે મેં અંગ્રેજી મુખ્યત્ત્વે મારા વાચનમાંથી જ શીખેલું છે. મારા શરૂઆતના બે-ત્રણ અનુવાદોને મારાં સંતાનો બેલા અને સાગર શબ્દેશબ્દ જોઈ ગયાં છે અને એમાં સુધારા આપ્યા છે. મારી મુખ્ય નબળાઈ અંગ્રેજી ઉપપદ – article – ના વપરાશની હતી અને હજી છે.

એ બધું તો ઠીક પણ કામેકાજે ઇજનેર અને સાહિત્ય સાથેના ફક્ત વાંચવા પૂરતા જ સંપર્કવાળા માણસને અનુવાદકાર્યમાં દાખલ થવાનું કેમ બન્યું એની વાત કરું.

1969માં અમેરિકા આવ્યા પછી કોઈ કારણસર ‘વેવિશાળ’ પુસ્તક ઘરમાં નહોતું એટલે બહુ વર્ષો સુધી વંચાયેલું નહીં. નિવૃત્ત થયા પછી 1996માં ભાવનગરમાં પહેલી વાર નિરાંતે વાંચવાનો સમય મળતાં ‘વેવિશાળ’ એકી બેઠકે વંચાઈ ગયું. મને પહેલેથી જ ખૂબ ગમતું 25મું પ્રકરણ ‘મરતા મુખમાં પ્રતિજ્ઞાનું પાણી’ વાંચતો હતો ત્યારે જ મનમાં સોલો ચડ્યો કે આ પ્રકરણનો અનુવાદ કરવો. એના ઉપર ત્રણેક દિવસ કામ કરીને મને સંતોષ થાય એવી હાલતમાં એ પ્રકરણનો અનુવાદ પહોંચ્યો એટલે એ જ બપોરે વડિલ બંધુઓ મહેન્દ્રભાઈ અને જયંતભાઈને વાંચી સંભળાવ્યું. બન્ને થોડી વાર તો કાંઈ જ બોલ્યા નહીં એટલે મારી અનુવાદક કારકિર્દી જાણે શરૂ થતા પહેલાં જ પૂરી થઈ ગઈ. ત્યાં તો કાંઈક તદ્દન અણધાર્યું સાંભળવા મળ્યું. મહેન્દ્રભાઈ બે જ વાક્યો બોલ્યાઃ “બાપુજીએ પોતે અનુવાદ કર્યો હોત તો આવો થયો હોત. ભાઈ, હવે બીજા બધા નખરા છોડીને આના ઉપર લાગી જાઓ!” મારા પરની એમની મમતા જ આવું બોલાવી ગઈ હશે, પણ એની અસર મારા પર મોટી થઈ.

પણ અનુવાદ ક્ષેત્રે થયેલી આ શરૂઆત હજી ડગુમગુ હતી. હજી મન ઘણી દીશાઓમાં ખેંચાતું હતું. ફોટોગ્રાફીમાં ઊતરવું હતું, દુનિયા ફરવી હતી, વેબ ડિઝાઇન શીખવાની શરૂઆત કરી દીધી હતી, ક્યાંક જૂનિયર કૉલેજમાં ભણાવવાના વિચાર પણ આવતા હતા. આ બધાના કારણે અનુવાદના કામમાં ગંભીરતાથી આગળ વધતા એકાદ વરસ નીકળી ગયું.

The Promised Hand

‘વેવિશાળ’થી શરૂઆત થઈ એટલે જે અનુભવો થયા એની થોડા લંબાણથી વાત કરું.

‘વેવિશાળ’ પર ગંભીરતાથી કામ શરૂ કર્યું 1997માં અને 1998માં પૂરું કર્યું. આ પહેલો પ્રયત્ન એટલે પાછળથી થોડું જે સમજાયું એ ત્યારે સમજાયું હોત તો જે બધી કચાશ રહી ગઈ તેમાંથી થોડી ઓછી થઈ શકી હોત. દા.ત. લેખક મેઘાણી જે સરળતાથી કાઠિયાવાડી ગુજરાતી, મુંબઈનું ગુજરાતી, મરાઠી, ઍંગ્લો-ઇંડિયન નર્સની અંગ્રેજી બોલી અને લહેકાનો ઉપયોગ કરી શકે છે એ ફક્ત અંગ્રેજીમાં થતા અનુવાદમાં લાવવા માટે કોઈ જ્હોન સ્ટાઇનબેકની આવડત જોઈએ. પણ, મરાઠીભાષી પાટીવાળા કે નર્સ લીનાના મૂળ ભાષાના ટૂંકા ઉદ્ગારો મૂકીને એની થોડી ફ્લેવર આપી શકાઈ હોત.

પછીનું પગલું પ્રકાશકને શોધવાનું હતું. અનુભવે સમજાયું કે આ તો લોઢાના ચણા ચાવવા જેવું અઘરું છે. નસીબે થોડી યારી આપી, અને વડીલ મિત્ર સિતાંશુ યશશ્ચન્દ્રએ – મારા અનુવાદના થોડાં પાનાં જોયાં પછી – મારો હાથ ઝાલ્યો અને દિલ્હીમાં એક-બે પ્રકાશકો પાસે લઈ ગયા. એમાંથી બીજી મુલાકાત સાહિત્ય અકાદમીની હતી. અકાદમીના સેક્રેટેરી કવિ સચ્ચિદાનંદન સિતાંશુભાઈના મિત્ર અને કદાચ મેઘાણી નામથી પણ પરિચિત. એ કહે કે આનું પ્રકાશન અકાદમી જ કરે, તમે બીજે ક્યાં ય જવાનું રહેવા દ્યો. પણ નિયત વિધિ તો પૂરી કરવી પડે, અને કોઈ જાણકાર પાસે અનુવાદ ચકાસાવવો પડે.

અકાદમીની જેવી સરકારી ઢબે કામ કરતી સંસ્થા સાથે પડેલી મુશ્કેલીઓની વાત કરવા માટે બીજી પંદર મિનિટ જોઈએ. ટૂંકમાં કહું તો મેં છાપેલી મૅન્યુસ્ક્રિપ્ટની સાથે ફ્લૉપી ડિસ્કેટ પર (હજી એ જમાનો હતો!) Microsoft Word document આપેલો. કોઈ કારણસર એ ડૉક્યુમેંટ ખોલી ન શકાતા, આખું પુસ્તક ફરીથી ટાઇપસેટ થયું … અસંખ્ય ભૂલો સાથે. મેં એ સ્વીકારવાની ઘસીને ના પાડી, અને એ પછીની દિલ્હીની મુલાકાત દરમ્યાન માથે બેસીને મારી ડિસ્કેટમાંથી અકાદમીના કંપ્યુટરમાં કૉપી કરી આપી.

એ બાદ મહીનાઓ નીકળી ગયા, પછી જેમને એ અનુવાદ ચકાસવાનું સોંપાયું એ જાણકાર હતા ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજીના જાણીતા અધ્યાપક દિગીશ મહેતા. જેમનાથી વધુ અધિકૃત માણસ મળવાની શક્યતા ઓછી એવા દિગીશભાઈએ ઝીણવટથી પહેલાં પાંચ પ્રકરણ વાંચીને ઘણા સવાલો કર્યા અને એમના સમાધાન મળ્યા પછી પોતાની અનુમતિ આપી.

એ પછીનો તબક્કો અકાદમીના અંગ્રેજી એડીટરની ચકાસણી અને સુધારા-વધારાનો હતો. વધુ વાત નહીં કરતાં એક જ દાખલો આપુઃ સોપારીનો ચૂરો ચાવવાની પ્રક્રિયાનો મારો અનુવાદ સાવ સાદો “…chewing…” બદલાવીને “masticulating” જેવું ક્રિયાપદ ત્યાંની યુવાન એડિટરે મૂક્યું. મેં તો એ શબ્દ કોઈ દિવસ જોયેલો નહીં પણ જન્મથી જેમણે અંગ્રેજી ભાષા વાપરી છે એવાંને પૂછતાં લાગ્યું કે મોટા ભાગના વાચકો એ શબ્દના અર્થની અટકળ જ કરી શક્યા હોત. મારે મક્કમ રહીને એ અને બીજા ઘણા ફેરફારો રદ્દ કરાવવા પડ્યા.

‘The Promised Hand’ અંતે ચાર વરસે 2002માં બહાર પડ્યું.

Sant Devidas – the Story of a Saintly Life

એ સમયે તો મેઘાણીનાં પુસ્તકોના અનુવાદ પર જ કામ કરવાનો ઇરાદો હતો. નાનપણથી મારા સૌથી વધારે ગમતા પાત્ર (અને પ્રમાણમાં નાનકડા પુસ્તક તરીકે) ‘સંત દેવીદાસ’નો અનુવાદ ‘વેવિશાળ’ જ્યારે ટલ્લે ચડેલું હતું એ ચાર વરસોમાં થયો. ‘વેવિશાળ’ પછી થવા છતાં, ‘સંત દેવીદાસ’નો અનુવાદ 2000માં પ્રગટ એટલા માટે થયો કે અમેરિકાની ગુજરાતી લિટરરી ઍકેડેમીએ અનુવાદના પોતાના કાર્યક્રમના પહેલા પુસ્તક તરીકે એને પસંદ કર્યું.

મૂળ ‘સંત દેવીદાસ’ મારી ખૂબ જ પ્રિય વાર્તા છે. મારું પહેલું પ્રકાશન પામેલું પુસ્તક છે એટલે નહીં પણ દેવીદાસ મારા માનીતા પાત્રોમાં પણ બહુ ઊંચે વસે છે એટલા માટે મારા હૃદયમાં એ અનુવાદનું સ્થાન ઊંચું છે. અનુવાદ પણ મને સંતોષકારક લાગ્યો છે. સમય રહે તો એમાંથી થોડું વાંચવાની ઇચ્છા છે.

દેવીદાસની પરબ-વાવડીની જગ્યા જોવાની અદમ્ય ઇચ્છા હતી, પણ આજની એ ‘જગ્યા’ને અને વાર્તામાંની ‘જગ્યા’ એ એક જ સ્થળ છે એમ માની શકાયું નહીં. આજના ભવ્ય મંદિરના સાંકડા ભોંયરામાં એક જાળી પાછળની નાનકડી ઓરડીમાંની ચાર સમાધિઓ જોઈને દિલ ભરાઈ આવ્યું.

એ પછી શું હાથમાં લેવું એ સવાલ આવ્યો. ‘તુલસી-ક્યારો’ મનમાં હતી, પણ મહેન્દ્રભાઈ કહે કે હવે સામાજિક કરતાં ઐતિહાસિક નવલકથા તરફ જાઓ. જયંતભાઈને ‘સમરાંગણ’ માટે પૂછ્યું તો એમણે તરત જ સંમતિ આપી. હું ફરીથી વાંચી ગયો, અને જ્યારે કહ્યું કે ‘સમરાંગણ’ તો બહુ જ અઘરી પડે ત્યારે જયંતભાઈનો જવાબ હતો કે જો અનુવાદ કરવા જેવું પુસ્તક હોય અને આપણે અઘરું માનીને નહીં કરીએ તો બીજું કોણ એ કરવાનું? મારી પાસે જવાબ નહોતો.

Samaraangan

વાર લાગી પણ એ અનુવાદ થયો. જેમ ‘વેવિશાળ’નું હૃદયભેદક લાગેલું 25મું પ્રકરણ, એમ ‘સમરાંગણ’નું ભૂચર મોરીના યુદ્ધનું પ્રકરણ. હજી પણ હું સ્વસ્થ રહીને એ વાંચી નથી શકતો. જ્યાં સૌરાષ્ટ્રના ઇતિહાસમાં મોટામાં મોટી લડાઈ જ્યાં થયેલી એ ધ્રોળ પાસેનું યુદ્ધક્ષેત્ર જોવા, કોઈ vibrations મળે તો અનુભવવા, હું ત્યાં ગયો. પરબ-વાવડી જેમ જ ફરી એક વાર નિરાશ થયો. પણ આ નિરાશાનું કારણ તો કદાચ મારી પોતાની જ એ વાતાવરણને અનુભવવાની અશક્તિ હતી.

Manuscript 95% તૈયાર થયેલી ત્યારે ભારતમાં હતો એટલે એને માટે પ્રકાશક શોધવાનો પ્રયત્ન શરૂ કર્યો. અંગ્રેજી પુસ્તક માટે વધારે સારું – ખાસ કરીને પરદેશમાં પણ પહોંચેલું – distribution network મેળવવા ભારતના Penguin અને Harper-Collinsને એમના માગ્યા પ્રમાણે synopsis અને sample પ્રકરણો મોકલ્યાં. થોડા સમયમાં એકની ના આવી ગઈ, અને બીજાના જવાબની આજે પંદર વરસે પણ રાહ જોઉં છું. એ પછી મન ઊઠી ગયું અને બાકીનું 5% કામ પૂરું કર્યા વગર પુસ્તકને છોડી દીધું.

ગયા વરસે COVIDના રાજ્યમાં નવરાશ જ નવરાશ હતી ત્યારે એ રહેલું 5% કામ પણ કરી નાખ્યું છે પણ અમેરિકા બેઠા ભારતના કોઈ પ્રકાશક મળવાની અશા છોડીને પોતે જ પ્રકાશન કરવા Amazon કે એવી કોઈ On Demand વ્યવસ્થા કરવા ઇચ્છા છે. અંગ્રેજી શિર્ષક હજી નક્કી નથી. મારા અપ્રકાશિત અનુવાદોની સ્લાઇડમાં ‘સમરાંગણ’નો સમાવેશ હતો.

આ સમય સુધી મેઘાણીના અનુવાદો જ મનમાં હતા, પણ એમાં થોડું પરિવર્તન આવ્યું. ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકાના 2010ના સંમેલનમાં પધારેલા મહેમાનો નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલને રામભાઈ ગઢવીએ ઍકેડેમીના અનુવાદ પ્રકલ્પ માટે પુસ્તકની પસંદગી માટે સલાહ માગી, અને બંને મહાનુભાવોએ એકી અવાજે કહ્યું ‘હિમાલયનો પ્રવાસ’. એ પછી, ભોળાભાઈ પાસેથી એ પુસ્તક વિશે અને કાકાસાહેબ વિશે ઘણી રસપ્રદ માહિતી સાંભળી. કાકાસાહેબનો દેખાઈ આવતો અહમ્ એમને સ્વામી આનંદનું મોવડીપણું ઉલ્લેખવા પણ નથી દેતો અને બીજી ઘણી વાતો જાણવા મળી. મેં ભોળાભાઈને કહ્યું કે આ બધું તો જ્યારે અનુવાદ બહાર પડે ત્યારે વાચકોને માટે તમારે લખવું જ જોઈએ. એમનો જવાબ હતો કે ‘હું જરૂર લખું … જો આ અનુવાદ અશોક મેઘાણી કરે.’ ફરી એક વાર મારી પાસે કોઈ ઉત્તર નહોતો રહ્યો. અંતે, મારે બિન-મેઘાણી કૃતિનો અનુવાદ કરવાનું નક્કી થયું. પોતાનું વચન પાળવા એ રહ્યા નહીં એ આપણી બધાની ઘણી મોટી ખોટ રહેશે.

HIMALAYA – A Cultural Pilgrimage

મહેન્દ્રભાઈને ‘હિમાલયના પ્રવાસ’ના અનુવાદની વાત કરી તો એમનો અભિપ્રાય એવો મળ્યો કે ‘કાકાસાહેબની અલંકારિક ભાષાનો અનુવાદ શક્ય જ નથી.’ એમનો ઉદ્દેશ જે હોય તે, પણ મને તો બમણું જોર ચડ્યું.

પહેલાં સાત પ્રકરણોનો અનુવાદ કર્યો. મારું મન હજી નહોતું માનતું કે હું આગળ વધું, એટલે મેં એ પ્રકરણો નટવર ગાંધીને જોવા મોકલ્યાં. એમણે ભારતથી પુસ્તક વાંચવા મગાવ્યું. એ પછી એમનો જવાબ બહુ જ સીધો હતો. ‘I am underwhelmed by the original Gujarati.’

મારો અનિશ્ચય ઘણો વધ્યો. પણ ભોળાભાઈ અને બીજા વડિલ સિતાંશુ યશશ્ચન્દ્ર એક જ નિશ્ચયના હતા, કે મારે આ પૂરું કરવું જ. એ બંને જીત્યા.

કાકાસાહેબની અલંકારિક ભાષા તો અનુવાદમાં અઘરી હતી જ, પણ એમના સંસ્કૃત અને મરાઠી શ્લોકો-સુભાષિતો એથી પણ વધારે કામ માગી લેતાં હતાં. કવિ વિનોદ જોશી, મિત્ર અશોક વિદ્વાંસ અને અન્યની મદદ વગર અર્થની દૃષ્ટિએ સાચા અનુવાદો થઈ ન શક્યા હોત.

નગીનદાસ પારેખની એમના વિદ્યાર્થીઓ માટેની ‘ટીપ્પણી’ મને અનુવાદના કામમાં ખૂબ જ ઉપયોગી રહી. જયંતભાઈ અને બીજા વાચકો પાસેથી જાણેલું કે એ લોકો વખતોવખત ‘હિમાલયનો પ્રવાસ’ ખોલીને એકાદ પ્રકરણ વાંચતા હોય છે. એ ધ્યાનમાં રાખીને મેં અનુવાદમાં મારી પોતાની પ્રકરણવાર ‘glossary’ મૂકી. જૂદાંજૂદાં પ્રકરણોમાં એક ને એક જ વાત ફરી ફરી આવતી હોય (દા.ત. જગદ્ગુરુ શંકરાચાર્ય) તો એ દરેક પ્રકરણમાં ફરી ફરી મૂકી. પ્રકાશકના editorએ પુનરાવર્તન કાઢવા ઇચ્છ્યું, પણ મેં એનો આગ્રહ રાખ્યો.

પુસ્તકમાં વર્ણવાયેલી યાત્રા/મુસાફરી 1912માં થયેલી. એ વિષેની લેખમાળા લખવાનું શરૂ કર્યું 1919માં, અને એ પછી 15 વરસ સુધી લખાતી રહી. કાકાસાહેબ પોતે જ કહે છે તેમ ‘એ જૂનાં સ્મરણો બધાં જ તાજાં ન રહી શકે, અને જે સ્મરણો તાજાં ન હોય તે આપવામાં રસ કદી નથી હોતો.’ એ ન્યાયે, મોડેથી લખાયેલા આ પુસ્તકના પાછળનાં પ્રકરણોમાં એમને યાદ ન રહેલી પ્રવાસની વિગત ઓછી થતી જણાય છે અને એમની ફિલસૂફી વધારે દેખાય છે. શિર્ષક ‘Himalaya, a Cultural Pilgrimage’ રાખવાનું કારણ જ આ પ્રવાસવર્ણનને બહાને થયેલું સુંદર સંસ્કૃતિદર્શન છે. 

મરાઠીભાષી કાકાસાહેબનું આ ‘પ્રવાસવર્ણન’ કટકે કટકે જરા મોડું લખાયું. સહયાત્રી સ્વામી આનંદે મરાઠીમાં લખેલું પ્રવાસવર્ણન (ગુજરાતી અનુવાદ ‘હિમાલયની યાત્રા’) પ્રવાસ પછી તરત જ કોઈ સામયિકમાં પ્રગટ થયેલું. કાકાસાહેબની સ્મરણશક્તિએ જ્યાં એમને દગો દીધો છે ત્યાં સ્વામી આણંદના વર્ણનનો પણ અંગ્રેજી અનુવાદમાં સમાવેશ કર્યો છે (દા.ત. ‘ઉત્તરકાશી’ પ્રકરણમાં ધોધનું વર્ણન.)

મારા માટે ખૂબ જ યાદગાર વાત તો એ રહી કે મૅન્યુસ્ક્રિપ્ટ ખૂબ જ ઝીણવટથી જોઈ જઈને ભોળાભાઈ અને સિતાંશુભાઈએ નહીં જેવા ફેરફાર સૂચવ્યા, એટલું જ નહીં, શાકુંતલના એક શ્લોકનો મારો અનુવાદ શુદ્ધ નહોતો પણ લખાણના સંદર્ભમાં મેં યોગ્ય માનેલી છૂટને બદલવાની બંનેએ ના પાડી.

આજ સુધીમાં મારી પાસેથી સહુથી વધારે મહેનત આ અનુવાદે માગી છે, અને મને પોતાને સહુથી વધુ સંતોષ પણ આ અનુવાદથી જ થયો છે.

Draupadi

બિન-મેઘાણી સાહિત્યનો અનુવાદ કરવાની અનિચ્છા છતાં કોઈ સારા પ્રકાશક સાથે નાતો કેળવવાના પ્રયાસ રૂપે કાજલ ઓઝા વૈદ્યના પુસ્તક ‘દ્રૌપદી’ના અનુવાદનું કામ હાથમાં લીધું. 2014માં શરૂ કરેલું કામ 2015માં પૂરું કરેલું. મૂળ ગુજરાતીમાંથી જે થોડા ફેરફારો મને જરૂરી લાગ્યા એની સાથે લેખિકા પણ સંમત થયેલાં.

પહેલાં કૉપીરાઇટના મતભેદને કારણે, અને પછી પ્રકાશકની શોધમાં, અને એ નક્કી થયા પછી પણ એક યા બીજા કારણે એ મૅન્યુસ્ક્રિપ્ટ 100% તૈયાર હાલતમાં પ્રકાશક પાસે પડી છે, અને પ્રકાશન પામશે કે નહીં એ અત્યારે તો અનિશ્ચિત લાગે છે. આ અનુવાદે પણ ઘણો અભ્યાસ અને ઘણી મહેનત લીધાં છે, અને મને પોતાને અનુવાદ સંતોષકારક લાગ્યો છે.

પ્રકાશનની વાસ્તવિકતાઓ અને કૉપીરાઇટ કાયદાઓ વિષે જે જાણવા મળ્યું એ મારા મનથી બહુ જ મોટો લાભ આ અનુવાદ પ્રોજેક્ટમાંથી મળ્યો.

છેલ્લા બે અનુવાદો સ્વયંસ્ફુરિત નહોતા, પસંદગી મારી નહોતી, બંનેની શરૂઆત બાહ્ય અસરથી થયેલી. આ પછીના અનુવાદ માટે પણ શરૂઆત એમ જ થઈ. બળવંતભાઈ જાનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લોકસાહિત્ય સંશોધન કેંદ્ર વતી ઇચ્છા દર્શાવી કે મેઘાણીના પુસ્તક ‘રંગ છે, બારોટ!’નો અનુવાદ થાય. લગભગ એ જ સમયે મહેન્દ્રભાઈએ કહ્યું કે ‘દાદાજીની વાતો’નો અનુવાદ થવો જોઈએ. બંને પુસ્તકોમાં કંઠસ્થ સચવાયેલી, લોક-વાર્તાકારોને મોઢેથી સાંભળેલી વાર્તાઓને મેઘાણીએ એ જ શૈલીમાં લખવાનો યત્ન કર્યો છે. વોઇસ રેકોર્ડિંગની જ્યારે કોઈ જ સુવિધા નહોતી, ત્યારે વાર્તા સાંભળતાં સાંભળતાં ટપકાવેલી નોંધોના જ આધાર પરથી લખાયેલી આ વાર્તાઓ એ બંને સંગ્રહોમાં છે. આમાંથી આવ્યો આ અનુવાદ –

Folk Tales from the Bard’s Mouth

‘દાદાજીની વાતો’ની પાંચે પાંચ વાર્તાઓ, અને ‘રંગ છે, બારોટ!’ની બારમાંથી પાંચ વાર્તાઓ પસંદ કરીને આ અનુવાદ શરૂ કર્યો. બંને પુસ્તકોમાં લેખકે મૂકેલા ‘પ્રવેશક’ આ વાર્તાઓની ઉત્પત્તિ, એમાં રહેલું રચનાકૌશલ અને શ્રોતાઓનો રસ જાળવવા વપરાતી તરકીબો (જેને પાશ્ચાત્ય વિદ્વાનો ‘મોટિફ’ તરીકે ઓળખાવે છે) એ બધાની પદ્ધતિસરની છણાવટ આપે છે. લોકસાહિત્યના સંશોધનના અભ્યાસીઓને વાર્તાઓ જેટલો જ રસ આ પ્રવેશકોમાંથી મળવો જોઈએ.

અંગ્રેજી અનુવાદોમાં મૂળ વાર્તાકારે વાપરેલી ભાષા અને શૈલી મૂકવાનો પ્રયત્ન કર્યો છે.


એક દાખલોઃ


ગરુડ પંખી અને પંખણી વાત કરે છે. ગરુડ કહે છે કે મહેમાન રાજાનું રાજ રાંડી જવાનું છે. પંખણી પૂછે છેઃ


કે’ “કેમ?”


કે’ “આ રાજાને માથે આવતી કાલ્ય છ ઘાતો છે.

”
કે’ “કઈ કઈ?”


Says, “Why so?”


Says, “The king faces six lethal perils tomorrow.”


Says, “What perils?”


મને ખાતરી છે કે જે એડિટરે આ વાંચ્યું એને મારા અંગ્રેજી પર ખૂબ હસવું આવ્યું હશે કારણ કે મને જે સુધારેલા પ્રૂફ મોકલાયા એમાં વ્યાકરણના બધા સુધારા કરીને મને પાછું મોકલાયું … જે મેં મારું કારણ સમજાવીને રદ્દ કરાવ્યું.

મેં કરેલા અનુવાદોમાંથી આ સહુથી વધારે અઘરો રહ્યો. એના કારણમાં કોઈ પણ સંદર્ભમાં ન મળે એવા શબ્દો, વાર્તાઓમાં ઠેરઠેર મૂકાયેલા છંદો અને અર્થ વગરના પણ વાર્તાનો વેગ વધારવા માટે મૂકેલા મંત્રો, વગેરે.

પોતે જ ઉત્તમ વાર્તાકાર અને વિદ્વાન એવા દરબાર પૂંજા વાળાએ ચાર કલાક મારી સાથે બેસીને મને મારી બધી જ શંકાનું સમાધાન આપ્યું. થોડા જ મહીના પહેલાંના એમના મૃત્યુથી મને મોટી ખોટ પડી છે.

DK Printworld નામના સરસ પ્રકાશક મળ્યા, ખૂબ સરસ કામ થયું, પણ એમની નેમ ફક્ત પૈસા કમાવાની હોવાથી સારા પ્રકાશક સાથે સંબંધ બાંધવાની મારી ઇચ્છા હજી પૂરી નથી થઈ.

નહીં ધારેલી રીતે એક નવીન સાહસમાં ઉતરવાનું થયું. મારા અનુવાદો ગુજરાતીમાંથી અંગ્રેજીમાં થયા હતા. પણ ગુજરાતીમાં એકાદ લેખ સિવાય કાંઈ જ લખ્યું નહોતું. ખૂબ જાણીતા અંગ્રેજી લેખક અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધીએ લખેલા પુસ્તક PRINCE OF GUJARAT: THE EXTRAORDINARY STORY OF PRINCE GOPALDAS DESAIનો ગુજરાતી અનુવાદ થાય એવી એમની ઇચ્છા છે, અને એ અનુવાદ મારે કરવો એવો આગ્રહ દરબાર ગોપાળદાસના પુત્ર બારીનભાઈએ કર્યો. મારા ગુજરાતીમાં લખવાના કોઈ જ અનુભવ વગર આટલું મોટું કામ લેવાની અશક્તિ દર્શાવ્યા છતાં બારીનભાઈ ન માન્યા, અને અમે નક્કી કર્યું કે હું એક પ્રકરણના અનુવાદનો પ્રયત્ન કરું અને પછી નિર્ણય લઉં. અને અંતે તો આ સાહસ કરવાનું થયું.

એક અનોખો રાજવી

આ પુસ્તકનો અનુવાદ ‘એક અનોખો રાજવી’ શિર્ષક હેઠળ તૈયાર થઈને લગભગ દોઢેક વરસથી ‘નવજીવન’ પાસે છે. COVID અને બીજાં કારણોસર પ્રગટ થવાનું પાછું ઠેલાતું ગયું છે પણ 2021 દરમ્યાન પ્રકાશનની આશા છે.

આ પુસ્તકમાં માહિતી-દોષની તો સંભાવના જ નહોતી, પણ મહેનત પડી ચળવળો, જૂથો, વગેરેનાં ગુજરાતી નામો શોધવામાં. એમાં નારાયણ દેસાઈનું ચાર ભાગમાં લખાયેલ ‘મારું જીવન એ જ મારી વાણી’ ઘણું ઉપયોગમાં આવ્યું, પણ સમય સારો એવો ગયો.

ગુજરાતીમાં લખવાનો મહાવરો ન હોવાથી અંગ્રેજી કર્મણી વાક્યરચના ગુજરાતીમાં ન આવી જાય એ માટે સતત સંભાળ રાખવી પડી.

એક નવું ભાન થયું. ગુજરાતી પુસ્તક વાંચું ત્યારે એક શબ્દ પણ ન સમજાય એવું ભાગ્યે જ બને, એનો અર્થ એ કે ગુજરાતી શબ્દભંડોળ મગજમાં ઠીકઠીક છે. પણ જ્યારે લખવાનું થાય ત્યારે શબ્દો સૂઝતાં એટલી બધી વાર લાગે કે એ શબ્દભંડોળ ક્યાં ગયું એવું અચરજ થાય. કંપ્યુટરના ક્ષેત્રમાં જો થોડાં આવાં માર્યાં છે એની પરિભાષા વાપરીને કહું તો QUICKLY ACCESSIBLE MEMORYમાં મગજમાં સંગ્રહાયેલા શબ્દભંડોળનો અમુક જ ભાગ રહેતો હશે. જેમ જેમ પુસ્તકમાં આગળ વધતો ગયો એમ એ ACCESSIBLE VOCABULARY પણ વિકસતી જતી હોય એવું લાગ્યું અને લખવાની ઝડપ વધી. શરીરના કોઈ પણ સ્નાયુ વપરાશ વગર atrophy પામે એમાં કાંઈ નવું નથી એટલે આ પણ એનો જ દાખલો હશે. આ અનુભવ મારો જ છે, બધાની આ પરિસ્થિતિ હોવાની જરૂર નથી.

એક ચાલૂ પ્રૉજેક્ટની વાત ટૂંકમાં કરી દઉં. મારા ભાઈ જયંતભાઈ ડિસેમ્બર 2021માં એમનું મૃત્યુ થયું ત્યારે મિત્તલ પટેલે લખેલ ‘સરનામાં વિનાનાં માનવીઓ – વિચરતી પ્રજાની વ્યથા-કથાઓ’ નામના પુસ્તકનો અંગ્રેજી અનુવાદ કરી રહ્યા હતા. એમનું અધૂરું રહેલું પ્રિય કામ પૂરું કરવાની મને મારી ફરજ લાગી. મિત્તલબહેનની અનુમતિ લઈને મેં એ અનુવાદનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. બહુ થોડી માહિતી ખૂટે છે એ મળે પછી એકાદ મહિનામાં એ મૅન્યુસ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે એમ હું માનું છું.

અનુવાદકની પોતાની ફરજ વિશેના વિચારોઃ

કૉપીરાઇટનો કાયદો: અનુવાદકને ‘creator of original work of literature’ ગણીને કૉપીરાઇટ અપાય છે. પણ સાથે સાથે એની જવાબદારી પણ વધે છે. મારા મતે અનુવાદકની ફરજ બની રહે છે કે અનુવાદ વાચકને એક સંપૂર્ણ અનુભવ કરાવે. દા.ત. કાકાસાહેબ એમ લખે કે ‘યમુનારાણી’ લેખમાં અમુક વર્ણન આપ્યું છે એટલે અહીં એને દોહરાવવાની જરૂર નથી. પણ અંગ્રેજી અનુવાદના વાચક એ લેખ વાંચી શકવાના નથી … એટલે કાં તો એ ઉલ્લેખ જ અનુવાદમાંથી બાદ કરવો, અથવા વધારે સારો વિકલ્પ એ લેખમાંથી અવતરણ આપવાનો છે. મેં એ અવતરણનો વિકલ્પ લીધો છે. એ જ પ્રમાણે ‘ઉત્તરકાશી’ના ધોધનું વર્ણન જેની વાત આપણે કરી.

મૂળ લેખકે આપેલી ‘માહિતી’ જ્યાં બરાબર ન લાગે ત્યાં પાદટીપમાં એ વિષે ખુલાસો કરી શકાય. દા.ત. કાકાસાહેબ લખે છે કે ‘કેદાર બદરી વચ્ચે … પાંચ જ માઇલનું અંતર છે.’ અક્ષાંશ-રેખાંશ માહિતી પરથી ગણતરી કરીએ તો એ અંતર 22.5 માઇલ છે, એમ પાદટીપથી સમજાવ્યું છે.

જ્યાં માહિતી-ભૂલ સાવ દેખીતી હોય ત્યાં એ સુધારી લેવી એ મારે મન અગત્યનું છે. ‘વેવિશાળ’ના એક જ પ્રકરણમાં પોટ્ટી નામની બાળકીની ઉંમર એક જગ્યાએ બે વરસની અને બીજી જગ્યાએ ચાર વરસની લખી છે. લેખકની પરવાનગી લેવાનું શક્ય હોય તો એ લેવી, પણ એ મંજૂરી ન હોય તો આગળ કહ્યાની જેમ પાદટીપમાં દર્શાવવાની ચોક્કસ જરૂરી છે. અનુવાદમાં રહેલી અને સમજાવ્યા વગરની ભૂલો માટેની જવાબદારી અનુવાદકની જ છે એવું હું માનું છું.

મારા મનથી સારો અનુવાદ એ કે જે અનુવાદ છે એમ એની ભાષા પરથી કહી શકાય નહીં. અનુવાદકનો પ્રયત્ન એ આદર્શ તરફ જવાનો હોય, પણ એથી કેટલા નજીક પહોંચી શકાયું છે એ તો વાચકે જ નક્કી કરવાનું રહે.

મારી રીતઃ

એક જ વાત પહેલેથી સુજેલી કે ભાષા બોલચાલની જ વાપરવી, જે હું મારી વાતચીતમાં ન બોલતો હોઉં એવા શબ્દો લખવા નહીં.

બોલચાલની ભાષાની વાત કરીએ તો કૉલેજનાં ચાર વર્ષો અને પછી ભારતમાં નોકરીનાં છ વર્ષો દરમ્યાન અંગ્રેજીનો વપરાશ થયો, પણ 1969માં અમેરિકા આવ્યા પછી સતત જે અંગ્રેજી વાંચ્યું, સાંભળ્યું અને બોલતાં શીખ્યો એ બધું અમેરિકન અંગ્રેજી હતું, એટલે બહુ જલદી રિપોર્ટ વગેરે લખવામાં પણ એ જ આવી ગયેલું.

મને પડેલી મુશ્કેલીઓઃ

પ્રકાશક, પ્રકાશક, પ્રકાશક.

ગુજરાતના પ્રકાશકોનું distribution network અંગ્રેજી અનુવાદો માટે કેટલું કામનું એ સમજાયું નથી.

ભારતમાં દર વરસે બેએક મહીના જવાનું થાય ત્યારે સમયની મારામારીને લીધે મોઢામોઢ સાહિત્યક્ષેત્રના સંપર્ક બહુ જ ઓછા થઈ શકે. અમેરિકામાં બેઠા બેઠા કોઈને છાપેલી મૅન્યુસ્ક્રિપ્ટ પહોંચાડવી હોય તો પણ એ કેવી રીતે કરવું? ઈમેઇલથી PDF મોકલી શકાય પણ એને તો જૂએ કે વાંચે પણ કોણ?

કૉપીરાઇટઃ અનુવાદ પરનો કૉપીરાઇટ કાયદેસર અનુવાદકનો હોય એ હકીકત હજી પણ ભારતમાં સ્વીકાર્ય નથી મનાતી. દિલ્હીની સાહિત્ય અકાદેમી તો એ ઑપ્શન આપતી જ નથી. મેં ‘વેવિશાળ’નો થઈ ગયેલો કૉન્ટ્રાક્ટ જો મને કૉપીરાઇટ ન મળે તો રદ્દ કરવાની વાત કરી ત્યારે પછી આગળથી અપાતી રકમ પાછી લઈને વેચાણ પર રૉયલ્ટીના ધોરણે પહેલી આવૃત્તિ વેચાઈ જાય એ પછી જ કૉપીરાઇટ અનુવાદક તરીકેનો મને મળે એવો દસ્તાવેજ થયો. 2002માં બહાર પડેલ ‘The Promised Hand’ની એક હજાર નકલ વેચાઈ ગયા પછી 2020માં જ્યારે મેં તપાસ કરાવી ત્યારે કાયદેસર મને મળવો જોઈએ એ લેખિત થયું નથી. અને ત્યાં તો SCO માટે ભારતની દસ ભાષાઓનાં એક એક પુસ્તક રશિયન અને મૅંડેરિન ચીનીમાં પ્રસિદ્ધ કરવાની યોજનામાં ‘વેવિશાળ’ની ગુજરાતી પુસ્તક તરીકે પસંદગી થઈ અને અંગ્રેજીમાં પણ નવી આવૃત્તિ બહાર પડતાં કૉપીરાઇટની પરિસ્થિતિ હવે ફરીથી શંકાસ્પદ રહે છે.

e.mail : ashok@meghani.com

07 ઑગસ્ટ 2021

યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા યોજાયેલી વર્ચ્યુલ બેઠકમાંની રજૂઆત; શનિવાર, 07 ઑગસ્ટ 2021

https://glauk.org/programmes/ashok-meghani-august-2021/

Loading

‘માહોલ જ એવો કે રંગાઈ જવાય’: ડૉ. ઉષા મહેતા

સોનલ પરીખ|Opinion - Opinion|15 September 2021

આઝાદીના ઇતિહાસમાં ‘કૉંગ્રેસ રેડિયો’ની સ્થાપના અને કામગીરી સુવર્ણ અક્ષરે લખાયેલી ઘટના છે. ‘હિંદ છોડો’ આંદોલન વખતે મહાત્મા ગાંધી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી બ્રિટિશ સરકારે એક તરફ દમનનો કોરડો વીંઝ્યો, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. ધરપકડો થઈ કે તરત મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતી યુવાન વિદ્યાર્થિની ઉષા મહેતા અને તેના સાથીદારોએ દેશને સાચા સમાચારો પહોંચાડવા જે સિક્રેટ રેડિયો સ્ટેશન શરૂ કરેલું તે આ ‘કૉંગ્રેસ રેડિયો’. મણિભવનના પ્રમુખ અને ગાંધીસ્કૉલર ડૉ. ઉષાબહેન ઠક્કરનું પુસ્તક ‘કૉંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’, આ આખી દિલધડક ઘટનાની પ્રેરણાદાયક-રોમાંચક હકીકતો વર્ણવે છે …

1927ની સાલ. સાયમન કમિશન આવ્યું. તેનો ખૂબ વિરોધ થયો. ઠેર ઠેર સૂત્રો પોકારાયાં, ‘સાયમન ગો બેક.’ આ સૂત્રોચ્ચારમાં એક આઠ વર્ષની બાલિકાનો કોમળ અવાજ પણ સામેલ હતો. થોડાં વર્ષ પછી, 1942ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનમાં મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ભાષણ આપતાં કહ્યું, ‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું. તમારા શ્વાસેશ્વાસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – ડુ ઓર ડાય. કરેંગે યા મરેંગે.’ પેલી નાનકડી બાલિકા હવે યુવાન થઈ હતી, મુંબઈની વિલ્સન કૉલેજમાં ભણતી હતી. ઉષા મહેતા એનું નામ. ગાંધીજીના સાદથી જેમ ભારતને ખૂણેખૂણેથી તેમ ઉષાના હૃદયમાંથી પણ પોકાર ઊઠ્યો, ‘અંગ્રેજો, ભારત છોડો!’

બીજા દિવસે એટલે કે 9 ઑગસ્ટે અંગ્રેજ સરકારે ગાંધીજી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી. આખા દેશમાં એના પ્રત્યાઘાત ઊઠ્યા. ઉષા અને એમના સાથીદારોના મનમાં એક જુદો જ વિચાર આકાર લઈ રહ્યો હતો. દેશ મોટા બનાવોથી ખળભળી ઊઠ્યો હતો. અંગ્રેજોએ એક તરફ દમનનીતિ અપનાવી હતી, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉષા અને એમની મંડળી લડતના અને અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન ખોલવા થનગની રહી હતી.

પણ કામ મુશ્કેલ હતું. સાધનો ખરીદવા, માળખું ઊભું કરવા, ટેકનિકલ બાજુ સંભાળવા, એક જ જગ્યાએથી બ્રોડકાસ્ટિંગ થાય તો પકડાઈ જવાય – સ્થળ બદલતા રહેવા પડે. નાણું જોઈએ. લોકોનો સાથ જોઈએ. ઉષાબહેન ઘરેણાંનો ડબ્બો લાવ્યાં, ‘આ મારું સ્ત્રીધન છે. એનો આનાથી સારો ઉપયોગ બીજો કયો હોય?’ જો કે એની જરૂર પડી નહીં. નાણાંની વ્યવસ્થા થઈ, જવાબદારીઓ વહેંચાઈ અને મુંબઈમાં ચોપાટી પાસે સી વ્યૂ ઇમારતમાં એક ગુપ્ત રેડિયો સ્ટેશન શરૂ થયું ‘કૉંગ્રેસ રેડિયો.’ ટેકનિકલ બાજુ 'શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની'એ સંભાળી.

ધરપકડના પાંચમા જ દિવસે, 14મી ઑગસ્ટે કોઈ અજાણ્યા ટ્રાન્સમિશન પરથી એક સ્પષ્ટ, મક્કમ અને મીઠો અવાજ દેશભરમાં ગુંજી ઊઠ્યો, ‘ધીસ ઈઝ ધ કૉંગ્રેસ રેડિયો કૉલિંગ ઑન 42.34 મીટર્સ ફ્રોમ સમવ્હેર ઈન ઇન્ડિયા’. અંગ્રેજ સરકારે દબાવી દીધેલા સમાચારોને પાંચ મિનિટમાં દેશની જનતા સમક્ષ મૂકી અવાજ બંધ થઈ ગયો. દેશવાસીઓ આનંદમાં આવી ગયા. અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા.

પછી તો સિલસિલો ચાલ્યો. દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતાં. મુંબઈથી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ સમાચાર મોકલતી. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં કૉંગ્રેસ રેડિયોએ બ્રૉડકાસ્ટ કરી હતી. જે વિષયોને અખબારો અડવાની પણ હિંમત ન કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો. આ રેડિયો સ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓએ પ્રેરણાભર્યાં ભાષણો આપ્યાં. રામમનોહર લોહિયાએ એક ભાષણમાં કહ્યું હતું, ‘આપણે ચળવળ ચલાવતા હતા પણ હવે ક્રાંતિ ચલાવી રહ્યા છીએ. આપણી જીત તે આખા દેશની જીત હશે.’ અંગ્રેજી હકૂમતમાંથી મુક્ત થવા માટે ચાલી રહેલી ચળવળમાં આ રેડિયો 'સ્વતંત્રતાનો અવાજ' બનીને આવ્યો.

રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી થતું. વારંવાર સ્ટેશનો બદલવા પડતાં. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં, પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો. ‘હિંદુસ્તાન હમારા હૈ’થી શરૂઆત થતી, પછી સમાચાર, ભાષણ વગેરે અને અંતે ‘વંદેમાતરમ્‌’ ગવાતું.

ઉષાબહેનનો જન્મ 1920માં સુરતના સરસ ગામમાં 25મી માર્ચે. પિતા જજ હતા. 1933માં પરિવાર મુંબઈ આવ્યો. ઉષાબહેન નાની ઉંમરથી જ પિકેટિંગ, સરઘસ અને ખાદીસેવા જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં. પરિવારના અન્ય સભ્યો પણ આઝાદીની ચળવળમાં સક્રિય હતા. ગાંધીજીની પ્રેરણાથી છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને માંજરસેના બનાવી. બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ કરવું, પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું એવી કામગીરીઓ કરતાં. ‘વાતાવરણ જ એવું હતું કે દેશભક્તિના રંગમાં રંગાઈ જવાય. બનતું બધું કરવા તત્પર થઈ જવાય. અદ્દભુત હતા એ દિવસો. અમે કેટલા નસીબદાર કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ શક્યાં!’ તેઓ કહેતાં. એ દિવસોની સ્મૃતિથી તેમના ચહેરા પર રોનક આવી જતી.

જે ખબરો ક્યાં ય નહોતી મળતી તે 'કૉંગ્રેસ રેડિયો'થી લોકો સુધી પહોંચતી. બહોળો પ્રતિસાદ મળતો. લોકો સાથ આપતા. પ્રસારણની રેન્જ મોટી હતી. સિંગાપુર અને કટક સુધી તેમનું બ્રોડકાસ્ટિંગ પહોંચ્યું હોવાના ઉલ્લેખ મળે છે. રેડિયો-પ્રસારણ ઉપરાંત તેઓ ગુપ્તપણે પત્રિકાઓ પણ છાપતાં અને વહેંચતાં. પોલીસ અને જાસૂસોથી બચતા રહેવું સૌથી મુશ્કેલ હતું. એમના એક સાથીને ફોડીને બ્રિટિશ પોલિસ બાબુભાઈ ખખ્ખરની ઑફિસ સુધી પહોંચી ગઈ. ઉષા મહેતા ત્યાં હાજર હતાં. અગત્યનું સાહિત્ય અને ફાઈલોને લઈ તેઓ ભાગી નીકળ્યાં ને નવું ટ્રાન્સમિશન શરૂ કરાવીને રાબેતા મુજબનાં પ્રસારણ શરૂ કર્યાં. 12 નવેમ્બર 1942ની રાત્રે પ્રસારણ ચાલતું હતું ત્યારે જ પોલિસે છાપો માર્યો અને ઉષાબહેન અને  સાથીઓની ધરપક્ડ કરી. ટ્રાન્સમિશન સેટ, સાતથી દસ હજારની કિંમતની 120 ગ્રામોફોન રેકર્ડ્સ, 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એ.આઈ.સી.સી.ની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી. બે મહિના સુધી વિશેષ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો.

‘તમારા પર મુકાયેલા આરોપ અંગે તમારે શું કહેવું છે?’ જજે પૂછ્યું.

‘કંઈ નહીં.’ ઉષાબહેને સ્વસ્થતાથી કહ્યું.

‘તમારા બચાવમાં કંઈ કહેવું છે?’

‘ના.’

સજા નક્કી થયા પછી ફરી વખત એમને પૂછવામાં આવ્યું, ‘હજી પણ બચાવમાં કંઈ કહેવું હોય તો કહી શકાશે.’

‘મારે કશું કહેવાનું નથી.’

અને ઉષાબહેનને ચાર વર્ષ, બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની સખત કેદની સજા સંભળાવાઈ. ઉષાબહેનને આઈસોલેશન સેલમાં રખાયાં. સી.આઈ.ડી. દ્વારા પૂછપરછ કરાતી, માનસિક ત્રાસ અપાતો, લાલચ અપાતી. ઉષાબહેન મનથી ડગ્યા નહીં, પણ તબિયત ખખડતી ગઈ. કોઈ પૂછે કે, ‘તમને જેલ થઈ ત્યારે દુ:ખ થયેલું? ખરાબ લાગેલું? અન્યાય થયો હોવાની લાગણી થઈ?’ ‘ના.’ તેઓ શાંતિથી કહેતાં, ‘અમે અમારું કામ કર્યું હતું, જજે એનું.’  

પછીનાં વર્ષોમાં તેમણે 'મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર' વિષય પર પીએચ.ડી. કર્યુ, 30 વર્ષ સુધી વિલ્સન કૉલેજમાં અધ્યાપન કર્યું, પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ રહ્યાં અને ગાંધી પીસ ફાઉન્ડેશનનું પ્રમુખપદ સંભાળ્યું. સ્ત્રીઓના પ્રશ્નો અંગે તેઓ ખૂબ જાગૃત હતાં. જીવનના ઉત્તરાર્ધમાં તેઓ મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન તરીકે ફરજ બજાવતાં. 11મી ઑગસ્ટ, 2000ના દિવસે તેમનું અવસાન થયું. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં આઠમી ઑગસ્ટે તેઓ મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં 'હિંદ છોડો ચળવળ'ની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજર હતાં. સ્વતંત્ર ભારતની અડધી સદીની મજલ તેમણે જોઈ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ દુ:ખી અને હતાશ હતાં. .ઈન્ડિયા ટૂડે.ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં બોલ્યાં હતાં, ‘આ એ સ્વતંત્રતા નથી જેનું અમે સ્વપ્ન જોયું હતું.’

હવે બીજાં ઉષાબહેન – ઉષાબહેન ઠક્કરની વાત. મણિભવનના પ્રમુખ, પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટ-પોસ્ટ ડૉક્ટરેટ કરનાર, વિદેશની યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે કામ કરી ચૂકેલાં અને દેશના જૂજ તેજસ્વી ગાંધી સ્કૉલરોમાંના એક ઉષાબહેન ઠક્કરે ‘ગાંધી ઈન મુંબઈ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ‘વિમેન ઈન ઈન્ડિયન સોસાયટી’, ‘ઝીરો પૉઈન્ટ બૉમ્બે’ જેવાં સુંદર અને માહિતીસભર પુસ્તકો આપ્યાં છે. ઉપરની માહિતી તેમના ગયા મહિને પ્રગટ થયેલા પુસ્તક ‘કૉંગ્રેસ રેડિયો : ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’માંથી લેવામાં આવી છે. મજાની વાત એ છે કે આ બન્ને ઉષાબહેને વર્ષો સુધી સાથે કામ કર્યું છે. એમની પ્રત્યક્ષ વાતો અને ઉષાબહેન મહેતાની ફાઈલો અને દસ્તાવેજો આ પુસ્તકનો મુખ્ય આધાર છે. ઉષાબહેન ઠક્કર કહે છે, ‘મણિભવન રિનૉવેટ થવા જઈ રહ્યું છે. એમાં ઉષાબહેન અને તેમના કામને લગતો એકાદ કૉર્નર બનાવવાનો વિચાર છે.’

‘ઉષાબહેન મહેતા જેવી અનન્ય સ્વાતંત્ર્યપ્રેમી, લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ કોઈપણ કાળે દુર્લભ છે.’ એવા ઉષાબહેન ઠક્કરના નિરીક્ષણ સાથે નિ:શંકપણે અને નતમસ્તકે સંમત થવું પડે.

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 સપ્ટેમ્બર 2021

Loading

આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં વિરોધ

માર્ટિન મૅકવાન|Opinion - Opinion|15 September 2021

માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી,

માનનીય ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,

માનનીય ટ્રસ્ટીઓ,

શ્રી સાબરમતી આશ્રમના સંલગ્ન છ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ,

એક દલિત કર્મશીલ પાસે ગાંધીઆશ્રમના નવીનીકરણનો વિરોધ અપેક્ષિત નથી. દલિતોનાં મન અને હૃદય, પૂના-કરાર દરમિયાન, ડૉ. આંબેડકરનાં વર્ષોના સંઘર્ષ પર, અહિંસક સાધનો દ્વારા ગાંધીએ પાણી ફેરવી વાળ્યું, તેની કડવાશના ઘા રુઝાયા નથી. ગાંધીના વર્ણવ્યવસ્થાના વિચારો રૂઢિવાદી હતા, તેની વિશેષ છણાવટ તો ડૉ. આંબેડકરે કોઈ પણ શબ્દ ચોર્યા વગર કરી છે, એટલે એમાં પડતો નથી. તો આશ્રમના વૈશ્વિક કક્ષાના નવીનીકરણમાં આ વિરોધમાં મારે જોડાવાનું કારણ? મારું નામ નોંધાવવાના મારા પક્ષે કારણો આ છેઃ

૧.  ગાંધી અને ડૉ. આંબેડકર વચ્ચે ભારે મતભેદ પ્રવર્તતા હોવા છતાં બંનેએ એકબીજાનું માન જાળવ્યું છે. પૂના-કરારની કડવાશ ભૂલી, ગાંધીજીને રૂઢિવાદી હિન્દુઓએ રાક્ષસ કહ્યા ત્યારે દુઃખી અને હતપ્રભ ગાંધીને દિલાસો આપવા તેમના કહેણને માન આપી કરારના ત્રીજા જ દિવસે જેલમાં મળવા જનાર ડૉ. આંબેડકર હતા.

૨.  સરદાર પટેલ અને કાઁગ્રેસના ભારે પ્રયત્નો હતા કે ડૉ. આંબેડકર બંધારણસભામાં ચૂંટાય જ નહીં. ડૉ. આંબેડકર, બંગાળના પ્રખર દલિતનેતા અને પાકિસ્તાનના પ્રથમ કાનૂની અને શ્રમમંત્રી જોગેન્દ્રનાથ મંડલના સહકારથી અને મુસ્લિમ લીગના ટેકાથી બંગાળમાંથી ચૂંટાયા. ભારત-પાકિસ્તાનના ભાગલા પડતાં ડૉ. આંબેડકરની બેઠક રદ્દ થઈ. તે સમયે ગાંધીના દબાણથી કાઁગ્રેસે મુંબઈની બેઠક ડૉ. આંબેડકર માટે ખાલી કરવી પડી અને આમ બાબાસાહેબ બીજી વાર બંધારણ-સભામાં ચૂંટાયા અને બંધારણની ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ બન્યા. ગાંધીએ સરદાર અને નેહરુને કહ્યું હતું કે ડૉ. આંબેડકરને બંધારણસભામાં આવતા રોકી એમનું તો તે કશું નહીં બગાડી શકે, પણ દેશનું ભારે નુકસાન ચોક્કસ કરશે.

૩. ગાંધીએ હજુ અમદાવાદમાં પગ માંડ્યો જ હતો અને સાબરમતી આશ્રમનું બાંધકામ સંપૂર્ણ થયું ન હતું, ત્યારે ૧૯૧૭માં ઠક્કરબાપાના પત્રના જવાબમાં ગાંધીએ પ્રથમ દલિતદંપતી દુધાભાઈ અને દાનીબહેન દાફડા અને તેમની નાની દીકરી લક્ષ્મીને આશ્રમવાસી તરીકે સ્વીકાર્યાં. પ્રત્યાઘાત ભારે પડ્યા. બાજુના ખેડૂતે પાણી આપવાની ના પાડી અને દૂધવાળાએ દૂધ આપવાનું બંધ કર્યું. દાન અટકી પડ્યું. ગાંધીનાં મોટા બહેને આશ્રમમાંથી ચાલતી પકડી અને ફરી આશ્રમમાં ક્યારે ય પગ ન મૂક્યો. મગનલાલ ચર્મકામ શીખવા મદ્રાસ જતા રહ્યા. કાકા કાલેલકર પણ ડગમગ્યા. દાનીબહેનના પગ રસોડામાં પ્રવેશતાંની સાથે જ કસ્તૂરબાએ ગાંધી આશ્રમ અને ગાંધીને છોડી પિયર જવાની ધમકી આપી. ગાંધી અડગ રહ્યા અને કસ્તૂરબાને પિયર જવા સામે વાંધો ન ઉઠાવ્યો. કસ્તૂરબા સમસમીને રહ્યાં. પણ હવે અનાજ-પાણી ખૂટી પડ્યાં. સાંજની પ્રાર્થનામાં ગાંધીએ જાહેર કર્યું કે તે આશ્રમ, સામેની સફાઈ-કામદારોની વસ્તીમાં લઈ જશે પણ દલિત દંપતીને આશ્રમમાં જ રાખશે. આ કપરા દિવસોની કોઈક સવારે એક શેઠે આશ્રમને મદદ કરવાનો ગાંધી સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. ગાંધીએ તે સ્વીકાર્યો અને બીજે દિવસે એ શેઠ ગાંધીનાં ‘હાથમાં રૂ. ૧૩૦૦૦ની નોટો મૂકી ચાલતા થયાં.’

૪. થોડા દિવસ બાદ નાની લક્ષ્મીને ધૂળમાં રમતી જોઈ કસ્તૂરબાએ ઉપાડી લીધી અને છાતીએ ચાંપી. દુધાભાઈ અને દાનીબહેન મુંબઈ પાછાં ગયાં પણ ગાંધી કસ્તૂરબાના આગ્રહથી લક્ષ્મીને આશ્રમમાં મૂકતા ગયા. લક્ષ્મીને સાસરે ગાંધી-દંપતીએ જ વળાવી. આજ સમયે જ્યારે દુધાભાઈ અને દાનીબહેને ઝંઝાવાતનો સામનો કર્યો તે જ અરસામાં ડૉ. આંબેડકરને અપમાનિત થઈ ત્રણ ત્રણ વાર વડોદરા છોડવું પડ્યું. જો કે ગાંધી-આંબેડકરની પ્રથમ મુલાકાત આ ઘટનાનાં ૧૪ વર્ષ બાદ ૧૯૩૧માં જ મુંબઈના મણિ ભુવનમાં થઇ.

૫. ગાંધી સાથે કોઈ પણ પરિચય ન હોવા છતાં ડૉ. આંબેડકર ગાંધીના ‘સત્યાગ્રહ’ શબ્દથી આકર્ષાયા હતા અને એટલે જ ૧૯૨૭ના મહાડ-આંદોલનનું નામ ‘મહાડ સત્યાગ્રહ’ રખાયું અને સભાસ્થળે ગાંધીનો ફોટો પણ હતો. બંને વચ્ચે જીવનકાળ દરમિયાન આઠ જેટલી મુલાકાત થઈ હતી અને સંબંધમાં ભારે ઉતારચઢાવ આવ્યા. પુના કરાર સમયે ગાંધીના નિકટના સાથીઓએ ડૉ. આંબેડકર માટે જે શબ્દો વાપર્યા હતા, તે મહાદેવભાઈ દેસાઈની ડાયરીના વીસ ભાગમાંથી બીજા ભાગમાં જોઈ શકાય છે.

પણ મારા માટે ગાંધીનો આભડછેટ સામેનો સંઘર્ષ, પણ પોતાના જ આશ્રમમાં પ્રેરણાદાયક રહ્યો છે. ગાંધી કરતાં ય ઠક્કર બાપાનું દલિતો મધ્યે કામ અદકેરું અને ગાંધી ભારત આવ્યા તે પહેલાંનુ રહ્યું છે. પણ ડૉ. આંબેડકરે સ્વીકાર્યું તેમ ગાંધીએ આભડછેટના પ્રશ્નને ભારતના આઝાદીના આંદોલનમાં કેન્દ્રસ્થાને મૂક્યો જરૂર. ગાંધીના સમર્થનમાં આંગળીના વેઢે ગણાય તેટલા જ ગાંધીવાદીઓ હતા, આજની જેમ જ. પોતાના હાથે વણેલ ખાદીમાંથી ગાંધીએ દુધાભાઈ માટે ડગલો સિવડાવેલો. ભારતની આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગરવી ગુજરાતમાં બે વસ્તુઓ સાથે ચાલી રહી છે. ૧૨૪૬ કરોડના ખર્ચવાળી વિવિધ નામોલ્લેખ હેઠળ સાબરમતી આશ્રમની વૈશ્વિક કક્ષાની આધુનિક સજાવટ અને ગરીબોની વણબદલાયેલી હાલત.

બેએક મહિના પહેલાં કોરોનાકાળના બીજા તબક્કાના અવરોહણ સમયે, ત્રીજી લહેર આવે, તો કોરોના બાળકોને ભરખી જશે, તેવી વૈજ્ઞાનિકોની દહેશતના જવાબમાં નવસર્જન અને જનવિકાસે સાથે મળી પાંચ હજાર જેટલાં કુપોષિત બાળકો માટે પોષણક્ષમ આહારની ગોઠવણ કરી. ગુજરાતમાં ૨૦૧૯માં જેટલાં કુપોષિત બાળકો હતાં, તેનાથી વધી ૨૦૨૦માં બમણાંથી વધુ બાળકો સરકારના ચોપડે નોંધાયાં છે. આ સરકારી આંકડા પણ કોરોનાના આંકડા જેટલા જ આધારભૂત છે. આણંદ જિલ્લો જ્યારે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યામાં બીજા ક્રમે આવ્યો, ત્યારે વધુ પડતાં આંકડા બતાવી જિલ્લાને બદનામ કરવા બદલ કલેક્ટરે આરોગ્યસેવકોને તતડાવેલા તેવા અહેવાલ સરકારી કર્મચારીઓ પાસેથી જ સાંભળવા મળ્યા. ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આ કર્મચારીઓએ કબૂલ કર્યું કે ઉપરથી હુકમ છે ઓછાં બાળકો નોંધવાનો.

એશિયા ખંડની સૌથી મોટી અને શ્વેતક્રાંતિની જનક અમૂલ ડેરી જ્યાં છે, તે જિલ્લામાં અને ગુજરાતમાં ચાર વાર મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યો તેવા માધવસિંહભાઈ સોલંકીના પોતાના તાલુકામાં કુપોષિત બાળકોની મસમોટી સંખ્યા વિકાસ અને રાજકીય સત્તાની ગરીબો પર અસર સામે પ્રશ્નો ખડા કરે છે. આ પ્રશ્ન છેડવાનું કારણ એ છે કે સાબરમતી સંગ્રહાલય ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી કાર્તિકેય સારાભાઈએ તાજેતરમાં અમેરિકાના વિવાદાસ્પદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની વિવાદાસ્પદ 'નમસ્તે ટ્રમ્પ’ વાળી મીટિંગમાં પ્રમુખદંપતીને સાબરમતી આશ્રમ દ્વારા આપેલ ભેટ-સોગાદનો મહિમા પત્રકારોને સમજાવતા ગાંધીનું કથન યાદ કરાવેલું. 'જ્યારે ર્નિણય લેવાના તકાજામાં મનમાં સંશય ઊભો થાય, ત્યારે સૌથી છેવાડાના ગરીબને યાદ કરી આ ર્નિણયથી તેના પર શું અસર પડશે તે અંગે વિચારવું’. તમામ પક્ષના રાજકારણીઓ જન્મથી જ છેવાડાના લોકોનો વિચાર કરતા આવ્યા છે, એટલે તેમને તો કંઈ કહેવાપણું ન હોય, પણ વિચારવાનું અને નૈતિકતાનું ભાથું તો હંમેશાં નાગરિકોને માથે જ હોય છે.

કોરોનાકાળમાં જ્યારે કુપોષિત બાળકોને સૌથી વધુ પોષણની જરૂર હતી, ત્યારે જ ગુજરાત સરકારે ભોજનની દૈનિક વહેંચણી બંધ કરી. બદલામાં મહિનામાં એકાદ વાર સુખડી આપવાનો કાર્યક્રમ થયો. આ સુખડીના સ્થળ પરના અહેવાલો અનુસાર કુપોષિત બાળકોના અતિ નબળા દાંત વચ્ચે ભાંગે તેવી સુખડી ન હતી, એટલે ઘણા ભેજાબાજો બાળકોને સુખડી લેવા લઈ જાય અને બધાના ભાગની સુખડી ભેગી કરે. બદલામાં ગલ્લેથી બાળકોને ગોળી ખવડાવે અને સુખડી ગાય અને ભેંસના દાણમાં વપરાય, તેવો ચીલો પડ્યો છે.

અમૂલ ડેરી માત્ર ભારતદેશનાં નહીં પણ અન્ય દેશનાં બાળકો માટે યુનિસેફના અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માધ્યમથી તે દેશોનાં કુપોષિત બાળકો માટે બાળકો આહારનું ઉત્પાદન કરે છે. લગભગ ૧૫ જિલ્લાના નવસર્જન પાસે અહેવાલો છે કે જ્યાં ઉત્તમ કક્ષાનો અમૂલ દ્વારા બનતો આહાર ગાય અને ભેંસના પેટમાં જાય છે. આ આહારની શરત છે કે તેને ૩૦ ડિગ્રીથી નીચેના તાપમાનમાં સંગ્રહ કરવો, પણ આવી કોઈ વ્યવસ્થા આંગણવાડીમાં ન હોઈ બધો ખોરાક બાળકોને મળે, ત્યારે ખોરો થઈ જવાથી આંગણવાડીની બહાર ઊભેલા પશુપાલકો તેમનાં ઢોર માટે રૂપિયા દસના ભાવે તે ખોરાકનું પડીકું ખરીદી લે છે.

કોવિડની બીમારીથી ભારતમાં ગરીબોની સંખ્યા ૨૬.૫ કરોડથી વધી ૪૦ કરોડ થયાનું અનુમાન છે. દર વર્ષે દુનિયાના દેશોમાં ભૂખ્યા લોકોનું પ્રમાણ મપાય છે. ૨૦૨૦માં ભૂખ્યા લોકો ધરાવના ૧૦૭ દેશની શ્રેણીમાં ભારત ૯૪મા સ્થાને હતું. આપણા પડોશી દેશની સ્થિતિ આપણા કરતાં સારી જણાય છે. આ શ્રેણીમાં શ્રીલંકા ૬૪, નેપાળ ૭૩, બાંગ્લાદેશ ૭૫, મ્યાનમાર ર૭૮ અને પાકિસ્તાન ૮૮માં સ્થાને આવે છે.

પણ ગરીબીની આનાથી ગંભીર વાત એ છે કે ભારતમાં કેટલાં બાળકો ભૂખે મરી જાય છે?

તાજમહેલથી માત્ર સાત કિલોમીટર દૂરના ગલાવિધિચંદ ગામમાં એનાં મા-બાપ, ૪૦ વર્ષની શીલાદેવી અને ૪૫ વર્ષીય પપ્પુસિંઘ અને આઠ ભાઈબહેન સાથે રહેતી પાંચ વર્ષની સોનિયાકુમારી ૨૧ ઑગસ્ટ, ૨૦૨૦ના રોજ મરી ગઈ. સ્થળ પરના અહેવાલ અનુસાર તેના ઘરમાં છેલ્લા ચાર દિવસથી કોઈએ કશું જ ખાધું ન હતું. રાજ્ય સરકારે રાશનકાર્ડ ન હોય તો પણ કોરોનાકાળમાં લોકોને અનાજ વહેંચવું એવો નિયમ જારી કર્યો હોવા છતાં આ કુટુંબને રાહતનું અનાજ રાશનકાર્ડ ન હોવાથી ન આપવામાં આવ્યું. પપ્પુસિંહ ટી.બી.થી પીડાય છે અને કામ કરવા અસમર્થ છે. શીલા ઘરનો એક માત્ર આ આધારસ્તંભ છે અને તે કંઈ પણ કામ કરવા તત્પર હોય છે. વીજળીનું બિલ ૭,૦૦૦ રૂપિયા ચડી જવાથી છેલ્લા એક વર્ષથી ઘરમાં અજવાળું નથી અને પપ્પુ માટે દવાના પૈસા પણ નથી. આ ગામ દલિતોની બહુમતી વસ્તીવાળું છે. પાંચ હજાર કુટુંબની વસ્તીમાં ૨૦૦૦ હજાર કુટુંબ પાસે રાશનકાર્ડ નથી. સરકારી આંકડા પણ એની સાક્ષી પૂરે છે. જો કે એના આંકડા પ્રમાણે ગામમાં રહેતા ૩૬૯૮ પરિવારમાંથી માત્ર ૧૯૧૮ પરિવારને તેણે કાર્ડ વહેંચ્યાં છે. સરકારી કર્મચારીઓ પાસેથી રાશનકાર્ડ કઢાવવા આધારકાર્ડ કઢાવવું જરૂરી છે અને તે કાઢવાનો ભાવ રૂપિયા ૩૦૦ બોલાય છે. સ્થાનિક કર્મશીલની સંસ્થાના સર્વેક્ષણ મુજબ આ ગામમાં માત્ર ૧૯૧ પરિવાર પાસે આયુષ્યમાન ભારતકાર્ડ છે અને તેમાંના મોટા ભાગના ધારકો પૈસાપાત્ર અને કહેવાતા બિન-દલિત પરિવારો છે. સોનિયાના પરિવારનો ચાર દિવસ અગાઉનો ખોરાક 'પારલે જી’ બિસ્કિટ હતાં અને દરેક સભ્યના ભાગે એક બિસ્કિટ આવતું હતું. શાળામાં મધ્યાહ્નભોજન ચાલુ હતું, ત્યારે તો ઘરનાં બેચાર બાળકો ત્યાં જમતાં પણ ખરાં અને મા-બાપ માટે ખોરાક ઘરે લઈ પણ આવતાં હતાં.

આ પરિસ્થિતિ આજના ભારતની છે, જે ગરીબી ગાંધીએ બિહારના ગળીકામદારની જોઈ હતી તે જ. અને જે હિન્દુ બહુમતીની શોધમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીને ભારતના બંધારણનું અસ્તિત્વ સલામત ભાસે છે, તે બહુમતીનું આ સોનિયાનું પરિવાર છે. હવે ગાંધી નથી તો ગરીબોને તેમની હાલત પૂછવા કોણ જાય? સોનિયાના મરણ બાદ સ્થાનિક સંસદ-સભ્ય પોતાની ફોજ સાથે તે પરિવારનું રાશનકાર્ડ અને અનાજ લઈને આપવા ગયા, તે જાણવા છતાં કે ગામમાં આ એક જ મરવાના વાંકે જીવતો પરિવાર નથી. આવા પરિવારના દાખલા અન્ય રાજ્યોમાંથી પણ મળી રહેશે.

નવસર્જન પાસે પૈસા નથી, પણ ગમે તેમ દાન ઉઘરાવીને કોરોનાકાળમાં ૧૦૦૦ વિધવાના પરિવારને દર મહિને રાશન આપ્યું. પણ આ તો સમુદ્રમાં એક ટીપા બરાબર પણ નથી. વિધિની વક્રતા એ છે કે ગરીબ લોકોને પેટનો ખાડો પૂરવા થોડા અનાજ માત્રની જરૂર છે, પણ સરકારના કાર્યક્રમ ૧૦૦૦ કરોડથી નીચેના હોતા નથી અને ચૂંટણી નજીક આવે, ત્યારે આ આંકડા અત્યંત મોટા ગણી કે યાદ ન રાખી શકાય તેવા હોય છે.

ટ્રસ્ટનાં અધ્યક્ષ આદરણીય ઇલાબહેન ભટ્ટ છે, તેમના શ્રમશક્તિ અહેવાલનું મથાળું જ એ હતું : આપણે ગરીબ છીએ પણ આપણે ઘણાં બધાં છીએ. પણ ઇલાબહેન, સરકારને ગરીબોની બહુમતીની જરૂર નથી, એમને તો ગાંધીના મેનુબાર પણ અને ગોડસેના મેનુબાર પણ એક ચોક્કસ સંપ્રદાયની બહુમતીની જરૂર છે.

આશ્રમના નવીનીકરણમાં છ ટ્રસ્ટો સંકળાયેલાં છે. એમાંથી બે ટ્રસ્ટનાં નામ ‘સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટ’ અને 'ગુજરાત હરિજન સેવક સંઘ’ એવાં છે. આપ બંને મહાનુભાવો ગુજરાતના માજી અને હાલના મુખ્ય મંત્રી છો. આપણી સરકારે 'હરિજન’ શબ્દને માન્ય ગણ્યો છે? જે ભૂમિમાં વિશ્વકક્ષાનો ગાંધીઆશ્રમ બનાવવાનાં સપનાં જોતાં ગુજરાતમાં જો તાકાત હોય અને ગાંધીની નિષ્ઠા પ્રત્યે ગુજરાતીઓને વફાદારી હોય તો પોતાની અટક 'હરિજન’ બદલીને બતાવે. ગાંધીનું ગાંડપણ એ હતું કે કાર્યક્રમની શરૂઆત પોતાથી જ કરતા, પછી એ બકરીના પ્રયોગ હોય કે આયુર્વેદિક દવાના. એમણે તો જાહેરમાં લખ્યું પણ ખરું કે તેમનો પુનર્જન્મ હોય, તો લોકોનાં મળમૂત્ર ફંફોસ્યા કરતી સ્ત્રીના પેટે અવતરવાની ઇચ્છા છે. તમારું મંત્રીમંડળ જે 'દલિત' શબ્દનો પણ કાંટો કાઢી નાંખવા માંગે છે, તે ગાંધીની વિચારધારાના અનુયાયી બની 'હરિજન’ અટક ગ્રહણ કરી બતાવવા તૈયાર છે? ગાંધી એના કામથી, એની વાતોથી અને એના કર્મથી વિશ્વકક્ષાનો હતો, એની ઇમારતોથી નહીં.

અગાઉ વહેલી સવારે હું ઘણીવાર ગાંધી આશ્રમ જતો અને હૃદયકુંજ પાસે બેસતો. જ્યાં પ્રાર્થનાસ્થળ છે, ત્યાં વપરાયેલા નિરોધની હાજરી અંગે મેં ત્યાંના ટ્રસ્ટીઓનું પણ ધ્યાન દોરેલું છે. સંસ્થાઓ તે માત્ર મકાનો અને ચમકીલા બાગબગીચા નથી. આમે ય ગાંધીનો ઓરડો વિવાદિત લોકો માટે જ પ્રવેશપાત્ર છે, સામાન્ય લોકોને તો તેમને જે ગાંધી વહાલો હતો, તેના ઓરડાના દર્શન જાળીમાંથી ડોકિયું કરીને જ કરવાના હોય છે. જે રીતે ચીન-જાપાનઅમેરિકાના મહારથીઓની મુલાકાત ટાણે આપણે સરકારી ખર્ચે દાંડીપૂલની સામેની ગરીબ વસ્તીને ગ્રીન નેટથી ઢાંકી દઈએ છીએ અને ક્યારેક દીવાલ ચણી લઈએ છીએ તેમ.

ગાંધી માટે પાઈ-પાઈની કિંમત હતી. નોઆખલીમાં ગાંધી ન આવે માટે તેમના રસ્તામાં શરાબની બૉટલો તોડીને પગદંડી પર નાંખવામાં આવેલી અને એમાંના ઘણા કાચ ગાંધીના પગમાં વાગેલા. પણ એનામાં ઝનૂન હતું દેશમાં કોમી સંવાદિતા ઊભી કરવાનું. રાત્રે આ જંગલના રસ્તે માત્ર મનુ અને આભાના સહારે જતા. ધૂળમાં લોકો વચ્ચે બેસતા અને લોકોને આઝાદીનું મહત્ત્વ સમજાવતા. એમની વાત સાંભળી ફાનસ પાસે જ લોકો પાઈપૈસો પોતાનો ફાળો નાંખતા. સભા બાદ મનુ-આભાનું કામ પૈસા ગણીને ભેગા કરવાનું અને એનો દૈનિક હિસાબ રાખવાનું. એક દિવસ મોડી રાત્રે રહેઠાણે પાછા આવી સૂતા પહેલાં ગાંધીએ બે કુમારિકાઓ પાસે દાનના પૈસાનો હિસાબ માંગ્યો અને પ્રશ્ન કર્યો કે તેઓ જે કહે છે, તેટલું જ દાન આવ્યું છે કે વધુ? છોકરીઓ રડમસ થઈ ગઈ. પોતા પર ચોરીનો આરોપ? ગાંધીએ સમજાવ્યું : ત્યાં અંધારું હતું અને ધૂળ હતી. શું ખાતરી કે એક પાઈ-પૈસો ધૂળમાં રહી નથી ગયો. ગાંધીએ બે છોકરીઓને ફાનસ લઈ એકલી જગલમાં મોકલી સાથે ધૂળ ચાળવાની ચારણી સાથે. ડરથી ફફડતી મનુ-આભા રાત્રે એકલી ગઈ અને ધૂળ ચાળીને થોડા પાઈ-પૈસા લઈ પણ આવી.

સજ્જનો, ૧૨૫૦ કરોડ રૂપિયાનો વહીવટ કરવો એ તો સરકારના ડાબા હાથનો ખેલ છે. જે ગરીબો ગાંધીનાં મન-હૃદયમાં વસતા હતા, તે ઘરની સ્ત્રીઓએ પોતાની જિંદગીભરની નાની બચત ઘરની ગોદડીમાં પોતાનાં બાળકોના ભવિષ્ય માટે દારૂડિયા પતિની કાતિલ નજરોથી દૂર સંતાડી રાખેલી અને તેને તમે 'ડીમૉનેટાઇઝેશન’ જેવા દેશની ગરીબી જેવા જ ભારે શબ્દના ખોફ વચ્ચે ધૂળધાણી કરી નાંખી એના હિસાબ આપી જાણો તો તમને સલામ. મારી મા પણ ગોદડીમાં જ પૈસા સંતાડતી હતી. એવી ચર્ચા છે કે રાજકીય પક્ષોએ પોતાના કરોડો રૂપિયાનો વહીવટ આ ખાનગી કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ કરી નાંખેલો.

ગાંધીનો આશ્રમમાં પ્રથમ સંઘર્ષ આભડછેટ સામે હતો. તે ઇતિહાસનું ચિત્રણ આશ્રમના નવીનીકરણનો જે નકશો તમે છાપાંઓમાં છાપવ્યો છે, તેમાં હું ભાળતો નથી. તમારી સરકાર તો નવસર્જનના આભડછેટના અભ્યાસથી ડરે છે. નવસર્જને જ્યારે ગુજરાતમાં પ્રથમ વાર ગુજરાતના ઇતિહાસમાં માથે મેલું ઉપાડવાના મુદ્દે વડી અદાલતમાં જાહેરહિતની અરજી ૧૯૯૭માં દાખલ કરી, ત્યારે પણ ગુજરાત સરકારે તો સોગંદનામું એવું કર્યું કે ગુજરાતમાં માથે મેલું ઉપાડવાની પ્રથા અસ્તિત્વ ધરાવતી નથી, કારણ ગુજરાતે તે પ્રથાને ત્રણ-ત્રણ વાર પ્રતિબંધિત જાહેર કરી છે.

અમારી પાસે દોઢેક હજાર ગામના ફોટા છે કે સરકારે 'સ્વચ્છભારતમાં જે હજારો શૌચાલય બાંધ્યાં છે, તેની વાસ્તવિક સ્થળ પરની હાલત કેવી છે. પણ અમારી દરેક પ્રવૃત્તિ તમને ‘રાષ્ટ્રવિરોધી’ લાગે છે, જેમ ગાંધીની પ્રવૃત્તિ અંગ્રેજોને લાગતી હતી.

ગાંધીનો શૌચાલયના મુદ્દે સંઘર્ષ ભારે હતો. ૧૯૧૧માં મુંબઈમાં સફાઈ-કામદારોની હાલતનું ગાંધીએ કરેલું વર્ણન વાંચવા જેવું છે. ઠક્કરબાપાએ એ હાલત જોઈને જ સરકારી ઇજનેરની નોકરી છોડી આ કામમાં ઝંપલાવેલું. પરીક્ષિતલાલ મજુમદાર અને મામા ફડકેનાં નામ કેમ ભુલાય? મામા તો રત્નાગીરીની જેલમાં પોતાને સંડાસ-સફાઈનું કામ મળે તે માટે ઉપવાસ પર ઊતરેલા અને અંગ્રેજ સરકારમાં રમખાણ મચેલું કે જેનું જ્ઞાતિગત કામ નથી, તેને તે કામ આપવું કઈ રીતે? આ ઉપવાસના સમાચારથી મામાના ટેકામાં ગાંધી સહિત સેંકડો લોકો જેલમાં ઉપવાસ પર ઉતરેલાં.

૧૯૩૦માં ગાંધીની ગોધરાની મુલાકાતમાં ત્યાંની દલિત વસ્તીમાં અજીબ અનુભવ થયો. સમગ્ર ગોધરા શહેરનો આ સ્વચ્છ અને સુઘડ વિસ્તાર હતો, પણ દલિત-ફળિયામાં કોઈ મનેખ ન જણાય. બધાં ય ગાંધીને અને તેના કરતાં ય વિશેષ ગાંધીના ભક્તોને પોતાના પડછાયાની આભડછેટથી બચાવવાની ચિંતામાં હતા. ગાંધીના લાખ આગ્રહ છતાં ય કોઈ નીચે ન ઊતર્યું અને અંતે ગાંધીની વાત માની એક વૃદ્ધ નીચે ઊતરી સભામાં છેવાડે દૂર બેઠા. લોકોએ ગાંધીને કહ્યું પણ ખરું કે તમે જાવ પછી એમના ભક્તો એમની બૂરી હાલત કરશે.

ગાંધીએ અહીંયા દલિત બાળકો માટે શાળા શરૂ કરી પણ શિક્ષક ન મળે. મુસ્લિમ શિક્ષક મળ્યો, પણ બાળકોને એવા ફટકારે કે નજીક કોણ આવે અને છેલ્લે આ કામ મામા ફડકેએ ઉપાડ્યું. પણ બાળકો એમાં નાનાં ભાઈ-બહેનને ઘરે કેમ કરી મૂકી શકે? મામાએ કહ્યું કે એમને લઈને આવો. આ નાનાં ભૂલકાં પેશાબ અને ઝાડા પણ શાળામાં કરે. એની સફાઈ અત્યારે ગુજરાતના ગામમાં શિક્ષકો પોતાના માટે બાળકોને માવા-મસાલા લેવા મોકલે છે તેવા ન હોઈ, મામા પોતે કરતા હતા. કાઁગ્રેસના પ્રથમ અધિવેશનમાં મંચ પરથી ઊતરી સંડાસસફાઈ માટે ગાંધીએ ઝાડુ પકડેલું. આશ્રમમાં સંડાસ કેમ બનાવવાં, એમાં રાખ કેટલી નાંખવી અને એમાં ફળનાં વૃક્ષ કેવી રીતે રોપવાં તેની વિશાળ ચર્ચા એમનાં લખાણોમાં છે.

નવસર્જને આપની સરકારને ૨૦૧૭માં ‘આભડછેટ મુક્ત-ભારત’(કાઁગ્રેસમુક્ત-ભારત કે ભા.જ.પ.મુક્ત ભારત નહીં)ના નેજા હેઠળ એક લીટીનું આવેદન આપેલું કે ૧૫મી ઑગસ્ટના રોજ ધ્વજ ફરકાવ્યા બાદ ગુજરાતના માત્ર એક ગામને આભડછેટમુક્ત જાહેર કરો. પણ આપની સરકારને આમેજ કરેલ વિકાસમાં શ્રદ્ધા ન હતી અને તમે તે એક માત્ર ગામ કે જ્યાં આભડછેટ નથી, તેનું નામ ન આપી શકયા. નવીનીકરણ ગાંધી આશ્રમનું નહીં પણ પ્રજાની વર્ણવ્યવસ્થાથી ખદબદતી દૂષિત માનસિકતાનું કરવાનું છે, પણ તે માટે તમારા અને મારા અંતરમાં ગાંધી અને આંબેડકરનું સ્થાન હોવું જોઈએ.

આજે ગુજરાતની કેટલી શાળાઓમાં પાણીનાં માટલાં એક છે? ગુજરાતની કેટલી શાળાઓમાં મધ્યાહ્‌ન ભોજન દરમિયાન બાળકો એક હરોળમાં જમે છે? આઝાદી પછી ગુજરાત સરકારે 'અસ્પૃશ્યતાનિવારણ’નાં કેટલાં કામ કર્યાં? લાંબો ઇતિહાસ યાદ ન રહે તે સ્વાભાવિક છે. એ માત્ર આપની સરકારની કામગીરી જાહેરમાં જણાવો, તો પણ ઘણું. મુખ્ય મંત્રી તરીકે દલિત કે આદિવાસી અત્યાચારની જઘન્ય ઘટનાઓમાં લોકોને દિલાસો આપવા આપ કેટલાં ગામમાં ગયા છો? એકાદ દલિતના ઘરે પહેલાથી નક્કી કરી એના ત્યાં ભોજન લેવાના કાર્યક્રમનું આયોજન કાબિલેદાદ હોય છે. પણ દલિતને પોતાના ઘરે જમવા બોલાવવાનો કાર્યક્રમ હજુ કોઈએ ગોઠવ્યો નથી. આ આભડછેટની વરવી વાસ્તવિકતાઓનું કોઈ ચિત્રણ કે ઐતિહાસિક નિરૂપણ આશ્રમના નવીનીકરણમાં ખરું?

‘હરિજન સેવક સંઘ’ની શરૂઆત પૂના કરાર બાદ દલિતોનો રોષ ઠારવા માટે થઈ. ત્યારે ડૉ. આંબેડકરે ગાંધીને સણસણતો સવાલ પૂછેલો : આ ટ્રસ્ટમાં એક પણ દલિત ટ્રસ્ટી કેમ નહીં? ગાંધીનો જવાબ હતો કે અસ્પૃશ્યતા એ અમારા બિનદલિતોનું પાપ છે, એટલું એનું પ્રાયશ્ચિત્ત છે. સાચું. હરિજન સેવકસંઘની પ્રવૃત્તિઓ કઈ? આજે ગાંધી-આશ્રમમાં સેંકડો લોકો આવે છે, તે શૌચાલયની સફાઈ કોણ કરે છે?

આઝાદી માટે પ્રશિક્ષિત કાર્યકરોની ફોજ ઊભી કરવા ગાંધીએ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એમાંના એક ટ્રસ્ટી આદરણીય નારણભાઈ રાઠવા હતા. એમની વૃદ્ધ ઉંમરે તેમની સાથે કામ કરવાનો મને અનુભવ છે. એ વિદ્યાપીઠમાં સભા માટે આવે, ત્યારે ખબર પડી કે એમના માટે ભોજન રસોઇયો રાંધવાના બદલે, બહારથી મંગાવતો હતો. આંખોમાં ઝળઝળિયાં સાથે નારણભાઇ એ મુદ્દે મૌન રહ્યા. પણ હું અસ્વસ્થ થઈ ગયો હતો. આ વિદ્યાપીઠમાં દલિત વિદ્યાર્થીઓ જ્ઞાતિગત ભેદભાવના મુદ્દે અગાઉ રમખાણે ચડ્યા છે? એની જાહેર ચર્ચાઓ થાય ખરી?

ગાંધીના ગયા બાદ આ સંસ્થાઓમાંથી ગાંધીનાં મૂલ્યો પણ ગયાં. જે રહ્યું તે જમીન અને એની સંપત્તિ અને ખાદી-ચરખો-ત્રણ વાંદરાનાં રમકડાં. સંપત્તિનું નવીનીકરણ થાય તેમાં કોઈને વાંધો લેવો અઘરો છે. પણ ગાંધીઆશ્રમમાં આંતરજ્ઞાતીય લગ્નો કે ભોજન-સમારંભો ગોઠવો તો ઘણું. આશ્રમમાં જ ગાંધીએ લક્ષ્મીનાં લગ્ન કરાવેલાં. વર્ધાના આશ્રમમાં, ભારતની બંધારણસભામાં ૧૫ સ્ત્રી-સભ્યોમાં એક માત્ર દલિતસ્ત્રી, દક્ષિયાનીવેલાયુધન, જે ભારતની પ્રથમ સ્નાતક અને તે પણ વિજ્ઞાનશાખામાં ઉત્તીર્ણ થનાર દલિત સ્ત્રી, તેનાં લગ્ન ગાંધી-કસ્તૂરબાએ કરાવેલાં. ગાંધીએ દક્ષિયાનીને છૂટ આપેલી કે વર્ધાના આશ્રમમાં તે માંસાહાર કરી શકે પણ તેમની વિનંતી હતી કે રાંધવાનું કામ એની પોતાની કુટિરમાં જ થવું જોઈએ. ગુજરાતમાં અને ભારતમાં જે કોમો શાકાહારી ગણાય છે, તેમાંના ૪૫ ટકા લોકો માંસાહારી છે. ગાંધી આશ્રમમાં કે ગાંધીવાદી સંસ્થાઓમાંના રસોડાના ભોજનમાંથી વૈચારિક આતંકવાદ દૂર કરવાનું શક્ય છે ?

જિંદગીનો મોટો ભાગ ગાંધીએ કારાવાસમાં વિતાવ્યો. પૂનાની જેલમાં જ કસ્તૂરબા મરણ પામ્યાં. ગાંધીએ પણ સારું મોત ન જોયું. હવે એનું અને એના નામે કરવાનું બાકી શું છે? ગાંધીઆશ્રમમાં નચિકેતભાઈ ધરણા પર બેઠા તો બે ટ્રસ્ટીએ એમને બેસવાની વ્યવસ્થા ગાંધીઆશ્રમની બહાર ફૂટપાથ પર કરી આપી અને પાથરણું પણ આપ્યું. ક્યા ગાંધીના વૈચારિક વારસાનો આપણને ગર્વ છે?

લખવું ઘણું છે પણ અહીં જ પૂરું કરું છું. ગાંધીના ભૌતિક વાતાવરણનું નવીનીકરણ ભલે થાય. એનાથી ઓછા લોકોના પેટમાં તેલ રેડાશે કે બળતરા થશે પણ ૧૨૫૦ કરોડની માતબર રકમથી ઘણા વધારે લોકોને ગલગલિયાં થશે. મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીએ આઝાદીકાળમાં લખેલુંઃ 'ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે’. લાગે છે તે ક્યારેક ગાંધીના ગુજરાતમાં સાચું પડશે?

૬ સપ્ટેમ્બર, ૨૦૨૧

માર્ટિન મેકવાન

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2021; પૃ. 05-08

Loading

...102030...1,7911,7921,7931,794...1,8001,8101,820...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved