ભારતમાં કોરોનાને કારણે થયેલાં ડેથ 445k છે
અને યુ.ઍસ.એ.માં થયેલાં ડેથ – 674k છે.
Worldometer અને બીજી અનેક એજન્સીઓ ડેથ્સ ઉપરાન્ત કોરોનાકેસિઝ અને સંલગ્ન તમામ બાબતોના આંકડા રોજે રોજ આપે છે.
પણ જનસામાન્યની આંખ ઊઘડતી નથી.
એથી મેળવવી જોઈતી શીખ મેળવાતી નથી.

Picture courtesy : Eyewitness News
એટલે –
જે મિત્રો, જે સ્નેહીઓ, જે પ્રજાજનો માસ્ક નથી પ્હૅરતા, ના પાડે છે;
સોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવતા, શી જરૂર છે એવું કહે છે;
જાત-અલગાવ સ્વીકારીને કૉરન્ટાઇન નથી થતા,
એટલે કે, જાતે જ પોતાને કોરાણે નથી મૂકતા;
વૅક્સીન લેવાની પણ ના પાડે છે, કહે છે, એથી જ કોરોના થઈ જાય …
હું એ સૌને કહું છું, બસ આટલું કરો —
કોરોના, ડેથ અને વૅક્સીન
એ ત્રણમાંથી
કોઈ પણ બે-ને પ્રેમથી પસંદ કરી લો,
મગજ ઠેકાણે આવી જશે ને બધું આપોઆપ સરળતાથી સમજાઈ જશે …
= = =
(September 19, 2021: USA)
![]()


ઑગસ્ટ ૨૮, ૨૦૨૧ના રોજ ઝવેરચંદ મેઘાણીના જન્મની સવા શતાબ્દીની સરકારી રાહે ઉજવણી કરવામાં આવી. ‘સરકારી રાહે’ એટલા માટે કે તેના નિમંત્રણકાર્ડમાં મેઘાણીની તસવીરો હતી, પણ નિમંત્રણકાર્ડના કવર પર વડા પ્રધાન સહિત પાંચ મંત્રીઓના જ ફોટા હતા – ઝવેરચંદ મેઘાણીનો ફોટો કે ચિત્ર ત્યાં ન હતાં. સોશિયલ મીડિયા પર ટીકા થઈ, એટલે બેશરમ ભક્તસમુદાય વળતી દલીલ કરવા લાગ્યો કે ‘મેઘાણીના ફોટા કાર્ડમાં છે તો ખરા.’
બર્થડે બૉય જ બચાડો ગેરહાજર હોય એવા પોસ્ટરઢીમણે સોહતા સરકારી ઓચ્છવની કળ લગરીક વળવામાં છે અને આ લખવા બેઠો છું ત્યારે ઊભરાતું સ્મરણ પચીસેક વરસ પરના એક સંવાદનું છે. ઉત્તર ગુજરાતના કંઈક કસબાતી કહી શકાય એવા ગામની સ્કૂલમાં કશાક વિશેષ અવસરે જવાનું થયેલું. જમતી વેળાએ તાલુકામાં લાડીલા જણાતા એક બાવાજી જોડે થઈ ગયા. એમણે વાતવાતમાં ખરી દૂંટીના અવાજથી ફરિયાદના સૂરે કહ્યું કે પહેલાં તો કેવા કેવા કવિઓ થઈ ગયા, રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે … અને હવે ? કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં! આમાં ભણતાં છોકરાં બચાડા કે’દી ઊંચા આવે, તમે જ કહો ને. કેમ કે બાપજી ખરી દૂંટીથી બોલતા હતા, મારો પણ ખરા દિલથી ગભરાયા નહીં તોયે ડઘાયા વિના છૂટકો નહોતો. શરૂનો ડઘડઘાટ લગીર આછર્યો એટલે મેં કહેવાનું સાહસ કર્યું કે બેઉના કવિ એક જ છે. બાવાજીએ વળતા કંઈક લોચા વાળ્યા, ચપટીક કરુણા અંબોળતે, કે પાપી પેટ સારુ કવિએ નિશાળિયાંની ચોપડી સાટું આવી લખી આપ્યું હશે. ગમે તેમ પણ, એક પા લાડુ અને બીજી પા બાપજીના બોલ બેઉ એક સાથે ગળે ઉતારતાં હું એ સ્વાતિક્ષણે જે દર્શન લાભ્યો તે એ કે દેશપ્રેમના તાનમાં આ ચિત્તમાં ગામડાંની શેરી, એમાં રમતાં બાળકો અને ગલૂડિયાંની નાનીશી દુનિયા, એને સારુ સહૃદયતાથી વિચારવાનો અવકાશ જ કદાચ રહ્યો નથી.