Opinion Magazine
Number of visits: 9674735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જે ધર્મને ન સાંભળે અને જે ધર્મને ન અનુસરે એ સાચો ધર્મનિષ્ઠ કેવી રીતે હોઈ શકે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|26 September 2021

જાણીતા ઉર્દૂ ગઝલકાર અને હિન્દી ફિલ્મો માટેના પટકથાલેખક જાવેદ અખ્તરે તાજેતરમાં હિન્દુત્વવાદીઓની તુલના તાલેબાનો સાથે કરી ત્યારે વિવાદ જાગ્યો હતો. ઘણા લોકોએ તેમણે કરેલી તુલના યોગ્ય ગણાવી હતી અને હિન્દુત્વવાદીઓનાં સંકુચિત વિચારો અને વ્યવહારનાં ઉદાહરણ આપ્યાં હતાં તો હિન્દુત્વવાદીઓએ તેમની ભાષા(એ કેવી છે એ તો તમે જાણો જ છો)માં જાવેદ અખ્તરની આકરી નિંદા કરી હતી.

જાવેદ અખ્તરે તાલેબાનો અને હિન્દુત્વવાદીઓની કરેલી તુલના સો ટકા સાચી નથી, અંશત: સાચી છે. તાલેબાનો ધર્મનિષ્ઠા ધરાવે છે અને ધાર્મિક રાજકારણ કરે છે જ્યારે હિન્દુત્વવાદીઓ (સંઘપરિવાર અને તેના નેતાઓ) ધર્મનિષ્ઠા વિનાનું ધાર્મિક રાજકારણ કરે છે. પહેલા પ્રકારના  રાજકારણને મૂળભૂતવાદ (ફન્ડામેન્ટલિઝમ) તરીકે ઓળખાવવામાં આવે છે અને બીજા પ્રકારના ધર્મનિષ્ઠા વિનાના ધાર્મિક રાજકારણને કોમવાદ (કમ્યુનાલિઝમ) તરીકે ઓળખાવવામાં આવે છે. મૂળભૂતવાદીઓ ધર્મના મૂળભૂત સિદ્ધાંતોની બાબતમાં બાંધછોડ કરતા નથી, આકંઠ નિષ્ઠા ધરાવે છે અને ખરેખર એમ માને છે કે સંસાર અત્યારે જે પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે એનું કારણ ધર્મના માર્ગેથી ફંટાઈ જવાનું છે. તમે તમારા ઈશ્વર માટે શ્રદ્ધા ધરાવતા હો તો તેના આદેશની અવગણના કેવી રીતે કરી શકો? બધાને એક ખીલે બાંધવા જોઈએ, બાકી સંખ્યાના ધોરણે બળાબળની રમત રમવી એ ધર્મનો દુરુપયોગ છે. તાલેબાનો અને બીજા અનેક મુસલમાનો આ રીતે મૂળભૂતવાદીઓ છે. 

આપણે તેમની સાથે સંમત થઈએ કે ન થઈએ, પણ એટલું ખરું કે તેઓ તત્ત્વનિષ્ઠા ધરાવે છે, ટકોરાબંધ તત્ત્વનિષ્ઠા ધરાવે છે અને માટે તેમનું રાજકારણ આખી દુનિયા જોઈ શકે એવું ખુલ્લું, પ્રામાણિક અને પોતાની જાન કુરબાન કરનારું હિંમતવાળું હોય છે. તેઓ બે મોઢે બોલતા નથી, અનેક મોઢે બોલતા નથી, સગવડ મુજબ સૂર બદલતા નથી, પોતાની વાત છૂપાવતા નથી, દુનિયાની પરવા કરતા નથી, ટોળાંમાં તેઓ ફરતા નથી, ટોળાં રચતાં નથી, ટોળાંને ઉશ્કેરતા નથી, ટોળાંની વચ્ચે સલામતી અને બહાદુરી શોધતા નથી, પ્રતિકૂળતાઓની વચ્ચે પણ તેઓ ઊભા રહેવાની ખુમારી ધરાવે છે અને જાન ફગાવી દેતા ડરતા નથી. તેઓ તેમની તત્ત્વનિષ્ઠા માટે પોતાનાંઓને પણ રસ્તામાંથી દૂર કરવામાં સંકોચ કરતા નથી અને આજે મુસ્લિમ જગતમાં આ જ બની રહ્યું છે.

આગળના લેખોમાં કહ્યું હતું એમ કોઈ ધર્મ ફિરકામુક્ત નથી એટલે ધર્માનુયાયીઓને એક ખીલે બાંધવા હોય અને વિધર્મીઓને પણ અંદર લઈ આવવા હોય તો સધર્મીઓ અને ધર્માંતર કરાવીને સધર્મી બનાવેલા વિધર્મીઓને કયા ફિરકાના ખીલે બાંધવા એ સમસ્યા છે. આને પરિણામે મુસ્લિમ વિશ્વમાં મૂળભૂતવાદીઓ પોતપોતાની મૂળભૂત ધર્મનિષ્ઠા સ્થાપિત કરવા માટે આપસમાં લડી રહ્યા છે.

ધર્મના નામે કોમવાદી રાજકારણ આ અર્થમાં સલામત છે. ધર્મનિષ્ઠા હોય તો મતભેદ થાય ને! ચોક્કસ ધર્મમાં માનનારા પરિવારમાં જન્મ થયો છે એટલું ધાર્મિક ઓળખ અપનાવવા માટે પૂરતું છે, એનાથી આગળ ધર્મ તરફ જોવાનું જ નહીં. આમાં સમસ્યા એટલી કે કોમવાદી રાજકારણીએ ચોવીસે કલાક ખેપાની બનીને જીવવાનું જેના તરફ મદનમોહન માલવિયાએ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું હતું કે  ધર્મનિષ્ઠા વિનાનું ધાર્મિક રાજકારણ તત્ત્વનિષ્ઠ કેવી રીતે હોઈ શકે? આપણો ધર્મ જે કહેતા અને કરતા રોકતો હોય એ માત્ર રાજકીય ફાયદાઓ માટે કેવી રીતે કરી શકાય? જે ધર્મને (ધર્મચીંધી મર્યાદા) ન સાંભળે અને જે ધર્મને ન અનુસરે એ સાચો ધર્મનિષ્ઠ  કેવી રીતે હોઈ શકે? માત્ર કોઈની સામે રાજકીય સરસાઈ મેળવવા માટે ધર્મચીંધી મર્યાદા ઓળંગવાની?

આઝાદી પહેલાં મુસલમાનોમાં ઇસ્લામનું મૂળભૂતવાદી રાજકારણ અને કોમવાદી રાજકારણ એમ બન્ને ધારાઓ અસ્તિત્વમાં હતી. મૌલવીઓ મૂળભૂતવાદી રાજકારણ કરતા હતા અને ભણેલાગણેલા આર્થિક રીતે સંપન્ન મુસલમાનો કોમવાદી રાજકારણ કરતા હતા. ઉદારમતવાદી સેક્યુલર મુસલમાનો આ બેની વચ્ચે ભીંસ અનુભવતા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે જે મૂળભૂતવાદી મુસલમાનો હતા તેમાંના મોટાભાગના મુસલમાનો ભારતના વિભાજનના વિરોધી હતા અને જે લોકો અંગત જીવનમાં પ્રગતિશીલ પણ રાજકારણમાં કોમવાદી હતા એ બધા જ ભારતના વિભાજનના હિમાયતી હતા. પાકિસ્તાન એ લોકોને જોઈતું હતું જેઓ અંગત જીવનમાં ઉદારમતવાદી પણ કોમવાદી મુસલમાનો હતા, ધર્મનિષ્ઠ મુસલમાનોને નહોતું જોઈતું.

પણ આમાં આશ્ચર્ય થવા માટે કોઈ કારણ નથી. કારણ કે કોમવાદી મુસ્લિમ નેતાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા નહોતી, તેમને તો સત્તા જોઈતી હતી અને સત્તા મેળવવામાં સંખ્યા મદદરૂપ થઈ શકે, ધર્મનિષ્ઠા મદદરૂપ ન થઈ શકે. ઊલટી ધર્મનિષ્ઠા તો અવરોધરૂપ બને. આપસી વિભાજન પેદા કરે. હિંદુ બહુમતી દેશમાં મુસલમાનો લઘુમતીમાં (પાછી સાવ લઘુમતી નહીં, ભારતની વસ્તીમાં ૨૫ ટકાનો હિસ્સો ધરાવતી ઘણી મોટી લઘુમતી અને ઉપરથી ભારતના કેટલાક પ્રાંતોમાં બહુમતી ધરાવતી લઘુમતી) હતા એટલે સંખ્યાનિષ્ઠ કોમવાદીઓએ ધર્મનિષ્ઠ મૂળભૂતવાદીઓને માત કર્યા અને પાકિસ્તાન મેળવ્યું.

પાકિસ્તાન ધર્મનિષ્ઠા તો છોડો, મૂલ્યનિષ્ઠા વિનાના ખેપાની કોમવાદી રાજકારણનું પરિણામ છે અને પાકિસ્તાન હાજરાહજૂર તમારી સામે છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 સપ્ટેમ્બર 2021

Loading

ગ્રેટ બ્રિટન અને કોવિશીલ્ડનો કકળાટઃ કભી હાં કભી ના!

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|26 September 2021

યુનાઇટેડ કિંગ્ડમનું આ વલણ વેક્સિન ડિપ્લોમસીની એક ચાલ હતું જેમાં માત્ર ભારતને નહીં એવા તમામ રાષ્ટ્રોને ભોગવવાનું હતું જ્યાં કોવિશીલ્ડના ડોઝ મોકલાયા છે અને તેનો ઉપયોગ થયો છે

તાજેતરમાં જ યુનાઇટેડ કિંગ્ડમની જાહેરાતને પગલે હોબાળો થઇ ગયો. યુ.કે.એ પોતાના દેશમાં આવનારા બીજા રાષ્ટ્રના નાગરિકો માટે ગાઇડલાઇનની જાહેરાત કરી. યુ.કે. દ્વારા ટ્રાફિક લાઇટ એટલે કે લાલ, લીલી અને પીળી એમ ત્રણ કેટેગરીમાં કયા રાષ્ટ્રોને પ્રવેશ આપવો અને ન આપવોની નીતિ નક્કી કરાઇ હતી, અને ઑક્ટોબરમાં, આ નિયમોમાં ફેરફાર કરવાનું નક્કી થયું. આ નિયમો અનુસાર પીળી એટલે કે એમ્બર સિગ્નલ મળેલા દેશોની લિસ્ટને ગ્રીન સિગ્નલ મળેલા દેશોના લિસ્ટ સાથે ભેળવી દેવાની વાત હતી અને રેડ સિગ્નલ મળ્યું હોય તેવા દેશોને અલગ રાખવાના. આંતરરાષ્ટ્રીય પ્રવાસને સરળ બનાવવાના હેતુથી યુ.કે. સરકાર આ ગડમથલમાં હતી. નવા નિયમો અનુસાર રાષ્ટ્રોના વેક્સિનેશન સ્ટેટસને આધારે ત્યાંના નાગરિકોને વિઝા આપવો કે નહીં તે નક્કી કરવામાં આવશે તેમ અનુસરવાનું નક્કી થયું. પણ વેક્સિનને મામલે યુ.કે.એ જે જાહેરાત કરી તેનાથી હોબાળો થઇ ગયો અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર અણધાર્યું દબાણ આવી ગયું.

યુ.કે.એ જાહેરાત કરી કે જેમને ડબલ ડોઝ વેક્સિનના બન્ને શોટ્સ મળ્યા છે, જેમાં ઓક્સફોર્ડની એસ્ટ્રાઝેનેકા, ફાઇઝર બાયોટેક અથવા મોડર્નાનો સમાવેશ થાય છે અથવા તો જેસન વેક્સિનનો સિંગલ શોટ મળ્યો છે તેમને પૂરેપૂરા વેક્સિનેટેડ માનવામાં આવશે. ડિપાર્ચરના ૧૪ દિવસ પહેલાં પૂરું વેક્સિનેશન થયું હોવાની સાબિતી આપી શકે તેવા નાગરિકોને યુ.કે. જતાં પહેલાં કોવિડ-૧૯નો ટેસ્ટ નહીં કરાવવો પડે અને તેમને ક્વોરેન્ટિન પણ નહીં થવું પડે એવી જાહેરાત પણ થઇ. પરંતુ યુ.કે.એ જેને માન્યતા નથી આપી તેવા વેક્સિન લેનારા નાગરિકોએ મુસાફરીના ત્રણ દિવસ પહેલાં કોવિડ-૧૯ ટેસ્ટ લેવો પડશે અને અને મુસાફરી પછી ૧૦ દિવસ સુધી ક્વોરેન્ટિન પણ થવું પડશે અને તે દરમિયાન પણ અમુક દિવસના અંતરે કોવિડ-૧૯નો ટેસ્ટ લેવો પડશે. આ જાહેરાતમાં બ્રિટને ભારત સાથે ભેદભાવ કર્યા હોવાની ચર્ચા છેડાઇ કારણ કે બ્રિટનના આ નિયમો અનુસાર જેણે પણ કોવિશીલ્ડ વેક્સિન લીધી હોય તેને અન-વેક્સિનેટેડ ગણવામાં આવશે તેવી વાત કરાઇ.

કોવિશીલ્ડ વળી યુ.કે.ના ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાનું જ ભારતીય વર્ઝન છે પણ છતાં ય આ ભેદભાવની નીતિને કારણે સરકારથી માંડીને આમ જનતામાં રોષ ભભૂકી ઊઠ્યો. ભારતના સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂણે પ્લાન્ટમાં એસ્ટ્રાઝેનેકાના ભારતીય વર્ઝનનું ઉત્પાદન થયું છે છતાં ય ભારતને યુ.કે.એ વેક્સિનનું બહાનું કરી માન્ય રાષ્ટ્રોની યાદીમાંથી બહાર રાખ્યો. આ વર્ષની શરૂઆતમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા તરફથી યુ.કે.ને મોકલવાના ૧૦ મિલિયન એસ્ટ્રાઝેનેકાના ડોઝમાંથી પાંચ મિલિયન તો મોકલવામાં પણ આવ્યા. (આ લખાઇ રહ્યું છે ત્યારે જાહેરાત બદલાઇ ચૂકી છે, તેની વાત આગળ ઉપર કરીએ, પણ મુદ્દો પહેલેથી સમજવો રહ્યો.)

યુ.કે.ના આ વલણથી છંછેડાયેલા ભારતે ‘રેસિપ્રોકલ મેઝર્સ’ એટલે કે પ્રત્યાઘાતી પગલાં લેવાની જાહેરાત કરી. સોશ્યલ મીડિયા પર અંગ્રેજોની ભેદભાવ ભરી નીતિને લઇને ભારે માછલાં ધોવાયાં. શશી થરૂર અને જયરામ રમેશ જેવા પૂર્વ યુનિયન મિનીસ્ટર્સે તો આમાં રંગભેદનો ખેલ હોવાનો આરોપ પણ મૂક્યો. એમાં પાછી એવી વાત આવી કે એસ્ટ્રાઝેનેકા અને  કોવિશીલ્ડ સરખાં છે પણ એક બીજાની ખોટ પૂરે એટલે કે એક હોય તો તેની બદલે બીજું ચાલી જાય તેવા નથી કારણ કે તે બે અલગ સાઇટ પર બનાવવામાં આવ્યા છે.  યુ.કે.ની મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી – એમ.એચ.આર.એ. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની જે વેક્સિન્સને માન્યતા આપી હતી, તેને યુરોપિયન મેડિસિન એજન્સી – ઇ.એમ.એ. શા માટે માન્યતા નથી આપીનો સવાલ પણ ખડો થયો. ડબલ્યુ.એચ.ઓ.એ પણ કોવિશીલ્ડને વૈશ્વિક માન્યતા આપેલી છે તો પછી યુ.કે.ના આવા વલણમાં વેક્સિન ડિપ્લોમસી, ભેદભાવ અને વારાતારા શા માટે?  બીજા દેશો જ્યાં કોવિશીલ્ડ વેક્સિન અપાઇ છે. તેમની સાથે પણ આમ જ થવાનું હતું કે તેમને અન-વેક્સિનેટેડ ગણવામાં આવે. સિરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલાએ જુલાઇમાં કહ્યું હતું કે તેઓ ઇ.એમ.એ.ની માન્યતા મળે તેની રાહ જોઇ રહ્યા છે પણ તેની પર આજ સુધી કોઇ સ્પષ્ટતા કે સમાચાર નથી આવ્યા. યુ.કે.ના ડ્રગ ચોકીદાર ગણાતા ઇ એમ એ. તરફથી માન્યતા ન આવી એટલે કોવિશીલ્ડની સાથે ઓરમાયું વર્તન થયું.

ભારતના વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રુંગલાએ પણ મંગળવારે યુ.કે. સરકારના આ વલણની આકરી ટીકા કરી. ભારતના દબાણને વશ થઇને આખરે યુ.કે.એ ભારતીય વેક્સિન વિશેની પોતાની માર્ગદર્શિકા બદલી નાખી. બુધવારે સાંજ સુધીમાં તેમણે ચોખવટ કરી કે કોવિશીલ્ડ વેક્સિન લેનારાને પણ યુ.કે.માં પ્રવેશ મળશે, પણ તેમણે ત્યાં પહોંચીને ક્વોરેન્ટિન પિરિયડ પૂરો કરવો પડશે. આ બધાં પરિવર્તનો કર્યાં ખરા, પણ યુ.કે. સરકાર માટે તેનો જવાબ આપવો જરૂરી હતો કે તેમને આખરે વાંધો ક્યાં હતો. તેમણે કહ્યું કે તેમને વેક્સિન સામે નહીં પણ વેક્સિનના સર્ટિફિકેટ સામે વાંધો હતો (ના, સર્ટિફિકેટ પરના ફોટાવાળો જોક યાદ કરીને એને સાચું માની લેવાની ગફલત ન કરતાં). બ્રિટનને કો-વિન સામે વાંધો છે, કોવિશીલ્ડ સામે નહીં. તેઓ કો-વિનના સર્ટિફિકેશનને માન્યતા આપવાને મામલે ચોક્કસ નથી. આ અંગે બન્ને સરકારો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. વળી યુ.કે. દ્વારા આવા વાંધાવચકા પહેલીવાર ઊભા કરાયા છે એવું નથી. યુરોપિયન યુનિયન – ઇ.યુ.એ. આ વર્ષની શરૂઆતમાં પણ સિરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉત્પાદીત કોવિશીલ્ડને ઑક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાના લાઇસન્સની અંડર જ રાખવામાં આવી હતી. માત્ર ચાર જ વેક્સિનને માન્યતા આપવાની જાહેર કરી યુ.કે. માટે સાપે છંછુદર ગળ્યા જેવી સ્થિતિ થઇ અને પછી તેમણે વિરોધને પગલે પોતાના નિયમોમાં ફેરફાર કર્યા.

સમયાંતરે ઑસ્ટ્રીયા, સ્લોવેનિયા, જર્મની, ગ્રીસ, આઇસલેન્ડ, આયરલેન્ડ, સ્પેઇન, ઇસ્ટોનિયા, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જીયમ, ફ્રાંસ, હંગેરી, રોમાનિયા, સ્વીડન, ક્રોએશિયા, ફિનલેન્ડ , નેધરલેન્ડ્ઝ જેવા અઢાર યુરોપિયન દેશોએ કોવિશીલ્ડના વેક્સિનેશનને માન્યતા આપેલી છે.

બાય ધી વેઃ 

યુ.કે.નું આ વલણ વેક્સિન ડિપ્લોમસીની એક ચાલ હતું, જેમાં માત્ર ભારતને નહીં એવા તમામ રાષ્ટ્રોને ભોગવવાનું હતું જ્યાં કોવિશીલ્ડના ડોઝ મોકલાયા છે અને તેનો ઉપયોગ થયો છે.  યુ,કે,ની દાનત ભારતનું સ્થાન નબળું કરવાની હતી કે પછી હાંસિયામાં ધકેલીને આછકલાઇ ભર્યું શક્તિ પ્રદર્શન કરવાનો વિચાર હતો? આ સવાલનો જવાબ યુ.કે. સત્તાધીશોની દાનત માત્ર આપી શકે. કો-વિનના સર્ટિફિકેશનને માન્યતા આપવાને મામલે હજી અલકચલાણું ચાલે છે ત્યારે આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે બાજીમાં શું ફેરફાર આવ્યા તે જોવું રહ્યું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  26 સપ્ટેમ્બર 2021

Loading

ચાલો, પાનમસાલા ખાઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|26 September 2021

કાવ્યકૂકીઝ

0

હું પાનમાવા ખાતો નથી,
પણ એક્ટરોને જોઈને
મને પણ જીભ કેસરી કરવાનું મન થયું
આ લોકો મસાલામાં પણ કેસર ખાતાં હોય
તો આપણે શું ગુનો કર્યો?
મારા બાપાને ખબર પડી તો
એમણે ય કહ્યું : એક પડીકી મારી પણ લાવજે.
મારો છોકરો બોલ્યો :  હું પણ ખાવાનો.
છોકરી :  ભાઈ ખાય તો હું પણ ખાવાની.
પત્ની પણ ટહુકી :
મસાલાથી પેટ ભરાતું હોય તો મારે રાંધવું મટે !
ને આખું ખાનદાન ઉપડ્યું માવાવાળાની દુકાને –
ઓર્ડર આપ્યો : પાંચ પડીકી !
દુકાનદાર બોલ્યો : પડીકી નહીં, પડીકાં આપું.
એટલે પાનમાવા નથી? – મેં પૂછ્યું.
એ બોલ્યો – પાનમાવો નથી, દૂધનો માવો છે.
અમે પાનવાળાને પહોંચ્યાં : પડીકી છે? પાંચ આપ !
એ બોલ્યો : આ છોકરી પણ ખાય છે, પડીકી?
: ના, એ પહેલીવાર ટ્રાય કરવાની છે.
પાનવાળો બોલ્યો : અક્કલ ઘાસ ચરવા ગઈ છે?
: કેમ એવું કહે છે? પડીકી તો એકટરો પણ ખાય છે.
: એ ખવડાવે, ખાય તો ગુજરી જાય !
: એટલે?
: એને તો પૈસા મળે એટલે ખાવાનું નાટક કરે.
: એટલે એ લોકો પૈસા માટે કરે આવું?
: હા.
: આપણને ખબર નહીં કે  એકટરો પણ ગરીબ હોય !
: એક્ટર જેટલો મહાન એટલો વધારે ગરીબ !
: ભગવાન ભલું કરે એમનું …

0

અટપટું ચટપટું

0

– પપ્પા, નાની ગુજરી ગઈ, પછી નાના અહીં જ રહે છેને.
– હા, બેટા. એ હવે અહીં જ રહેવાના છે.
– એ તમારા કોણ થાય?
– સસરા.
– તમે એમને ત્યાં પણ રહેતા હતાને ?
– હા, હું ઘરજમાઈ હતો.
– તો એમને ઘરસસરા કહેવાય?

0

પત્ની : જરા મિસકોલ મારોને !
પતિ : કેમ મોબાઈલ જડતો નથી?
પત્ની : ના, ચશ્માં જડતાં નથી.

0

– પેટ્રોલ-ડીઝલ જી.એસ.ટી.માં નહીં લવાય.
– સારું. અમે કાર-સ્કૂટરમાં લાવીશું, બસ !

0

– સોરી, મહિલાઓને પ્રવેશ નથી.
– પણ, આ તો મહિલા મંત્રાલય છે.
– હા, પણ તાલિબાનનું છેને !

0

– તમને આ લોકોએ ગધેડા કહ્યા?
– હા.
– એમણે ગધેડા કેમ કહ્યા?
-એ તો કોઈ માણસને પૂછો તો ખબર પડે.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7781,7791,7801,781...1,7901,8001,810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved