ચૂપચાપ રહેવાનું, કોઈને કહેવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
વાતોએ હવામાં આમ વહેવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
કાલે તો જોઈ'તી આજ ચકલીઓ ગઈ કંઈ?
એમ ઊંચા અવાજે કોઈને પૂછવાનું નહીં
કોને નાખી'તી અહીં અદ્રશ્ય કોઈ જાળ?
કોને ફસાવવા કોણે વેરી'તી જાર?
જ્યાં ત્યાં આમ કાવતરું ભાળવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
ચકલીઓને જો તમે કરો દેશ પાર
માળા ને ઝાડ ને જંગલ ને ખેતોની પાર
તો જીવન પર, ગીતો પર, ગાવા પર,
પાંખના ફફડાવા પર હક એનો રહેવાનો કે નહીં?
એમ પૂછી પૂછી હલ્લો બોલાવવાનો નહીં
રાજની સામે ચકલીઓ શું ચીજ છે
ચકલીઓ બચાવો, રાજા હટાવો
એવા ખોટો ખોટો નારો લગાવવાનો નહીં
કે રાજા સુપ્પડકન્નો
સાક્ષી છું હું કહે છે ઝાડનું એ પાન
મારું ના માને તો આ આભનું તો માન
રાજા એ લીધા છે ચકલીના પ્રાણ
સાંભળ્યાં છે મેં એના પેટમાં કંઈ ગાન
કહે હવા હવે તો મારું માન, મારું માન
લોકોનું કહ્યું બધું કંઈ સાંભળવાનું નહીં
આંખોથી જોઇએ છો, માનવાનું નહીં
ને માનો તો માનો પણ વિચારવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
આ તે કેવો રાજા, ને કેવો આ દેશ
ભૂખ્યાંનો બેલી ધરે ભક્ષકનો વેશ
એવી નક્કામી પંચાતમાં પડવાનું જ નહીં
જાત સાથે રોજ રોજ ઝગડવાનું નહીં
અલા, દીવાલો હોય તો હોય બધે ફાટ
એ ફાટ દેખી કે ઊંડા ઊતરવાનું નહીં
સતનાં તો હોય ગામ ગામ ડેરા સાત
એના પગલાંની હોય રોજ બદલાતી ભાત
એની પાછળ આમ આપણે ભટકવાનું નહીં
મૂંગા ઝાડવાની આગળ પણ બોલવાનું નહીં
ગીત એનું નગારે ગજવવાનું નહીં
કે રાજા સુપડકન્નો
અરે, હું તો કહું છું ચકલી ને ઝાડની વાત બધી છોડો
આખા જંગલ સામે જ તમારે જોવાનું નહીં
અને જોયું તો જોયું, સમજો
પણ કવિતામાં તો ખમૈયા કરો મારા બાપ,
ભૂલથી ય કોઈ દિવસ લખવાનું નહીં
કે રાજા સુપ્પડકન્નો
કે રાજા સુપ્પડકન્નો
https://ruralindiaonline.org/en/articles/the-king-and-his-very-secret-elephantine-ears/
![]()


ધ ઇકોનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઇ.આઇ.યુ.) દર વર્ષે વિવિધ દેશોમાં લોકશાહીની સ્થિતિ વિષે એક અહેવાલ તૈયાર કરે છે. વર્ષ ૨૦૨૦ માટેનો અહેવાલ ચાલુ વર્ષની શરૂઆતમાં પ્રકાશિત થયો, તેમાં ભારતનો ક્રમ બે પગલાં પાછળ ગયો છે. વિશ્વમાં ભારતની લોકશાહી ૫૧મા ક્રમે હતી, તે હવે ૫૩મા સ્થાને છે. આમ તો, ભારતમાં લોકશાહીની હાલત નાજુક છે, એ સમજવા માટે ભારે બુદ્ધિ લગાડવાની જરૂર નથી. રોજ બ રોજની ઘટમાળમાં માંડ ટકી રહેવાનો પ્રયત્ન કરી રહેલા નાગરિકો માટે આમાં કોઈ નવા સમાચાર નથી. અહીં પરિસ્થિતિ કેવી કપરી છે, તેનો અંદાજ માંડવા માટે આપણને ઈ.આઈ.યુ.ની જરૂર નથી, એમાં ગ્રીક કે લૅટિન જાણવું પડે એવું કાંઈ નથી. છતાં ગ્રીક-લૅટિનનાં નવાં જોડાણો બહાર આવે છે, જેનાથી આપણી દૈનિક વાસ્તવિકતામાંથી નવા સમાચાર પણ સર્જાય છે. અહીં વાત સંસદમાં જોવા મળતા હૉર્સપ્લે (શું કહીશું, ‘અશ્વક્રીડાઓ’) કે વિધાનસભાઓમાં થતા હૉર્સટ્રેડિંગ (‘અશ્વવ્યાપાર’) વિશે નથી, પણ અશ્વની જ વાત છે, મિથિક અને ઐતિહાસિક બંને પ્રકારના.