Opinion Magazine
Number of visits: 9571181
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મૂર્તિ બીજા તોડે તો અધર્મ ને આપણે તોડીએ તો ધર્મ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 September 2021

કોઈ ભગવાને કદી કહ્યું નથી કે મારી સ્થાપના કરો, પણ હૈયેથી પ્રેરણા થાય છે ને આપણે દશામા, ગણપતિ, અંબામા, કૃષ્ણ જેવા દેવીદેવતાઓની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરીએ છીએ. તેનું ભાવપૂર્વક ભજનકીર્તન, પૂજનઅર્ચન કરીએ છીએ ને સમય જતાં વિસર્જન પણ કરીએ છીએ. આમ કરવાનું કોઈ કહેતું નથી, પણ આમ થતું આવ્યું છે ને આપણે કરીએ છીએ. આપણે શેને માટે કરીએ છીએ તે હૈયે તો જાણીએ છીએ, પણ બહાર એવું દેખાડીએ છીએ કે આપણે ધર્મપ્રેમી, આસ્થાવાન પ્રજા છીએ ને આસપાસમાં આપણી ભક્તિ વખણાય, તેને કોઈ અહોભાવથી જોઈ રહે તેવી ઊંડે ઊંડે ઇચ્છા ધરાવીએ છીએ ને તેનો આનંદ પણ માણીએ છીએ. કારણ કોઈ પણ હોય, પણ ગણેશોત્સવ, નવરાત્રિ જેવા ધાર્મિક ઉત્સવો આપણે મન મૂકીને ભક્તિભાવથી મનાવીએ છીએ. આપણને ધર્મપ્રીતિ છે, ઈશ્વરભક્તિ છે તે બતાવવાનું ગમે છે. ઘણી વાર તો ભક્તિ, કોઈ આપણને જુએ, આપણી નોંધ લે એટલે પણ કરીએ છીએ, તો કેટલાક જીવો ખરેખર આ ઉત્સવોમાં એવા ઓતપ્રોત થઈ જાય છે કે જ્યારે વિસર્જનની ઘડી આવે છે ત્યારે ચોધાર આંસુએ દેવદેવીને વિદાય આપે છે. આમાં કૈં એવું નથી જેનો કોઈને વાંધો પડે. આપણે હિન્દુ છીએ ને ઉત્સવોની આપણી પરંપરા છે ને આપણે તેનું જ નિર્વહણ કરીએ છીએ. આનું ગૌરવ લઈ શકાય. લેવું જોઈએ.

આની બીજી બાજુ પણ છે. આપણે વિકસ્યા છીએ તે બતાવવા એ બધું પણ કરીએ છીએ જેની કોઈ ધર્મ મંજૂરી નથી આપતો. આપણે નંદ ઘેર આનંદ ભયો – કરીએ છીએ તેની સાથે જુગાર પણ રમીએ છીએ. જન્માષ્ટમીએ જુગાર રમવાનો જાણે ચાલ પડી ગયો છે. એમાં કદાચ, ‘મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિશ હારિયો’ એ પંક્તિ જવાબદાર છે. એને કારણે કદાચ કૃષ્ણને આપણે જુગારી ગણીને જુગાર રમીએ છીએ, પણ એ ખોટું છે. ‘નાગદમન’ વખતે નાગણોને, કાળીનાગ સુધી પહોંચવાનું કેમ બન્યું તેનું કારણ આપતાં કૃષ્ણ કહે છે, ‘ મથુરા નગરીમાં જુગટું રમતાં …’ ખરેખર તો એ બહાનું જ છે. કૃષ્ણને મથુરા જવાનું તો કંસવધ વખતે જ થાય છે ને ‘નાગદમન’ તે પહેલાંની ઘટના છે. એટલે કૃષ્ણ જુગારી હતા એ વાત ખોટી છે ને એને નામે જુગાર રમનારાઓ કૃષ્ણની ભક્તિ નથી કરતા, એનું અપમાન કરે છે. પાંડવો દ્યુત રમવા બેસે છે ત્યારે કૃષ્ણને ત્યાં હાજર ન રહેવાનું અને ન બોલાવાય ત્યાં સુધી ન આવવાનું યુધિષ્ઠિરે વિનંતી કરીને કહ્યું હતું, એટલે જ પાંડવો હારે પણ છે. જ્યાં કૃષ્ણ નથી, ત્યાં પરાજય નિશ્ચિત છે. ક્યાંક કૃષ્ણે કહ્યું પણ છે કે હું હાજર હોત તો યુધિષ્ઠિરને દ્યુત જ રમવા ન દેત ! ટૂંકમાં, કૃષ્ણ પોતે જુગારની વિરુદ્ધ છે એટલે એને નામે જુગાર રમવાનું કેવળ ને કેવળ અધાર્મિક છે તે સમજી લેવાનું રહે.

એવું જ ગણેશોત્સવને નામે પણ ચાલે છે. ગણપતિને ક્યારે ય ક્યાં ય પણ દારૂ પીતા બતાવાયા છે? કે એ કોઈ પંડાલમાં જુગાર રમતા દેખાયા છે? તો, આપણને ગણપતિની મૂર્તિ સામે જ દારુ પીવાનો કે જુગાર રમવાનો અધિકાર કેવી રીતે મળી જાય? બને કે આવું બધે ન થતું હોય, તો, પણ ક્યાં ય પણ ધર્મને નામે અધાર્મિક થવાનો પરવાનો તો ન મળે ને !  આપણને માણસની તો ઠીક, ભગવાનની શરમ પણ નડતી નથી. નડતી હોત તો તેની સામે બેસીને દારુ પીવાયો હોત કે જુગાર ખેલાયો હોત? કોઈ ધર્મમાં ભગવાનનું આટલું અપમાન થતું નથી ને આપણે તે કરવામાં જરા જેટલી પણ નાનમ અનુભવતા નથી.

નવરાત્રિ વખતે પણ માતાને નામે, માતા બનવા સુધી વાત પહોંચે છે એવું નથી? આ ધર્મ છે? ભક્તિ છે? ને આપણે હિન્દુ હોવાનું ગૌરવ લઈએ છીએ, આમાં કયું ગૌરવ જળવાય છે? પ્રમાણમાં હિન્દુ ધર્મ વધારે ખુલ્લો અને સહિષ્ણુ છે, પણ જે ઉઘાડાપણું તહેવારોને નામે વકરે છે એને કોઈ રીતે ધર્મને જમા પક્ષે મૂકી શકાય નહીં. આ જ વર્ષની વાત કરીએ તો દશામાની હજારો મૂર્તિઓ ખંડિત હાલતમાં વિસર્જન થયા વગર રઝળતી હાલતમાં જોવા મળી. આપણાં દેવીદેવતાઓનું વિદેશમાં અપમાન થાય છે તો આપણાં ભંવાં ચડી જાય છે, તે ચડવાં પણ જોઈએ, પણ આપણે, આપણા જ શહેરમાં આપણી જ મૂર્તિઓને રઝળતી મૂકીએ છીએ ત્યારે કેમ હૃદયમાં ચિરાડો નથી પડતી? ગણેશોત્સવની ધીમે ધીમે છૂટ મળી છે. પહેલાં વિસર્જન બહાર નહીં કરવા દેવાની વાત હતી. હવે કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરી શકાય એવી છૂટ મળી છે. આ છૂટ પછી પણ વિસર્જન વખતે ભક્તો ગમે ત્યાં મૂર્તિ રઝળતી મૂકે એમ બને. ખરેખર તો તંત્રોએ વિસર્જનને દિવસે ચાંપતો બંદોબસ્ત રાખવો જોઈએ, જેથી મૂર્તિઓનો રઝળપાટ અટકે. મ્યુનિસિપલ કોર્પોરેશન પછી બધી મૂર્તિઓ સમેટીને ડુમસના દરિયામાં પધરાવી આવે છે, એ કામ કોર્પોરેશન વિસર્જનને દિવસે જ કરી શકે. તે આગોતરી જાહેરાત કરી શકે કે જેમને મૂર્તિ વિસર્જનની મુશ્કેલી છે તે ચોક્કસ જગ્યાએ મૂર્તિ જમા કરાવી શકે ને તે પછી કોર્પોરેશન બધી મૂર્તિઓ દરિયામાં વિસર્જિત કરી આવે. આમ થશે તો ઘણી મૂર્તિઓ રઝળતી અટકશે.

છેલ્લાં બેત્રણ વર્ષમાં એક નવી વાત સામે આવી છે. સિવિલથી મજૂરા ગેટ જવાના રસ્તે ગણેશની ને માતાજીની મૂર્તિઓ લઈને થોડા કારીગરો બેસતા હોય છે, એવું પાંડેસરા, બમરોલી, અડાજણ જેવા વિસ્તારોમાં પણ બેસે છે. વરસાદથી મૂર્તિઓ બચાવવા તેઓ પ્લાસ્ટિક ઢાંકે છે, પણ આસ્થા અને ભક્તિની બાબતમાં આ કારીગરો ઉઘાડા પડી જાય છે. ગણેશની કે માતાજીની મૂર્તિઓ જે તે તહેવાર શરૂ થાય ત્યાં સુધી વેચાતી હોય છે. આ કારીગરો વેચાય ત્યાં સુધી મૂર્તિઓ વેચે છે, તે પછી પણ મૂર્તિઓ વધે છે. આ વધેલી મૂર્તિઓ જે તે કારીગરોએ સાથે લઈ જવાની હોય, પણ તેઓ તેવું કરતાં નથી અને મૂર્તિનો ઢગલો એમ જ સ્થળ પર છોડીને જતા રહે છે. જે ભગવાને થોડીઘણી કમાણી કરાવી આપી, એ ભગવાન કારીગરોને એકદમ નકામા લાગવા માંડે છે ને એ પછી એમ જ રસ્તે મૂકીને ચાલતા થાય છે. એ ખરું કે નથી વેચાયા એ ભગવાન આ મિત્રોને કમાવી આપે એમ નથી, એટલે બોજ ઊંચકીને ક્યાં ફરવું? એટલે એ જ ભગવાનને નોધારા મૂકીને જતાં રહે છે. એમણે સમજવું જોઈએ કે જે નથી વેચાયા એ ભગવાનને નિમિત્તે જ એ બધા રોટલા ભેગા થયા છે. આમાં પીડા એ વાતની છે કે બધા જ ભગવાનને નામે માત્ર ધંધો કરે છે ને એમાં પવિત્રતા કે લાગણી કે ધર્મ કે આસ્થા જેવું ખાસ કૈં નથી. ધંધો થઈ ગયો, નફો ગાંઠે બાંધ્યો, એટલે હવે બીજા કશાની જરૂર રહેતી નથી, પછી એ ભગવાન જ કેમ ન હોય, એને છોડી શકાય છે. એમ લાગે છે આ મૂર્તિકારો કે વેચનારાઓને ધર્મ જેવું જ ખાસ નથી. એને તો ગોળ વેચવો કે ગણપતિ, એ બે વચ્ચે કોઈ ફરક નથી. ગણપતિ કે માતાજી એને માટે એક આઇટેમ છે, માત્ર આઇટેમ ! એથી વિશેષ એનું કોઈ મૂલ્ય નથી. એવું જ પંડાલમાં પધરાવાયેલ ભગવાનનું પણ છે. એક વાર સ્થાપના થઈ જાય, પછી ત્યાં જુગાર રમાય કે દારૂ પીવાય, કોઈને કોઈ સંકોચ થતો નથી.

આપણી જાતને પ્રમાણિકતાથી પૂછવા જેવું છે કે હિન્દુ ધર્મ સંદર્ભે જે આપણે કરીએ છીએ તે જ હિન્દુ ધર્મની અપેક્ષા છે કે હિન્દુ ધર્મની મહાનતાની જે વ્યાખ્યા કે સમજ છે તેમાં દેવીદેવતાને રઝળાવવાનું કહ્યું છે કે એ આપણા દંભની નીપજ છે? વિસર્જન પછી મૂર્તિઓ ખંડિત હાલતમાં રઝળતી હતી તે ઓછું હતું તે હવે સ્થાપનાના દિવસથી જ ન વેચાયેલી મૂર્તિઓ રઝળતી થઈ જાય છે ને તેની ન તો તંત્રને કે ન તો ભક્તોને કોઈ શરમ છે. આ કયા પ્રકારની ધાર્મિકતા છે કે હિન્દુઓ જ તેમના દેવીદેવતાઓને રઝળાવે છે ને કોઈનું રૂંવાડું ય ફરકતું નથી?

એટલું થયું કે ગણેશ ઉત્સવ સમિતિએ થોડી રઝળતી મૂર્તિઓ ભેગી કરીને તેને વિસર્જિત કરી, પણ એટલું પૂરતું નથી. મૂર્તિ વેચનારાઓ મૂર્તિઓ રઝળતી મૂકીને જઈ જ ન શકે એટલી, સમિતિઓએ ને તંત્રોએ આગોતરી વ્યવસ્થા જ કરવી જોઈએ, જેથી મૂર્તિ રઝળવાનો વારો ન આવે. અન્ય દેશમાં કોઈ મૂર્તિ તોડે છે તો આપણને આગ લાગી જાય છે ને એની ટીકા કરતાં કહીએ છીએ કે એ વિદેશીઓ પોતાના ભગવાનને છેડતા નથી, તો હિન્દુ દેવી દેવતાઓને કેમ છંછેડે છે? આપણી લાગણી વાતે વાતે દુભાઈ જાય છે, પણ અહીં આપણા જ દેવીદેવતાઓને આપણે જ રઝળાવીએ છીએ ત્યારે લાગણી દુભાતી નથી. એ જ બતાવે છે કે આપણા બતાવવાના ને ચાવવાના જુદા છે. આપણે દંભી અને લાગણીહીન, સ્વાર્થી અને લોભી પ્રજા છીએ. આપણું ચાલે તો આપણે સૂર્યને ચાવી જઈએ અને ઓડકાર પણ ન ખાઈએ.

ભગવાન બચાવે આવા દંભી ધાર્મિકોથી અને અસલી ભીરુઓથી … 

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 સપ્ટેમ્બર 2021

Loading

ઋણાનુબંધ

અશ્વિન રાવલ|Opinion - Short Stories|13 September 2021

કુંતલ આજે ખૂબ જ ખુશ હતો. ત્રણ વર્ષ જૂની સ્વિફ્ટ ગાડી વેચીને આજે દશ લાખની નવી ગાડી ખરીદી હતી. છેલ્લાં બાર વર્ષમાં એણે ખૂબ જ પ્રગતિ કરી હતી. મલ્ટિનેશનલ કંપનીમાં એ રીજિયોનલ સેલ્સ મેનેજર હતો. હજુ એક મહિના પહેલાં જ એને પ્રમોશન મળ્યું હતું અને મહિને બે લાખના પગાર ઉપર એણે છલાંગ મારી હતી. 

ગાડી છોડાવીને ઘરે આવ્યો કે તરત જ સૌ પ્રથમ એ એનાં  મમ્મી પપ્પાને  પગે લાગ્યો હતો. એટલું જ નહીં પણ માતા-પિતાને બેસાડીને સૌ પ્રથમ શાહીબાગમાં આવેલા ગાયત્રી મંદિરમાં દર્શન કરાવવા પણ લઈ ગયેલો. કુંતલને ગાયત્રીમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને વર્ષોથી એ રોજ ગાયત્રી મંત્રની પાંચ માળા  કરતો.

કુંતલની પત્ની મીનળ પરણીને આવી ત્યારે તો બહુ જ સંસ્કારી હતી પણ જેમ જેમ કુંતલની પ્રગતિ થતી ગઈ અને ઘરમાં શ્રીમંતાઈ આવતી ગઈ તેમ તેમ મીનળનો સ્વભાવ ઘમંડી બનતો ગયો. કુંતલ માનતો કે એની તમામ પ્રગતિ એના માતાપિતાના આશીર્વાદ  અને  ગાયત્રી ઉપાસનાના કારણે છે. જ્યારે મીનળ એવું માનતી કે એના પોતાના પગલે આ ઘરમાં લક્ષ્મી આવી છે !!   

કુંતલનો નાનો ભાઈ ચિંતન લેબ ટેકનીશિયન હતો અને વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતો હતો. પચીસ હજારના પગારનો એ એક સાધારણ નોકરિયાત હતો. એ એની પત્ની શીતલ અને એક દીકરી સાથે વડોદરાના ગોત્રી રોડ ઉપર ભાડાના મકાનમાં રહેતો હતો.

રજનીભાઈના પોતાના બે ફ્લેટ અમદાવાદમાં હતા. જેમાંનો એક ફ્લેટ વેચીને એ તમામ રકમ વર્ષો પહેલાં એમણે કુંતલને આપેલી. કુંતલે બાકીની રકમની બેન્ક લોન લઈ નારણપુરામાં ચાર બેડરૂમનો એક લક્ઝુરિયસ ફ્લેટ ખરીદી લીધેલો. આજે એ ફ્લેટની કિંમત પણ દોઢ કરોડ જેટલી હતી.

બીજો વસ્ત્રાપુરમાં આવેલો નાનો ફ્લૅટ રજનીભાઈએ ચિંતનને આપેલો પણ ચિંતન વડોદરા રહેતો હોવાથી એ ફ્લેટ તેમણે ભાડે આપેલો. ભાડાના દસ હજાર રૂપિયા ચિંતનના ખાતામાં રજનીભાઈ દર મહિને જમા કરાવી દેતા.

જૂનો ફ્લેટ વેચી દીધા પછી દસ વર્ષથી રજનીભાઈ અને કામિનીબહેન પોતાના મોટા દીકરા કુંતલના ભેગા જ રહેતાં હતાં. રજનીભાઈની ઉંમર પણ હવે તો તોતેર વર્ષની થઈ ગઈ હતી. જ્યારે કામિનીબહેનને સિત્તેર વર્ષ થવા આવ્યાં હતાં. કામિનીબહેનને ઢીંચણની તકલીફ હતી. એ માંડમાંડ ચાલી શકતાં હતાં અને  સીડી તો બિલકુલ  ચડી શકતાં નહોતાં.

ચિંતન લગભગ દર રવિવારે મમ્મી-પપ્પાને મળવા માટે ભાઈના ઘરે આવતો. ક્યારેક ફેમિલી સાથે આવતો તો ક્યારેક  એકલો આવી જતો.  બન્ને ભાઈઓ મમ્મીપપ્પાનો ખૂબ જ આદર  કરતા હતા.

**********************************

"કહું છું પરમ દિવસે મમ્મીનો જન્મદિવસ છે. ફરી પાછી તમે કોઈ મોંઘી સાડી ખરીદીને મમ્મી માટે લઈ આવવાના !!  હવે તો તમે એમના  જન્મદિવસે મોંઘી સાડીઓની ગીફ્ટ આપવાનું બંધ કરો !!  કોઈના લગ્ન પ્રસંગ સિવાય મમ્મી આવી મોંઘી સાડી પહેરતાં પણ નથી."

રાત્રે દશેક વાગ્યાના સુમારે મીનળે બેડ રૂમમાં સૂતાં સૂતાં કુંતલને વાત કરી. કુંતલ ત્યારે બેડ ઉપર બેસીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. 

"હું જ્યારે સાડી ગિફ્ટ આપું છું ત્યારે મમ્મીના ચહેરા ઉપર જે આનંદ છવાઈ જાય છે એ તેં કદી જોયો  છે ખરો ? અને મમ્મી હવે કેટલાં વર્ષ !!!" કુંતલ બોલ્યો.

"એટલે જ તો કહું છું કે મમ્મી હવે કેટલાં વર્ષ ? હવે સાડીઓ પહેરીને બહાર ફરવા જવાના દિવસો પૂરા થયા. આખો દિવસ ઘરમાં ગાઉન પહેરીને બેઠા હોય છે ! કબાટમાં સાડીઓ પડી પડી સડે છે. "

"ઈશ્વરની કૃપાથી આટલું બધું કમાઉ છું તો બાર મહિને એકાદવાર ત્રણ ચાર હજારની એક સાડી ગિફ્ટ આપું તો એમાં ખોટું શું છે ? અને તારા જન્મદિવસે દર વર્ષે ત્રીસ પાંત્રીસ હજારનો સોનાનો દાગીનો ગિફ્ટ આપું છું એ પણ બેંકના વોલ્ટમાં જ પડી રહે છે ને ?"

"મને ખબર જ હતી કે તમે ગિફ્ટ આપી આપીને એક દિવસ મને સંભળાવવાના જ છો !" મીનળ મોં ચડાવીને બોલી.

"સંભળાવવાની વાત જ નથી, મીનુ. મમ્મીએ કેટલી ગરીબીમાં યુવાની વિતાવી છે એ તને ખબર નથી, મને ખબર છે. એમની ઢળતી જિંદગીમાં ખુશીઓ આપવાનો આ એક મોકો છે. મમ્મીને વર્ષોથી  સાડીઓનો કેટલો શોખ છે એ હું જ જાણું છું." કુંતલ ભાવુક થઈ ગયો.

"પહેલાના જમાનામાં સાડીઓ લઈને પોળોમાં ફેરિયાઓ ફરતા રહેતા. જ્યારે પણ ફેરિયો આવે ત્યારે મમ્મી એને ઘરે બેસાડીને બધી સાડીઓ હાથમાં લઈ લઈને જુએ, પણ પાસે પૈસા નહીં એટલે સસ્તામાં સસ્તી સાડી એ ખરીદે. અમે તો ત્યારે ખૂબ જ નાના હતા."

મીનળ કંઈ બોલી નહીં. એને ખબર જ હતી કે કુંતલ પોતાની વાત માનવાના જ નથી. એ પડખું ફરીને સૂઈ ગઈ.

મમ્મીનો જન્મદિવસ ઉજવાઈ ગયો. બોટલ ગ્રીન કલરની એક સરસ સાડી ‘દીપકલા’માંથી કુંતલ લઈ આવેલો. સાડી બધાને પસંદ આવી. ચિંતન પોતાની પત્ની અને દીકરી સાથે ખાસ આવેલો. શિયાળો નજીક હતો એટલે ચિંતને એક સરસ કાશ્મીરી શાલ મમ્મીને આપી.

એ વાતને બે-ત્રણ મહિના થયા એટલે મીનળે રવિવારે બપોરે આરામના સમયે બેડરૂમમાં કુંતલ સાથે વાતની શરૂઆત કરી.

"મમ્મી-પપ્પા છેલ્લાં દશ વર્ષથી આપણા ઘરે રહે છે. મેં તમને કેટલી વાર કહ્યું છે કે ચિંતનભાઈને પણ મમ્મીપપ્પાની સેવા કરવાનો લાભ આપો, પણ તમે મારી વાત ગણકારતા જ નથી. એક કામ કરો. આવતા રવિવારે મમ્મીપપ્પાને છ-બાર મહિના માટે વડોદરા મૂકી આવો. એમને પણ હવાફેર થશે. દશ દશ વર્ષથી એ પણ એકના એક ઘરે કંટાળી ગયા હશે. એ બોલતાં ન હોય પણ એમને પણ નાના દીકરાના ઘરે રહેવાનું મન તો થતું જ હોય ને !!"

"તું આવી વાત શા માટે કરે છે, એ જ મને સમજાતું નથી !! મમ્મી પપ્પા તને ક્યાં નડે છે ? ઉપરથી આપણા બંને બાળકો સચવાઈ જાય છે."

"આખી જિંદગી મારે જ વેઠ કરવાની ? એ લોકોની કોઈ જવાબદારી નહીં ? બે માણસની વધારાની રસોઈ મારે જ કરવી પડે છે. એમની ઉંમરના કારણે મારે રોજ સવારે દાળભાત અને સાંજે ખીચડી બનાવવી પડે છે. હોટલમાં જમવા જવાનું હોય તો પણ મારે એ બે માણસનું ઘરે બનાવવું જ પડે !! અને  બે માણસનાં વધારાનાં કપડાં પણ રોજ મારે ધોવાનાં  !"

"મેં તને કેટલી વાર કહ્યું કે આપણે રસોઇ કરવા માટે એક બાઈ રાખી લઈએ પણ તું માનતી જ નથી !! ઘરમાં વોશિંગ મશીન છે. કપડાં તારવવામાં તકલીફ પડતી હોય તો એના માટે કોઈ કામવાળી રાખી લઈએ. જે બહેન કચરા-પોતાં કરવા આવે છે એમને આપણે વધારાના પૈસા આપીએ તો એ પણ તારવી નાખશે. પૈસા હું જોઈએ એટલા ખર્ચવા તૈયાર છું પણ તું કોઈ વાતે તૈયાર નથી !!" કુંતલ સહેજ અકળાઈને બોલ્યો.

"અને મમ્મી-પપ્પાને વડોદરા કેવી રીતે લઈ જાઉં ? ચિંતનનો ફ્લેટ ત્રીજા માળે છે. મમ્મી બે પગથિયાં પણ ચઢી શકતાં નથી. પપ્પા પણ આ ઉંમરે રોજ ત્રણ ત્રણ માળ કઈ રીતે ચડે ? અને ચિંતનનો ફ્લેટ માત્ર એક રૂમ રસોડાનો છે. એમાં મમ્મીપપ્પાનો સમાવેશ કઈ રીતે થાય ? તું કંઈક તો વિચાર !!!"

"ચિંતનભાઈનો પગાર પચીસ હજાર છે. દશ હજાર મકાનના ભાડાના આવે છે. પાંત્રીસ હજાર રૂપિયાની આવકમાં લિફ્ટવાળું બીજું મોટું મકાન ભાડે તો લઈ શકાય ને ? જરૂર પડે તો તમે બે પાંચ હજારની મદદ કરજો !! એ બંને જણા ત્યાં લહેર કરે અને આખી જિંદગી મારે જ સાસુ-સસરાની જવાબદારી લેવાની ?" આજે મીનળ લડાયક મૂડમાં હતી. 

"મારે હવે થોડા દિવસ મારી રીતે રહેવું છે. ચોવીસ કલાક મમ્મીપપ્પા મારી સામે ને સામે હોય એવી કેદ મારે નથી જોઈતી હવે !! મને પણ બેતાલીસ થયાં. ક્યાં સુધી મારે એકલીએ વૈતરું કરવાનું  !!!"

કુંતલને લાગ્યું કે હવે મીનળ જીદ ઉપર ચડી છે. કોઈ પણ દલીલથી એના મનનું સમાધાન નહીં થાય. એને પોતાને  ગુસ્સો પણ ઘણો આવ્યો પણ એ ચૂપ રહ્યો.

"ઠીક છે આ બાબતમાં હું હવે વિચારીશ. એક મહિનામાં કંઈક ગોઠવણ કરું છું." કહીને કુંતલ ઊભો થઇ ગયો.

બહુ વિચાર્યા બાદ  કુંતલે  બે દિવસ પછી ઓફિસમાંથી ચિંતનને ફોન કર્યો.

“ચિન્ટુ …. થોડા દિવસ માટે મમ્મીપપ્પાને તારા ઘરે મૂકી જવાનું હું વિચારું છું … તું જરા લિફ્ટની સગવડવાળો બે બેડરૂમનો ફ્લેટ શોધી કાઢ ને ? કોઈ દલાલનો કોન્ટેક કરીશ તો એ પણ ફ્લેટ બતાવશે. પૈસાની તું જરા પણ ચિંતા ના કરીશ …. હું આજે તારા ખાતામાં એક લાખ ટ્રાન્સફર આપી દઉં છું. બસ, મમ્મી પપ્પા ને કોઈ તકલીફ ન પડે તે જોજે !! તું તો મીનળનો સ્વભાવ જાણે જ છે !"

"પૈસાની જરૂર નથી, ભાઈ. હું ગમે તેમ કરીને સેટિંગ કરી દઈશ. ફ્લેટનું ફાઇનલ કરી દઉં એટલે હું તમને જણાવીશ. એકાદ મહિનો પકડીને ચાલજો."

"તારી પરિસ્થિતિ હું જાણું છું, ચિન્ટુ … એક લાખ તને આજે મળી જશે. તારે કોઈ પણ જાતનું ટેન્શન કરવાની જરૂર નથી." કહીને કુંતલે ફોન કટ કર્યો.

ચિંતન પણ ભાભીના અભિમાની સ્વભાવને જાણતો હતો. ભાભી જ્યારે ને ત્યારે પોતાની મોટાઈની જ વાતો કરતાં. કુંતલનો ઈશારો ચિંતન સમજી શક્યો હતો. મમ્મીપપ્પાનાં કારણે બંને વચ્ચે થોડી ઘણી ચડભડ ચોક્કસ થતી હશે નહીં તો કુંતલભાઈ ક્યારે પણ આવો નિર્ણય ના લે !

મમ્મીપપ્પા પોતાની સાથે રહે એવી ચિંતનની પોતાની પણ ઇચ્છા હતી. પણ કેટલીક મજબૂરી હતી એટલે એ ચૂપ રહેતો. મોંઘવારીના આ જમાનામાં ત્રીસ-પાંત્રીસ હજારની કોઈ જ કિંમત નહોતી. એક રૂમ રસોડાના મકાનનું ભાડું પણ આઠ હજાર હતું. બાકી વધ્યા સત્તાવીસ હજાર !! ચિંતનની જિંદગી થોડી સંઘર્ષમય હતી.

ચિંતને દલાલને કહીને સારા ફ્લેટની શોધ આરંભ કરી અને પંદરેક દિવસ પછી હાઇટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ મળી પણ ગયો. મમ્મીપપ્પા આવવાના હતાં એટલે કેટલોક નવો સામાન તેમ જ એક ડબલ બેડનો પલંગ પણ વસાવી લીધો. કુંતલે એક લાખ મોકલાવેલા એટલે નવા ફ્લેટની ત્રીસ હજાર ડિપોઝીટ પણ અપાઈ ગઈ.

ફ્લેટનું બરાબર ગોઠવાઈ ગયા પછી ચિંતને કુંતલભાઈ ને જાણ કરી.

"હાઇટેન્શન રોડ ઉપર બીજા માળનો એક ફ્લેટ રાખી લીધો છે, ભાઈ. લિફ્ટની સગવડ પણ છે. એડ્રેસ તમને મેસેજ કરી દઉં છું. તમને જ્યારે પણ સમય મળે મમ્મીપપ્પાને મારા ઘરે મૂકી જજો.  અત્યાર સુધી તમે એમની ઘણી સેવા કરી છે, ભાઈ. હવે બાકીની જિંદગી મમ્મીપપ્પા ભલે અમારી સાથે જ રહેતા. શીતલ પણ બહુ જ ખુશ છે આ નિર્ણયથી."

પરંતુ કુંતલ માટે નિર્ણય લેવો બહુ જ અઘરો હતો. હજુ સુધી એનાં મમ્મીપપ્પા આ વાતથી સંપૂર્ણપણે અજાણ હતાં. બંનેના જીવનમાં વૃદ્ધાવસ્થાની આ ઉંમરે કાયમી સ્થળાંતર થવાનું છે એ ન તો રજનીભાઈ જાણતા હતા કે ના તો કામિનીબહેન !!

“પપ્પા .. ગઈકાલે ચિન્ટુનો ફોન હતો. એણે હવે બે રૂમ રસોડાનો મોટો ફ્લેટ ભાડે રાખ્યો છે. એની ઈચ્છા છે કે થોડા દિવસ માટે મમ્મીપપ્પા મારા આ નવા ફ્લેટમાં થોડા દિવસ માટે રહેવા આવે. કાલે મને ખૂબ જ આગ્રહ કરી-કરીને કહેતો હતો. લિફ્ટ પણ છે એટલે મમ્મીને પણ બીજા માળે કોઈ વાંધો નહીં આવે. "કુંતલે રાત્રે જમી પરવાર્યા પછી મમ્મીપપ્પાના બેડ રૂમમાં જઈને વાત કરી.

“બેટા … ચિન્ટુનો આટલો બધો જો આગ્રહ હોય તો અમને શું વાંધો હોય ? રહી આવીશું થોડા દિવસ. પણ એણે મોટો ફ્લેટ શા માટે લીધો ? ભાડું પણ વધારે જ હશે ને ?" 

"એના કોઈ ઓળખીતાનો જ ફ્લેટ છે. અને ભાડું પણ માત્ર બે હજાર વધારે છે. ચિન્ટુ કહેતો હતો કે એનો પગાર પણ થોડોક વધ્યો છે. એટલે જ એ કહેતો હતો કે થોડા દિવસ મમ્મી-પપ્પા સાથે રહેવાનું મન છે."

"ઠીક છે … ઠીક છે …  ભાઈ  !! તને ટાઈમ હોય ત્યારે લઈ જજે," રજનીભાઈ બોલ્યા. કામિનીબહેનને તો કઈ બોલવા જેવું હતું જ નહીં. પતિના પગલે પગલે એ ચાલતાં. પતિનો નિર્ણય એ પોતાનો નિર્ણય !!

અને એ ટાઈમ આવી પણ ગયો. ફાગણ માસની એકાદશીનો શુભ દિવસ પપ્પાએ પસંદ કર્યો. દશ વર્ષ પછી રજનીભાઈ પોતાના પુત્રના ઘરે રહેવા જતા હતા અને પોતે પાછા ગાયત્રી મંત્રના ઉપાસક હતા એટલે સારા મુહૂર્તના એ આગ્રહી હતા. 

વિદાયનો એ દિવસ બધા માટે ખૂબ જ પીડાદાયક હતો. કુંતલનાં બંને સંતાનો તો મોટાભાગે દાદા-દાદી પાસે જ રહેતાં એટલે એમને તો આ વિદાય બહુ જ વસમી લાગી. રજનીભાઈ અને કામિનીબહેન ખૂબ જ ભાવુક થઈ ગયાં. વર્ષોથી આ ઘરની માયા લાગી હતી. કામિનીબહેન મીનળને બાથમાં લઇને રડી પડ્યાં.  એમણે વહુને  હંમેશાં દીકરી જ માની હતી !!

મીનળ પોતે પણ છેલ્લી ઘડીએ તો લાગણીવશ બની ગઈ. આ ઘરમાં આવીને મીનળને જે પણ માન મોભો અને સંપત્તિ મળ્યાં હતાં એનો યશ એની સાસુને જ જતો હતો.   

મીનળ કામિનીબહેનની ખાસ બહેનપણી દીક્ષાબહેનની દીકરી હતી. દીક્ષાબહેનના ડિવોર્સ થયેલા હતા. મા અને દીકરી દરિયાપુરમાં એકલાં જ રહેતાં હતાં. લગભગ અઢાર 

વર્ષ પહેલાં દીક્ષાબહેનનું કમળામાં અવસાન થઈ ગયું ત્યારે મીનળ ચોવીસ વર્ષની હતી. ગ્રેજ્યુએટ થઈ ગયેલી મીનળ દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતી. મા વગરની દીકરીનો હાથ પકડવાનું કામિનીબહેને નક્કી કર્યું અને એક વર્ષ પછી કુંતલ સાથે મીનળનાં લગ્ન કરાવ્યાં.

આજે એ જ કામિનીબહેનને એ  ઘરમાંથી બહાર કાઢી રહી હતી. ઈશ્વરે એને ઘણું આપ્યું હતું. પણ એને હવે સ્વતંત્રતા જોઈતી હતી. પોતાની રીતે જિંદગી જીવવી હતી. બસ હવે કોઈ બંધન નહીં !!

અને મીનળને બંધનમાંથી મુક્ત કરીને કુંતલની ગાડી ત્રણ વાગે વડોદરા જવા ઉપડી ગઈ. મીનળ હવે આઝાદ હતી !!

લગભગ દોઢ કલાકમાં કુંતલની ગાડી ચિંતનના ઘરે પહોંચી ગઇ. ચિંતન અને શીતલે ખૂબ જ ભાવથી મમ્મીપપ્પાનું સ્વાગત કર્યું.

ચિન્ટુનો ફ્લેટ જોઈને કુંતલ ખુશ થયો. મમ્મીપપ્પાને અહીં કોઈ તકલીફ નહીં પડે એવી એને ખાતરી થઇ ગઈ. રજનીભાઈ અને કામિનીબહેન પણ ખૂબ જ ખુશ થયાં. એકાદ કલાક જેવું રોકાઈને મમ્મી પપ્પાનાં ચરણ સ્પર્શ કરીને  કુંતલ નીચે ઊતરી ગયો. વિદાય લેતાં એની આંખો ભીની થઈ ગઈ.

"ખબર નથી પડતી આટલાં વર્ષે મીનળે કેમ આવી જીદ પકડી, ચિન્ટુ !!  જે પણ થયું એનું મને બહુ જ દુઃખ છે. મમ્મીપપ્પા તારા ઘરે ખૂબ સુખી જ રહેશે પણ મને એવું લાગે છે કે મારો ઋણાનુબંધ પૂરો થયો." નીચે આવીને ગાડીમાં બેસતા પહેલાં કુંતલ બોલ્યો અને જતાં જતાં ચિંતનના હાથમાં પચાસ હજારનું કવર આપ્યું.

કુંતલ ઘરે આવી ગયો પણ આજે ઘર ખૂબ જ સૂનું સૂનું લાગ્યું. મીનળ પ્રત્યે મન ખાટું થઈ ગયું હતું.  રાત્રે ઘરે આવીને કોઈની પણ સાથે વાત કરી નહીં. ચૂપચાપ જમીને સૂઈ ગયો.

સમય પસાર થતો ગયો. એકાદ મહિના પછી ભારતમાં લોકડાઉન ચાલુ થઈ ગયું. લગભગ છ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલેલું આ લોકડાઉન માનવીની જિંદગીમાં ઘણા બધા પરિવર્તન લાવીને ગયું.  કુંતલની જિંદગીમાં પણ બે મહત્ત્વની ઘટનાઓ બની.

લગભગ બે મહિના પછી રજનીભાઈને કોરોના થયો. હોસ્પિટલમાં દાખલ કર્યા અને એમને સારું પણ થઈ ગયું. પણ ઘરે આવ્યા પછી અઠવાડિયામાં જ એમને ફરી શ્વાસોશ્વાસની તકલીફ ચાલુ થઈ અને અચાનક જ એમણે દેહ છોડી દીધો. કુંતલ માટે પિતાની વિદાય ખૂબ જ વસમી હતી. ચિંતનના ઘરે આવ્યા પછી બે જ મહિનામાં એ દેવલોક પામ્યા.

છ મહિના જેટલા લાંબા સમય માટે લોકડાઉન ચાલુ રહ્યું એની અસર કુંતલની જોબ ઉપર પણ થઇ.  કુંતલ સેલ્સ વિભાગ સંભાળતો હતો અને ભારતમાં તમામ માર્કેટ બંધ હોવાથી વેચાણ અંગેનું ટાર્ગેટ પૂરું ના કરી શક્યો. કંપની પોતે પણ નાણાંકીય સંકટમાં આવી ગઈ, એટલે કેટલાક કર્મચારીઓને છૂટા કરી દીધા. કુંતલનું કામ સારું હતું એટલે એને છુટ્ટો ના કર્યો પણ એની ટ્રાન્સફર દિલ્હી કરી.

દિલ્હી સુધી જવાની કુંતલની કોઈ જ તૈયારી ન હતી એટલે એણે છેવટે રાજીનામું આપી દેવું પડ્યું. બે લાખના પગારની આવક અચાનક જ બંધ થઈ ગઈ. કુંતલ બીજી જોબ માટે એપ્લાય કરતો રહ્યો. પણ ચાલીસ હજારથી વધારે પગાર કોઈ કંપની આપવા તૈયાર નહોતી !! બે લાખના પગારમાંથી સીધા ચાલીસ હજાર ઉપર ડાઉન થવાનું કુંતલને યોગ્ય નહોતું લાગતું. એણે રાહ જોવાનું નક્કી કર્યું અને એમાં બીજા છ મહિના નીકળી ગયા.

કુંતલની આવક બિલકુલ બંધ થઈ ગઈ. જે પણ બચત હતી તે પણ વપરાવા લાગી. મીનળનાં અને બાળકોનાં સારા ભાવિ માટે લાગણીઓમાં આવીને પોતાનો એક કરોડનો જે વીમો ઉતરાવ્યો હતો એનું મોટું પ્રિમીયમ પણ હવે તો ભારે પડવા લાગ્યું.

કુંતલને હવે તો પાકી ખાતરી થઈ ગઈ કે મમ્મીપપ્પાને આ ઘરમાંથી દૂર કર્યાં એનો જ મોટો અભિશાપ એને લાગ્યો. જો કે સીધી રીતે તો એ પોતે જવાબદાર હતો જ નહીં તો પણ મીનળની વાતમાં આવીને  એણે જે આ પગલું ભર્યું એ એને ડંખી રહ્યું હતું. પોતાનો સાથ છોડીને પપ્પા બે મહિના પણ જીવી શક્યા નહીં. મીનળે આબાદ ઘરને બરબાદ કરી દીધું.

કોણ જાણે કેમ પણ મમ્મી-પપ્પાના વડોદરા આવ્યા પછી ચિંતનને ઘણો ફાયદો થયો. એ હોસ્પિટલમાં જોબ કરતો હતો અને એણે કોવીડના સમયમાં સારી એવી ફરજ  બજાવી અને ઘણીવાર તો ચોવીસ  કલાક હાજરી પણ આપી. એની કદર રૂપે એને પ્રમોશન પણ મળ્યું અને પગાર પચીસ હજારમાંથી પાંત્રીસ હજાર જેટલો થઈ ગયો. ચિંતન અને શીતલ મમ્મીની ખૂબ જ સેવા કરતાં હતાં.

કુંતલનો સ્વભાવ હવે ચીડિયો થઈ ગયો હતો. એક પ્રકારના ડિપ્રેશનમાં એ સરી ગયો હતો. મીનળને પોતાને પણ સમજાઈ ગયું હતું કે પોતાની સ્વતંત્રતા મેળવવાની ઝંખના કુટુંબની શાંતિને ભરખી ગઇ હતી. મમ્મી-પપ્પા જ્યારે અહીં હતાં ત્યારે કેટલા બધા સુખના દિવસો હતા !! એમના પગલે લક્ષ્મી પણ વિદાય થઈ ગઈ !!

"કહું છું … બાને હવે તમે પાછા લઈ આવો. એમનાં પગલે કદાચ તમને ફરી સારી નોકરી મળે. હું સ્વીકારું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને એનું મને બહુ દુઃખ પણ છે. પણ આપણે આ ભૂલ સુધારી ન શકીએ ?" એક દિવસ મીનળે જમતાં જમતાં વાત કાઢી.

"મમ્મી હવે કદાચ પાછા નહીં આવે, મીનુ. એ ત્યાં વધારે સુખી છે. અને હવે લાવીને પણ શું ? આંધી  તો આવી ગઈ. હવે તો મારી કોઈ ઈન્‌કમ જ નથી અને ગાડી પણ વેચવાના દિવસો આવી ગયા. એના હપ્તા પણ  ભરી શકું એમ નથી. એક સુંદર સપનું તૂટી ગયું !!"

"તમે આટલા બધા નિરાશ ના થાઓ. બધું નોર્મલ થશે એટલે તમને પણ સારી જોબ મળી જશે. દરેકના જીવનમાં ચડતી પડતી તો આવતી જ હોય છે. તમે વડોદરા જઈને મમ્મીને લાવવાની કોશિશ તો કરો !!"

મીનળની વાત માનીને એક દિવસ કુંતલ ચિંતનના ઘરે પહોંચી ગયો. સવારના દસ વાગ્યા હતા. ચિંતન પણ ઘરે જ હતો.

"આવો આવો, કુંતલભાઈ ! આવતા પહેલાં ફોન પણ ના કર્યો આજે તો ! ઘરે બધા મજામાં તો છે ને !!" શીતલ બોલી.

"હા ભાઈ, તમે તો આજે સરપ્રાઇઝ આપ્યું !!" ચિંતને પણ શીતલની વાતને ટેકો આપ્યો.

"બસ મમ્મીની બહુ જ યાદ આવી એટલે થયું કે થોડા દિવસ માટે મમ્મીને અમદાવાદ લઈ જાઉં."

“ચોક્કસ … તમારો પણ એટલો જ હક છે. મમ્મી બેડરૂમમાં જ છે. " ચિંતને કહ્યું અને બંને જણા મમ્મી પાસે બેડરૂમમાં ગયા.

"કેમ છો મમ્મી ?" મમ્મીનો હાથ હાથમાં લઈને  કુંતલ મમ્મીની પાસે બેડ ઉપર જ બેસી ગયો.

"તું ક્યારે આવ્યો, ભાઈ !" કુંતલને અચાનક જોઈને મમ્મી હરખાઇ ઉઠયાં.

“બસ ….. આવીને સીધો તમારા રૂમમાં જ આવ્યો છું .. તમને આજે અમદાવાદ લઈ જવાં છે …… મીનળ અને બાળકો પણ તમને ખૂબ જ યાદ કરે છે."

“બસ, આ રીતે અવારનવાર માની ખબર કાઢતો રહેજે, બેટા .. પણ મારે હવે આ ઉંમરે દોડાદોડી નથી કરવી .. બાળકોને જ્યારે પણ દાદીને મળવાનું મન થાય તું એમને અહીં લઈ આવજે …. ઉપરવાળાનું તેડું આવે ત્યાં સુધી મારે હવે ચિન્ટુની સાથે જ રહેવાનું મન છે."

“બેટા, તું મનમાં જરા પણ ખોટું લગાડતો નહીં. તમે લોકોએ ખરેખર આટલાં વર્ષો સુધી અમને ખૂબ સાંચવ્યાં છે. તેં તો પાણી માગું ત્યાં દૂધ આપ્યું  છે, બેટા !! પણ દરેકનો એક સમય હોય છે. એ ઘરના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. અને તારા પપ્પા તો ગાયત્રીના પ્રખર ઉપાસક હતા એમને તો ઘણી બધી બાબતોની અગમચેતી થઈ જતી."

"તેં અમને ચિન્ટુની પાસે વડોદરા જવાની વાત કરી એના અઠવાડિયા પહેલાં જ તારા પપ્પાએ મને કહેલું કે આપણો આ ઘરનો ઋણાનુબંધ હવે પૂરો થઈ ગયો છે. ત્યારે હું કંઈ સમજી નહોતી પણ અઠવાડિયામાં જ તેં અમને વડોદરા લઈ જવાની વાત કાઢી. મોટું દિલ રાખીને મા-બાપ વગરની મીનળને આપણા ઘરમાં હું જ લાવી હતી, પણ સમય જતાં મીનળનું દિલ જ સાંકડું  થતું ગયું !!"

"ઘણી બધી વાતો છે, બેટા પણ મારે તને કંઈ કહેવું નથી. દરેકના ઘરમાં આવું ચાલ્યા જ કરતું હોય છે. તારા જીવનમાં વાવાઝોડું આવવાનું છે એની પણ તારા પપ્પાએ મને વડોદરા આવ્યા પછી વાત કરેલી. પણ તું ફરી પાછો બેઠો થઈ જઈશ એમ પણ કહેલું. મારા તને આશીર્વાદ છે, બેટા. જરા પણ ચિંતા કરીશ નહિ. ગાયત્રીની ઉપાસના ચાલુ રાખજે. સૌ સારાં વાનાં થશે !!" કહીને કામિનીબહેને  કુંતલના માથા ઉપર વહાલથી હાથ ફેરવ્યો.

માતાના શબ્દો કુંતલના હૃદયને હચમચાવી ગયા. એ માના ખોળામાં માથું મૂકીને નાના બાળકની જેમ રડી પડ્યો. મમ્મી એના બરડા ઉપર મમતાનો હાથ ફેરવતાં રહ્યાં. નિઃશબ્દ વાતાવરણમાં વહાલનો દરિયો છલકાઈ ઉઠ્યો હતો !!

e.mail : ashwinrawal60@gmail.com

Loading

કોઈ ધર્મ ટકે યા તૂટે તો તેનાં કારણમાં શું હોય છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 September 2021

ગયા લેખમાં મેં કહ્યું હતું એમ ધર્મ, ભાષા અને વંશ આ ત્રણ એવી પ્રબળ અસ્મિતા છે જે પ્રજાસમૂહોને રચે છે અને આ ત્રણમાં ધર્મ સૌથી વધુ તકલાદી અસ્મિતા છે. ધર્મમાં નવા ફણગા ફોડી શકાય, વિચારો અને શ્રદ્ધાઓનું મિશ્રણ કરીને કલમ કરી શકાય, છીંડાં પાડી શકાય, સંખ્યા વધારી શકાય, કોઈની સંખ્યા ઘટાડી શકાય, કોઈ સંપ્રદાય કે ફિરકાના અસ્તિત્વને મિટાવી શકાય એમ બધું જ કરી શકાય, જે ભાષા અને વંશની બાબતમાં અસંભવ નહીં તો અઘરું છે. કોઈ ધારે તો ધર્મને નકારી શકે છે અને ધર્મ બદલી પણ શકે છે, જે ભાષા અને વંશની બાબતમાં શક્ય નથી. હું મારી જાતને નાસ્તિક જાહેર કરી શકું, હિંદુ નથી એમ પણ કહેવું હોય તો કહી શકું, ધર્મપરિવર્તન કરી શકું; પણ હું ગુજરાતી નથી એમ ન કહી શકું. કાકાસાહેબ કાલેલકર જેવા બિન ગુજરાતીને ગુજરાતી ભાષામાં પ્રવેશતા હું રોકી પણ ન શકું.

ધર્મનું આ સ્વરૂપ કે ધર્મસંસ્થાની મર્યાદા સાતમી સદીમાં થયેલા મહમ્મદ પેગંબરના ધ્યાનમાં આવી હતી. જો આ રીતે ધર્મોમાં ફણગા ફૂટતા રહે, કલમ થતી રહે, છીંડાં પડતા રહે તો કોઈ ધર્મ એના એ સ્વરૂપમાં લાંબો વખત ટકી ન શકે. જો ધર્મ વિખરાય તો અનુયાયી પ્રજા વિખરાય અને જો પ્રજા વિખરાય તો જગતમાં ધર્મની સરસાઈ સ્થાપિત ન થાય. માટે ધર્મનું સ્વરૂપ એવું હોવું જોઈએ જેમાં ફણગા, કલમ કે છીંડાં માટે કોઈ જગ્યા જ ન રહે. ઇસ્લામમાં ચાર વાક્યો ધ્રુવવાક્યો છે જે મુસલમાન માટે આદેશ છે. અલ્લાહ સકળ જગતની માનવજાતનો એકમાત્ર ઈશ્વર છે. ઈશ્વર સમયે સમયે પેગંબર મોકલતો રહ્યો છે જેમાં મહમ્મદ સાહેબ છેલ્લા પેગંબર છે. હવે પછી ઈશ્વર કોઈ પેગંબર મોકલવાનો નથી, એટલે છેલ્લા પેગંબર દ્વારા ઈશ્વરે જે સંદેશ આપ્યો છે એ ઈશ્વરનો અંતિમ સંદેશ છે. સકળ માનવજાતનું કલ્યાણ ઈશ્વરના છેલ્લા સંદેશાને અનુસરવામાં છે.

ધર્મનિરીક્ષકો કહે છે કે ઇસ્લામની આ વ્યવસ્થા મુસલમાનોને વાડે પૂરવા જેવી છે. એક રૂપક વિખ્યાત છે. પેગંબર સાહેબે મુસલમાનોને એક મકાનમાં પૂરીને બહારથી તાળું વાસી દીધું અને ચાવી પણ એ રીતે ફેંકી દીધી કે ક્યારે ય મળે જ નહીં. પણ એ છતાં ય, જડબેસલાક તકેદારી રાખી હોવા છતાં ય, શિર્ક (ખુદાની બરાબરી કરવી) અને બિદ્દ્ત (ઇસ્લામચિંધ્યા માર્ગમાં છીંડાં પાડવાં કે માર્ગ ચાતરવો)ને ગંભીર ગુના જાહેર કરવામાં આવ્યા હોવા છતાં ય હકીકત એ છે કે ઇસ્લામમાં ફાટા પડ્યા છે. સંગઠન જળવાઈ રહે એવી સુરક્ષાની પાક્કી વ્યવસ્થા કરી હોવા છતાં ઇસ્લામમાં ફાટા પડ્યા છે અને મુસલમાનો સંગઠિત નથી. એ એટલા જ વિભાજીત છે, જેટલી જગતની બીજી પ્રજા વિભાજીત છે.

હિંદુઓએ એક હિંદુ ધર્મ, એક હિંદુ આદેશ. એક હિંદુ જીવનરીતિ અને સંગઠિત એક હિંદુ પ્રજાની ક્યારે ય ચિંતા કરી નહોતી. કોઈ ફણગા ફોડે, કલમ કરે, છીંડાં પાડે, કોઈ નીકળી જાય તો એનાથી ક્યારે ય ડર અનુભવ્યો નહોતો. આશ્ચર્યની વાત એ છે કે આ છતાં ય હિંદુ સનાતન ધર્મ જગતમાં સૌથી જૂનો અને ટકાઉ ધર્મ સાબિત થયો છે. આ ટકાઉપણું ફણગા, કલમ અને છીંડાં પાડવાની આઝાદીનું પરિણામ છે? વિચારવું પડશે! દુન્યવી અર્થમાં જગતનો સૌથી અસુરક્ષિત ધર્મ સૌથી વધુ ટકાઉ સાબિત થયો છે.

આમાં બે વ્યક્તિ અપવાદરૂપ છે જેમણે સનાતન ધર્મની અથવા હિંદુ ધર્મની ચિંતા કરી હતી. પહેલા હતા આદિ શંકરાચાર્ય જે આઠમી સદીમાં થયા હતા અને બીજા હતા દયાનંદ સરસ્વતી જે તેમના પછી અગિયાર સો વરસે ૧૯મી સદીમાં થયા હતા. આદિ શંકરાચાર્ય સામે બૌદ્ધો હતા. બૌદ્ધોએ ભિક્ષુઓનો સંઘ રચ્યો હતો, તેમના માટે આચારસંહિતા વિકસાવી હતી, સાધુ અને સંસારી વચ્ચેના સંબંધનું સ્વરૂપ નક્કી કર્યું હતું, તેમના વિહાર સ્થાપ્યા હતા, અધ્યન માટે ગ્રંથાલયો અને વિદ્યાલયો સ્થાપ્યા હતા, વ્યવસ્થિત ક્રમિક સ્વરૂપમાં અભ્યાસક્રમ વિકસાવ્યો હતો, વગેરે. આદિ શંકરાચાર્યને આમાં સનાતન ધર્મનો પરાજય નજરે પડ્યો હતો. તેમણે પણ બૌદ્ધોનું અનુકરણ કરીને નિર્ગુણ-નિરાકાર એક જ ઈશ્વરની કલ્પના કરી, સાધુઓ માટે દશનામી અખાડાની રચના કરી હતી, દેશમાં ચારે ય દિશાએ પીઠ સ્થાપી હતી, સાધુઓ માટે આમનાય (આચારસંહિતાનું બંધારણ) ઘડ્યું હતું અને પાઠશાળાઓ સ્થાપી હતી.

આમાં બન્યું એવું કે શંકરાચાર્યે ભગવાન બુદ્ધના શૂન્યવાદને નિરસ્ત કરવા શૂન્યવાદને જ અલગ રીતે રજૂ કરતા વિવર્તવાદનું દર્શન વિકસાવ્યું, જેણે સનાતન ધર્મની એકતા અને સંગઠિત સ્વરૂપને ફાયદો કરી આપવાની જગ્યાએ નુકસાન પહોંચાડ્યું. એમના પછી થયેલા અનેક આચાર્યોએ શાંકરમતનો પ્રતિકાર કર્યો અને દ્વૈત-અદ્વૈતના ફાંટા પડ્યા. સનાતન ધર્મમાં અત્યારે જે સંપ્રદાય પેટા-સંપ્રદાય નજરે પડે છે એ શંકર પછીની સ્થિતિ છે.

દયાનંદ સરસ્વતી સામે મુસલમાનો અને ખ્રિસ્તીઓ હતા. તેમને એમ લાગ્યું કે તેઓ સંગઠિત છે કારણ કે તેઓ સંપ્રદાય અને પેટા સંપ્રદાયમાં વહેંચાયેલા નથી અથવા તો હિંદુઓ જેટલા વહેંચાયેલા નથી. તેમના સંગઠિત હોવાનું કારણ એકેશ્વરવાદ છે, એક જ ધર્મગ્રન્થ છે અને ખુદા અને બંદા વચ્ચે વચેટિયાનો અભાવ છે. આ સિવાય મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં જ્ઞાતિઓ નથી. દયાનંદ સરસ્વતીએ પણ પશ્ચિમના ધર્મનું અનુકરણ કરીને ૐકારને પ્રતિક રૂપ એક માત્ર ઈશ્વર તરીકે સ્વીકારવાનો અને વેદોને એક માત્ર ધર્મગ્રંથ તરીકે અપનાવવાનો આગ્રહ કર્યો. તેમણે જ્ઞાતિઓનો અને બ્રાહ્મણોના પુરોહિતપદનો અસ્વીકાર કર્યો. શંકરાચાર્યના વિવર્તવાદની જેમ દયાનંદ સરસ્વતીના જ્ઞાતિવિરોધે અને બ્રાહ્મણવિરોધે હિંદુઓમાં એકતા સ્થાપવાની જગ્યાએ વિખવાદ પેદા કર્યો. સનાતનીઓ અને આર્યસમાજીઓને જરા ય બનતું નહોતું.

આના પ્રમાણરૂપે એક પ્રસંગ યાદ આવે છે. આઝાદી પહેલાં કૉન્ગ્રેસમાં લાલા લાજપતરાય અને મદનમોહન માલવિયા બે નેતા હતા જે હિંદુવાદી હતા અને હિંદુ મહાસભામાં સક્રિય હતા. આમાં લાલા લાજપતરાય પાક્કા આર્યસમાજી હતા અને માલવિયાજી પાક્કા સનાતની હતા. તેમને બન્નેને ઉદ્યોગપતિ ઘનશ્યામદાસ બિરલા આર્થિક મદદ કરતા હતા. બન્ને હિંદુવાદી, બન્ને હિંદુ મહાસભામાં પણ બન્નેને એકબીજા સાથે બને નહીં. દેશમાં હિંદુ એકતાની નિષ્ફળતા વિષે ગાંધીજીને લખેલા એક પત્રમાં ઘનશ્યામદાસ બિરલાએ લખ્યું છે કે આ બે નેતાઓ વચ્ચે મેળ બેસાડવા માટે મહેનત કરીકરીને હવે હું થાકી ગયો છું.

જગતમાં કોઈ ધર્મમાં એકતા નથી અને કોઈ ધાર્મિક પ્રજા સંગઠિત નથી. હોય શકે પણ નહીં અને નહીં હોવાનાં કારણો અહીં પ્રારંભમાં જ બતાવી દીધાં છે. આમ છતાં ય જગત આખામાં દરેક ધર્મની પ્રજાને એમ લાગે છે કે બીજા સંગઠિત છે અને માત્ર આપણે જ અસંગઠિત છીએ. ઝાંઝવાનાં જળ જેવી આભાસી એકતાની પાછળ લોકો દોડે છે.

પણ હા, એનો રાજકીય ખપ છે અને એ આભાસી નથી, વાસ્તવિક છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7561,7571,7581,759...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved