Opinion Magazine
Number of visits: 9674730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

તમે તમારા બાળકને માથું ટેકવીને રડતો જોવા માંગો છો કે સામે કાંઠે પુરુષાર્થ કરતો?

રમેશ ઓઝા|Opinion - Opinion|14 November 2021

કમાલની સમસ્યા છે. જેમને હિંદુ રાષ્ટ્ર જોઈએ છે એ મેધાવી અને મૌલિક હિંદુ પેદા કરી શકતા નથી અને જે મેધાવી અને મૌલિક હિંદુ છે તેને હિંદુ રાષ્ટ્ર જોઈતું નથી. આવી વિડંબના માત્ર હિંદુ રાષ્ટ્રવાદીઓ સામે જ છે એવું નથી, તમામ પ્રકારના ધાર્મિક રાષ્ટ્રવાદીઓ સામે છે. એટલે તો જગતમાં એવો એકે ય દેશ જોવા નહીં મળે જ્યાં ધાર્મિક બહુમતી રાષ્ટ્રવાદી શાસનનું મોડેલ સફળ થયું હોય. ઈસાઈ, ઇસ્લામ, બૌદ્ધ કે બીજા કોઈ પણ ધર્મ આધારિત રાષ્ટ્રવાદમાં માનનારો દેશ આગળ નીકળીને ખાટી ગયો હોય અને આપણે રહી ગયા હોઈએ એવો એક દાખલો બતાવો. (ઇઝરાયેલનો દાખલો આપવાનો કોઈ અર્થ નથી. ઇઝરાયેલ મુંબઈ શહેર કરતાં પણ નાનો ખોબા જેવડો દેશ છે અને તેને અમેરિકા અને વિદેશોમાં વસતા યહૂદીઓનો ટેકો છે. એ લોકો જ ઇઝરાયેલને ટકાવી રહ્યા છે એમ કહીએ તો પણ ખોટું ન કહેવાય.) એ શક્ય જ નથી. જે શાસકો પ્રજાને ભૂત અને ભવિષ્યમાં જીવાડતા હોય અને વર્તમાનથી દૂર ભાગતા હોય અને પ્રજાને દૂર ભગાડતા હોય ત્યાં પુરુષાર્થ શક્ય નથી અને સુખ અને સમૃદ્ધિ માટે પુરુષાર્થ જરૂરી છે અને પુરુષાર્થનો સીધો સંબંધ વર્તમાન સાથે છે. જે શાસકો પ્રજાને રડાવતા હોય, ડરાવતા હોય અને વર્તમાનને ચાતરીને ભવિષ્યનાં મનોહર સપનાં બતાવતાં હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ શક્ય નથી.

ભારતને આઝાદી મળી એ પછી કાઁગ્રેસના કેટલાક ટોચના નેતાઓ વેરાવળમાં સોમનાથનું મંદિર બાંધવાના કામે લાગ્યા હતા. સરદાર વલ્લભભાઇ પટેલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, કનૈયાલાલ મુનશી અને બીજા દિગ્ગજ નેતાઓએ સોમનાથના મંદિરને બાંધવાના કામને પ્રાથમિકતા આપી હતી. તેઓ હિંદુઓના ઘવાયેલા ગર્વને પુન: સ્થાપિત કરવા માગતા હતા. એ સમયે આપણા જાણીતા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીએ જેરુસલેમની વેઈલીંગ વૉલ સાથે સોમાનાથની સરખામણી કરતો એક લેખ લખ્યો હતો. તેમાં તેમણે જવાહરલાલ નેહરુને પણ ટાંક્યા છે. એમાં તેમણે લખ્યું હતું કે સૈકાઓથી યહૂદીઓ જેરુસલેમમાંના તોડી નાખવામાં આવેલાં યહૂદી મંદિરના અવશેષરૂપ બચેલી પશ્ચિમ દિશાની દીવાલનો ઉપયોગ રોવા અને છાતી પીટવા માટે કરી રહ્યા છે. આમ તો એ દીવાલનું મૂળ નામ વેસ્ટર્ન વૉલ છે પણ સદીઓથી યહૂદીઓ તેનો ઉપયોગ જખમ યાદ કરીને રડવા માટે કરતા હોવાથી તેનું નામ વેઈલીંગ વૉલ પડી ગયું છે. અક્ષરસઃ યહૂદીઓ જેરુસલેમ જઇને એ દીવાલ ઉપર હાથ ફેરવીને ધ્રુસકે ધ્રુસકે રડે છે. વેઈલીંગનો અર્થ થાય છે, રુદન કે રોકકળ. ઈશુની ક્રોસ ઉપર ખીલ્લા ઠોકેલી લોહી નિંગળતી તસ્વીર તમે જોઈ હશે. શિયા મુસલમાનોને મોહરમમાં કરબલાની શહાદતને યાદ કરીને જાહેરમાં રડતા અને છાતી પીટતા જોયા હશે.

જ્યારે તમને રડાવવામાં આવે છે ત્યારે રડવાનું કારણ આપવામાં આવે છે અને એ કારણનો રાજકીય ખપ હોય છે. સદીઓથી યહૂદીઓની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. સદીઓથી ખ્રિસ્તીઓની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. સદીઓથી શિયા મુસલમાનોની એક પેઢી બીજી પેઢીને રડવાનું કારણ આપીને જાય છે. જુઓ આપણી સાથે દુશ્મનોએ શું કર્યું હતું! એ પછી એ દુશ્મન કે દુશ્મનોનું ચિત્ર તૈયાર કરવામાં આવે છે, એમાં પેઢી – દર પેઢી દુષ્ટતાનાં આવરણો ચડાવવામાં આવે છે, રડવા માટેનાં કારણોની દાસ્તાનો વધારેને વધારે હૃદયસ્પર્શી બનાવવામાં આવે છે, વગેરે. એ પછી? એ પછી તમે જાણો છો કે જ્યાં દ્વેષ હોય ત્યાં વેર હોય અને વેરવૃત્તિનો રાજકીય ખપ હોય છે.

કૃષ્ણલાલ શ્રીધરાણીએ નેહરુને ટાંકીને લખ્યું છે કે ઇતિહાસને માત્ર ભૂલીને ભૂંસી શકાય છે. સોમનાથનું નવું મંદિર પરાજીત હિંદુઓના ઘવાયેલા ઇતિહાસની યાદ ભૂલાવવાનું નથી, પણ કાયમ રાખવાનું છે. તો પછી પ્રતિષ્ઠાની પુન:સ્થાપના ક્યાં થઈ? એનાથી ઊલટું જો વર્તમાનમાં પુરુષાર્થ કરીએ, પ્રજાની અંદર આત્મવિશ્વાસનું આરોપણ કરીને તેને પુરુષાર્થી બનાવીએ તો તેઓ આધુનિક યુગનાં એવાં મંદિરોનું નિર્માણ કરી શકશે કે દુનિયા જોતી રહે. માત્ર વર્તમાન જ ભવિષ્ય રચે છે જે આગળ જતાં પ્રજા ગર્વ લઈ શકે એવો ભવ્ય ભૂતકાળ કે ઇતિહાસ બનવાનો છે. અતીતમાં પરાજીત થયા તો પરાજીત થવા માટેનાં કારણો હતાં અને વર્તમાનમાં વિજયી થઈને ભવિષ્ય બનાવવું હોય તો વિજય માટેનાં કારણો શોધવાં અને અપનાવવાં જોઈએ.

તો વાતનો સાર એ છે કે સફળ લોકો સમયનું મૂલ્ય જાણે છે. તેઓ ભૂતકાળના જખમોને યાદ કરતા રહીને રડીને સમય વેડફતા નથી કે નથી સપનાંઓ જોતાં રહીને ભવિષ્યમાં. તેઓ પુરુષાર્થ કરીને વર્તમાનમાં સમયનું રોકાણ કરે છે. માટે હજારોની સંખ્યામાં એવા ઐશ્વર્યવાન હિંદુઓ મળી આવશે, જેઓ પોતાને હિન્દુત્વવાદી તો કહેતા નથી, પણ હિંદુ કોમી રાષ્ટ્રનો વિરોધ કરે છે. તેઓ સમયનું અને જિંદગીનું મૂલ્ય જાણે છે. બીજી બાજુએ હિન્દુત્વવાદીઓ તેના સો વરસના ઇતિહાસમાં એવા દસ હિંદુ આપી શક્યા નથી, જેનાં જીવન અને કવનને જોઇને આપણે નતમસ્તક થઈ જઈએ. હા, રાજકારણમાં સફળ થઈ શકાય. અલગ અલગ પ્રકારની વેઈલીંગ વૉલ્સ ઉપલબ્ધ છે, જે પ્રજાની અંદર દીવાલો રચી આપે છે, જેનો રાજકીય ખપ છે. રાજકીય અને ધાર્મિક સત્તા સિવાય વેઈલીંગ વૉલ્સનો કોઈ ખપ નથી.

નાઉ, ધ ચોઈસ ઈઝ યોર્સ. તમે તમારા બાળકને આ કાંઠે વેઈલીંગ વોલ પર માથું ટેકવીને રડતો જોવા માગો છો કે સામે કાઠે પુરુષાર્થ કરતો?

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 નવેમ્બર 2021

Loading

પ્રવાસના શોખીન ગુજરાતીઓના ગમતા શબ્દો : સ્ટેકેશન, રિવેન્જ ટ્રાવેલ, સોલો ટ્રિપ્સ, ઑફબીટ રૂટ્સ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|14 November 2021

પેરિસ, રોમ, ગ્રીસ કે પ્રાગનું નામ લઇને ‘રોલાં પાડવા’નો પ્રયાસ કરનારા ગુજરાતીઓ હવે ગર્વથી ‘ઓફબીટ એક્સપિરિયન્સ’ની વાતો કરે છે

દિવાળીની રાહ જોતા હતા અને તહેવાર આવીને ગયો પણ ખરો. મુંબઇ જેવાં શહેરોમાં બધી દોડાદોડી એકાદ દિવસ પૂરતી માંડ બંધ રહે અને પછી ઘરેડ જેવી હતી તેવી.

આ વર્ષે માસ્કવાળી બીજી દિવાળી રહી. ફરવાનો ‘પોગ્રામ’ કર્યા વિના આપણને ગુજરાતીઓને મજા ન પડે. નોકરી ધંધા તો આખું વર્ષ ચાલવાના અને એમાં પાછું આ વર્ષે તો ત્રીજા વેવની તલવાર મ્યાનમાં રહેશે કે નિકળશેની ચિંતા પણ ખરી. આવી હાલતમાં મોટે ભાગે ‘ટ્રાવેલ ટૂરિઝમ’ના ધંધામાં તેજી લાવનારા ગુજરાતીઓએ ‘લિઝર’ માટે નવા રસ્તા શોધી કાઢ્યા. આ વખતે વાઇરસને ‘નાખો વખારે’ કરીને ગુજરાતીઓએ એકે ય ટૂરિઝમ સ્પોટને ખાલી નથી રહેવા દીધા. આસાપાસ હોય કે દૂર – ફરવું તો પડશે જ ભાઇસાબના ઝોનમાં આવેલા ગુજરાતીઓએ ટ્રાવેલ અને ટૂરિઝમની મંદીને તેજીમાં ફેરવી નાખી, એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.  રોમમાં રસ પૂરી અને પેરિસમાં પાતરા ન થાય, તો કંઇ વાંધો નહીં, પણ જલસા તો કરવા જ પડે અને માટે જ ‘સ્ટેકેશન’, ‘ફાર્મ હાઉસ’,  ‘વિલા સ્ટેઝ’, ‘વિનયાર્ડ ટ્રીપ્સ’, ‘આઉટ સ્કર્ટ્સ વિકેન્ડ્ઝ’ જેવા રસ્તા શોધી કાઢ્યા છે.

રોગચાળાને કારણે ૨૦૨૦નું મોટા ભાગનું વર્ષ ચિંતામાં જ પસાર થયું, પણ દિવાળીની આસપાસ અને ખાસ કરીને વર્ષાંતે લોકોની હિંમત જરા ખૂલી. છતાં ય ટ્રાવેલનાં રિસ્ટ્રિક્શન્સ હતાં અને હજી દૂર સુધી પ્રવાસ કરવામાં લોકોમાં ખાસ્સો ખચકાટ હતો. રોગચાળાને પગલે લોકો જે રીતે મુસાફરી કરતા હતા, તેમાં ભારે ફેરફાર આવ્યા અને સૌથી વધુ જો કોઇ ટ્રેન્ ઉપડ્યો હોય તો એ હતો ‘સ્ટેકેશન’નો ટ્રેન્ડ! સ્ટેકેશનનનો સરળ અર્થ થાય સ્ટે અને વેકેશન – જેમાં તમે એવું વેકેશન લો જે તમારા ઘરની નજીક હોય અને તમારા સામાન્ય હૉલીડે કરતાં જરા એક-બે દિવસનો સમય તમે વધારે લો. ન્યુ નોર્મલ તરફ આગળ વધી રહેલી દુનિયામાં સ્ટેકેશન લોકોમાં પૉપ્યુલર બન્યા. જે શહેરમાં રહેતાં હોય ત્યાંની જ કોઇ લક્ઝૂરિયસ હૉટેલમાં અથવા તો શહેરથી સહેજ દૂર આવેલા કોઇ લક્ઝૂરિયસ રિસોર્ટમાં રહેવા જવું અને ત્યાં મળતી બધી જ સવલતો માણવાનો ટ્રેન્ડ ફરવા-ઉત્સુક ગુજરાતીઓને માફક આવી ગયો. લૉકડાઉનમાં પરણેલાં કપલ્સે હનીમૂનના વિકલ્પ તરીકે હાઇ-એન્ડ રિસોર્ટ જે ઘરની નજીક હોય ત્યાં જવાનું પસંદ કર્યું તો બર્થ ડે ઉજવવા માટે પણ યંગસ્ટર્સે થ્રી સ્ટાર હોટલ્સથી માંડીને ફાઇવ સ્ટાર હોટલ્સના રૂમ્સ હાયર કરી ગણતરીના લોકો સાથે સેલિબ્રેશન કરવાનું પસંદ કર્યું. કલાકો સુધી વર્ક ફ્રોમ હોમ કરનારાઓ માટે પણ સ્ટેકેશનનો ડિ-સ્ટ્રેસિંગ અનુભવ અનિવાર્ય બની ગયો. આ સંજોગોમાં હોટેલિયર્સે પણ તગડાં ડિસ્કાઉન્ટ, એક્સ્ટ્રા પર્ક્સ વાળી ડીલ્સ જેવું ઘણું ઑફર કર્યું. 

ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતો એક શબ્દ છે રિવેન્જ ટ્રાવેલ – બદલો લેવા માટે ટ્રાવેલ કરનારા એટલે કોઇ ખુન્નસથી ફરવા જનારાઓ નહીં પણ રૂટિન – ઘરેડ તોડવા માગતા લોકો જ્યારે મુસાફરી કરવાનું નક્કી કરે, ત્યારે તેને રિવેન્જ ટ્રાવેલ કહેવાય. લૉકડાઉન ફટિગને તોડવા માટે, એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે પહાડોની ટોચ હોય કે દરિયા કાંઠો હોય – જ્યાં ખાસ ભીડ ન હોય તેવી જગ્યાઓ પર મુસાફરી કરનારાઓની સંખ્યા વધી. વળી સોલો ટ્રિપ્સનો ટ્રેન્ડ પણ તેજીમાં આવ્યો. ઘરમાં સતત બધાં સાથે રહ્યા પછી તો ભાઇસા’બ મિત્રો ય ન ખપે એવી માનસિક સ્થિતિ થઇ હોય તેવા લોકોની સંખ્યા ઓછી નથી. આવા લોકોએ સોલો ટ્રિપ લેવાનું પસંદ કર્યું અને તે પણ દૂર જવાને બદલે શહેરની સરહદે આવેલા સ્થળોએ જવું, એડવેન્ચર ટ્રાવેલ જેવું કંઇ જ્યાં ટ્રેકિંગ કરી શકાય તેવી સ્થળે જવાનું પસંદ કર્યું. બીજી તરફ ફેમિલી ઑરિયેન્ટેડ ધનિકોને ફાર્મ હાઉસ પાર્ટી સિવાયના હેતુસર કામે લાગ્યા. વાઇરસને કારણે ખાસ કરીને ફાર્મ હાઉસ કલ્ચર ખાસું એવું વિકસ્યું છે. એક સમયે વિકેન્ડ પાર્ટી માટે જ વપરાતા ફાર્મ હાઉસ પર કમ્ફર્ટ વધારીને ત્યાં શાંતિથી સમય પસાર કરનારાઓની સંખ્યા વધી. લોકલ એક્સપિરિયન્સને મહત્ત્વ આપનારા ગુજરાતીઓને ભજિયાં તળી આપતા મહારાજ અને ચાઇનિઝ લાવી આપનારા ગુરખાઓ સાથે ફાર્મ હાઉસ પર કે લોનાવલાના બંગલાઓ પર સમય પસાર કરવાનું હવે વધારે માફક આવે છે.

આ બધા ઉપરાંત કંઇક નવો અનુભવ મળે તેવો પ્રવાસ કરનારાઓની સંખ્યા પણ વધી.  ઇન્ટરનેટ જનરેશનના પ્રભાવમાં યોલો – એટલે કે યુ ઓનલી લિવ વન્સની મેન્ટાલિટી વાઇરસને કારણે પ્રબળ થઇ. આ સંજોગોમાં ઓછો ખેડાયેલો હોય તેવો વિકલ્પ પસંદ કરવો અને કંઇક અલગ અનુભવવાની ચાહ ગુજરાતીઓમાં વિકસી. સાપુતારા હોય કે દમણ કે પછી ડાંગ કે પછી મુંબઇની આસપાસ આવેલા કામશેત જેવા વિસ્તારોનો અનુભવ લઇ ત્યાંના લોકો સાથે કનેક્ટ થવું વગેરે ૨૦૨૧ના ટ્રાવેલ ટ્રેન્ડ્ઝમાં પૉપ્યુલર બન્યા. વળી વેડફાટમાં એક્સપર્ટ લોકો હવે સસ્ટેનેબલ ટ્રાવેલ કરવાનું પસંદ કરે છે. વળી વિલાઝ કે કોટેજ હાયર કરી કામના બોજ વિના જાતે ખાવા પીવાનું મૅનેજ કરવાનો અનુભવ લેનારાઓની સંખ્યા પણ વધી. વળી પીવાના શોખીન ગુજરાતીઓ નાસિકની આસપાસના વિનયાર્ડ્ઝને એક્સપ્લોર કરીને કેલિફોર્નિયાની નાપા વેલીમાં હમણાં નહીં જઇ શકાયના અફસોસને હાંસિયામાં ધકેલી દે છે.

વળી, ખાવા પીવાના શોખીન ગુજરાતીઓ માટે ચાર ધામ યાત્રાના વિકલ્પો પણ હાલમાં ખોરંભે મુકાયેલા છે. કુદરતી આફત અને કથિત રીતે માનવસર્જીત વાઇરસે ભલભલું બદલી નાખ્યું છે અને ગુજરાતીઓની પ્રવાસના વિકલ્પોમાં આવેલો ફેરફાર આ સંજોગોનું જ પરિણામ છે. મુદ્દો એ છે કે તેઓ (આપણે) હજી ય કશું જતું કરીને કે મન મનાવીને બેસવાને બદલે રસ્તા તો શોધી જ લે છે (લઇએ છીએ).

બાય ધી વેઃ

સોશ્યલ ડિસ્ટન્સિંગ, હાઇજીનની કાળજી, સેનિટેશનની સગવડમાં કોઇ પણ બાંધછોડ કર્યા વિના મુસાફરીની પૂરેપૂરી મોજ કેવી રીતે લઇ શકાય, તેની કુનેહ ગુજરાતીઓએ કેળવી લીધી છે.  પેરિસ, રોમ, ગ્રીસ કે પ્રાગનું નામ લઇને ‘રોલાં પાડવા’નો પ્રયાસ કરનારા ગુજરાતીઓ હવે ગર્વથી ‘ઓફબીટ એક્સપિરિયન્સ’ની વાતો કરે છે.  વાઇરસની વિદાયનો ડંકો વાગે એટલી વાર છે, પછી ફરી એકવાર, રોમમાં રસ પૂરી અને પેરીસમાં પાતરાંની જાહેરાતોથી આકર્ષાઇને વીસ દિવસમાં ૧૨ શહેરો ફરી આવેલા ગુજરાતીઓની વાતો સાંભળા તૈયાર રહેજો.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  14 નવેમ્બર 2021

Loading

બિગ બ્રધર ઈઝ વોચિંગ યુ … વોટ્સએપમાંથી!

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 November 2021

ભારતમાં ઇઝરાયેલી પેગાસસ સ્પાયવેર મારફતે આગળપડતા લોકોની જાસૂસી થઇ છે, તેવા આરોપ સાથે થયેલી અરજીઓ પર, એક્સપર્ટ કમિટીની જાંચનો આદેશ આપતી વખતે, ચીફ જસ્ટિસ એન.વી. રમન્નાએ, ૨૭ ઓક્ટોબરે, તેમના જજમેન્ટની શરૂઆત જ્યોર્જ ઓરવેલના વિધાનથી કરી હતી; ઇફ યુ વોન્ટ ટુ કીપ અ સિક્રેટ, યુ મસ્ટ અલસો હાઈડ ઈટ ફ્રોમ યોરસેલ્ફ – તમે જો કોઈ રહસ્ય છૂપું રાખવા માંગતા હો, એ તમારાથી પણ છૂપું રહેવું જોઈએ.

ઇંગ્લિશ લેખક જ્યોર્જ ઓરવેલે, ૭૫ વર્ષ પહેલાં લખેલી '1984' નામની નવલકથાનો આધાર લઈને, ભારતની સુપ્રીમ કોર્ટ આપણી વર્તમાન સચ્ચાઈને આપણી સામે ધરશે, એવું કોણે વિચાર્યું હશે? જસ્ટિસ રમન્નાએ તેમના જજમેન્ટમાં કહ્યું હતું કે આ અરજીઓમાં ઓરવેલિયન ડર વ્યકત કરવામાં આવ્યો છે કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે જે ઇચ્છો તે વાતો સાંભળી શકો, જે જોવું હોય તે જોઈ શકો અને જે કરતા હો તે જાણી શકો.

ઇઝરાયેલી કંપનીનું પેગાસસ સ્પાયવેર દેશના જાણીતા પત્રકારો, વકીલો, બુદ્ધિજીવીઓ, કર્મશીલો, નેતાઓ, લેખકોના મોબાઇલ ફોનમાં 'બેસી'ને આ જ કામ કરતુ હતું; એ તેમના ફોન સાંભળતું હતું, એ તેમના મેસેજ વાંચતું હતું, ફોટા જોતું હતું અને તેઓ ક્યા સમયે ક્યાં હતા તેનું લોકેશન ટ્રેક કરતું હતું.

ઓરવેલે આ નવલકથા ૧૯૪૮માં લખી હતી, પરંતુ તેનું શીર્ષક '1984' રાખ્યું હતું, કારણ કે તેમણે તેમના સમયથી આગળ જઈને એક એવા સમયની કલ્પના કરી હતી, જેમાં રાજ સત્તા તેના નાગરિકોના મગજમાં ઘૂસીને તેમના વિચારો સુદ્ધાંની જાસૂસી કરશે અને તેમની તમામ બુનિયાદી આઝાદી છીનવી લેશે. ઓરવેલે તેવી રાજ સત્તાને બિગ બ્રધરનું નામ આપ્યું હતું. સુપ્રીમ કોર્ટે પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરનારા આ બીગ બ્રધર કોણ છે તે જાણવા માટે કમિટી બનાવી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “સભ્ય લોકતાંત્રિક સમાજના સભ્યોને પ્રાઇવસીની સુરક્ષાની જાયજ અપેક્ષા હોય છે. પ્રાઈવસી માત્ર પત્રકારો કે સામાજિક કાર્યકરોની જ ચિંતાની વાત નથી. ભારતના દરેક નાગરિકની પ્રાઈવસીનું રક્ષણ થવું જોઈએ. આ અપેક્ષા જ આપણને આપણી પસંદ અને સ્વતંત્રતાનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવે છે.”

જસ્ટિસ રમન્નાએ ઓરવેલનું વિધાન ટાંક્યું હતું તે એ વાતનો સંકેત છે કે સુપ્રીમ કોર્ટ એ હકીકતથી વાકેફ છે કે રાજ સત્તાઓમાં એવી વૃત્તિ હોય છે કે રાષ્ટ્રની સુરક્ષાના બહાને તે તેના વિરોધીઓની જાસૂસી કરીને તેમને કનડી શકે છે. એટલા માટે જ તેમણે કહ્યું કે, પેગાસસના મામલે રાષ્ટ્રની સુરક્ષાનું બહાનું કાઢીને સરકાર છટકી ન શકે.

જસ્ટિસ રમન્નાએ ઓરવેલનું જે વિધાન ટાંક્યું હતું, તે ‘1984’ નવલકથાના નાયક વિન્સ્ટન સ્મિથનો વિચાર છે. સ્મિથ એક એવા સ્ટેટ, ઓશીનિયાનો, નાગરિક છે, જેને બિગ બ્રધર અને તેની એક પાર્ટી ચલાવે છે. ત્યાંના નાગરિકોને ‘ભક્તો’માં બદલી નાખવામાં આવ્યા છે. ત્યાં બિગ બોસનો, તેની વિચારધારાનો અને તેની પાર્ટીનો વિરોધ કે ટીકા દેશદ્રોહ ગણાય છે. ત્યાં નાગરિકોની યાદદાસ્તમાં સંવેદનાઓનું સ્થાન બિગ બ્રધરે બનાવેલા રાજકીય નારાઓએ લઇ લીધું છે. ત્યાં કોઈ નાગરિક જો બિગ બ્રધરની વિરુદ્ધ જાય, તો તેની ‘થોટ પોલિસ’ એ નાગરિકને યાતનાના ચક્કરમાં પીસી નાખે છે.

વિન્સ્ટન સ્મિથને ખબર છે કે તેના મનમાં વિદ્રોહી વિચારો છે. તે સચેત છે કે બિગ બ્રધરની ‘થોટ પોલિસ’ તેના વિચારોને પકડી પાડી શકે તેમ છે અને તેને પછી અત્યાચાર સહન કરવો પડશે. સ્મિથને વિચાર આવ્યો કે તમે જો અમુક વિચારો ધરાવતા હો, તો તમારે જાતને છેતરવી જોઈએ (કે મને મારા વિચારોની પણ ખબર નથી), નહીં તો બિગ બ્રધર યેનકેન પ્રકારેણ એ વિચારોને જાણી લેશે.

સરકાર જાસૂસી કરવામાં એટલી પારંગત છે કે એ તમારા વિચારો પણ વાંચી શકે છે. એટલે તમે કશું જાણતા હો, તો તમારે જાત સાથે જ જૂઠું બોલીને કશું જ જાણતા નથી તેવું માનતા થઇ જવાનું- ઇફ યુ વોન્ટ ટુ કીપ અ સિક્રેટ, યુ મસ્ટ અલસો હાઈડ ઈટ ફ્રોમ યોરસેલ્ફ.

ઓશીનિયાની થોટ પોલિસ બિગ બ્રધરના ‘દુશ્મનો’ને પકડે છે, તેની સામે થનારા ‘ષડયંત્રો’ની ‘તપાસ’ કરે છે. થોટ પોલિસના કામ માત્ર ષડયંત્રો પકડવાનું જ નથી, બિગ બ્રધર વિરુદ્ધના વિચારોને પકડવાનું પણ છે. બિગ બ્રધર પાસે નાગરિકો પર નજર રાખવાના બધા જ સામાજિક – મનોવૈજ્ઞાનિક રસ્તાઓ છે. તેની પાસે લોકોનો બધો ડેટા છે, જેના આધારે તેણે ઓડિયો-વીડિયો જાસૂસીનો પ્રોફાઇલ બનાવ્યો છે.

જસ્ટિસ રમન્નાએ ‘ઓરવેલિયન’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. અમલદારોથી ચાલતા સત્તા તંત્રમાં સામાન્ય નાગરિકના અસ્તિવનું કોઈ મહત્ત્વ નથી હોતું. ફ્રેંચ અસ્તિત્વવાદી લેખક ફ્રાન્ઝ કાફ્કાએ તેની ‘ધ ટ્રાયલ’ નવલકથામાં આવી સ્થિતિની કલ્પના કરી હતી. તેના પરથી ‘કાફ્કેસ્ક્યુ’ નામનો શબ્દ આવ્યો હતો. ઓરવેલની ‘1984’ નવલકથા પરથી લોકોનાં જીવનમાં ડોળા ઘાલતા રાજ્ય માટે ‘ઓરવેલિયન સ્ટેટ’ શબ્દ આવ્યો હતો.

આજે જ્યારે દુનિયાની મોટા ભાગની સત્તાઓને લોકતાંત્રિક વ્યવસ્થામાં વિશ્વાસ નથી અને તે લોકોની તમામ હિલચાલ પર નજર રાખ્યા વગર રાજ કરી શકતી નથી, ત્યારે ‘ઓરવેલિયન’ શબ્દમાં નિહિત ભાવને સમજવો જરૂરી છે. ઇંગ્લેંડમાં જેલોની રચના એવી રીતે કરવામાં આવતી હતી કે દરેક કેદીને એવું લાગે કે વોચ ટાવર પર ઊભેલો સંત્રી તેને જોઈ રહ્યો છે. ચાહે ત્યાં વાસ્તવમાં સંત્રી હોય કે ન હોય, પણ કેદીઓને એ અહેસાસ જરૂર હોય કે તેની પર કોઈક નજર છે.

તમે જેલનાં વોચ ટાવરની જગ્યાએ હવે વોટ્સએપને મૂકી શકો.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “ સંદેશ”, 14 નવેમ્બર 2021

સૌજન્ય : રાજ ગોસ્વામીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,7331,7341,7351,736...1,7401,7501,760...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved