Opinion Magazine
Number of visits: 9570889
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોમી ઓળખના નામે કોણ ધરાવે અભિમાન ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2021

ગયા અઠવાડિયે મેં વાચકોને સલાહ આપી હતી કે આ દુનિયામાં જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, જેમણે અલગ કેડી કંડારી આપી છે એમાં એવા કેટલા લોકો છે જે પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને એનું અભિમાન ધરાવે છે એની એક યાદી બનાવવી જોઈએ. હિંદુ તરીકેની ઓળખ તો ગાંધીજી પણ સ્વીકારતા હતા અને ગર્વ પણ અનુભવતા નહોતા, પણ તેનું અભિમાન નહોતા ધરાવતા. માત્ર હિંદુ નહીં, આ જગતમાં ઉપર કહ્યા એવા પ્રકારના કેટલા લોકો છે જે ખ્રિસ્તી તરીકેની, મુસ્લિમ તરીકેની કે બીજી ધાર્મિક કોમી ઓળખ આગળ કરીને તેનું અભિમાન ધરાવે છે? મેં તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવા હજાર લોકોની યાદી બનાવશો તો એમાંથી દસ જણ પણ એવા નહીં નીકળે જે ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવતા હોય. માત્ર ભારતમાં અને હિંદુઓમાં નહીં, જગત આખામાં અને દરેક ધર્મોમાં. બીજી બાજુ જે લોકો ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવે છે એ લોકો મૌલિક અને મેધાવી નથી નીવડતા. એવા લોકોનું પ્રમાણ પણ હજારે દસનું નહીં મળે!

શા માટે? કાંઈક તો કારણ હશે જ? તમે એમ તો નહીં જ કહો કે રવીન્દ્રનાથ ટાગોરમાં, ક્ષિતિમોહન સેનમાં, રાહુલ સાંકૃતાયનમાં, સત્યજીત રાયમાં, બર્ટ્રાન્ડ રસેલમાં, આલ્બર્ટ આઇન્સ્ટાઇનમાં, ઉમાશંકર જોશીમાં, હજારીપ્રસાદ દ્વિવેદી વગેરે પ્રકારના મૂઠી ઊંચેરા માનવીઓમાં તમારા કરતાં ઓછી બુદ્ધિ હતી અથવા ઓછા દેશભક્ત હતા. આશ્ચર્ય એ વાતનું છે કે જે લોકોએ આખી જિંદગી ભારતીય વિદ્યાઓનાં ક્ષેત્રો (જેવાં કે ફિલસૂફી, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, વ્યાકરણ, અન્ય પ્રાચીન ભારતીય ભાષાઓ, અન્ય પ્રાચ્યવિદ્યાઓ, ઇતિહાસ, સાંકૃતિક ઇતિહાસ, વગેરે)માં મૌલિક કામ કર્યું છે કે કરી રહ્યા છે એવા લોકોમાં પણ હિંદુ તરીકેનું કોમી અભિમાન જોવા નહીં મળે. તેઓ હિંદુ પ્રાચીન વારસાના વારસદાર તરીકે અને એ રીતે હિંદુ હોવાનો ગર્વ અનુભવતા જોવા મળશે પણ અભિમાન ધરાવતા જોવા નહીં મળે. જે લોકો અભિમાન ધરાવે છે એ લોકોનાં કામમાં એ ઊંચાઈ જોવા નહીં મળે. જે લોકોએ હિંદુ વારસાને અને હિંદુ પ્રજાને જગત આખામાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવ્યું છે એવા લોકો હિંદુ હોવાનું કોમી અભિમાન નથી ધરાવતા જેવું અભિમાન સંઘપરિવારના લોકો અને તેના સમર્થકો ધરાવે છે.

જેમના થકી આપણે જગતમાં રૂડા દેખાઈએ છીએ એવા હિંદુઓ હિંદુ કોમી અભિમાન ધરાવતા હોય એવું જોવા નહીં મળે અને જે લોકો હિંદુ કોમી અભિમાન ધરાવે છે તેમના થકી આજે જગતમાં આપણે બદનામ થઈ રહ્યા છીએ.

શા માટે? શા માટે જે લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થથી સમૃદ્ધ છે એ લોકો ધાર્મિક કોમી ઓળખથી દૂર રહે છે ને જે લોકો કોમી ઓળખને પાળે અને પંપાળે છે એ લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થની બાબતે નાદાર છે. આ હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે, જો હજુ સુધી યાદી બનાવીને તુલના ન કરી હોય તો હજુ કરી લો અને પોતાની જાતે ખાતરી કરી લો.

આનાં કારણો તો હું આપીશ, પણ એ પહેલાં હિન્દુત્વવાદીઓનાં અને તેમના સમર્થક ગણાતા આજકાલના ભક્તોનાં વિચાર, વાણી અને વર્તણૂક ઉપર એક નજર કરી જુઓ. ભગવતગીતામાં ભગવાન કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે એ રાહે તમે હિન્દુત્વવાદીઓનાં સરેરાશ એક સરખાં જોવાં મળતાં સામાન્ય લક્ષણો ઉપર એક નજર કરો. જોઈએ તો ઇસ્લામનું અભિમાન ધરાવતા ઇસ્લામવાદી મુસલમાનો અને તેના સમર્થક મુસલમાનોનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ અને ખાતરી કરી લો કે કોઈ સમાનતા નજરે પડે છે કે કેમ! હજુ વધુ ખાતરી કરવી હોય તો આ પ્રકારના બીજા ધર્મોના અનુયાયીઓનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ.

જગતના તમામ ધર્મોમાં ધાર્મિક કોમી ઓળખ પાળનારા, પંપાળનારા અને તેનું અભિમાન ધરાવનારા લોકોમાં આટલી સમાનતા તમે એક સરખી જોવા મળશે :

૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.

૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.

૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.

૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.

૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.

૬. જૂનવાણી વિચાર અને વર્તણૂક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

આ છ લક્ષણો તમને જગત આખામાં અને દરેક ધર્મમાં ધાર્મિક કોમી અભિમાન ધરાવનારા લોકોમાં એક સરખાં જોવાં મળશે. માન્યામાં ન આવતું હોય તો ખાતરી કરી જુઓ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2021

Loading

કોલસાની કટોકટીઃ બહેતર ભવિષ્ય માટે વૈકલ્પિક ઉર્જાના સ્રોતો ભણી ઝડપ કરી રહી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 October 2021

કોલસાની દલાલીમાં હાથ કાળા થાય એ સાચું પણ આ કોલસાની અછતને કારણે ઘોર અંધારું આખા દેશને લપેટામાં લઇ શકે તેવા સંજોગો ખડા થયા છે

આપણને ગમે કે ન ગમે આપણી હાલત એક રાષ્ટ્ર તરીકે કોઇક વાર એવી લાગે કે એક સાંધો ત્યાં તેર તૂટશે. છેલ્લા એક અઠવાડિયાથી આપણે એક રાષ્ટ્ર તરીકે અંધારપટમાં લપેટાઇ જવાની ધારે આવી ગયા હોવાના વાવડ સતત સાંભળ્યા છે. આપણા આખા દેશની બે તૃતિયાંશ જેટલી ઇલેક્ટ્રિસિટી – વીજળી કોલસાથી ચાલતા થર્મલ સ્ટેશન્સમાંથી આવે છે. આપણા દેશનો ઇલેક્ટ્રિક ઉજાસ ૧૩૫ જેટલા થર્મલ સ્ટેશન્સ પર આધાર રાખે છે અને આમાંથી મોટા ભાગનાનો જથ્થો સાવ તળિયા ઝાટક થઇ જવાને આરે છે. આમ તો ત્રીસ દિવસનો એડવાન્સ જથ્થો રખાતો હોય છે પણ આ સંગ્રહ કરેલા પુરવઠામાં એવો ઘટાડો થયો કે ઇંધણ ન હોવાને કારણે અમુક થર્મલ સ્ટેશન્સ તો બંધ જ કરી દેવા પડ્યા. માંડ ચાર દિવસ ઊર્જા પૂરી પાડી શકે એટલો જ કોલસો આ થર્મલ સ્ટેશન્સમાં બચ્યો હોવાની વાત ઊર્જા મંત્રાલયે કરી. જુદાં જુદાં રાજ્યોમાં પાવર-કટના પ્લાનિંગ થવા માંડ્યા જેમ કે રાજસ્થાનમાં અમુક જિલ્લાઓમાં કેટલા કલાક વીજળી બંધ રાખી શકાય તેના પ્લાનિંગ થયા તો દિલ્હીમાં મુખ્ય મંત્રીએ વડા પ્રધાન પાસે મદદ માગી. આર્થિક પાટનગર ગણાતા મુંબઇની હાલત તો દોઢ દિવસમાં તખ્તો સાવ પલટાઇ જાય એવી સ્થિતિમાં આવી કે ત્યાં વીજળી વિભાગે કહ્યું કે ૭૩૦ બિલિયન રૂપિયા નહીં મળે તો આખા રાજ્યમાં અંધારપટમાં આવી જશે. જોવાનું એ છે કે આ ત્રણેય રાજ્યોમાં ભા.જ.પા.ની સરકાર નથી અને કેન્દ્ર સરકારના કોલસા મંત્રીએ તો સાફ કહી દીધું કે વીજળીનાં પુરવઠાને મામલે કોઇ ગરબડ થાય તેવું શક્ય છે જ નહીં, પરિસ્થિતિ કાબૂમાં છે. કોલસાનો સંગ્રહ ખૂટી રહ્યો છે એ જેટલી દૂરની વાત લાગે છે એટલી છે નહીં, કલ્પના કરો કે એશિયામાં ત્રીજા ક્રમાંકે આવતા અધધધ મોટા અર્થતંત્રને અંધારપટ ઘેરી વળે તો શું થાય? એક તરફ ભારત કોલસાના સ્રોત તરીકે વિશ્વમાં પાંચમા સ્થાને છે અને ધારે તો એક સદી સુધી દર વર્ષે પડતી કોલસાની જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ. કોલસાની ઇંધણ તરીકેની માંગ ઑક્ટોબરમાં સૌથી વધુ પડે છે. આટલો બધો સંગ્રહ હોવા છતાં આપણને શું નડ્યું?

વાઇરસના વંટોળિયામાં સપડાયેલા આપણા અર્થતંત્રની ગાડી માંડ પાટે ચઢી એમાં પછી ડેલ્ટા વેરિયન્ટે ખેલ કર્યા. હવે વાઇરસ જરા મંદ પડ્યો છે ત્યાં અત્યાર સુધી ન ખડી થયેલી માંગ બમણા જોરથી ખડી થઇ રહી છે. કોલસાનો ઇંધણ તરીકેનો વપરાશ ગયા વર્ષના ઑગસ્ટની સરખામણીએ આ વર્ષે ૧૬ ટકા વધ્યો છે. કોલ ઇન્ડિયાને આની કલ્પના નહોતી અને હવે તકલીફ થઇ છે. વળી મોડા અને વધુ પ્રમાણમાં પડેલા વરસાદને કારણે કોલસાની ખાણોમાં પાણી ભરાયાં અને ટ્રાન્સપોર્ટમાં સમસ્યાઓ થઇ. એમાં પાછું ચીનના શાન્શીમમાં વરસાદ પડ્યો અને ચીનમાં કોલસાની અછત થઇ જેની ડોમિનો ઇફેક્ટ એ થઇ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કોલસાનો ભાવ આકાશે આંબ્યો. ભારતમાં કોલસાનો મોટા ભાગનો પુરવઠો ડોમેસ્ટિક છે પણ દરિયા કાંઠે આવેલા પ્લાન્ટ્સમાં વિદેશી કોલસો જોઇએ જે વીજ કંપનીને હાલના સંજોગો ખરીદવો પોસાય તેમ નથી.

સમયાંતરે ભારતની કોલસાગત ઇંધણની ક્ષમતા વધી છે અને વિશ્વમાં આપણી કોલસાની પાઇપલાઇન બીજા ક્રમાંકે છે. પાવર સેક્ટરમાં ઉદારમતવાદી વલણ અપનાવાયું જેથી પુરવઠાની સમસ્યા ન થાય જેને કારણે મોટા ઉદ્યોગતંત્રોએ કોલસામાં મોટા રોકાણો કર્યા, ત્યારે હજી રિન્યુએબલ ઊર્જાના ક્ષેત્રે કોઇ ટેકો હતો નહીં. આમ કરી ઉદ્યોગ તંત્રોએ વીજળીનો પુરવઠો લાંબો સમય મળતો રહે તેની વ્યવસ્થા કરી લીધી. પૂર્વિય ભારતમાં કોલસાને કારણે મળતી રોજગારી વગેરે પર એટલો વધારે આધાર રખાય છે કે અસામાજિક તત્ત્વોનું વર્ચસ્વ પણ આ ક્ષેત્રે ફેલાયેલું છે જે કારણે કોલસા સિવાયના ક્ષેત્રો પર આ પ્રદેશોમાં કોઇ વિકાસ નથી થતો. કોલસાના ઉપયોગથી થતા પ્રદૂષણને લઇને ગમે તેટલા નિયમો લાગુ કરાય પણ જે મોટાં માથાઓએ કોલસામાં રોકાણ કર્યું છે તેને કારણે તેનો ઉપયોગ પર કોઇ મર્યાદાઓ લાગુ થવાની નથી.

અત્યારે આપણે કોલસાના મુદ્દે જે કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે તેમાં વિશેષજ્ઞો કોલસાથી ચાલતા પ્લાન્ટ્સમાં ઓછું રોકાણ થઇ રહ્યું છે તે નોંધવા તો કહે છે જ પણ સાથે સરકાર કોલસાનું ઉત્પાદન વધારવાની યોજના અંગે શું કરે છે તેની પર પણ સવાલ કરે છે. ઊર્જાના રેશનિંગને મામલે આપણે જોખમની લાલ બત્તી જોઇ લેવી જોઇએ.

ક્લાઇમેટ ચેન્જ અને આકરી મોસમ આપણી જિંદગીઓની વાસ્તવિકતા બની ચૂક્યાં છે ત્યારે ઇંધણ અને ઊર્જાના સ્રોતના વિકલ્પો ખડાં થાય તે જરૂરી છે. એક તરફ ભારત આ દાયકાને અંતે 450GW રિન્યુએબલ એનર્જી પૂરી પાડે તે દિશામાં આગળ વધે છે તો બીજી તરફ કોલસાના ઉત્પાદનની ક્ષમતા પણ આપણે નથી ઘટાડી રહ્યા. વડા પ્રધાનને કોલસાનું સ્થાનિક ઉત્પાદન દર વર્ષે ૧ બિલિયન ટન થાય તેવી ઇચ્છા છે પણ આ કારણે સ્થાનિક લોકોની જિંદગીઓ પર ઘેરી અસર પડે તેમ છે. આપણે હજી યુ.એન.માં સુધારા કરેલો ૨૦૩૦ ક્લાઇમેટ પ્લાન આપ્યો નથી, અને ઊર્જાની કટોકટીના સંજોગો આ યોજનામાં ક્યાં ફિટ થાય છે એની કોઇ સ્પષ્ટતા નથી. પર્યાવરણને ક્યાં ય પણ અગ્રિમતા નથી અપાઇ રહી. આપણને કોલસાની ખાણ નહીં પણ વૈકલ્પિક ઊર્જાના સ્રોતની જરૂર છે. સરકારની કોલસાનું ઉત્પાદન વધારવાની ચાહને રોકાણકારો તરફથી મોળો પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે પર્યાવરણમાં આવેલા ફેરફારને કારણે રોકાણ કરવા માટે નાણાં એકઠાં કરવા પણ આસાન નહીં હોય. ગયા વર્ષે મોદી સરકારે કોલસાના ઉત્પાદન માટે ખાનગી રોકાણો ખોલ્યાં છતાં એક પણ વિદેશી કંપનીઓએ રસ નથી બતાડ્યો. બેટરી સ્ટોરેજ અને વૈકલ્પિક ઊર્જાના સ્રોતની માંગને પહોંચી વળવું હોય તો સરકારે કોલસા ઉત્પાદનની વિસ્તરણ યોજનાનો વિંટો વાળી દેવો પડશે.

બાય ધી વેઃ

દુનિયા આખી વૈકલ્પિક ઉર્જાની દિશામાં વળી રહી છે પણ રોગચાળાને કારણે તે ગતિ મંદ પડી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે પણ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે વિકાસ નોંધ્યો છે. રિલાયન્સની ન્યૂ એનર્જી સોલાર લિમિટેડ એ રિલાયન્સની પેટા કંપની છે જે મોટા પાયે રિન્યુએબલ એનર્જીની ટૅક્નોલૉજીઝ માટે નેક્સવેફ જેવા ભાગીદારો સાથે કામ કરશે આ તાજી જાહેરાત એ વાતનો પુરાવો છે કે મૂકેશ અંબાણી દીર્ઘ દૃષ્ટા છે. સરકારની એક આંખ વૈકલ્પિક ઊર્જા પર છે અને બીજી કોલસાના ઉત્પાદનનું વિસ્તરણ કરવા પર, આ વિઝનમાં કોઇ સંતુલન નથી વર્તાતું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  17 ઑક્ટોબર 2021

Loading

મૈત્રીથી પ્રેમ તરફ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 October 2021

કુદરતે સ્ત્રી અને પુરુષમાં એકબીજા તરફનું આકર્ષણ એવું મૂક્યું છે કે તે ખતમ થતું જ નથી. સ્ત્રી કે પુરુષ એકબીજા તરફ ભારોભાર નફરત ધરાવે તો પણ એ બંનેએ આજ સુધી તો એકબીજા પર ચોકડી મારી નથી. એ ખરું કે સ્ત્રી- સ્ત્રી વચ્ચે કે પુરુષ-પુરુષ વચ્ચે પણ પ્રેમ થવાના બનાવો વધ્યા છે, પણ તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અભાવમાં અકુદરતી રીતે વિકસ્યા હોવાનું વધારે લાગે છે. એ સંબંધ જ્યાં હોય ને એમાં સંડોવાનારને કોઈ પ્રશ્નો ન હોય, તો ભલે એનો આનંદ મેળવાતો, પણ આ સંબંધો ફળદાયી નથી. સ્ત્રી-પુરુષના પ્રેમની પરિણતિરૂપ બાળકની પ્રાપ્તિ એ સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અત્યાર સુધી તો શક્ય નથી બની. એ સંદર્ભે પણ સ્ત્રી-પુરુષનો સંબંધ વધારે કુદરતી છે, એવું નહીં?

એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ લગ્નથી પ્રમાણિત થતો હતો. મતલબ કે સમાજ પતિ-પત્નીના સંબંધને જ માન્યતા આપતો હતો. એનો અર્થ એવો નહીં કે લગ્ન બાહ્ય સંબંધો બંધાતા જ ન હતા. એ બધું ત્યારે પણ હતું, જેમ આજે છે. આજે એનું પ્રમાણ વધારે લાગે છે તેનું કારણ છે. જે સમાજમાં એકથી વધુ પતિ કે પત્નીની છૂટ છે ત્યાં એનું પ્રમાણ ઓછું છે, કારણ એવા સંબંધો લગ્નમાં ફેરવી દેવાય છે. એકથી વધુ પત્ની કે પતિની એક સમયે છૂટ હતી, આમ તો બહુપત્નીત્વ જ મુખ્યત્વે અમલમાં હતું એટલે લગ્નેતર સંબંધોનું પ્રમાણ ઓછું હતું. એ પછી એક પતિ-પત્નીત્વનો કાયદો આવ્યો એટલે વધુ પત્ની કે પતિ ન રાખી શકાય એ વાત અમલમાં આવી, એટલે એવા સંબંધો લગ્નેતર સંબંધના ખાનામાં જઈને પડ્યા ને આજની સ્થિતિ તો એવી છે કે લગ્નેતર સંબંધો કે લિવ ઇન સંબંધોનું પ્રમાણ ઘણું છે. એવા સંબંધોનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે પરિણીતોમાં વધારે છે. બે અપરિણીત વ્યક્તિ હોય તો એ તો પરણી શકે, પણ પ્રશ્નો, બેમાંથી એક પરિણીત હોય અથવા એ બે પતિ-પત્ની ન હોય, એવાં પરિણીતો હોય ત્યારે વધારે હોય છે ને આજે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં આવા સંબંધો પણ ભાગ ભજવે છે તે નોંધવું ઘટે. 

પણ સવાલોનો સવાલ એ છે કે વિજાતીય આકર્ષણનું પ્રમાણ આજે પણ અકબંધ કેમ છે? એક સમય હતો, જ્યારે સ્ત્રીઓમાં શિક્ષણનું અને નોકરીનું પ્રમાણ ઓછું હતું. સ્ત્રીઓ બહુ બહાર નીકળી શકતી ન હતી. બાળકીઓ ખાસ ભણતી જ નહીં, એટલે કન્યા કેળવણી ઓછી ને મોડી શરૂ થઈ. એ બધું છતાં જાત પાત જોયા વગર પણ પ્રેમ થતો જ અને પ્રેમીઓને એક ન થવા દેવા સમાજ તેનું પૂરું જોર લગાવતો પણ ખરો. મોટે ભાગે તો માબાપ નક્કી કરે ત્યાં જ છોકરા-છોકરી પરણી જતાં ને ન ગમતી વ્યક્તિ જોડે જ ઘણુંખરું જીવન કાઢી નાખવાનું થતું. શરીરની માંગને વશ વર્તીને કજોડાં, માબાપ થઈ જતાં ને એમ ગાડી ઘરેડમાં પડી જતી. એમાં હવે ઘણો ફેર પડ્યો છે. હવે તો એવું છે કે છોકરી પણ છોકરાને લગ્નની ના પાડી શકે છે. પહેલાં ન ગમતી છોકરીને, છોકરો ના પાડી દેતો. એ હક છોકરીને ન હતો. હવે એટલું થયું છે કે છોકરા-છોકરી પસંદગીનાં લગ્ન કરે છે. એ વાત જુદી છે કે એવાં લગ્નો પણ નિષ્ફળ જાય છે ને એવું બને છે કે એરેંજ્ડ મેરેજ સફળ પણ જાય છે.

આજના જમાનાની તાસીર એવી છે કે મૈત્રીનો મહિમા વધારે છે. જો કે, મિત્રો આગલા જમાનામાં પણ હતા જ. હા, વિજાતીય મૈત્રીનો મહિમા આજનું વરદાન છે. કે.જી.,નર્સરીથી જ કદાચ છોકરા-છોકરીઓ મૈત્રી કરતાં થઈ જાય છે. પછી ઉંમર વધે તેમ તેમ મૈત્રીના પ્રકારો પણ વધે છે. કોઈ બોયફ્રેંડ હોય છે, તો કોઈ ગર્લફ્રેંડ હોય છે. ફ્રેન્ડ કરતાં આ ફ્રેન્ડ જરા જુદા હોય છે. એમાં મૈત્રીની ઔપચારિકતાઓ ઉપરાંત, કદાચ લાગણી ને અધિકાર વિશેષ હોય છે. આ મૈત્રીમાં ક્યાંક ને ક્યારેક શરીર પણ ઉમેરાય છે. આ ઉમેરણ ખાનગી હોવાની સંભાવનાઓ વધારે હોય છે. મૈત્રી માબાપ જાણતાં હોય છે. જોકે, શરીર સંબંધથી માબાપને અજાણ રાખવામા આવે છે. આ સંબંધમાં ઉંમરની પુખ્તતા પણ ઘણુંખરું હોતી નથી. આ કાચી ઉંમરનો સંબંધ છે. એમાં સમજ કરતાં ઉતાવળ વધારે છે. મોટે ભાગે આ મૈત્રી નિષ્ફળ જવા જ સર્જાયેલી હોય છે. ઘણુંખરું તો શિક્ષણ પૂરું થાય કે નોકરી દૂર ક્યાંક લાગે તો સમજીને આ મિત્રો છૂટા પડી જાય છે અથવા તો ખરેખર પ્રેમ હોય તો લગ્નની શરણાઈ વાગે પણ છે.

પણ અહીં મૈત્રીની જટિલતા જાણવા જેવી છે. છોકરા-છોકરી નાની ઉંમરે પરિચયમાં આવે છે તો એવાં તમામ સંબંધોમાં, શરૂઆતમાં તો વિશુદ્ધ મૈત્રી જ હોય છે. એ જુદી વાત છે કે વિજાતીય મૈત્રીની પરિણતિ અંતે તો શરીર સંબંધ જ હોય છે. એ પણ સાચું કે કેટલાક મિત્રો મૈત્રીની મર્યાદામાં લાંબો સમય રહે છે. મોટે ભાગના તો તેથી આગળ નથી પણ વધતાં, પણ વાત આગળ ન જ વધે એવું પણ નથી. તો, પ્રશ્ન એ થાય કે કહેવાતી સાદી મૈત્રીમાં એવું શું થાય છે કે તે મૈત્રી ન રહેતાં, પ્રેમમાં પરિણમે છે? ઘણી વાર તો આ પ્રેમ ઓળખાતો જ નથી ને દોસ્તી, છે ! દોસ્તી, છે-નું રટણ ચાલ્યા કરે છે. એ સાથે મીઠું જુઠાણું પ્રેમને ન કબૂલવાનું પણ ચાલે છે. સામેનું પાત્ર જે સાંભળવા તલસી રહ્યું હોય એ પ્રેમનો એકરાર ઘણી વાર તો મૃત્યુ આવી જાય તો પણ નથી થતો. શરીર સંબંધ થઈ જાય, પણ પ્રેમ ન થાય એવું પણ બને છે. પ્રેમ એટલો સરળ છે કે એના જેટલું જટિલ બીજું કૈં નથી. એક જ વાક્ય કહેવાનું હોય કે હું તને ચાહું છું – પણ એટલું નથી કહેવાતું ને બીજું ફાલતું એટલું કહેવાતું હોય છે જેની સીમા નથી.

એવું પણ થાય છે કે મૈત્રીના પ્રકારોમાં અટવાયેલાં પાત્રો પ્રેમને ઓળખી શકતાં નથી. પ્રેમ કોઈના એકરારની રાહ નથી જોતો, એ તો કૈં પણ બોલ્યા વગર થઈ જાય છે. મૈત્રી જાહેર થતી હોય છે ને પ્રેમ છૂપો રહી જાય છે. અહી સંકોચ ભાગ ભજવે છે. સાચું તો એ છે કે અપમાનિત થવાની તૈયારી રાખીને, જેને માટે લાગણી હોય તેની સામે તે પ્રગટ કરી જ દેવી જોઈએ. પ્રેમ ન કહી શકવાનું દુ:ખ એટલું ઘૂંટાતું ને ગુણાતું રહે છે કે છેવટે અફસોસ જ સિલકમાં રહે છે. પ્રેમ શરૂ થવાની કોઈ ચોક્કસ રીત કે રીતો નથી. ઘણા મિત્રો હોય છે. એ બધા સાથે પ્રેમ થતો નથી, પણ કોઈ એક પર નજર પડતી થઈ જાય છે. એ એક કોણ તે પણ નક્કી નથી થઈ શકતું. એવું જ સામે પક્ષે પણ હોઈ શકે છે. કોઈ એકની સાથે વધારે વાત કરવાનું મન આપોઆપ જ બને છે. એની સાથે વાતો થતી જ રહે ને પૂરી જ ન થાય એવું પણ મનમાં થાય છે. એ પાત્ર સામે ન હોય તો પણ તેના જ વિચારોનું રંગીન જાળું ગૂંથાતું રહે છે. મિત્રો મળવાના હોય એમાં એ પાત્ર આવે તો સારું એવી ઇચ્છા થતી રહે છે. પહેલાં મિત્રો માટે તૈયાર થવાનું હતું, હવે કોઈ એક માટે જ તૈયાર થવાનું ગમે છે. એને શું ગમે છે, એની પસંદગી કેવી છે, એના વિચારો કેવા છે એ બધાંમાં અજાણતાં રસ પડવા માંડે છે ને એને ગમતું બધું કરવાનું ગમે છે. એ સાથે જ એવી અપેક્ષા પણ રહે છે કે સામેનું પાત્ર પણ પોતાનામાં રસ લે, એની કાળજી લે.

આમ તો આ બધું મળવામાંથી શરૂ થાય છે ને પછી ન મળવાના પ્રસંગો પડે છે. નથી મળાતું તો નથી ગમતું ને મળાય છે તો હરખનો પાર નથી રહેતો. એ પાત્ર માટે હૈયામાં આંસુ ને હર્ષ બનવાના શરૂ થાય છે. દૂરથી જોતાં જ એને ભેટી પડવાનું મન થાય છે. મિત્રોને ભેટવાનું કેઝ્યુઅલ હોય છે, પણ આ ભેટવાનું જુદું હોય છે. સાવ જુદાં જ સંવેદનો ફૂટે છે. પ્રિય પાત્ર બહારગામથી આવતું હોય તો સ્ટેશને એની રાહ જોવાનું ગમે છે. સ્ટેશને પહોંચવાનું બને એ પહેલાં મન અનેક વાર સ્ટેશનને ખૂણે ખૂણે ફરી વળે છે ને શરીર ખરેખર તો મોડું પડતું લાગે છે. પ્રેમમાં શરીર કરતાં મન હંમેશાં મોડું પહોંચતું હોય છે. ઘણી રાહ જોવડાવીને એ પાત્ર આવે છે તો આથમ્યો હોય તો ય ભીતરે સૂર્યોદય થાય છે ને એ પાત્ર નથી આવતું તો પ્રભાતે પણ અનેક સૂર્યો ડૂબી જતાં અનુભવાય છે. ટ્રેન આવી જાય છે ને નક્કી કરેલા બુકસ્ટોલ પાસે પાત્ર આવતું નથી તો જે ઉતાવળે નજર ભીડમાંથી પ્રિયને શોધે છે એની કોઈ સેલ્ફી શક્ય નથી. કદાચ ઉપરના બુક સ્ટોલ પર તો નહીં રાહ જોવાતી હોય એમ માનીને ઉપર જોઈ આવવાનું મન થાય છે ને તરત જ એમ થાય છે કે એટલામાં પેલું પાત્ર અહીં આવી ચડ્યું તો? પોતાને ન જોતાં ચાલી તો નહીં જાય ને ! ને એવી ફાળ પડે છે કે બુકસ્ટોલ પર જ થાંભલાની જેમ ખોડાઈ જવાય છે. એવે વખતે થાય છે કે માણસને ચાર પાંચ શરીર હોવાં જોઈએ. એક બુક સ્ટોલ પર રાહ જુએ. એક પ્લેટફોર્મ પર બધાં ડબ્બા તપાસી આવે, એક પ્રિયને જ તેના ઘરેથી બુકસ્ટોલ સુધી લઈ આવે ને અહીં કાગ ડોળે રાહ જોઈ રહેલ પાત્રને સોંપે … પણ શરીર બધું મળીને એક જ હોય છે ને એમાં જે પોતે છે તે પેલાં પાત્રને સમગ્રતામાં જીવ રેડીને ચાહે છે.

આટલું મૈત્રીમાં થાય? ના, એ પ્રેમમાં જ શક્ય છે … 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7211,7221,7231,724...1,7301,7401,750...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved