‘મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી’ના વાઇસ ચેરમેન તરીકે મેં સેવાઓ આપી છે. અહીં અકાદમીના ઉદ્દેશ ગુજરાતની અકાદમીથી સાવ અલગ છે. મૂળ ઉદ્દેશ પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોની માતૃભાષા સમૃદ્ધ કરવી.
ગુજરાતમાં અઢી લાખ વિદ્યાર્થીને લખતાં -વાંચતાં આવડે નહીં, એ માતૃભાષાની મોટી હોનારત છે. ગુજરાતની સાહિત્ય અકાદમી હોય કે પછી સાહિત્ય પરિષદ હોય એમના સિલેબસમાં ભાષા વિકાસ નથી, પણ સાહિત્ય વિકાસ છે. સાહિત્યકારનો વિકાસ છે. એવોર્ડ વિકાસ છે. અધ્યક્ષ અને પ્રમુખનો વિકાસ છે, પ્રકાશકોનો વિકાસ છે. સરકારી નિશાળોના શિક્ષકોનું કોઈ સાંભળતું નથી. સરકારી ફતવો અપાય છે કે આઠ ધોરણ સુધી વિદ્યાર્થીને નાપાસ કરવાની મનાઈ છે. આવો ફતવો બહાર પાડનાર સરકારને નાપાસ કરી દેવી જોઈએ; અકાદમી અને સાહિત્ય પરિષદને નાપાસ કરી દેવી જોઈએ.
મારી માતૃભાષા ગુજરાતી છે. મુંબઈ મહાપાલિકાના ભાષા પ્રશિક્ષણ ઓફિસર તરીકે મેં સેવાઓ આપી છે. મારા એ અનુભવને આધારે માતૃભાષા વિષે મારાં થોડાંક નિરીક્ષણ આપ સહુ મિત્રો સાથે શેર કરું છું. પહેલી વાત તો એ કે તમારે પ્રાથમિક શાળામાં ભાષા શીખવવી છે કે સાહિત્ય ભણાવવું છે ? એકથી છ ધોરણ સુધી બાળકોને માત્ર ભાષા જ શીખવવી જોઈએ. બાળક સાતમાં ધોરણમાં આવે પછી જ એનો સાહિત્ય પ્રવેશ થાય છે. પહેલી વાત તો એ કે આપણી સરકારી નિશાળોમાં ભાષા શિક્ષણ વિષે કોઈ વિચાર કરતું નથી. સહુ સરકારી સિલેબસનાં ગુલામ છે. ભાષા માટે કોઈ વૈજ્ઞાનિક અભિગમ નથી. ભાષા એક વિજ્ઞાન છે એ વાત કોઈ સ્વીકારતું નથી. શિક્ષકને મન પાઠ્યપુસ્તક એ જ પવિત્ર પુસ્તક છે. આ ભ્રમણા છે.
આપણા વિખ્યાત ભાષા વિજ્ઞાની મરહૂમ પ્રબોધ પંડિતે પોતાના એક પુસ્તકમાં લખ્યું છે કે એક નિશાળમાં શિક્ષકે લોકબોલી બોલતાં બાળકો પાસે વર્ષાઋતુ ઉપર લખવા કહ્યું. એમાં એક બાળકે "ઘરો પડી જ્યો" જેવું વાક્ય લખ્યું. શિક્ષકે લાલ કુંડાળું કરીને એ બાળકને કહ્યું કે "ઘરો પડી જ્યો" નહિ પણ એમ લખ "ઘરો પડી ગયા" પેલા બાળકે સીધો સવાલ કર્યો કે "સાહેબ મારા ગામમાં બધા જ અને મારા ઘરમાં બધા જ ‘ઘરો પડી જ્યો’ બોલે છે એમાં ખોટું શું છે ?" શિક્ષકે જવાબ આપ્યો : વ્યાકરણની દૃષ્ટિએ એ ખોટું છે”. આ સાંભળીને એ બાળક કહે છે : “સાહેબ, અમે જે બોલીએ છીએ એને તમે વ્યાકરણમાં નાખો ને જેથી વ્યાકરણ થોડું પવિત્ર થાય”.
અહીં સમજવાનો મુદ્દો એ છે કે પ્રાથમિક શાળામાં જે બાળક આવે છે તે લોકબોલી લઈને આવે છે. એ બાળકોને લોક્બોલીમાથી પ્રમાણભાષા સુધી લઇ જવા જોઈએ પણ આ દૃષ્ટિ શિક્ષકોમાં હોતી નથી. આનું સીધું પરિણામ એ આવે છે બાળકોને ગુજરાતી વાંચતા જ આવડતું નથી. ગુજરાતમાં જ કેટલા બધા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં જ નાપાસ થાય છે. તમારે જો ભણતાં બાળકને ભાષા શીખવવી હોય તો સહુથી પહેલાં બાળકનું ગુજરાતી શબ્દભંડોળ વિકસાવો. બાળક જે ભાષા બોલે છે એનું સન્માન કરો.
હવે ગુજરાતી વિષયનું પરીક્ષા વખતે જે પેપર કાઢવામાં આવે છે એમાં વર્ષોથી સ્ટુપીડ જેવા પ્રશ્નો પૂછાય છે. દાખલા તરીકે "નિબંધ લખો, પૂર્વાપર સંબંધ લખો, આપેલો પરિચ્છેદ વાંચીને નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો, સંધિ છૂટી પાડો, વગેરે વગેરે. "એક પૂરીની આત્મકથા લખો”. એક વિદ્યાર્થીએ મને પૂછેલું કે "સાહેબ, પૂરીને આત્મા હોય છે ?" હું ચૂપ થઇ ગયો.
આવા પ્રશ્નપત્રો માત્ર સાહિત્યલક્ષી છે, ભાષાલક્ષી નથી. કેળવણીકારો એટલું સમજતા નથી કે બાળકને જો ભાષા આવડશે તો જ સાહિત્ય વાંચશે. ટેક્સ્ટબુકો પણ બહુ રેઢિયાળ હોય છે.નમાતૃભાષા બચાવી લેવી હોય તો ટેક્સ્ટબુકો ને સરકારી ઈજારાશાહીમાંથી મુક્ત કરવી જોઈએ. સરકારી પાઠ્યપુસ્તકો બનાવવાની એક ફોર્મ્યુલા હોય છે. ૫૦૦ ગ્રામ દેશપ્રેમ નાખો ,૧૦૦ ગ્રામ ભાવાત્મક એકતા નાખો, ૫૦ ગ્રામ સાંપ્રદાયિક સદ્દભાવનો તૈયાર મસાલો નાખો, ૧૦૦ ગ્રામ ગ્રામ્યસંસ્કૃતિની કોથમીર છાંટો. જસ્ટ ટુ મિનીટ. સરકારી પાઠ્યપુસ્તક તૈયાર થઇ ગયું.
મારાથી ભાષાના વિખ્યાત લેખક પુ.લ. દેશપાંડેને કોઈએ પૂછ્યું હતું : “સાહેબ, તમારી કોઈ કૃતિ પાઠ્યપુસ્તકમાં છે ? “પુ.લ. દેશપાંડેએ તરત જવાબ આપ્યો : "ભાઈ, સરકારી પાઠ્યપુસ્તકમાં તુકારામનું મૂલ્ય દોઢ માર્કનું હોય એમાં મારો ક્યા ચાન્સ લાગે ?” બીજું પાઠ્યપુસ્તકમાં ‘શેઢો’, ‘પાદર’, ‘ફળિયું’,’કેડી’, ‘ઓસરી', ‘ગમાણ’, ‘ડેલી', ‘આગળિયો’ અને ‘ચોક' જેવા શબ્દો આવે છે, એનો અર્થ મહાનગરમાં ભણતાં બાળકો બિલકુલ સમજી શકતા નથી. મહાનગર કે સ્માર્ટ સિટીનાં બાળકો માટે આ શબ્દોનો સાવ પરદેશી છે.
ટૂંકમાં કહું તો ગામડાંની નિશાળોમાં ભણતાં બાળકો પાસે અમદાવાદ કે મુંબઈ જેવા મહાનગરની ભાષા મૂકવી અને શહેરનાં બાળકો પાસે ગામડાંની વાતો મૂકવી, એ ભેંશ પાસે ભાગવત વાંચવા જેવું છે. એકવીસમી સદી આવી ગઈ તો ય પાઠ્યપુસ્તકમાં પનિહારી કૂવે પાણી ભરવા જાય છે. એન્જીન ગાડી ભખ ભખ કરતી ધુમાડા કાઢે છે, બીજું બાલસાહિત્ય બહુ લખાતું નથી.
સાહિત્યના બધા જ કાર્યક્રમોમાં સફેદ વાળ જ દેખાય છે. સાહિત્ય પરિષદ અને અકાદમી પોતપોતાની રીતે કામ કરે છે, પરંતુ પ્રાથમિક સ્તરે ભાષા શિક્ષણ સાથે એમને કોઈ નિસ્બત નથી. ઇવેન્ટો કરો. અધિવેશનો ભરો; જય જય ગરવી ગુજરાત.
જે દિવસે મા પોતાના બાળકને અંગ્રેજી ભાષામાં પ્રેમ કરવા લાગશે તે દિવસે માતૃભાષાનું નિધન થશે.
સૌજન્ય : અનિલભાઈ જોશીની ફેઇસબૂક દિવાલેથી સાદર; 17 નવેમ્બર 2021
![]()


આ કોરોનાકાળે આપણે એકમેકને રૂ-બ-રૂ મળવાનું નથી કરી શકતા. મળીએ ત્યારે પણ મૉં માસ્ક-મઢ્યું હોય છે. જો કે ત્યારે આંખોથી મળવાનું ઘણું શક્ય હોય છે. પણ આંખોથી મળવાનો કશો અનર્થ થાય એ પહેલાં આપણે કોઇ ને કોઇ બ્હાને થોડી જ વારમાં છૂટા પડી જઈએ છીએ. ઊલટું એ કે કેટલા ય લોકો આંખમાં આંખ મેળવીને વાત નથી કરતા. નજરથી નજર નહીં મેળવીને વાત કરનારા ઘણું બધું છુપાવતા હોય છે. ગોગલ્સ પ્હૅરીને મારી જોડે વાતો કરવા આવેલાને હું તો સાંખી શકતો નથી.
માણસથી ખરેખર થઈ શકે એવી સરળતમ એક જ વસ્તુ છે – પ્રેમ ! હા, સ્ત્રી-પુરુષો પ્રેમમાં પડે તો છે પણ ટકી નથી રહેતાં. નહીં ટકી રહેવાથી શું બચે છે? એ તો એ લોકો જ જાણે – દયાપાત્ર મુડદાલ જીવન …
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. મે-૨૦૧૬માં શરૂ થયેલી આ યોજના ધૂમાડામુક્ત બહેતર ગ્રામીણ ભારતનો ઉદ્દેશ ધરાવે છે. ગરીબી રેખા હેઠળના ગ્રામીણ અને શહેરી પરિવારની મહિલાઓને આ યોજનામાં રાંધણ ગેસનું નિ:શુલ્ક જોડાણ આપવામાં આવે છે. બીજા તબક્કામાં સરકારે વધુ ઉદાર બનીને માત્ર એલ.પી.જી. કનેકશન જ નહીં, પહેલું સિલિન્ડર અને એક સગડી પણ મફત આપવાની જોગવાઈ કરી છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં ૮.૨ કરોડ રાંધણ ગેસ કનેકશનો આપ્યાંનું જણાવે છે. હવે સરકારનું લક્ષ્ય ૧૦ કરોડ કનેકશનનું છે.