Opinion Magazine
Number of visits: 9746062
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—130

દીપક મહેતા|Opinion - Opinion|29 January 2022

અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ

રેડિયો માટે છ હજાર કરતાં વધુ કાર્યક્રમ લખ્યા અને ભજવ્યા

જ્યારે ગોવિંદજીના પાત્રને મારી નાખ્યા પછી સજીવન કરવું પડ્યું

‘અદુલી, ટું આંય સું કરે ચ!’ આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે જન્મ.

મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન

દાયકાઓ પહેલાંની વાત છે. બોરીબંદર કહેતાં વી.ટી. નજીક એક્સેલસિયર થિયેટર. ૧૮૮૭માં નાટકો ભજવવા માટે શરૂ થયેલું. એ થિયેટરમાં અદી મર્ઝબાને એક હરીફાઈ યોજેલી. નિર્ણાયક તરીકે બોલાવેલા ચંદ્રવદન મહેતાને. અદીએ પોતે તેમાં કરુણ રસથી છલકાતું ‘માયની માયા’ નામનું નાટક રજૂ કર્યું અને પહેલું ઇનામ જીત્યા. થોડા દિવસ પછી અદી પહોંચ્યા ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશન પર. જઈને કહે કે મારે મળવું છે ચંદ્રવદન મહેતાને. એ વખતે સી.સી. સ્ટાફ મિટિંગમાં. પણ મળવા બહાર ગયા. અદીની સીધી વાત : ‘મારે રેડિયો પર પ્રોગ્રામ કરવો છે.’ ‘ઠીક અદીભાઈ. ‘ટાંકણીની અણી’ પર પંદર મિનિટનો સ્કેચ લખી લાવો. ભજવવાની ગોઠવણ થઈ જશે. બીજે દિવસે સવારે સી.સી. રેડિયો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટેબલ પર પડેલું ‘ટાંકણીની અણી,’ બરાબર પંદર મિનિટ ચાલે એવું હાસ્ય ભરપૂર રેડિયો રૂપક. આ વાત ૧૯૪૦ની. ત્યારથી ૧૯૮૫ સુધીમાં અદીએ ઓલ ઇન્ડિયા રેડિયો માટે પુષ્કળ લખ્યું, ભજવ્યું. સરવાળો માંડો તો છ હજાર કરતાં વધુ પ્રોગ્રામ થાય!

‘લાઈવ પ્રોગ્રામ’ના જમાનામાં જે લખાયું-ભજવાયું તેમાંનું ઘણું ખરું હવામાં ઊડી ગયું. અદીના કાર્યક્રમો એમાં અપવાદ. તેમની બીજી ઓળખાણ તે ‘જામે જમશેદ’ અખબારના માલિક-તંત્રી. એટલે પોતાની એકેએક સ્ક્રિપ્ટ જેવી લખાય કે તરત જાય કમ્પોઝ કરવા. ભાગ લેનારા દરેક કલાકારના હાથમાં છાપેલી સ્ક્રિપ્ટ હોય. રેડિયો સાચવે કે ન સાચવે, અદીએ એકેએક સ્ક્રિપ્ટ સાચવી રાખી. તેઓ બેહસ્તનશીન થયા પછી એ ખજાનો એન.સી.પી.એ.ને સોંપાયો જ્યાં આજે પણ તે સુરક્ષિત છે.

જૂનું એક્સલસિયર થિયેટર

અદીનો બીજો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. અદીએ પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું.

પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતા પૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪માં કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું.

પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.

લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું.

અદી અને સિલ્લા મર્ઝબાન

પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.

અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા સીધા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. ૧૮૨૨માં પહેલવહેલું ગુજરાતી અખબાર શરૂ કરનાર ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.

અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલના મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : ‘શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.’ પણ અદીબાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રેડિયો અને રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.

*

બે વર્ષા: નીચેવાળી અને ઉપરવાળી

ઓલ ઇન્ડિયા રેડિયો અંગેના લેખો માટે જે પ્રતિભાવો મળ્યા તેમાંથી બે : ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશનથી ચાલતાં માંડ પાંચ-સાત મિનિટ દૂર આવેલું એક મકાન, નામે ગુલબહાર. આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં તેમાં એક નહિ, બે વર્ષા રહે. અડોશીપડોશી તેમને ઉપરવાળી વર્ષા અને નીચેવાળી વર્ષા તરીકે ઓળખે. ‘ઉપરવાળી’ તે જાણીતાં પત્રકાર-લેખક લાભુબહેન મહેતા અને મોહનભાઈ મહેતા ‘સોપાન’ની દીકરી વર્ષા મહેતા (હવે દાસ). અને બીજી તે અગ્રણી લેખક ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા આચાર્ય (હવે અડાલજા). બંને કોલેજ-કાળથી આ લખનારની મૈત્રિણીઓ. (બંને વર્ષાનો અહીં મૂકેલો ફોટો ‘નીચેવાળી’ વર્ષાના સૌજન્યથી.) દિલ્હીથી વર્ષા દાસ લખે છે : મેં child artist તરીકે 'લોહીની સગાઈ' નાટકમાં  ભાગ લીધેલો. વસુબહેન દિગ્દર્શક, દીનાબહેન ગાંધી મારી મા અને હું એમની મૂંગી દીકરી . મારે તો મોઢેથી જાતજાતના અવાજો જ કાઢવાના હતા. રેકોર્ડિંગ પૂરું કરીને પછી ડ્યૂટી રૂમમાં જવાનું ને ત્યાં બેઠેલાં એક પારસી કે ક્રિશ્ચિયન બહેને એક કાગળ પર મારી સહી લીધી ને મને પાંચ રૂપિયાની કડકડતી નોટ આપી. મારી આ પહેલી કમાણીથી હું તો રાજી રાજી. ઓલ ઇન્ડિયા રેડિયોનું મકાન ઘરની નજીક જ હતું . હું તો દોડતી, કૂદતી ઘરે આવી અને રુઆબભેર એ પાંચ રૂપિયા બાના હાથમાં મૂક્યા!  એ આખો પ્રસંગ મને આજે, ૭૯ વર્ષની ઉંમરે પણ યાદ છે. તમારો લેખ વાંચીને  યાદ તાજી થઈ! 

તો વર્ષા અડાલજા લખે છે : મારું ઘર રેડિયો સ્ટેશનની બાજુમાં એટલે પપ્પા પાસે લખાવવા ગિજુભાઈ જાતે જ આવે. હું રેડિયો પર એનાઉન્સર હતી ત્યારે મને ખૂબ આગ્રહ કરેલો એક્ઝામ આપવા માટે જેથી હાયર કાયમી પોસ્ટ મળે. પણ બદલી થવાના ડરથી મેં પરીક્ષા ન આપી. ભવનની એક નાટ્યસ્પર્ધામાં અમે સાથે જજ હતાં, અમારા ઇનામના નિર્ણયથી વિદ્યાર્થીઓ  ગિન્નાયા અને ટોળું તોફાને ચડ્યું ત્યારે આગ્રહપૂર્વક મને પાછલે બારણેથી ભગાડી અને ગિજુભાઈ ફેસ્ડ ધ મ્યુઝીક.

હવે આપણે પણ રેડિયોના પાછલે બારણેથી નીકળીએ અને જઈએ … ક્યાં? ધીરી બાપુડિયાં. 

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 જાન્યુઆરી 2022

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (23)

સુમન શાહ|Opinion - Opinion|29 January 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -4 : આન્તરક્રિયાઓ :

સાર્ત્રના દર્શનમાં, ‘હું’ અને ‘વસ્તુ’ પછીનું બીજું મહત્ત્વનું કેન્દ્ર છે : તે એ કે ચેતના એકથી વધુ સત વચ્ચે સંભવતી આન્તરક્રિયાઓને, લૅણાદેણીને કે આદાનપ્રદાનને ધારણ કરે છે.

એક ‘હું’ જ્યારે બીજા ‘હું’-ના સમ્પર્કમાં મુકાય છે ત્યારે એમાં જવાબદાર વસ્તુઓ બે હોય છે – the gaze, એટલે કે, નજર અને the other, એટલે કે, અન્ય.

સાર્ત્ર અનુસાર, અન્યની નજર માણસને પરાયાપણાનો અનુભવ કરાવે છે. આપણને કોઈ નિહાળી રહ્યું છે એ વાત આપણી ચેતનાને નકારે છે, એટલું જ નહીં, એ વાતનું કારણ બને છે કે આપણા શરીરના બીજા ભાગોની પણ આપણે ચિન્તા કરીએ. વળી, આપણને નિહાળતા એ અન્યને આપણે આપણાથી ચડિયાતો ગણવાને મજબૂર બની જઈએ છીએ. એની નજરથી સરજાતા નિર્માનવીકરણને આપણે સ્વીકારી લઈએ છીએ. આપણને વસ્તુપદાર્થ ગણી કાઢતી એ નજરને સહી લઈએ છીએ.

તે વખતે આપણે એનું શરણ સ્વીકારવાને તેમ જ એને પણ વસ્તુપદાર્થ ગણી લેવા માટે સભાન અને મુક્ત હોઇએ છીએ. આમ, સમ્બન્ધને ઉલટાવીએ છીએ, સમ્બન્ધની અદલબદલ કરી નાખીએ છીએ.

સાર્ત્રનું એમ કહેવું સાચું છે કે સમાજમાં આમ અવારનવાર બનતું હોય છે. એથી દમન જન્મે છે. બે એકદમનાં સાફ દૃષ્ટાન્તો : એક તો, જાતિદ્વેષને કારણે જન્મેલી ગુલામીપ્રથા અને બીજું, નારી તેમ જ નારીસમાજ પ્રત્યેની પૈતૃક સત્તાના વારસદાર પુરુષોની વર્તણૂકો.

મને થાય, અસ્તિત્વવાદીઓને જો હિન્દુ વર્ણવ્યવસ્થાની અને તેમાંથી પ્રગટેલી અસ્પૃશ્યતાવિષયક ઘાતક માનસિકતાની તેમ જ દલિત-પીડાની જાણ હોત તો એમણે એ દૃષ્ટાન્તોને પણ આમાં ઉમેરી લીધાં હોત …

Pic courtesy : WectorStock

સાર્ત્રની આ વાતને એક કાલ્પનિક પણ સંભાવ્ય દૃષ્ટાન્તથી સમજીએ. દૃષ્ટાન્ત એમની વાતને તન્તોતન્ત નથી અનુસરતું એની મને ફૉમ છે :

સાર્ત્ર કહે છે કે —

૧:

આપણને આપણી જાણ ત્યારે જ થાય છે જ્યારે અન્ય કોઈ આપણને જાણવા કે અનુભવવા કરે છે. આપણે વસ્તુમય થઈ જઈએ છીએ જ્યારે અન્ય કોઈ આપણને એ રીતે નિહાળે છે. ‘હું’ એક અન્ય ‘હું’ સાથે જોડાય, સમ્બન્ધ ઊભો થાય, ત્યારે જ આપણે મનુષ્યો આપણી જાત વિશે સભાન થઈએ છીએ.

દાખલા તરીકે, રમા એક બીજી રમા સાથે સૅક્સ્યુઅલ કનેક્શન અનુભવે ને જોડાય તો એમની વચ્ચે સંભવ છે કે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. પહેલી રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજી રમાને પણ થાય.

ધારો કે, એ પ્રકારે, રમા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હીટરોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રમાને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું રામને પણ થાય.

ધારો કે, એ પ્રકારે, રામ એક બીજા રામ સાથે જોડાય તો એમની વચ્ચે હોમોસૅક્સ્યુઅલ રીલેશનશિપ ઊભી થાય. રામને ભાન પડે કે પોતે શું છે, અથવા શું નથી. એવું બીજા રામને પણ થાય.

૨:

જ્યાંલગી અન્યની નજર – gaze – આપણા પર પડે નહીં, જ્યાં લગી એ નજરનો સામનો ન કરવો પડે, જ્યાં લગી આપણે અન્ય વડે watch ન થઈએ, ત્યાં લગી આપણને આપણી પોતાની હાજરી નથી અનુભવાતી.

(હું માત્ર હીટરોસૅક્સ્યુઅલ રીલેશનની જ ચર્ચા કરું.) : હવે રમા સામે જ રમા હાજર થઈ ગઈ છે કેમ કે રામની એના પર નજર મંડાઈ છે. એ ક્ષણથી રમા પોતાની જાતને જોતી-તપાસતી થઈ ગઈ છે. રમાને થયું છે કે હવે તો રામ એનો ચૉકી-પ્હેરો પણ કરે છે – પ્રેમનો માર્યો કે શંકાનો માર્યો.

૩:

અન્યની નજર બધું વસ્તુમય કરી મૂકે છે.

હવે રમા પોતાથી અલગ એવી રમાને જોવા લાગી છે, પોતાથી જુદી; જાણે પોતે કશી વસ્તુ છે – પ્રેમમૂર્તિ. એને થયું કે – રામ જો પોતાને સાહી લેશે, આલિંગશે, ચૂમશે, તો પોતે જાતને ધરી રહેશે ને એમ થવા દેશે.  

૪:

પરન્તુ, પરિણામે, આપણે આપણા અસ્તિત્વથી વંચિત થઈ જઈએ છીએ, એટલું જ નહીં, શીખવા માંડીએ છીએ કે આપણી આત્મ-ઓળખ કેવીક તો મિથ્યા છે.

રમા અને રામ બન્નને કોઈ સમયે તો એવું લાગે જ છે કે પોતે પોતાને ઓળખી શક્યાં નથી, પોતે છે પણ નથી, પ્રેમ-ફ્રેમ બધું મિથ્યા છે

૫:

સાર્ત્ર આ મુદ્દાને વિકસાવતાં એટલે લગી કહે છે કે એક સત તરીકે, એક ઍજન્સી કે એક કલ્પના તરીકે, ‘હું’ નક્કર પાયા વિનાનું બની જાય છે ને શૂન્યતા અનુભવે છે.

જેમ કે, આ દાખલામાં, રામને રમા સાથે જોડાયા પહેલાંનો રામ યાદ નથી આવતો બલકે તે પછીના પ્રેમી રામને પોતે સતત અનુભવે છે, પણ ડરે છે. કેમ કે, શું થશે-ની શૂન્યતા એને ઘેરી વળે છે. એને થાય છે, પોતે જો રમાને પોતાનામાં ભેળવી દે તો બધું બરાબર થાય. એવું એ ત્યારે જ કરી શકે જ્યારે એ રમાને ભલે સ્ત્રીસ્વરૂપા પણ એક વસ્તુ સમજે અને એમ ગણીને એને વાપરવા માંડે.

એવો જ ડર, એવી જ શૂન્યતા રમાને પણ થાય. રમા પણ રામને પુરુષસ્વરૂપ વસ્તુ ગણીને વાપરવા માંડે.

૬:

સાર્ત્ર કહે છે કે તેમ છતાં, ‘વસ્તુ’ કદી પણ કબજે તો થતું જ નથી.

કેમ કે રમા કે રામ વળી પાછાં પોતાનાં સ્વાતન્ત્ર્યને પાછાં મેળવે છે, જે એમણે એકબીજાં માટે જતાં કરેલાં. વસ્તુત્વમાંથી એ બન્ને પોતાનાં વ્યક્તિત્વમાં આવી જાય છે. આપણી આસપાસમાં આપણે કેટલીયે ઘટનાઓ જોઈએ છીએ જેમાં પ્રેમસમ્બન્ધે જોડાયેલાં કે અરે લગ્નાયેલાં પણ સમ્બન્ધને ફગાવી દે છે ને પોતામાં પાછાં ચાલી જાય છે. સ્વાતન્ત્ર્યની પુન:પ્રાપ્તિ, એક પાયાનું મનુષ્યલક્ષણ છે.

* *

સતને સાર્ત્ર અસ્તિત્વની સમ્પૂર્ણતા ગણે છે. તેથી ચેતના એમને જ્ઞાન અને અર્થહીનતાનો નિરર્થક જથ્થો ભાસે છે. એમનું દૃઢ મન્તવ્ય છે કે વિશ્વમાં ચેતના ‘હું’ દ્વારા દાખલ થઈ શકે છે અને એની સાથોસાથ, શૂન્યતા અને નકાર પણ દાખલ થાય છે. ચેતના એ છે જે વિશ્વને હોવા-રહેવા દે છે ! ચેતના નહીં હોય તો વસ્તુઓ નહીં હોય, વૃક્ષો નહીં હોય, નદીઓ નહીં હોય, અને ખડકો નહીં હોય. હશે માત્ર સત. ચેતના હમેશાં સ-હેતુક હોય છે. એટલે કે, ચેતના હમેશાં કશાકને વિશેની ચેતના હોય છે.

સાર્ત્રની ઑન્ટોલૉજી અનુસાર, શું નથી એને જાણ્યા પછી જ ચેતના જાણે છે કે પોતે ‘વસ્તુ’ નથી, અને એ રીતે જેને જાણે છે તે એક શૂન્યતા છે – સતનું ન હોવું. તેમ છતાં, સાર્ત્ર-દૃષ્ટિમાં ‘હું’ કશું નથી, એ ત્યારે જ હોય છે, જ્યારે એ સતના સમ્બન્ધમાં મુકાય છે. એ રીતે એ એક પ્રકારનું is છે, હોવું છે.

એમનું કહેવાનું એમ થાય છે કે ‘હું’ એક શૂન્યતા છે, અભાવ છે. એ ‘હું’ અન્યો વડે નિર્માનવીકરણ પામેલું છે, ને વળી, એના પોતાથી પણ છેતરાયેલું છે. પણ સાર્ત્ર સતત એમ પણ ઘૂંટે છે કે ‘હું’ મુક્ત છે, પારદર્શક છે, ચેતના છે; એટલે સુધી કહે છે કે વિશ્વને ‘હું’ ઘડે છે !

આમ, સાર્ત્રનો આ શાસ્ત્રાર્થ વિવાદાત્મક બની રહે છે અને સરવાળે ચર્ચાને નિરાશાભરી કરી મૂકે છે …

મનુષ્યજીવનની ઑન્ટોલૉજી અંગેનાં આવાં બે દેખીતાં અસમાધાનકારી વર્ણનોનો સાર્ત્ર કશો ગળે ઊતરે એવો ખુલાસો નથી આપતા, એ એક કોયડો છે. અલબત્ત, કશા ફિલસૂફીપરક ઉપસંહાર પર ન જવું એ એમનું અનેકશ: ઈરાદાપૂર્વકનું વર્તન છે, છતાં, એ બન્નેને જાળવી રાખવાં, એ એમની અંગત શૈલી રહી છે, એટલું જ નહીં, અસ્તિત્વવાદની પણ કહેણી – maxim – એ રહી છે કે એવો કોઈ સિદ્ધાન્ત નથી જે સાર્વત્રિક હોવાનો દાવો કરી શકે.

મારે આમાં કેટલીક વીગતો ઉમેરવી જોઈએ :

સામાન્યપણે ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સ એટલે કે અધ્યાત્મવિદ્યા કહીએ છીએ પણ હ્યુસેર્લ, હાઈડેગર અને સાર્ત્ર એને એમ નથી ગણતા. સાર્ત્રને મન ઑન્ટોલૉજી વર્ણનાત્મક છે, વર્ગો રચી આપે છે; જ્યારે, અધ્યાત્મવિદ્યા મનુષ્યોનાં મૂળ વિશે, તેમનાં જીવનસાધ્ય વિશે, તેમ જ વિશ્વ સમગ્ર વિશે કેટલાંક નિરૂપણો પીરસે છે.

હ્યુસેર્લ અને હાઈડેગરની જેમ સાર્ત્ર પણ ઑન્ટોલૉજીને મૅટાફિઝિક્સથી જુદી ગણે છે. ‘ઑન્ટોલૉજી’ માટે ભલે હું ગુજરાતી પર્યાયવાચી સંજ્ઞા હાલ ને હાલ નથી રચી શકતો, પણ કહી તો શકું છું કે એ સતને વિશેનું – બીઈન્ગને વિશેનું – હોવાપણાને વિશેનું – અધ્યયન છે. બીઈન્ગ સાથે જોડાયેલાં બીકમિન્ગ, ઍક્ઝિસ્ટન્સ અને રીયાલિટીનું, એટલે કે, સત સાથે જોડાયેલાં થવાપણું, અસ્તિત્વ અને વાસ્તવિકતાનું એ અધ્યયન છે.

સાર્ત્રે ‘બીઈન્ગ ઍન્ડ નથિન્ગનેસ’ ગ્રન્થનું ઉપશીર્ષક રાખ્યું છે, ‘ફિનૉમિનોલૉજિકલ ઑન્ટોલૉજી’. મતલબ, એમને આવિષ્કારોનું અધ્યયન રચવું છે. ટૂંકમાં, સાર્ત્રની પદ્ધતિ અતિ અમૂર્ત વિભાવનાઓથી ખસીને નક્કર મૂર્ત વિભાવનાઓ તરફ વિકસી છે.

(હવે પછી, the Other વિશે)

= = =

(January 29, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

12-12-1911ના દિવસે થયું હતું દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન

સોનલ પરીખ|Opinion - Opinion|28 January 2022

દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.

દિલ્હી એક અજબ શહેર છે. આ શહેર જેમની નસોમાં ધબકતું અને વહેતું રહ્યું એ પ્રસિદ્ધ લેખક-પત્રકાર, ‘ટ્રેન ટુ પાકિસ્તાન’ નામની નવલકથા અને શીખ ધર્મ પર સંશોધનાત્મક પુસ્તક લખનાર ખુશવંતસિંહ દિલ્હીને ઓવરસાઈઝ્ડ વિલેજ તરીકે ઓળખાવતા. એમણે ‘દિલ્હી’ નામની નવલકથા પણ લખી છે. એમાં તેઓ લખે છે, ‘આ દિલ્હી છે. જિંદગીએ બહુ તકલીફ આપી છે, ઘણુંબધું છીનવી લીધું છે એવું લાગે ત્યારે નિગમઘાટ જઈ સળગતા મૃતદેહોનું દૃશ્ય જોવું, સ્વજનોનો વિલાપ સાંભળવો અને પછી ઘેર આવી થોડા પેગ વ્હિસ્કી પીવી. ઈન દિલ્હી, ડેથ એન્ડ ડ્રીન્ક મેક લાઈફ વર્થ લિવિંગ …’  

ભારતની ઉત્તરપશ્ચિમે યમુના નદીને કાંઠે વસેલું દિલ્હી, ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીથી માનવ વસવાટ ધરાવતું આવ્યું છે. સલ્તનતના ઉદય પછી દિલ્હી રાજકીય, સાંસ્કૃતિક અને વેપારી રીતે અગત્યના શહેર તરીકે ઊભરી આવ્યું. અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થાપત્યો, પુરાતત્ત્વીય સ્થળો અને તેમના અવશેષો દિલ્હીનો એક ભાગ છે. 1639માં, મોગલ સમ્રાટ શાહજહાંએ દિલ્હીમાં નવું કોટ ધરાવતું શહેર બનાવ્યું, 1649થી 1857 સુધી દિલ્હી મોગલ સલ્તનતની રાજધાની રહ્યું.

18મી અને 19મી સદીમાં જયારે બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારત પર પોતાનો કબજો જમાવી લીધો હતો ત્યારે કંપનીના શાસનમાં અને બ્રિટિશ રાજમાં પહેલાં કલકત્તા રાજધાની હતું, પરંતુ પછી 1911માં જયોર્જ પાંચમાએ દિલ્હીને રાજધાની ઘોષિત કરી અને સમગ્ર કારભાર પાછો દિલ્હી ખસેડવામાં આવ્યો. 1920ના દાયકામાં જૂના શહેરની દક્ષિણે નવી રાજધાની, નવી દિલ્હી, નામે નવું શહેર બાંધવામાં આવ્યું. 1947માં જ્યારે ભારતે બ્રિટિશ રાજમાંથી સ્વતંત્રતા મેળવી, ત્યારે નવી દિલ્હીને તેની રાજધાની તરીકે અને સમગ્ર સરકારી વહીવટ માટેના મુખ્ય મથક તરીકે જાહેર કરવામાં આવ્યું.

પૃથ્વીરાજ ચૌહાણ પછી સલ્તનત યુગ અને મુઘલ યુગ બંનેના શાસકોએ દિલ્હીને રાજધાની તરીકે માન્યતા આપી, પરંતુ મોગલ યુગના અંત પછી ભારતનું ત્યારનું વિશાળ બંગાળ જે તેના ફળદ્રુપ પ્રદેશ જાહોજલાલી માટે જાણીતું હતું અને કાચા માલ માટે અંગ્રેજો માટે ખૂબ જ ઉપયોગી હતું તેથી અંગ્રેજોએ કોલકત્તાને દેશની રજધાની બનાવી પોતાની કચેરીઓ અને કોઠીઓ સ્થાપી અને અત્યારના બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળને આવરી લેતા પ્રદેશમાં ભરપૂર શોષણ કર્યું.

દિલ્હીને રાજધાની બનાવવાની જાહેરાત 12 ડિમ્બર 1911ના રોજ થઈ હતી. આજે તો દિલ્હી સ્વતંત્ર ભારતની રાજધાની તરીકે વિકસ્યું છે. અહીંના અનેક સ્મારકો જોવા માટે અનેક વિદેશી મહેમાન આવે છે. લાલ કિલ્લાથી લઈને સંસદભવન સુધીના દિલ્હીની દરેક સ્થળ સાથે કોઈને કોઈ ઇતિહાસ જોડાયેલો છે.

દિલ્હીનો શિલાન્યાસ કિંગ જ્યોર્જ પંચમ અને ક્વિન મેરીએ કર્યો હતો. રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું ત્યારે દિલ્હી પંજાબ પ્રાંતનો એક તાલુકો હતું. ત્યાર બાદ જમીન-સંપાદનનો આદેશ થયો. કેટલા ય ગામની જમીન લેવામાં આવી અને રાજધાની બનાવવા માટે પંજાબના ઉપરાજ્યપાલે દિલ્હી અને વલ્લભગઢના જિલ્લાઓના 128 ગામની જમીન મેળવી. મેરઠ જિલ્લામાં 65 ગામને પણ દિલ્હીમાં ભેળવી દેવામાં આવ્યા. આ તમામ ગામ યમુના નદીની પેલે પાર હતા. ત્યાર બાદ શાહદરા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો.

બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયંસ અને હર્બટ બેકરે દિલ્હીનું મોટા ભાગનું બાંધકામ કર્યું છે. પ્લાન પણ આ બંને અંગ્રેજોએ બનાવ્યો હતો. આ બન્નેએ એ પણ સલાહ આપી કે રાજધાનીમાં કોઈ પણ ઈમારત 45 ફૂટથી ઊંચી ન હોવી જોઈએ. ચારેય તરફ વૃક્ષો હોવાં જોઈએ જેથી ઉપરથી દિલ્હી હરિયાળું શહેર લાગે. પણ આજે સ્થિતિ વિપરીત છે.

દિલ્હી નગર યોજના નામની એક સમિતિ બનાવવામાં આવી હતી. જે દિલ્હીને વિકસાવવાનું કામ કરતી. જેમા લુટિયંસ પણ હતા. તેણે ઉત્તર વિસ્તારને સાંકડો, ગીચ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક કહીને આ જગ્યા નકારી દીધો. પછી દક્ષિણ વિસ્તારમાં યમુના નદીના કિનારે નવી જગ્યાની સલાહ આપવામાં આવી. વાઈસરોયને એ પણ પંસદ ન પડી. અંતે માચલા ગામ પાસેની જ્યાં રાયસન નામની ટેકરી હતી ત્યાં બાંધકામ શરૂ કરાયું. આજે રાયસન હિલને દિલ્હી મંત્રાલય તરીકે ઓળખવામાં આવે છે

દિલ્હીને રાજધાની બનાવવાનું એલાન ભલે 1911માં થયું હતું પણ તેનું ઉદ્દઘાટન પ્રથમ વિશ્વયુદ્ધ પછી 13 ફેબ્રુઆરી 1931ના રોજ કરવામાં આવ્યું હતું. લૉર્ડ ઈરવીનના શાસનમાં દિલ્હીનો એક રાજધાની તરીકે વિકાસ થયો. હઝરત નિઝામુદ્દીન ઓલિયાની દુઆથી આબાદ થયેલી આ ધરતીને તેમના શિષ્ય અમિર ખુસરોએ કવ્વાલી, સૂફી સંગીત, શાસ્ત્રીય સંગીતની ભેટ આપી. વિશ્વના સૌથી મોટા ગણતંત્ર એવા ભારતના પાટનગર સાથે ફકત ઇતિહાસ નહીં, પુરાણ પણ જોડાયેલું છે. મહાભારતના સમયથી દિલ્હીનો દબદબો હતો. ઇ.સ. પૂર્વે ૩,૫૦૦માં રાજા દહિલુએ સ્થાપેલું દિલ્હી મહાભારતકાળમાં હસ્તિનાપુર તરીકે ઓળખાતું.

સરદાર ખુશવંત સિંહે ‘દિલ્હી’ નવલકથાની શરૂઆતમાં જ લખ્યું છે, ‘વિદેશી વેશ્યાઓ સાથે સમય વેડફીને હું ફરી આવી ગયો છું દિલ્હી, મારી પ્રિયતમા ભાગમતી પાસે.’ આ ભાગમતી, ખરેખર તો એક હિજડો છે પણ તેનામાં કોઈપણ પુરુષને રીઝવવાની ભારોભાર કાબેલિયત અને ઊર્જા છે. લેખક આગળ કહે છે, ‘દિલ્હી અને ભાગમતી સરખાં છે. અશિષ્ટ લોકો દ્વારા સતત શોષણનો શિકાર બનતા રહ્યા પછી બન્નેએ પોતાના અસલી સૌંદર્યને ઘૃણાસ્પદ કુરુપતાના આવરણમાં છુપાવી રાખવાનું શીખી લીધું છે. પોતાનું અસલી રૂપ તેઓ એની પાસે જ ખોલે છે જે એમને ચાહતું હોય.’ કેટલું સચોટ વર્ણન! આ નવલકથા લખતાં ખુશવંત સિંહને 25 વર્ષ લાગ્યાં હતાં.

એમાં દિલ્હીનો ઇતિહાસ છે, પણ એ ઐતિહાસિક નવલકથા નથી, તેમ એમાં ઇતિહાસની શુષ્ક વિગતપ્રચુરતા પણ નથી. એ તો છે નવલકથા. ખુશવંતસિંહની આગવી, કલપનાશક્તિ અને કટાક્ષ-રમૂજભરેલી શૈલીમાં લખાયેલી નવલકથા. નાયક પત્રકાર છે અને ઇંગ્લૅન્ડથી આવ્યો છે. દિલ્હીની સડકો પર ફરતાં, ક્યારેક કોઈ વિદેશી મહિલાના ગાઈડ બનતાં એ સમયયાત્રીની જેમ ઘટનાઓ અને પાત્રોને મુખોમુખ થાય છે. પાત્રો પોતાની કહાણી કહેતાં આવે છે અને વાચક સામે ઇતિહાસનાં પૃષ્ઠો ખૂલતાં જાય છે. અમીર ખુસરો, નાદિરશાહ અને તૈમુર લંગ, ઔરંગઝેબ, મીર તકી મીર અને બહાદુરશાહ ઝફર. મોગલ વંશનો ઉદય અને અસ્ત, અંગ્રેજો, વિભાજન અને સ્વતંત્રતા.

ઇંદિરા ગાંધીની હત્યા પછી શીખોને જીવતા બાળી મૂકવાનાં દૃશ્યો સાથે નવલકથાનો અંત આવે છે. આખી નવલકથામાં લેખકનો દિલ્હી માટેનો અસીમ પ્રેમ અને એવી જ ઘેરી હતાશા બન્ને સતત દેખાય છે. તેઓ દિલ્હીને ‘સત્તાલોલુપોના હાથે બરબાદ થતા રહેલા શહેર’ તરીકે ઓળખાવે છે. નવલકથાના કેન્દ્રમાં ખરેખર તો દિલ્હી જ છે, જેની સાથે નાયકની લવ-હેટ રિલેશનશીપ છે. ભાગમતીમાં દિલ્હીની ભૂખ, પાગલપણું અને અનેક વિરોધાભાસ છે. ભાગમતી પુરુષ પણ છે અને સ્ત્રી પણ, અને બેમાંથી એકે નથી. એ હિંદુ પણ છે અને મુસ્લિમ પણ, અને નાયક સાથેના સંબંધ પછી થોડી શીખ પણ. એને કોઈ અપનાવતું નથી પણ એનો લાભ બધા જ લે છે.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંનું, વિશ્વના સૌથી વધારે ક્રાઈમ-રેટ ધરાવતા શહેરોમાંનું એક દિલ્હી 2028માં વસતીની દૃષ્ટિએ દુનિયાનું પહેલા નંબરનું શહેર બની જશે. અત્યારે દિલ્હીની વસતી લગભગ ત્રણ કરોડ છે અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ટોકિયો છે અને ત્રીજા નંબરે શાંઘાઈ.

અંતમાં યાદ કરીએ ખુશવંતસિંહના ‘દિલ્હી’ નવલકથાના શબ્દો. એમણે કહ્યું છે, ‘આપણે રહસ્યમય પૌર્વાત્યો છીએ. પુરાવા કે તર્ક સાથે આપણને ઓછી લેવાદેવા છે. આપણે એક શ્રદ્ધા ઊભી કરીને તેના પર જીવી જઈએ છીએ.’ આ વિધાનનો અર્થ અને ચોટ લાગે છે તે કરતા વધારે ઊંડાં છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6851,6861,6871,688...1,7001,7101,720...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved