એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
એક હતો રાજા.
એણે
જેની હત્યા કરવી હોય
એને
કોઈ ગુનામાં પકડતો
અને પછી
ફાંસીની સજા
આપી દેતો.
વાર્તા પૂરી.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 15
![]()
જેનું છેવટ સારું તેનું સૌ સારું : આ જુગજૂની કેહતી સાંભરી ન સાંભરી ત્યાં તો એ આવી એવી આછરી ગઈ; કેમ કે ભારત સરકારે (વસ્તુતઃ વડા પ્રધાને) ત્રણ કૃષિ કાનૂન પડતા મૂક્યાની જાહેરાત કરી તે સાથે વાર્તા પૂરી થતી નથી.
કહી તો શકાય કે શાંત આંદોલનની ફતેહ થઈ – અને એ ખોટું પણ નથી. કહી તો શકાય કે આંદોલને એક બિનકોમી તાસીર પ્રગટ કરી – અને એ ખોટું પણ નથી : જેમ શાહીનબાગ દિવસોમાં મુસ્લિમબહુલ ધરણાર્થીઓને શીખ લંગરની અને દેશના વિવિધ હિસ્સાઓમાંથી નાગરિક કર્મશીલોની કુમક મળી રહી હતી; ખેડૂત આંદોલનની દેખીતી શીખ પહેલને એક નાજુક નિર્ણાયક વળાંકે ટિકૈત નેતૃત્વમાં જાટ જમાવટથી બળ મળ્યું. નાત-જાત-કોમ-લિંગના ભેદ વગરની દેશના ઠીકઠીક પ્રદેશોની સામેલગીરી પણ એમાં રહી. મહિલા નેતૃત્વ પ્રસંગોપાત બરોબરીને ધોરણે ઉભર્યું. આ બધા એના જમા મુદ્દા છે અને રહેશે.
પંજાબ અને ઉત્તર પ્રદેશની આવી રહેલી વિધાનસભા ચૂંટણી પહેલાં મતલણણી માટે ખેડરૂપનો આ નિર્ણય છે એ તો જાણે કે પ્રથમદર્શી અને વ્યાપક અવલોકન બની જ રહ્યું છે, પણ કૃષિ કાનૂન પાછા ખેંચાઈ રહ્યાની જાહેરાતના તરતના દિવસોમાં ગોદી મીડિયામાં એકંદરે હાંસિયે મુકાયેલી લખનૌની વિરાટ કિસાન રેલીમાં ટિકૈત અને બીજાઓએ કહ્યું છે તેમ એમ.એસ.પી. અને બીજા મુદ્દા (ખાસ તો લખીમપુર ખેરી ઘટનામાં કેન્દ્ર સરકારના મંત્રીની અમાનવીય ઉદ્દંડતા) ઊભા જ છે.
વડા પ્રધાને અમારી તપસ્યા ઓછી પડી એમ કહ્યું તે સંમિશ્ર પ્રતિભાવો જગવે છે. ૨૦૧૫માં ભૂમિ અધિગ્રહણ કાનૂન માટેની અભદ્ર અધીરાઈ જેવો જ કિસ્સો, વ્યાપક વિશ્વાસ અને સહમતિની ખાસ કૂશી કોશિશ વગરનો આ કૃષિ કાનૂન બેતનો પણ હતો. એની સામે પ્રતિકારને રાહે સાત સો લોકોએ જીવન ગુમાવ્યાં – તપસ્યા કહો, તપ ને તિતિક્ષા કહો, એ તો બીજે છેડે હતાં. કોરોના મામલે શ્રમિક સ્થળાંતરમાં સરકારી ચૂકથી (જો કે ‘ચૂક’ એ નરમ પ્રયોગ છે) હજારો નાગરિકોએ જે વેઠવું પડ્યું એનો કોઈ દિલી પ્રતિસ્પંદ કેન્દ્રિય નેતૃત્વને સ્તરે જાગ્યો જાણ્યો નથી.
નહીં કે જેને કૃષિ-સુધાર કહે છે તેવા કોઈક મુદ્દા અપ્રસ્તુત છે. સર્વોચ્ચ અદાલતે નીમેલી સમિતિના સભ્યોએ પોતે આપેલ હેવાલ જાહેર કરવાની જે માંગ કરી તે આ સંદર્ભમાં ચોક્કસ દુરસ્ત છે. બને કે એમાંથી કંઈક સહવિચાર મુદ્દા મળી રહે. અન્યથા પણ ચર્ચાપાત્ર મુદ્દા હોઈ જ શકે છે. પણ એકતરફી હંકારવાનો સત્તારવૈયો એ માટેની ભૂમિકા થવા દે તો અને ત્યારે ને કેન્દ્ર સરકારે, વડા પ્રધાન જેને ઓછી પડેલી તપસ્યા કહે છે તે ગાળામાં આંદોલનને જે રીતે ખાલીસ્તાની, નક્સલ, દેશદ્રોહી વગેરે વિશેષણોથી વગોવવાની ચેષ્ટા કરી અને આંદોલનના સમર્થનમાં સક્રિય કર્મશીલ બૌદ્ધિકોને ‘આંદોલનજીવી’ કહી કોઈક રીતે ઉતારી પાડતી કોશિશ કરી એને વિશે શું કહીશું. મને લાગે છે, વડા સુરક્ષા સલાહકાર દોવલે થોડા વખત પર જે ‘ઉચ્ચ વિચાર’ પ્રગટ કર્યા હતા એમાં કંઈક તાળો મળે છે. દોવલે કહ્યું હતું કે સલામતી સારુ જે બળો અને પરિબળો સામે લડવાનું રહે છે એમાં હવે ‘સિવિલ સોસાયટી’ અંગે સાવધાન ને સતર્ક રહેવાપણું છે. સત્તામાનસ હંમેશ શત્રુખોજમાં રાચતું હોય છે, અને કોઈ ન જડ્યું તો જે નાગરિકને નાતે કશાંક ટાકાટિપ્પણ, કશોક પ્રતિવાદ કે કિંચિત્વિશેષ-અભિવ્યક્તિ કરે છે તે એને સારુ કેમ જાણે ‘સૉફ્ટ ટાર્ગેટ’ ઠરે છે. સર્વોચ્ચ અદાલતની કોશિશ છે તેમ જો પેગસસ વિગતો સરકારી દાબડાની બહાર નીકળે તો આ વસ્તુ બને કે સાફ સમજાઈ રહે. ગમે તેમ પણ, સર્વોચ્ચ અદાલતે આ મામલે જે પ્રગટ ટિપ્પણી કરી તેમાં જ્યૉર્જ ઓરવેલ(૧૯૮૪)નું સ્મરણ કર્યું હતું તે ભૂલવા જેવું નથી.
ખરું જોતાં સત્તામાનસ અને એના હેવાયાં મીડિયારાં તો સિવિલ સોસાયટીની સક્રિયતાની જરૂરત અગાઉથી પણ વધુ હોવાની લાગણી જગવે છે. કિસાન આંદોલનના લાંબા પટ પર કથિત રાષ્ટ્રીય છાપાં જે રીતે સમાચાર સંકોચનથી ચાલ્યાં એમાં સત્તારૂઢ રાષ્ટ્રવાદનો પ્રતાપ વાંચવો કે બીજું કૈંક.
આ રાષ્ટ્રવાદી સત્તામાનસ, તમે જુઓ, છેલ્લાં બે’ક દસકાથી સાથે રહેલાં અકાલી દળને સાથે રાખી શક્યું નથી. કિસાન મુદ્દે જુદા પડ્યા તે વિગત સાચી અને સ્વીકાર્ય છે, પણ હિંદુત્વ રાજનીતિ જોડે મુસ્લિમો જ નહીં પરંતુ શીખો પણ અસુખ અનુભવે છે તે સમજવા જેવું છે. સાથે હતા તે ગાળામાં આ પ્રશ્ન પ્રગટ થયા વિના રહ્યો નહોતો.
હમણાં હિંદુત્વનો ઉલ્લેખ કર્યો એટલે સલમાન ખુરશીદની સંઘપ્રકાશિત કિતાબ સાંભરી આવી. પુસ્તકમાં એક ઠેકાણે હિંદુત્વ અને જેહાદી ઇસ્લામને એક સાથે મુકાયાં છે તે બદલ ઊહાપોહ ઉઠ્યો છે. બીજી પાસ, ગુલામનબી આઝાદે સલમાન ખુરશીદના વિધાન પરત્વે અસંમતિ અને નારાજગી પ્રગટ કરી છે. જો કે એમાં કાઁગ્રેસની આંતરિક સત્તાકારીનોયે હિસ્સો હશે. પણ પાયાની વિગત એ છે કે જેહાદી સરખામણી બાદ કરતાં ખુરશીદ અને આઝાદ એક જ પેજ પર છે. જે બુનિયાદી વાત પર બેઉ સમ્મત છે તે એ છે કે હિંદુધર્મ અને હિંદુત્વ બે ન્યારી બાબતો છે. એક તો જેવો છે તેવો પણ ધર્મ છે; બીજી એક રાજકીય વિચારધારા છે. આ દોર આગળ લંબાવીએ તો એમાંથી નીકળતો તર્ક એ છે કે જે હિંદુધર્મ એના કૉમનવેલ્થ સ્વરૂપને કારણે આકર્ષે છે તે હિંદુત્વે પહોંચતાં ‘અમે’ વિ. ‘તમે’ની કોમી ધ્રુવીકૃત પરિસ્થિતિએ પહોંચી જાય છે. જે મુસ્લિમ કોમવાદના સૌ વાજબી રીતે જ ટીકાકાર છીએ એના હિંદુ અડધિયા જેવી આ રાજનીતિ બની રહે છે.
અલબત્ત, જરી ફંટાઈને આ ચર્ચામાં ગયા પણ તે યથાપ્રસંગ સ્વતંત્રપણે અને વિગતે ચર્ચવા જોગ મુદ્દો છે એટલું કહી તંત્રીસ્થાનેથી વિરમતાં કિસાન આંદોલનને કૃષિના કોર્પોરેટીકરણનો જે ભય હાલના અંબાણી-અદાણી માહોલમાં વરતાય છે તે તરફ ધ્યાન ખેંચી સત્તામાનસ જનઆંદોલન પરત્વે સહૃદયતા કેળવે એવી અપીલ સાથે અટકીશું. (ટિકૈતે કહ્યું છે કે સંગ્રામવિશ્રામ સરકારે જાહેર કર્યો છે, અમે નહીં).
નવેમ્બર ૨૫, ૨૦૨૧
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 01-02
![]()
છેવટે વિવાદાસ્પદ કૃષિકાયદા રદ્દ કરવાની જાહેરાત વડા પ્રધાનશ્રીએ કરી, જે આંદોલનને પૂર્વે વગોવવામાં બાકી રાખવામાં આવ્યું ન હતું એમાં સરકારે પોતાની ભૂલ કબૂલ કરી છે. ખેડૂતોમાં આંદોલનને ખાલિસ્તાન ચળવળ સાથે, આતંકીઓની પ્રવૃત્તિ સાથે અને માઓવાદી સાથે સાંકળવામાં આવ્યું હતું. દેશના ભાગલા પડાવવા માંગતા લોકો આ આંદોલન ચલાવી રહ્યા છે, એમ કહેવામાં આવ્યું હતું. વડા પ્રધાનશ્રીએ પોતે આ ‘આંદોલન જીવી’ લોકો ચલાવી રહ્યા છે એવો આક્ષેપ કર્યો હતો; ટૂંકમાં, જે કાયદાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે ખેડૂતોના હિતમાં ન હતો, એમ સરકાર માનતી હતી – આજે પણ સરકારની પૉઝિશન એ જ છે વડા પ્રધાનશ્રીએ પોતે સરકાર ખેડૂતોને આ કાયદા દ્વારા થનાર લાભ સમજાવી શકી નથી, એવી રજૂઆત કરી છે.
હવે સરકાર એક સમિતિ રચીને ખેડૂતો માટે નવું પૅકેજ તૈયાર કરશે. એવી જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં રાજ્યસરકારોના પ્રતિનિધિઓ, કેન્દ્રસરકારના પ્રતિનિધિઓ અને નિષ્ણાતો હશે. એ સમિતિ જે ભલામણો કરશે, તેનો અમલ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે જ્યાં સુધી સમિતિ ભલામણ નહીં કરે ત્યાં સુધી કૃષિ ક્ષેત્રે સુધારા થશે નહીં અને વર્તમાન નીતિ ચાલુ રહેશે.
આજે જે નીતિ ખેતીના ક્ષેત્રે ચાલી રહી છે, તે પચાસ વર્ષ જૂની છે. દેશમાં અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હતી અને દેશ અનાજની આયાતો ઉપર નભતો હતો, ત્યારે હરિયાળી ક્રાંતિનો અમલ કરવા માટે આ નીતિ અમલમાં મૂકવામાં આવી હતી. એમાં ખેડૂતોને હરિયાળી ક્રાંતિની ટૅક્નોલૉજી અપનાવવા માટે પ્રોત્સાહનો આપવામાં આવ્યાં હતાં. એના એક ભાગ રૂપે લઘુતમ ટેકાના ભાવોની(એમ.એસ.પી.)ની ખાતરી આપવામાં આવી હતી, તેમ જ રસાયણિક ખાતરોનો ઉપયોગ વધે તે માટે એના ઉપર સબસિડી આપવાની નીતિ જાહેર કરવામાં આવી હતી અને ફૂડ કૉર્પોરેશનની રચના કરીને ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હવે દેશમાં અનાજની તંગી રહી નથી અને અનાજની વિપુલતાનો પ્રશ્ન ઊભો થયો છે. બીજી બાજુ કઠોળ અને તેલીબિયાંની અછત પ્રવર્તે છે. તેને કારણે અવાર-નવાર દેશને ખાદ્યતેલોની અને કઠોળની આયાતો કરવી પડે છે. બીજો એક પ્રશ્ન પણ ઊભો થયો છે. ઉદ્યોગોમાં વિકાસ દ્વારા ખેતી પરનું ભારણ આપણે ઘટાડી શક્યા નથી. ઉદ્યોગોનો એટલો વિકાસ થયો નથી કે જેથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોની સંખ્યા ઘટાડી શકાય. બીજી બાજુ, વસ્તીવધારો મોટા પ્રમાણમાં થવાથી બીજા વિકલ્પોના અભાવે ગ્રામીણ લોકો ખેતીમાંથી રોજગારી અને આવક મેળવવા પ્રયત્ન કરે છે. આને કારણે ખેડૂતો પાસે રહેતી જમીન ઘટતી જાય છે. દેશમાં આજે લગભગ ૭૦ ટકા ખેડૂતો પાસે અઢી એકરથી ઓછી જમીન છે. જેમાંથી એમને પૂરતી આવક મળતી નથી. આ ખેડૂતોને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાનું છે. એ માટે ખેતીના ક્ષેત્રે વૈવિધ્ય લાવવાની જરૂર છે. કેટલાક સુધારાઓની બાબતમાં અર્થશાસ્ત્રીઓમાં સર્વાનુમતિ પ્રવર્તે છે. જેમ કે વીજળી, રાસાયણિક ખાતરો, વગેરે પર સબસિડી આપવાને બદલે ખેડૂતોને સીધી નાણાકિય સહાય કરવી. ખેતી ક્ષેત્રે વિશેષ મૂડીરોકાણની જરૂર છે, જેથી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.
આમ, ખેતી ક્ષેત્રે અનેક સુધારાઓ કરવા જરૂરી છે. ખેતીક્ષેત્રે સરકારે કરેલા સુધારાની કસુવાવડ થઈ એનાથી જો સુધારાવિરોધી માનસ સર્જાશે તો એ ખેડૂતો અને ખેતી માટે પ્રતિકૂળ નીવડશે. ખેતી ક્ષેત્રે સુધારાનો સમય ક્યારનો વીતી ગયો છે. ત્રણેક દાયકા પહેલાં એ સુધારાનો આરંભ થવો જોઈતો હતો. ખેતીને વધારે ઉત્પાદક બનાવવાની દિશામાં વિચારવાના બદલે ‘મનરેગા’ જેવી રોજગારીસર્જક યોજનાઓ દ્વારા ખેતી ક્ષેત્રે પૂરક રોજગારી સર્જવામાં આવી, જેનાથી ખેતી ક્ષેત્રે રોકાયેલા લોકોનું, ખાસ કરીને, ખેતમજૂરોનું કેટલાક મહિનાઓ પૂરતું રોજગારસર્જન થયું પણ તેનાથી લાંબા ગાળાનું હિત સધાતું નથી. ખેતી ક્ષેત્રે આપણે જુદી રીતે વિચારવું પડે, એવી સ્થિતિ સર્જાઈ છે, ઉપર નોંધ્યું તેમ ઉદ્યોગોના વિકાસ દ્વારા આપણે ખેતીક્ષેત્રનું ભારણ ઘટાડી શક્યા નથી. દક્ષિણ કોરિયા, ચીન વગેરે દેશો એ દિશામાં સફળ થયા છે, પણ આપણે સફળ થઈ શક્યા નથી.
હવે ખેડૂતનેતાઓએ લઘુતમ ટેકાના ભાવોને કાનૂની દરજ્જો આપવાની માંગણી કરી છે. લઘુતમ ટેકાના ભાવોનાં લાભ મહદંશે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના પશ્ચિમ ભાગને મળે છે. દેશના મોટા ભાગના ખેડૂતોને એના લાભ નથી મળતો એમ કહીએ તો ચાલે. કહેવાનો મુદ્દો એ છે કે ખેડૂતોની આવક વધારવા માટે લઘુત્તમ ટેકાના ભાવોની નીતિ સમગ્ર દેશમાં સફળ થઈ શકે એમ નથી. આંદોલનકારી ખેડૂતોના નેતાઓ પોતાનાં હિતનો જ વિચાર કરી રહ્યા છે. વળી, બજારતંત્ર ઉપર આધારિત અર્થવ્યવસ્થામાં ભાવોને નિયમિત કરવાનું હિતાવહ નથી. એમાંથી બજારની કામગીરીમાં વિકૃતિ સર્જાય છે. સરકાર પાસે આજે બફરસ્ટૉક માટે જોઈએ, એનાથી બમણો જથ્થો ઘઉં અને ચોખાનો છે. આનો અર્થ એ થાય કે ઘઉં અને ડાંગરનું વધારે પડતું ઉત્પાદન થાય છે. બજારને એની રીતે કામ કરવા દેવું જોઈએ અને જ્યાં અનિવાર્ય હોય, ત્યાં જ સરકારે દરમિયાનગીરી કરવી જોઈએ.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2021; પૃ. 03
![]()

