Opinion Magazine
Number of visits: 9570818
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [1]

સુમન શાહ|Opinion - Opinion|8 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (1)

પછીનાં વરસોમાં મારી એ વિદ્યાવૃત્તિ પશ્ચિમના સાહિત્યના અધ્યયન અને અધ્યાપન વિશે નિરન્તર વિકસી હતી અને છેક ૧૯૯૨માં બાવન વર્ષની વયે હું અમેરિકાની ધરતી પર પગ મૂકી શકેલો. મારા મિત્રો, ખાસ તો લાભશંકર ઠાકર, અવારનવાર કહ્યા કરતા કે પશ્ચિમના સાહિત્યમાં આટલો બધો રસ છે તો કશો રીસર્ચ-પ્રૉજેક્ટ લઇને કોઈ અમેરિકન યુનિવર્સિટીમાં શા માટે ન જવું -? અને હું ગયેલો.

મારો પ્રોજેક્ટ હતો, ‘સાહિત્યિક અર્થનો કોયડો’ – ‘પ્રૉબ્લેમ ઑફ લિટરરી મીનિન્ગ’. બધું અંગ્રેજીમાં કરવું પડે. તો કર્યું. અમેરિકાની ૧૨-૧૩ યુનિવર્સિટીઓને મોકલી આપ્યું. નૉર્થ કૅરોલાઇના અને યૅલ એમ બે યુનિવર્સિટીઓએ સ્વીકાર્યું. મેં કનેટિકટની યૅલ યુનિવર્સિટીમાં જવાનું પસંદ કરેલું.

જ્યારે જાણ્યું કે યૅલ અમેરિકાની ‘આઈવિ લીગ’ યુનિવર્સિટીઓમાંની એક છે, બહુ સારું લાગેલું. કેમ કે એ યુનિવર્સિટીઓ પોતાના એક નિયમ તરીકે એવા અનુભવી અધ્યેતાઓને આવકારતી કે જેમણે આગવી વ્યક્તિમત્તાથી પોતાના સંદર્ભોને વિકસાવ્યા હોય. કેળવણીપરક ગુણવત્તાઓનો સમાદર એ જ ‘આઈવિ લીગ’-નો ધ્યાનમન્ત્ર હતો, એ જ એની આબરૂ હતી. આજે પણ એમ જ છે.

Yale University : Founded -1701

ગુજરાતી સાહિત્યના અધ્યાપક તરીકે તેમ જ પ્રાદેશિક ભાષાના સાહિત્યકાર તરીકે મને લાધેલા એ વિરલ રોમાંચક અનુભવે મારી કારકિર્દીમાં ચૉકક્સ વળાંક સરજેલો છે. વળાંક એ કે વિવેચનને પણ મહિમાવન્ત ગણવું કેમ કે એ પણ એટલું જ સર્જનાત્મક હોઈ શકે છે બલકે સર્જન અને વિવેચન, બન્ને, માત્ર લેખન છે, વિશેષ કંઇ નથી.

બીજું એ સમજાયેલું કે વિશ્વસાહિત્યની જે કંઇ વાત કરવી તે અહોભાવ કે અધોભાવ વિના ગુજરાતી સાહિત્યના હિતાર્થે માત્ર વિદ્યાનન્દી માહિતીના પ્રસારણ માટે કરવી.

અમારા પરમ મિત્ર રાધેશ્યામ શર્માના ઘર પાસે ફૂટપાથ પર એક થાંભલી ને એ પરના પાટિયા પર લખેલું – ‘ફેરિયાઓને ઊભા રહેવાની જગ્યા’. રાધેશ્યામ, હું અને ટોપીવાળા ક્યારેક ત્યાં ઊભા રહેતા’તા ને પોતાને પશ્ચિમના સાહિત્યના ફેરિયા ગણીને સારું એવું હસી લેતા’તા.

યૅલના એ વિદ્યાનુભવને મેં ભાષાભવનની ટી-ક્લબમાં મિત્રો પાસે ઊલટથી કહી બતાવેલો. ખેડબ્રહ્મામાં દીપક રાવલે પોતાની કૉલેજમાં એ માટે ખાસ કાર્યક્રમ રાખેલો. એ સિવાય, કોઇ પણ ગુજરાતી સાહિત્યકારે એ વિશે કિંચિત્ પણ જાણવા-પૂછવાની દરકાર નહીં કરેલી એ વાતનો મને આજે પણ રંજ છે.

મને તો આપણો કોઇ સાહિત્યકાર વડનગર કે બાયડ જઇ આવ્યો હોય તો પણ એ જાણવાની તાલાવેલી થાય છે કે ત્યાં જઈને એણે શું કર્યું ને બધું કેવું હતું. મારી મોટાઇ માટે તો નહીં જ નહીં, મહામોટી જ્ઞાનપિપાસા માટે ય નહીં, પણ અમસ્તી જિજ્ઞાસા ખાતર પણ, સાહિત્યકારજીવને ઇંતેજારી જેવું તો કંઈ થાય કે નહીં? એ પ્રશ્નનો ઉત્તર મને હજી જડ્યો નથી. થાય છે, કેવા છીએ આપણે !

બાકી, સાંભળો, કેટલી રસપ્રદ વાત હતી : પહેલે દિવસે ખાલી ઇન્ટ્રોડક્ટરી મીટિન્ગ હતી એટલે મારી સાથે રશ્મીતાને પણ આવવા મળેલું. સૅક્રેટરીબાઈએ મને મારા શ્કેજ્યુઅલની ફાઇલ આપીને કહ્યું – ઑન થર્સડે યુ હૅવા મીટિન્ગ વિથ પ્રૉફેસર જ્યૉફ્રે હાર્ટમન. નામને બરાબર સાંભળ્યા વિના મેં આમ જ ‘ઑકે’ કહેલું. પછી એણે કહ્યું – યુ કૅન હૅવા કપ ઑફ કૉફી, ઈફ યુ લાઇક; ઈટિઝ ધૅર. જે તરફ આંગળી ચીંધેલી એ ઑટોમૅટિક મશીન હતું. અમે જેમતેમ કરીને અમારા પેપરકપ ભરેલા.

ત્યાં સામે થોડે દૂર એક ભાઈ ઊભા ઊભા બોલતા’તા ને ટેબલ પરનો માણસ પેલા જે બોલે તે ફટોફટ ટાઇપ કરતો’તો. અમને સૅક્રેટરીબાઈએ ચૂપ-નો ઈશારો કર્યો અને વ્હીસ્પરીને બોલી : હી ઈઝ મિસ્ટર હાર્ટમન.

Geoffrey Hartman : 1929 – 2016

અમે જોતાં રહી ગયેલાં એ શ્વેતકેશીને, બ્લૂ સૂટમાં સજ્જ ‘યૅલ સ્કૂલ ઑફ ડીકન્સ્ટ્રક્શન’-ના વિખ્યાત સિદ્ધાન્તકારને.

મને બરાબર યાદ છે, દેખાય છે, હાર્ટમન પગની આંટી કરીને સ્વસ્થ ઊભા’તા ને ઝૂકીને સ્ટાઇલમાં બોલતા’તા. બાબરી એમની સ્હૅજસાજ ઊડતી’તી.

મારે જણાવવું જોઇએ કે ત્યારે મારાં પુસ્તકો ‘સંરચના અને સંરચન’ તથા ‘સંજ્ઞાન’ પ્રગટી ચૂક્યાં’તાં. તાત્પર્ય, સ્ટ્રક્ચરાલિઝમ, ડીકન્શટ્રક્શન અને આધુનિકોત્તર સાહિત્યિક પરિબળોથી હું સાવ અણજાણ ન્હૉતો. એ સઘળું જાણવા-સમજવાની મારામાં એક તીવ્ર તાલાવેલી જાગી ચૂકી’તી.

સાહિત્યિક અર્થનો પ્રશ્ન છે, કોયડો છે, એ વાત પણ ચિત્તમાં રણઝણ્યા કરતી’તી. યૅલ-દિવસો દરમ્યાન મેં કોઈને પૂછેલું કે દેરિદા તમારે ત્યાં રહેલા તે કયા રૂમમાં બેસતા’તા? કોઈએ એ રૂમ બતાવેલો પણ મને એ કોઈમાં વિશ્વાસ નહીં પડેલો.

એ ગુરુવારે હું હાર્ટમનના રૂમમાં એમની સામે બેઠો ત્યારે મેં જોયું કે એમના હાથમાં મેં અમદાવાદથી મોકલેલા ‘પ્રૉબ્લેમ ઑફ લિટરરી મીનિન્ગ’ પ્રોજેક્ટનાં પેપર્સ હતાં. હસ્તાક્ષરમાં ન્હૉતા તેથી એકદમ સારા કાગળ પર ટાઇપ કરાવેલા. ખરચો ખાસ્સો થયેલો પણ નકલો લઇને તે વખતના ‘મુકુન્દ-મનોરમા’-ના ઘરે પ્હૉંચેલો ત્યારે એમ લાગેલું જાણે જગ જીત્યો છું.

હાર્ટમનને પ્રારમ્ભની ઔપચારિક વાતોમાં જ્યારે મેં જણાવ્યું કે – હું ને મારા ગુરુ સુરેશ જોષી તમારા સાહિત્યિક મન્તવ્યોની અમારે ત્યાં અવારનવાર વાતો કરીએ છીએ, તો, પોતે ‘સાચા રીજ્યોનલ લિટરેચર’-માં પ્હૉંચી ગયા છે એ વાતે એમનું અચરજ શમતું ન્હૉતું. ઇઝિટ? ઇઝિટ? પૂછ્યા કરતા’તા.

પછી થૅન્ક્સ કહીને પોતે ટિકમાર્ક કરી રાખેલા મુદ્દાઓની એમણે મારી પાસે કેટલીક સ્પષ્ટતાઓ માગેલી. પછી કહેલું, આયૅમ સો પ્લીઝ્ડ, બટ સો સૉરિ. દિલગીરીથી કહેલું : કેમ કે અમારી પાસે હાલ સંસ્કૃતમાં એકેય ફૅકલ્ટી નથી, નહિતર આ પ્રોજેક્ટ આપણે કૉલાબોરેશનમાં પાર પાડી શક્યા હોત.

એમણે ઉમેરેલું કે અર્થનો કોયડો સંસ્કૃત અને પશ્ચિમની પરમ્પરાઓ સંદર્ભે એમને પોતાને પણ ખૂબ જ વિચારણીય લાગ્યો છે. એમ કહીને એમણે મને પોતાનું એક પુસ્તક ભેટ આપ્યું. ને એમાં લખ્યું – વિશ યુ મીનિન્ગફુલ ટ્રિપ …

હા, ૧૯૯૨ની અમેરિકાની એ પહેલી ટ્રિપ સાચે જ સાર્થક નીવડેલી. ત્યારે ગુજરાતીઓ સમક્ષ અમેરિકાનાં ૨૦-૨૫ શહેરોમાં આ છેડેથી પેલે છેડે જઈને રહેવાનું બનેલું અને મારી બાવીસેક સભાઓ થઇ હતી.

યૅલને ‘આવજો’ કરીને અમે નીકળતાં’તાં તે દિવસે મિત્ર ગણેશ દેવી (Ganesh Devy) પોતાના પ્રોજેક્ટ અર્થે યૅલમાં દાખલ થતા’તા. અમારા બન્નેનાં આશ્ચર્ય વચ્ચે પ્રગટેલો એ કેટલો તો રમ્ય વિદ્યાકીય અકસ્માત !

= = =

(December 3, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી

જયશ્રી વિનુ મરચંટ|Opinion - Literature|8 December 2021

મેં વારસામાં મેળવી છે,
આ ઉદાસી,
તમારી પાસેથી.
ભરપૂર જીવાતા જીવન વચ્ચે
અંદરથી સતત કોરી ખાતી એ લાગણી,
જાણીતી છે મને, જન્મથી.
જન્મ આપનાર અને જન્મ લેનાર,
આપણે, પિતા-પુત્રી,
પોતપોતાના એકાંતમાં અકારણ પેદા થતા અજંપાને
અવગણીએ છીએ, એમ,
જાણે ઊંઘમાં,
મોંમાંથી બહાર આવી જતી લાળ.
લૂછી નાખતા હોઇએ.
ઘણી વખત
એકબીજાની આંખમાં આંખ ન મેળવી શકતા આપણે,
જાણીએ છીએ,
આ અજંપો, ઘર કરી ગયો છે શરીરમાં.
તમે ઘણી વાર જોઇ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
હું ઘણી વાર જોઇ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ.
પછી એકવાર તમે કહ્યું હતું, ઇશ્વર નથી.
ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,
એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,
લોહી કરતાં પણ સાચો,
આપણો સંબંધ છે,
ઉદાસીનો.

~ મનીષા જોષી

આસ્વાદ –

કહેવાય છે કે પિતા અને દીકરી વચ્ચે એક અનોખો વહાલનો નાતો હોય છે. આ સંબંધનું ઉદ્દગમ માત્ર લોહીનાં સગપણનું જ નથી હોતું. એ સાચું છે કે માતા-પિતા તરફથી વારસામાં જે મળે છે એના પર આપણું નિયંત્રણ નથી હોતું. કવયિત્રી કોઈ પણ છોછ વિના, કવિતાનો ઉઘાડ કરતાં, આગળ-પાછળની કોઈ પણ પળોજણમાં પડ્યા વિના, સીધી જ વાત માંડે છે કે, એને એના જન્મદાતા પાસેથી ઉદાસી વારસામાં મળી છે.

અહીં પિતા-પુત્રીના અસ્તિત્વને જોડતું એક સાદું વિધાન કવયિત્રી સ્વીકારી લે છે. સંબંધના સમીકરણને સાબિત કરવાના તર્કમાં અટવાયા વિના જ, કવયિત્રી સમીકરણના અર્કને ઘોષિત કરી દે છે. વહાલના ઉછળતા દરિયા જેવી દીકરી પિતાને કહે છે કે એના અંતરમનમાં ઘર કરી ગયેલી ઉદાસી એને એના પિતા તરફથી વારસામાં મળી છે, પણ, આ “Bold”- સાહસિક કથન કરતી દીકરી પિતા પર તહોમતનામું નથી મૂકતી, પણ, ભરપૂર જીવાતી જિંદગી, “ફેસ્ટીવિટીસ”- ઉત્સવ – બનાવીને ભલે મહાલે પણ ઉદાસીની ટીસ એક પ્રકારે છાની રીસ બનીને પ્રગટ થવા દે છે.

આ સાથે આ હકીકત પણ છે કે ઉદાસીનો અજંપો તો રોમરોમમાં ઘર કરી ગયો છે, જેને અવગણી શકાય એમ પણ નથી. પિતા-પુત્રી એમના એકાંતમાં પાંગરતા આ અજંપાને સંતાડવાની કોશિશ કરે છે કે જેથી એકલતા અને એમાંથી છલકાતી ઉદાસી પિતા-પુત્રી જિગરની આરપાર જોઈ ન લે. બસ, એટલે જ એકબીજાં સાથે નજર મેળવતાં નથી.  અને, કદાચ, આ જ લોહીનું સગપણ છે એવી પ્રતીતિ કરાવે છે કે દુનિયા જાણે ન જાણે પણ પિતા-પુત્રી તો અણબોલાયેલા શબ્દોના અર્થને આત્મસાત કરી ચૂક્યાં છે. આ ઉદાસીના અજંપાની અવગણના કરવાની પ્રક્રિયાનું આલેખન કરતાં કવયિત્રી “Raw”- સદંતર પ્રાકૃતિક રૂપક, “જાણે ઊંઘમાં, મોંમાંથી બહાર આવી જતી લાળ લૂછી નાખતા હોઈએ” યોજે છે જેની નૈસર્ગિકતા એને જિંદગીના શ્વાસો જેટલું સહજ બનાવી દે છે.

આખી કવિતાનો ઉપાડ, પહેલી નજરે સાવ સાધારણ લાગતી, પણ આ “Brilliant” – તેજસ્વી પંક્તિઓમાં કવયિત્રી કરે છે.

તમે ઘણી વાર જોઇ રહેતા,
એક જૂના ફોટામાં
દાદીમાનો લકવાગ્રસ્ત ચહેરો.
 હું ઘણી વાર જોઇ રહેતી,
ભગવાનની મૂર્તિને ઘસી ઘસીને અજવાળતા
નાનીમાના હાથ                                        

એક ચમત્કાર, કવયિત્રી આ પંક્તિઓમાં કરે છે. જાણે કહેતી હોય કે, “બોસ, તમારી આ ઉદાસીનું મૂળ મને પણ ખબર છે! એ તમને દાદીમા પાસેથી મળી છે, જે હું સમજી શકી છું. દાદીમાના લાચાર લકવાગ્રસ્ત ચહેરાને જોઈને એક ઝનૂનથી તમે ઈશ્વરના હોવાપણાને નકારી શકો છો. પણ એ સાથે મને અપૂર્વ શ્રદ્ધાથી, ભગવાનની મૂર્તિ ઘસીને સાફ કરતાં, નાનીમાના બેઉ હાથમાંથી નીતરતી ભક્તિ આજે પણ યાદ છે! અહીં આપણે પિતા-પુત્રી અલગ પડીએ છીએ. કારણ, મને માતૃપક્ષ તરફથી એક સુષુપ્ત શ્રદ્ધા પણ વારસામાં મળી હશે જ.”

આ સાથે, કવયિત્રી પોતે પિતાથી ઈશ્વરની હયાતી બાબતે પિતાથી જુદી પડે છે એ તરફ સહેજ ઈશારો કરે છે, પણ, ખુલાસો તો સંદિગ્ધ રાખે છે. ઈશ્વરનું એ પરમ તત્ત્વ તો આપણામાં જન્મ સાથે વણાઈ ગયું છે, આપણા “નાળ”ના સંબંધરૂપે. અહીં “ગાલિબ” યાદ આવે છે –

જબ કુછ ન થા તો ખુદા થા, કુછ ન હોતા તો ખુદા હોતા!


ડૂબોયા મુઝ કો હોનીને, ‘ગર મૈં ન હોતા, તો ક્યા હોતા?

કવયિત્રી એમના પિતા સાથે આ અજંપાભરી ઉદાસીની નાળ સાથેની પોતાની આગવી ઓળખને સ્વીકારી લે છે, નીચેની આ કાવ્યપંક્તિઓમાં :

ઉદાસીના એક અંતરિયાળ પ્રદેશના પ્રવાસી,

એક નાળે બંધાયેલા, આપણે, પિતા-પુત્રી,


લોહી કરતા પણ સાચો,

આપણો સંબંધ છે,

ઉદાસીનો.

આખી કવિતા અહીં એક અદ્દભુત ઓપ પામે છે, એટલું જ નહીં, વાચકને પણ પોતાનાં માતાપિતા પાસેથી જે સ્વાભાવિક ડી.એન.એ. મળ્યા છે, એ સ્વીકાર કરવા માટે નૂતન દૃષ્ટિ પણ આપે છે.

e.mail : jayumerchant@gmail.com

Loading

મારી વિદ્યાયાત્રા == પુનશ્ચ == AGAIN == [2]

સુમન શાહ|Opinion - Opinion|8 December 2021

ચાલો અમેરિકા … કેટલાક બનાવો (2)

યૅલ વખતે હું અને રશ્મીતા હૅમ્ડન, કનેટિકટમાં ડૉ. પ્રવીણભાઇ ભટ્ટને ત્યાં રહેલાં. પ્રવીણભાઈ તે આપણા જાણીતા કેળવણીવિદ નાનાભાઇ ભટ્ટના દીકરા. પ્રવીણભાઈ વૅક્સિનના મોટા રીસર્ચર ને યૅલમાં જ પ્રૉફેસર.

હું યુનિવર્સિટીથી એમના ઘરે પાછો ફરું ત્યારે ડાઇનિન્ગ ટેબલ પર પ્રવીણભાઈ મારી રાહ તો જોતા જ હોય પણ મને પૂછવાના નાનામોટા પ્રશ્નોનું એમણે કાગળ પર ટાંચણ કરી રાખ્યું હોય – વળી, નાનું ટેપરૅકર્ડર ગોઠવી રાખ્યું હોય. જમતાં જમતાં અને જમ્યા પછી પણ અમારી પ્રશ્નોત્તરી ચાલે. બધું રૅકર્ડ થાય.

શેને વિશે પૂછતા? એ જ બધું – ગુજરાત ઇન્ડિયા પોલિટિક્સ નેતાઓ કેળવણી સાહિત્ય સંસ્કૃતિ સમાજ. અમારા એ પ્રશ્નોત્તરી-કાર્યક્રમો મને બિલકુલ યાદ છે. હૅમ્ડનની પ્ર-શાન્ત શેરીઓ, કોઇ અણજાણ પંખીની તીણી ચપ્ઝચપ્ઝ, ઘરમાં ચોપાસ વિજ્ઞાનીય અસબાબ. એ વચ્ચે પ્રવીણભાઇ મને એક મોટા ગજાના સજાગ વિચારક વરતાયેલા.

એમણે તેમ જ મધુસૂદન કાપડિયાએ અને કિશોર દેસાઇએ મારી ઘણી સભાઓનાં આયોજન કરેલાં. એ સભાઓ વિશે ક્યારેક વિસ્તારથી વાત કરીશ.

એક સભા ઍલ.એ.માં ડૉ. વિક્રમ કામદારના નિવાસસ્થાને થયેલી. મને વિક્રમભાઇએ આગ્રહ કરીને ‘પ્રૉબ્લેમ ઑફ મીનિન્ગ’ વિશે બોલવા કહેલું. એ ઘરેલુ સભામાં બેઠેલી વિવિધ વિદ્યાશાખાની વ્યક્તિઓએ પણ સૂર પુરાવેલો કે હા, મીનિન્ગનો પ્રૉબ્લેમ તો એમને પણ છે, સતત નડે છે. સભાને અન્તે રિવાજ મુજબની ખાણીપીણી હતી. પછી બધાં વિખેરાઇ ગયેલાં. વિક્રમભાઇનાં બા સૂવા માટે એમના રૂમમાં ચાલી ગયેલાં પણ વિક્રમભાઇ અને તેમનાં પત્ની ડૉ. અંજના તેમ જ અમે બન્ને બે વાગ્યા લગી જાતભાતની બૌદ્ધિક વાતોએ ચડી ગયેલાં.

વિક્રમભાઇ કહે – અહીં અમેરિકામાં અમે ‘સ્પિરિચ્યુઅલ સ્ટાર્વેશન' અનુભવીએ છીએ. એ નાજુક મુદ્દાની ચર્ચા પછી અમે કામચલાઉ સમાધાન પર આવેલા કે એવી ભૂખ કદી પણ મટતી નથી પણ એનું હોવું એ તો ઘણી મોટી વાત છે.

પછી અમે સ્યાદ્વાદની – પરહૅપ્સિઝમની – વાતો પણ કરેલી.

બીજી દિવસે નીકળવાનું હતું. હું અમારી બૅગ ખસેડતો’તો. એમની ગવર્નેસ જોયા કરતી’તી. મેં જ્યારે ઇશારો કર્યો ત્યારે હસીને આવી અને મદદ કરવા લાગી. પહેલી વાર સમજાયું કે પશ્ચિમના દેશોમાં માગ્યા પહેલાં મદદ કરવા દોડી જવાનો રિવાજ નથી. સમજાયેલું કે એ રીતે તેઓ આપણા આત્મવિશ્વાસની રક્ષા કરે છે – ભલે ને એમાં તમને અવિનય લાગે, કે તમારી કસોટી થતી લાગે. 

એ પછી ૨૦૦૨નું વર્ષ મારા માટે નોંધપાત્ર નીવડ્યું : જૂનમાં હું પ્રૉફેસર અને હેડ પદેથી નિવૃત્ત થયો. તરત પછી બે સુન્દર ઘટનાઓ ઘટી :

University of Pennsylvania

Pic Courtesy : Amazon.com

સપ્ટેમ્બરમાં યુ.જી.સી. દિલ્હીએ મને ‘પ્રૉફેસર-ઇમેરિટસ’-નું નેશનલ લેવલનું બિરુદ આપ્યું. ત્યારે પણ મેં ઉમાશંકરની કાવ્યસૃષ્ટિપરક પદ્યરચના પર કામ કરેલું.

૨૦૦૨ના નવેમ્બરમાં, મને જણાવાયું કે યુનિવર્સિટી ઑફ પૅન્નસીલ્વેનિયામાં રાઇટર-ઇન-રેસિડેન્સ રૂપે મારી પસંદગી થઇ છે.

Writer – in – Residence
Pic Courtesy : Shiksha Study Abroad

મિત્ર બાબુ સુથારને મારી સજજ્તા વિશે પૂછ્યું હશે. મને બાબુએ ફોનથી જાણ કરી ત્યારે મેં એક જ વાત જાણવા માગી કે – મને મારી ગુણવત્તા સબબ બોલાવાયો છે કે કેમ. બાબુએ સૉગંદથી જણાવેલું કે – તમને તમારાં ક્રૅડેન્શ્યલસ જોઈને જ બોલાવ્યા છે. મને સારું લાગેલું. તૈયારી કરવાનો ઉત્સાહ ઉતાવળો થઇ ગયેલો.

સૌ જાણે છે એમ એ બન્ને બિરુદ પશ્ચિમી છે, અમેરિકી છે. એ મને, કપડવણજના પેલા મહત્ત્વાકાંક્ષી અધ્યાપકને, ત્રેસઠ વર્ષની વયે ખાસ્સા વિદ્યાકીય શ્રમ પછી પ્રાપ્ત થયેલાં.

એ બન્ને ઘટનાઓને હું મારી કારકિર્દીની શિરમોર ઘટનાઓ ગણું છું.

= = =

(December 5, 2021: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,6731,6741,6751,676...1,6801,6901,700...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved