Opinion Magazine
Number of visits: 9745685
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—132

દીપક મહેતા|Opinion - Opinion|12 February 2022

નવસેરો હાર નંદવાયો ને બાઈ, મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં

ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ : આ કહેવત ચોમાસામાં નક્કામી

મોતીની માળા રાણા, શું રે કરવી છે?
તુલસીની માળા લઈને પ્રભુને ભજવા છે રે.

મીરાંબાઈ આમ કહી શકે કારણ તેઓ પોતાની એક જૂદી દુનિયામાં વસતાં અને શ્વસતાં હતાં. પણ આજથી છ-સાત દાયકા પહેલાંની મધ્યમ વર્ગની ગુજરાતી ગૃહિણી આમ કહેતી નહિ. એ તો મનોમન રાહ જોતી કે ક્યારે કોઈ નજીકના કુટુંબીને ત્યાં લગ્ન આવે, અને ક્યારે એનાં મોતીનાં માળા, ઝૂમણાં, બાજુબંધ, કંગન, રવિફૂલ, અને બીજાં ઘરેણાંનો નવાવતાર થાય. એ વખતે સાચાં મોતીનાં ઘરેણાંની બોલબાલા. અરબસ્તાનના દરિયામાં પાકતાં સાચાં મોતી, ભલે મોંઘા, પણ મળી રહેતાં. અને સાચાં મોતીનાં ઘરેણાં સારે પ્રસંગે પહેરવાં એ ‘ઇન-થિંગ’ હતું. પણ મોતીનાં ઘરેણાંની એક મુશ્કેલી. ભલે મજબૂત, પણ મોતી દોરામાં પરોવાય. પહેરનારનો પરસેવો, ક્યારેક પાણીથી ભીંજાય. અને આમે ય તે દોરાની આવરદા કેટલી? એટલે દર ત્રણ-ચાર વરસે મોતીનાં ઘરેણાં ફરીથી પરોવવાં પડે. નહિતર પેલું ગીત ગાવાનો વારો આવે :

નવસેરો હાર નંદવાયો ને બાઈ!
મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં.
ખોવાઈ ગયાં મોતી, ને બાઈ!
એનો દોરો ઝૂલે છે હજી ડોકમાં.

મારાં મોતી વેરાઈ ગયાં ચોકમાં

મોતી જાય, અને દોરો રહી જાય એવું ન થાય એ માટે પરોણીગરને ઘરે બેસાડતાં પહેલાં પણ સારો દિવસ તો જોવાનો જ. એ વખતે મોટા ભાગના પરોણીગર સુરત કે ખંભાતના જૈન વાણિયા. સ્થૂળકાય પરોણીગર ભાગ્યે જ જોવા મળે. કપાળમાં પીળો ચાંદલો. લાલ કે લીલી કિનારનું સફેદ ધોતિયું. આજે જેવી બોલબાલા છપ્પનની છાતીની છે તેવી એ વખતે છપ્પનિયા ડગલાની. લાંબી બાંયના ખમીસનાં કફ લિન્ક્સ ચાંદીનાં. યજમાનને યથાયોગ્ય રીતે જય શ્રી કૃષ્ણ કે જય હાટકેશ, કે જય અંબે કહેતાં સહેજ પણ અચકાય નહિ. ઘરમાં હવા-ઉજાસવાળી જગ્યાએ આસન માંડે. સામે લાકડાનો બાજોઠ. તેના પર લાલ રંગનું કપડું એક પણ સળ ન રહે તે રીતે બાંધે. એક પછી એક મોતીનો દાગીનો હાથમાં લે. કોઈ કુશળ કાર્ડિઆક સર્જન જેમ કાપો મૂકે તેમ ધારદાર કાતરથી દોરા કાપે. પછી નાનાં-મોટાં કાણાંવાળી નાનકડી ચાળણીઓથી ચાળીને મોતીના નાના-મોટા દાણા જુદા પાડે. અરીઠાના પાણીમાં ધોઈને સાફ કરે. બંગડી, પેન્ડન્ટ જેવાં ઘરેણાં માટે સોને રસેલાં જુદી જુદી ડિઝાઈનનાં ‘ઘરાં’ પોતાની સફેદ થેલીમાંથી કાઢીને બતાવે. ઘરાક પોતે બીજા ભોઈવાડામાંથી લઈ આવ્યા હોય તો ય વાંધો નહિ. ઘરનાં બૈરાં અંદર-અંદર મસલત કરીને ઘરાં પસંદ કરે, ભાવતાલ થાય. અને પછી કામ શરૂ થાય નવા દાગીના પરોવવાનું. સફેદ, પાતળા, મજબૂત દોરાને એક છેડે લાંબી, પાતળી સોય. એક પછી એક મોતી પરોવાતું જાય. નવું ઘરેણું તૈયાર થતું જોઈને વહુઆરુની છાતી ગજ-ગજ ફૂલે.

વિલે પાર્લે ઇસ્ટની એક ઝવેરીની દુકાન બહાર બેસતા પરોણીગર દેવેંશ મોતીવાલા. તસવીર સૌજન્ય : ડો. પ્રીતિ જરીવાલા 

પણ પછી સાચાં મોતી મળતાં લગભગ બંધ થયાં. કલ્ચર મોતી આવ્યાં, જાપાની મોતી આવ્યાં, ખોટાં મોતી આવ્યાં. સિન્થેટિક દોરા વપરાતા થયા. ધીમે ધીમે મોતીની ફેશન ઓછી ને ઓછી થતી ગઈ. હીરા અને સોનું ફેશનમાં આવ્યા. વળી મોતીની રિસેલ વેલ્યૂ ઓછી. એટલે એવી કહેવત પણ સાંભળવા મળતી કે ‘મોતીની મા રોતી.’ આજે હવે કેટલાક ઝવેરીની દુકાનની બહાર પરોણીગર બેઠેલા જોવા મળે. પણ સાચા મોતીનું કામ બહુ ઓછું. બીજા, જાત જાતના ‘પારા’નાં ઘરેણાં પરોવી આપે.

***

‘સોના ઇંઢોણી, રૂપા બેડલું રે નાગર ઊભા રહો રંગ રસિયા.’

પણ રૂપાનું બેડલું એ તો કલ્પનાની દુનિયાનું. એક જમાનામાં ઘરના રસોડામાં તો પિત્તળનું રાજ. આજે ઘણી મહેનત કરો તો કદાચ ઘરમાંથી પિત્તળનો એકાદ જૂનો પ્યાલો કે નાની રકાબી મળી આવે, વરસોથી વણવપરાયેલાં. એક જમાનામાં રસોડામાં લાકડાની અભરાઈઓ પર હારબંધ ગોઠવાયેલાં પિત્તળનાં ચકચકતાં વાસણ એ ઘરનું આભૂષણ. પણ આ વાસણની એક મુશ્કેલી. દર બે-ચાર મહીને તેને કલાઈ કરાવવી પડે. એટલે વરસમાં ત્રણ-ચાર વખત તો કલાઈ કરવાવાળો ઘરે આવે જ. રસોઈ થઈ જાય અને ઘરનાં બધાં જમી લે પછી કલાઈવાળો આવે. તેમાંના ઘણા પુરબિયા મુસ્લિમ. માથે સફેદ ગોળ ટોપી. બાંયો ચડાવેલું ખમીસ. મેલો પાયજામો. કાબરચીતરાં દાઢી-મૂછ. એની સામે પિત્તળનાં વાસણોનો ઢગલો થાય. એક પછી એક વાસણને તપાવીને ગરમ કરે. તેના પર નવસારનો સફેદ પાવડર છાંટીને કલાઈનો તાર કે પાતળી ‘સ્ટિક’ વાસણમાં ફેરવે. કપડાના ચોખ્ખા કટકાથી કલાઈને આખા વાસણમાં સરખી રીતે ફેલાવી દે. અને પછી વાસણ ઝબોળાય પાણીથી ભરેલા વાસણમાં. પહેલાં ચોક્કસ ગંધવાળો ધૂમાડો, અને પાણીમાં ઝબોળાય ત્યારે થાય છમકારો. પિત્તળનું વાસણ અંદરથી ચાંદીનું હોય એવું ઝગારા મારે. પણ જેમ અજવાળા-અંધારાની આવનજાવન સતત ચાલ્યા કરે છે તેમ ઝગારા ઝાંખા પડતા જાય. વાસણ અંદરથી કાળું પડતું જાય. ફરી કલાઈવાળાને યાદ કરાય. આદિ શંકરાચાર્યની વાત યાદ આવે : ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્.’

પિત્તળનાં વાસણને ચમકાવતો કલાઈવાળો

પણ પછી એક રાજાને પદભ્રષ્ટ કરીને બીજો રાજા સિંહાસન પર ચડી બેસે તેમ પિત્તળને અભરાઈભ્રષ્ટ કરીને સ્ટેનલેસ સ્ટીલનાં ઝગારા મારતાં વાસણ બંધ બારણાંવાળી કિચન કેબિનેટમાં ગોઠવાઈ ગયાં. જુદી જુદી ધાતુઓનું મિશ્રણ કરીને, ખાસ પ્રક્રિયા વડે સ્ટેનલેસ સ્ટીલ બનાવાય છે. અનેક જુદાં જુદાં ક્ષેત્રોમાં આજે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ થાય છે. વાસણમાં વપરાતું સ્ટેનલેસ સ્ટીલ તો કુલ ઉત્પાદનનો નાનકડો ભાગ છે. શરૂઆતમાં સ્ટેનલેસ સ્ટીલ પરદેશથી, ખાસ કરીને જાપાનથી, આવતું. પણ પછી આ બાબતમાં ઘણાં વરસ પહેલાં આપણો દેશ ‘આત્મનિર્ભર’ થઈ ગયો છે. તેમાં ય વાસણો માટે તમિલનાડુમાં આવેલા સાલેમ શહેરનું સ્ટેનલેસ સ્ટીલ વખણાય છે. પરદેશી કાચના ડિનર સેટ, ટી સેટ, પારદર્શક કાચવાળી ‘એન્ટિક લૂક’ના વોલ યુનિટમાં શોભવા લાગ્યા. લગભગ દરેક બાબતમાં વધુ નહિ તો બે મત તો હોય જ છે. એટલે કેટલાક કહે છે કે કલાઈ કરેલા વાસણમાં રાંધેલી વસ્તુઓ સાથે રોજ થોડી થોડી કલાઈ પણ પેટમાં જાય એથી ફાયદા થાય. તો બીજા કહે છે કે કલાઈ એ એક હલકી જાતની ધાતુ છે અને આરોગ્ય માટે હાનિકારક છે. પણ પિત્તળનાં વાસણો ગયાં તેની સાથે નવસારની ગંધ ગઈ, કલાઈની સ્ટિક ગઈ, છમકારો ગયો, કલાઈવાળો પણ ગયો.

***

કહેવાય છે કે જબ ઉપરવાલા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ. પણ આ કહેવત ચોમાસામાં નક્કામી. ગળતા છાપરામાંથી વરસાદનું પાણી ઘરમાં આવે એને ઉપરવાળાની ભેટ ન મનાય. એમાં તો પાણી પહેલાં પાળ બાંધવી પડે. એ વખતે મુંબઈમાં મોટા ભાગનાં મકાન બહુ બહુ તો ચાર-પાંચ માળનાં. સૌથી ઉપર નળિયાવાળું છાપરું. એ જમાનામાં જેમ મુંબઈની વસતી ‘દેશી’ અને ‘પરદેશી’માં વહેંચાયેલી, તેમ મકાનોનાં છાપરા પણ દેશી નળિયાં અને પરદેશી નળિયામાં વહેંચાયેલાં. આખા મકાન પર અગાસી હોય એવું ઓછું જ જોવા મળે. દેશી નળિયાં હાથે બનાવેલાં, અર્ધગોળાકાર, નીભાડામાં પકવેલાં, ઝાંખા કાળાશ પડતા કથ્થાઈ રંગનાં. વિલાયતી નળિયાં મશીનમાં બનાવેલાં, લગભગ સપાટ, એક સરખા માપનાં, ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પકવેલાં, ચમકતા લાલ રંગનાં. પણ નળિયાં ગમે તે હોય, દેશી કે વિલાયતી, વરસે – બે વરસે છાપરું ‘ચળાવવું’ પડે. એ કામ કરે ડામરિયા. બિલ્લીપગે એક જણ છાપરા પર ચડીને બધાં નળિયાં ખસેડી નાખે. પછી છાપરા પર પાતળું કપડું પાથરી દે. તેનો જોડીદાર નીચે ભઠ્ઠીમાં ડામર ગરમ કરતો હોય. બરાબર ગરમ થઈ જાય એટલે ઉપરવાળાને હાક મારે. મજબૂત દોરડાને છેડે બાંધેલું ડબલું એ નીચે ઉતારે. ધગધગતો ડામર ડબલામાં રેડાય. દોરડું ખેંચીને ડબલામાંનો ડામર છાપરે ચડાવે, અને ફટાફટ છાપરા પર પાથરી દે. ફરી ડબલું નીચે, ફરી ગરમાગરમ ડામર ભરાય, ફરી ડબલું ઉપર ખેંચાય. આખા છાપરા પર ડામર પથરાઈ જાય ત્યાં સુધી એપ્રિલ-મેના ભર તડકામાં, આમ ચાલ્યા કરે. ગળતા છાપરાને કારણે ભીંજાઈ ગયેલી ભીંતોની જેમ ડામરિયો પરસેવે ભીંજાઈ જાય. ડબલું ઉપર ખેંચવા માટે જીવના જોખમે છાપરાની ધારે ઉભડક બેસે, કે ક્યારેક ઊંધો સૂઈ પણ જાય. આખા છાપરા પર લગાડેલો ડામર સૂકાઈ જાય પછી નળિયાં પાછાં એની જગ્યાએ ગોઠવી દે. થોડાં ભાંગેલાં તૂટેલાં નળિયાંની જગ્યાએ નવાં ગોઠવાઈ જાય.

ડામરિયા  ડામર લગાવ

પણ પછી મકાનોને માથેથી નળિયાંની લાલ પાઘડીઓ ગઈ, અને ખુલ્લા માથા જેવી અગાસીઓ આવી. વોટર લીકેજનાં જાતજાતનાં ‘સોલ્યુશન્સ’ આવ્યાં. જે કામ બે-ત્રણ માણસો કરતા તે કરવા માટે મોટી મોટી કન્સલટન્ટ કંપનીઓ ઊભી થઈ. અને છતાં આજે પણ દર ચોમાસે મલબાર હિલ પરના ગવર્નરના બંગલામાં પણ ‘વોટર લીકેજ’નો પ્રોબ્લેમ ઊભો થાય જ છે. હા, આજે પણ ગિરગામ, કાલબાદેવી જેવા તળ મુંબઈના વિસ્તારોમાં એપ્રિલ-મેમાં ડામરિયા જોવા મળે ખરા. જો કે એમાંના ઘણા હવે ધગધગતા ડામરને બદલે ‘કોલ્ડ ટાર મિક્સ’ વાપરતા થયા છે.

શું પ્રકૃતિનો, કે શું સંસ્કૃતિનો અફર નિયમ એક જ છે કે આ દુનિયામાં કશું જ અફર નથી. જે સતત ગતિશીલ છે તે જ છે જગત. અને એટલે જ પરોણીગર, કલાઈવાળો, ડામરિયો હળવે સાદે કવિ નર્મદની પંક્તિ ગણગણતા સંભળાય છે :

‘નવ કરશો કોઈ શોક, રસિકડાં, નવ કરશો કોઈ શોક.’ 

E.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 12 ફેબ્રુઆરી 2022

Loading

ઝાડવાં ગણવામાં આખું જંગલ ચૂકી ન જવાય

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|12 February 2022

શાંતિથી વાંચવા-વિચારવા માટેઃ

કટ્ટરતાથી કટ્ટરતા જ પોષાય છે. તેનાથી આવતી લાગતી આભાસી શાંતિ સૌહાર્દની નહીં, સ્મશાનની હોય છે. સામસામા કટ્ટરવાદના ટકરાવથી અવિશ્વાસ કાયમી બને છે, વેરઝેર ઊંડાં ઉતરે છે, ફોલ્ટ લાઇનો પેદા થાય છે.

ફોલ્ટ લાઇન કશું ન થાય ત્યાં સુધી સામાન્ય જ હોય છે. પણ ત્યાં ધરતીકંપ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. એ અર્થમાં તે સૌથી જોખમી બની જાય છે.

હિંદુ કટ્ટરવાદીઓને છૂટો દોર મળ્યાનો સૌથી વધારે ફાયદો સામાન્ય હિંદુઓને થયો? ના, તેનો સૌથી વધુ ફાયદો હિંદુ મતબેન્કનું રાજકારણ ઇચ્છનાર-કોમવાદ તળે બધી સમસ્યાઓ સંતાડવા ઇચ્છનાર નેતાઓને થયો અને મુસલમાનોમાં રહેલા કટ્ટરપંથીઓને થયો.

એ સિવાયના કૂદાકડા મારનારાને તો, તેમના મનમાં રહેલા મુસ્લિમદ્વેષનું ઉઘાડું સમર્થન જોઈને કીક આવી ગઈ. તેનાથી દેશનું અને હિંદુ ધર્મનું ભલું થશે, એવું ભ્રમયુક્ત જૂઠાણું તે જોરશોરથી ચલાવે છે. સત્તાપક્ષને તે અનુકૂળ છે, એટલે દોડનારને તે ઢાળ આપે છે ને દોડવા દે છે.

મુસલમાન કટ્ટરવાદીઓથી સૌથી વધારે ફાયદો સામાન્ય મુસલમાનોને થયો? ના, મુસલમાનોને વોટ બેન્ક સમજતા નેતાઓને ઘણા વખત સુધી થયો અને તેમના જોડીદાર એવા હિંદુ કટ્ટરવાદીઓને લાંબા ગાળે થયો.

શાહીનબાગના આંદોલને ઘણી હદે સફળતાપૂર્વક દર્શાવી આપ્યું કે અંતિમવાદ સામે અંતિમવાદથી, કટ્ટરવાદ સામે કટ્ટરવાદથી લડાય નહીં. અહિંસક રીતે, શાંતિથી લડવું પડે. બંધારણીય રીતે લડવું પડે. ધર્મઝનૂનથી કામ ન લેવાય. એવી લડાઈ અઘરી છે. લોકશાહીનાં સ્થાનકો એક પછી એક શરણશીલ થઈ રહ્યાં છે ત્યારે તો ખાસ. છતાં, સાચી રીતે લડવાનો એ એક જ રસ્તો છે.

કટ્ટરવાદને સત્તાવાર રીતે નભાવી લેવામાં આવતો હોય કે તેને છૂપા / પ્રગટ આશીર્વાદ હોય, કહેવાતાં સાંસ્કૃતિક સંગઠનો કટ્ટરવાદને પોષતાં હોય, ત્યારે કટ્ટરવાદ દેશની એકતા – અખંડિતતાનું રક્ષણ કરતો નથી. હકીકતમાં તે દેશની એકતા – અખંડિતતા સામે સૌથી મોટો પડકાર ઊભો કરે છે. એવો કટ્ટરવાદ રક્ષક નથી, ભક્ષક છે. તેને રક્ષક ગણનારા કાં જાતને છેતરે છે, કાં બીજાથી છેતરાય છે.

કાલે શાહરુખની દુઆ, આજે હિજાબ, કાલે બીજું કંઈક … મુદ્દા ન હોય ત્યાંથી ઊભા કરીને અથવા હોય ત્યાં અનેક ગણા વકરાવીને લોકોને ગોટે ચડાવવાની કટ્ટરવાદીઓને બહુ મઝા આવે છે.

કટ્ટરવાદી ન હોય એવા લોકોની સ્વસ્થતાની રોજ કસોટી થાય છે. કટ્ટરવાદીઓને આશા છે કે આજે નહીં તો કાલે, લોકો સ્વસ્થતા ગુમાવશે અને કટ્ટરવાદીઓની વધતી જમાતમાં ભળીને પોતાની વિચારશક્તિ ખોઈ બેસશે. એટલે કટ્ટરવાદ વધારે મજબૂત – વધારે વ્યાપક સ્વીકૃતિ ધરાવતો થશે.

રોજના એક લેખે ઊભા થતા મુદ્દા વિશે અભિપ્રાય ભલે રાખો, પણ ઝાડવાં ગણવામાં આખું જંગલ ચૂકી ન જવાય અને છેવટે, જાણેઅજાણે કટ્ટરવાદીઓના સાગરીત ન બની જવાય, તેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે.

વિચારજો અને યોગ્ય લાગે તો શેર કરજો.

સૌજન્ય : ઉર્વીશભાઈ કોઠારીની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

હિજાબનો હિસાબ

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 February 2022

એક સમયે સત્ય એક જ હતું, પણ જેમ જેમ સમય જાય છે તેમ તેમ બધું જ સાચું લાગવા માંડે એ સ્થિતિ છે. ખોટું નથી થતું એવું નથી, પણ તે એવી રીતે થાય છે કે બધું જ સાચું લાગે. રાજકીય પક્ષો ખોટું કરવાની ગણતરીએ તો કૈં કરતા જ નથી, પણ જે એનો ભાગ નથી તેને એ સાચું લાગતું નથી તે હકીકત છે. જોવાની ખૂબી એ છે કે એક પક્ષને બીજા પક્ષમાં કશું સારું કે સાચું દેખાતું નથી ને જે એનો ભાગ નથી તેને તો ખબર પડે છે કે કોણ શું કહે છે કે કરે છે? આજની વિચિત્રતા એ છે કે કોઈ પણ મુદ્દાની બધી બાજુઓ તપાસીએ તો તે એવી રીતે ફોકસ કરવામાં આવે છે કે સાચી જ લાગે, પણ બધું જ સાચું લાગે ત્યારે તે કુદરતી નથી એટલું સમજી લેવાનું રહે. તે એવી રીતે ક્રિએટ કરવામાં આવે છે કે સાચું લાગે. સત્ય સાપેક્ષ છે એ ખરું, પણ એટલુંય સાપેક્ષ નથી કે બધું જ સાચું લાગે.

કર્ણાટકમાં હિજાબ પ્રકરણે આગ પકડી છે ને બધાં જ તેને હવા આપી રહ્યા છે. વાત સાવ સાદી હોય, પણ મીડિયાની મહેરબાનીથી ને વાયરલ કરવાની ઉતાવળે તેનો પડઘો આખી દુનિયામાં પડયો છે. આ સ્થિતિ ચાલુ રહી તો બેડરૂમની પ્રાઇવસી પણ દુનિયાની આંખે ચડે એ દિવસો દૂર નહીં હોય. મોટે ભાગે દુનિયાની સ્કૂલોમાં યુનિફોર્મનું ચલણ છે. ભારતમાં પણ છે. બધી સ્કૂલોને તેનો અગાઉથી નક્કી કરાયેલો ડ્રેસ કોડ છે. એ પ્રમાણે વિદ્યાર્થીઓએ ડ્રેસ ધારણ કરવાનું ફરજિયાત હોય છે. કેટલીક સ્કૂલોમાં ખાદીનો યુનિફોર્મ નક્કી હોય છે ને તે ઉપરાંત શિક્ષકો માટે પણ ખાદી પહેરવાનું ફરજિયાત હોય છે. એટલે જ્યાં ડ્રેસ કોડ છે ત્યાં તેનું પાલન અનિવાર્ય છે, પણ ઘણી કોલેજો, યુનિવર્સિટીઓમાં ડ્રેસ કોડ નથી. ત્યાં કૈં પણ પહેરવાની છૂટ છે, છતાં ત્યાં પણ ટૂંકાં વસ્ત્રો કે ન શોભે તેવાં વસ્ત્રોની ટીકા થાય જ છે. આ ટીકા ખાસ કરીને વિદ્યાર્થિનીઓ સંદર્ભે થતી હોય છે. કૈં પણ પહેરવાની છૂટ હોય એનો અર્થ એવો નહીં જ કે વર્ગખંડમાં બિકિની પહેરીને બેસી શકાય. કોલેજમાં આવ્યા પછી એટલી અક્કલ હોવાની અપેક્ષા સહેજે રહે કે અભદ્ર લાગે તેવું વર્તન કે પહેરવેશ કોઈ ન સ્વીકારે. કૈં પણ પહેરવાની છૂટ હોય ત્યારે જ જે તે વિદ્યાર્થીને કે શિક્ષકને બેજવાબદાર બનવાની છૂટ નથી.

શરીર બેશરમીથી ખુલ્લું રખાય એ જેમ માફ નથી એમ જ, શરીર પૂરું ઢાંકી દેવાય તે પણ માફ નથી એ કર્ણાટકની કોલેજે સાબિત કરી આપ્યું. ગયાં ડિસેમ્બરમાં છ વિદ્યાર્થિનીઓ એક કોલેજમાં હિજાબ પહેરીને આવી તો તેને કોલેજમાં પ્રવેશતી અટકાવાઈ. આવું પંદર દિવસ ચાલ્યું તો એ મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ વિરોધ કર્યો. એ પછી એ વિદ્યાર્થિનીઓનો પણ વિરોધ થયો ને વિદ્યાથીઓએ કેસરી ખેસ પહેરીને કોલેજમાં આવવાનો આગ્રહ રાખ્યો. એની સામે આંબેડકરી વિદ્યાર્થીઓ પણ મુસ્લિમ વિદ્યાર્થિનીઓનાં સમર્થનમાં ભૂરો ખેસ પહેરીને બહાર પડ્યા. આમાંનું કૈં પણ કોલેજ પ્રશાસનને મંજૂર ન હતું ને તેણે ડ્રેસકોડનો આગ્રહ રાખી વિરોધ કરતા વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશતા અટકાવ્યા. કોલેજે થોડી ઉદારતા રાખી હોત ને હિજાબ કે ખેસ બંનેને વર્ગોમાં પ્રવેશવાં દીધાં હોત તો કોઈ નુકસાન ન હતું ને એમ થતે તો વાત વકરી ન હોત, પણ એમ ન થયું ને વાત વધી પડી ને પોલીસ સુધી પહોંચી. ત્રણ દિવસ માટે બધી સ્કૂલ, કોલેજો કર્ણાટકમાં બંધ થઈ ગઈ ને બેંગલુરુમાં 144મી લાગુ કરી દેવાઈ. હિજાબ પર પ્રતિબંધના મુદ્દે મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હાઇકોર્ટે ચડી છે ને ત્યાંથી પણ વાત હાઇકોર્ટની મોટી બેન્ચ સુધી પહોંચી છે. બેન્ચે ચુકાદો આવે ત્યાં સુધી ધાર્મિક પ્રતીક પહેરવા પર રોક લગાવી દીધી છે. જો કે, સુપ્રીમે આમાં દખલ કરવાની ના પાડી છે ને હાઈકોર્ટના નિર્ણય પર મીટ માંડી છે એટલે હાઈકોર્ટના ફેંસલાની જ રાહ જોવાની રહે છે.

વાત હવે કર્ણાટક પૂરતી સીમિત રહી નથી, તેની ઝાળ હૈદરાબાદ, પુડુચેરી થઈને સુરત સુધી વિસ્તરી છે. સુરતની ઉર્દૂ સ્કૂલના શિક્ષક અને આચાર્યે હિજાબના સમર્થનમાં વાત મીડિયા સુધી લાવી મૂકી છે, એટલું જ નહીં, પાકિસ્તાનને પણ મગમાંથી પગ ફૂટ્યા છે. ત્યાંના રાજદ્વારી નેતાઓએ હિજાબ પરના પ્રતિબંધને વખોડયો છે ને ઇસ્લામાબાદમાં ભારતીય રાજદૂતને સમન્સ મોકલ્યો છે. પાકના મંત્રી શાહ મહમૂદે મુસ્લિમ છોકરીઓને શિક્ષણથી વંચિત રાખવાની વાત આગળ કરીને ભારતની ટીકા કરી કે આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે. એનો જડબાંતોડ જવાબ મુસ્લિમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ એમ કહીને આપ્યો કે મલાલા પર હુમલો પાકિસ્તાનમાં થયો હતો એ ન ભૂલો. છોકરીઓને શિક્ષણને મામલે પાકિસ્તાને ભારતને સલાહ આપવાની જરૂર નથી, તો, નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈને હિજાબ પરનો પ્રતિબંધ ભયંકર લાગ્યો છે. આ એ જ મલાલા છે જેને એક સમયે હિજાબ ‘ઓવન’ જેવો લાગતો હતો. આ બધાંમાં રાજકીય રોટલા ન શેકાય એવું તો બને જ કેમ? કર્ણાટકની ભા.જ.પ. સરકારે તટસ્થ રહેવાને બદલે હિજાબમાં ધાર્મિક પ્રતીક જોયું ને શૈક્ષણિક સંસ્થાઓ તો ધાર્મિક અખાડો ન હોય એ યાદ આવતાં હિજાબ પર પ્રતિબંધ મૂકી દીધો. એ વખતે કેસરી ખેસ પહેરીને આવતા વિદ્યાર્થીઓને રોકવા અંગે ચુપકીદી સેવી એટલે સરકાર મુસ્લિમ વિરોધી છે એમ કહેવાનું મીડિયાને બહાનું મળી ગયું. ભા.જ.પ.ના કેન્દ્રીય મંત્રી નકવીએ સરકારનો બચાવ કરતાં જાહેર કર્યું કે દુનિયાના દસ મુસ્લિમોમાંથી એક ભારતમાં છે ને તે સુરક્ષિત અને સ્વસ્થ છે. કાઁગ્રેસી નેતા પ્રિયંકા વાડ્રાએ તો રોકડું કહ્યું કે મહિલા હિજાબ પહેરે કે બિકિની એ તેનો અધિકાર છે, પણ એ ખ્યાલ ન રહ્યો કે બિકિની પહેરવાનું એ કોલેજની વિદ્યાર્થિનીઓને કહી રહી છે. એ પોતે વડા પ્રધાન હોય તો વિદ્યાર્થિનીઓને કોલેજમાં બિકિની પહેરવાની છૂટ આપશે? જો નહીં, તો ટાઢા પહોરની હાંકવાથી દૂર રહેવું  જોઈએ. આર.જે.ડી.ના નેતા લાલુ પ્રસાદ યાદવે પણ હિજાબ પ્રકરણ ગૃહયુદ્ધ તરફ જઈ રહ્યું હોવાની આગાહી કરી દીધી છે. આ બધી જ વાતો દ્રાક્ષ, હાથમાં આવી નથી એટલે ખાટી છે, એ વાતનો જ પડઘો પાડે છે.

આમ જોવા જઈએ તો હિજાબ પર પ્રતિબંધ મૂકવાની વાત દુનિયા માટે નવી નથી. શ્રીલંકામાં આત્મઘાતી હુમલો થયેલો ત્યારે આ પોશાકનો ઉપયોગ થયેલો, કેમરૂનમાં બુરખામાં આવેલી બે મહિલાઓએ આત્મઘાતી હુમલો કરેલો ને 13 નાગરિકોનાં મોત થયેલાં. ફ્રાન્સમાં 2004થી હિજાબ પર સંપૂર્ણ પ્રતિબંધ છે ને કોઈ તેનું ઉલ્લંઘન કરે તો તેને દંડવામાં આવે છે. નેધરલેન્ડ, સ્વિત્ઝરલેન્ડ, ડેન્માર્ક, બેલ્જિયમ, રશિયા, સિરિયા, ઈજિપ્ત, ચીન જેવામાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ છે. તો, સાઉદી આરબ, ઈરાન, પાકિસ્તાન જેવાં દેશોમાં હિજાબ પહેરવાનો કે શરીર ઢાંકવાનો આદેશ અપાયો છે. પ્રતિબંધ મૂકવાનું મુખ્ય કારણ એ છે કે કેટલાક દેશોમાં હિજાબ પહેરીને આતંકવાદીઓએ ઓળખ છુપાવી છે ને હિંસક હુમલાઓ કર્યા છે. એટલે ધાર્મિક પ્રતીકનો એ જ ધર્મના આતંકીઓએ હિંસા માટે દુરુપયોગ કર્યો છે તો ત્યાં આ પ્રતિબંધ યોગ્ય ગણાય. પણ, હિજાબ પહેરીને કોઈ વિદ્યાર્થિનીએ કર્ણાટકમાં હુમલો કર્યો નથી કે એવી કોઈ આશંકા પણ નથી, એવું હોય તો હિજાબ પરનો પ્રતિબંધ યોગ્ય પણ ગણાય, પણ એવું કશું તો થયું નથી, તો પ્રતિબંધ મૂકવાનું કોઈ કારણ ખરું?

કોઈ પણ મુસ્લિમ નેતા, સંસદ કે વિધાનસભામાં તેની ટોપી, દાઢી સાથે સરળતાથી જઈ શકતો હોય, તો સ્કૂલ, કોલેજમાં હિજાબ પહેરીને મુસ્લિમ મહિલા જાય તેમાં શી હાનિ છે તેની સ્પષ્ટતા કર્ણાટક સરકારે અને શૈક્ષણિક સંસ્થાઓએ કરવી જોઈએ. ઉડુપીની જે સંસ્થાએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો તે અચાનક મુકાયો હોવાનું લાગે છે, કારણ હિજાબધારી એ જ મહિલાઓ કહે છે કે અગાઉ તેમને ક્યારે ય હિજાબ પહેરીને વર્ગમાં જતાં રોકવામાં આવી નથી, તો અચાનક એવું શું થયું કે હિજાબ પર તવાઈ આવી? એનો જવાબ મળતો નથી. એને ઉત્તર પ્રદેશની ચૂંટણી સાથે પણ જોડવામાં આવે છે. લાગે છે તો એવું કે કોઈ રાજકીય હેતુ સર પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં આવ્યું છે. એવું એટલે લાગે છે કે હિજાબ પહેરનારી મહિલાઓને હિજાબનો આગ્રહ રાખવા માટે ઉશ્કેરવામાં આવી છે તો વિદ્યાર્થીઓને કેસરી ખેસ પહેરીને જ કોલેજ જવા પણ ઉશ્કેરાયા છે. એવી પણ ગંધ આવે છે કે બંને ધર્મનાં લોકોને ઉશ્કેરીને કોઈ રાજકીય તત્ત્વો, વાતને કોમી તણાવ કે હિંસા સુધી લઈ જવા માંગે છે. એમ છે કે કટ્ટરતા બંને પક્ષે અત્યારે ચરમસીમાએ છે. મુસ્લિમો કટ્ટર છે તો હિન્દુઓ નથી એવું નથી. આ બધું કોઈ ધર્મને માટે પણ થતું નથી, પણ રાજકીય સ્વાર્થ સાધવા થઈ રહ્યું હોય એવું ઘણું બધું શક્ય છે. જ્યાં કોઈના ઉશ્કેરાવાની તક નથી, ત્યાં પણ ઉશ્કેરણીના પ્રયત્નો થઈ રહ્યા છે. આ આકસ્મિક નથી, ગણતરીપૂર્વકનું છે. જે મુસ્લિમો સ્વતંત્રતાનાં 75 વર્ષ પછી પણ પેઢી દર પેઢી આ ભૂમિમાં જીવી રહ્યા છે ને અહીંનું જ અનાજ ખાઈને ઉછરી રહ્યા છે તેઓ હવે બધું છોડીને ચાલ્યા જાય એવી આશા રાખવી કોઈ પણ રીતે યોગ્ય નથી. એમનો અધિકાર આ ભૂમિ પર છે તે સ્વીકારવાનું રહે, તે સાથે જ મુસ્લિમો પણ 75 વર્ષે આ દેશના ન થઈ શકે ને તેમની નજર બીજે જ અથડાયા કરતી હોય તો તે અવિશ્વાસ પણ અહીંની પ્રજાનો ને દેશનો દ્રોહ જ છે ને એને કોઈ પણ રીતે વાજબી ઠેરવી શકાય નહીં. કોમી હિંસાથી કોઈએ કૈં મેળવ્યું નથી, માત્ર ગુમાવ્યું જ છે. 75 વર્ષે એક પ્રતિજ્ઞા દરેક ભારતીયે લેવાની રહે કે કૈં પણ થઈ જાય, હવે કોમી આગમાં પોતે બળશે નહીં ને બીજાને બાળશે નહીં. 75 વર્ષે આટલું થઈ શકે? કે આપણે ભૂતકાળમાંથી કૈં શીખવું જ નથી? પૂછીએ જાતને –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ફેબ્રુઆરી 2022

Loading

...102030...1,6691,6701,6711,672...1,6801,6901,700...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved