Opinion Magazine
Number of visits: 9674299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભૂરી

મૂળ લેખકઃ દોસ્તોએવસ્કી [અનુવાદક : જનકભાઈ બી. શાહ]|Opinion - Short Stories|28 January 2022

જેલમાં આવ્યા પછી મારા માટે આ બીજી દિવાળી હતી. બેસતા વર્ષના દિવસે અમને કામમાંથી મુક્તિ આપવામાં આવતી. જો કે કામમાંથી મળતી મુક્તિ અમારા માટે એક પ્રકારની સજા જ હતી. નવરાશમાં વિચાર સિવાય બીજું સૂઝે શું ? ગત દિવસોની યાદ પૂરા જોશથી ઊભરાઈ આવે ત્યારે કેદીને મન એક બોજો થઈ પડે છે. જ્યારે કામમાં તો માનવીનું મન રોકાયેલું હોવાના કારણે તેને વિચારવાનો કોઈ જ સમય રહેતો નથી.

આજે બેસતું વર્ષ હતું. જેલ શાંત હતી. આજે પેલી બેડીઓના અવાજ, સાંકળોના ખણખણાટ કે કેદીઓની હાજરીની બૂમો કશું જ ન હતું. કેટલાક કેદીઓ આ શાંતિનો ભંગ થશે તો ? એ બીકે ખૂબ ધીમું ગણગણતા હતા. આજે તેઓ ગુનેગાર છે તેનું ભાન કરાવતી બેડીઓ હાથે કે પગે ન હતી.

કેદીઓને સામાન્ય રીતે શુભ પ્રસંગોએ નાગરિકો તરફથી ભેટ-સોગાદો મળતી. તે ભેટ મોકલનારાઓ ઇચ્છતા હશે કે કેદીઓ પણ પોતાની જેમ દિવાળીનો આનંદ માણે. આજના શુભ દિવસે એમને મિષ્ટાન્ન આપવામાં આવતું. ભોજન લીધા પછી એક મોટા ખંડમાં અમે સૌ પોતપોતાની રીતે આનંદ માણતા. કોઈ ગપાટા મારતા તો કોઈ ગીતો ગાતાં. સૌ પોતપોતાની મસ્તીમાં આજનો દિવસ ગાળતા.

હું મારી આજુબાજુ બેઠેલા કેદીઓની પ્રવૃત્તિ નીરખતો હતો. મારું ધ્યાન એકલા બેઠેલા અલિયા તરફ ગયું. તે બીજા બધાથી કાંઈક જુદો જ બેઠો હતો. તેના માટે જેલમાં આ પહેલી દિવાળી હતી. કેદીઓ તેને મૂરખલાલ કહીને જ બોલાવતા. તે હંમેશાં બીજા બધા કેદીઓથી જુદો જ તરી આવતો. મોટા ભાગે ચોકિયાતો સામે તે મૂંગો જ રહેતો. તેને જે કાંઈ કામ સોંપવામાં આવતું તે મૂંગે મોઢે કર્યા કરતો. કામ ભલે ગમે તેટલું ત્રાસદાયક હોય છતાં ય ક્યારે ય તેણે પોતાના કામની ફરિયાદ નહિ કરી હોય. તેની ઉંમર ત્રીસ વર્ષની હતી. દેખાવે તે ઠીંગણો હતો. તેના ચહેરા પર શીતળાનાં ચાંઠાં હતાં. તે એક આંખે જ દેખી શકતો હતો. તેણે ખૂન કર્યું હતું. આ કારણે તેને જન્મટીપની સજા થઈ હતી. પરંતુ તેણે ક્યારે ય પોતાની સજા વિષે કોઈ ટીકા કરી ન હતી કે તે વિષે કોઈએ તેને કાંઈ બોલતો સાંભળ્યો ન હતો. તેને જે કાંઈ સજા થઈ હતી તે તેણે સહર્ષ સ્વીકારી હોય તેમ લાગતું હતું. આ કારણે તે આવ્યો ત્યારથી જ તેનું નામ મૂરખલાલ પાડ્યું હતું. હુલામણાં નામો વધુ જલદી પ્રચલિત બને તેમ અલિયાના નામમાં અપવાદ ન હતો. સૌ કોઈ તેને મૂરખલાલના નામે જ બોલાવતા.

આજે મૂરખલાલ કાંઈક ઉદાસ લાગતા હતા. કોઈ દિવસ નહિ ને આજે તેણે નિઃસાસો નાખ્યો હતો. તેના નિઃસાસાએ મારા મનમાં કુતૂહલ જગાડ્યું હતું. એ નિઃસાસો મારા હૈયાને સ્પર્શી ગયો. હું તેની પાસે ગયો. તે શું વિચારતો હતો તે મેં પૂછ્યું. આથી તે વધુ ઉદાસ બન્યો હોય તેમ લાગ્યું.

'હરિયા, તું તે નહિ સમજી શકે. હું તો મારી ભૂરી વિષે વિચારતો હતો. કોઈ મારી ભૂરી વિષે સમાચાર લાવી આપશે તો હું ખૂબ રાજી થઈશ. તે ક્યાં હશે ? તેની કોણ દરકાર લેતું હશે ?'

હું બરાબર સમજ્યો ન હતો. આથી ભૂરી તેની કોઈ પ્રેમિકા હશે અને તેના વિષે તે કહેતો હશે એમ માનીને મેં પૂછ્યું, 'ભૂરી કોણ છે તે મને તું નહિ કહે?'

તેણે મારી તરફ આશ્ચર્યથી જોઈને કહ્યું, 'મેં હમણાં જ મારી ભૂરી બકરી વિષે કહ્યું. તેં ન સાંભળ્યું?'

હું હજી પણ કાંઈ સમજ્યો નહિ. મેં તેને વધુ પૂછ્યા વગર ભૂરી વિષે વાત કરવાનું કહ્યું, 'આજે બેસતું વર્ષ છે. જો તું આજે તેના વિષે કાંઈક કહીશ તો તારું દુઃખ હળવું થશે.'

તેણે ફરીથી નિઃસાસો નાખ્યો, 'તું તે વાત ક્યાંથી સમજી શકે ? પણ તું સાચો છે. તેના વિષે કહેવાથી કદાચ મારું દુઃખ હળવું થાય.'

તેટલું બોલતાં જ તેની એક આંખમાંથી તેના ગાલ પર એક આંસુનું બિંદુ ટપકતું મેં જોયું.

'હું તારા સિવાય બીજા કોને કહીશ ?' તેણે છેવટે કહેવાનું શરૂ કર્યું. 'આજ સુધી તેના વિષે મેં કોઈને કહ્યું નથી. ઘણી વખત ભરાયેલો ડૂમો ખાલી ન થાય તો મરવાનો વારો આવે. હરિયા, મારી ખરી મા કોણ છે તે મને ખબર જ નથી. અમારા ગામના કબ્રસ્તાન પાસે એક સૂંડલામાં હું પડ્યો હતો. કબ્રસ્તાનનો રખેવાળ કોઈ એક મૃત્યુ પામેલી સ્ત્રીની કબર માટે જગ્યા શોધવા આવ્યો ત્યારે મને તેના ઘરે લઈ ગયો. તે સાંજે તેમણે મારું નામ પાડ્યું અલિયો. ત્યારથી કોઈ જાણતું નથી કે મારાં માબાપ કોણ છે. લોકો માનતા કે કોઈ કુંવારી માએ આબરુ બચાવવા મને ત્યજી દીધો હશે. જેમ જેમ હું સમજણો થતો ગયો તેમ તેમ મારી સાથે રમતા છોકરાઓની હાંસી હું સમજવા લાગ્યો. તેઓ મારી તરફ હસતા. ઘણીવાર તો તેઓના તરફ મને તિરસ્કાર છૂટતો પરંતુ તે વખતે હું દુઃખી ન હતો. રખેવાળ અને તેની પત્ની ભલાં હતાં. તેની પત્ની મારી ખૂબ સંભાળ રાખતી. મને ખાવાનું આપતી. સારાં કપડાં પહેરાવતી અને મને બહુ ઓછું મારતી. હું દસ વર્ષનો થયો ત્યારે તેમને ત્યાં એક પુત્રી જન્મી. હું તે બાળકીને ખૂબ ચાહતો. તેમણે તેનું નામ અનીશા પાડ્યું. અનીશાની મા બહાર ગઈ હોય ત્યારે હું તેને મારા હાથમાં ઉછાળીને રમાડતો. તેના ચહેરા પર બણબણતી માખી ઉડાડતો અને ચાલતાં શીખતી ત્યારે તેને ટેકો આપતો. એક વખત તેણે એક કૂતરાને પજવ્યો. આથી ચિડાયેલો કૂતરો તેને કરડવા દોડ્યો. હું દોડતો કૂતરા વચ્ચે આવ્યો. તમે જુઓ, અનીશાને બદલે કૂતરાએ મારો હાથ ફાડી ખાધો.' આટલું કહીને ખમીસની બાંય ઊંચી કરીને રુઝાયેલો ઊંડો ઘા બાવડા પર મને દેખાડ્યો. 'દુનિયામાં અનીશા મારે મન સર્વસ્વ હતી. હું વીસ વર્ષનો થયો ત્યારે તે દશ વર્ષની થઈ હતી. હું તેને મારા ધૂંટણ પર બેસાડીને હંમેશાં કહેતો કે તું મોટી થઈશ ત્યારે હું તને પરણીશ. એક વખત કોઈ પડોશીએ આ વાત સાંભળી જતાં મારી પાલક માતાને આ વાત કહી. તે ગુસ્સે થઈ. મને ઠપકો આપ્યો કે અત્યારથી તું એને આવી વાત મનમાં ઠસાવીશ નહિ, અને તેને પરણવાની આશા પણ ન રાખતો. પણ મેં તો તેમ કહેવાનું ચાલુ જ રાખ્યું. હવે હું સંભાળ રાખતો કે કોઈ મારી વાતો સાંભળતું તો નથી ને ! હું માનતો હતો કે અનીશા મને ચાહે છે અને તેથી જ મારી દરકાર લે છે.'

'એક દિવસ વરસતા વરસાદમાં ખેતરમાં કામ કરતાં હું ભીંજાયો. ઘરે પહોંચતાં હું માંદો પડ્યો. ડૉક્ટરને બોલાવરાવ્યા. તેમણે કહ્યું કે મને તરત જ જિલ્લાની મોટી હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે. ત્યાર પછી આજે છે તેવો ચહેરો લઈને હું હૉસ્પિટલમાંથી સાજો થઈ બહાર આવ્યો. મેં મારી જમણી આંખ શીતળામાં ગુમાવી હતી. મારા ચહેરા પર શીતળાનાં ચાંઠાં હતાં. હવે હું કોઈ છોકરીનો પ્રેમ પામવાલાયક દેખાવડો રહ્યો ન હતો. આ કડવું સત્ય સમજીને ઘરે આવ્યા પછી અનીશા આગળ તેને પરણવાની વાત ક્યારે ય કરી ન હતી. હું તેને ખુશ રાખવા અને ઉપયોગી થવા પ્રયત્ન કરતો. થોડા પૈસા બચાવીને હું તેના માટે દિવાળીની ભેટ તરીકે એક નાની બકરી લાવ્યો. આ બકરી અનીશાને એક વખત ગામમાંથી પસાર થતાં ખૂબ ગમી ગઈ હતી. તે આસમાની રંગની હતી. હું તેને ભૂરી કહીને બોલાવતો. હું તેની સંભાળ રાખતો. તેને ખવરાવતો. જેથી અનીશાને મન થાય ત્યારે ફક્ત તેની સાથે રમવાનું જ રહે.'

તે થોડી ક્ષણ અટક્યો. તેની એક આંખમાં આંસુ એકઠાં થયાં હતાં. તેણે મને પૂછ્યું, 'તને કંટાળો તો નથી આવતો ને ?'

'ના, ના. ચાલુ રાખ,' મે જવાબ આપ્યો. કારણ કે તે સમયે મને જ તેની વાતમાં ખૂબ રસ પડ્યો હતો.

વર્ષો પસાર થયાં. અનીશા પણ મોટી થઈ હતી. ગામના છોકરાઓ તેની આજુબાજુ ભમરાની જેમ ભમતા હતા. તે હવે પુખ્ત વયની થઈ હતી. વળી તેની ગણતરી સ્વરૂપવાન સ્ત્રી તરીકે થતી. હું તેને ગામના ઉતાર એવા ફારુક સાથે ફરતી ઘણીવાર જોતો. ફારુક અમીર બાપનો બેટો હતો. ફારુકને હું સારી રીતે ઓળખતો હતો. તેણે ઘણી છોકરીઓને કોઈ ને કાઈ યુક્તિથી ફસાવીને તેમની જિંદગી બરબાદ કરી હતી. આથી મેં અનીશાને ચેતવવા પ્રયત્ન કર્યો. પણ તેણે આ અંગે કાંઈ પણ સાંભળવાનો ઇન્કાર કર્યો. તે ગુસ્સે થઈ ગઈ. ફરી હું આવી વાત કરીશ તો સંબંધ કાપી નાખવાની તેણે ધમકી આપી. હું જોઈ શકતો હતો કે તે બદલાઈ ગઈ હતી. તેને મારી કે ભૂરીની કાંઈ જ પડી ન હતી. વળી ભૂરી હવે ઘરડી થઈ હતી. આથી પહેલાંની જેમ કૂદકાઓ મારી ખુશ કરી શકે તેમ ન હતી. અનીશામાં થયેલો ફેરફાર ભૂરી પણ પામી ગઈ હતી. હું તેને પંપાળીને આશ્વાસન આપતો. અમે બન્ને રડતાં. મને ખાતરી થઈ આવી કે હવે બાકીની જિંદગી અમારે એકબીજાના સહારે જ પસાર કરવાની હતી.

'હવે દુનિયામાં આમ એકલા રહેવું ત્રાસજનક લાગતું. એક દિવસ અનીશા મને કહેવા આવી કે તે થોડા જ સમયમાં ફારુક સાથે પરણવાની છે. ભૂરી ન હોત તો મેં આ સાંભળી નદીમાં પડી આપઘાત જ કર્યો હોત.

'સમય તેનું કામ કર્યે જતો હતો. ઉનાળો ગયો. પાક પણ લણાઈ ગયો. ફારુક અને અનીશા પરણી ગયાં. અનીશા મારી પાસે લગ્નના પહેરવેશમાં આવી. તે ઘર છોડી જઈ રહી હતી. તેણે ગળામાં કીમતી હીરાનો હાર પહેર્યો હતો. જતાં જતાં તે કહેતી ગઈ કે ભૂરીને તે મૂકી જાય છે. જાણે મારા પર મોટો ઉપકાર કરીને ન જતી હોય!'

'તેના ગયા પછી મારા માટે ભૂરી સિવાય દુનિયામાં કોઈ ન હતું. મારી એક આંખ અને ચાઠાંવાળો ચહેરો તેના માટે ગૌણ વસ્તુ હતી. ઘાસની ગમાણમાં અમે પડ્યાં રહેતાં. તે ઘણી વાર મારા ખભા પર તેનું માથું મૂકતી અને મારા ચહેરાને જીભથી ચાટતી. હું તે વખતે કલ્પના કરતો કે અનીશા મને ચુંબન કરે છે.'

'પણ આ સુખેય લાંબો સમય ન ટક્યું.' હવે તેનો અવાજ ધ્રૂજવા લાગ્યો. 'એક દિવસ અનીશા મારી પાસે અચાનક આવી. તે ભૂરીને લઈ જવા ઇચ્છતી હતી. નાનપણમાં તે જે રીતે તેની સાથે રમતી હતી તેમ તે રમવા ઇચ્છતી હતી. ફારુક સાથેનો તેનો સંસાર સુખમય ન હતો. તે હું જાણતો હતો. પણ ભૂરીને લઈ જવાનું કારણ તે છૂપાવતી હતી. તેના ગયા પછી મારી મૂડી કે જે કાંઈ કહો તે સર્વસ્વ મારે માટે ભૂરી જ હતી. મેં અનીશાને કરગરીને ભૂરીને ન લઈ જવાની વિનંતી કરી. ભૂરી હવે ઘણી ઘરડી થઈ હતી. પહેલાંની જેમ આનંદ આપવાલાયક તે રહી ન હતી. પણ તેણે તો કાંઈ સાંભળવાની ય દરકાર ન કરી. છેવટે આજીજી કરતાં મેં તેને કહ્યું, ભૂરી મારે મન દુનિયામાં તારી સ્મૃતિરૂપે જે કાંઈ બચ્યું છે તે છે. તેને લઈ જઈને શા માટે મારું સર્વસ્વ ઝૂંટવી લે છે ? ત્યારે તે ખંધુ હસીને બોલી, 'સાચું કહું તો ભૂરી તો મારા પતિને જોઈએ છે. તેમને આપવા માટે હું ભૂરીને લઈ જાઉં છું.'

'આ સાંભળી કોને ખબર મારા મન પર કોઈ ભૂત સવાર થઈ ગયું. તે સમયે મારા હાથમાં લાકડા કાપવાની કુહાડી હતી. મેં તેનાથી અનીશાને મારી નાખી.'

આટલું કહ્યા પછી માંડ માંડ રોકી રાખેલું ડૂસકું તેનાથી ખવાઈ ગયું.

ત્યાં 'મૂરખલાલ, મૂરખલાલ !' નામની બૂમ બીજા ઓરડામાંથી પડી. 'ક્યાં મર્યો, મૂરખલાલ ?' ફરી બીજા કોઈએ બૂમ પાડી.

'એ આવ્યો !' કહીને અલિયો આંસુ છુપાવતો અવાજ આવ્યો તે તરફ દોડ્યો. દોડતાં દોડતાં તે ગણગણતો હતો, 'મારી ભૂરી … … મારી ભૂરી … …'

[પ્રગટ : “સમર્પણ”, સપ્ટેમ્બર 1979]

e.mail : janakbhai_1949@yahoo.com

* * *

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (22)

સુમન શાહ|Opinion - Opinion|27 January 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક -૩ :  બૅડ ફેઇથ :

= = = અમથાલાલને ખબર હોય કે પોતે એક સામાન્ય અમદાવાદી છે પણ મજનૂના જમાનાનો હોય એમ અનેક સ્ત્રીઓ આગળ પોતાને મહા મોટા લવર તરીકે ઠઠાડે છે ને બધો વખત સૌ સામે જાતને એમ જ ખપાવતો ફરે છે = = =

‘બીઇન્ગ ઍન્ડ નથિન્ગનેસ’-માં સાર્ત્રે મનુષ્ય-વ્યક્તિને મળેલી અપારની અબાધિત સ્વતન્ત્રતાનો ખૂબ જ પક્ષ લીધો છે – કહો કે, વકીલાત કરી છે.

એ સ્વતન્ત્રતાની કવાયતે કરીને માણસ પોતાના જીવનની ભૂમિકા ઘડે છે. એટલે, દાખલા તરીકે અમથાલાલ, બીજાંઓના આધાર વિના પોતાનું અસ્તિત્વ સરજી શકે છે. અમથાલાલની એવી આત્મસર્જકતાને ઈશ્વરની સર્જકતા સાથે સરખાવી શકાય; જો કે સાર્ત્ર ઈશ્વરમાં ન્હૉતા માનતા.

પરન્તુ સાર્ત્ર એ જ મુદ્દો વિકસાવે છે અને કહે છે કે માણસ સ્વતન્ત્ર છે તેથી પોતાની પસંદગીઓ પ્રમાણે વર્તી શકે છે. પોતાને પસંદ પડે એ સ્વીકારે, ન પણ સ્વીકારે, ‘હા’ પાડે, ‘ના’ પણ પાડે. એમ પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજવાની એની પાસે વિધ વિધની શક્યતાઓ હોય છે. માણસ નામે સ્વતન્ત્ર અમથાલાલ સકારાત્મક અને નકારાત્મક ઘણું ઘણું અને જાતભાતનું વિચારી શકે છે, બોલી શકે છે, કરી શકે છે.

પરન્તુ જો માણસને ગડ બેસે કે પોતાની અંદર શૂન્યતા છે, તો એ હાંફળોફાંફળો થઈ જાય છે ને ઍન્ગ્વીશ અનુભવે છે. ઍન્ગ્વીશ એટલે મનોયાતના; દેસીમાં કહું કે જીવને થતો, કઢાપો.

એવી પીડા વખતે, માણસથી અપારની પેલી સ્વતન્ત્રતા વેઠાતી નથી. સ્વતન્ત્ર છું એ હકીકત એનાથી સ્હૅવાતી નથી. અને ઍન્ગ્વિશથી છૂટવા માણસ બૅડ ફેઇથનો, આશરો કરી લે છે. જાતને છેતરવાનું અને છાવરવાનું શરૂ કરી દે છે. માણસમાત્ર, અમથાલાલ કે આપણામાંનો કોઈ પણ લાલ કે લાલી પોતાની જાતને અવારનવાર છેતરે છે.

કેટલા ય લોકો પોતાની જાતને ઠસાવતા હોય છે કે – પોતાનામાં નિર્ણયો લેવાની શક્તિ નથી. કોઈ પસંદગી પર પ્હૉંચીને તેને સાર્થક કરવાનું પોતામાં બળ નથી. એવાં સ્ત્રી કે પુરુષે પસંદગીને માટેનું સ્વાતન્ત્ર્ય ગુમાવ્યું હોય છે. આ બૅડ ફેઇથ છે, વંચના, આત્મવંચના. સાર્ત્ર એને mauvaise foi કહે છે.

આપણે જોઈએ છીએ કે પુરુષો પ્રેમમાં તો પડી જાય છે, પણ પછી બૅડ ફેઈથ આચરીને ‘હા’ કે ‘ના’ નથી કહેતા. વચ્ચેની દશામાં પડ્યા રહે છે. સમ્બન્ધનું ભવિષ્ય લટકતું થઈ જાય છે. અને ’હા’ કહે ત્યારે કે ‘ના’ કહે ત્યારે બહુ મૉડું થઈ ગયું હોય છે. સામી સ્ત્રી દારુણ પરિતાપનો ભોગ બની હોય છે. બૅડ ફેઇથને કારણે કેટલીયે છોકરીઓ લગ્ન પૂર્વેના જાતીય વ્યવહાર માટે કે અનિચ્છનીય ચેષ્ટાઓ માટે ‘ના’ પાડવાની હિમ્મત નથી કરી શકતી, અવઢવમાં રહે છે, અથવા જે થાય તે થવા દે છે …

બીજું એ કે આ બધાં જનો યોગ્ય પસંદગી તો નથી જ કરી શકતાં પરન્તુ એમને માટે બીજાંઓએ કરેલી પસંદગી અનુસાર ગોઠવાઈ જાય છે અને જેવું જિવાય એવું જીવવા માંડે છે. ભારતીય પરમ્પરાગત લગ્નોમાં, પહેલાં, માબાપ કે મામામાસી નક્કી કરે કે કયો મૂરતિયો વર થવાને અથવા કઈ કન્યા વધૂ થવાને લાયક છે. લાકડે માંકડું જોડાતું લાગે તો કહે કે વખત જતાં ઘીના ઠામમાં ઘી પડી રહેશે. પણ સામસામાં વાસણ જ ન ધરાયાં હોય તો ઘી ક્યાં ઢળે? લગ્ન જેવી સાવ જ વ્યક્તિગત બાબતમાં પરિવારગત કે સમાજગત આ દખલગીરી એક અર્થમાં દમ્ભ છે, એક સુદૃઢ અને સમાજવ્યાપ્ત વંચના છે. 

વંચનાને વરેલાં જનો માટે સાર્ત્ર બે ઉદાહરણ આપે છે. એક છે, વેઇટરનું ઉદાહરણ; મારા શબ્દોમાં :

એક વેઇટર વેઇટરે કરવાનાં તમામ કામ ઉત્તમ રીતે કરતો હોય, આપણને પૂરી ખાતરી થાય કે સરસ. આમ તો, સારું કહેવાય. પણ સાર્ત્ર એ માણસને ‘પ્લે-ઍક્ટિન્ગ ઍટ અ વેઇટર’ કહે છે. એ એમને એક યન્ત્ર – ઑટોમેશન – લાગે છે, જેણે વેઇટર હોવાના સત્ત્વને બસ ટકાવી રાખ્યું છે. સાર્ત્ર એની એ વર્તણૂકને અતિશયિત ગણે છે. કહે છે કે એના જેવી વ્યક્તિઓ પસંદગીથી સરજાતા સંભવિત જોખમોને કે દાયિત્વોને કલ્પી શકતી નથી.

મને વિચાર આવે કે સાર્ત્રના આ વેઇટરને એમ તો થવું જોઈએ ને કે પોતે વકીલ થઈ શક્યો હોત ! એ જુદી વાત છે કે ડીગ્રી માટે મહેનત કરવી પડત એ મુદ્દે એ ડરી ગયો હોય. પણ એણે કદી વિચાર્યું નહીં કે એ પસંદગી એની કારકિર્દીમાં ખુલ્લી પડી હતી.

સાર્ત્ર સૂચવે છે કે કોઇ એક સમયે તો એને લાગવું જોઈએ ને કે પોતે હકીકતે વેઇટર નથી, બલકે એક એવો સભાન મનુષ્ય છે, જે પોતાને વેઇટર ગણીને છેતરી રહ્યો છે.

સાર્ત્રે આપેલું બીજું ઉદાહરણ, મારા શબ્દોમાં :

એક યુવતી ડેટ પર ગઈ હોય છે – ધ ફર્સ્ટ ડેટ પર. યુવક યુવતીના શરીરની પ્રશંસા કરે છે. યુવતી પ્રશંસા પાછળના જાતીય સંકેતને પામી જાય છે, પણ ગનેહને કરે છે. ઊલટું, જાણીસમજીને પોતાની જાતને પેલાએ કરેલી પ્રશંસા અનુસાર ઠીક ઠીક દોરવે છે – પેલો એનો હાથ પકડે છે તો નથી તરછોડતી કે નથી પેલાનો હાથ પોતે પકડતી. પોતાના હાથને અમસ્તો પેલાના હાથમાં ઢીલોઢાલો – લિમ્પી – પડી રહેવા દે છે. કેમ કે, પેલો આગળની છેડછાડ કરે તો શું કરવું એનો એને સમય મળી જાય. યુવતી સ્વીકાર અને અસ્વીકાર વચ્ચે પોતાની ઇચ્છાને સંતાડી રાખે છે.

Pic courtesy : Pixabay

વાત એમ છે કે પેલાની પ્રશંસાને એ પોતાના શરીર સાથે જોડતી નથી, પણ પોતાના હાથને એક વસ્તુ – ઑબ્જેક્ટ – રૂપે વાપરે છે. અને હાથ તો માધ્યમ – આખું શરીર જ વળી ! એમ કરીને પસંદગીને માટેના પોતાના સ્વાતન્ત્ર્યની અવગણના કરે છે, જાતને છેતરે છે.

આપણે જોઈએ છીએ કે અનેક પુરુષો સ્ત્રીઓને પટાવે ત્યારે જાતને પણ પટાવતા હોય છે. અમથાલાલને ખબર હોય કે પોતે એક સામાન્ય અમદાવાદી છે પણ મજનૂના જમાનાનો હોય એમ અનેક સ્ત્રીઓ આગળ પોતાને મહા મોટા લવર તરીકે ઠઠાડે છે ને બધો વખત સૌ સામે જાતને એમ જ ખપાવતો ફરે છે. કોઈ કોઈ સ્ત્રીઓ પણ પુરુષને લલચાવે, બનાવટ કરે, છેતરે, ત્યારે તેઓ પણ જાતને છેતરતી હોય છે. એવી સ્ત્રીએ કશા ડરને કારણે એક પ્રિયા, એક સન્મિત્ર, એક સન્નારી કે એક પત્ની થઈને જીવવાના વિકલ્પને છાવર્યો હોય છે.

સાર્ત્ર એમ દર્શાવે છે કે લોકો ભલે જાતને ઠસાવે કે પોતા પાસે પસંદગીનું સ્વાતન્ત્ર્ય નથી, પરન્તુ તેઓ જાતને એમ નહીં જ કહી શકે કે પોતે સભાન મનુષ્યો નથી. સભાન મનુષ્ય-નો અર્થ એ કે એને પોતાનાં ધંધાકીય કાર્યો સાથે કે વ્યવહારુ તાકીદો સાથે કે અરે, કશાં મૂલ્યો સાથે પણ ખાસ કશી લેવાદેવા હોતી નથી.

જુઓ, આત્મવંચનાનાં રૂપો બદલાતાં રહે છે. સાર્ત્ર એક રૂપ માટે રસાયણવિજ્ઞાન અને ભૌતિકવિજ્ઞાનમાં વપરાતી ‘metastability’ સંજ્ઞા પ્રયોજે છે. ઉર્જાની એ એક વચગાળાની સ્થિતિ છે. દાખલા તરીકે, એક ઢોળાવ પર બૉલ અમુક જગ્યાએ હૉલોમાં – દરમાં – અટકી પડ્યો હોય, એને જો જરાક જ ધકેલવામાં આવે તો દરમાં ગોઠવાઈ જશે, પરન્તુ એને જો થોડા દબાણથી ધકેલવામાં આવે તો બૉલ ગગડીને ઢોળાવને તળિયે જતો રહેશે.

વાતને અટકતી કે લટકતી રાખનારાઓ એ જ કરતા હોય છે. જેમ કે, જૂઠ આચરવું કે બોલવું એક સ્વરૂપની આત્મવંચના છે. જૂઠડાને ખબર હોય છે કે સાચું શું છે, પણ પોતાની વાણી વડે સાચને દબાવી રાખે છે, લટકતું રાખે છે. જૂઠના આચરણ વખતે બે જણનું હોવું જરૂરી છે – એક તો જૂઠડો પોતે અને એને જોનારો કે સાંભળનારો એક બીજો. એક જૂઠ બોલે છે, બીજો સાંભળે છે.

સમજો, એ છે અણગમતા સાચને છુપાવવાનો કે સાચને ગમતીલા જૂઠ રૂપે ઠસાવવાનો રૂડો એવો પ્રયાસ !

સાર્ત્ર એટલે સુધી કહે છે કે જૂઠ આચરનાર અને એને ચલાવી લેનાર બન્ને, જોવા જઈએ તો, એક જ છે !

આમ, સ્ત્રી કે પુરુષ પસંદગીઓ માટેની પોતાની સ્વતન્ત્રતાને પ્રયોજે નહીં અને બધું દમ્ભ, બનાવટ કે જૂઠાણાં આચરીને ચલાવે, તો દેખીતું છે કે સમ્બન્ધો લૂઝ થઈ જશે ને કો’ક દિવસે તૂટી જ જશે.

વાતને સાર એ છે કે જાતીય વ્યવહારોમાં – સૅકસ્યુઅલ રીલેશન્સમાં – કશું અદ્ધરતાલ ન રખાય – ‘હા’ તો ‘હા’, ‘ના’ તો ‘ના’ !

= = =

(January 27, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

કમાલ ખાનની નજરે અયોધ્યા …

કિરણ કાપુરે|Opinion - Opinion|27 January 2022

કમાલ ખાનનું 14 જાન્યુઆરીના રોજ અવસાન થયું. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી એન.ડી.ટી.વી. માટે રીપોર્ટિંગ કરતા રહ્યા. કમાલની રીપોર્ટિંગનો વિષય, ભાષા, બોલવાની શૈલી તેમાં આવતાં સાહિત્યિક સંદર્ભથી કમાલનું રીપોર્ટિંગ ભર્યુંભર્યું રહેતું. કેટલાક વિષયને કમાલ ખાને એ રીતે સ્પર્શ્યા કે તે પત્રકારત્વની મિસાલ બની રહેશે, તેમાં એક અયોધ્યા છે. કમાલ ખાને અયોધ્યાનું સમયાંતરે રીપોર્ટિંગ કર્યું. અયોધ્યાની છેલ્લાં વર્ષોમાં જે છબિ છે તેનાથી અલગ અયોધ્યા કમાલ તેમના રીપોર્ટિંગમાં બતાવી શક્યા છે. કમાલદૃષ્ટિથી અયોધ્યા જો આપણે સૌ જોઈ શકીએ તો અયોધ્યા વિવાદનો પણ અંત આવી જાય.

2018માં 8 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલો તેમનો રિપોર્ટ : ‘અયોધ્યા : મર્મ કોઈ નહીં જાના’. આ રિપોર્ટની શરૂઆત કમાલ ખાન ગોસ્વામી તુલસીદાસ લિખિત રામચરિતમાનસની એક ચૌપાઈ ટાંકીને કરે છે : ‘રામ રાજ બૈઠે ત્રૈલોકા, હરષિત ભએ ગએ સબ સોકા. બયરુ ન કર કાહૂ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ’ આનો ભાવાર્થ પછી કમાલ કહે છે : “રામ અયોધ્યા કે રાજા બને તો તીનોં લોક ખુશ હો ગયા. દુશ્મની દોસ્તી મેં બદલ ગએ. ભેદભાવ મીટ ગયે.” રાજકીય નેતાઓએ અયોધ્યાની ઓળખ દ્વંદ કરવાના સ્થળ તરીકેની બનાવી દીધી છે, પણ કમાલ ખાન કહે છે કે, “અયોધ્યા કા મતલબ હૈ જિસકે સાથ યુદ્ધ ન કિયા જા સકે, લેકિન અયોધ્યા હંમેશાં યુદ્ધ મેં નજર આતી હૈ. અયોધ્યા કા નામ આતે હી જહન મેં એક તસવીર ઉભરતી હૈ. ઉન્માદ મેં ગુંબદો પર સવાર કારસેવક, લહરાતે ભગવે ઝંડે ઔર સડકો પર જય શ્રી રામ કે યુદ્ધઘોષ કરતા હૂજુમ. લેકિન અયોધ્યા ઐસી નહીં. યે અયોધ્યા કી કિસ એક દિન કી તસવીર હો સકતી હૈ. લેકિન અયોધ્યા કે સારે દિન ઐસે નહીં હોતે હૈ. હાલાંકી, અયોધ્યા વૈસી ભી નહીં હૈ જૈસા રામચરિતમાનસ કે ઉત્તરકાન્ડ મેં તુલસીદાસજી બતાતે હૈ. લેકિન ત્રેતા કે રામ કા કુછ અસર કલિયુગ મેં ભી અયોધ્યા પર હોતા હી હોગા. ભલે હીં અયોધ્યા કા મજબહી નફરતોં કા બહોત પ્રચાર હો, લેકિન સચ બાત તો યે હૈ કી અયોધ્યા કી દિલ મેં તમામ મઝહબો કે લિએ બેઇંતહા જગહ હૈ.”

કમાલના શબ્દોમાં ઉતરેલી આ અયોધ્યા એમ કંઈ સહજતાથી આવતી નથી. તે માટે તેમના જ સહયોગી પત્રકાર રવિશકુમાર લખે છે : “હવે કોઈ બીજો કમાલ ખાન નહીં થાય. કારણ કે જે પ્રક્રિયામાંથી તે પસાર થઈને કમાલ ખાન બને છે તેના પુનરાવર્તનની નૈતિક શક્તિ દેશે ગુમાવી દીધી છે. આ માટીમાં હવે એટલાં કમજોર લોકો છે કે તેમની કરોડરજ્જુમાં એવો દમ નથી કે તેઓ પોતાની સંસ્થામાં કમાલ ખાન પેદા કરી શકે. નહીંતર કમાલ ખાનની ભાષા પર દરેક ચેનલ જે રીતે પ્રશંસા કરવામાં આવતી તો તે ચેનલમાં કોઈ કમાલ ખાન જરૂર હોત.” કમાલ ખાન અને રવિશકુમાર જે રીતે હિંદીમાં લખે છે તેનો અનુવાદ કરવાથી તેની તીવ્રતા મારી જાય છે એટલે ઘણી વખત આવા લેખમાં તેમની ભાષા જસની તસ ગુજરાતી લિપિમાં લખવાનું વધુ યોગ્ય લાગે છે.

રવિશે કહ્યું તેમ એક પ્રક્રિયામાંથી પસાર થઈને કમાલ બને છે, અને આ પ્રક્રિયા તેમના અયોધ્યાના રિપોર્ટીંગમાં જોઈ શકાય છે. આગળ તેમના અયોધ્યાના રિપોર્ટના વીડિયોમાં એક એવું અયોધ્યા કમાલ દર્શાવી રહ્યા છે જ્યાં જનજીવન સામાન્ય છે, બજાર ધમધમી રહ્યાં છે, માર્ગ પર વાહનવ્યવહાર અન્ય શહેરોની જેમ છે, મંદિરોની ચહલપહલ સામાન્ય છે. અયોધ્યા વિશે ય કશું ય અસામાન્ય દાખવવાનો કમાલ પ્રયાસ નથી કર્યો. આવું અયોધ્યા દાખવીને ફરી કમાલ તેમની અદામાં કેમેરા સામે આવે છે. કેમેરામાં તેમની ફ્રેમમાં પાછળ રામની મોટી મૂર્તિ છે. કમાલ તેમના પીસ ટુ કેમેરા[પીટુસી]માં કહે છે : “ગોસ્વામી તુલસીદાસ ને રામરાજ કા ઝિક્ર કરતે હુએ લિખા હૈ, સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. રામ કે રાજ મૈં હરકોઈ એક દૂસરે સે પ્રેમ કરતા થા. હર કોઈ અપને – અપને ધર્મ કા પાલન કરતા થા. અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા કે અંદર કલિયુગ મેં ભી ઉસકે બહોંત સે અંશ થે, જો યહા સુંદરભવન કે અંદર મંદિર કે મેનેજર થે ઔર મંદિર મૈં ભગવાન કે ભોજ, ઉનકે વસ્ત્ર ઔર આરતી કા પ્રબંધ કરતે થે.” તે પછી કમાલ ખાન મુન્નુમિંયા કેવી રીતે આ મંદિરના મેનેજર બન્યા તેની પૂરી કહાની બયાં કરે છે. મુન્નુમિયાં સ્ક્રીન પર નમાઝ પઢે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કમાલ કહે છે : “અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા સન 1949 મેં સુંદરભવન મંદિર કે મેનેજર બને. અપને મજહબ કો માનતે, પાંચ વક્ત નમાઝ પઢતે, લેકિન આઠ પહોર બુતોં [મૂર્તિપૂજકો] કી સોબત મેં રહતે. પેદા ઉસ મજહબ મેં હુએ જહાં બુતપરસ્તી મનાં થી, લેકિન ઉન્હેં રોજી બુતોં સે હી મિલતી. ઔર જાહિર હૈ કી યે રોઝી ભી તો ખુદાને હી દી થી. વો અપની ઇબાદતોં મેં ખુદા સે દુઆ માંગતે હૈ કી તું રોઝી દેનેવાલા હૈ તુ રોઝી કો કાયમ રખના.” મુન્નુમિંયાનું નામ સાબિર હુસૈન છે અને પછી તેઓ કેવી રીતે મંદિરના મેનેજરની જવાબદારી સંભાળે છે અને ભાગે આવતા કામ કેવી રીતે કરે છે તે પણ કહે છે કે, મંદિરમાં પૂજા થતી હોય અને પૂજારી સિવાય કોઈ ન હોય તો આરતી દરમિયાન મંદિરમાં ઘંટ વગાડવાનું કામ પણ તેઓ કરે છે. આ બાબતે કોઈ પણ કોમે તેમનો વિરોધ ન કર્યો. કેમેરામાં મુન્નુમિંયાનો ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં છે તે શૉટ ચાલે છે અને ફરી કમાલ તેમના અંદાજમાં કહે છે : “અયોધ્યા કા સૈયદબાડા મહોલ્લા. સોલવીંહ સદીમેં ઇરાન સે આયે મીર અબુ તાલીમ ને બસાયા થા. તાઉમ્ર ઇસ તંગ સી ગલી મેં રહે મુન્નુમિંયા. મુન્નુમિંયા કા ઘર છોટા થા, કદ છોટા ઔર આમદની ભી છોટી. લેકિન દિલ ઇતના બડા થા કી ઉસમેં અપને મઝહબ કે અલાવા દુસરો કે મઝહબ કે લિએ ભી બહુત જગા થી. ઇસિલિએ તમામ બડેં બડે લોગ ઉનકે આગે બૌને નજર આતે હૈ. બાબરી મસ્જિદ ગિરાયે જાને કે બાદ સાત સાલ તક મુન્નુમિંયા ઇસ મંદિર કે મેનેજર રહે. 1999 મેં મુન્નમિંયા કા ઇન્તકાલ હો ગયા. … મુન્નુમિંયા કા જનાજા ઊઠા તો ઉસમેં કઈ સાધુ ભી શરીક હુએ. 92 મેં દંગા હુઆ થા તબ સાધુઓ ને ઉન્હેં મંદિર મેં છુપા દિયા થા.”

કમાલ પાસે અયોધ્યાની આવી અનેક સ્ટોરી છે, જેમાં હિંદુ-મુસ્લિમોનો સમન્વય એ રીતે થતો દેખાય છે કે તેમને કોઈ અલગ કરવાનું કે જોવાનું વિચારી ન શકે. પણ આ સમન્વય તરફ જ્યારે રાજકીયદૃષ્ટિ પડે છે ત્યારે કમાલ ખાન જેવાંની દૃષ્ટિ મહદંશે લોકોની સામેથી ઓઝલ થઈ જાય છે અને ફરી અયોધ્યાનું એ ચિત્ર આવીને આપણી સામે ખડું થાય છે જેમાં માનવતા નજરે નથી ચઢતી, ચડસાચડસી છે, એકબીજા પ્રત્યે દ્વેષ છે, ઉશ્કેરાટ છે, વિરોધ છે. જો કે કમાલ ખાન આવાં માહોલને પોતાના કામથી થોડુંઘણું નિર્મૂલન કરી શક્યા હતા, તેથી જ તો જ્યારે તેમના અવસાન પર અંજલિ આપવાની આવી ત્યારે તેમાં કોઈ એવો ભેદ ન રહ્યો. બનારસમાં જ્યાં તેમણે રીપોર્ટિંગ કર્યું અને લોકોના મનમાં જગ્યા બનાવી ત્યાં તો ગંગા આરતીના સમયે તેમને દિપ પ્રગટાવીને અંજલિ આપવામાં આવી.

અને છેલ્લે ફરી અયોધ્યા વિશે કમાલ : “જિસ અયોધ્યા મેં સવાલો સાલ સે જમીન કે છોટે સે ટુકડે પે યે તય નહીં હો પા રહા હૈ કી વહાં કિસકે ખુદા કી ઇબાદત હો, ઉસકે બિલકુલ પડોસ મેં, હનુમાનગઢી જમીન કા હિસ્સા વહાં કે મહંતને અયોધ્યા કે મુસલમાન કો મસ્જિદ બનાને કે લિએ દે દિયા.” કમાલની આવી અદ્દભુત સ્ટોરીઝ યૂટ્યુબ પર ઉપલબ્ધ છે, જેઓને કમાલદૃષ્ટિનું અયોધ્યા જોવું હોય તેઓ તે જરૂર જુએ.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,6571,6581,6591,660...1,6701,6801,690...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved