Opinion Magazine
Number of visits: 9746061
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુ.પી.માં યોગી ગયા?

ભરત મહેતા|Opinion - Opinion|1 March 2022

યુ.પી.માં ત્રણ ચરણની ચૂંટણી પૂરી થતાં જ વિસ્ફોટ થયો છે! લગભગ બધા જ સર્વેમાં યુ.પી.માં ભા.જ.પ.ની જીત પ્રત્યે શંકા સેવાઈ રહી છે. રાષ્ટ્રીય સ્તરે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં આમ જનતાએ સવા ત્રણસો બેઠકો આપી હતી! ત્યાં આજે પરિસ્થિતિ એવી થઈ છે કે ક્રિકેટની ભાષામાં કહીએ તો ભા.જ.પ. 'ડિફેન્સીવ’ રમી રહ્યું છે. કોરોનામાં ઑક્સિજન-દવાનો અભાવ, ગંગાનું શબવાહિની બનવું, પરીક્ષાના ગોટાળા, હાથરસમાં બળાત્કાર પીડિતાને મધરાતે બાળી દેવી, લખીમપુરમાં મંત્રીપુત્ર દ્વારા કિસાનો પર કાર ફરી વળવી અને કિસાનોની હત્યા થવી, હજ્જારો કિસાનો પર કેસ થવા – આ બધું જાણે પાપનો ઘડો ભરાયો હોય એમ ઊભરાયું છે.

સ્વભાવતઃ જ આક્રમક ભા.જ.પ. આક્રમક બનવા જાય છે ત્યાં હારની ગભરાટમાં લોચા મરાઈ જાય છે! યોગીનું ૮૦, ૨૦નું સૂત્ર હિંદુ-મુસ્લિમ સૂચવાતું હતું, પરંતુ એમને ફેરવી તોળવું પડ્યું કે વિકાસતરફી અને વિરોધી માટે બોલેલા! આ એક પ્રકારનાં ગલ્લાં-તલ્લાં છે. ટી. રાજાસિંહે ખુલ્લી સભામાં કહ્યું એમ બુલડોઝર મંગાવી રાખ્યાં છે, જે લોકો યોગીબાબાને વોટ નહીં આપે એ વિસ્તારમાં અમે બુલડોઝર ફેરવીશું. આમ, યોગીબાબા બુલડોઝરબાબા બની ગયા! અમદાવાદમાં આતંકીઓએ બૉમ્બબ્લાસ્ટમાં સાઇકલો વાપરેલી તેથી જેનું ચૂંટણીચિહ્ન સાઇકલ છે એ સમાજવાદી પક્ષનો દોરીસંચાર હોવો એમ કહેવું વડા પ્રધાનશ્રી મોદીજી માટે શોભાસ્પદ નથી! થોડાક દિવસ પહેલાં ખેડૂત આતંકવાદી હતો, હવે સાઇકલવાળા. મનમોહનસિંહે આ અર્થમાં જ કહ્યું કે તમે આવ્યા પછી પ્રજા સદ્ભાવ ઓછો થતો જાય છે. યોગીજી અને એમની નિકટ ગણાતા રણવેન્દ્રસિંહ (ધૂનીભૈયા) કહે છે કે ઊંચો અવાજ કાનમાં આવ્યો તો ૧૧ માર્ચ પછી વિપક્ષની ગરમી કાઢી નાંખશું – એ પણ ઘમંડી વિધાન છે. આ ધૂનીભૈયા હો કે મયંકેશ્વરસિંહ (અમેઠી-તિલોઈ) ધારાસભ્યો છે. એમની ભાષા સાંભળીને થાય છે કે ગુંડાગીરીની વાત ભા.જ.પ. કરી શકે? મયંકેશ્વરસિંહ કહે છે, 'હિંદુસ્તાનનો હિંદુ એક વાર જાગી ગયો ને તો દાઢી ખેંચી પાછળ ચોટલી બનાવી દેશે! હિંદુસ્તાનમેં રહેના હો તો રાધે રાધે કહેના હોગા. વિભાજન વખતે પાકિસ્તાન ગયા હતા એમ ચાલ્યા જાવ!’ વળી આ બધા રત્નો યોગીજીના નિકટતમ સાથીઓ ગણાય છે. ફરેંદાના ધારાસભ્યના ઉમેદવાર બજરંગ બહાદુર, યોગીના નિકટતમ. એમણે જાહેર સભામાં કહ્યું, ગયા વખતે ૭૩,૦૦૦ મત ભા.જ.પ. સિવાયનાને મળ્યા છે એ આ વખતે બન્યું તો હું ચૂપ નહીં રહું. સબકા સાથ મિલના ચાહિયે વરના સબકો વિકાસ (દૂબે) બના દેગે! પ્રજાને આમ ધમકાવવાથી કંઈ નહીં વળે, ડર કે આગે જીત હૈ એ પ્રજા જાણે છે. આનો પ્રભાવ એવો પડ્યો છે કે કાર્યકર્તાઓમાં આત્મવિશ્વાસ ઘટી જાય છે. ચૂંટણી સભામાં ખાલી ખુરશીઓ છે. નિયત ચૂંટણી સભાઓ ભા.જ.પે. રદ્દ કરવી પડી છે. રોડ શોમાં અમિત શાહ ગુસ્સે થાય છે, સ્મૃતિ ઈરાની રોડ શો છોડીને ચાલ્યાં જાય છે. હજુ બંગાળની કળ વળી નથી ત્યાં આ પડ્યા ઉપર પાટુ સમાન છે. અમે રામને લાવ્યા છીએ, હવે તમે અમને લાવો એમ કહેવું કેટલું અપમાનજનક છે. પ્રજાની સ્મૃતિ અને હૃદયમાં સદીઓથી રામ અંકિત છે. ભા.જ.પ.ના આ વિધાનની અસર પણ બૂમરેંગ થઈ છે.

હમણાં જ દીકરાના પ્રચારમાં કરહલ વિસ્તારમાં મુલાયમસિંહ આવ્યા એટલે અમિત શાહે કહ્યું કે – 'હારના ભયથી સમાજવાદીપક્ષે મુલાયમસિંહને લાવવાની ફરજ પડી.’ અરે! ભાઈ કરહલથી લડતા અખિલેશ એમના દીકરા છે. શું રાજનાથસિંહ દીકરાનો પ્રચાર નોઇડામાં નથી કરતા? બીજું, વિસ્તાર જ મુલાયમસિંહનો સંસદીય વિસ્તાર છે. હકીકતે તો આવાં વિધાનોમાં જ પરાજયનો પડછાયો વાંચી શકાય. આ વખતનું અને ૨૦૧૭નું પોસ્ટર જ જુઓ ત્યારે ખબર પડે કે ભા.જ.પ.માં આંતરકલહ પણ છે.

૨૦૧૭માં રાજનાથસિંહ, અમિત શાહ, યોગી, મોદી, સ્મૃતિ ઈરાની પોસ્ટરમાં હતા. આજે કેવળ મોદી-યોગી જ છે! રાજનાથસિંહ કે જેઓ યુ.પી.ના મુખ્ય મંત્રી હતા એમને ચૂંટણીમાં લગભગ ગેરહાજર રખાયા છે!

રામમંદિર સાથે યોગી કાયમ ન જોડાઇ જાય એવી ભીતિથી ભા.જ.પ.ની અંદરથી જ યોગીજીને અયોધ્યાના બદલે ગોરખપુર ખસેડવામાં આવ્યા હોય એવી શંકા પડે. જેમણે નગરપાલિકાનો પણ વહીવટ નથી કર્યો એવા યોગીજી સીધા મુખ્ય મંત્રી બન્યા ત્યારે આ વાત કહીને જ અમિત શાહે ટીકા કરી હતી. જેમણે અમિત શાહના દીકરા જય માટે BCCIમાં એમના મોટા ભાઈ હોઈને જોગવાઈ કરી આપી એ અનુરાગ ઠાકુર યુપીની ચૂંટણીમાં સર્વત્ર નજરે પડે છે.

રાજ્યનું ૭૦% બજેટ ન વાપરી શકનાર યોગીજી બિનકાર્યક્ષમ છે એ પ્રજામાં પુરવાર થઈ ગયું. જે  દલિત-જાટ વોટથી ૨૦૧૭માં ભા.જ.પ.માં ચૂંટાયેલા એ જાટ, દલિત, બ્રાહ્મણો હવે એમનાથી ભાગી રહ્યા છે. હિંદુ-મુસ્લિમનું ધ્રુવીકરણ મુઝ્ફ્ફરનગરની ૨૦૧૩ની ઘટના પછી કારગર નીવડેલું એ આજે નજરે પડતું નથી. સમાજવાદી પક્ષે યાદવાસ્થળી અટકાવીને સર્વસમાવેશી નીતિ અપનાવી એ એમને લાભદાયી નીવડી રહી છે. જે સમાજવાદી પક્ષ પર મોદી-યોગી-શાહ 'ગુંડાગરદી’, 'તમંચાવાદી’ આક્ષેપ કરે છે એ લોકો NCBના રિપોર્ટ વાંચતા જ નથી! કેન્દ્ર સરકારના રિપોર્ટમાં જ, અમિત શાહના ગૃહમંત્રાલયના આંકડા જ ગુનાખોરી વધી છે તે બતાવે છે! બારમા પછી ઇન્ટરમાં લૅપટૉપ જેવાં હસ્યાસ્પદ વિધાનો ચાણક્ય કરી રહ્યા છે.

શિવરાજસિંહ ચૌહાણ, વસુંધરા રાજે, નીતિન ગડકરી, રાજનાથસિંહને મોદી-શાહની જોડીએ હાંસિયામાં ધકેલી દીધાં છે. આ જ ક્રમમાં ભાવિ વડા પ્રધાન ગણાતા યોગી અદિત્યનાથનો વારો છે એવું લાગે! ભા.જ.પ. જીતે કે ન જીતે, યોગી સ્થાનભ્રષ્ટ થશે એમાં કોઈ શંકા નથી. વારંવાર અમિત શાહ યોગીજીનો પ્રશાસનિક અનુભવ શૂન્ય છે એમ કહેતા હતા. એ બધાનો સરવાળો ૧૦મી માર્ચ પછી થશે. પહેલાં મોદીજી કપડાંથી બધાને ઓળખી જતા, હવે સાઇકલ ચલાવવાવાળાને ઓળખી ગયા છે. હકીકત એ છે કે પ્રજા દેશ ચલાવવાવાળાને ઓળખી ગઈ છે. અહીં તો અમે બે, અમારાં બે-નો ઘાટ છે. અદાણી, અંબાણી, મોદી અને અમિત શાહ. આ એકહથ્થુપણાની નીતિને યુ.પી.ના મતદારોએ પડકારી છે એટલું નક્કી. યુ.પી.માં એકાએક પીચે ટર્ન લઈ લીધો છે એટલે ખેલાડીઓ નાસીપાસ થયા છે. પાંચ રાજ્યોનાં પરિણામો ક્યાંક ભા.જ.પ.ની ગરમી ઉતારી નાંખે તો નવાઈ નહીં!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 06

Loading

‘મનરેગા’માં ભ્રષ્ટાચાર

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 March 2022

દેશના ગ્રામીણ વિસ્તારોનાં બજારોને રોજગારી આપવા માટે મનરેગા યોજનામાં મહાત્મા ગાંધી ‘નૅશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ’ દ્વારા સામાજિક ઑડિટ કરવામાં આવ્યું હતું. એમાં આ યોજના હેઠળ ચાલતાં ૧૮૬૯ પ્રોજેક્ટ પૈકી કેટલાક તપાસવામાં આવ્યા હતાં. એમાં દર્શાવવામાં આવેલા મજૂરો કરતાં ઓછા મજૂરો કામ કરતા માલૂમ પડ્યા હતા.

કોઈક લૂમમાં રોલ ઉપર ૨,૭૯૮ કામદારો હોવાનું નોંધાયું હતું, પણ વાસ્તવમાં ૧,૨૫૩ કામદારો કામ કરતા હતા. અન્યત્ર રોલ ઉપર ૭,૮૫૯ કામદારો દર્શાવવામાં આવ્યા હતા, પણ વાસ્તવમાં ૧,૩૪૮ કામદારો કામ કરતા માલૂમ પડ્યા હતા. એ જગ્યાએ માત્ર પાંચ ટકા કામદારો સ્થળ ઉપર હાજર હતા. એકંદરે ૧.૫૯ લાખ કામદારો નોંધ્યા હતા. એમાંથી ૭૫ ટકા કામદારો સ્થળ ઉપર હાજર હતા. આમાં કોન્ટ્રાક્ટરો કામદારોનાં નામ નોંધે છે. એમને થોડું કમિશન આપે છે. બાકીની રકમ એ લોકો લઈ જાય છે. ઝારખંડમાં ૯.૩૪ કરોડની મજૂરદિવસોની રોજગારી અપાઈ હતી. એકંદરે ૨૮ લાખ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવી હતી. આમાં ખરેખર કેટલાં કામદારોને રોજગારી અપાઈ હશે તે પ્રશ્નાર્થ રહે છે. ઑડિટ પ્રમાણે ચાલીએ તો શંકા પ્રબળ બને છે. આ યોજના પાછળ રૂ. ૨,૬૩૭ કરોડ ખર્ચાયા હતા. એમાંથી કેટલાં ભ્રષ્ટાચારમાં ગયા હશે એ પ્રશ્ન  આપણને રહે છે.

આ એક કલ્યાણ કાર્યક્રમ છે. જે દેશમાં સામાજિક સલામતીની કોઈ યોજના નથી એમાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોને ૧૦૦ દિવસની રોજગારી પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ કામોમાં વેતન કાયદાથી ઠરાવેલા ન્યૂનતમ વેતનદર આપવાનો ખ્યાલ છે. આમ, આ યોજનાનો ઉદ્દેશ સારો છે, પણ આપણું ભ્રષ્ટ વહીવટી તંત્ર એના ઉદ્દેશને પાર પાડવામાં અવરોધક છે. ભારત જેવાં બિનકાર્યક્ષમ અને ભ્રષ્ટ વહીવટીતંત્ર ધરાવતા દેશમાં કલ્યાણ યોજનાઓ કેમ મહદંશે નિષ્ફળ જાય છે. એનો ખુલાસો આ ઑડિટમાંથી સાંપડે છે. પૂર્વે દુકાળના સમયે લોકોને રોજગારી આપવા માટે જે રાહત કાર્યો હાથ ધરવામાં આવતાં હતાં એમાં જે ગેરરીતિઓ ચાલતી હતી એ મનરેગામાં મોટા પ્રમાણમાં ચાલી રહી છે, એનું ચિત્ર આ સામાજિક ઑડિટમાંથી સાંપડે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 07

Loading

માર્કેટપ્લેસની માયાજાળ વિ. નાનું તે સોહામણું

નિલેશ પ્રિયદર્શી|Opinion - Opinion|1 March 2022

સૃષ્ટિના સંતુલિત જીવનચક્રમાં સૂક્ષ્મથી લઈને નાનામોટા સૌ સજીવોનું સક્રિય યોગદાન રહેલું છે. જ્યારે આ સંતુલન ખોરવાય ત્યારે કોરોના જેવી મહામારી આ ધરતી પર ત્રાટકે છે. આવી એક સર્વસામાન્ય સમજ મોટા ભાગના લોકોએ અનુભવ પરથી કેળવી છે.

આપણે સૂક્ષ્મ જીવો પ્રત્યે કેટલા સંવેદનશીલ છીએ તે સમજ ત્યારે જ આવી શકે જ્યારે આપણે માનવજાત માટે સંવેદનશીલ હોઈએ, અને તેમાં ય એવો વર્ગ કે જે સંશોધનો તેમ જ તકોથી વંચિત છે.

દેશમાં ખેતી પછી સૌથી વધુ રોજગાર આપતું હસ્તકલાનું ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલ કારીગર આજે પણ બિચારો બનીને તેની નૈયાને પાર કરાવવા મથામણ કરી રહ્યો છે.

આવા નાના કારીગરો ખરેખર આપણા વૈવિધ્યપૂર્ણ કલાવારસાના સાચા સંરક્ષક છે.

શું આપણે ખરેખર આવા નાના કારીગરો પ્રત્યે સંવેદનશીલ છીએ? શું આપણે તેમને કે તેમની કલાને ક્યારે ય પ્રોત્સાહન આપ્યું છે? તેમને તેમની કલા પ્રત્યે માન-સન્માન ઊભું થાય તેવું વાતાવરણ તૈયાર કરવામાં આપણે નિષ્ફળ રહ્યા છીએ તે સત્ય સ્વીકારવું રહ્યું.

શિક્ષણ, સંશાધનો, બિઝનેસ, ડિઝાઇન અને મૅનેજમેન્ટ સ્કિલના અભાવના કારણે જ્યાંથી પણ તક મળે તે દિશામાં કારીગર દોડવાની કોશિશ કરે છે, ત્યારે ઘણી વખત કોઈક ને કોઈક તબક્કે કારીગરનું શોષણ થાય છે. ઘણી વાર તો કારીગરને તેની ખબર પણ પડતી નથી.

હસ્તકલાના સાવ અલિપ્ત રહેલા ક્ષેત્રમાં મૂડીવાદી લોકોને તેમ જ ઉદ્યોગગૃહોને મોટી તકો દેખાઈ રહી છે અને તેનો ફાયદો લેવા મૂડીવાદના જોરે દબદબો ઊભો કરી રહ્યા છે.

ટેક્નોલૉજીથી અલિપ્ત રહેલા કારીગર માટે માર્કેટપ્લેસ ઊભું કરીને તેને વેચાણની તકો આપવી તે સરાહનીય છે, પરંતુ કારીગરની કલા પર મોટો નફો કમાઈને તેને માર્કેટથી અલિપ્ત રાખવા તે એટલું જ નીંદનીય છે. એનાથી આગળ વધીને પોતાનું ખુદનું પ્રોડક્શન યુનિટ ખોલીને કારીગરને મજૂરી પર રાખવો તે શોષણના આધુનિક મૉડલનો ઉત્તમ પુરાવો છે.

વૈશ્વિકીકરણના આ યુગમાં દરેક વ્યક્તિ રેસમાં આગળ નીકળવા દોડી રહી છે. નાના કારીગરનો હાથ પકડીને તેને આગળ કરવાને બદલે તેનું શોષણ કરીને આગળ વધવાની થિયરી લાંબા ગાળે મોટું નુકસાન કરશે.

આપણે આપણી આજુબાજુ તીવ્ર હરીફાઈનું વાતાવરણ ઊભું કર્યું છે, જેનાથી કારીગરને પણ લાગવા માંડ્યુ કે મારે મોટા બનવું પડશે. મારે પણ દોડવું પડશે. હસ્તકલાના ક્ષેત્રમાં ચકલીની જેમ ધીરજથી પોતાનું કાર્ય કરીને ખુશ રહેતો કારીગર, વૈશ્વિકીકરણની દોડમાં બાજ બનવાની કોશિશ કરે છે તે કેટલે અંશે વાજબી છે? બાજ બન્યા પછી તે ઊંચાઈ પર ટકી રહેવા કેટલા શિકાર કરવા પડશે તે વિચારવાલાયક પ્રશ્ન છે.

શું મોટા બનવું તે જ વિકાસની પરિભાષા છે? શું નાના રહીને પોતાની ઓળખ જાળવી રાખીને શ્રેષ્ઠ બનવું તે વિકાસનો માપદંડ ના હોઈ શકે?

હસ્તકલા ક્ષેત્રે કામ કરતો કારીગર ચકલીની જેમ પોતાનું સર્વશ્રેષ્ઠ આપીને લોકોના દિલમાં સ્થાન મેળવી શકે છે, જે એક બાજ ક્યારે ય મેળવી શકતું નથી.

કૉર્પોરેટ બિઝનેસ મૉડલ, માર્કેટપ્લેસની માયાજાળ અને ટૂંકા ગાળાના લાભોથી પર રહીને “સ્મૉલ ઇઝ બ્યૂટીફૂલ”ની થિયરી પર આગળ વધવું, પોતાની ખૂબીઓ અને ખામીઓ શોધીને ઓળખ પ્રસ્થાપિત કરવી તેમ જ નૈતિક મૂલ્યો જાળવી રાખીને શ્રેષ્ઠ બનવું તે જ આવનારા સમયની માંગ છે.

(ફાઉન્ડર, કારીગર ક્લિનિક)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 08

Loading

...102030...1,6461,6471,6481,649...1,6601,6701,680...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved