Opinion Magazine
Number of visits: 9745929
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોકરી ન આપીને ગુજરાત સરકાર કુહાડા પર પગ મારી રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 March 2022

જ્યાં પણ ભા.જ.પ.ની સરકાર છે, એક પ્રકારનો અહંકાર અને તુમાખી ઘર કરી ગયાં હોય એ રીતે તે વર્તતી જોવા મળે છે. અપવાદો હશે, પણ મોટે ભાગના મંત્રીઓ ઉદ્ધત અને અવિવેકી છે. પ્રજામાં અને સરકારમાં જૂઠાણું લોહીમાં આવી ગયું છે. મંત્રીઓનું ને સરકારોનું કોઈ કૈં બગાડી શકે એમ નથી એવા વહેમમાં સરકારો પ્રજાની ધરાર અવગણના કરી રહી છે. આ સારું નથી. જો કેંદ્રમાંથી, છ દાયકાઓથી અડ્ડો જમાવીને પડેલી કાઁગ્રેસી સરકારને આ જ પ્રજાએ ઉખેડી ફેંકી હોય તો ભા.જ.પ.ને તો દાયકો ય નથી થયો. એને બદલવા કૈં છ દાયકા રાહ જોવી પડે એમ નથી, એટલે અપેક્ષિત એ છે કે ભા.જ.પ.ના મંત્રીઓ જૂઠાણાં બંધ કરીને વિવેકી થાય. એમ નહીં થાય તો સરકાર કુહાડા પર પગ મારી રહી છે તે સમજી લેવાનું રહે. એટલું જરૂર થયું છે કે ગુજરાતમાં નવા ભા.જ.પી. મંત્રીઓએ અગાઉના મંત્રીઓની પોલ ખોલી નાખી છે. ઉદાહરણ તરીકે, રાજ્યના પૂર્વ નાણા મંત્રી નીતિન પટેલ પણ કેટલા પોકળ દાવાઓ કરતા હતા તે હાલના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ખુલ્લું પડી ગયું છે. જો હાલની સરકાર બદલાય તો નવી આવેલી સરકાર તેનાં કપડાં ખેંચે તો નવાઈ નહીં ! આ વસ્ત્રાહરણ ચાલ્યાં કરશે, પણ એમાં પ્રજાની હાલાકી વધે છે એની ચિંતા સરકારને નથી તે દુ:ખદ છે. પ્રજા હવે કોઈ પણ સરકારની ચિંતાનો વિષય જ નથી. પ્રજાનું પૂરી બેશરમીથી અને પૂરી બેરહેમીથી બધી જ બાજુએથી શોષણ કેમ કરવું એ જ સરકારનો હવે એક માત્ર ઉદ્દેશ રહી ગયો છે. સરકાર તમામ સ્તરે ધંધો જ કરે છે ને પ્રજાને ખર્ચે ને જોખમે કરે છે તે વધારે શરમજનક છે.

વિદ્યાર્થીઓની તમામ સ્તરે પરીક્ષા લેવાનો કોરોના કરતાં પણ ભયાનક રોગ સરકારોને લાગ્યો છે. એમાં  ગુજરાત સરકાર પણ બાકાત નથી. સરકાર પરીક્ષાઓ એટલે લીધે રાખે છે કે એની ફીમાંથી નફો થાય છે. એનો આનંદ છે કે હોંશિયાર વિદ્યાર્થીઓને સરકાર શિષ્યવૃત્તિ આપે છે. આ હોંશિયાર વિદ્યાર્થીઓ કેવી રીતે નક્કી થાય છે? તો, કે પરીક્ષા દ્વારા ! પરીક્ષા લેવાય એટલે ફી તો રાખવી જ પડે. એ ફી નફો કરાવે છે. કેવી રીતે તે જોઈએ. ગયા ફેબ્રુઆરીમાં ધોરણ 6ની, 1,000 વિદ્યાર્થીઓને એક વખત અપાતી, 750 રૂપિયા શિષ્યવૃત્તિ માટે પરીક્ષા લેવાઈ. પ્રાઇમરી(ધોરણ 6)ના 1,75,640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ને તેની પાસેથી વિદ્યાર્થી દીઠ 40 રૂપિયા ફી વસૂલાઈ. ફીની આવક થઈ 70,25,600 રૂપિયા. 750 લેખે 1,000 ને શિષ્યવૃત્તિ આપવાના 7,50,000 થાય. ટૂંકમાં, આ વેપારમાં સરકાર રોકાણ વગર 70,25,600 રૂપિયા મેળવે છે, તેમાંથી 7,50,000ની શિષ્યવૃત્તિ, સરકાર દાન કરતી હોય તેમ ચૂકવશે ને 62,75,600ની કમાણી કરશે. કોઈ ભક્ત એમ કહી શકે કે પરીક્ષાની વ્યવસ્થાનો ખર્ચ પણ થાય, એટલે બધો જ નફો છે એવું નથી, કબૂલ, પણ એ ખર્ચ નફા જેટલો તો નહીં જ હોય ને લાગે છે કે નફા જેટલો જ ખર્ચ હોય તો સરકાર એવા ધંધામાં હાથ નાખે? અહીં તો એક ઉદાહરણ લેખે જ વાત કરી છે. એવાં બીજાં ઉદાહરણો પણ મળી જ રહેશે. લોકોને પૈસે જ લોકોને દાન કરીને કમાવાની રીત સરકારોને આવડી ગઈ છે. લગભગ બધી સરકારો ‘આવક તે જ બચત’ને ધોરણે સક્રિય છે ને ખર્ચ નાછૂટકે કરીને એમાં પણ દાનત તો કમાણીની જ રાખે છે.

ગયે વર્ષે નાણા મંત્રી તરીકે બજેટ રજૂ કરેલું ત્યારે નીતિન પટેલે જાહેરાત કરેલી કે આગામી પાંચ વર્ષમાં 22 લાખ નોકરીઓ આપવામાં આવશે, જેમાં સરકારી ક્ષેત્રે 2 લાખ અને અન્ય ક્ષેત્રે 20 લાખ નોકરીઓ અપાશે. એ પછી નીતિન પટેલની નીતિઓ તો ન બદલાઈ, પણ નીતિન પટેલ પોતે જ બદલાઈ ગયા. એ પછી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ સક્રિય થયું ને આ વર્ષે જે બજેટ રજૂ થયું એમાં બેરોજગારી અંગે જે વાતો બહાર આવી છે તે જાણવા જેવી છે. એવું તો નથી લાગતું કે હાલની સરકાર આગલી સરકારની પોલ ખોલવા જ બની છે, કારણ એમ કરવા જતાં પોલ તો સરવાળે ભા.જ.પ.ની ખૂલવા જેવું થાય ને એવું કેન્દ્રમાં બેઠેલા મોવડીઓ ન થવા દે. એટલે એવું બને કે હાલના મંત્રીઓ આગલા મંત્રીઓની જવાબદારી પોતાની ઉપર ન આવી પડે એટલે હકીકતો બહાર પાડતાં હોય. પણ, હકીકતો આવી સામે આવી છે. જેમ કે, રાજ્યમાં શિક્ષિત બેકારો 3,46,436 છે ને અર્ધશિક્ષિત બેકારોની સંખ્યા 17,816 છે. એટલે કુલ બેરોજગારો 3,64,252 થાય. આટલા બેરોજગારોની સામે ઉઘાડી હકીકત એ છે કે બે વર્ષમાં 1,278ને જ સરકારી નોકરીઓ આપી શકાઈ છે. એવું પણ સરકાર તરફથી જ જાહેર થયું છે કે રાજ્યમાં 16 જિલ્લાઓ એવા છે જેમાંથી એકને પણ રોજગારી આપી શકાઈ નથી. હવે સરકારના જ આંકડાઓ લઈને વાત કરીએ તો 3.64 લાખ નોંધાયેલા બેરોજગારો કરતાં ગયે વર્ષે તો બેકારોની સંખ્યા ઓછી જ હશે તો 22 લાખ નોકરીનું રણશિંગુ ફૂંકવાની નીતિન પટેલને જરૂર કેમ પડી? આજના ચારેક લાખ બેકારો માન્ય કરીએ તો પણ 18 લાખ નોકરીઓ એવી ફાજલ પડે કે નોકરી હોય, પણ નવરું કોઈ ન હોય, કારણ બધાં જ નોકરીવાળા થઈ ગયાં હોય, જ્યારે વાસ્તવિકતા એ છે કે બે વર્ષમાં 1,300 માણસો માટે પણ રોજગારી ઊભી કરી શકાઈ નથી. નથી લાગતું કે લોકોને હોલસેલમાં ઉલ્લુ બનાવાઇ રહ્યા છે? ચારેક લાખ નોકરીની જરૂર હોય ત્યાં 22 લાખને નોકરી આપવાનું કોઈ શેખચલ્લીને ય ન સૂઝે –

વડોદરા જિલ્લામાં જ સૌથી વધુ 26,921 બેકારો છે, પણ એમાં બે વર્ષમાં એકને પણ નોકરી આપી શકાઈ નથી. અમદાવાદ જિલ્લામાં 26,628 બેરોજગારોની સામે માંડ 25 જણાંને જ સરકારી નોકરી આપી શકાઈ છે. એવા બીજા જિલ્લાઓ પણ છે જ ! આવું કેમ થાય છે? નોકરી ખરેખર ઊભી કરવાને બદલે સરકાર નોકરીના અવાસ્તવિક આંકડા જાહેર કરીને જ કેમ રહી જાય છે? એમ કરીને એ પ્રજાને ભલે ઉલ્લુ બનાવે, પણ જ્યાં જગ્યાઓ ખાલી છે ત્યાં સરકાર ભરતી ન કરીને બેરોજગારીમાં વધારો જ કરે છે કે બીજું કૈં? એમ કરવાથી એને શું લાભ થાય છે? લાભ થાય પણ છે? તો એનો જવાબ છે કે સરકાર આ બધું જાણીબૂઝીને કરે છે. દાખલા તરીકે શિક્ષકોની ભરતી સરકાર ઓછી જ કરે છે. શિક્ષકો પણ પ્રવાસી કે હંગામી ધોરણે રાખે છે. તે એટલે કે એમને પૂરો પગાર ન આપવો પડે કે કાયમી નોકરિયાતને જે લાભ મળે છે તે ન આપવા પડે. એવું જ બીજી સંસ્થાઓ માટે પણ ખરું. આમ કરીને તો સરકાર ખર્ચ જ બચાવે છે. 10ની જરૂર હોય ત્યાં બે માણસોને કામચલાઉ રાખે તો તેને પગાર ઓછો આપવો પડે ને 10 ને બદલે 2 રખાય તો 8નો પગાર બચે. આવું સરકાર જ કરે છે એવું નથી, ખાનગી સંસ્થાઓ પણ આવું જ કરતી હોય છે. ઓછા ખર્ચે ને વધુ નફે, બહોળા વેપારની નીતિ સરકાર અપનાવે છે. આમ પૈસા બચાવીને ઓછાં માણસોથી કામ લેવામાં નફો કદાચ વધતો હશે, પણ સરવાળે તો એમાં નુકસાન છે. કોઈ બેન્ક ઓછા સ્ટાફે કામ કાઢે ને પછી કોઈ ફ્રોડ થાય તો ત્યાં જરૂરી સ્ટાફના અભાવમાં એવી ગરબડો થાય એ શક્ય છે. એવે વખતે કરાયેલી બચત નિરર્થક પુરવાર થાય છે ને મોટું નુકસાન વેઠવાનું આવે છે. મોટા ભાગની ઓફિસો અડધા સ્ટાફથી ચાલે છે એટલે થવાં જોઈએ તે કામ થતાં નથી ને ન થવાં જોઈએ તે થાય છે. આંગળાં ચાટીને પેટ ભરવામાં તો પેટ બીજાનું જ ભરાય છે તે સમજી લેવાનું રહે.

એનું આશ્ચર્ય જ છે કે કરકસરની આ નીતિ સરકાર પોતાને માટે નથી રાખતી. સાંસદો કે વિધાનસભ્યો નોકરી નથી કરતા, તો પણ આખા વર્ષનો પગાર ઓછાં દિવસોમાં કામ કરીને મેળવે છે. બીજાનો પગાર વધારવા સરકાર આનાકાની કરે છે, પણ પોતાનો પગાર વધારવાનો જરા ય સંકોચ સરકારોને થતો નથી. આમ તો બીજે બધેથી પેન્શન નીકળતું ગયું છે, પણ વિધાનસભ્ય કે સાંસદને પેન્શનની મનાઈ નથી. કઇ નોકરી, પાંચ વર્ષ કરવાથી પેન્શન ચાલુ થઈ જાય તે નથી ખબર, પણ સાંસદ કે વિધાનસભ્ય એક ટર્મ પૂરી કરે કે પેન્શન શરૂ થઈ જાય છે. કોઈ નોકરિયાતની વેરાપાત્ર આવક પર આવકવેરો માફ નથી, પણ સાંસદો કે વિધાનસભ્યોની આવક પર આવકવેરો લાગતો નથી. કેમ જાણે સદાવ્રત ખૂલ્યું છે ! સરકાર પોતાનું પેટ વધારતી જ જાય છે ને બીજાનું પેટ કાપવાનું ચૂકતી નથી તે જગજાહેર છે. આવું થાય ત્યારે સરકાર પ્રજાનો ભરોસો ગુમાવે છે. જેની સરકાર વેપારી તેની પ્રજા ભિખારી – એવું અમસ્તું તો નહીં કહેવાયું હોય …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 માર્ચ 2022

Loading

પુનઃ એકદા શયનેષુ –

યોગેશ ભટ્ટ|Poetry|11 March 2022

સ્વચ્છસુઘડસુંવાળી શૈયે
નાઇટલેમ્પની લી-લા-શ ઓઢી
ઉજાગરો ઘસઘસા…ટ ઊંઘે!

ગોળગોળ ઘડિયાળી ટક્ ટક્‌ના અજવાળે
અડખપડખમાં એકબીજીને ચાર દિવાલી આંખો તાકે
નીંદરનાં જીવજંતુ બેસે ઊઠે ઊડે, ઝીણું એવું ડંખે –
– તેના તાતી તરાપ મારી ઝ…પ્ પ્ ગરોળી શિકાર ખેલે!
ઉજાગરો ઘસઘસા…ટ ઊંઘે!

કરોળિયાની સુક્કી  – ગંઠાઈ ગયેલી લાળે આખ્ખો બની ગયો છે પંખો!
ચો દિશાએ જાળું રેશમિયા પવનનું ગૂંથે ફરતો ફરતો!
આકાશેથી તારાઓના લૂમ્બ….ઝૂમ્બ ઝૂમખાંઓ તેમાં ઝૂલે!
ઉજાગરો ઘસઘસા…ટ ઊંઘે!

કેફભર્યા પાપણનાં પીણાં પીરસાણાં, તે સુક્કા હોઠ પલાળે;
ખીચોખીચ –
તસુતસુમાં તસતસતું આ હોવું
એકબીજામાં એકમેકને લોપે!
સ્વચ્છ સુંવાળી શૈયામાં સળવળતા સૂરજ ખરબચડા કંઈ ઊગે!
ઊજાગરો દિવાસ્વપ્નોમાં ડૂબે!

૧૧.૦૩.'૨૨

Loading

આભાસી શિક્ષણનું જમીની વાસ્તવ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|11 March 2022

અભૂતપૂર્વ શૈક્ષણિક કટોકટીમાં છેલ્લાં બે એક વરસોથી દેશ અને દુનિયા જીવી રહ્યાં છે. કોરોના મહામારીના કપરા બે વરસોથી વિશ્વના ભારતની કુલ વસ્તી જેટલાં બાળકો શાળાઓથી દૂર રહ્યાં હતાં. ભારતમાં ૧૫.૫ લાખ શાળાઓના ૨૪.૮ કરોડ વિધ્યાર્થીઓ લાંબા સમયથી શાળાબંધી સહન કરી રહ્યાં છે. શાળા, શિક્ષકો, દોસ્તારો, ખાણીપીણી, રમતગમત અને એવી કંઈક ચીજોથી દૂર બાળકોના મનમાં ચાલતી ઉથલપાથલ અંગે સમાજ અને સરકાર બેપરવા લાગે છે. ભૌતિક રીતે લાંબા સમયથી બંધ શિક્ષણ આભાસી રીતે ચાલુ જ હોવાના દાવાઓ જરૂર થાય છે, પણ જમીની સચ્ચાઈ સાવ જુદી છે.

ઓનલાઈન શિક્ષણમાં જેટલી પ્રાથમિકતા ઉપલા ધોરણોને અપાય છે તેટલી નાના બાળકોને અપાતી નથી. ત્રણથી છ વરસના પૂર્વ પ્રાથમિક અને પહેલા-બીજા ધોરણના બાળકો અને તેમનાં વાલીઓ શાળાકીય શિક્ષણ તથા તત્સંબંધિત પ્રવૃતિઓ બંધ હોવાની સૌથી વધુ પીડા ભોગવી રહ્યા છે. છેલ્લા બે વરસમાં પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ઘટી છે. ૨૦૧૮માં ગ્રામીણ ભારતમાં છ થી દસ વરસના ૧.૮ ટકા બાળકો શાળા બહાર હતા. આ વરસે તે વધીને ૫.૩ ટકા થયા છે.

નર્સરી અને જુનિયર-સિનિયર કે.જી.નું ઓનલાઈન શિક્ષણ બાળકો અને તેમના માવતર માટે ભારરૂપ બની ગયું છે. બાળકોના શિક્ષણ પ્રવેશનો આ ગાળો વર્ગખંડ શિક્ષણ કરતાં રમતગમત, હળવા-મળવા અને દેખભાળનો છે. પરંતુ બાળક ઘરમાં જ પૂરાઈને ભણતું હોવાથી તેના મનમાં કદાચ શાળા અને શિક્ષણ પ્રત્યે દુર્ભાવ પેદા થવાની ભીતિ રહે છે. વળી માતાપિતાએ જ શિક્ષકની ભૂમિકા નિભાવવાની આવે છે અને તેઓ મોટે ભાગે બાળશિક્ષણના નિષ્ણાત ન હોવાથી બાળકની શાળાવિમુખતા વધી શકે છે. આ બધી બાબતો તો ભણેલા, થોડા સમૃદ્ધ અને ઓનલાઈન શિક્ષણ જેમની પહોંચમાં છે તેમને લાગુ પડે છે. પરંતુ બહુ મોટો ગરીબ વર્ગ તેની બહાર છે.

કોરોના કાળના આભાસી શિક્ષણની મર્યાદાઓ અનેક સર્વેક્ષણો અને અધ્યયનોમાં છતી થઈ છે. ભારે સામાજિક-આર્થિક અસમાનતા ધરાવતા ભારતમાં ઓનલાઈન શિક્ષણના ઉપકરણો(કમ્પ્યૂટર, લેપટોપ, સ્માર્ટફોન)ના અભાવે પેદા થયેલો ડિજિટલ ડિવાઈડનો ભેદભાવ નાનોસૂનો નથી. ‘એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ’ (અસર) ૨૦૨૧માં ડિજિટલ ડિવાઈડની વ્યાપકતા અને અસરો નોંધાઈ છે. દેશમાં મોબાઈલ ફોનની ખપત વધી છે ૨૦૨૦માં દેશના ૬૧.૮ ટકા ઘરોમાં મોબાઈલ ફોન હતા જે વધીને ૨૦૨૧માં ૬૭.૬ ટકા થયા છે, પણ હજુ તે બધાની પહોંચમાં નથી. બિહારના ૪૫.૬ ટકા, પશ્ચિમ બંગાળના ૪૧.૬ ટકા અને ઉત્તર પ્રદેશના ૪૧.૧ ટકા બાળકોના ઘરમાં હજુ સ્માર્ટ ફોન પહોંચ્યો નથી. એટલે આ રાજ્યોના અડધોઅડધ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ એક સ્વપ્ન છે.

જે પરિવારો પાસે ફોન છે તે કુટુંબની મુખ્ય વ્યક્તિનો હોઈ તેની બાળકોના ઓનલાઈન શિક્ષણ માટેની ઉપલબ્ધતા સીમિત છે. ઘરના એક કરતાં વધુ બાળકોના એક જ સમયે ઓનલાઈન શિક્ષણ માટે તો ઓર મુશ્કેલીઓ છે. શહેરોમાં ૨૪ ટકા અને ગામડાંઓમાં ૧૫ ટકા જ બાળકો નિયમિત ઓનલાઈન ભણી શકે છે. ગ્રામીણ દલિત-આદિવાસી માત્ર ૪ ટકા અને કથિત ઉચ્ચ વર્ણના ૧૫ ટકા જ બાળકો ઓનલાઈન શિક્ષણના નિયમિત લાભાર્થી હતા, આ હકીકત દેશનો કેટલો મોટો વર્ગ શિક્ષણથી વંચિત રહ્યો છે તે દર્શાવે છે. ગરીબ વંચિત સુધી શિક્ષણ પહોંચ્યું નથી. ત્યારે આભાસી શિક્ષણે શિક્ષણના ક્ષેત્રે અગાઉથી પ્રવર્તતી વિષમતાની ખાઈને વધુ પહોળી અને ઊંડી બનાવી છે.

શાળાઓ બંધ હોવાથી લાંબા અને ટૂંકા ગાળાની અસરો શિક્ષણ પર પડી છે. અજીમ પ્રેમજી યુનિવર્સિટીના અભ્યાસનું તારણ છે કે પ્રાથમિક શાળાના ૮૨થી ૯૨ ટકા વિદ્યાર્થીઓએ ભાષા અને ગણિત કૌશલ ગુમાવ્યું છે. અર્થશાસ્ત્રી જ્યાં દ્રેજ [Jean Drèze] અને અન્યનો અભ્યાસ જણાવે છે કે વંચિત વર્ગોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રસાર ખૂબ ઓછો છે આભાસી શિક્ષણ તેમના માટે અભિશાપ નિવડ્યું છે. કેમ કે ઓનલાઈન શિક્ષણની સામગ્રી ઉપલબ્ધ નહોતી, ગરીબ-અભણ વાલીઓને તેની કશી જાણકારી નહોતી, નાનાં બાળકો ઓનલાઈન શિક્ષણ યોગ્ય રીતે સમજી શકતા નહોતા કે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નહોતા. ધોરણ ૩થી ૫ના ગ્રામીણ બાળકો ૪૨ ટકા અને શહેરી બાળકો ૩૫ ટકા જ થોડું વાંચી શકતા હતા. ગામડાંઓમાં ૭૫ અને શહેરોમાં ૭૬ ટકા બાળકોની વાંચવાની ક્ષમતા ઘટી છે. ૧૦થી ૧૪ વરસનાં બાળકોનો રાષ્ટ્રીય સાક્ષરતા દર ૨૦૧૧માં ૯૧ ટકા હતો તે એક દાયકે ઘટીને ગામડાંઓમાં ૬૬ અને શહેરોમાં ૭૪ ટકા થયો છે. શાળાઓ બંધ હોવાથી તે હજુ ઘટશે અને શિક્ષણના નબળા સ્તરની અસરો લાંબાગાળા સુધી જોવા મળશે.

સંપન્ન અને શહેરી ઈન્ડિયાનાં બાળકોનાં શિક્ષણ પર લર્નિંગ એપ્સ અને ટ્યુશન-ટ્યુટોરિયલ ક્લાસીસના કારણે ખાસ અસર જોવા મળશે નહીં. પરંતુ ગરીબ વંચિત ભારતનાં બાળકોનાં શિક્ષણ પર ભરપાઈ ન થઈ શકે તેટલી મોટી અસર થઈ છે. ‘રાઈટસ ટુ એજ્યુકેશન ફોરમ’નો મત છે કે ભારતમાં ૧ કરોડ બાળકીઓ શિક્ષણ છોડી દેશે. તેઓ ગરીબ માબાપના વૈતરાંમાં જોતરાઈ ગઈ છે. બાળલગ્ન, બાળશ્રમ, બાળતસ્કરીનું ચલણ વધ્યું છે. બાળકો સંક્રમિત થવાના ભયથી શાળાઓ બંધ રખાઈ છે. પરંતુ ગરીબ શ્રમિકોનાં સંતાનો ઘરે કે માબાપ સાથે મજૂરીના સ્થળે સંક્રમિત થવાનો વધુ ભય છે. મધ્યાહ્ન ભોજન બંધ હોવાના અને માબાપની મજૂરી ઘટવાને કારણે બાળકોમાં કુપોષણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.

નિરીહ બાળકો અને તેમનું શિક્ષણ દેશના નીતિનિર્ધારકોની પ્રાથમિકતા જ નથી. ઓનલાઈન શિક્ષણે ગરીબ વંચિત વર્ગોનાં બાળકોને પાછળ ધકેલી દીધા છે તેનો ઉપાય કરવાને બદલે કેન્દ્ર સરકારે બજેટમાં ૨૦૦ ચેનલ મારફત પૂરક શિક્ષણ આપવાની જોગવાઈ કરી છે. જેમના સુધી મુખ્ય શિક્ષણ જ નથી પહોંચ્યું, તેમને પૂરક શિક્ષણ આપવાનો, અને તે પણ ટી.વી. ચેનલ મારફત, અર્થ શો ? ખરેખર તો કોરોના મહાનગરોમાં વકરે ત્યારે આખા દેશ કે રાજ્યમાં શાળાબંધી કરવાને બદલે સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવો જોઈએ. ખાનગી શાળાઓએ શિક્ષણબંધીના સમયમાં પણ ફી વસૂલી છે અને સરકારી શાળાઓના મુકાબલે ઓછું શિક્ષણ આપ્યું છે, એટલે શિક્ષણના ખાનગીકરણને અટકાવી, સરકારી શિક્ષણ માટે પાયાની સગવડો ઊભી કરવાની જરૂર છે.

વિકટ કોરોનાકાળમાં પણ શિક્ષણ ઓનલાઈન ધોરણે સુચારુ રૂપે ચાલુ રહ્યાની સરકારી ગુલબાંગોને હવે રૂક જાવ કહેવાની જરૂર છે. આભાસી શિક્ષણ અંગેના ધરાતલના વાસ્તવને સ્વીકારવું પડશે. છેલ્લાં બે વરસોના શિક્ષણ પર થયેલી ભયાવહ અસરો નાબૂદ કરવા દીર્ઘકાલીન અને ધીરજપૂર્વકના પ્રયાસોની દિશામાં સક્રિય થવાની જરૂર છે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

...102030...1,6361,6371,6381,639...1,6501,6601,670...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved