Opinion Magazine
Number of visits: 9745691
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રજાબંધુ – પ્રજાકીય અવાજની ૧૨૫મી સ્મરણગાંઠ

મુકુન્દ પંડ્યા|Opinion - Opinion|16 March 2022

એક હતું પ્રજાબંધુ. પ્રજાના અવાજને એકનિષ્ઠાથી રજૂ કરતું અમદાવાદનું સાપ્તાહિક. છઠ્ઠી માર્ચ, ૧૮૯૮એ એનો જન્મ થયેલો. એ જીવ્યું ત્યાં સુધી પારકી જણીના છઠ્ઠીના જાગતલ જેવી એની ભૂમિકા રહી હતી. એની સ્મરણયાત્રા આજે સવાસોમા મુકામે પણ એટલી જ રોચક છે.

એના પહેલા અંકના તંત્રીલેખમાં, તંત્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ લખીને પૂછેલું, પ્રેરેલું કે ‘કહો જન્મ ધરી શી કરી દેશની સેવા?’ એ જ ધ્યેય એનું અંત સુધી રહ્યું. પ્રથમ અંક બાર પાનાંનો હતો. અમદાવાદ મ્યુનિસિપાલિટીની ચૂંટણી, મુંબઈની મરકી, સ્વામી વિવેકાનંદની વ્યાખ્યાનમાળા એવું બધું સમાવિષ્ટ હતું. ભગુભાઈ દોઢ વર્ષ એના કર્તાહર્તા રહ્યા હતા. એ દિવસોમાં પાંચસો ગ્રાહક હતા.

દોઢ વર્ષ પછી સુકાન સંભાળ્યું ઠાકોરલાલ પ્રમોદરાય ઠાકોરે. ૧૯૦૫માં સાપ્તાહિકનું પોતાનું છાપખાનું–પ્રજાબંધુ પ્રિન્ટિંગ વર્ક્‌સ શરૂ કરાયું. થનગનતી ભૂમિ ખાડિયામાં. એની શાખ એવી હતી કે ૧૯૦૨માં દિલ્હી દરબાર ભરાયો એમાં ગુજરાતમાંથી એકમાત્ર આમંત્રિત અખબાર ‘પ્રજાબંધુ’ હતું! ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ સામે એનો ઉપાડો કાયમ હતો. ૧૯૧૦માં દર વર્ષે પોતાના ગ્રાહકોને  પુસ્તક ભેટ આપવાની યોજના શરૂ કરેલી.

૧૯૨૭ની ૧૮ ડિસેમ્બરે, ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર તંત્રી બન્યા એ પહેલાં, એમના પુરોગામીઓ હતા જેઠાલાલ ઉમેદરાય મેવાડા (૮ વર્ષ), જગજીવનદાસ શિવશંકર ત્રિવેદી (૧૧ વર્ષ), કેસરીપ્રસાદ ઠાકોર (૬ મહિના), ચીમનલાલ મોદી (૭ વર્ષ). ૧૯૩૦માં અસહકાર આંદોલન વખતે સરકારવિરોધી ભૂમિકા મામલે અંગ્રેજ સરકારે જામીનગીરી માગી હતી. એ આપવાની ના પાડવાની સલાહ ગાંધીજીએ આપેલી અને પરિણામ ભોગવવાની તૈયારી કરી લીધી હતી. ૧૬/૧૧/૧૯૩૦થી એનું પ્રકાશન મોકૂફ રખાયું. ૧૯૩૨માં સ્વેચ્છાએ બંધ કરાયું હતું. ૧૦/૧/૧૯૩૨થી ૧૭/૬/૩૩ દરમિયાન ‘પ્રજાબંધુ’એ વિવિધ સમાચાર-પૂર્તિઓ પ્રકાશિત કરી પ્રજાકીય પ્રશ્નો, સ્વરાજની લડાઈ માટેની પોતાની નિષ્ઠા જેમની તેમ રાખેલી. લડાઈનો બૂંગિયો વાગતો જ રાખેલો.

એ પછીના દિવસોમાં, ‘ગુજરાત સમાચાર’નો જન્મ થયો. ‘પ્રજાબંધુ’ની જ્યોત એમાં ભળી, લડાઈ લડાતી રહી. ૧૯૪૦માં બધું એકાકાર થયું. પોતાના જીવનકાળ દરમિયાન, ‘પ્રજાબંધુ’એ લડેલી લડાઈ, એ માટે કરેલો સંઘર્ષ એક લાંબી કહાણી છે. બંધ કરવાનો નિર્ણય થયો ત્યારે એનો ફેલાવો સાડા ચાર હજારથી વધુ હતો.

ટાંચા સંસાધનો, સરકારની કનડગત, સ્થાપિત હિતોનો રોષ એવા તમામ પડકાર છતાં પ્રજાની પડખે રહેવાનુ ‘પણ’ આજન્મ રહ્યું. જ્યોત ક્યાંક ભળી, બુઝાઈ નહીં. એની રોચક વાતો ક્યારેક .. હમણાં તો  પ્રજાબંધુને  શબ્દસલામ … એની એકસો પચીસમી સ્મરણગાંઠે!

લખ્યા તા. ૬/૩/૨૨

(માહિતી સૌજન્યઃ  ડૉ. રતન માર્શલના પુસ્તક – ‘ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ’, ગાંડીવ સાહિત્ય મંદિર – સુરત)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 15

Loading

મોટી પાનેલી : મામદની શોધમાં લીના મિશ્રા

દિલીપકુમાર એન. મહેતા|Opinion - Opinion|15 March 2022

‘ઇંડિયન એક્સપ્રેસ’ના જાણીતાં પત્રકાર લીના મિશ્રાએ મોટી પાનેલીની મુલાકાત લઈને મહમ્મદ અલી ઝીણાને યાદ કર્યા છે. પોરબંદરથી લગભગ 95 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલીના આઝાદ ચોકની નજીક, એક સાંકડી ગલીમાં, ઉભેલું ઝીણાબાપાનું 108 વર્ષ જૂનું  બે મજલી ઘર  હજુ આજે પણ અડીખમ ઊભું છે. જો કે એમાં થોડુંક સમારકામ – રિનોવેશન થયું હોય એવું લાગે છે. કાઠિયાવાડમાં  ત્યારે અટક બહુ ઓછી બોલાતી. ઝીણાભાઇ પૂંજાભાઈને લોકો માત્ર ઝીણા પૂંજા (એક વ્યાપારી પેઢી) તરીકે જ ઓળખતા. હા, ઝીણાભાઇ આપણાં કાયદે આઝમ મહમ્મદઅલી જીનાહના પિતાજી હતા. લોહાણા (ઠક્કર) હતા. વેપારના વિકાસ અર્થે ત્યારે કાઠિયાવાડના અનેક વેપારીઓ માતૃભૂમિ છોડીને મુંબઈ અને કરાચી જઈને વસેલા. ઝીણા બાપા એમાના એક હતા, જેઓ પણ ધંધાના વિકાસાર્થે  કરાંચી પહોંચેલા.

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) દ્વારા તાજેતરમાં ‘અખિલ ભારતીય પ્રતિનિધિ સભા’ નામક એક પ્રદર્શન યોજાયેલું, જેમાં ગુજરાતની 200 મહત્ત્વની વ્યક્તિઓમાં મહમ્મદઅલી જીનાહનું નામ – છબી જોવા મળેલ. છબીની નીચે લખેલું હતું, “A Barrister who was initially a staunch patriot, later the creater of  India’s partision on basis of religion.” (પ્રારંભમાં એક દેશભક્ત, અને પછીથી ધર્મના નામે રાષ્ટ્રને બે ભાગમાં વિભાજિત કરાવનાર બેરિસ્ટર.) ‘ઇંડિયન એક્સપ્રેસ’માં આ ફોટો અને લખાણ વિશેના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આ છબી હટાવી લેવામાં આવેલી. જીનાહના ગુજરાતી મૂળ અને કૂળ એ એક માત્ર ફૂટનોટ છે, બાકી, એ સમયે ગુજરાતનાં અનેક વ્યાપારી પરિવારો મુંબઈ અને કરાચી બંદરે પહોંચેલા. એમના વ્યાપાર ધંધા માટે આ બે બંદરો ખૂબ મહત્ત્વના હતા. ઝીણાભાઇ એક સાથે ઘણી બધી વસ્તુઓના વેપારમાં માહિર હતા. કપાસ, ઊન, તેલીબિયાં, ચર્મ વ્યાપાર, વગેરે. સ્ટેનલી વોલપર્ટ એની કિતાબ ‘In Jinah of Pakistan: a biography of the leader’માં જણાવે છે, તેમ, એમનો ધંધો એટલો બધો ફૂલ્યો-ફાલ્યો કે બસ, નફો નફો જ મળતો રહ્યો, પરિણામે ઝીણબાપાએ મોટા પાયે નાણાં ધીરધારનો ધંધો શરૂ કર્યો. (જો કે ઇસ્લામમાં વ્યાજ–વટાવ નિષેધ છે).

મહમ્મદ અલીના દાદા, અને ઝીણા બાપાના પિતાજી, પૂંજા ભાઈ ઠક્કર વિષે એક વાયકા એ પણ છે કે એમણે અન્ય ચીજ વસ્તુઓના વેપાર સાથે મચ્છી વેચવાની પણ શરૂઆત કરેલી. ચુસ્ત વૈષ્ણવ સમાજનો દીકરો મત્સ્ય ઉદ્યોગમાં ઝુકાવે, એ વાત જાણીને સમગ્ર લોહાણા સમાજે એનો પ્રતિરોધ કર્યો. છેવટે સમાજના ત્રાસથી કંટાળીને પૂંજાભાઇએ ઇસ્લામ(ઇસ્લામ ધર્મના એક પેટા પંથ ખોજા)નો અંગીકાર કર્યો. આગાખાન સાહેબના અનુયાયીઓ મોટે ભાગે હિન્દુ નામો રાખતા હોય છે.

ઝીણાભાઇ અને મીઠીબાઈનાં સાત સંતાનોમાં મામદ (મહમ્મદ) પ્રથમ સંતાન હતા. પાકિસ્તાનમાં ડિસેમ્બર 25(1876)ને રાષ્ટ્ર પિતાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ, પરંતુ મહમ્મદે જ્યાં સૌ પ્રથમ એકડો ઘૂંટેલો એ કરાચીના એક મદરેસાના રેકોર્ડ મુજબ તો મહમ્મદઅલી ઝીણભાઇનો જન્મ દિવસ ઓક્ટોબર 20, 1875 લાગે છે. અંક શાસ્ત્રીઓના મત મુજબ આ તારીખ સાચી હોવાની સંભાવના વિશેષ છે.

1893માં ઝીણાભાઈ બિઝનેસ એપ્રેન્ટીસશીપ માટે લંડન જવા તૈયાર થયા, એ સમયે જ મીઠીબાઇએ મહમ્મદને જન્મ આપ્યો. મહમ્મદનું લાડકું નામ મામદ હતું. 16 વર્ષના મામદની શાદી મોટી પાનેલીની જ 14 વર્ષીય એમીબાઈ સાથે થયેલી. એમીબાઈ પણ ખોજા જ્ઞાતિની જ હતી. એ સમયમાં શાદી વિવાહ બધુ સંતાનોનાં માતપિતા જ નક્કી કરતાં. ગાંધીજીના માતપિતાએ પણ આ રીતે જ ગાંધીજીને પરણાવેલા. વોલપર્ટ લખે છે એ મુજબ ત્યારે આ બાબત સામાન્ય હતી.

એમીબાઈને ઘરે મૂકીને મહમ્મદઅલીએ 16 વર્ષની વયે પોતાનો બાપદાદાનો ધિકતો ધંધો ત્યજીને કાયદાનો અભ્યાસ કરવા માટે લંડનની દિશા પકડી. મહમ્મદના આ નિર્ણયથી પિતા ઝીણભાઇ ક્રોધિત અને નારાજ થયા. ઝીણાભાઇના ધંધામાં પણ ખોટ નોંધાવા લાગી, એટલે ઝીણાબાપા મોટી પાનેલીના આઝાદ ચોક, ટાવર શેરીમાં આવેલ એનું ઘર છોડીને 1904માં રત્નાગિરી ચાલ્યા ગયા. અત્યારે પોપટભાઈ બેચરભાઈ પોંકિયા એમાં રહે છે. અત્યાર સુધીમાં ખાસ કઈ આ ઘરમાં બદલાયું નથી.

ત્યારે આ ગામમાં લગભગ એકસો જેટલા ખોજા પરિવારો રહેતા હતા, પરંતુ હાલ માત્ર પાંચ –સાત ખોજા  પરિવારો જ વસે છે.

બે રૂમ નીચેના ભાગે, બે રૂમ ઉપરના ભાગે અને બે રસોડાવાળું ટિપીકલ ગુજરાતી આ ઘર હજુ એવું ને એવું જ છે. જૂના ઘરોમાં જોવા મળતું આંગણું  પણ અહીં છે જ.

જીનાહ ગુજરાતમાં ક્યારે પાછા આવેલા ? એ વિષે બે નોંધ મળે છે. એક ઓક્ટોબર 1916માં, બોમ્બે પ્રોવિન્સિયલ કોન્ફરન્સમાં. આ કોન્ફરન્સના પ્રમુખ તરીકે નિમાયેલા જીનાહે ત્યારે એ વખતે એવી દરખાસ્ત મૂકેલી કે બોમ્બેની પ્રોવિન્સિયલ સરકાર જેવી સરકારને લોકશાહી ઢબે –ચૂંટી કાઢેલી સરકાર (elected autonomous administration)માં રૂપાંતરિત કરવી જેમાં મુસ્લિમ કે હિન્દુ – જે કોઈ પણ લઘુમતિમાં હોય, એ જ્ઞાતિને પૂરતું પ્રતિનિધિત્વ મળવું આવશ્યક.

ભૂતપૂર્વ ભા.જ.પા. નેતા જશવંતસિંહ દ્વારા લખાયેલ પુસ્તકમાં લેખક નોંધે છે કે 1921માં મહમ્મદઅલી જીનાહે અમદાવાદમા આયોજિત કાઁગ્રેસ અધિવેશનમાં ભાગ લીધેલો. આ અધિવેશનના પ્રમુખ ગાંધીજી હતા. આ ઐતિહાસિક અધિવેશનમાં જીનાહ એક માત્ર એવી વ્યક્તિ હતા જેમણે વિદેશી કપડાં (કોલર ટાઈ – શૂટ) પહેરેલાં, અને હા, તેઓ ચરખો તો ન જ કાંતતા હોય ! ત્યારે મોટા ભાગના નેતાઓ અધિવેશનમાં ચરખો કાંતતા જોવા મળેલા હશે એવું લાગે છે.

2009માં તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં, આ કિતાબને પ્રતિબંધિત કરવામાં આવેલી. ગુજરાત સરકારને લાગ્યું કે આ કિતાબમાં સરદાર પટેલની પ્રતિભા અને એની રાષ્ટ્ર ભક્તિને ઝાંખી કરવાનો ક્યાંક પ્રયત્ન કરવામાં આવ્યો છે. ભારતીય વર્તમાન સામાજિક – રાજકીય ઇતિહાસના નિષ્ણાત હરિ દેસાઇ કહે છે કે “જીનાહને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. પાઠ્યપુસ્તકાઓમાં ફક્ત એવું જ રજૂ કરવામાં આવેલું છે કે જીનાહ એક એવી વ્યક્તિ હતા, જેમણે પાકિસ્તાનની માંગણી કરેલી, પણ જીનાહ કોણ હતા એ વિષે કશું કહેવામા નથી આવ્યું.

ખેર, મોટી પાનેલી ગામના મનસુખભાઇ કહે છે કે “અમારા ગામમાં બે સુવિખ્યાત માણસો થઈ ગયા .. એક મહમ્મદઅલી જીનાહ અને બીજા હર્ષદ મહેતા !!! દિનકર જોશીની કિતાબ પ્રતિનાયક પણ વાંચવા લાયક છે. આઝાદીના અમૃત વર્ષે આપણાં ઈતિહાસમાં ક્યાંક ડોકિયું કરતાં રહેવું.

સૌજન્ય : ‘દિલીપકુમાર એન. મહેતાની ફેઇસબૂક દિવાલેથી સાદર

લીના મિશ્રાના મૂળ અંગ્રેજી લેખની કડી :-

https://indianexpress.com/article/opinion/columns/looking-for-mohammed-ali-jinnah-at-azad-chowk-moti-paneli-7817147/   

Loading

અલવિદા નહીં, સ્વાગત છે, શેન

કેતન રુપેરા|Opinion - Opinion|15 March 2022

શેન વૉર્ન મારો સિનિયર ન હતો.

શેન વૉર્ન મારો મિત્ર પણ ન હતો.

શેન વૉર્ન અને હું સાથે કે સામે રમ્યા હોઈએ, એવો હું એનો સમકાલીન પણ ન હતો.

અરે, પ્રેક્ષકગણમાં કે કૉમેન્ટ્રીબોક્સમાં બેસીને મારી નરી આંખે તો શેન વૉર્નને બહુધા ૯૦ અંશના ખૂણે બોલ સ્પિન કરતો નહોતો જ જોયો.

અને હા, જે તે દાયકામાં જેની સરખામણી એની સાથે થતી એવો અનિલ કુમ્બલે મારા જ દેશમાં મોજુદ હોઈ, 'સગીર વયવાળા દેશપ્રેમ’ના કારણે હું શેન વૉર્નનો કંઈ બહુ મોટો ચાહક પણ નહોતો બની શક્યો. અને, આટલું ઓછું હોય તેમ શેન વૉર્નને ધોળે દિવસે તારા બતાવી દેનાર ને રાત્રે એના સપનામાં આવનાર સચીન પણ મારી જ પુણ્યભૂમિ ભારતનો હોઈ એના ઓવર દીઠ રન અને વિકેટની સરેરાશના આંકડા, બીજા દેશોની સામે હતા એટલા પ્રભાવશાળી પણ ન હતા.

… અને તો ય, હા તો ય,

દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમથી માત્ર નવ કિલોમીટરના અંતરે રહી, કૂકાબુરા બોલ પર હાથ કે હાથમાં કૂકાબુરા બોલ રાખવાની કલ્પના કરીને કહું? – વૉર્નના જવાથી એના સાથી ક્રિકેટર્સ – એના પ્રતિદ્વંદી ક્રિકેટર્સ, એની પછીની પેઢીના ક્રિકેટર્સ – એની પહેલાની પેઢીના ક્રિકેટર્સ, એના મિત્રો – એના ટીકાકારો, એના ચાહકો, પરિવારજનો અને આ … ખા ક્રિકેટજગતને જે આંચકો લાગ્યો છે, એનાથી સહેજે ય ઓછો આંચકો મને (અને તમને) લાગ્યો હશે, એવું મને લાગતું નથી. ગાર્ડિયનની પત્રકાર Brigid Delaneyએ એક ફાંકડા ક્રિકેટપ્રેમીને ટાંકીને કહ્યું છે એમ એ ‘પ્રિન્સેસ ડાયના મોમેન્ટ’ બની રહી! પ્રત્યક્ષ પરિચય ન હોવા છતાં આ જગતમાંની એની ગેરહાજરી જીવનમાંથી કશુંક ખૂંચવી ગયાની બીના બની રહી!

કેમ એવું?

વૉર્નીએ જતાં પહેલાં ઘણું આપ્યું છે, તો ય વૉર્નીના જવાથી ક્રિકેટજગતે ઘણું બધું ગુમાવ્યું છે. જો કે, મીડિયાએ પણ કંઈ ઓછું ગુમાવ્યું છે?! સમયાંતરે આવતી એની વિવાદાસ્પદ ટિપ્પણીઓ ગુમાવી છે. સ્પોટ ફિક્સિંગમાં એની સંડોવણીની વારે વારે યાદ કરાતી તવારીખ ગુમાવી છે. ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવ્યાના વારંવારના ઉલ્લેખની નેગેટિવિટી ગુમાવી છે. નર્સથી લઈને એકથી વધુ મહિલાઓને કરાયેલા ઇરોટિક ટેક્સ્ટ મૅસેજને મમળાવવાની તક ગુમાવી છે. એક સાથે એકથી વધુ સ્ત્રીઓ સાથેની સેક્સ ટેપની, બ્લર તો બ્લર—પણ એ તસવીરોની પુનઃછાપણી ને ફેર-અપલોડ કરવાની તાલાવેલી પણ કદાચ ગુમાવી છે.

બાકી, ‘ઓફ ધ ફિલ્ડ’ તો શેન વૉર્નનો બચાવ કેવો અને કેટલો કરીએ?! હા, 'ઑન ધ ફિલ્ડ’ માટે એટલું ચોક્કસ કહીએ કે આ વિક્ટોરિયન બોલર પોતે જે ક્ષેત્રમાં હતો, એ ક્ષેત્ર પ્રત્યેની એની પ્રતિબદ્ધતાના કારણે, પોતાને કુદરત પાસેથી મળેલી પ્રતિભાને સતત નિખારતા રહેવાની એની મહેનતના કારણે, વ્યાપકહિતમાં વ્યક્તિગત ગમા-અણગમા કે ટકરાવને બાજુએ રાખીને ટીમમૅટ તરીકે જીત અપાવવાના એના જુસ્સાને કારણે, પોતાની ભૂલે કે સમય-સંજોગોને આધીન ઉદ્દેશચ્યુત થવાને કારણે, વારેવારે ટીમમાંથી બહાર થયા પછી પણ દર વખતે જબરદસ્ત કમબૅક કરવાની એની આદતને કારણે, જીત સિવાય બીજું કશું ન ખપે એવા ઝુનૂનના કારણે, અરે! ફ્રન્ટ પેજ, મિડલ પેજ કે લાસ્ટ પેજ, અખબારમાં કોઈ પણ પાને ચમકી શકવાની એની બહુમુખી પ્રતિભાને કારણે, અને આપણે કદાચ ક્યારે ય જાણવા નહીં પામીએ એવાં કારણોને કારણે … વૉર્ની સદાય યાદ રહેશે.

આ જગતમાં વિદ્યમાન અનેક વિષયો, ક્ષેત્રો, રમતો ને કાર્યકલાપોમાં આવા 'જિનિયસ’ વીરલા જ હોય છે. શું અંજલિ આપીશું પોતાની પહેલી ટેસ્ટ મેચ, સંયોગવશ જ ભારત સામે રમીને આંતરરાષ્ટ્રીય પ્રવેશ કરનાર આ ઓસ્ટ્રેલિયન 'ઑલરાઉન્ડર’ને?

મેરાડોના, ટાઇગર વુડ્‌ઝ, માઇકલ જૉર્ડન ને માઇકલ ફેલ્પ્સ જેવા ‘મૅડ જિનિયસ’ની ટીમમાં વધુ એક જિનિયસનું સ્વાગત છે.

સ્વાગત છે શેન!

(લખ્યા તા. ૫, ૧૩-૦૩-૨૦૨૨)

Email : ketanrupera@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 16

Loading

...102030...1,6321,6331,6341,635...1,6401,6501,660...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved