Opinion Magazine
Number of visits: 9674299
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતને ‘ઘોડે’ ચઢાવનારા બજાજ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 February 2022

રાહુલ બજાજની વાર્તાને ભારતની વાર્તા કહેવામાં અતિશયોક્તિ નથી. સ્વતંત્ર ભારત જ્યારે રાજકીય, સામાજિક, સુરક્ષા, શિક્ષણ અને સ્વાસ્થ્યના મોરચે પોતાના પગ પર ઊભા રહેવાની મથામણ કરી રહ્યું હતું, ત્યારે જે અમુક સ્વદેશી ઉદ્યોગપતિઓએ દેશની આર્થિક કરોડરજ્જુને મજબૂત કરવામાં યોગદાન આપ્યું હતું, તેમાં એક નામ રાહુલ બજાજનું હતું.

લડાઈઓ માત્ર તલવારોથી જ નથી લડાતી. બ્રિટિશરો જ્યારે ભારતના ઔધોગિકરણ અને બિઝનેસ સમુદાય પ્રત્યે ઉપેક્ષા સેવતા હતા, ત્યારે ભારતીય બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓએ ઉદ્યોગ-ધંધાને સ્વાયત્ત બનાવાનું જ નહીં, સ્વાયતત્તાની ચળવળને આર્થિક ટેકો પૂરો પાડવાનું પણ નક્કી કર્યું હતું.

બ્રિટિશરોની તાકાત જ તેમના ઉદ્યોગો અને બિઝનેસ હતા. મહાત્મા ગાંધીએ એ તાકાતને તોડવા માટે જ વિદેશી માલના બહિષ્કાર અને સ્વદેશી માલનો પ્રચાર શરૂ કર્યો હતો. એમાં ગાંધીજીની પડખે ઊભા રહેનારા ઉદ્યોગપતિઓમાંથી એક હતા જમનાલાલ કણીરામ બજાજ, રાહુલ બજાજના દાદા.

મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા, ત્યારે જમનાલાલ બજાજને તેમના વિચારોમાં રસ પડી ગયેલો અને સ્વતંત્રતા ચળવળના કેન્દ્ર તરીકે વર્ધામાં ૨૦ એકર જમીન ગાંધીજીને દાન કરી હતી. ગાંધીજી એટલે જ જમનાલાલને તેમના પાંચમા પુત્ર ગણતા હતા. જમનાલાલે ૧૭ વર્ષની ઉંમરે કોટનના ધંધાથી શરૂઆત કરી હતી. ૧૯૪૨માં તેમનું અવસાન થયું ત્યારે બજાજ કંપનીનું ૧ કરોડનું સેલ્સ હતું અને મિલોમાં ૨૦૦ કર્મચારીઓ હતા. તે વખતે, જમનાલાલના મોટા દીકરા (રાહુલ બજાજના પિતા) કમલનારાયણ બજાજે કંપનીનું સુકાન સંભાળ્યું હતું.

ભારતને આઝાદી મળી ત્યારે રાહુલ બજાજની ઉમર નવ વર્ષની હતી. તે દિવસે તેમને દાદા જમનાલાલની ખોટ સાલી હશે. મહાત્મા ગાંધી ભારતને આઝાદ જોવા ઇચ્છતા હતા, અને જમનાલાલ ભારતને આર્થિક રીતે મજબૂત જોવા ઇચ્છતા હતા. રાહુલ બજાજને એ સપનું વારસામાં મળ્યું હતું. ૧૯૭૨માં પિતાનું અવસાન થયું, ત્યારે કંપનીનું સેલ્સ ૭૬.૨૪ કરોડનું અને નફો ૮.૪૧ કરોડનો હતો.

બજાજ સમૂહનો એ ચઢતો સૂરજ હતો. બજાજ ત્યાં સુધીમાં કોટન ટ્રેડીંગ કંપનીમાંથી સ્કૂટર, ઈન્સ્યોરન્સ અને ફાયનાન્સ સમૂહ બની ગઈ હતી. આજે તો ૩૪ કંપનીઓનો બજાજ સમૂહ ઇલેક્ટ્રિકલ્સથી લઈને સ્ટીલ, ટ્રાવેલ્સ અને ઓટોમોબાઇલમાં ધંધો કરે છે, પણ એક જમાનામાં તેનું નામ ઘેર-ઘેર સ્કૂટર નિર્માતા તરીકે જાણીતું હતું. ભારતને સ્કૂટર પર ફરતું કર્યું જ રાહુલ બજાજે. કંપનીએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો બનાવવા માટે ૧૯૫૯માં ભારત સરકાર પાસેથી લાઈસેન્સ મેળવ્યું હતું.

૧૯૬૧માં કંપનીએ ટુ-વ્હીલર બનાવવાનું શરૂ કર્યું. ૧૯૭૨માં તેનું સૌથી પ્રસિદ્ધ ચેતક સ્કૂટર આવ્યું. સ્વતંત્ર ભારતની અનેક સફળ વાર્તાઓ છે. તેમાંથી એક આ ચેતક. તેની એડવર્ડટાઈઝ લાઈનમાં જ ભારતની વાર્તા હતી : બુલંદ ભારત કી બુલંદ તસ્વીર … હમારા બજાજ! ૧૯૭૦ના દાયકાનું ભારત આજના કરતાં અલગ હતું. આજે કોઈને અંદાજ ન આવે કે તે જમાનામાં બજાજ સ્કૂટર હોવું એ સ્ટેટ્સ સિમ્બલ હતું. આજે હસવું આવે, પણ ત્યારે પૂરા ભારતમાં ત્યારે મોટા ભાગના લગ્નોમાં છોકરીઓ દહેજમાં ચેતક સ્કૂટર લઈને આવતી હતી. વિવાહ નક્કી થાય એટલે છોકરીનો પરિવાર પહેલું કામ ચેતકનું બુકિંગ કરાવાનું કરતો કરતો હતો.

લાઈસેન્સની શરતના કારણે, સ્કૂટરનું ઉત્પાદન વર્ષે ૨૦,૦૦૦ યુનિટ પર અટકાવી દેવામાં આવ્યું હતું, પરિણામે એક વર્ષ સુધી સ્કૂટરનું વેઈટિંગ સામાન્ય ગણાતું હતું. સ્કૂટરની ડિલીવરી પ્રમાણે લગ્નોની તારીખ નક્કી થતી. ઘણા લોકો તો દસ વર્ષ સુધી રાહ જોવા તૈયાર હતા એટલી ચેતકની ડિમાન્ડ હતી. જે રાહ જોવા માંગતા નહોતા તે બ્લેક માર્કેટમાં પૈસા આપીને (તેને ‘ઓન’ કહેવાતું) સ્કૂટર મેળવતા હતા.

મહારાણા પ્રતાપના પ્રસિદ્ધ ઘોડાના નામ પરથી શરૂ કરાયેલું ચેતક સ્કૂટર દેશનું તો પ્રિય સ્કૂટર હતું જ, રાહુલ બજાજના દિલની કરીબ પણ હતું. તેમણે ઇટાલિયન પિઆગીઓ સ્કૂટરને ભારતમાં બનાવવાનું લાઈસન્સ લીધું હતું, પણ એ રિન્યુ ન થયું એટલે દાઝમાં આવીને ચેતક શરૂ કર્યું હતું. આમિર ખાનની ‘3 ઈડિયટ્સ’ ફિલ્મને ટાંકીને એકવાર બજાજે કહ્યું હતું, “જુસ્સો ન હોય, પેટમાં આગ ન હોય, તો ટોચ પર ન જવાય.”

ભારતમાં સ્કૂટરનું બજાર બદલાઈ ગયું અને જાપાનીઝ મોટરબાઈક્સનો જમાનો આવ્યો, ત્યારે એવી જ આગ રાહુલ બજાજના પુત્ર રાજીવ બજાજના પેટમાં લાગી હતી. રાજીવ બજાજનો મત હતો કે ચેતક આઉટડેટેડ થઇ ગયું છે અને નવી પેઢીને મોટરબાઈક ચલાવવામાં રસ છે. તેને લઈને પિતા-પુત્ર વચ્ચે મતભેદ પણ થયા હતા. ‘મનીકંટ્રોલ’ નામના પોર્ટલમાં આ સંબંધમાં એક રસપ્રદ કિસ્સો છે:

૨૦૧૮માં, શેરહોલ્ડરોની મીટિંગમાં રાજીવ બજાજે કહ્યું હતું, “મારા અમુક સહયોગીઓએ મને કહ્યું હતું કે હું જો સ્કૂટર બનાવીશ તો કદાચ તેઓ (રાહુલ બજાજ) નિવૃત્તિનું વિચારશે. આજે એવો વિશેષ દિવસ છે કે આપણે મૂરખ જેવું સો સી.સી.નું સ્કૂટર ના બનાવવું જોઈએ. મને લાગે છે કે આપણે બે પૈંડા પર રોલ્સ-રોયસ જેવું એક એવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ જે દુનિયામાં ક્યાં ય ન હોય.”

રાજીવ : “આપણે આવું સર્વોત્તમ સ્કૂટર બનાવવું જોઈએ?”

શેરહોલ્ડર્સ: “યેસ.”

રાજીવ : “અને આપણે જો એવું સ્કૂટર બનાવીએ, તો મારા પિતાએ નિવૃત થવું જોઈએ?”

શેરહોલ્ડર્સ : “ના.”

રાજીવ : “મને એ ખબર છે.”

આજે સિનિયર બજાજ જીવનમાંથી જ નિવૃત થઈને ભગવાન માટે સ્કૂટર બનાવવા જતા રહ્યા છે!

પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 21 ફેબ્રુઆરી 2022

Loading

રાજકારણ લોહીમાં ઊતરી ગયું છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 February 2022

એમ લાગે છે કે આપણને શાંતિ ખપતી નથી. કોઈ પણ રીતે કોઈ વિવાદ ચાલ્યા જ કરે અને એ વકરે નહીં  ત્યાં સુધી આપણને જંપ વળતો નથી. આખા દેશમાં રાજકારણ સિવાય કોઈ પ્રવૃત્તિ જ રહી ન હોય તેમ નાનામાં નાનો માણસ પણ તેની અસરથી મુક્ત નથી. રાજકારણ હવે કોઈ એક સ્વતંત્ર વિષય કે મુદ્દો રહ્યો નથી, તેની આણ કોઈ પણ ક્ષેત્રમાં વર્તાય છે. શિક્ષણ, ધર્મ, સમાજ એમ કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ પ્રવેશી ગયું છે. કાલના જ વર્તમાનપત્રોમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતમાં ગુજરાતીનો મહિમા વધારવાનું જ્ઞાન સરકારને એકાએક લાધ્યાની વાત છે. સરકારે નક્કી કર્યું છે કે ગુજરાતમાં બેન્કો, સ્કૂલ કોલેજ, મોલ, બાગ-બગીચા જેવા સરકારી કે ખાનગી સ્થળોએ અંગ્રેજી, હિન્દી સાથે હવે ગુજરાતીમાં પણ લખવું ફરજિયાત છે. આ નિર્ણયની પ્રશંસા જ કરવાની હોય, પણ ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કરવાના પ્રયત્નો સરકાર દ્વારા જ સતત થતાં રહે છે એનું શું? છપ્પન ઈંચની છાતી પર હાથ મૂકીને સરકારે પોતાને પૂછવા જેવું છે કે ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ કેમ થઈ અને અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા વધી કયાં કારણે? મંત્રીઓએ અચાનક કોઈ સરકારી સ્કૂલમાં જવા જેવું છે. એમને જરૂર એ વાતે શરમાવાનું ગમશે કે બાળકોને ગુજરાતી આંકડા અને મૂળાક્ષરો લખવા-વાંચવાના ફાંફાં છે. એને વન, ટુ, થ્રી કે એ, બી, સી, ડી ની એટલી તકલીફ નથી, જેટલી ક, ખ, ગ, ઘ ની કે એકડે એક કે બગડે બે… ની છે. આ સ્થિતિ કોને આભારી છે એ સરકારે પોતાને પૂછવા જેવું છે? ઈચ્છીએ કે ગુજરાતીમાં લખાવવાનો આ તુક્કો પણ ચૂંટણી આવી રહી છે એટલે તો નહીં જ અજમાવાયો હોય !

જો કે, હવે કોઈ પણ કામ રાજકીય હેતુ પૂર્ણ કરવાના ભાગ રૂપે જ થાય છે. કોઈ પણ પક્ષ કે સરકાર કઇ રીતે મત મળે ને સત્તા પર ટકી રહેવાય કે મેળવી લેવાય એ સિવાય સક્રિય નથી. પક્ષના કે સરકારના તમામ કામો કે મદદ રાજકીય ગણતરી વગરનાં નથી. દેખાવ એવો હોય છે કે બધું વિકાસ અને પ્રગતિને નામે થઈ રહ્યું છે, પણ રાજકીય હેતુ ન સચવાતો હોય તો કોઈ કામ કરવા કોઈ નેતા તૈયાર નથી. એ છે કે એ બહાને દેશમાં વિકાસ થાય છે, થોડા રોડ બની જાય છે, થોડા પ્લાન્ટ શરૂ થઈ જાય છે, થોડાં ધાર્મિક સ્થાનો વિકસી જાય છે, પણ વિકાસ માટે વિકાસ થતો હોવાનું ખાસ લાગતું નથી. સાચું સૂત્ર તો ‘મત માટે વિકાસ’ એ જ છે. એને માટે બધાંનો સાથ જરૂરી લાગે તો તેમ, ભલે રેલી – રેલા નીકળતા, કોઈ વાંધો નથી.

સાચું તો એ છે કે લોકશાહીનાં સૌથી વધુ અને મોટાં દૂષણોમાં દેશ ફસાયેલો છે. ચૂંટણીમાં જીતવું એ મુખ્ય લક્ષ્ય કોઈ પણ પક્ષનું હોય ને હોવું જોઈએ, પણ એને માટે જે સાધન શુદ્ધિના આગ્રહો રખાયેલા છે એ કોઈ પણ પક્ષને જરૂરી નથી લાગતા. ચૂંટણીમાં ચરિત્ર ન હોય તેને ટિકિટ આપવાની ન રહી જાય એનું બધાં પક્ષો ધ્યાન રાખે છે ને તે હારી ન જાય તેનું જનતા ધ્યાન રાખે છે. પ્રચારમાં સામેના પક્ષનું આખું ચરિત્ર પ્રગટ થઈ જતું હોય છે. બધી ઉત્તમતા પોતાને પક્ષે જ છે ને સામેના પક્ષે કેવળ ભ્રષ્ટતા જ છે એવું સાબિત કરવાના પ્રયત્નો થતા રહે છે ને એમાં ઉઘાડા તો બધાં જ પડે છે. જો એમ લાગે કે જાતિ-જ્ઞાતિને નામે કે ધર્મને નામે મત મળે એમ છે તો ગમે ત્યારે એ મુદ્દો ઉછાળવાનો પણ કોઈને વાંધો નથી.

એક ઉદાહરણ લઈને સમજવાની કોશિશ કરીએ. અમદાવાદમાં 70 મિનિટમાં થયેલા 20 બ્લાસ્ટ કેસમાં વિશેષ અદાલતે 38 ને ફાંસી અને 11 ને છેલ્લા શ્વાસ સુધીની સજા ફરમાવી. એમાં 56 જીવ ગયા. એ દોષિતો પાસે હજી ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાની તક છે. ધારો કે હાઇકોર્ટ વિશેષ અદાલતનો ચુકાદો માન્ય રાખે છે તો તે પછી પણ સુપ્રીમમાં જવાની તક તો દોષિતો પાસે રહે જ છે. આ દરમિયાન ફાંસી કે કેદ કાયમ રહે એમ બને ને એમ પણ બને કે કોઈ નિર્દોષ છૂટે કે કોઇની સજા ઓછી પણ થાય. ટૂંકમાં, સજાના અમલને ઘણો સમય નીકળી જાય એમ છે. એ મુદ્દે રાજકારણ ન રમાય, પણ રમનાર રમે છે. જેવો ચુકાદો આવ્યો કે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીએ ફાંસીની સજા પામેલા એક આરોપીના પિતાનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે છે એવું ચૂંટણી સભામાં જાહેર કર્યું. દેખીતું છે કે મુખ્ય મંત્રી યોગીનો હેતુ સમાજવાદી પાર્ટીની છબી ખરાબ કરવાનો હોય. તેની અસર પડે કે ન પડે એ જુદી વાત છે, પણ આ કેસ 2008થી ચાલે છે ને આરોપીના પિતાનો સંબંધ સમાજવાદી પાર્ટી સાથે ચુકાદો આવ્યા પછીનો નથી, તે પહેલાંનો છે, પણ અત્યારે ચૂંટણી છે ને સમાજવાદી પાર્ટીને ઘા મારી લેવાય એમ છે તો યોગીજીએ યોગનો લાભ લઈ લીધો. વડા પ્રધાને પણ ચૂંટણી સભામાં, અમદાવાદમાં, સાયકલમાં થયેલા બ્લાસ્ટને સમાજવાદી પાર્ટીનાં નિશાન સાથે જોડીને પોતાની સમજનો પરચો આપી દીધો છે. અહીં બ્લાસ્ટના કોઈ પણ આરોપીનો કે તેના પિતાનો રજ માત્ર બચાવ કરવાનો ઇરાદો નથી, પણ કોઈ પણ વાતને રાજકારણ સાથે જોડીને તેનો લાભ કઇ રીતે લઈ શકાય તેનું આ એક ઉદાહરણ માત્ર છે ને આવું ભા.જ.પ. જ કરે છે એવું નથી. કાઁગ્રેસનો તો વિરોધ જ ભા.જ.પ. કૈં કરે અથવા ન કરે એના પર આધારિત છે. એ સિવાય કાઁગ્રેસ પાસે કોઈ મૌલિક કામ કે વિચાર જ નથી.

ભારત ભલે પોતાને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ઓળખાવતું હોય, પણ સ્વતંત્રતા મળી ત્યારથી તેના પાયામાં કોમી હુલ્લડો કેન્દ્રમાં રહ્યાં છે. તે પછી વખતોવખત હિન્દુ-મુસ્લિમ તકરારો ચાલ્યા જ કરી છે ને એ રાજકીય હેતુ વગરની હોય એવું અપવાદરૂપે પણ નથી જણાતું. કાઁગ્રેસે લઘુમતીના રક્ષણ અને મત માટે વર્ષો સુધી હિન્દુ બહુમતીને અન્યાય કર્યો. બાબરી ધ્વંસ સુધી તો હિન્દુઓ જ વેઠતા રહ્યા, એ પછી ચિત્ર થોડું બદલાયું ને હવે ભા.જ.પી. શાસનમાં હિન્દુત્વનો સિક્કો ઉછળ્યો છે ને તેનો મુસ્લિમોને અણગમો છે. આમ તો મોટે ભાગની હિન્દુ-મુસ્લિમ પ્રજા ધંધાધાપાને કારણે એકબીજા સાથે સંકળાયેલી છે એટલે એકબીજાની સામે પડવાનું કોઈને પરવડે એમ નથી, સામે પડવા કોઈ ઇચ્છતું પણ નથી, પણ રાજકીય હેતુસર ને મુસ્લિમોનાં આકાઓની ચડવણીને કારણે કોમી અથડામણો થતી રહે છે ને નિર્દોષોનું લોહી રેડાતું રહે છે.

એમાં સૌથી ભૂંડી ભૂમિકા પાકિસ્તાનની છે. ભારતના મુસલમાનોને ભારતમાં નથી એટલા વાંધા પાકિસ્તાનને ભારતના મુસલમાનોનાં રક્ષણ બાબતે પડે છે. ભારતમાં લઘુમતીનું રક્ષણ થતું નથી એ બહાને તે દલાલી કરતું રહે છે. એણે પોતે હિન્દુ લઘુમતીનું કેટલુંક રક્ષણ પાકિસ્તાનમાં કર્યું છે તે દુનિયા જાણે છે. બાબરી મસ્જિદ તૂટી તેનું એક પરિણામ એ આવ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વિકસી. પાકિસ્તાને આતંકવાદને અને આતંકી સંગઠનોને ઉછેરવાનું કામ કર્યું. એણે ભારતમાં આતંકી હુમલાઓ શરૂ કર્યા. હિન્દુ-મુસ્લિમ પ્રજા એક ન રહે એ માટેના પ્રયત્નો ચાલ્યા જ કરે છે. ગોધરાકાંડ થયો તો તેનો બદલો અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરીને લેવાયો. એમાં એક ગર્ભવતી મહિલાને તો મરવાનું થયું જ, પણ તેનાં ગર્ભસ્થ બાળકને પણ જન્મ પહેલાં મૃત્યુ મળ્યું. આવી તો અનેક ઘટનાઓ યાદ આવે. એક સાથે સુરત અને અમદાવાદમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરવાનું કાવતરું એ જઘન્ય અપરાધ જ છે. સુરતમાં તો 29 જગ્યાએ 2008માં અમદાવાદની સાથે જ બ્લાસ્ટ કરવાની ગણતરી હતી. એ તો ડિટોનેટરે દગો દીધો, બાકી, સુરત પણ ભયંકર રીતે લોહિયાળ બન્યું જ હોત. અમદાવાદમાં તો તે વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત અન્ય રાજકીય નેતાઓને ખતમ કરવાનું ષડયંત્ર પણ હતું. સદ્દભાગ્યે કાવતરાખોરો એમાં નિષ્ફળ રહ્યા. પોલીસની સક્રિયતાએ ગુનેગારોને સજા સુધી પહોંચાડ્યા તે માટે આખા ય તંત્રને વખાણવું પડે ને એ સાથે જ કાવતરું નિષ્ફળ બનાવવામાં નિષ્ફળ ગયેલાં ગુપ્તચર તંત્રને વખોડવું પણ પડે, કારણ એને  લીધે જ બ્લાસ્ટ શક્ય બન્યા.

બ્લાસ્ટના દોષિતો ખરેખર કોઈ પરિણામ પર પહોંચે ત્યારની વાત ત્યારે, પણ કોઈ રાજકીય ઘટનાઓ દેશમાં બને છે તો પાકિસ્તાન જેવાને માથું મારવાનું બહાનું મળી જાય છે. કર્ણાટક જેવામાં એક શૈક્ષણિક સંસ્થામાં હિજાબ પહેરવા બાબતે વિવાદ થયો, તો તેમાં પણ પાકિસ્તાની રાજદ્વારીઓને ડહાપણ કરવાનું કોઈ કારણ ન હતું, પણ અહીંના મુસ્લિમોનું એ પૂરું કરતું હોય તેમ તેણે ડહાપણ કર્યું, એટલું જ નહીં, નોબેલ પારિતોષિક વિજેતા મલાલાને પોતાને એક સમયે હિજાબ ‘ઓવન’ જેવો લાગતો હતો, તેણે પણ હિજાબ પરના પ્રતિબંધની ટીકા કરી. આમ તો એક શૈક્ષણિક સંસ્થાની આ ઘટના, પણ તેને રાજકીય ઓપ મળ્યો ને અત્યારે એ આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની છે. હિજાબ ધાર્મિક વસ્ત્ર છે કે નહીં, એના પર ચર્ચાઓ ચાલી, કર્ણાટક સરકારે ધાર્મિક વસ્ત્ર તરીકે તેના પર પ્રતિબંધ મૂક્યો, તેનો વિરોધ થયો, વાત કોર્ટે ચડી. તે ધાર્મિક વસ્ત્ર છે કે માત્ર પહેરવેશ એનો નિર્ણય આવશે ત્યારે આવશે, પણ મૂળ વાત તો એ છે કે કોલેજમાં સાધારણ રીતે યુનિફોર્મ હોતો નથી, ધારો કે ક્યાંક છે ને ત્યાં હિજાબ પહેરવાનું સાધારણ રીતે ચાલ્યું આવતું હોય ને એકાએક તેનો વિરોધ થાય તો શંકા પડે કે આવા વિરોધ પાછળનો હેતુ શો છે? હિજાબ પર પ્રતિબંધ પહેલેથી ચાલ્યો આવતો હોય ને કોઈ પહેરીને તેનો ભંગ કરે તો વિરોધ સમજી શકાય. આ તો એકાએક પ્રતિબંધ આવ્યો ને કર્ણાટક સરકારને તેમાં ધાર્મિક ચિહ્ન દેખાયું તે ગળે ઊતરતું નથી. હિજાબની ચર્ચા અત્યારે જોર પર છે ને એમાં જ, સરકાર, પક્ષો ને લોકો ઘણો સમય વિતાવી રહ્યા છે. એમ પણ લાગે છે કે ક્યાંક કોઈ અશાંતિ ફેલાવવા કટિબદ્ધ છે. જ્યાં સુધી એ નહીં ફેલાય ત્યાં સુધી આ પ્રકરણ ચાલે તો નવાઈ નહીં, પણ એવી અશાંતિ અહિંસક નહીં હોય તેવી પ્રાર્થના કરવાની રહે. આપણને કોરોનાએ ઓછું વિતાડ્યું છે? ઓછી લાશો પડી છે કે હજી ખપ્પર ભરવું પડે? આપણે મુસ્લિમોનાં હજારો વાંધા કાઢી બતાવીએ કે મુસ્લિમો પણ હિન્દુઓ સામેની શત્રુતાનાં હજારો કારણો બતાવે ને એ જે તે કોમને સાચાં લાગતાં હોય, તો પણ સવાલ એ છે જિંદગીભર આ જ કર્યાં કરવાનું છે? પેલા લોકોએ આમ કર્યું તેથી અમે આમ કર્યું એવું તો ચાલ્યા જ કરશે ને એ અત્યાર સુધી ચાલ્યું પણ છે. પણ, એની પ્રાપ્તિ શું છે, એ તો જોઈએ. જો સમજાતું હોય તો સમજીએ કે બાબરી ધ્વંસના પડઘા હજી પડ્યા જ કરે છે ને બંને કોમ નહીં સમજે તો વેઠવાનું બંનેને આવશે. એ પણ સમજીએ કે કોમ કોમ વચ્ચેનું વૈમનસ્ય કાઁગ્રેસના વખતથી ચાલ્યું આવે છે, ત્યારે પણ રાજકારણ હતું ને આજે પણ રાજકારણ લોહીમાં ઊતરી ગયું છે. આપણી કોઈ વૃત્તિ-પ્રવૃત્તિ રાજકીય સ્પર્શ વગરની નથી. કાઁગ્રેસ વખતે એક કોમનો હાથ ઉપર રહેતો હતો, તો આજે બીજી કોમનો ઉપર રહે છે, પણ બંને કોમના બંને હાથ દુઆ કે પ્રાર્થના માટે ઉપર ઊઠે એવું થતું નથી ને સૌથી મોટી પીડા એની છે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ફેબ્રુઆરી 2022

Loading

કોરોનાનો હુરતી હનેપાત

રવીન્દ્ર પારેખ|Poetry|21 February 2022

ના, ના ! ઉં એમ પૂછું કે 
કોઈ બારણે આવે તેને હુરતીઓ આમ તગેડી મેલે
કે હેવ ખમણ મંગાવે
કે લાપસી ભજિયાં જમાડે?
જમાડવાનું તો મંઈ પેંહી ગિયું,
આ તો હાળા ઘરમાંથી હો બા'ર કા'ડે છે
તે ઉં હું કૂતરો છું કે આમ હડે હડે કરો છો?
એ ની ભૂલો કે ઉં ઘરમાં આઇવો તો તમે ઘર ભેગા થિયા
બાકી નોકરીની લા'યમાં હગ્ગી બૈરીનું ડાચું હો ભૂલવા લાગેલા તે ભૂલી ગિયા?
એ ખરું કે કોઈને કોરા ની રાયખા એટલે બધા કોરોના કે'ય છે 
એ તો અમણાં ઢીલો પઇડો
બાકી મારો કૈં ઓછો તાપ ઉ'તો?
જેવો હે'રમાં આઇવો કે બદ્ધા રોગ ઊભી પૂંછડીએ નાઠા 
કેન્સર હો કાં' ભરાઈ ગિયો તે એ જ જાણે! 
દવાદારૂ એવા બંધ થઈ ગિયા કે કોઈ ડાક્ટર નાડી જોવા હો રાજી ની!
ની નાડી જુએ કે ની નાડું જુએ
હાળો આડું જુએ
રખેને ઉં આંખથી જ વળગી પડવાનો ઓઉં તેમ દૂરથી જ વાત કરે
દૂર ર'ઇને હો ડાકટરે પૈહા તો પાંહે લીધા જ !
આમ કે'વાય ડોકટર પણ 
કામ તો ડોક કટરનું જ કઇરું છે જો !
ઈલાજ કોઈ પાંહે ની ઉ'તો તો હો લાખોના બિલ ફાઈડા 
હેના? તો કે ઇમ્યુનિટી વધારવાના! 
એમાં ઇમ્યુનિટી ડાક્ટરની વઇધી
ને કોમ્યુનિટી લોકોની ઘઇટી
કેન્સર કે હાર્ટએટેક કરતા હો મારું બિલ ભારે
ઘણાં તો બિલ ચૂકવવું પડહે એ બીકે મરી ગિયા
જોકે કેટલાક ડાક્ટર હાચેમાચના ડાક્ટર ઉ'તા
ભગવાનના માણહ !
રાતદા'ડો સેવા કઇરી
ને સેવા કરવામાં જ  ભગવાનને વા'લા થઈ ગિયા 
તો કેટલાકે ભગવાનને તાં' હો  મોકલી આઇપા દર્દીને
અઈલા, હાચું ક'ઉંને તો ઉં કૈં ઉ'તો જ ની !
મારે નામે ચરી ખાધું બધાએ
એ તો હું છે કે થોડો માલ વધી પડેલો તે ખપાવવો ઉ'તો એટલે માસ્ક ને પીપીઈ કિટને વેન્ટિલેટર ને એવું બધું વેચાઇવું
વેપારીઓને હો બેઠા તો કરવાના જ ઉ'તા 
ની તો એ હૂઈ જાય એમ ઉ'તું
ઉં એકલો તે કેટલાકના ઉઠમણા કરું?
ને તમે હુરતીઓ તો ઘારી ભૂસા વગર મહાણમાં હો ની બેહો
ને જમવાનું ની ઓય તો તમે તમારા લગનમાં હો ની જાવ તેવી જાત ! 
એટલે જ કરફ્યુ પાછો લેવડાઈવો ને લગન ચાલુ કરાઈવા
મંત્રીને હો લેવડાઈટો કે કાં' હુધી તમે હાળા સભા ભઈરા કરહો ને લોકોને ઘરમાં ગોંધી રાખહો? 
લોકો હો હાળા એવા અધ્ધર ભેજાનાં તે 
માસ્ક બદલે 
પણ સ્વાસ ની બદલે
સ્વાસ લે'ય ને બા'ર કાડે પછી એ જ અ'વા પાછી ખેંચે
કારણ નાકે તો માસ્ક મારેલું 
અ'વા બા'ર જાય તો 
તાજી અ'વા અંદર લે'યને!
એ જ વાહી અ'વાથી ખેંઈંચા કીધું
એમાં ને એમાં અડધું લોક 
ખેંચાઈ ગિયું 
મંત્રીને કીધું હો કે અ'વે બધું છૂટું કરો 
તો એ કે'ય કે ગાંધીના ગુજરાતમાં બધું છૂટું ની થાય
મેં કીધું ઉં ઢીંચવાનું નથી પૂછતો
સ્કૂલનું પૂછું છું
આ પોઇરા હાળા મોબાઇલની મેથી મારી મારીને ઘરમાં જ ઘરડાં થઈ રે'વાનાં
તે ભણાવવાના કે'ની?
એ હાચું કે સ્કૂલમાં હો એ હાળા નથી જ ભણવાના
પણ ઘરમાં ભણે એના કરતાં સ્કૂલમાં ની ભણે તે હારું 
આ તમે સ્કૂલમાં ભણીને અભણ રિ'યા તો હો 
મંત્રી થિયા જ કે'ની!
તેમ એ હો દાટ વાળહે એટલું જ ને!
વાળવા દેવ!
ને અ'વે તીજી લે'ર ને ચોથી લે'રનાં નાટક બંધ કરો !
ઉં કોરોના છું 
કૈં ગંગાની લે'ર નથી કે બધા ડૂબકી મારે
ખરા છે હાળા! 
મારે નામે લે'ર લાઈવા ને લીલાલે'ર પોતે કીધી 
ને અ'વે હાચું કીધું તો મને જ બા'ર કાડવાનો?
ઠીક છે, જાઉં છું !
પણ મંત્રી મંતરે એટલે બધું હાચું ની માની લેવાનું, હું કીધું?
આવજો !

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,6251,6261,6271,628...1,6401,6501,660...

Search by

Opinion

  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved