Opinion Magazine
Number of visits: 9745900
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીવતરનો નિચોડ

આશા વીરેન્દ્ર|Opinion - Short Stories|12 April 2022

ડૉ. પ્રકાશસિંહ એટલે સૌને વહાલા દાદાજી. કુટુમ્બીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ – દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર. ડૉકટરસાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. આખા પરિવારે મળીને આ પ્રસંગ યાદગાર બની રહે એ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. પૌત્ર આકાશ અને એની પત્ની રુચિ, બેઉ ડૉક્ટરસાહેબ માટે જાણે ડાબી-જમણી આંખ. તેથી જ દાદાજી માટે કંઈક અનોખી ભેટ લાવવાની જવાબદારી એ બન્નેને સોંપાઈ હતી.

‘ના, ના, શર્ટ-પેન્ટ નથી લેવાં. એ તો સાવ ઓર્ડીનરી લાગે. દાદાજી માટે કંઈક ‘યુનિક’ ગિફ્ટ લેવી જોઈએ.’ રુચિએ કહ્યું.

‘શાલ, શર્ટ-પેન્ટ બધી વસ્તુની ના પાડે છે તો લઈશું શું?’ આકાશ અકળાયો હતો. અચાનક રુચિની નજર સામેની ગિફ્ટશૉપ તરફ ગઈ. દરેક ચીજ આકર્ષક રીતે સજાવીને મૂકેલી હતી. દુકાનદાર પણ હસમુખો અને ગ્રાહકની વાત તરત સમજી લે એવો હતો. એણે એક એકથી ચડિયાતી પેન બતાવવા માંડી. રુચિએ જોયું કે કઈ પેનથી વધુ સારું લખાય છે. એ જોવા માટે રફ પેપર પર લખતી વખતે આકાશ R.Y.P. એમ ત્રણ અક્ષરો જ દર વખતે લખતો હતો. અન્તે બન્નેએ ‘ક્રોસ’ની એક પેન અને સુન્દર કોતરણીવાળી એક ફોટોફ્રેમ પસંદ કર્યાં.

‘જુઓ સાહેબ, ફ્રેમમાં તમે કોઈનો ફોટો કે કશુંક લખાણ મૂકવા માગતા હો તો કહો. બે દિવસમાં તૈયાર કરી આપીશ.’

રુચિનું સૂચન હતું, ‘દાદાજીનો ફોટો મુકાવીને નીચે ‘75’નો આંકડો લખાવીએ.’

‘હા, પણ ફ્રેમમાં સૌથી ઉપર R.Y.P. અક્ષરો સોનેરી રંગમાં લખજો. અને હા, આ પેન પર પણ R.Y.P. લખી શકાય ને?’ આકાશે દુકાનદારને પૂછ્યું.

‘હા હા, ચોક્કસ લખી શકાય, સર! બન્ને વસ્તુ બે દિવસ પછી આપું તો ચાલશે?’

રસ્તામાં રુચિએ પૂછ્યું : ‘આકાશ, આ R.Y.P. અક્ષરોનો અર્થ શો છે?’

આકાશે માથું ખંજવાળતાં કહ્યું : ‘રુચિ, સાચું કહું તો એની પાછળનું રહસ્ય મને પણ ખબર નથી. દાદાજીએ એમનાં બધાં પુસ્તકોના પહેલા પાને R.Y.P. લખ્યું છે. પપ્પા પણ કહેતા હતા કે, આ અક્ષરો પાછળનો ભેદ શો છે એ દાદાજીએ હજી સુધી કોઈને કહ્યું નથી.’

ડૉક્ટરસાહેબની વર્ષગાંઠની પાર્ટી બરાબર જામી હતી. આવનારા મહેમાનો ડૉક્ટરને મુબારકબાદી આપવામાં, એકમેકને મળવામાં અને વાતો કરવામાં મશગૂલ હતા ત્યારે મોકો જોઈને રુચિએ ધડાકો કર્યો :

‘હવે દાદાજી આપણને એમના જીવન વિશે, એમના અનુભવો વિશે, થોડી પ્રેરણાદાયી વાતો તો કરશે જ; પણ સાથે સાથે R.Y.P. અક્ષરો સાથે એમનો શો સમ્બન્ધ છે એની વાત પણ કરશે.’

પ્રકાશસિંહના પ્રભાવશાળી ચહેરા પર એક ભરપૂર અને અર્થસભર જિન્દગી જીવ્યાનો સંતોષ છલકાતો હતો. કંઈક સંકોચ સાથે એમણે શરૂઆત કરી :

‘આજે જિન્દગીમાં હું જે મુકામ પર પહોંચ્યો છું એનું મોટા ભાગનું શ્રેય આ R.Y.P. અક્ષરોને આપી શકું. જો કે, આ વિશે કાંઈ કહેતાં પહેલાં મારે 1948ની સાલના યાતનાભર્યા અને લોહિયાળ દિવસોમાંથી પસાર થવું પડશે, જ્યારે ચારે બાજુ મારો, કાપો અને આ હિન્દુ, આ મુસ્લિમ એવા આગ ઝરતા શબ્દો સંભળાતા હતા. ભાગલાના એ કપરા સમયમાં પાકિસ્તાનના પંજાબમાં ઘર-બાર, માલ-મિલકત સઘળું ય છોડીને અમારો પરિવાર ચાલી નીકળ્યો હતો. ભાગીને હિંદુસ્તાન આવ્યા પછી, નિરાશ્રીતોની છાવણીમાં કાઢેલા દિવસો ખૂબ કપરા હતા; પણ ફક્ત ને ફક્ત મારા પિતાજીની હિમ્મત અને ધીરજને સહારે જ અમે ટકી ગયા. આ પ્રસંગે હું એમને યાદ કરીને નમન કરું છું.’ દાદાજીનું ગળું રુંધાઈ ગયું. રુચિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી.

‘જેમ તેમ કરતાં અમે નવા વાતાવરણમાં ગોઠવાયા તો ખરાં; પણ હું બરાબર સમજતો હતો કે, પિતાજી પર અસહ્ય બોજો આવી પડ્યો છે. ત્રણ ત્રણ સંતાનોને ભણાવવાં-ગણાવવાં અને હમ્મેશાં બીમાર રહેતી પત્નીની કાળજી રાખવી એ તો ખરું જ; ઉપરાંત તદ્દન અજાણી જગ્યામાં નવેસરથી જિન્દગી શરૂ કરવી. તો ય હમ્મેશાં હસતાં હસતાં માને કહેતા, આજે ભલે મુસીબત વેઠવી પડે; પણ કાલે આપણા છોકરાઓ હીરાની માફક ઝળકી ઊઠશે.

‘મને અમૃતસરની મેડિકલ કૉલેજમાં એડમિશન મળ્યું. મેં રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરવા માંડી. મિત્રો હૉટેલમાં જમવા કે આઈસ્ક્રીમ ખાવા બહાર જતા હોય કે સિનેમાની મજા માણવાના હોય, હું સતત મારા મનને સમજાવતો કે, ‘તને આ બધું ન પોષાય’ – ‘રિમેમ્બર યુ આર પુઅર – R.Y.P.’ મેસનું બેસ્વાદ ભોજન ખાઈ ખાઈને કંટાળેલા અને થાકેલા મનને હું કાગળ પર R.Y.P. લખી લખીને સમજાવતો. હું વિચારતો કે, પિતાના અથાક પરિશ્રમથી કમાયેલી એક પાઈ પણ વ્યર્થ ખર્ચવાનો મને અધિકાર નથી. એવા સંજોગોમાં મનને સમજાવવાનું અઘરું જરૂર હતું; પણ અશક્ય તો નહોતું જ.’

સૌ આમંત્રિતો પ્રશંસાભરી નજરે પ્રકાશસિંહ સામે જોઈ રહ્યા હતા અને એમનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ‘ડૉક્ટર થયા પછી ભલે મેં મારી પોતાની હૉસ્પિટલ બનાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી; પણ પેલા R.Y.P.ને હું એક દિવસ માટે પણ ભૂલ્યો નહીં. એ અક્ષરોએ જ મને નમ્ર, દયાળુ અને સંવેદનશીલ બનાવ્યો અને મારા સાથીઓ અને દર્દીઓએ આ અક્ષરોને કારણે જ મને અઢળક પ્રેમ આપ્યો. એમણે જ હમ્મેશાં મને મારા મૂળ સાથે જોડેલો રાખ્યો છે. હું તો માનું છું કે આ અક્ષરો જાણે મારા જીવતરનો નિચોડ છે.’

પ્રકાશસિંહે પોતાની વાત પૂરી કરી ત્યારે ત્યાં બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયાં હતાં. આકાશ અને રુચિએ દાદાજીને પગે લાગીને એમના હાથમાં પેન અને ફોટોફ્રેમ મૂક્યાં ત્યારે ડૉક્ટર સાહેબ ભાવવિભોર થઈ ગયા. એમની આંગળીઓ મમતાપૂર્વક R.Y.P. અક્ષરોને એક એક કરીને સ્પર્શી રહી.

(‘રણજિતસિંહ સહેગલ’ની ‘અંગ્રેજી’ વાર્તાને આધારે .. ‘ભૂમિપુત્ર’ પાક્ષિકના સપ્ટેમ્બર-2011ના અંકમાંથી સાભાર. .. ઉત્તમ ગજ્જર ..)

સર્જક–સમ્પર્ક : B–401, દેવદર્શન, હાલર, વલસાડ– 396 001

eMail : avs_50@yahoo.com

@@@

સૌજન્ય : ’સન્ડે ઈ.મહેફીલ’ – વર્ષઃ અગિયારમું – અંકઃ 324 – June 14, 2015

e.mail : uttamgajjar@gmail.com

@@@@@@@@@

આ પોસ્ટ મોકલાઈ : 08-04-2022

Loading

ત્રિગુણ

બીજલ જગડ|Opinion - Opinion|12 April 2022

(સત્વ, રજસ અને તમસ) પ્રકૃતિનાં ત્રણ મૂળભૂત લક્ષણો.

આયુર્વેદ મુજબ, માણસ પ્રકૃતિના પાંચ મૂળભૂત તત્ત્વો, પંચ મહાભૂતો, એટલે કે આકાશ (ઈથર અથવા અવકાશ), વાયુ (વાયુ), તેજસ (અગ્નિ), અપ (પાણી) અને પૃથ્વી(પૃથ્વી)થી બનેલો છે.

આ વિશ્વ દૃષ્ટિકોણ અનુસાર, ત્રણ ગુણો છે, જે હંમેશાં વિશ્વની તમામ વસ્તુઓ અને જીવોમાં હાજર છે અને ચાલુ રહે છે.

દરેક સજીવ અને નિર્જીવ ત્રણ ગુણોથી બનેલું છે – સત્વ, રજસ અને તમસ આ ત્રણ ગુણોને કહેવામાં આવે છેઃ સત્વ (સારાપણું, શાંતિ, સુમેળ), રજસ (જુસ્સો, પ્રવૃત્તિ, ચળવળ), અને તમસ (અજ્ઞાન, જડતા, આળસ).

જ્યારે આ ગુણો પ્રબળ હોય છે, ત્યારે તે આપણી ચેતનામાં ઉદ્ભવે છે. જો ગુણોમાંનો કોઈ એક પ્રબળ હોય, જેમ કે તમો ગુણ – તો આપણે ભ્રમણા અનુભવીએ છીએ, પોતાની જાતને મૂલ્યાંકન અથવા જીવન સહાયક પ્રવૃત્તિમાં  જોડાઈ નથી શકતા. દ્વેષ, ક્રોધ.

ત્રણ ગુણોના ગુણ :

૧. તમસ : એ અંધકાર, જડતા, નિષ્ક્રિયતા અને ભૌતિકતાની સ્થિતિ છે. તમસ અજ્ઞાનમાંથી પ્રગટ થાય છે અને તમામ જીવોને તેમના આધ્યાત્મિક સત્યોથી ભ્રમિત કરે છે. અન્ય તામસિક ગુણો આળસ, અણગમો, આસક્તિ, હતાશા, લાચારી, શંકા, અપરાધ, શરમ, કંટાળો, વ્યસન, દુઃખ, ઉદાસી, ઉદાસીનતા, મૂંઝવણ, દુઃખ, અવલંબન, અજ્ઞાનતા છે.

૨. રાજસ :  એ ઊર્જા, ક્રિયા, પરિવર્તન અને ચળવળની સ્થિતિ છે. રજસનો સ્વભાવ આકર્ષણ, ઝંખના અને અશક્તિનો છે અને આપણને આપણાં કામના ફળ સાથે મજબૂત રીતે બાંધે છે. અન્ય રાજસિક ગુણો છે ક્રોધ, ઉત્સાહ, ચિંતા, ભય, ચીડિયાપણું, ચિંતા, બેચેની, તણાવ, હિંમત, રમૂજ, નિશ્ચય, અરાજકતા.

૩.સત્વ :  એ સંવાદિતા, સંતુલન, આનંદ અને બુદ્ધિની સ્થિતિ છે. સત્વ એ ગુણ છે જે યોગીઓ પ્રાપ્ત કરે છે કારણ કે તે રજસ અને તમસને ઘટાડે છે અને આમ મુક્તિ શક્ય બનાવે છે. અન્ય સાત્વિક ગુણો આનંદ, સુખ, શાંતિ, સુખાકારી, સ્વતંત્રતા, પ્રેમ, કરુણા, સમતા, સહાનુભૂતિ, મિત્રતા, ધ્યાન, આત્મ-નિયંત્રણ, સંતોષ, વિશ્વાસ, પરિપૂર્ણતા, શાંતિ, આનંદ, આનંદ, કૃતજ્ઞતા, નિર્ભયતા, નિઃસ્વાર્થતા છે.

ત્રિગુણી તત્ત્વ ચેતનાના 3 તબક્કા સાથે પણ સંબંધિત છે, જાગવું, સૂવું અને સ્વપ્ન જોવું.

૧.ઊંઘમાં – તમો ગુણમાં હોતા હોવ છો

૨. સ્વપ્ન અવસ્થમાં –  રાજો ગુણમાં (શરીર આરામમાં છે છતાં સ્વપ્નમાં ઘણી બધી પ્રવૃત્તિ ચાલુ છે – શાંતિ/આરામ નથી)

૩.જાગૃત અવસ્થા – તમે તમારી જાગૃતિમાં ખૂબ સ્પષ્ટ છો.

મોટાભાગના લોકો સત્વ ગુણની સ્પષ્ટતા અનુભવતા નથી .. કારણ કે તે રજો અને તમો ગુણ સાથે ભળી જાય છે. જો તમે મેડિટેશન, સેવા, યોગ્ય અને મર્યાદિત ખોરાક, મંત્રોચ્ચાર અપનાવો તો સત્વ ગુણ આપ વધારી શકો છો. જ્યારે સત્વ વધે છે ત્યારે પ્રકૃતિ પણ તમને સાથ આપવાનું શરૂ કરે છે કારણ કે તેની ગુણવત્તા સંવાદિતા લાવવાની છે.

મોટા ભાગનું જીવન આ ત્રણ ગુણોના મિશ્રણથી ચાલવું જોઈએ, પણ એ જાણવું પણ જરૂરી છે કે વ્યક્તિમાં માત્ર એક જ ગુણવત્તા હોતી નથી. દરેક વ્યક્તિ પાસે આ ત્રણ ગુણ/ત્રિગુણ હોય છે. કેટલાકમાં રાજસિક ગુણ વધુ અસરકારક છે અને કેટલાકમાં તામસિક ગુણવત્તા. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ તેની અસરકારક ગુણવત્તા નક્કી કરે છે. પરંતુ અસરકારક વ્યક્તિત્વ માટે વેરની ગુણવત્તા ઓછામાં ઓછી હોવી જોઈએ.

ઘાટકોપર, મુંબઈ

e.mail : bijaljagadsagar@gmail.com

Loading

પાત્રતા ન હોય એવા લોકો રાજકારણમાં અને શિક્ષણમાં ઉચ્ચ હોદ્દાઓ પર ગોઠવાયેલા છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|11 April 2022

છેલ્લાં થોડાં વર્ષોમાં લગભગ બધે જ પાત્રતા વગરના લોકો નાની મોટી જગ્યાએ ગોઠવાયેલા જોવા મળે છે. આ અગાઉ પણ હતું, પણ અત્યારે એનું પ્રમાણ અગાઉ ન હતું એટલું છે. આવું થવાના ઘણાં કારણો હોઈ શકે, પણ તેનું પ્રમુખ કારણ રાજકારણ છે. અંગ્રેજોનું શાસન હતું ત્યારે પણ અંગ્રેજી અધિકારીઓની ખુશામત કરીને નાની મોટી જગ્યાઓ પર લોકો ગોઠવાઈ જતા હતા. એ પછી ભારત સ્વતંત્ર થયું ને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ કે લાલબહાદુર શાસ્ત્રી જેવા રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન દેશને મળ્યા ને એમની પ્રમાણિકતા ઉદાહરણરૂપ આજે પણ રહી છે. શાસ્ત્રી જેવાની તો સ્થિતિ એ હતી કે એ વડા પ્રધાન તરીકે ગુજરી ગયા ત્યારે તેમને માથે દેવું હતું. રાષ્ટ્રપિતા તરીકે મહાત્મા ગાંધી વિષે ભલે જે કહેવાતું હોય તે, પણ એ માણસે વર્ષો સુધી પોતડીભેર જ જીવન કાઢ્યું તે એટલી હદે કે પોતાના સુપાત્ર સંતાનોની પણ કદી તરફેણ ન કરી ને એની પ્રતિક્રિયારૂપે હરિલાલને પ્રગટ થવાનું બન્યું. સરદારે પણ પોતાને માટે કે સંબંધીઓ માટે કૈં ભેગું ન કર્યું. એવાં ઉદાહરણો પછી અપવાદરૂપે જ જોવાં મળે છે. બન્યું છે એવું કે સત્તા પર પરિવાર છવાયેલો રહ્યો છે. જો કે, અત્યારે પરિવાર નહીં, પણ પરિવારવાદ વધારે છવાયેલો છે. ગાંધી પરિવારનાં સૌથી નબળાં પરિણામો અત્યારે પ્રજા રાજકારણમાં જોઈ રહી છે. એવું નથી કે પરિવારવાદ કાઁગ્રેસમાં જ હાવિ થયેલો છે, અન્ય પક્ષોમાં પણ એની અસરો જોવા મળે જ છે.

પરિવારવાદની ટીકા એટલે થાય છે કે યોગ્ય વ્યક્તિને ભોગે નબળી વ્યક્તિઓ સત્તા માટે પ્રયત્નશીલ રહે છે. ભ્રષ્ટાચાર તો કાઁગ્રેસના વખતથી જ શિષ્ટાચાર થઇ ચૂક્યો હતો, એમાં અપવાદરૂપ વડા પ્રધાન મનમોહનસિંહ આવ્યા ને એ સમયે કેટલાંક વિશિષ્ટ કાર્યો પણ થયાં, પણ એમની સ્થિતિ કાઁગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની સામે હરફ કાઢવાની પણ ના રહી ને એ દરમિયાન રાજકીય ક્ષિતિજે નરેન્દ્રોદય થઈ ચૂક્યો હતો. કાઁગ્રેસ મુક્ત ભારતની સંકલ્પના નરેન્દ્ર મોદીએ આપી અને ભા.જ.પ.ની સંગઠિત શક્તિ એવી કામે લાગી કે ૨૦૧૪માં ભા.જ.પ.નું શાસન આવ્યું ને નરેન્દ્ર મોદી ભારતના વડા.પ્રધાન બન્યા. દેશને યોગ્ય નેતૃત્વ મળ્યું ને એની અસર એ પડી કે ૨૦૧૯માં ફરી મોદી સરકાર વધુ તાકાતથી સત્તામાં આવી. કાઁગ્રેસે અને અન્ય પક્ષોએ સત્તામાં આવવાના બધા પ્રયત્નો ૨૦૨૨ની પાંચ રાજ્યોની ચૂંટણીમાં કર્યા, પણ ભા.જ.પ.નો જ પ્રભાવ વધારે રહ્યો છે. સત્તા મળી જવાની લાલચે ઘણાએ એકમાંથી બીજા પક્ષમાં ઘૂસવાનું પણ કરી જોયું, પણ બધા ખાટી ગયા હોય એવું થયું નથી. પંજાબને બાદ કરતાં ભા.જ.પ.નો ડંકો બધે વાગે છે. કાઁગ્રેસનું શાસન અત્યારે તો બે રાજ્યો પૂરતું જ સીમિત થઈ ગયું હોય એમ લાગે છે. એ તો આવે કે ન આવે, તેનાં કરમ, પણ ભા.જ.પ.ના મંત્રી પણ ઈચ્છે છે કે દેશમાં મજબૂત વિપક્ષ હોય. એ હોવો જોઈએ, પણ ભા.જ.પ.ની નીતિ વિપક્ષ મુક્ત ભારતની ન હોય તો જ એ શક્ય છે.

વિપક્ષ શુદ્ધ જ હોય એવું હંમેશ બનતું નથી, પણ લોકશાહીમાં વિપક્ષનું મહત્ત્વ નકારી ન શકાય. જો કે ભા.જ.પ.ના કેટલાક નેતાઓની ઈચ્છા એવી રહી છે કે વિપક્ષ જેવું જ ના રહે તો સારું. પ્રયત્નો તો એવા જ થાય છે, પણ વિપક્ષ ન હોય તો લોકશાહીને સરમુખત્યારીમાં ફેરવાવાનું જોખમ રહે છે. એવું થાય તો જે તે પક્ષ પણ એવું ન ઈચ્છે. એવું પ્રદેશ અધ્યક્ષ પણ કબૂલતા થયા છે કે અત્યારે દેશ એક જ વ્યક્તિ પર નિર્ભર છે. એ સાચું ને સારું હોય તો પણ ઇચ્છનીય નથી. એવું થાય તો બાકીના નેતાઓ નિસ્તેજ જ પુરવાર થાય. પાંચસોથી વધુ સાંસદો લોકસભામાં હોય ને શાસન કોઈ એક જ વ્યક્તિનું અનુભવાય તો એ લોકશાહીનું લક્ષણ નથી. જો લોકશાહી લોકો વડે, લોકો માટે અને લોકોની હોય તો કોઈ એક વ્યક્તિની સરકાર કેવી રીતે હોય? ઇન્દિરા ઈઝ ઇન્ડિયા – એક કાળે કહેવાતું હતું ને એ કાળ પણ રહ્યો નથી તો હવે એવા પ્રયત્નો થાય તો એ કાળ પણ બદલાશે એ સમજી લેવાનું રહે.

કોઈ એક જ વ્યક્તિની આરતી ઊતરતી રહે ને એ વ્યક્તિ પણ આશીર્વાદની મુદ્રામાં જ સક્રિય રહે તો બે વાત બને. વ્યક્તિ આરતી ઉતરાવતી રહે ને ભક્તો આરતી ઉતારતા રહે. ખુશામત તો ઈશ્વરને ય ગમે છે તો મંત્રીઓને ન ગમે એવું તો ના બને. એમાં થાય છે એવું કે જે ભક્તિ કરે તે પ્રસાદ પામે. એ પ્રસાદ વહેંચણીનો કાળ અત્યારે ચાલે છે. જે ભગવાનની વધુ નજીક તે વહેલો અને વધુ પ્રસાદ પામે ને જે ભગવાનથી દૂર છે તે બધી બાબતે દૂર જ રહે છે અથવા તો દૂર રખાય છે.

ગુજરાતમાં અત્યારે પ્રસાદ વહેંચણીનો કાળ બેઠો છે. મોવડીને લાગ્યું કે ગુજરાતના નાથ બરાબર નથી તો તેમણે ગયા સપ્ટેમ્બરમાં જ આખા મંત્રી મંડળનાં બધાં પ્યાદાં બદલી કાઢ્યાં. એમાં પાપડી ભેગી ઈયળ પણ બફાઈ. એવા મંત્રીઓ પણ આવ્યા જે ગુજરાતની મંતરી શકે. એવા પણ આવ્યા જે ગુજરાતને મંત્ર આપે, પણ એનું પ્રમાણ કમભાગ્યે ઓછું જ છે. છેલ્લા થોડા સમયથી પાત્ર નહીં, એવી વ્યક્તિઓ રાજકારણમાં અને શિક્ષણમાં ઘૂસી ગઈ છે. આખા શિક્ષણ વિભાગમાં જે પાત્ર નથી તેવી વ્યક્તિઓ ઉચ્ચ હોદ્દાઓ પર ગોઠવાઈ ગઈ છે. થોડા દિવસ પર જ વર્તમાનપત્રોમાં એવા સમાચાર હતા કે માત્ર ગુજરાતની જ 11 યુનિવર્સિટીઓમાં કુલપતિઓ યોગ્ય લાયકાત વગરના નિયુક્ત થયા છે. કોઈની શૈક્ષણિક લાયકાત ઓછી છે તો કોઈનો અનુભવ ઓછો છે. આ નિમણૂકો સરકારે કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને (યુ.જી.સી.એ) કુલપતિઓની લાયકાતો, અનુભવો અંગેનાં ચોક્કસ ધોરણો નક્કી કરેલાં છે. એ પ્રમાણે સરકારે કુલપતિઓને નિયુક્ત કરવાના હોય છે. એ પ્રમાણે જ સરકાર (રાજ્યપાલ) કુલપતિઓને નીમતી હશે એમ માનવામાં આવે છે. એમ પણ માનવામાં આવે છે કે સરકારે કુલપતિની નિમણૂક વખતે યુ.જી.સી.એ નક્કી કરેલી ઓછામાં ઓછી લાયકાત અને અનુભવની વિગતો જોઈ-ચકાસીને નિમણૂક આપી છે, પણ દુર્ભાગ્યે એવું થયું નથી. સરકારે ઓછી લાયકાત કે અનુભવ ધરાવતી વ્યક્તિઓને કુલપતિ પદે નિમણૂક આપી છે, તે એક બે નહીં, 11 યુનિવર્સિટીઓમાં ! માની લઈએ કે એકાદમાં સરકારની ચૂક થઈ હોય, પણ અગિયાર અગિયાર યુનિવર્સિટીઓમાં ભાંગરો વટાય તો એમ માનવાનું રહે કે આ ભાંગરો નથી, પણ પૂરી જાણકારી અને સમજથી સરકારે નિમણૂકો આપી છે. ખાનગી યુનિવર્સિટી હોય કે સરકારી, બીજી છૂટછાટો નિમણૂકમાં કદાચને અપાય તો પણ યુ.જી.સી.એ નક્કી કરેલી ઓછામાં ઓછી પાત્રતામાં કોઈ બાંધછોડ કરવાનો કોઈ સરકારને અધિકાર નથી એવું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે ને છતાં ઓછી પાત્રતાવાળી વ્યક્તિઓ કુલપતિ જેવા ઉચ્ચ હોદ્દે નીમાઈ. આવું જો સરકાર જ કરતી હોય તો બીજાની તો વાત જ શું કરવાની? કોઈ અધ્યાપક તરીકે કોઈ કોલેજમાં પણ નિમણૂક ન આપે એવી વ્યક્તિ, એક નહીં, બીજી ટર્મ માટે પણ લાયક ગણાતી હોય તો તે યુનિવર્સિટીના સ્તર વિષે શી આશા રહે? વ્યક્તિને તો ખબર હોય જ છે પોતાની પાત્રતાની ને એ તો ઈચ્છે જ કે હરામનું જે મળે તે લૂંટવું, પણ એવી વ્યક્તિ એમને એમ તો કુલપતિપદે નથી બેસી ગઈ, એને માનભેર બેસાડવામાં આવી છે. એનો શો વાંક? વાંક એ લોકોનો છે જે એવી વ્યક્તિઓને લહાણી કરે છે. કેમ થાય છે એવી લહાણી? કોણ કરે છે આ લહાણી? એ સરકાર કરે છે. સરકારના મંત્રીઓ કરે છે. એમને ગમે છે કે એમની આસપાસ ખુશામતખોરી કે ચાપલૂસી ચાલતી રહે. એવા મતલબી માણસો સરકારની આસપાસ ફર્યા કરતા હોય છે ને પ્રાર્થના કરતા રહે છે કે આ કે તે પદ મળી જાય. મંત્રીઓને જે સૌથી વધુ ખુશ રાખે તેને મંત્રી ઉચ્ચ પદોનું વરદાન આપીને અવતાર કૃત્ય બજાવતા હોય છે.

એકલાં કુલપતિપદની જ આ વાત નથી, પટાવાળાથી માંડીને ‘પરમેશ્વર’ સુધીનાં ઘણા પદો આવી ચમચાગીરી કે ચાપલૂસી કરનારા સાવ આવડત વગરના માણસોને આપી દેવાય છે. પછી એ જ જોવાનું રહે છે કે એ વ્યક્તિ કેટલું ઊંધું મારે છે? આખો દેશ આવા ચાપલૂસોથી ભરેલો પડ્યો છે. એ શક્ય બને છે એવા જ ભક્તિ પ્રેમી મંત્રીઓ અને અધિકારીઓને કારણે. એમ જ થાય, કારણ પટાવાળાની લાયકાત નક્કી છે, પણ પ્રધાનની લાયકાત નક્કી નથી. કોઈ મંત્રીના હાથ નીચેનો સ્ટાફ લાયકાતવાળો અને અનુભવી હશે, પણ એ મંત્રી અંગૂઠા છાપ હોય તો પણ, તેને પુછાતું નથી કે સાહેબ, તમે અહીં કેવી રીતે? તો એ કહેશે મને પ્રજાએ અહીં મૂક્યો છે. એટલે વાત પ્રજા પર જ આવીને અટકે છે. નબળો વિધાનસભ્ય કે સાંસદ જો પ્રજા જ ચૂંટતી હોય તો મંત્રી થયા પછી એ ઉચ્ચ પદે નબળી વ્યક્તિને નીમે તો એનો શો વાંક કાઢવો? નબળી પ્રજા સબળી સરકાર લાવે એવું તો ન બનેને !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 11 ઍપ્રિલ 2022

Loading

...102030...1,5981,5991,6001,601...1,6101,6201,630...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved