મંદિરોમાં મહિલાઓનો પ્રવેશ બાધિત અને સીમિત છે, એટલે તેમના માટે મંદિરના પૂજારી બનવું તો સાવ અશક્ય છે. એ સ્થિતિમાં તમિલનાડુ સરકારે તાજેતરમાં સરકારી નિયંત્રણ હેઠળનાં કેટલાંક મંદિરોમાં મહિલાઓ અને બિનબ્રાહ્મણ પુરુષોની પૂજારી તરીકે નિયુક્તિ કરતાં પુરુષ અને જાતિ વર્ચસના ગઢમાં ગાબડું પડ્યાનું અનુભવાય છે. મંદિરોમાં પૂજા અને લગ્ન કે અન્ય ધાર્મિક પૂજાપાઠ કરાવવાનો અધિકાર લિંગ કે જાતિના ભેદથી પર રાખવાની ચર્ચા પણ ઊઠી છે.
વર્ષ ૨૦૦૪માં તમિલનાડુના મદુરાઈ નજીકના નકલુથેવનપટ્ટી ગામના દુર્ગા મંદિરના બ્રાહ્મણ પૂજારી પન્ના થેવર બીમાર પડ્યા. બીમારી દરમિયાન તેમના એક માત્ર સંતાન એવાં યુવાન પુત્રી પિન્નિપાક્લની મદદથી પૂજા વિધિ ચાલતી રહી, પણ ૨૦૦૬માં તેમનું અવસાન થતાં જ્યારે તેમના પુત્રીએ સ્વતંત્ર રીતે પૂજાવિધિ કરવા માંડી તો ગામ લોકોએ મંદિરના પૂજારી મહિલા ન હોઈ શકે તેમ કહીને વિરોધ કર્યો. તેમના પુત્રીની દલીલ હતી કે તેઓ વંશપરંપરા મુજબ પૂજારી બનવાનો અધિકાર ધરાવે છે, પરંતુ ગામ લોકોને કોઈ કાળે મહિલા પૂજારી સ્વીકાર્ય નહોતા. એક સદી જૂના આ મંદિરના દેવી દુર્ગાની મૂર્તિને પુરુષ પૂજારી નવડાવે, ધોવડાવે, વસ્ત્રો-આભૂષણ પહેરાવે કે શ્રુંગાર કરે તેમાં કોઈને વાંધો નહોતો. પણ કોઈ બ્રાહ્મણ મહિલા પૂજારણ બની આ કામ કરે તે ધર્મ, સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધનું લાગતું હતું.
થોડા મહિના પહેલાં ગુજરાતના ડાકોરના રણછોડરાયના મંદિરમાં વંશ પરંપરાગત વારાદારીનો દાવો કરી બે મહિલાઓએ પૂજાનો હક માંગ્યો હતો. મંદિરના સેવક એવા તેમના પિતાના એક માત્ર સંતાન તરીકે આ મહિલાઓ મંદિરમાં પૂજારણ બનવા માંગતાં હતાં. પરંતુ તેમને રણછોડરાય મંદિરના બારસો વરસના ઇતિહાસમાં કોઈ મહિલાને પૂજારી તરીકેની સેવાની પરવાનગી મળી ન હોવાનું જણાવાયું હતું. જો કે કચ્છના માતાના મઢના આશાપુરા મંદિરમાં હજુ ગયા વરસે જ હવાનાષ્ટમીએ પતરી વિધિ કચ્છ રાજવંશનાં મહારાણીએ કરી હતી. કચ્છના મહારાજા પરંપરાથી આ વિધિ કરતા હતા, પણ ગયા વરસે તેમનું અવસાન થયું હતું. તેઓ નિઃસંતાન હોઈ મંદિરના સાડાત્રણસો વરસના ઇતિહાસમાં પ્રથમવાર તેમના પત્નીના હસ્તે વિધિ સંપન્ન થઈ હતી.
આજે મહિલાઓએ જીવનનાં લગભગ સર્વ ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે, પણ હજુ કેરળના સબરીમાલા સહિતનાં ઘણાં મંદિરોમાં તેમને પ્રવેશ મળતો નથી. તે માટે જાતભાતનાં કારણો આગળ ધરાય છે. સ્ત્રીઓ મહિનાના અમુક દિવસ માસિકની પીડા વેઠે છે પણ તેમના આ દિવસોને અપવિત્ર માની તેમનો મંદિર પ્રવેશ રોકવામાં આવે છે. કોઈ મંદિરમાં બ્રહ્મચારી દેવ વિરાજમાન હોવાનું જણાવી મહિલાને અટકાવવામાં આવે છે. ૨૦૧૬માં નાસિકના ત્રયમ્બકેશ્વર મંદિરમાં મહિલા પ્રવેશનું આંદોલન થયું તો ગર્ભગૃહમાં સ્ત્રી-પુરુષ બેઉનો પ્રવેશ બંધ કરી દેવાયો હતો.
માત્ર સામાન્ય વ્યક્તિને જ નહીં અગ્રણી રાજનેતાઓને પણ મંદિરમાં પ્રવેશ ન મળ્યાનું બન્યું છે. વડાપ્રધાન હોવા છતાં ઇન્દિરા ગાંધીને ક્યારેક મહિલા તરીકે તો ક્યારેક પારસી પુરુષ સાથે લગ્ન કર્યાનાં કારણે મંદિરમાં પ્રવેશતાં રોકાયાં હતાં. દેશના વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દલિત હોવાથી પુરીના જગન્નાથ મંદિરમાં તેમની સાથે અપવર્તન થયું હતું. સાઠ ટકા કરતાં વધુ દલિત વસ્તીના ઉત્તર પ્રદેશના હમીર જિલ્લાના ગામ મુસ્કરાખુદેના એક મંદિરમાં બી.જે.પી.ના દલિત મહિલા ધારાસભ્ય મનીષા અનુરાગીને હજુ હમણાં જ પ્રવેશ મળ્યો નહોતો. લોકસભાના પૂર્વ સ્પીકર મીરાં કુમારે બંધારણ દિનની ઉજવણીના સમારોહમાં કહ્યું હતું કે, “હું જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું, પૂજારીઓએ હંમેશાં મારું ગોત્ર પૂછ્યું છે.” આ અનુભવ પરથી મીરાં કુમાર કહે છે, “દેશમાં બે પ્રકારના હિંદુઓ છે, એક બેરોકટોક મંદિરમાં જઈ શકે છે, અને બીજા મારા જેવા છે જે જઈ શકતા નથી.”
ડો. બાબાસાહેબ આંબેડકરે ‘એનીહિલેશન ઑફ કાસ્ટ’ ગ્રંથમાં પુરોહિતનું પદ વંશાનુગત રાખવાને બદલે યોગ્યતાના આધારે રાખવા પર ભાર મૂક્યો હતો. ૨૦૦૮માં મદ્રાસ હાઈકોર્ટના જજ કે. ચન્દ્રુએ એક ચુકાદામાં “ઈશ્વરની પૂજા લૈંગિક પૂર્વગ્રહોથી મુક્ત હોવી જોઈએ” તેમ જણાવ્યું હતું. આ દિશામાં ઘણા સરકારી-બિનસરકારી પ્રયાસો દેશમાં થઈ રહ્યા છે. ૨૦૦૭માં તમિલનાડુમાં એમ. કરુણાનિધિ સરકારે એક મહિલાને પૂજારી બનાવ્યાં હતાં. તેથી પણ આગળ વધીને ૨૦૧૩માં કર્ણાટકના મેંગલોરના કુદ્રોલી મંદિરમાં ચાર વિધવા મહિલાઓને પૂજારી બનાવવામાં આવ્યાં હતાં. તમિલનાડુની હાલની ડી.એમ.કે. સરકારે જાતિ કે વંશને બદલે યોગ્યતાના આધારે પૂજારી બનાવવાનું નક્કી કર્યું છે. પૂજાપાઠ અને ધર્મકર્મ સંબંધી અનુષ્ઠાન સંહિતા ‘આગમ શાસ્ત્ર’ ભણાવવાના તાલીમ વર્ગો ખુદ સરકારે શરૂ કર્યા છે.
કોલકાતામાં ૨૦૦૯માં લગ્ન અને ધાર્મિક ક્રિયાકાંડ માટે મહિલા પંડિતો તૈયાર કરવા ‘શુભમસ્તુ’ સંસ્થા શરૂ કરવામાં આવી હતી. આ મહિલા પંડિતોની માંગ હવે વધી રહી છે. આ વરસે કોલકાતાની સાર્વજનિક દુર્ગા પૂજા આ મહિલા પંડિતોએ કરાવી હતી. મહારાષ્ટ્રમાં અહમદનગર અને પૂણેમાં મહિલા પંડિતો તૈયાર કરાઈ રહ્યાં છે. ૧૯૯૦માં મુંબઈમાં બ્યાસી વરસનાં અંજલિ કાળેએ ‘રુદ્રાલી પુરોહિત મંડળ’ની સ્થાપના કરી હતી. તેમના દ્વારા અઢીસો કરતાં વધુ મહિલા પંડિતો તૈયાર થયાં છે. પુરુષોને મુકાબલે આ મહિલાઓ પાસે લગ્નની વિધિ કરાવનારા યુવાનો વધી રહ્યાં છે.
દક્ષિણ ભારતના એક બે રાજ્યોના સરકારી તાબા હેઠળનાં મંદિરોમાં મહિલા કે બિનબ્રાહ્મણ પૂજારીઓની નિયુક્તિ મહિલા કે દલિત મુક્તિની દિશામાં એક સાવ જ નાનકડું કદમ છે. મહિલાઓ અને દલિતો માટે ધર્મ સંસ્થાઓના દ્વાર હજુ ભીડાયેલાં જ છે; કેમ કે તે સત્તા અને સંપત્તિ પરનું નિયંત્રણ જવા દેવા માંગતા નથી, અને તે માટે કાયમ ધર્મશાસ્ત્રોનો ડારો દે છે.
દેશના લોકશાહી બંધારણ મુજબ ધર્મસ્થળો સહિતનાં સર્વ જાહેર સ્થળોએ નાગરિક માત્રની સમાનતાનો અધિકાર પળાવો જોઈએ. તે રીતે મહિલાઓ અને દલિતોની મંદિર પ્રવેશ અને પૂજા-અર્ચનાની માંગણી વાજબી છે. પરંતુ એક માત્ર તેનાથી જ તેમનો ઉગારો થવાનો નથી. આધુનિકતા અને લોકતંત્ર જ તેમના વાસ્તવિક ઉદ્ધારકો છે. તે વાત જરાયે વિસારે પાડ્યા વિના તેમણે આ લડત અને બિનસરકારી પ્રયાસો જારી રાખવાના છે. ભલે સરકારની સત્તાના ડરે જે આજે તમિલનાડુ અને બીજે શક્ય બન્યું છે તે કાલે શેષ ભારતમાં પણ શક્ય બની શકે છે.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 14
![]()


બર્ફીલાં વાવાઝોડાંને કારણે ઘરની બહાર નીકળી શકાય તેમ ન હતું. હવામાનમાં અણધાર્યા પલટાને કારણે બે દિવસથી અમે ઘરમાં પૂરાયા હતા અને બીજા બે દિવસ સુધી નીકળી શકાય તેમ લાગતું ન હતું. ઈલેક્ટ્રીક પાવર ચાલુ હોવાથી ઘરની અંદરની દુનિયા યથાવત હતી. ફક્ત દૂધ ખલાસ થઈ ગયું હતું. રસ્તા પર ગાડી ચલાવવાનું જોખમ લેવા કરતાં દૂધ અને ચા વગર ચલાવી લેવું ઠીક લાગ્યું.
ઓફીસની સ્ટેમ્પ સાથે આવેલ જોઈ નવાઈ લાગી હતી. સાવ અડોઅડ રહેતાં પડોશી નવા વર્ષની શુભેચ્છાઓ માટે કાર્ડ પોસ્ટથી મોકલે, તે વિચાર જ અમારા માટે નવો હતો. જો કે અમેરિકાના ધારા-ધોરણ પ્રમાણે રસ્તા પરના તાળા વગરના કોઈના મેઈલ બોક્ષને ખોલવું એ ગુનો ગણાય, એટલે બીજી ટપાલો સાથે પોસ્ટ કરવાનું એમને ઉચિત લાગ્યું હશે. શિયાળો પૂરો થયા બાદ એમને વારંવાર મળવાનું થવા લાગ્યુ તેથી વધુ નજીક આવ્યાં. ત્યાંથી મૂવ થયા પછી પણ વારે તહેવારે ફોનથી શુભેચ્છાઓની આપ-લે થયા કરે.
ઉદ્યોગગૃહોની સામાજિક નિસબત અપેક્ષિત છે. આ અપેક્ષા ઉદ્યોગગૃહો ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી’ના દાયરામાં રહીને કરે છે, કેટલાંક તેનાથી આગળ વધીને પણ સમાજ પ્રત્યે જવાબદારી નિભાવે છે. પરંતુ બિઝનેસ પર જોખમ આવી પડે તે રીતે સમાજને દર્પણ દાખવનારા ઉદ્યોગ સાહસિકો સ્મૃતિમાં ઝડપથી આવતા નથી. રાહુલ બજાજ એવા અંતિમ ઉદ્યોગ સાહસિક તરીકે ઓળખાવી શકાય, જેઓએ શાસકોની મર્યાદા દાખવવામાં શબ્દો ચોર્યા નથી. જે અનુભવ્યું તે સરકારોને અનેકવાર ખોંખારીને કહ્યું છે. આમ કરવું ઘાતક સાબિત થઈ શકે છે, પણ રાહુલ બજાજે તેની પરવા ન કરી. છેલ્લે તેઓએ સરકારની આવી ટીકા 2019માં એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. મંચ પર ગૃહ મંત્રી અમિત શાહ અને નાણા મંત્રી નિર્મલા સિતારામન ઉપસ્થિત હતાં. તે વખતે મોબ લિન્ચિંગ અને સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંઘના નાથુરામ ગોડસેના નિવેદન સંદર્ભે રાહુલ બજાજે અમિત શાહને પ્રશ્નો કર્યા હતા. સાથે એમ પણ કહ્યું કે અત્યારે સરકાર સામે પ્રતિક્રિયા આપતાં લોકો ડર અનુભવે છે. આ પ્રશ્નનો ઉત્તર અમિત શાહે ‘બજાજસાહબ …’ તેમ સંબોધીને પ્રેમથી આપ્યો હતો. જો કે પ્રશ્ન-ઉત્તરના આ ઉપક્રમની અસર તે પછીના દિવસોમાં સોશિયલ મીડિયા પર દિવસો સુધી રહી, જેમાં ભા.જ.પ.ના આગેવાન અને કેન્દ્રિય મંત્રીઓએ સુધ્ધા રાહુલ બજાજને નિશાન બનાવ્યા.

