Opinion Magazine
Number of visits: 9456355
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઓપરેશન સિંદૂર’થી દવ : સાફ આતંકી થાણાં નવ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 May 2025

રવીન્દ્ર પારેખ

પહેલગામમાં આતંકીઓએ ધર્મ પૂછીને 26 નિર્દોષ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા, એથી આખો દેશ રોષે ભરાયો હતો ને બદલો લેવામાં મોદી સરકાર મોડી ન પડે એવી અપેક્ષા રાખતો હતો. વડા પ્રધાન મીટિંગો કરી કરીને વખત કાઢી રહ્યા છે, એવું પણ ઘણાંને લાગતું હતું. વચ્ચે જાતિ આધારિત વસ્તી ગણતરીનું ભૂંગળ વાગ્યું ત્યારે પણ એમ લાગ્યું કે પહેલગામની ઘટનાને પાછળ ઠેલાઈ રહી છે, પણ 7 મે, 2025ની મંગળવારની મોડી રાતે ને બુધવારની વહેલી સવારે દોઢેકને સુમારે પાકનાં નવ આતંકી થાણાંઓ પર ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતીય સશસ્ત્ર દળોની મિસાઇલ ત્રાટકી અને વિનાશક સોનેરી અજવાળું ફેલાયું. ઘડીભર તો એમ લાગ્યું કે સૂર્ય જરા વહેલો ઊગ્યો. આખો દેશ ને મીડિયા પણ બીજે દિવસે થનાર મોકડ્રિલની ચિંતામાં પોઢી ગયાં હતાં, ત્યારે ભારતમાં વાગનારી સાઇરન પાકિસ્તાનમાં વાગી ને નવ નવ આતંકી મથકોને 25 મિનિટમાં જ ખંડેરોમાં ફેરવતી ગઈ.

ભારતીય લશ્કરી દળોએ પાકિસ્તાની પંજાબના છેક બહાવલપુરના અહમદપુર અને મુરીદકે, પી.ઓ.કે.ના બાગ, મુઝફ્ફરાબાદ અને કોટલીમાં નવ આતંકી અડ્ડાઓનો ભડકો કરી દીધો. આ એવા અડ્ડા હતા જ્યાંથી ભારત વિરોધી આતંકી હુમલાઓનું કાવતરું ઘડાતું ને સંચાલન પણ થતું. આ અડ્ડાઓમાં એનો સમાવેશ થાય છે, જેમાં પહેલગામના આતંકીઓને ટ્રેનિંગ અપાઈ હતી કે 26/11નાં હુમલાના અજમલ કસાબને તૈયાર કરાયો હતો. 1971 પછી પહેલીવાર એવું બન્યું કે પાકિસ્તાની પંજાબનાં કેટલાંક ઠેકાણાં પણ ભોગ બન્યાં. ટૂંકમાં, રાફેલ, ડ્રોન, હવિત્ઝર જેવાં હથિયારોથી જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિજબુલ મુજાહિદ્દીન જેવા આતંકી અડ્ડાઓનો ભુક્કો બોલી ગયો છે. અંદાજે 80થી 90 આતંકીઓ માર્યા ગયા હોવાનું ને ઘણા ઘાયલ થયાનું મનાય છે. ઓપરેશન સિંદૂરમાં મોસ્ટ વોન્ટેડ અને જૈશ-એ-મોહંમદના ફાઉન્ડર આતંકવાદી મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો પણ માર્યા ગયાં છે. સભ્યોનાં મોતથી મસૂદ અઝહર દુ:ખી થઇને એવું બોલ્યો કે પરિવારને બદલે પોતે મરાયો હોત તો સારું થાત !

એર સ્ટ્રાઈક એટલી અચૂક અને આક્રમક હતી કે પાકિસ્તાનને બચાવની કે હુમલો રોકવાની કોઈ તક જ ન રહી. આમ તો પાકિસ્તાનને પાઠ ભણાવવા સિંધુ જળ સમજૂતી જ પૂરતી હતી, પણ તેને તેનાં ઘરમાં ઘૂસીને ઠમઠોરવાની જરૂર હતી ને તે ભારતે પૂરી ક્ષમતાથી કરી બતાવ્યું તે માટે વડા પ્રધાન, સંરક્ષણ મંત્રી અને તેમની આખી ટીમ અભિનંદનને પાત્ર છે. એ એટલે પણ શક્ય બન્યું કે ‘ઓપરેશન સિંદૂર’ અગાઉની એર સ્ટ્રાઈક કે સર્જિકલ સ્ટ્રાઈક કરતાં અનેક રીતે મારક અને ઘાતક હતું. આ ઓપરેશને એ પણ સિદ્ધ કરી બતાવ્યું કે ભારત, પાકિસ્તાનની અણુ ધમકીઓથી ડરતું નથી, એટલું જ નહીં, તે યુદ્ધ નથી ઇચ્છતું એનો અર્થ એવો નથી કે પાકની આતંકી છેડછાડને જીવ પર આવીને વેઠી લે. તે છેડે તો ભારત છંછેડે એ નક્કી છે, તે આગલા અનુભવો પરથી પણ સમજવાનું રહે. એ સાથે જ દુનિયાના કાજીઓએ પણ એ સમજી લેવાનું રહે કે શાંતિપાઠ કરવાનું કોઈને કહેવાનું હોય તો તે પાકિસ્તાનને, નહીં કે ભારતને ! કારણ, શાંતિભંગની શરૂઆત ક્યારે ય અપવાદરૂપે પણ ભારતે નથી કરી. હવે તો પાકિસ્તાની આકાઓએ પણ કબૂલ્યું છે કે તેણે આતંકવાદને પોષ્યો છે ને તેનો વિશેષ ને તાજો પુરાવો એ છે કે તેના સેનાધિકારીઓ સગાં થતાં હોય તેમ મૃત આતંકીઓના જનાજામાં પણ જોડાય છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંરક્ષ ણમંત્રી રાજનાથ સિંહે આખી રાત સમગ્ર કાર્યવાહીનું બારીક નિરીક્ષણ કર્યું હતું. ભારતીય સંરક્ષણ મંત્રાલયે એ સ્પષ્ટતા પણ કરી કે આ હુમલો પાક સૈન્ય કે પાક નાગરિકો પર નથી. સમગ્ર કાર્યવાહી આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવા જ કરવામાં આવી છે. પહેલગામમાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની હત્યા ન કરી હોત તો ‘ઓપરેશન સિંદૂર’ની જરૂર જ ઊભી ન થઈ હોત. ‘ઓપરેશન સિંદૂર’, પહેલગામમાં જે મહિલાઓનું સિંદૂર ભૂંસાયું એની જવાબી કાર્યવાહી માત્ર છે. બીજા શબ્દોમાં, ભારતે આ કાર્યવાહી કરીને હુમલાખોરોને સજા મળે એ કમિટમેન્ટ જ પૂરું કર્યું છે. ભારતીય નાગરિકોની સુરક્ષાનો મામલો હોય તો ભારત પીછેહઠ નથી કરતું તે ફરી એક વાર તેણે સિદ્ધ કરી દીધું છે.

એકતરફ પાકિસ્તાની વડાઓ, ભારત હવે કોઈ કાર્યવાહી ન કરે તો જવાબી કાર્યવાહી કરવાના મૂડમાં નથી, તો બીજી તરફ પાક મીડિયાએ ભારતની કાર્યવાહી થયાના થોડા જ કલાકોમાં, પાકિસ્તાની આર્મીએ ભારતીય સૈન્યને ટાર્ગેટ કરીને જવાબી કાર્યવાહી કર્યાનો દાવો કર્યો છે. અવિશ્વાસનું બીજું નામ જ પાકિસ્તાન છે. પાકિસ્તાની સૈન્યે જમ્મુ કાશ્મીરની નિયંત્રણ રેખા નજીકના બારેક સરહદી ગામો પર સશસ્ત્ર હુમલો કરીને એક મહિલા અને ચાર બાળકો સહિત 15 લોકોનાં મોત નિપજાવ્યાં છે, તથા ડઝનેક આવાસોને નુકસાન પહોંચતાં લોકોએ બંકરોમાં વસવા જવું પડ્યું છે. આ ઉપરાંત પાક સૈન્યે પૂંછ ફોર્ટ અને મંદિરોને પણ નુકસાન પહોંચાડ્યું છે. કહેવાનું એ છે કે પાકિસ્તાન જન્મ્યું ત્યારથી ભારત માટે ઉપદ્રવી જ રહ્યું છે. 1965 અને 1971નાં યુદ્ધ ઉપરાંત અનેક ઉપદ્રવો કરીને શાંતિવાર્તાની વાત પણ પાકિસ્તાને જ કરી છે. તાજો જ દાખલો હુમલો ન કરવાનું કહીને પૂંછ પર હુમલો કર્યાનો છે. ભારતે જવાબી કાર્યવાહી કરીને ફતેહ મેળવી છે, પણ આમ વગર યુદ્ધે જવાનો શહીદ થતા રહે કે આતંકીઓ છાશવારે ત્રાટકતા જ રહે, એના કાયમી ઉકેલ અંગે ભારતે વિચારવું જોઈએ.

એ ખરું કે ભારત યુદ્ધ નથી ઇચ્છતું, પણ પાકિસ્તાન વગર યુદ્ધે પણ યુદ્ધ જેટલું જ નુકસાન ભારતને પહોંચાડી ચૂક્યું હોય, ત્યારે ભારતે લાંબા ગાળાનો કોઈ સ્વસ્થ નિર્ણય લેવો જોઈએ. આતંકીઓને ઉછેરનાર પાકિસ્તાન પોતે તેમને જેર કરે એ શક્ય જ નથી. બીજી તરફ નામચીન ચીન પણ તેની જાત બતાવતું જ રહે છે. તે પાકિસ્તાન તરફી હોવાનો દેખાવ તો કરે છે, પણ હકીકતે તે કોઈનું થયું નથી ને થવાનું નથી. બબ્બે દુ:શ્મનો માથે રાખીને ભારત ઉજાગરા કરતું રહે, તેને બદલે પાકિસ્તાનને કાયમી ધોરણે ધૂળમાં મેળવી શકાય કે કેમ એ અંગે ભારતે વિચારવું જોઈએ.

લાગે છે એવું કે આ વખતે ભારત એરસ્ટ્રાઈક કરીને જ અટકી જાય તેમ લાગતું નથી. ગુરુવારે સવારે ભારતે પાકિસ્તાનનાં લાહોર, કરાચી અને રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી છે. ભારતે આ હુમલા માટે ઇઝરાયલી હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ લખાય છે તે દરમિયાન ભારતે પાકિસ્તાનના રાવલપિંડી સ્ટેડિયમ પર ડ્રોન હુમલો કર્યાના સમાચાર છે. સામે છેડે પાકિસ્તાન પણ દાવો કરી રહ્યું છે કે પાક સેનાએ જમ્મુ અને કાશ્મીરના બટ્ટલ સેક્ટરમાં ચોકીઓ પર હુમલો કરીને 12 ભારતીય સૈનિકોને મારી નાખ્યા છે. જો કે, આ દાવાને ફેક બતાવાઈ રહ્યો છે. ભારતીય કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યા મુજબ પાકિસ્તાને ભુજ સહિત 15 શહેરોમાં હુમલા કર્યા છે, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. વાત તો રાજસ્થાનનાં ત્રણ લશ્કરી ઠેકાણાં પર પાકિસ્તાને હુમલો કર્યાની પણ છે. બીજી તરફ, પાકિસ્તાનના પંજાબમાં કટોકટી જાહેર કરાઇ છે ને રવિવાર સુધી શાળા, કોલેજો ને યુનિવર્સિટીઓને બંધ રાખવાનો આદેશ અપાયો છે.

એટલું છે કે નવ દેશોએ તેમના નાગરિકોને ભારત-પાક ન જવાની સલાહ આપી છે, તો અમેરિકાએ તેના નાગરિકોને લાહોર છોડવાની તાકીદ કરી છે. આ બધાં પરથી એંધાણ સારાં લાગતાં નથી. પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફે ટી.વી. પર જનતાને સંબોધતાં કહ્યું છે કે ભારતે આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાનની રક્ષા માટે અમે છેલ્લા શ્વાસ સુધી લડીશું. પાક રક્ષા મંત્રી ખ્વાજા આસિફે બે દિવસ પર જ કહી દીધું છે કે ભારત આ મામલાને આગળ વધારશે ને ન્યુક્લિયર વોર તરફ જવાનું થશે તો તેની જવાબદારી ભારતની હશે.

ન્યુક્લિયર વોરની તો ખબર નહીં, પણ બંને દેશો યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યા હોય તેમ લાગે છે. હવે યુદ્ધ જ્યારે તોળાઈ જ રહ્યું છે, ત્યારે ભારતે બે લક્ષ્ય સિદ્ધ કરવાનાં રહે. એક, આતંકીઓનો પૂરો સફાયો ને બે, પી.ઓ.કે.નો સંપૂર્ણ કબજો. આ લક્ષ્યો સિદ્ધ ન થાય ત્યાં સુધી આરપાર લડી લેવાનું. વર્ષોથી થતી આ પજવણી હવે તો બંધ થવી જ જોઈએ …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 મે 2025

Loading

શહીદોની યાદમાં

સંગીતા પટેલ|Opinion - Opinion|9 May 2025

પહલગાંવમાં આતંકવાદીઓએ, સ્ત્રીઓની નજર સામે, તેમનાં સિંદૂર લૂંટી લીધાં અને બે જિંદાદીલ સ્ત્રીઓ કર્નલ સોફિયા કુરેશી, મુસ્લિમ અને વીંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ, હિન્દુએ ભૂંસાયેલાં સિંદૂરનો બદલો લીધો. ગનનો જવાબ મિસાઇલથી આપ્યો. સોફિયા કુરેશીનું નામ તો આજે સ્વદેશાભિમાનની લહેરમાં છે પણ, લશ્કરમાં સ્ત્રી અધિકારીઓને કાયમી કરવાના એક લેન્ડમાર્ક ચુકાદામાં સુપ્રિમ કોર્ટે સોફિયા કુરેશીની જ્વલંત સિદ્ધિઓની નોધ લઇને તેમને રણે ચડવા શુભાશિષ તો ક્યારના ય પાઠવી દીધા હતા.

મેજર મોહમદ અલી રાઝ શેખ

આવું જ એક નામ છે, મેજર મહમદ અલી રાઝ શેખ. દેશ માટે જાન કુરબાન કરી ગયેલા, હિન્દુ-મુસ્લિમ એકતા કાયમ કરતા બિરાદરનું આ નામ છે. 6 માર્ચ 1931માં જન્મેલા માંગરોળના નવાબના વંશજે રાજવી વિરાસતનો વૈભવ નહિ, પણ દેશદાઝ હૈયે રાખેલી અને વતન વહાલું કરી 34 વર્ષે શહીદી વ્હોરી લીધી. ગુજરાતનું માંગરોળ તેમનું જન્મસ્થળ હતું અને ગાંધીનગર તેમનું નિવાસસ્થાન. પ્રારંભિક શિક્ષણ તેમણે રાજકોટમાં લીધું અને ત્યારપછી ઇન્ડિયન મિલિટ્રી અકાદમી સાથે જોડાયા. 23 વર્ષની ઉંમરે લશ્કર સાથે નાતો જોડ્યો. 6 જૂન 1956ના રોજ સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિમાયા. 1965 સુધી 10 વર્ષ લશ્કરમાં સેવા બજાવી મેજર બન્યા. એ પછી વિવિધ ઓપરેશનોમાં સેવા આપી અને લશ્કરી કવાયતોનું ભાથું બાંધ્યું. 

1965માં દેશના આકાશે યુદ્ધનાં વાદળો ઘેરાયાં અને શેખને દેશની સુરક્ષાની ચિંતા ઘેરી વળી. દેશાભિમાને તેમને હાકલ કરી અને 8 સપ્ટેમ્બર, 1965ના દિવસે દેશની સશસ્ત્ર ટૂકડીનું સુકાન સંભાળ્યુ અને દુ:શ્મન દેશના ઇલાકામાં ચડાઇ કરી, ખુદની પરવા કર્યા વગર વીજળી વેગે લગભગ 9 વાગ્યાથી 1.30 વાગ્યા સુધીમાં દુ:શ્મનની આઠ પેટન ટેન્ક, બે RCL ગન અને દુ:શ્મનના કેટલાક શસ્ત્રાગાર ભસ્મીભૂત કરી દીધા. પોતાની જાતની પરવા કર્યા વગર શેખે ટેન્ક કમાન્ડર સામે લડી લેવા કમર કસી. તેમની રેજિમેન્ટ માટે સફળ થવું અઘરું હતું તેમ છતાં પૂર ઝડપે આગળ વધ્યા. આ સંગ્રામમાં મેજરને ગળા પર અને જમણા ખભે ઇજા થઇ અને 12 સપ્ટેમબર 1965ના રોજ અલ્લાને પ્યારા થયા. મેજર મહમદ અલી રાઝ શેખને મરણોત્તર “વીરચક્ર” ખિતાબ એનાયત કરવામાં આવ્યો. મેજર શેખ દેશના શહીદ તો છે જ, પણ એથી ય વધુ તો, ગાય માતાના નામે ધીંગાણું કરીને કોમી એખલાસ ડ્હોળી નાખતા લોકો માટે નીતિબોધ છે.

વાલજીભાઈ પટેલના નિવાસસ્થાન દરિયાપુરમાં, બાબાસાહેબ આંબેડકર જયંતી સભાને સંબોધતાં આયશા બેગમ શેખ

તેમનાં વિધવા આઇશા બેગમ શેખ પતિના આ બલિદાનને આંસુભરી આંખે યાદ કરતાં કહેતાં, “મેજર શેખ ઓપરેશનને અંજામ આપવાના હતા તેના આગલા દિવસે વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ શેખ અને તેમના પરિવાર સાથે રાત્રિભોજન લઇને રણસંગ્રામ માટે શુભેચ્છા પાઠવી હતી.” તે વખતે મરહૂમ શેખને બે નાની દીકરીઓ હતી. આ દીકરીઓએ પિતાની છત્રછાયા વગર જ મોટું થવાનું હતું. વડા પ્રધાન સાથેની તેમની સહપરિવાર તસવીરો આઇશાબેગમનું આજીવન સંભારણું હતું. આઇશા બેગમે કાઁગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં ગુજરાતના શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવી હતી. વી.પી. સિંહના પ્રગતિશીલ વિચારોમાં આશા દેખાતા તેઓ તત્કાલીન જનતા દળના પક્ષે પણ ચૂંટણી લડ્યાં હતાં. લોકલક્ષી લાગણી આઇશા બેગમમાં હતી. દલિત પેંથર નારણ વોરાની શોકસભામાં તેમની હાજરી દલિત-મુસ્લિમ સૌહાર્દનું સૂચક હતી.

દલિત-મુસ્લિમ સંવાદિતામાં યોગદાન આપવાનો અવસર આઇશા બેગમ ચૂકતા નહિ. દલિત કર્મશીલ વાલજીભાઈ પટેલ 1994માં શહેરકોટડા વિસ્તારમાં વિધાનસભાની બેઠક પર ચૂંટણી લડ્યા ત્યારે, તેમણે મુસ્લિમ વિસ્તારમાં બહેનોની મિટિંગ બોલાવીને વાલજીભાઈ માટે પ્રચાર કરેલો. મુસ્લિમ સમાજની વાત રજૂ કરતા વાલજીભાઇ લેખિત અહેવાલના પ્રેસ કટીંગની નકલ તેઓ મિટિંગમાં સાથે રાખતાં અને વહેંચતાં. સાચા દેશપ્રેમ અને કોમી એકતા બને આજની તાતી જરૂરિયાત છે. આ બંને દિશામાં યોગદાન આપતા સૌને સલામ.                  

e.mail : sanita2021patel1966@gmail.com

Loading

સાત કાવ્યો

ઉદય ચંદ્રકાંત|Poetry|8 May 2025

૧.

પાંપણ નીચે ચોમાસું કંઈ વરસે અનરાધાર!
સપનું તરતું હાલકડોલક કોણ ઊતારે પાર!
પાંપણ નીચે ચોમાસું …

છાલક ઉડે, છાંટા ઉડે, ખૂણે ખૂણાં ભીંજે!
મનડું કોરું રીસે બેઠું કેમ કરીને રીઝે?
કેમ કરીને છાનો રાખું દલડાનો ધબકાર!
પાંપણ નીચે ચોમાસું …

આભ ભરીને આંખિયું દેખે આવે કો’ અસવાર?
જોજન જોજન જઈને બેઠો કેસરિયો ભરથાર!
નજરું ભીની, દૃશ્યો ભીનાં, ભીનો આ અવતાર!
પાંપણ નીચે ચોમાસું …

સગડ મળે નૈ સાંવલિયાના જોતી સો સો ગાઉ
સાગમટે સો સપનાં જોતી કેવી હું શરમાઉં!
ડેલી ખખડે, દલડું ધડકે, પગલાં સુણું અપાર!
પાંપણ નીચે ચોમાસું …
•

૨.

ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન,
       અમે પંખીને આપશું નૈ મકાન!
       માળાઓ બાંધીને ટહુકોઓ મૂકતાં,
       ટહુકા મૂકીને ઉડી જાતાં!
       ડાળે ડાળે અમે એકલાં અટૂલાં
       પાંદડે પાંદડે અમે રોતાં!
ધીમે ધીમે અમે સાવ રે ખોઈ દઈએ
       ખીલવા ને ખરવાનું ભાન!
ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન!

કલરવનાં ભણકારા રાત દિ’ વાગે
       ને જાગે છે દિલમાં ફફડાટ!
       છાનો છાનો પછી ઓસરતો જાય
       માળાનો ધીમો કલબલાટ!
વીલે મોઢે પછી ગણગણતાં રહીએ
       એક એક પંખીનું ગાન!
ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન!

કૂંપળે કૂંપળે યાદ જૂની ફૂટતી
       ને હૈયામાં પડતી એક ફાળ!
       કોણ અહીં આવશે ને કોણ અહીં બેસશે
       વાટ જોતી લીલીછમ ડાળ!
આખું ય જંગલ પછી પૂછવાને આવતું
      આવ્યા છે કોઈ મહેમાન?
ઝાડવાઓએ કર્યું છે ખૂલ્લું એલાન!

••

૩.

મારી મેડીએ બેસે છે મોર,
            મારા દલડે આ શેનો કલશોર?
મારી મેડીએ બેસે ….

એની સોનાની ચાંચ, એની રૂપાની પાંખ
            એનાં કંઠે છે ટહુકાનો દરિયો!
            ટહુકા વીણી હું તો છાબડીઓ ભરતી
            પોંખવાને મારો સાંવરિયો!
            મોરલાને જોવામાં રાત વહી જાતી
             ને થઈ જાતી સોનેરી ભોર!
મારી મેડીએ બેસે …

મારા કંથ કેરી પાગડીનો કસુંબલ રંગ
             મોરલાની કલગીમાં ભાળું!
             ટહુકે ટહુકે મારી આંખિયું ગુલાબી
             મારા પિયુને પાંપણમાં ઢાળું!
             મોરલાને આપું હું મોતીનો હાર
             ને આપું હું મળવાનાં કોલ!
મારી મેડીએ બેસે ….
•••

૪.

આંખિયુંના ઓરડા થ્યા સાવ ખાલીખમ,
          વાગે આ કોનાં ભણકારા?
          છાનો પગરવ એક ઉંબર લગ પૂગ્યો
          થાય છે આ કોનાં ઊતારા?
                      આંખિયુંનાં ઓરડા …

ભીંતે ચીતરાયું એક મોરપીંછ રૂડું
          ને બારીએ વાંસલડી વાગી !
          પાંપણે પોઢેલી રાત સૂની સૂની
          ઓચિંતિ ઊંઘમાંથી જાગી!
          અધખૂલી આંખે મે ઝાખું રે જોયું
          કાનજી ઊભાં કાળાં કાળાં!
                       આંખિયુંનાં ઓરડા …

શરણાયું વાગી ને ઢોલ રે ઢબૂક્યાં
           અજવાળાં પથરાયાં રાતે!
           સામટાં ગહેક્યા દલડાનાં મોર
           મારું આંગણું વનરાવન લાગે!
           ઉભરાતી આંખિયું પાલવડે લૂછી
           કાનજીને કીધાં મેં મારાં!
                        આંખિયુંનાં ઓરડા …

••••

૫.

મોરલો મોકલ્યો મેં તારે સરનામે,
              હવે તું જાણે ને એ જાણે!
        એને કમખે બેસાડે કે બારણે,
               હવે તું જાણે ને એ જાણે!

                મોરલાને માનપાન દેજે
                 મનડાની વાતું બે કે’જે
       મોરલાની રે’જે તું હારે ને હારે!
    મોરલો મોકલ્યો મેં તારે સરનામે,
                હવે તું જાણે ને એ જાણે!

      વનરાતે વનથી આવ્યો છે મોરલો
       કાન કેરી વાતું લાવ્યો છે મોરલો
         તારા દલડાની વાતું બધી જાણે
      મોરલો મોકલ્યો મેં તારે સરનામે
                  હવે તું જાણે ને એ જાણે!

     મોરલાનાં કંઠમાં છે ટહુકા અપાર
          મોરલો ઉડીને આવ્યો આ પાર
    મોરલાને આસનિયા દેજે તું પાંપણે!
       મોરલો મોકલ્યો મેં તારે સરનામે,
                   હવે તું જાણે ને એ જાણે!
•••••

૬.

હવે પહેલા જેવો લગાવ નથી રહ્યો!
દિલમાં કોઈનો પડાવ નથી રહ્યો!

પીડામાં પણ હસી શકાય છે હવે
દરદનો ખાસ પ્રભાવ નથી રહ્યો!

પ્રશ્નો તો હજીએ છે ઢગલાબંધ
પણ એકેયનો જવાબ નથી રહ્યો!

હવે ‘આવજો’ કહી નીકળી શકાય
લાગણીનો કોઈ દબાવ નથી રહ્યો!

એટલે આંસુઓએ મન વાળી લીધું
રડી પડવાનો સ્વભાવ નથી રહ્યો!

••••••

૭.
કાશ, ક્ષણને શબ્દથી ભરી શકું!
હાથ ઝાલી કો’કનો હું રડી શકું!

કો’કની આંખમાં તલાશ થઈ જીવું
પલકારે પલકારે એને હું જડી શકું!

મળે વાવળ એકાદ ઝાંઝવાનાં તો
ધોમ ધખે રણમાંય હું રઝળી શકું !

રેડી દઉં પાણી ઝાડ પરની ઠીબમાં
કાશ, એકાદ ટહુકાને હું પકડી શકું !

ખોલી દઉં વરસોથી બંધ પાંપણોને
બસ એક આંસુ થઈને હું દડી શકું  !

e.mail : gor.uday.chandra@gmail.com

Loading

...102030...157158159160...170180190...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved