Opinion Magazine
Number of visits: 9663716
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ઓલ ઇન્ડિયા રેડિયો’ની અતીતમાં નજર

રાજેશ ઘોઘારી|Opinion - Opinion|4 September 2025

આજે મિત્રોના અતિ આગ્રહવશ થઈ અમદાવાદની દર રવિવારે ભરાતી ગુજરીમાં જવાનું થયું. એક જમાનામાં ગુજરીની જે રોનક અને દબદબો હતો તે લુપ્ત થઈ ગયો હોય તેવું લાગ્યું. આઠ દસ વર્ષ પહેલાં જૂનાં પુસ્તકો અને સામયિકોના અસંખ્ય વિક્ર્રેતા આવતા હતા, તેમાંના મોટા ભાગનાએ સામયિકોના પ્રકાશન બંધ થવાથી વ્યવસાય છોડી દીધો હતો. ફક્ત ત્રણ વેપારીઓ જ બજારમાં હતા અને જૂનાં પુસ્તકો રાખતા હતા.

 હું પુસ્તકોને ઉથલાવતો હતો ત્યાં અચાનક એક પુસ્તક હાથમાં આવ્યું. નામ હતું : ‘હિસ્ટરી ઑવ રેડિયો બ્રોડકાસ્ટિંગ ઇન ઇંડિયા’. પણ વિશેષ આશ્ચર્ય એ થયું કે તેના ઉપર અત્યંત મરોડદાર અક્ષરોમાં એક નામ હતું ‘દ્રિજેન મહેતા’. સ્મૃતિએ આળસ મરડી અને મને યાદ આવ્યું કે ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈ સ્કૂલમાં પણ દ્રિજેન મહેતા નામના એક શિક્ષક હતા. શુદ્ધ ભાષા, ઉચ્ચારો સ્પષ્ટ, શબ્દોના એક સરખા અરોહ-અવરોહ. એક કે બે વર્ષમાં દ્રિજેનભાઈએ શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી હતી અને આકાશવાણીના અમદાવાદ કેંદ્રમાં ઉદ્દઘોષક તરીકે જોડાયેલા. પુસ્તક પરના નામે મારામાં સંચાર કરી દીધો કે રેડિયો પ્રસારણ કઈ રીતે થતું હશે? એક સમય હતો કે જ્યારે રેડિયો દેશના કરોડો લોકોના દિલની ધડકન હતો!

આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી ફાટી નીકળેલા કોમી તોફાનોથી ગ્રસ્ત હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં જવા માગતા હતા, પરંતુ કોઇ સંજોગોવસાત નિરાશ્રિતોની શિબિરની મુલાકાતે તેઓ જઇ ના શક્યા. તે પછી કોમી હુતાશની ઠારવા તેમણે રેડિયો દ્વારા તેમનો શાંતિ સંદેશ મોકલવા હા પાડી હતી, તા. ૧૨મી નવેમ્બર ૧૯૪૭ના રોજ  ‘ઓલ ઇન્ડિયા રેડિયો’એ ગાંધીજીનો પહેલો અને છેલ્લો લાઇવ મેસેજ બ્રોડકાસ્ટ કર્યો હતો.

ગાંધીજી એક જ વાર રેડિયો પર આવ્યા હતા અને તે દિવસની યાદમાં તા.૧૨મી નવેમ્બરને ‘પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટ ડે’ તરીકે ઊજવવામાં આવે છે. તે ‘જન પ્રસારણ દિન’ તરીકે પણ ઓળખાય છે. એ વખતે ગાંધીજી નહોતા તો વડા પ્રધાન કે નહોતા રાષ્ટ્રપતિ. પરંતુ તેઓ એક સામાન્ય નાગરિકની જેમ આકાશવાણીના સ્ટુડિયોમાં જઇ બોલ્યા હતા.

સમય જલદી બદલાઇ રહ્યો છે.

આઝાદી પછીનું ભારત હવે ૮૦ વર્ષની વયને વટાવી ગયું છે. વર્ષો પહેલાં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દેશની ધડકન હતો. રેડિયો જ મનોરંજન અને માહિતીના શ્રેષ્ઠ સ્રોત હતો. ક્રિકેટની કોમેન્ટ્રી પણ દેશના લાખો લોકો રેડિયો પર સાંભળી ઝૂમી ઉઠતા. વિજય મરચન્ટ એક જમાનાના શ્રેષ્ઠ રેડિયો કોમેન્ટટેટર હતા. પોલી ઉમરીગર, વિનુ માંકડ અને સલીમ દુર્રાની જેવા ક્રિકેટના ખેલાડીઓની દમદાર રમતની કોમેન્ટ્રી સાંભળી લોકો ભાવાવેશમાં આવી જતા.

રેડિયો પ્રસારણમાં એક નામ બહુ લોક્પ્રિય હતું. ભારતીય રેડિયો અને પત્રકારત્વના શિખર પુરુષ રહેલા જશદેવ સિંહે ૯ ઓલિમ્પિક, ૮ વર્લ્ડ કપ હોકી અને ૬ વિશ્વકપ એશિયન ગેમ્સમાં શ્રોતાઓને અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી કોમેન્ટ્રી આપી હતી. એમણે કુલ ૪૭ વખત દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડનો પણ આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો.

અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયો માટેનું રેડિયો સ્ટેશન લાવવાનો યશ સરદાર વલ્લભભાઇ પટેલને ફાળે જાય છે. એ વખતે અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલી કાપડની મિલો હતી. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. લગભગ એક લાખ મજૂરો આ મિલોમાં કામ કરતા હતા. આ સંદર્ભમાં આકાશવાણીના અમદાવાદ મથકેથી મજૂરભાઇઓ માટેનો એક કાર્યક્રમ પ્રસારિત થતો જેમાં શાણાભાઇ અને શકરાભાઇની જોડી લોકપ્રિય હતી. આ નામો હકીકતમાં કાલ્પનિક હતા, પરંતુ ચંદુભાઇ અને ચોખડિયા નામની બે વ્યક્તિઓ શાણાભાઇ અને શકરાભાઇના નામે રોજ લાઇવ કાર્યક્રમ આપતા.

૧૯૬૦ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના હોઇ, રેડિયો ચલાવવા એવરેડી કંપનીની વજનદાર બેટરી જોડવામાં આવતી હતી. શરૂઆતમાં વાલ્વ સિસ્ટમના રેડિયો હતા, પાછળથી ટ્રાન્ઝિસ્ટર્સ આવ્યા. એ જમાનામાં ફિલિપ્સ, મરફી અને નેશનલ ઇકો જેવી બ્રાન્ડના રેડિયો જાણીતા હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે રોજ સવારે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના અગાઉ રેકોર્ડ થયેલા પ્રવચનોમાંથી કેટલાક અંશ ગાંધીજીના જ અવાજમાં પ્રસારિત કરવામાં આવતા. 

આકાશવાણી સાથે સંકળાયેલા જાણીતા નામોમાં ભાઇલાલભાઇ બારોટ એક જાણીતું નામ હતું. તે પછી વસુબહેન ભટ્ટ વર્ષો સુધી આકાશવાણીના વડાં રહ્યાં. એ જમાનામાં લેમ્યુઅલ હેરી નામના ઉદ્દઘોષક તેમના ઘેરા અવાજમાં ગુજરાતીમાં સમાચાર વાંચતા. તે પછી હસીના કાદરીનો અવાજ જાણીતો બન્યો હતો. મારી સાથે કામ કરી ચૂકેલા સૈફુદ્દીન કાદરીનાં એ મોટા બહેન. કવિ-સાહિત્યકાર તુષાર શુકલ પણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના એક અભિન્ન હિસ્સો રહ્યા હતા. આ બધા જ ઉદ્દઘોષકો દ્વિજેન ભાઈના સમકાલીન હતા. 

એક સમયે એવી માન્યતા હતી કે રેડિયો સ્ટેશન પરથી ફિલ્મનાં ગીતોનું પ્રસારણ થવું ના જોઇએ એ કારણે રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય થયો. છેક કોલંબોમાં આવેલું સિલોનનું રેડિયો મથક દર બુધવારે રાત્રે ૮ વાગે બિનાકા ગીતમાલા પ્રસારિત કરતું. અમીન સયાની એક આગવા અંદાજમાં આ કાર્યક્રમનું સંચાલન કરતા. અમીન સયાનીના અવાજ દેશભરમાં જાણીતો હતો. અમીન સયાનીનો પૂર્વજો મૂળ ગુજરાત-કચ્છના હતા. વર્ષો સુધી તેમના અવાજે હિંદુસ્તાનના કરોડો શ્રોતાઓના દિલ પર રાજ કર્યું.

રેડિયો સિલોનની લોકપ્રિયતા જોઇ ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયોની એક વધુ શાખા ‘વિવિધ ભારતી’ શરૂ કર્યું, જે રેડિયો સિલોનની લોકપ્રિયતાને પણ આંબી ગયું. આજે પણ રેડિયોની પ્રાઇવેટ એફ.એમ. ચેનલો કરતાં વિવિધ ભારતી સાંભળવું હૃદયગંમ લાગે છે.

એ સિવાય દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો પર જે એક નામ – અવાજ દેશભરમાં ગુંજતા રહ્યા. તેમાંનું એક નામ છે દેવકી નંદન પાંડે. એ વખતે મોટા ભાગે રેડિયો સમાચારની શરૂઆત આ વાકયથી થતી હતી : ‘નમસ્કાર, યે ઓલ ઇન્ડિયા રેડિયો’ હૈ. અબ આપ દેવકી નંદન પાંડે સે સમાચાર સુનિયે. દેવકી નંદન પાંડેને પણ ‘પદ્મ શ્રી’ સન્માન મળ્યું. પાંડેજી તેમના શુદ્ધ ઉચ્ચારણો માટે જાણીતા હતા. પ્રસંગ અનુસાર તેમના અવાજમાં આરોહ-અવરોહ જોવા મળતો. દા.ત. કોઇ શોકના સમાચાર વાંચતી વખતે તેઓ ઉદાસ અને ગંભીર સ્વરે સમાચાર રજૂ કરતા. આનંદના સમાચાર વાંચતી વખતે તેઓ શ્રોતાઓમાં જોશ ભરી દેતા. તેઓ અલ્મોડાના વતની હતા અને તેમના પહાડી અવાજ માટે જાણીતા હતા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ફિલ્મ જગતમાં આવતાં પહેલાં એક્ટર સુનીલ દત્તે પણ રેડિયો સિલોન માટે પોતાની સેવાઓ આપી હતી અને કરોડો લોકો જે અવાજના દિવાના છે તે અમિતાભ બચ્ચનને તેના અવાજ માટે ઓલ ઈંડિયા રેડિયોએ પસંદ કર્યા ન હતા.

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી એફ.એમ. વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે. અલબત્ત, શહેરના લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય, પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી – પુનર્જીવીત કર્યો છે.

એક સમયે રેડિયો આખાયે ભારત ઉપખંડનો આત્મા હતો. સુગમ સંગીત, સીતાર વાદન, સમાચારો, ગ્રામજનો માટેના કાર્યક્રમો, ભજનો દ્વારા રેડિયો ઘરઘરમાં ગુંજતો હતો. સાંજના ૭ વાગ્યાના સમાચારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ ગણાતો. એ જમાનામાં બધાના ઘરમાં રેડિયો નહોતો તેથી લોકો કોઇના ઘેર, કોઇ પાનબીડીની દુકાને કે ચાની હોટલે જઇ રેડિયો સાંભળતા.

અતીતમાં નજર નાંખીએ તો ૧૯૨૬માં બ્રિટિશ શાસન વખતે અવિભાજિત ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ થયો હતો. તે વખતે એક પ્રાઇવેટ કંપની ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ’ને બે રેડિયો સ્ટેશન સ્થાપવાની મંજૂરી મળી હતી, એક મુંબઇ અને બીજી કલકત્તામાં. પરંતુ આ કંપની ૧૯૩૦ સુધી જ ચાલી શકી. તા. ૮ જૂન ૧૯૩૬ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો. એ પછી વર્ષો સુધી રેડિયો ખરીદનારે લાઇસન્સ લેવું પડતું. હવે લાઇસન્સ લેવું પડતું નથી.

યાદ છે ને રોજ સવારે ઓલ ઇન્ડિયા રેડિયો શરૂ થાય તે પહેલાંનો સિગ્નેચર ટયૂન !

31 ઑગસ્ટ 2025
સૌજન્ય : રાજેશભાઈ ઘોઘારીની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

સોનલ પરીખ|Gandhiana|4 September 2025

આકાશના તારાઓમાં શુક્ર, ચંદ્રનો જોડીદાર ગણાયો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં કવિઓ થાક્યા નથી. આ તેજસ્વી તારો સમીસાંજે કે વહેલી સવારે કલાક–બે કલાકથી વધુ દેખાતો નથી. ભાઈ મહાદેવ ભારતના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભા પાથરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા

— સ્વામી આનંદ 

મહાત્મા ગાંધી અને મહાદેવભાઇની જોડીને રામકૃષ્ણ પરમહંસ, સોક્રેટિસ અને પ્લેટો, જર્મન કવિ ગટે અને એકરમેન જેવા ઉમદા ગુરુ-શિષ્યો સાથે થઈ શકે, પણ એમ કર્યા પછી પણ અભ્યાસીઓએ નોંધ્યું છે કે મોહન-મહાદેવ જેવો અખંડ અને અવિચ્છિન્ન સંબંધ આમાંના કોઈનો ન હતો. 15 ઑગસ્ટે મહાદેવભાઈની પુણ્યતિથિ છે. એ નિમિત્તે એમને સાદર સ્મરીએ. 

સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ વિશેના દીર્ઘ લેખ ‘શુક્રતારક સમા’માં લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આ તેજસ્વી તારાને સમીસાંજે કે વહેલી સવારે કલાક-બે કલાકથી વધુ દુનિયા દેખી શકતી નથી. ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભાથી આપણા આકાશને ઝળાંઝળાં કરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા.’ 

કિશોરલાલ મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે જેમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા છે, એ મહાદેવભાઈ દેસાઈને માટે ગાંધીજી ખુદ કહેતા કે ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ એક વાર કાકા કાલેલકર વગેરે ગેરસપ્પાનો ધોધ જોવા જતા હતા. મહાદેવભાઈને સાથે આવવા કહ્યું, પણ તેઓ ગાંધીજીના કોઈ કામમાં રોકાયેલા હતા. જ્યારે કાકાસાહેબે ગાંધીજીને મહાદેવભાઈને મોકલવાનું કહ્યું ત્યારે ગાંધીજી સ્મિત વેરતાં બોલ્યા, ‘હું જ એનો ગેરસપ્પા છું.’  

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ લખેલું એમના પિતાનું જીવનચરિત્ર. આ શબ્દો મહાદેવભાઈ માટે પહેલવહેલા ઝવેરચંદ મેઘાણીએ વાપર્યા હતા. આ પુસ્તક 1992માં લખાયું. એનાં ઘણાં વર્ષ પહેલાં 1950માં મહાદેવભાઈના મિત્ર, સાથી અને મહાત્મા ગાંધીના અંતેવાસી નરહરિ પરીખે ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ આપ્યું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ પરીખ કૉલેજના અભ્યાસ સમયે એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત સુધી મૈત્રીની ગાંઠ અતૂટ રહી.

નરહરિભાઈ લખે છે, ‘મહાદેવભાઈ બાપુજી પાસે ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની સંપત લઈને આવ્યા અને કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહયોગી; મંત્રી; નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; અને આ બધું છતાં માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક” – એવા એ બન્યા.’

ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’. તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની વૈચારિક એકતા એવી હતી કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવે.

આ મહાદેવભાઈનો જન્મ જાન્યુઆરી 1892માં. શિક્ષક પિતા હરિભાઈ અને ઊંડી ધર્મભાવનાવાળાં માતા જમનાબહેન ઉપરાંત એમના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ તેમ જ ગોધરાના પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્ત્વનો ફાળો હતો. 

તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1910માં તેઓ તત્ત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. થયા અને 1913માં એલએલ.બી. થયા. 1915 જાન્યુઆરીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યારે મહાદેવભાઈ મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા હતા. 1915ના જુલાઈ મહિનામાં તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ ને 1917માં તેઓ બધું છોડી ગાંધીજી પાસે આવી ગયા. 1919ની શરૂઆતમાં મહાદેવભાઈએ થોરોના ‘ઓન સિવિલ ડિસઓબિડિયન્સ’નો રાતોરાત સંક્ષેપ કર્યો, ‘કાયદાની સામે થવાની ફરજ’. પ્રેસ કાયદાનો ભંગ કરી એની નાનકડી પુસ્તિકા મુંબઈના હજારો લોકોએ ખુલ્લેઆમ વેચી સવિનય કાનૂનભંગ કર્યો. ગાંધીજીએ મહાદેવભાઈને પોતાના વારસ કહ્યા. 

19૦5માં મહાદેવભાઈનું લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયું. પત્ની સાથે સુંદર મનમેળ, છતાં મહાદેવભાઈ પત્ની પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં : ‘પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે, માંહી આવે વિયોગની વાત જો, સ્નેહધામ સૂનાં સૂનાં રે.’ નારાયણભાઈ લખે છે, ‘વિયોગ છતાં મહાદેવ-દુર્ગાનાં સ્નેહધામ ભર્યાં ભર્યાં હતાં, સૂનાં સૂનાં નહીં.’ 

19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી મહાદેવભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી થયા. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’નું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ને પણ તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. મહાદેવભાઈને 1927માં ‘નવજીવન’માંના લેખો માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.

ગાંધીસેવા પૂર્વે મહાદેવભાઈએ સાહિત્યસેવામાં પગરણ માંડેલાં. 1915માં કરેલા લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદે ફાર્બસ ગુજરાતી સભાનું પારિતોષિક મેળવ્યું. 1915થી 1925ના ગાળામાં રવીન્દ્રનાથ અને શરદબાબુનાં કેટલાંક પુસ્તકોના અનુવાદ કર્યા. જવાહરલાલ નેહરુની તેમ જ ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદ આપ્યા. કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના પોતે કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનારૂપે લખેલા ‘માય સબમિશન’ લેખમાં મહાદેવભાઈએ ભગવદગીતાની સૂક્ષ્મ છણાવટ કરી શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા સાઠ ઉપરાંત પરદેશી ચિંતકોને ટાંક્યા છે! ભારતીય ચિંતકો તો જુદા. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો આજે પણ મન મોહી લે. આ ઉપરાંત એમણે ચરિત્રગ્રંથો, અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો અને બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ અને ઘણા અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો આપ્યાં છે. પણ ગુજરાતી તેમ જ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ. ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રગટ થયો છે. ગાંધીજીના સત્યના પ્રયોગોનો રોજબરોજનો પુરુષાર્થ, ગાંધીજીના સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં ટાંચણથી માંડી સુરેખ વર્ણનો ભરેલી આ ડાયરીઓ ગાંધીકોશની ગરજ સારે એવી છે. 1955માં એમને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. 

ગાંધીજી 1935માં વર્ધા રહેવા ગયા એ પછીનો સમય મહાદેવભાઈ માટે શારીરિક તેમ જ માનસિક કસોટીઓનો હતો. 1942ના ઑગસ્ટની 9મીથી 15મી તારીખના અઠવાડિયા દરમિયાન ગાંધીજી ઉપવાસ કરશે એ વિચારે મહાદેવભાઈના મનમાં બેસી ગયેલી ફડક જ તેમના અકાળ મૃત્યુનું કારણ બની. આ મૃત્યુનો જખમ છેક સુધી ગાંધીજીને હૈયે રહ્યો. પછીનાં વર્ષોમાં પ્યારેલાલજીને કશુંક કહેવું હોય તો ગાંધીજીના મોંએથી અનાયાસ ‘મહાદેવ!’ સંબોધન સરી જતું. 

અંતે ફરી સ્વામી આનંદે લખેલા શબ્દો યાદ કરીએ : ‘ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઑગસ્ટ  2025

Loading

અનહદ 

રવીન્દ્ર પારેખ|Opinion - Short Stories|4 September 2025

‘નહીં !’ બોલતી સીમા એકદમ જાગી પડી. સૂતાં સૂતાં જ હાથ લંબાવી તેણે સ્વિચ ઓન કરી. રૂમમાં, જરા ઝબકીને અજવાળું થયું. બાજુમાં સૂતેલા ધીર તરફ જોયું તો લાગ્યું કે તેનું ‘નહીં!’ ધીરને સંભળાયું નથી. બને કે તે ધીર સુધી પહોંચ્યું જ નહીં હોય ! તેણે આજુબાજુ જોયું. બધું શાંત હતું. વોલ ક્લોકે છમાં પાંચનો સમય દેખાડ્યો. ઉનાળો હોત તો અજવાળું થઈ ગયું હોત, પણ પોષમાં અજવાળું થોડું મોડું જ થતું હતું. તેણે પડખું ફરીને સૂવાનો પ્રયત્ન કર્યો, પણ ફરી ‘નહીં !’ બોલવાનું આવ્યું તો … તેણે બળપૂર્વક આંખ લાગી ન જાય તેની ફરી કોશિશ કરી, પણ આંખો ઘેરાવા લાગી હતી. તેણે ઊંઘવું ન હતું. ઊંઘ આવે ને ફરી પેલું … સીમા બેડ પર જ બેઠી થઈ ગઈ. સપના પર કોઈનો કાબૂ ન હોય તે, તે બરાબર જાણતી હતી, પણ આ તો તેણે રોકવું જ હતું. આવું કોઈને થતું હશે કે તેને એકલીને જ થતું હતું, તે ય સમજાતું ન હતું. થોડી વાર એમ જ લમણે હાથ દઈને બેસી રહી. ક્યાં સુધી બેસી રહીશ?-જેવું તેણે પોતાને જ પૂછ્યું. જવાબ ન જડ્યો, તો એમ જ ટાચકા ફોડ્યા. તેનો અવાજ થયો તો ધીર આળસ મરડતો પડખું ફરી ગયો. સીમાને ગુસ્સો પણ આવ્યો કે ધીરને હલબલાવી નાખે ને કહે કે પોતાની ઊંઘ હરામ થઈ ગઈ છે ને એ ઘોરે છે? આ એવો સમય હતો કે રાત જતી ન હતી ને સવાર આવતી ન હતી. ક્યાંક ટશર ફૂટી હોય એ જોવા તેણે બેઠાં બેઠાં જ બારી તરફ જોયું. ખસી ગયેલા પડદાને ખૂણે અંધારું જ હતું. પછાડતી હોય તેમ તેણે માથું ઓશીકા પર નાખ્યું ને આંખો મીંચી ગઈ. મીંચાઈ તે સાથે જ તેણે આંખો બળપૂર્વક ખોલી નાખી, કેમ જાણે ફરી બંધ જ કરવાની ન હોય ! તેને થયું પણ ખરું કે આંખો મીંચીને પડી રહે, પણ પડી રહેવાથી આંખો લાગી ગઈને પેલું ફરી દેખાયું  તો … ‘ના – ‘જેવું બોલી જવાયું. આ ‘ના’ તો તેને ય સંભળાયું ન હતું, પણ ધીરને સંભળાયું હોય તેમ તે પડખું ફર્યો. તેણે સીમાને જોઈ. ઘેનમાં જ બોલ્યો, ‘કેમ, જાગી ગઈ?’ ‘ક્યારની જાગું છું.’ ‘તો … મને ઉઠાડવો જોઈએને !’‘શું કરું ઉઠાડીને?’‘એટલીસ્ટ તારી સાથે જાગું તો ખરોને !’‘રહેવા દે, મારું તો મારે જ જાગવાનું ને !’‘તારું આ જ દુ:ખ છે. મારું-તારું અટકતું જ નથી.’ ‘કેવી રીતે અટકે? મારા શ્વાસ તું લઈ શકે એમ છે?’‘આપતી હોય તો મારી ક્યાં ના છે?’‘એટલે તું ઈચ્છતો જ નથી કે મારા શ્વાસ પણ હું લઉં !’ ધબ્બો મારતા સીમા હસી પડી. ‘તારા શ્વાસ પણ તું મારી પાસે લેવડાવવા માંગે છે એટલે કહ્યું,’ ધીર બહુ વાગ્યું હોય તેમ ખભો ચોળતા બોલ્યો, ‘મને એમ કે શ્વાસ લેવાનું કામ તો એટલીસ્ટ તું કરશે.’‘શટ અપ ! જાણે પણ છે કે હું શું જોઉં …?’ એકદમ તે અટકી. કૈં કહેવાઈ ન જાય એ રીતે તેણે હોઠ ભીડ્યા. ધીરને લાગ્યું તો ખરું કે તે કૈંક છુપાવી રહી છે. તેણે સીમાને નજીક ખેંચતા પૂછ્યું, ‘કૈં થયું છે?’‘ના’ પણ એટલું બોલતાંમાં તો ઝળઝળિયાં તરી નીકળ્યાં. ધીર આછું હસ્યો અને સીમાનાં ઝળઝળિયાં લૂંછતાં બોલ્યો, ‘સંતાડવું પડે એવું કૈં થયું છે?’ સીમા રડી પડી. ધીરે તેને ખભે હાથ મૂકતાં કહ્યું, ‘રહેવા દે. ન કહે.’ ‘તને ન કહું તો કોને કહીશ?’‘તો, કહે.’‘મારી વાત માનીશને?’ સીમાએ ધીરના દાઢીવાળા ચહેરે હાથ ફેરવતાં પૂછ્યું. ‘કહીશ, તો માનીશને !’‘વાત એમ છે કે મને સપનાં આવે છે.’‘સપનાં જ છેને ! આવે -’ ધીર બોલ્યો તો ખરો, પણ તેને લાગ્યું કે સીમા કૈંક વધારે કહેવા ઈચ્છે છે ને એ વચ્ચે બોલીને અટકાવી રહ્યો છે. તે બેઠો થઈ ગયો ને સીમા કૈં કહે તેની રાહ જોવા લાગ્યો. સીમા કશુંક વિચારતી હતી ને કહેવા શબ્દો ગોઠવતી હતી, પણ શબ્દો બનતા ન હતા. ધીરને સમજાયું નહીં કે તે શું કરે? તેણે ફરીથી સીમાની સામે હાથ હલાવતાં ‘શું વાત છે?’ જેવો ઈશારો કર્યો. સીમા મૂંઝાતી રહી. ‘મને બહુ વિચિત્ર સપનાં આવે છે ! ’‘વિચિત્ર એટલે કેવાં? ભયંકર? ડારનારાં?’’ ના. એક આંખમાં એક-‘ ‘એક આંખમાં એક…?’ ‘સપનું ને બીજીમાં બીજું …’ ‘મતલબ?’ ‘બંને આંખમાં જુદાં સપનાં !’ ‘સમજ્યો નહીં !’ ‘આમ બે આંખ એક દૃશ્ય જુએ તેમ સપનું એક જ -‘ ‘જુએ. રાઇટ !’ ‘પણ મને બે આંખમાં અલગ અલગ સપનાં દેખાય છે.’ ‘તારું ચસકી ગયું છે?’ ‘મને હતું જ કે તું નહીં માને મારી વાત !’ છણકો કરીને સીમા ઊભી થવા ગઈ, તો ધીરે તેને રોકી, ‘માનવા જેવી હોય તો માનુંને !’ ‘ઓકે. ન માન,’ બોલતી સીમા બેડ પરથી ઊતરી ગઈ. ધીર પડખું ફરીને ઓશીકામાં મોં ખોસી ગયો, પણ તેને ઊંઘ ન આવી. સીમા કેવો બકવાસ કરી રહી હતી ! સપનાં, બંને આંખમાં? ને તે અલગ? ધીર બેઠો થઈ ગયો. ‘સવાર સવારમાં બૈરીએ ભેજું ખરાબ કરી નાખ્યું હતું !’ તે બબડ્યો. સીમા કિચન તરફ જવા ગઈ, તો ધીરે ઈશારો કરીને બોલાવી, ‘સાચું કહે, શું થયું છે?’ ‘થયું છે તે તને સાચું નથી લાગતું, તો શું કહું?’ ‘હું તને કહું કે મને બે સીમા દેખાય છે, તો શું કહીશ?’ ‘પિધ્ધડ !’ બોલતાં સીમા જ હસી પડી, ‘એક સીમા બે દેખાવાની વાત નથી, ધીર ! બે સપનાં એક નથી થતાં તેની વાત છે.’ ‘હું સમજ્યો નહીં.’ ‘બે આંખથી એક દૃશ્ય દેખાય છે. અરે ! એક આંખથી પણ દૃશ્ય અડધું નથી દેખાતું, એક જ દેખાય છે. મને પણ એવું જ દેખાય છે, પણ ઊંઘમાં સપનું એક દેખાવું જોઈએ, તેને બદલે-‘ ‘અલગ અલગ દેખાય છે, એમ જ ને !’ ‘હા.’‘મતલબ કે ખુરશી એક આંખમાં અડધી ને અડધી બીજી આંખમાં, એવું?’ ‘ના. સામે પડેલાં ખુરશી-ટેબલ, બે આંખને એક દેખાય છે, એ સપનામાં અલગ પડી જાય છે.’ ધીરને પૂરું સમજાતું ન હતું, પણ તે મથામણ કરતો હતો. સીમા એ કળી ગઈ, એટલે વાત બદલતાં બોલી, ‘જવા દે ! હું તો ગમ્મત કરતી હતી. ચા મૂકું, તું બ્રશ કરી લે.’ ‘તું ન બનાવે તો પણ હું મૂરખ છું જ !’ પછી મજાક કરતો હોય તેમ બોલ્યો, ‘સાચું કહું? તારું તીણું નાક વચ્ચે આવતું હશે, એટલે સપનાં અલગ પડી જતાં હશે.’ ‘નૉનસેન્સ ! એ નાક દિવસે પણ વચ્ચે આવવું જોઈએ ને !’ ‘દિવસે તું નડતી હશે !’ ‘તને ગમ્મત સૂઝે છે?’ ‘તું સરખું કહેતી નથી, તો શું કહું?’ ‘એવું નથી, ધીર ! હું સમજાવી નથી શકતી.’ સીમાને વાત કેમ સમજાવવી તે ન સમજાયું. તેણે ફરી કોશિશ કરી, પણ-*ઘણે વખતે સીમા આજે સ્ટેન્ડ પરના કેનવાસ પર બ્રશ ફેરવી રહી હતી. તેને લાગતું હતું કે આજે તો  પેઇન્ટિંગ પૂરું કરી શકશે. ધીર હોય તો તે કૈં કરવા ન દે. તેને પેઇન્ટિંગમાં બહુ રસ પડતો ન હતો. સામેની ભીંત પર એકલા એક જ આંસુનું પેઇન્ટિંગ મૂકેલું, તો એ તેને જ્યોત જેવું લાગેલું. બોલેલો, ‘આંસુ છે તો આંખ પણ હોયને!’ સીમાને હસવું આવેલું. એક પેઇન્ટિંગ તો એણે ધીરની મજાક ઉડાવવા જ ઝડપથી સ્ટ્રોક્સ મારીને તૈયાર કરેલું. એક તરફ એકલી મીણબત્તીઓ જુદી જુદી સાઈઝની દોરેલી ને તેની ઉપર નાની, મોટી સાઈઝની જ્યોત, નમ્બર્સ આપીને દોરેલી ને કહેલું કે કઈ મીણબત્તીની કઈ જ્યોત છે તે કહે. એ નક્કી ન કરી શકેલો. એટલું જ બોલેલો, ‘જ્યોત પણ સાઈઝ પ્રમાણે હોય એ તો મેં તારામાં જ જોયું.’ ધીર સમજાયું તેથી કે ન સમજાયું તેથી બાધાની જેમ હસેલો. સીમાએ તેનું બોલવું બહુ ગણકાર્યું ન હતું, પણ તેણે એક એબસર્ડ કહી શકાય એવું પેઇન્ટિંગ બનાવવાનું મનોમન નક્કી કરી લીધેલું, ત્યાં આ સપનાં…* આજે પહેલી વાર તેનું પેઇન્ટિંગ એક એક્ઝિબિશનમાં મુકાયું હતું, એટલે સીમા રાજીની રેડ હતી. લોકો વધારે વખત તેનાં પેઇન્ટિંગ આગળ થોભીને વિચારતા હતા. ધીર પણ સાથે હતો. તેને પણ એઝ યુઝવલ પેઇન્ટિંગમાં કૈં સમજાતું ન હતું, ત્યાં એક ક્રિટિકે સીધું જ સીમાને પૂછ્યું, ‘મેડમ, તમારાં પેઇન્ટિંગમાં હ્યુમન બોડીને દીવાના શેઇપમાં કેમ મૂકી છે?’ સીમા ક્રિટિકને જાણતી હતી, પણ તે આવું પૂછશે એવું જાણતી ન હતી. તેણે થોડીવારે કહ્યું, ‘માણસ આખી જિંદગી દીવાની જેમ બળતો જ રહે છે ને !’ક્રિટિક આછું હસ્યો, ‘ગુડ ! તો જ્યોત અલગ કેમ? એ તો દીવાની સાથે જ હોય ને?’ ‘હા, પણ માણસ એવો દીવો છે જે હોય ત્યાં જ નહીં, બીજે પણ અજવાળું ફેલાવે છે….’ ‘એક્સેલેન્ટ!’ ક્રિટિક ઊછળી પડ્યો. એ તો ઠીક પણ ધીર તો આભો જ બની ગયો. તેને કલ્પના જ ન નહીં કે તેની સીમા આટલી અસીમ છે. તેને લાગ્યું કે સીમાનાં ચિત્રોમાં વિશેષ અર્થ છે, પણ તેના સુધી કદાચ પહોંચતો નથી. સીમાનું એક ચિત્ર હતું મોરપંખનું. જેમાં કળા કરતો મોર વચ્ચે છે ને તેનાં બધાં પીંછાં આજુબાજુ વેરાયેલાં પડ્યાં છે. એક ચિત્ર એવું હતું, જેમાં આખો બગીચો હતો, પણ એક પણ છોડ પર ફૂલો ન હતાં. ધીરે કહ્યું  પણ હતું, ‘ફૂલો વગરનો બગીચો સારો જ લાગે છે, પણ…’ ત્યાં જ સીમાએ કેનવાસ પરથી કપડું હટાવ્યું તો ઢગલો ફૂલો છાબમાં હતાં. ધીર ખુશ થઈ ઊઠ્યો. ફૂલો એટલાં નેચરલ હતાં કે ઉપાડી લેવાનું મન થાય. તે બોલ્યો ય ખરો, ‘આ બગીચામાં હોય તો…’ ‘પણ કોણ રહેવા દે છે, બગીચામાં? એ તો વેચવા મોકલી દેવાય છે.*  ‘નહીં !’ બોલતી એ  બેઠી થઈ ગઈ. આ ‘નહીં’ ધીરને પણ સંભળાયું. ઊંઘરેટી આંખે જ સીમાને પૂછ્યું, ‘શું થયું?”એ જ સપનું !’ સીમાની આંખો હજી ચકળવકળ થતી હતી. ‘શું જોયું?”એક આંખમાં બોમ્બમારો જોયો ને બીજી આંખમાં યુદ્ધ વિરામ-‘. સીમા એ વાતે ગૂંચવાતી હતી કે આ બંને આંખો જુદું જુદું જુએ તો એક સાથે બંનેને સમજવું કઈ રીતે? વળી આ બધું એકાદ દિવસ હોય તો ધૂળ નાખી, સપનાં તો રોજ જ આવે, ન આવે તો, તો સંતાપ ઓછો, પણ આવે ત્યારે ન રોકાય કે ન ટોકાય. આવવું હોય ત્યારે આવે ને ન આવવું હોય તો ન જ આવે. ઊંઘ ન આવે તો સપનાથી બચી શકાય, પણ ક્યાં સુધી ન ઊંઘવું? સીમા અકળાતી હતી. સપનાં ડરાવતાં જ હતાં, એવું ન હતું. ઘણી વાર તો બંને સપનાં એટલી ઝડપથી વીતતાં કે કશું સમજવાનો અવકાશ જ ન રહેતો. એવે વખતે ધીરને હલબલાવીને પૂછવાનું મન થતું, પણ અત્યારે એ જાગતો હતો. એણે યુદ્ધવિરામનું કહ્યું તો ધીર બેઠો થઈ ગયો. ‘બીજું કૈં જોયું?’ ‘હા, મને એક આંખમાં આગ દેખાઈ ને એક આંખમાં રેલનાં પાણી ભરાયાં. થયું પણ ખરું કે રેલનાં પાણી આગ હોલવશે, પણ એક આંખમાંથી પાણી બીજી આંખમાં જાય તો હોલવાય ને !’ ‘તો ફાયર બ્રિગેડને ફોન કર…’ ‘તને મશ્કરી સૂઝે છે?’ ‘તો બતાવને મને, આગ ક્યાં છે? પાણી ક્યાં છે?’ ‘તું સપનામાં આવે તો બતાવુંને !’ ‘એ જ વાત છે ને ! તારા સપનામાં તું મને લઈ જઈ શકે એમ છે? નહીંને ! ધાર કે તું લઈ જાય, તો પણ એ સપનું ત્યાં જ અટકેલું હશે એની ખાતરી છે? જેના પર કોઈનો કાબૂ નથી, તે સપનાંને રોકવામાં હું તારી શું મદદ કરી શકું, એ જ સમજાતું નથી. મને લાગે છે, ડો. ભણસાળીને બતાવીએ.’ સીમા જાણતી હતી કે ધીર આશ્વાસન જ આપી રહ્યો છે. તેણે આંખો લૂંછી.ધીરે પ્રેમથી સીમાને નજીક ખેંચી, ‘હું તારી વાતો સમજું જ છું એવું નથી,  પણ મને લાગે છે કે તારે બધું અલગ કરીને જોવા અંગે વિચારવું જોઈએ. હું કોઈ ઉકેલની રીતે નથી કહેતો, પણ માણસ કોડિયું હોય તો જ્યોત એની સાથે પણ હોય ને ! ફૂલો છાબડીમાં ભલે હોય, એકાદ ડાળી પર પણ હોયને ! આંખો અલગ સપનાં નથી જોતી, પણ બધું અલગ કરીને જોતી આંખો એક કરીને જોતી થાય તો કદાચ-‘ સીમા વિચારમાં પડી ને પડેલી જ રહી ….

પ્રગટ : આ ‘અનહદ’ વાર્તા “નવનીત-સમર્પણ”ના સપ્ટેમ્બર, 2025ના અંકમાંથી સાદર

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...153154155156...160170180...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved