Opinion Magazine
Number of visits: 9745065
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્ય-જ્યોત—13

સુમન શાહ|Opinion - Opinion|12 June 2022

જ્યોત ૧૩ : શૈલી અને શૈલીવેડા

સાહિત્યસંસારમાં કેટલીક આયરનીઝ – વક્રતાઓ – જોવા મળે છે. વક્રતાનો અહીં સંકેતાર્થ એ છે કે લેખકે ધાર્યું હોય કંઈ ને એનાથી લખાઈ જાય કંઈ. તો વળી, લેખકે બરાબર લખ્યું હોય પણ વાચકથી જુદું જ સમજાઇ જાય અથવા એ કશું સમજ્યો જ ન હોય.

એવી એક વક્રતા શૈલી અને શૈલીવેડા વિશે છે. લેખકને પાક્કું થઈ ગયું હોય કે પોતાની શૈલી બેજોડ છે, પણ એના વાચકોને લાગે કે આ ભાઈ તો અવારનવાર કારણ વગર શબ્દોથી રમે છે અને  આપણને રમાડે છે; વાંચવાની મજા પડે છે, પણ વાંચ્યાનો કશો લાભ જડતો નથી.

વાત બરાબર છે. રાગ મલ્હારનું ગાયન આલાપ ને તાન લગી પ્હૉંચે એ સરસ, પણ વચ્ચે વચ્ચે ગાયકે સૂરે સૂરે પોતાની બિનજરૂરી હોશિયારી બતાવી હોય તો એ ગાયન કંટાળાજનક ‘રાગડો’ લાગે છે. વિધિસરનું નૃત્ય કરવાને સ્થાને નર્તકી જાતજાતનાં નખરાં કરે, ચિત્રવિચિત્ર અંગભંગિઓ કરે, ત્યારે નૃત્ય ‘નાચ’ લાગે છે. સાહિત્યકલામાં પણ, સર્જક એની રચનામાં અનાવશ્યક કંઈ પણ ઘુસાડે છે તો રચના વણસી જાય છે. એની શૈલી શૈલીવેડાની અસર આપે છે. વક્રતા એ છે કે એની એને ખબર જ નથી પડતી !

શૈલી અને શૈલીવેડા વચ્ચેનો ફર્ક સમજવા માટે કોઈ એક કૃતિ લઇને વાત કરવી જોઇએ. પરન્તુ આ જ્યોતમાં એ અર્થે માત્ર ઇશારા કરી શકું છું, તો ક્ષમા કરશો :

હું જો મારાં પાત્રોનાં નામ બોલવામાં કે વાંચવામાં પણ અટપટાં હોય એવાં રાખું તો ચાલે? ના, મેં ચતુરાઈ વાપરી કહેવાશે. વાર્તાવસ્તુ સાથે એ અસંગત અને આગન્તુક ઠરશે.

શિવકુમાર જોશી પાત્રોનાં નામ એવાં પાડે કે આપણે મલકી પડીએ. એ નામો ઘણુંખરું સંસ્કૃત હોય. વાર્તા વાંચતાં આપણને ‘સંભળાય’, સારું લાગે. પણ જિજ્ઞાસુ વાચક એવા કોઇ નામનો અર્થ પકડવા માગે તો એણે કોઈ પણ્ડિતની સહાય લેવી પડે. એક વાર શિવકુમાર કૅમ્પસના નિવાસે મારા અતિથિ હતા. મેં એમને કહ્યું તમારાં પાત્રોનાં નામ અધ્ધર લાગે છે, તો ક્હૅ, સુમનભાઈ, મને મજા પડે છે. મેં કહેલું : હા પણ સામાન્ય વાચકની કજા થાય છે : તો હસવા લાગેલા.

ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’-થી માંડીને લગભગ બધાં જ પાત્રનામ તે પાત્રના ગુણાવગુણ અનુસાર પાડ્યાં છે – લક્ષ્મીનંદન – પ્રમાદધન – ગુણસુંદરી … નામ જ સૂચવી દે કે તેની વ્યક્તિતા કેવીક છે. કથાવસ્તુને એકદમ ઉપયુક્ત ગો.મા.ત્રિ.ની સમગ્ર શૈલીનો વાચકને અણસાર આવી જાય છે.

‘કાચના કબાટમાંથી કાચી કૅરીનું કચુમ્બર’ આપણે બધા કરી ચૂક્યા છીએ. પણ,

‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’-માં

કવિએ જે વર્ણસગાઇ રચી છે, તે જોતાં આપણને સમજાઈ જાય છે કે કવિ શબ્દાલંકાર પાસેથી પણ કાવ્યોપકારક અલંકૃતિ સરજી શકે છે. એ એમની શૈલીનું નાનકડું દૃષ્ટાન્ત છે.

પણ કાવ્યમાં જો આવી ને આવી વર્ણસગાઈયુક્ત પંક્તિઓ આવ્યા કરે તો પેલી ઉપકારકતાનો વળ છૂટી જાય. પણ રાજેન્દ્રભાઈમાં એવું કદી સંભવે નહીં. બીજી જ પંક્તિ,

‘વિજનપથને ચીલે ચીલે તમિસ્રમહીં ઘન’, ડમણીની મુશ્કેલ દિશા દર્શાવી દે છે, ને પેલી વર્ણસગાઇ સાથે એક અપ્રતિમ કાવ્યાર્થ-સગાઇનું સાયુજ્ય રચાઈ આવે છે.

રાજેન્દ્ર શાહની કાવ્યસૃષ્ટિમાં ઘરેલુ બોલચાલના શબ્દો સાથે એટલા જ અનાયાસ સંસ્કૃત શબ્દોનું સુખદ સમ્મિલન થતું હોય છે. જેમ કે, સુખ્યાત કાવ્ય ‘શ્રાવણી મધ્યાહ્ને’-ની પ્રારમ્ભિક પંક્તિઓ :

‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત 
ધીરે ધીરે લસતી ગોકળગાય જેમ
ને શ્રાવણી જલનું વર્ષણ તે ય ક્લાન્ત,
ફોરાં ઝરે દ્રુમથી રહૈ રહી એક એક, 
જેવું વિલમ્બિત લયે મૃદુ મન્દ ગાન, 
તેવું જ મારું સહજે ઉર સ્પન્દમાન.’

એ સમ્મિશ્ર શૈલીનો પ્રભાવ ક્લેશકર નથી નીવડતો, પૂરેપૂરો રસાનન્દદાયી બની રહે છે. એમની શૈલીનો સઘન અભ્યાસ કરનાર ધન્ય થઈ જાય એવો એમાં જાદુ છે. હું અટકું.

નિબન્ધ, સમીક્ષા કે પત્રકારત્વમાં પ્રયોજાતું ગદ્ય સાફ સીધું અને સરળ હોવું જોઈએ. એવા ગદ્યની ભૂમિકાએ લેખકની શૈલી સંભવે છે ને ઉત્ક્રાન્ત થતી રહે છે. કેટલાક નિબન્ધકારો વિચારો પર વિચારો થોપ્યે જ જાય, મોટા ભાગના વિચારો જાણીતા ને સૅકન્ડ હૅન્ડ હોય, શું મળે? કેટલાક વિવેચકો કારણ વગર પારિભાષિક સંજ્ઞાઓ ઠાંસતા જાય, એકે ય સંજ્ઞાની સમજૂતી ન આપે, શું થાય? કેટલાક પત્રકારો માહિતી જથ્થાબંધ ઠાલવતા હોય, ક્યાંથી લાવ્યા એ ભાગ્યે જ કહે, શું થાય?

પણ જો કોઈ સાહિત્યકાર પત્રકાર હોય તો શું થાય? ધારો કે એક સર્જક વાર્તાકાર છાપામાં કૉલમ લખતો હોય તો શું થાય? હથોટીને કારણે લખાણને ચટપટું તો સરળતાથી કરી શકે. પોતાને આવડતી બધી ભાષાઓના શબ્દોનાં અહીંતહીં છાંટણાં કરતો ચાલે. અપરિચિત શબ્દોની ફટાકડીઓ ફોડતો રહે. સર્જક હોય એટલે એને મુદ્દા પર આવવાની ટેવ ન હોય, કેમ કે એને ડર કે નહિતર બધું બોલકું થઇ જશે – લાઉડ ! પણ એને ભાન ન હોય કે પત્રકારત્વને એવી મભમ સર્જકતા નથી ખપતી. એટલે મુદ્દા પર આવે નહીં, ચાટૂક્તિઓ કરતો જાય, વ્યંગનાં તકલાદી તીર ફૅંકતો રહે. પોતાને જેમાં ફાવટ ન હોય એ સાહિત્યપ્રકારોની ઠેકડી ઉડાડે. પોતે વાર્તાકાર એટલે કવિતાને નકામી ગણે. પોતે સર્જક એટલે વિવેચનને નગણ્ય ગણે. કોઈને ચાતુરીથી ઉતારી પાડે, કોઈને કળ વાપરીને ચડાવે. ટૂંકમાં, જાતભાતનાં તિકડમ્ ને ફાલતુ બાબતોની ભરમાર કરે – ચવચવનો મુરબ્બો જ જોઈ લૉ ! કેટલા ય શબ્દો, વાક્યો, વાક્યોની ગલીકૂંચીઓ, સરેરાશ વાચકને તો પલ્લે જ ન પડે. રાઇટિન્ગ ભાસે ઇન્ટરેસ્ટિન્ગ પણ નોએબલ? જરા ય નહીં !

છતાં પણ એ અને એના વર્ગના અન્યો એટલે ચમકતા રહે છે કે આપણા સાહિત્યમાં શૈલીવિજ્ઞાન પ્રવેશ્યું નથી. એટલે, શૈલીકાર અને શૈલીખોર વચ્ચેનો ફર્ક ચોખ્ખો થયો નથી. વિવેચકોએ અને ખાસ તો અધ્યાપકોએ એ ફર્કને સતત માંજતા-અજવાળતા રહેવું જોઇએ, પણ એ પરત્વે એમનું ધ્યાન ગયું લાગતું નથી.

કોઇ પણ લેખનમાં ચતુરાઈની નહીં પણ હમેશાં જરૂર પડે છે, સચ્ચાઈની. શૈલી આપવડાઇ માટે નથી, જાતપ્રદર્શનનો વિષય નથી. શૈલી તો જાતને એના પૂરા સ્વરૂપમાં દર્શનીય કરી આપે છે, ને સાચા લેખકો એમ પ્રેમથી થવા દે છે.

= = =

(June 12, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેન્જમેન્ટઃ મુસ્લિમ દેશોની નારાજગી વહોરવાનું આપણા અર્થતંત્ર કે લોકતંત્રને જરા ય પોસાય તેમ નથી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|12 June 2022

કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે, પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફીડન્સ’ આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે

નવીન કુમાર જિંદાલ અને નૂપુર શર્માને મુસ્લિમ ધર્મ અને મોહંમદ પૈયગંબર વિષેની ટિપ્પણીઓ ભારે પડી. ખાડી પ્રદેશના ત્રણ દેશોએ ત્યાં નીમાયેલા એલચીને બોલાવીને ભારતે તેમની જાહેર માફી માંગવી પડશે તેવી માંગણી કરી. આ હોબાળાની લાંબી ચર્ચા કરવાનો ઇરાદો નથી કારણ કે તમે બધા તેનાથી વાકેફ તો છો જ. ચર્ચા એ કરવાની છે કે આમ તો કોઇની ય સાડાબારી ન રાખનારા ભારતે રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માને સસ્પેન્ડ કર્યા અને દિલ્હીના પ્રવક્તા નવીન કુમાર જિંદાલને ઘરભેગા કર્યા કારણ કે ગલ્ફ પ્રદેશના દસ દેશોને વાંકુ પડે એ પોસાય તેમ નહોતું. આટલું ઓછું હોય એમ અંદરખાને બંધારણની ઐસી તૈસી કરનારા ભા.જ.પા.એ બંધારણને પોતે એક રાષ્ટ્ર તરીકે કેટલું મહત્ત્વ આપે છે અને પોતે કેટલો બિનસાંપ્રદાયિક દેશ છે એવી જાહેરાત પણ કરી. બહારના દેશો માટે તાત્કાલિક ધોરણે બિનસાંપ્રદાયિકતાનું ઇમેજ મેનેજમેન્ટ કરવામાં આવ્યું કારણ કે એ કરવા સિવાય છૂટકો નથી. આપણે એ વાત માંડવાની છે કે આ ગલ્ફ પ્રદેશના દેશોને વાંકુ પડે તે આપણને પોસાય તેમ કેમ નથી?

ભા.જ.પા.એ પોતાના જ નેતાઓ સામે પગલાં લીધાં તે જ બતાડે છે ગલ્ફ પ્રદેશોની આપણને ગરજ છે.  મુસલમાન વિરોધી ઘુરકિયાં અને ગર્જના બિલ્લીનું મ્યાંઉં બની ગયાં તેનું કારણ છે અર્થતંત્ર. ગલ્ફ પ્રદેશમાં આવેલા યહૂદી દેશ ઇઝરાયલ સિવાય – સાઉદી અરેબિયા, કતાર, ઇરાન, ઇરાક, બહેરિન, કુવૈત, યુનાઇટે આરબ એમિરાત્સ, ઓમાન, જોર્ડન અને યમન – આ દસેય દેશોને ભેગા કરીએ તો વિશ્વના પાંચમા ભાગના મુસલમાનોની વસ્તી થાય અને મુસલમાનોના મુદ્દા, દૃષ્ટિકોણ, હક વગેરે માટેના સૌથી મોટા અને મહત્ત્વના પોકાર આ ખૂણાઓમાંથી જ ઊભા થતા હોય છે. ભારતને ગલ્ફ પ્રદેશની પરવા હોય તે સ્વાભાવિક છે કારણ કે મોટા ભાગના દેશો સાથે ભારતના સંબંધો સારા જ રહ્યા છે. વળી એ જગજાહેર વાત છે કે કોઇ પણ સંબંધ સ્વાર્થ વગર તો હોય નહીં. અહીં ગેસ – ઓઇલ અને વ્યાપાર બે બહુ મોટા પાસા છે જેને કારણે સારાસારી રાખવી પડે. વળી આ તમામ દેશોમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે.

ઓબઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એક રિપોર્ટ અનુસાર ભારતની ૮૪ ટકાથી વધુ પેટ્રોલિયમ ડિમાન્ડ – જેમાં ક્રુડ ઓઇલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે – તે આયાતથી પૂરી થાય છે. છેલ્લાં ૧૫ વર્ષમાં ભારતની ક્રુડ ઓઇલની આયાતને પહોંચી વળવામાં ૬૦ ટકા જેટલો હિસ્સો પર્શિયન ગલ્ફ દેશોનો છે. ૨૦૨૧-૨૨માં ભારતમાં ઓઇલનો સૌથી વધુ જથ્થો પહોંચાડનાર દેશ હતો ઇરાક. એક સમયે ઇરાકનો હિસ્સો કૂલ આયાતમાં ૯ ટકા હતો તે વધીને હવે ૨૨ ટકા થયો છે. ૧૭થી ૧૮ ટકા જેટલો હિસ્સો સાઉદી અરેબિયાનો છે, તો કુવૈત અને યુ.એ.ઇ.એ લાંબા સમયથી મોટા જથ્થામાં ભારતને ઓઇલ પહોંચાડ્યું છે. યુ.એસ.એ.ના પ્રતિબંધોને કારણે ઇરાનની ભાગીદારી ભારતને ઓઇલ પહોંચાડવામાં સાવ એક ટકા જેટલી રહી ગઇ છે – જે એક સમયે બીજા ક્રમાંકનો સૌથી મોટો આયાતી દેશ હતો. આપણે ત્યાં ૪૧ ટકા ગેસ કતારથી આવે છે. આ લેવડ દેવડ તો ખરી પણ ૧૩.૪૬ મિલિયન ભારતીય નાગરિકો જે વિદેશમાં કામ કરી રહ્યા છે અને તેમાંથી બીજા દેશોનું નાગરિકત્વ લેનારા ભારતીયોની વાત કરીએ તો આ આંકડો ૩૨ મિલીયન જેટલો છે. માત્ર વિદેશમાં કામ કરનારા ભારતીયોની ગણીએ તો સૌથી વધુ ભારતીયો ગલ્ફ પ્રદેશમાં છે. યુ.એ.ઇ.માં ૩.૪૨ મિલિયન, સાઉદી અરેબિયામાં ૨.૬ મિલિયન અને કુવૈતમાં ૧.૦૩ મિલિયન જેટલા ભારતીયો છે. વર્લ્ડ બેંકના ડેટા અનુસાર વિદેશથી ભરણું મેળવવાને મામલે ૨૦૨૦માં ભારતે સૌથી વધુ રકમ – ૮૩.૧૫ મિલિયન રકમ મેળવી છે. ૨૦૧૮માં રિઝર્વ બેંકે જણાવ્યા અનુસાર ભારતને મળતા ભરણામાંથી ૬૯ બિલિયન ભરણામાંથી ૫૦ ટકાથી વધારે ભરણું ગલ્ફ કોર્પોરેશન કાઉન્સિલમાંથી મળે છે. ગલ્ફના દેશોમાં મોટા સ્ટોર્સ અને રેસ્ટોરન્ટના માલિકો ભારતીય છે. હાલમાં થયેલા વિવાદમાં આ બધા ભારતીયોના બિઝનેસને નુકસાન પહોંચે તેવું જોખમ પણ ખડું થયું કારણ કે ભારતીય ઉત્પાદનોના બહિષ્કારનો અવાજ આ મુસ્લિમ દેશોમાં ઊભો થયો. વળી આ આર્થિક આધાર માત્ર એક તરફી નથી, કારણ કે યુ.એ.ઇ. અને ભારત વચ્ચેનો દ્વિપક્ષી વેપાર અંદાજે ૭૨.૯ બિલિયન જેટલો છે જેમાં ભારતની નિકાસની રકમ ૨૮.૪ બિલિયન જેટલી છે. ગલ્ફ પ્રદેશ ખાદ્ય પદાર્થોને મામલે આયાત પર નભે છે. ભેંસનું માંસ, ચોખા, મસાલા, દરિયાઇ ઉત્પાદનો, ફળ, શાકભાજી અને ખાંડ જેવી અગત્યની ચીજો ભારતથી જ આ દેશોમાં મોકલાય છે. આ દેશોની એવિયેશન ઇન્‍ડસ્ટ્રી એ.એ.ઇ. ભારતીય ફ્લાયર્સ પર નભે છે. ગલ્ફમાં ગ્લોબર ટ્રાન્ઝિટ હબ વધ્યાં પછી જ્યારે એમિરાટ્સ, એતિહાદ એરવેઝ, કતાર એરવેઝ જેવી એરલાઇન્સની સેવાઓ વધતાં તેમણે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માર્કેટ જેની પર મોટે ભાગે યુ.એસ. અને ભારતીય એરલાઇન્સનો કાબૂ હતો તે ભાગીદારી પણ ઘટાડી છે.

૨૦૧૪માં સત્તા પર આવ્યા બાદ મોદી સરકારે મોટા ભાગના ગલ્ફ પ્રદેશના દેશો સાથે સંબંધો મજબૂત રહે તેની તકેદારી રાખી છે. વળી આ બધું માત્ર ડિપ્લોમસી પૂરતું નથી રહ્યું, જરૂર પડ્યે તેમણે પોતાના ભાષણોમાં પણ ગલ્ફ દેશો સાથે ભારતને બહુ જ સારા સંબંધો બન્યા છે તેવું કહ્યું છે. વળી વિદેશ પ્રવાસો કર્યા ત્યારે પણ વડા પ્રધાને ગલ્ફ પ્રદેશના મહત્ત્વના દેશોની મુલાકાત લીધી જ છે. આ દેશોના બહુ પ્રતિષ્ઠિત એવી મસ્જિદની મુલાકાત પણ વડા પ્રધાને લીધી છે જેમ કે અબુ ધાબીનું શેખ ઝાયેદ ગ્રાન્ડ મૉસ્ક અને મસ્કતનું સુલ્તાન કબૂસ ગ્રાન્ડ મૉસ્ક.

ટૂંકમાં ગલ્ફના દેશો સાથે શિંગડા ભેરવવાનું એક રાષ્ટ્ર તરીકે ભારતને જરા ય માફક આવે તેમ નથી. આપણે ‘વિકાસ’ના રસ્તે ચાલીએ છીએ પણ હજી વિકસીત દેશ નથી બન્યા. આપણા અર્થતંત્રએ પણ બહુ ભોગવ્યું છે, આપણને આંતરરાષ્ટ્રીય વેપાર વાણીજ્યમાં તંગ સંજોગો જરા ય સદે એમ નથી. સુરક્ષા અને સલામતીની દૃષ્ટિએ પણ આપણને આ તમામ દેશો સાથે સારો સંબધ રહે તે જરૂરી છે. ભારત અને યુ.એ.ઇ., સાઉદી અરેબિયા અને ઓમાન જેવા રાષ્ટ્રો તો સહિયારી મિલીટરી એક્સર્સાઇઝ પણ કરે છે.

વિદેશ નીતિને ગણતરીમાં લઇએ તો પાકિસ્તાન સાથેના તણાવની ખાઇ આ બધા વિવાદમાં ગહેરી બની શકે છે અને જો તે તેના જૂના મિત્ર રાષ્ટ્ર એવા સાઉદી અને યુ.એ.ઇ. સાથે પોતાના સંબંધો મજબૂત કરવામાં કંઇ બાકી નહીં રાખે. પાકિસ્તાનને આમે ય દિલ્હી અને ગલ્ફના દેશો વચ્ચેની સારા સંબંધો હંમેશાં નડ્યા છે.

કોમવાદ અને કોમી ધિક્કાર ભૂતકાળમાં ભારતના આંતરિક રાજકારણનો જ હિસ્સો ગણાયા છે, પણ આંતરારાષ્ટ્રીય સ્તરે મુસ્લિમ દેશોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો ‘ઓવર કૉન્ફીડન્સ’ આપણી ‘લોકશાહી-બિનસાંપ્રદાયિક’ છબીને ભદ્દી રીતે ખરડી શકે છે.

બાય ધી વેઃ

આ પહેલાં આ મુસ્લિમ દેશો સાથેના સંબંધોમાં ધર્મ ક્યારે ય આડે નથી આવ્યો. બાબરી ધ્વંસ જેવી ઘટનાઓ ઘટી ત્યારે પણ આ દેશોને એવી ખાતરી હતી કે ભારત પોતાની લોકશાહી – બિનસાંપ્રદાયિક વ્યવસ્થાને વળગી રહેશે પણ પયંગબર અને તેમનાં પત્ની વિશે ઊતરતું બોલાય ત્યારે ભારત એક ‘બિનસાંપ્રદાયિક’ દેશ તરીકે પોતાની ફરજ ચૂક્યો છે એવું જ સાબિત થાય. કેન્દ્ર સરકારને એક માત્ર ચાહ હશે કે આટલા બધા હોબાળા પછી ‘ધંધા-ધાપા’ જરા તરા પણ હવાઇ ન જાય, નહીંતર માંડ બેઠા થઇ રહેલા અર્થતંત્રની બેવડ વળેલી કમર પર બીજો ફટકો પડશે. આમે ય ઘરમાં ગમે એટલા ધાંધિયા હોય, બહાર તો થપ્પડ મારીને ગાલ રાખવા સિવાય આપણી સરકાર પાસે બીજો કોઇ રસ્તો છે જ નહીં. બોલેલું જેટલું નૂકસાન કરી શકે છે તેનો ખ્યાલ હવે બીજી ટર્મમાં પહોંચ્યા પછી ય ભા.જ.પા. સરકારને ન સમજ પડે તો પછી ભગવાન કે અલ્લાહ કોઇ તેમની વહારે નહીં ધાય, એ પાક્કું.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  12 જૂન 2022

Loading

મિતાલી રાજ Goddess of Cricket કેમ નહીં ?

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|12 June 2022

ભારતના ક્રિકેટ રસિયાઓ, નિષ્ણાતો અને માધ્યમોએ જો સચિન તેંડુલકરને God of Cricket તરીકે નવાજ્યો હોય, તો તેમણે મિતાલી રાજનું પણ આવું ગૌરવ શા માટે ના કર્યું, એવો આ લખનારને સવાલ થાય છે.

આ લખનાર ક્રિકેટમાં બિલકુલ રસ ધરાવતો નથી, પણ તેને રોજ બ રોજના બનાવોને કંઈક વ્યાપક સંદર્ભમાં જોવાનું ગમે છે. સેલિબ્રીટિઝ ભલે મોટે ભાગે પોતાની કારર્કિર્દી, કમાણી અને ચાહકોની દુનિયામાં જીવતા હોય, પણ તેમને દેશકાળના પરિપ્રેક્ષ્યમાં જોવાનું જરૂરી હોય છે.

આપણે deificationમાં,વ્યક્તિને ભગવાન બનાવવામાં ન જ માનતા હોઈએ. પણ સમાજનો જે એક મોટો હિસ્સો આમ deification કરે છે તેના માપદંડો સ્ત્રી અને પુરુષ માટે અલગ ન હોવા જોઈએ.

મિતાલી અને સચિનની સરખામણી ઘણાં સમયથી થતી રહી છે, જે મિતાલીની નિવૃત્તિ સાથે તેની ટોચે પહોંચે તે સ્વાભાવિક છે. ‘The Indian Express’ જેવા ઉત્તમ, વિશ્વસનીય અને જાળવી શકાય તેટલી તટસ્થતા જાળવતાં અખબારે તેના તંત્રીલેખનું પહેલું વાક્ય લખ્યું છે :

A career almost as long as that of Sachin Tendulkar, a body of work that puts her among the finest ever in women’s cricket, one-day international batting average and captaincy numbers that match those of MS Dhoni – Mithali Raj, who bids farewell to her playing days, was the first superstar of Indian women’s cricket.

(લગભગ સચિન તેંડુલકર જેટલી લાંબી કારકિર્દી ધરાવનાર, કામગીરીના રાશિથી ભારતની ઉત્કૃષ્ટ મહિલા ખેલાડીઓમાં સ્થાન પામનાર, વન-ડે ઇન્ટરનૅશનલની બૅટિંગ એવરેજ અને મૅચોની કૅપ્ટનશીપ બંનેમાં એમ.એસ. ધોની જેટલા જ જુમલે પહોંચનાર ભારતીય મહિલા ક્રિકેટની પહેલી સુપરસ્ટાર મિતાલી રાજ આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છે.)

Express છેલ્લા ફકરામાં ફરીથી કહે છે :

In so many respects, her career was Tendulkar-like. Both played for more than two decades, both racked up records that will take gifted players to break.

(મિતાલીની કારર્કિર્દી અનેક રીતે તેંડુલકરની કારકિર્દી જેવી હતી. બંને બે દાયકા કરતાં વધુ સમય રમ્યાં, બંનેએ એવા વિક્રમો સર્જ્યા છે કે જે માત્ર ભવિષ્યના ખૂબ પ્રતિભાશાળી ખેલાડીઓ જ તોડી શકશે.)

સચિને જ્યારે પરાક્રમો કરવાનું શરૂ કર્યું ત્યારે ભારતમાં ક્રિકેટ વર્ષોથી ચાલતી અત્યંત લોકપ્રિય રમત હતી, પણ તે એકંદરે માત્ર પુરુષોના સંદર્ભમાં જ જોવાતી હતી. જાણકારો કહે છે કે ભારતમાં મહિલા ક્રિકેટની સ્વીકૃતિ વધતી ગઈ તેમાં પુરુષોની મૅચોમાં સૌંદર્ય અને સમજ ધરાવતી સ્ત્રીઓ દ્વારા અ‍ૅન્કરિંન્ગ, ક્રિકેટના ટેલિકાસ્ટમાં પ્રચંડ વધારો અને દુનિયામાં બધે જ મહિલાઓની સતત આગેકૂચ જેવાં પરિબળો પણ હતાં. તેમાં એક મુખ્ય પરિબળ મિતાલી રાજ. તેણે ભારતીય લોકોનો મહિલા ક્રિકેટ તરફ જોવાનો નજરિયો બદલવામાં મોટો ફાળો આપ્યો. એક્સપ્રેસ લખે છે :

She was the single most transformative figure in women’s cricket in her country.  She broke barriers and boundaries and changed perceptions. The force of her personality, the gift of her stroke-making and the dint of her leadership influenced the coming of age narrative of Indian women’s cricket, uplifted them from outsiders to genuine title contenders, and injected them with self-belief. Any summation of her career should comprise three parts. Mithali as a trailblazer of women’s cricket, as a world-conquering batter and as a World Cup captain.

(મિતાલી આપણા દેશના મહિલા ક્રિકેટની એક માત્ર સહુથી શક્તિશાળી પરિવર્તનકાર હતી. તેણે અડચણો અને સીમાડાંને તોડ્યાં. વ્યક્તિત્વના પ્રભાવ, ફટકાબાજીની દેણ અને નેતૃત્વની  કુનેહથી તેણે પુખ્તતાના તબક્કામાં પ્રવેશી રહેલાં ભારતીય મહિલા ક્રિકેટનું આખું narrative બદલી નાખ્યું. તેણે મહિલા ક્રિકેટરોને રમતની મુખ્ય ધારાથી બહાર હોય તેવા ઘટકના સ્થાનેથી ઉપર ઊઠાવીને ખરેખરા હરીફને સ્થાને મૂકી અને તેમનામાં આત્મવિશ્વાસ રેડ્યો.)

દેશમાં વર્ષોથી પોંખાતાં પ્રસ્થાપિત ક્રિકેટમાં સચિનનું આવું કોઈ યોગદાન છે કે કેમ તે સચિન-ભક્તિ વિનાની તટસ્થતાથી વિચારનારા નિરીક્ષકો કહી શકશે.

પોર્ટલ્સ અને પ્રકાશનોમાં ક્રિકેટ વિશે લખતાં રહેનાર સક્ષમ મિશ્રા The Quaint પોર્ટલ પર 6 જુલાઈએ Why is Mithali Raj Denied the Credit Due to Her? મથાળા હેઠળના લેખમાં એક જગ્યાએ પૂછે છે :

Sachin Tendulkar is the Mithali Raj of men's cricket. How about that?

(સચિન તેંડુલકર પુરુષોના ક્રિકેટના મિતાલી રાજ છે. આ કેવું લાગે છે ?)

તે આગળ લખે છે :

The disparity in remuneration and fan following of men's and women's cricket is another matter. But why a legend like Mithali Raj – and I repeat, comparable only to Sachin Tendulkar in context of Indian cricket – does not get even half the credit is inexplicable.

(સ્ત્રીઓ અને પુરુષોને રમત માટે મળતા પૈસામાં અસમાનતા, તેમ જ બંનેના ચાહકોની સંખ્યામાં પણ   અસમાનતા એ બીજી વાત છે. પણ ભારતીય ક્રિકેટના સંદર્ભમાં જેની સરખામણી માત્ર સચિન સાથે જે થઈ શકે તેવી દંતકથા સમી ખેલાડી મિતાલીને મળવો જોઈએ તેના કરતાં અરધો જશ પણ કેમ નથી મળતો એ ન સમજાય તેવી બાબત છે.)

પછી લેખક કહે છે કે આ જશ આપવામાં નથી આવતો તેનું કારણ batting style કે the low strike rate હોય તો એ ગેરસમજ છે. આમ કહીને પછી મિશ્રા તેમના લેખમાં ઇન્ગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે ઇન્ટરનૅશનલના દાખલા આપીને એ ગેરસમજ દૂર કરવાની કોશિશ કરે છે.

સચિનનો જે જયજયકાર થયો તેટલો જયજયકાર તેના જેટલી જ શ્રેષ્ઠતા ધરાવનાર મિતાલીનો થયો નથી. તેનું કારણ ભારતીય સમાજનું એકંદર પુરુષકેન્દ્રી માનસ હોય તેમ આ લખનારને લાગે છે.

12 જૂન 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...1,5211,5221,5231,524...1,5301,5401,550...

Search by

Opinion

  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved