Opinion Magazine
Number of visits: 9456261
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 May 2025

હેમન્તકુમાર શાહ

ગુજરાતના જૂના અને જાણીતા ‘ગુજરાત સમાચાર’ મIડિયા જૂથ પર નરેન્દ્ર મોદીની સરકારે બે દિવસ સુધી IT અને EDના દરોડા પાડ્યા અને ગઈ મોડી રાતે અખબારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી. આ ઘટનાને આ મIડિયા જૂથના માત્ર આર્થિક ગોટાળા પકડવાની કાર્યવાહીના ભાગરૂપે જોવાનો પ્રયાસ કોઈ કરે તો એ માણસ કાં તો અંધ મોદીભક્ત હોય અથવા તો એ સાવ ભોળો હોય. 

મોદી સરકારે છેલ્લાં ૧૧ વર્ષમાં દેશમાં જે રીતે પત્રકારોની ધરપકડ કરી, મIડિયા હાઉસ પર દરોડા પાડ્યા અને ટી.વી. ચેનલો કે અખબારોનું મોં યેનકેનપ્રકારેણ બંધ કરવાનો પ્રયાસ કર્યો છે તે જોતાં આ કૃત્ય નરેન્દ્ર મોદી સરકારનું આર્થિક ગેરરીતિ પકડવા જેવું નિર્દોષ કૃત્ય છે એમ તો કોઈ મૂર્ખ માણસ જ સમજી શકે.

વર્લ્ડ ફ્રીડમ ઓફ પ્રેસ ઇન્ડેક્સમાં ભારત ૨૦૧૪માં ૧૪૦મા ક્રમે હતું અને ૨૦૨૫માં ફક્ત ૩૨.૯૬ના આંક સાથે ૧૫૧મા ક્રમે આવી ગયું એ શું બતાવે છે? 

ગુજરાતમાં સ્વતંત્ર પત્રકારત્વની છેલ્લાં ૨૫ વર્ષમાં કેવી રીતે કતલ કરવામાં આવી છે એ જુદાં જુદાં મIડિયા હાઉસ અને પત્રકારો બહુ જ સારી રીતે જાણે છે. એનો ઇતિહાસ લખાય તો ખબર પડે કે સત્તાવાર રીતે કટોકટી જાહેર થયા વિના જ કેવી કટોકટી ચાલી રહી છે અને ગરવી ગુજરાતને મોદીએ કેવી વરવી બનાવી દીધી છે! 

નરેન્દ્ર મોદી લોકશાહી દેશના ચૂંટાયેલા નેતાની જેમ નહિ, પણ એક રાજાની જેમ વર્તી રહ્યા છે. મીડિયા પર જ્યારે સરકારી સત્તાનો પંજો પડે છે ત્યારે મીડિયાની નહિ પણ લોકોની સ્વતંત્રતા પર હુમલો થાય છે. 

લોકશાહીમાં લોકોને માહિતી મેળવવાનો અધિકાર હોય છે, કે જે રાજાશાહીમાં હોતો નથી. રામાયણ કે મહાભારતમાં ક્યાં ય માહિતીના અધિકારની વાત આવતી જ નથી. ક્યાંથી આવે? લોકશાહીમાં શાસન કોણ કેવી રીતે કરે છે એ જાણવાનો નાગરિકોને અધિકાર હોય છે. એ અધિકાર મીડિયાની સ્વતંત્રતા દ્વારા પણ ભોગવવામાં આવે છે. મીડિયા પરની તરાપ એ હકીકતમાં નાગરિકોની આઝાદી પરની તરાપ છે. 

‘ગુજરાત સમાચાર’ જૂથનું એક્સ હેન્ડલ બંધ કરવું કે સામાન્ય રીતે બધાં અખબારો કે ટી.વી. ચેનલોને મળતી સરકારી જાહેરખબરો બંધ કરવી એ બધું છેલ્લા ત્રણેક માસમાં થઈ ચૂક્યું છે. મીડિયા જૂથને ડરાવવાનો આ પ્રયાસ સફળ થયેલો નહિ લાગ્યો હોય મોદી સરકારને એટલે, હવે દરોડા અને ધરપકડનો દોર શરૂ કર્યો છે. આ નરી જોહુકમી, દાદાગીરી અને નગ્ન રાજાશાહી કે તાનાશાહી છે.

અમેરિકાના ત્રીજા પ્રમુખ થોમસ જેફરસન(૧૭૪૩-૧૮૨૬) દ્વારા એમ કહેવાયું છે કે, “માહિતી એ લોકશાહીનું ચલણ છે ….. આપણી સ્વતંત્રતા પ્રેસની સ્વતંત્રતા પર આધાર રાખે છે.”

નરેન્દ્ર મોદીને નાગરિકોની કોઈ પણ સ્વતંત્રતા દીઠી ય ગમતી નથી. એ એમનો રાજકીય સ્વભાવ છે એમાં કોઈ શંકા જ નથી. ‘ગુજરાત સમાચાર’ જૂથ પરની આ કાર્યવાહી એમના આ સ્વભાવનો ફરી એક વાર પરિચય આપે છે. એકને ડરાવી દો, એટલે બાકીના ચૂપ થઈ જાય અને પૂંછડી પટપટાવતા થઈ જાય એમ કરવાની મોદીની શાસનશૈલી રહી છે. 

આ બધું દેશના વિકાસને નામે અને દેશને વિશ્વગુરુ બનાવવાને નામે કરવામાં આવી રહ્યું છે. વિશ્વગુરુ બનવા માટે એક નેતાના ગુલામ બનવું પડે એ વિકસિત ભારતનો અંજામ છે. 

વળી, આ બધું કહેવાતા હિન્દુ રાષ્ટ્રની સ્થાપના માટે થઈ રહ્યું છે. આ ડેમોક્રસી નથી પણ ધર્મોક્રસી છે. ધર્મને નામે અધર્મ! 

તા.૧૬-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|16 May 2025

ગોદીમીડિયા

ટ્રોલત્રાસદી પાછળ સત્તાપક્ષની સંડોવણી

યશસ્વી કારવાઈ છતાં પણ બાંગ્લાદેશ વખતના ઇન્દિરાજી અને કારગિલ વખતના અટલજી અમેરિકી પ્રમુખ સંદર્ભે હજી પ્રતિમાન રૂપ છે તે છે. 

પ્રકાશ ન. શાહ

બુધવારે નમતે પહોરે બે શબ્દો પાડી રહ્યો છું ત્યારે નાના પડદે જોઉં છું કે મધ્ય પ્રદેશ હાઇકોર્ટે રાજ્ય મંત્રીમંડળના સભ્ય વિજય શાહ સામે એફ.આઈ.આર. દર્જ કરવાનો આદેશ આપ્યો છે. સૈંયા ભયે કોતવાલ શાઈ ઠાગાઠૈયે સુપેરે વાકેફ અદાલતે આ આદેશને પાછો બિલકુલ મુદ્દતબંધો જાહેર કીધો છેઃ ચાર કલાકની બિનચૂક કરવો રહેશે. મને લાગે છે, આ દિવસોમાં ગાજેલા સમાચારો વચ્ચે વિજય શાહ કોઈ ઓળખના મોહતાજ નથી. એમની કારકિર્દીનું તરોતાજા યશપીંછુ એમણે કર્નલ સોફિયા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનું છે. જોવાનું એ છે કે વિદેશ સચિવ મિસરી, કર્નલ સોફિયા કુરૈશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહની સહજસ્વસ્થ એટલી જ વિગતબદ્ધ ને શલીન એટલી જ સંયત શૈલીએ પ્રારંભિક બ્રીફિંગ સાથે એક આભામંડળ અરજી જાણ્યું છે. પણ આ બધાં જ, સદ્યવિધવા હિમાંશી નરવાલ સુદ્ધાં, જે પ્રકારે ટ્રોલબહાદુરોનાં નિશાન આ દિવસોમાં બનતાં રહ્યાં છે તે લગારે શોભીતું નથી. બલકે, જો યુદ્ધયત્નમાં જન સહયોગિતા એ કોઈ પાયાનું મૂલ્ય લેખાતું હોય તો આવું ટ્રોલ ગાંડપણ એને લૂણો લગાડનારું જ લેખાવું જોઈએ. વિજય શાહ ઘટનાના આરંભિક સ્મરણ સાથે શરૂ કરેલી આ ચર્ચા અને એની પાછળનો મુદ્દો ચિંતાજનક હદે મહત્ત્વનો છે તે એટલા માટે કે આખીયે ટ્રોલ ત્રાસદીની પૂંઠે સત્તાપક્ષ સાથે સંકળાયેલીઓની સક્રિય સંડોવણી છે. 

વડા પ્રધાન મોદીએ આદામપુર એરબેઝની મુલાકાત લીધી તે આપણા એરફોર્સના સાથીઓ કે બીજા જવાનોની હોંસલા અફઝાઈની કોશિશ માત્ર નહોતી. પાક પ્રચારમારો જે બધું તહસનહસ કરી નાખ્યાનો દાવો મોટે સાદે કરે છે તે કેવું કડેધડે કાંકરીયે ખર્યા વગરનું છે એના વિશ્વદર્શનની દૃષ્ટિએ એનું ચોક્કસ મહત્ત્વ છે. આ લખી રહ્યો છું ત્યારે જ સમાચાર ઉતરે છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તરતમાં ભુજ એર બેઝની મુલાકાત લેવામાં છે. વિક્રમ રાજાની અંધાર પછેડી શૈલી વિશ્વવિશ્રુત છે. હાલના શાસકો પણ તેમ કરતા જ હશે, પણ કેટલીક બાબતો થકી જગત આખાને દેખાઈ સંદેશ જવો જોઈએ તે રીતે આ ટી.વી. પછેડી અભિગમનીયે ચોક્કસ ભૂમિકા છે. 

બાવીસ એપ્રિલ પછી પાકિસ્તાનને પક્ષે આપણે અંગે મિસ્ ઇન્ફર્મેશન મિસાઇલ છૂટતાં રહ્યાં છે. વડા પ્રધાનની આદમપુર મુલાકાત જેવાં આયોજન પાક પક્ષે જે નકલી ફતેહનામાં પટાઈ રહ્યા છે એનો પ્રતીતિકર ઉત્તર ચોક્કસ છે. વાસ્તવિક નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાના જમીની ઉલ્લંઘન વગરની એર સ્ટ્રાઇકની અને નાગરિક સલામતીની તકેદારી સાથે નવ આતંકી થાણાં પર હલ્લાની ભૂમિકા નિઃશંક સરાહનીય છે. પાક ગેરમાહિતી અભિયાન સામે આ બોલતો જવાબ જરૂર છે. પણ જેમ ટ્રોલ બહાદુરો તેમ આપણું ગોદી મીડિયા આજે એક જવાબદારી (લાયેબિલિટી) બનીને ઊભરી રહ્યું છે. પાકિસ્તાનનો કેટલો બધો હિસ્સો આપણે રાત્રે કબજે કરી લીધો હોય છે, અને સવારે ઊઠીએ ત્યારે એ બધું પાકિસ્તાન હસ્તક યથાવત હોય છે! કમનસીબે, ગોદી મીડિયા પૂંઠે સત્તાપક્ષની કોઈ સંચારસંડોવણી નહીં જ હોય એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. દેશભક્તિ અને પક્ષપ્રચારની અજબ મિલાવટ જેવી તિરંગા યાત્રા, ટ્રોલમારા અને ગેરમાહિતી મારા કરતાં કદાચ વધુ સલાહભરી હોઈ શકે છે. 

સર્વદલીય બેઠકમાં ગેરહાજરીથી માંડીને પહેલગામની મુલાકાતને બદલે બિહારની ચૂંટણી સભાને અગ્રતા આપવાને કારણે કંઈક સવાલિયા દાયરામાં વરતાતુ રાષ્ટ્રીય નેતૃત્વ એક અંતરાલ પછી રાષ્ટ્ર જોગ સંબોધન વાટે ચિત્રમાં પ્રત્યક્ષ ઠીક થયું. પણ બાંગલાદેશ પ્રસંગે અમેરિકી પ્રમુખને ખખડાવી શકતાં ઇંદિરાજી કે કારગિલ ઘટના વેળાએ અમેરિકી પ્રમુખને ત્યાં હાજરી નહીં ભરતા અટલજી હજુ એક પ્રતિમાનરૂપ છે.

સંસદનાં બંને ગૃહો મળે અને સત્તાપક્ષ-વિપક્ષ હાલની સહમતિ પર રાષ્ટ્રીય એકંદરમતીની મહોર મારી શકે એવું કેમ ન બને? અંતરંગ વ્યૂહ અલબત્ત ખાનગી જ હોય પણ અભિગમ વિષયક એકંદરમતી ઇષ્ટ છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 14 મે 2025

Loading

ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 May 2025

રવીન્દ્ર પારેખ

ભારતનાં બંધારણનાં આઠમાં પરિશિષ્ટમાં 22 મુખ્ય ભાષાઓને ભારતની અધિકૃત ભાષાઓ ગણવામાં આવેલી છે. તેમાં ગુજરાતી પણ છે. આમ તો 2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં કુલ 19,569 ભાષા નોંધાયેલી છે, એમાં બોલીઓ પણ ખરી, જ્યારે વિશ્વમાં 7,111થી વધુ ભાષા બોલાય છે. દુનિયામાં સૌથી વધુ બોલાતી દસ ભાષાઓમાં હિન્દી ત્રીજા ક્રમે અને બંગાળી છઠ્ઠા ક્રમે છે, ગુજરાતી 29માં ક્રમે છે. દુનિયામાં 6.55 કરોડથી વધુ લોકો ગુજરાતી બોલે છે. જેમની પહેલી ભાષા ગુજરાતી હતી એવા કેટલાક મહાનુભાવોમાં નરસિંહ મહેતા, દયાનંદ સરસ્વતી, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, નરેન્દ્ર મોદી… નો ઉલ્લેખ કરવો પડે. ગુજરાતમાં ગુજરાતી ઉપરાંત સુરતી, સૌરાષ્ટ્રી, ચરોતરી, પટ્ટણી, કચ્છી, ડાંગી … જેવી 55 ભાષા-બોલી બોલાય છે તે પણ નોંધવું ઘટે.

બોલી એ કોઈ ચોક્કસ પ્રદેશની જાતિ કે વર્ગની ભાષાનું પરંપરાગત રીતે બોલાતું શુદ્ધ કે અશુદ્ધ રૂપ છે. બોલીનું લિખિત સ્વરૂપ એટલે કે લિપિ નથી. ખરેખર તો બોલી એ કોઈ એક મુખ્ય ભાષાને બોલવાની અલગ ટેવ કે પદ્ધતિ જ છે. ગુજરાતમાં પણ ઘણી બોલીઓ બોલાય છે. બોલી ભણાવાતી નથી, તે સાંભળીને શીખાય છે, પણ ભાષા શીખવી પડે છે. તે 5-6 વર્ષે પ્રાથમિક શિક્ષણની શરૂઆતથી બાળક શીખે છે અને ધોરણ 10-12 સુધી એક વિષય તરીકે સ્કૂલોમાં શીખવવામાં આવે છે. આટલાં વર્ષનાં શિક્ષણ પછી પણ, ગુજરાતી લખવા, વાંચવા અને બોલવાની તકલીફ પડે જ છે. માતૃભાષા ગુજરાતી હોવા છતાં બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ લાખોની સંખ્યામાં નાપાસ થયા છે. આ વર્ષે પણ ધોરણ 10નું 83.08 ટકા રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું, તો ય 54,614 વિદ્યાર્થીઓ ગુજરાતીમાં નાપાસ થયા જ ! એનું સાદું કારણ, ગુજરાતનાં શિક્ષણ વિભાગના મંત્રીઓ, અધિકારીઓથી માંડીને સામાન્ય જન દ્વારા થતી ભાષાની ઘોર ઉપેક્ષા છે. ગુજરાતીની માનસિક સ્થિતિ જ એવી છે કે તેને અંગ્રેજી વગર ચાલતું નથી. સવાલ એ છે કે ઈંગ્લેંડની માતૃભાષા ગુજરાતી ન હોય તો ગુજરાતની માતૃભાષા અંગ્રેજી કેવી રીતે હોય? પણ, વાતાવરણ તો અંગ્રેજીનું જ વિશેષ છે.

65 વર્ષ પહેલાં ભાષાને આધારે અલગ ગુજરાત રાજ્ય માટે ‘મહાગુજરાત’ આંદોલન થયું, રાજ્ય તો મળ્યું, પણ, ગુજરાતી ભાષાને ભોગે, વ્યવહારો, અંગ્રેજીની ફેશનમાં થવા લાગ્યા, તે એટલે સુધી કે રોડ પરની દુકાનો, રેસ્ટોરન્ટ્સ, મોલ વગેરેનાં બોર્ડ અંગ્રેજી થઈ ગયાં. બહુ ઓછાં બોર્ડ ગુજરાતીમાં જોવા મળે છે. જો કે, ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરી, 2022માં એક પરિપત્ર બહાર પાડીને રોકડું કર્યું હતું કે જાહેર સ્થળ પરનાં બોર્ડ, સરકારી કંપની, દુકાન, રેસ્ટોરન્ટ્સ, સ્કૂલ-મોલ, કાફે, મલ્ટિપ્લેક્સ, બેનક્વેટ, બાગ-બગીચા … વગેરેનાં સાઇન બોર્ડમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ અનિવાર્ય છે.

હાલની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતીની અવગણના કરીને બોર્ડનાં નામો અંગ્રેજીમાં ચીતરાય છે. મલ્ટિનેશનલ બ્રાન્ડ કે કેટલીક ઇંડિયન બ્રાન્ડ્સ અંગ્રેજીની સાથે ગુજરાતીમાં પણ બોર્ડ રાખે છે, પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા જેવાં શહેરોમાં સ્થાનિકો કે રેસ્ટોરન્ટ માલિકો બોર્ડ અંગ્રેજીમાં જ લખે છે, કેમ જાણે અંગ્રેજો જ દુકાનોમાં પ્રવેશતા હોય ! ગુજરાત સરકારે રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત … વગેરે 8 મહાનગરપાલિકાની તમામ સરકારી કચેરીઓ, પરિસરો, અને સાર્વજનિક સ્થળોએ ગુજરાતીમાં લખાણ ફરજિયાત કર્યું હતું.

એ મામલે જાહેર હિતની અરજી થઈ હતી, જેનો હાઇકોર્ટે એમ કહીને નિકાલ કર્યો કે ગુજરાતની મહાનગરપાલિકાઓ પરિપત્રનું કડક રીતે પાલન થાય તે જોશે. એ અંગે તપાસ થઈ તો નિરાશા જ  હાથ લાગી. મહારાષ્ટ્રમાં મરાઠીમાં સાઇન બોર્ડ ન હોય તો દુકાનદારો પર હુમલા થયા છે, બેન્કોનું કામ મરાઠીમાં જ થાય તેવી માંગ થઈ છે, દક્ષિણ ભારતનાં રાજ્યો હિન્દી કરતાં પોતાની ભાષાને વધુ મહત્ત્વ આપે છે, પણ ગુજરાત એ ભૂલી ગયું છે કે ગુજરાતની ઓળખ ગુજરાતીને લીધે છે. દરેક રાજ્યને તેની ભાષાનું ગૌરવ છે, પણ ગુજરાતીઓને ગુજરાતી લખવા-વાંચવા-બોલવામાં નાનમ લાગે છે. આ સ્થિતિ ગુજરાતમાં જ છે. એથી થયું છે એવું કે ગુજરાતી ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ને અંગેજીનો મહિમા વધી રહ્યો છે. એને માટે શિક્ષણ નીતિ પણ જવાબદાર છે. તેમાં અંગ્રેજીનો થયો છે એવો મહિમા ગુજરાતીનો થયો જ નથી.

બહારથી આવતા IAS કે IPS ગુજરાતમાં આવીને ગુજરાતી શીખી લે છે ને વક્રતા એ કે ગુજરાતી બાળક અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવે છે. દરેક રાજ્યમાં પોતપોતાની ભાષા માટે અલગ વિભાગ ને મંત્રાલય છે, પણ ગુજરાતમાં નામ પૂરતો ગુજરાતી વિભાગ છે, જે ભાષાંતરનું કામ કરે છે, એ સિવાય ગુજરાતી માટે સક્ષમ વિભાગ નથી. થોડા અંગ્રેજી જાણનારા અધિકારીઓ માટે, આખા ગુજરાત પર અંગ્રેજી થોપવાનો ઉદ્યમ પુનર્વિચારણાને પાત્ર છે. પ્રજા પણ આદેશોનું પાલન કરવામાં માનતી નથી. સરકારે તો પાટિયાં ગુજરાતીમાં કરવાનો પરિપત્ર કર્યો, હવે પ્રજાની જવાબદારી બને છે કે પાટિયાં ગુજરાતીમાં લખાય તે જુએ.

એક તરફ શિષ્ટ ભાષામાં જોઈએ એ કક્ષાએ કામ નથી થતું, તો બીજી તરફ બોલીનાં શિક્ષણનો પ્રશ્ન પણ ચર્ચામાં છે. અગાઉ જોયું તેમ ગુજરાતમાં જ 55 જેટલી ભાષા-બોલી સક્રિય છે. એ સ્થિતિમાં આખા ગુજરાતમાં સમજી શકાય એવું ભાષાનું સર્વમાન્ય રૂપ પણ હોવું ઘટે. જેને સ્ટાન્ડર્ડ લેંગ્વેજ કહીએ છીએ એવું ભાષારૂપ ન હોય તો સૌરાષ્ટ્રનો કે દક્ષિણ ગુજરાતનો એકબીજા સાથે વ્યવહાર શક્ય ન રહે. એવું જ મહેસાણા અને છોટાઉદેપુરને મામલે પણ ખરું. આખા દેશમાં ભાષા વ્યવહાર સરળ રહે એ માટે હિંદીને રાષ્ટ્રભાષા તરીકે ઘોષિત કરવામાં આવી. એ જ રીતે રાજ્યો માટે ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ વગેરે ભાષાઓનું શિષ્ટ રૂપ માન્ય ગણાયું. એ દરેક રાજ્યોને તેમની બોલીઓ તો છે જ, પણ તે ચોક્કસ પ્રદેશ કે જાતિ પૂરતી સીમિત છે. સુરતી દક્ષિણ ગુજરાતમાં ચાલે એવી મહેસાણામાં ન ચાલે. એ જ રીતે ચરોતરી અમરેલીમાં ન ચાલે. બધે ચાલે તે ગુજરાતી સ્કૂલોમાં શીખવાય છે. એ શીખવવા શિક્ષણ વિભાગ જુદાં જુદાં ધોરણો માટે પ્રમાણભૂત ભાષામાં પાઠ્યપુસ્તકો બહાર પાડે છે. એને લિપિ છે, વ્યાકરણ છે. તેનું લિખિત-મુદ્રિતરૂપ વિકસેલું છે ને એમાં ગુજરાતી ભાષાનું શિક્ષણ ગુજરાતમાં અપાય છે.

હવે એવી માંગ ઊઠી છે કે જે રીતે ગુજરાતીનું શિક્ષણ અપાય છે એ રીતે બોલીનું શિક્ષણ પણ અપાય. એનું કારણ એ અપાય છે કે પાઠ્યપુસ્તકોમાં વપરાતી ભાષામાં શહેરી બૌદ્ધિકપણું જ પ્રગટ થાય છે અને એને આદિવાસી બોલી સાથે કોઈ લેવાદેવા નથી. એ સાચું છે કે આદિવાસી વિદ્યાર્થીનું જીવન એ ભાષામાં પ્રગટતું નથી. એ ભાષા ગ્રામીણ બાળકોને સમજાતી નથી. જે એને સમજાય છે તે પાઠ્યપુસ્તકમાં નથી ને જે પાઠ્યપુસ્તકમાં છે તે એને સમજાતું નથી. એવું જ બીજા અંતરિયાળ પ્રદેશનાં બાળકોનું પણ ખરું. આમ થવાથી બાળકોને ભણવાની મજા નથી આવતી ને એ જતે દિવસે સ્કૂલ છોડી દે છે. સ્કૂલ છોડવાનું કારણ ભાષા જ હોય એવું દરેક વખતે ન પણ હોય. ગરીબી, મજૂરીની લાલચ, આર્થિક મુશ્કેલીઓ જેવાં કારણો પણ હોઈ શકે. એ સાચું કે ભાષા સરળ થઈ શકતી હોય તો તેને અઘરી ન જ કરવી જોઈએ. ગ્રામીણ બાળકો સંદર્ભે એક જ પ્રકારનાં પાઠ્યપુસ્ત્કો પણ ડ્રોપઆઉટનો રેશિયો વધારે છે. આ બધી જ દલીલોમાં તથ્ય છે, પણ પાઠ્યપુસ્તકો શહેરી બૌદ્ધિકતાનો જ પડઘો છે એવું નથી. પાઠ્યપુસ્ત્કો તૈયાર થાય છે, એમાં ગ્રામજીવનનો પડઘો પણ પડતો જ હોય છે, ખાસ કરીને વાર્તાઓમાં, સમાજજીવનમાં ! હા, પ્રમાણ વત્તુંઓછું હોઈ શકે, પણ તે તો સંતુલિત કરી શકાય.

ગામડામાં એક આદિવાસી બાળક શાળામાં પ્રવેશ લે છે કે શહેરમાં એક બાળક સ્કૂલમાં પ્રવેશે છે, ત્યારે તે બંને માટે ભાષા તો નવી જ છે. બંને માટે મૂળાક્ષરો સરખા જ અજાણ છે ને બંનેએ તે શીખવા પડે છે. તેને શહેરી બૌદ્ધિકતા કે ગ્રામીણ માનસનો ભેદ ખબર નથી. તે તો કોરી પાટીએ જ અક્ષર પાડે છે. એ ખરું કે તે જે બોલે, સાંભળે છે, તેનાં કરતાં શીખે છે તે જુદું છે. એવું જ શહેરી બાળક માટે પણ ખરું. એ પણ ઘરમાં જે સુરતી બોલે છે, તેનાં કરતાં શીખે છે, તે જુદું છે. એ જુદું છે, એટલે જ તો શીખવાનું છે. દેખીતું છે કે એ અઘરું લાગે ને મજા ન પણ પડે. એને રસિક, શિક્ષક બનાવી શકે.

રહી વાત બોલી અનુસાર પુસ્તકો તૈયાર કરવાની, તો તે વ્યવહારુ નથી. 55 ભાષા ગુજરાતમાં જ હોય તો તેટલાં પાઠ્યપુસ્તકો રાજ્યમાં કોઈ એક સમાન ધોરણ ઊભું ન કરી શકે. બીજું કે આદિવાસીનું પુસ્તક સૌરાષ્ટ્રમાં કે ચરોતરનું પુસ્તક વલસાડમાં કેટલું ખપમાં આવે? એ પછી પણ આખા રાજ્યને સમજાય એવી ભાષાની જરૂર તો ઊભી જ રહે. એટલે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ભણવામાં ને બોલી, બોલવામાં રહે એ વધારે ડહાપણ ભરેલું છે, એવું નથી લાગતું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 16 મે 2025

Loading

...102030...150151152153...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved