Opinion Magazine
Number of visits: 9672635
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગીતાંજલિ શ્રીને બૂકર પારિતોષિક

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|1 June 2022

અવસર

ગીતાંજલિ શ્રી કૃત ‘રેત સમાધિ’ નવલકથાને બુકર પારિતોષિક મળ્યું એ કેવળ હિંદીજગત માટે જ નહીં ભારતીય સાહિત્ય સમસ્ત માટે ગૌરવપ્રદ ઘટના છે, અને સવિશેષ એક અર્થમાં ગુજરાત માટે પણ.

સુધીર ચંદ્ર અને ગીતાંજલિ શ્રી એ દંપતી ગુજરાતના વિદ્યાજગતના એક હિસ્સાને ઠીકઠીક પરિચિત છે. સુરતના સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝ સાથે એમનો સુદીર્ઘ સમ્બન્ધ અને એ અરસામાં ગુજરાતી સાહિત્ય સંદર્ભે નોંધપાત્ર નવ્ય તપાસ એ જો સુધીર ચંદ્રનો વિશેષ છે તો ગીતાંજલિ શ્રીએ સેન્ટરમાં નિભાવેલ સ્વાધ્યાય દાયિત્વ અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ‘સોશિયલ એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ટ્રૅન્ડ્‌ઝ ઈન કોલોનિયલ ઈન્ડિયા : અ સ્ટડી ઑફ પ્રેમચંદ’નું એમનું ડૉક્ટરલ કામ પણ નોંધપાત્ર છે.

એક સરસ જોગાનુજોગ હમણાં વડોદરાના જ શકીલ કાદરીની નોંધ વાટે સામે આવ્યો : ૧૯૮૦માં ‘હંસ’માં પ્રકાશિત એક વાર્તા એમણે ગુજરાતીમાં શિરીષ પંચાલના સૂચનથી ઉતારી હતી. એ આપણાં ગીતાંજલિ શ્રીની પ્રથમ વાર્તા હતી.

‘હમારા શહર, ઉસ બરસ’ એ એમની નવલકથા સરૂપ ધ્રુવે આ દિવસોમાં સંભારી છે. લેખિકા ગીતાંજલિ સાથેનો મારો કિંચિત્‌ પરિચય પણ આ નવલકથા નિમિત્તે જ છે. બહોળી રીતે જોતાં અને જાડી રીતે કહેતાં બાબરી ઘટના અને ગુજરાત પ્રકારના કોમી વિધ્વંસક માહોલની એ કથા છે.

‘રેત સમાધિ’(‘ટુમ્બ ઑફ સેન્ડ’)ની બુઝુર્ગ નાયિકા ચંદ્રપ્રભા પતિના અવસાન પછી ભાંગી પડેલી મનઃસ્થિતિમાં પોતે જ્યાંથી ક્યારેક હિજરત કરી હિંદ આવી હતી તે પાકિસ્તાનમાં તે કાળના પ્રેમી અનવરની શોધમાં નીકળી પડે છે. એને એક કિન્નરનો સાથ છે. વિભાજન વેળાનો આઘાત, પ્રેમીથી છૂટાં પડ્યાંનો આઘાત, પતિના અવસાનનો આઘાત, આ બધા વચ્ચે તે કોઈક સમાધાન શોધવા મથે છે. એકાધિક લિંગ, એકાધિક ધર્મ, કુટુંબ અને દેશ આ બધી બહુસ્તરીય દાસ્તાં કંઈક નર્મમર્મ, કંઈક કટુતા-તિક્તતા સાથે ચાલે છે.

બુકર પારિતોષિક માટેની જ્યુરીએ આ નવલકથાને “Urgent and timely protest against the destructive impact of borders and boundaries whether between religions, countries or genders” તરીકે ઓળખાવી છે, અને ‘irresistible’ કહી છે.

ગીતાંજલિ શ્રીની આ અને અન્ય નવલકથાઓ વિશે તેમ બીજા સ્વાધ્યાયવિશેષો વિશે યથાપ્રસંગ નિરાંતે અને વિગતે લખાશે. પણ હમણાં તો બેત્રણ વ્યાપક અવલોકનો કરું તે લાજિમ લેખાશે.

યોગ્ય રીતે જ બુકર ઘટનાને કેવળ હિંદી જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની સિદ્ધિ તરીકે આ દિવસોમાં વર્ણવાઈ છે ત્યારે નોંધવું જોઈએ કે અંગ્રેજી સિવાયની કોઈ ભારતીય ભાષાની કૃતિને બુકર પારિતોષિક મળ્યું હોય એવો આ પ્રથમ પ્રસંગ છે. હિંદી મૂળના કહી શકાય એવા નાયપોલને કે હિંદનાં જ અરુંધતી રોય આદિને આ માન જરૂર મળ્યું છે, પણ તે તો સીધાં અંગ્રેજીમાં લખનારાં છે.

આવે વખતે ‘જય હો’ કરતી એકદમ ટિ્‌વટતર્રાર પેશ આવતી ભારત સરકાર મોળી ને મોડી પડી એ પણ નિરીક્ષકોએ નોંધ્યું છે. જાહેરાતના છેક ચોવીસ કલાક પછી વડા પ્રધાને તો નહીં પણ રાજ્ય સ્તરના કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ એકાદું ટિ્‌વટડું કીધું પણ હોજે ગયેલું બુંદે આવ્યું જાણ્યું નથી. કારણ અલબત્ત સમજાય એવું છે, અને તે એ કે જે રાજકીય વિચારધારાકીય સમ્પ્રદાય હાલની કેન્દ્ર સરકારનો છે એને ગીતાંજલિ શ્રીની સ્વતંત્ર સર્જનરમણા સોરવાતી નથી.

પણ ગીતાંજલિ શ્રી તો તમને કહેશે કે “આપ અપને સમાજ ઔર ઇતિહાસસે જુડે હૈ તો યે મુદ્દે આપ કે જીવનકા હિસ્સા હૈ. સાહિત્યિક કૃતિકી માંગ હૈ તો વહાં ભી યહ સહજ આ જાયેંગે.”

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 16 

Loading

વનિતા, ‘બે પળ એક અણસાર બની આવજે.’

વિપુલ કલ્યાણી|Ami Ek Jajabar - Ami Ek Jajabar|1 June 2022

બારણે ટકોરા દીધા ને અતુલે દરવાજો ખોલ્યો.

લાગલા કહે : મામા, your partner in crime has left.

હું શું જવાબ આપું ? મૂંઝાયો; અને છતાં, કહેવાઈ ગયું : હવે મારો વારો છે !

વનિતા ને હું, … હું ને વનિતા; બાળપણથી ભેગાં ને ભેગાં.

કૅન્સરના દરદની ઝાપટ લાગી ને વનિતાએ તો ફટાક કરતાં હાથતાળી દઈ દીધી !

— ને હવે … ?

દિવંગત ઊર્મિલાબહેન ભટ્ટનું એક હાઈકુ-કાવ્ય સાંભરી આવ્યું :

    કબાટ ખોલ્યું :
સરી પડ્યાં સ્મરણો
    ગડી વળેલાં.

•

… અને, પછી સ્મરણોની પોઠ ચાલી. વળી, મનમગજ પણ ઇતિહાસ ફંફોસવા લાગ્યું :

ટૅન્ઝાનિયાના ઉત્તર વિસ્તારમાં આવેલા મ્બુલુ હાઈલૅન્ડ્સમાં આવેલું આ ગામ મ્બુલુ, ઈમ્બોરુ તરીકે અહીંના ઈરાકો [Iraqw] જનજાતિમાં પ્રચલિત છે. જર્મનીનું ટૅન્ગાનિકા પર શાસન હતું તે વેળા 1907ના અરસામાં મ્બુલુની રચના કરવામાં આવી હતી, તેમ ઇતિહાસ નોંધે છે. મ્બુલુની આબોહવા જર્મનોને ફાવતી હતી, અને વળી, સ્થાનિક સ્તરે કુશિટિક [Cushitic] ભાષા બોલતી આ ઈરાકો પ્રજાની ‘મહેમાનગત’ જર્મનોને ભાવતી આવી. પરિણામે, સરકારી સ્તરે સફેદપોષ નોકરીઓમાં ઈરાકો જનજાતિના લોકોની ભારેપટ ભરતી જર્મનોએ કરેલી. આ ડુંગરાળ વિસ્તારમાં ઘઉંની પેદાશ સારી થતી અને મ્બુલુના ખેડૂતોએ આથી તો 1923માં ‘મ્બુલુ વ્હીટ ગ્રોઅર્સ ઍસોસિયેશન’ની રચના ય કરેલી.

આવા આ વિસ્તારમાં બાપુજી(ભગવાનજી ઓધવજી કલ્યાણી)ના એક મોટાભાઈ, કેશવજી ઓધવજી કલ્યાણીએ, ગઈ સદીના ચોથા દાયકાના આરંભમાં ધંધોધાપો આદરેલો તેમ અંદાજ છે. અમે એમને નાના અદા કહીને સંબોધતા. નાના અદા અને નાના જીબા(રતનબહેન)નું મોટું સંતાન એટલે ઉમેશભાઈ. તે પછી રમાબહેન. અને એ પછી વનિતાનું સ્થાન. વનિતા પછી, નવીન, ગીતા અને દિલીપ પણ અમારાં ભાંડુડાં.

અમારી વચ્ચે ઉમ્મરનો ઝાઝો તફાવત નથી. વનિતા બારેક મહિના મોટી. તેનો જન્મ સન 1939ની 25 ડિસેમ્બર વેળા મ્બુલુમાં; મારો, સમજણ મુજબ, સને 1940માં, મેરુ પર્વતની તળેટીમાં જમાવટ કરી પલોંઠ મારી ઓપતાં નગર નામે અરુશા ખાતે.

આપણે જે અરુશાને ઓળખીએ છે તેની રચના કિલીમાન્જારો પર્વતની દક્ષિણે આવેલા અરુશા-ચીની વિસ્તારમાં વસતી પશુપાલનનો તેમ જ ખેતીવાડીનો વ્યવસાય કરતી અરુશા-મસાઈ જનજાતિએ 1830માં કરી હોય તેમ સગડ મળે છે. હવે તો નોર્ધન રિજિયનનું વડું મથક તો તે બની જ ગયું છે; અને સાથે સાથે, જગતમાં પંકાયેલું નગર, જે રાતે ન વિસ્તરે એટલું દિવસે વિસ્તરતું જ રહ્યું છે.

અમારા જન્મ ટાંકણે અરુશાની વસતી ક્વચિત્‌ માંડ બેએક હજારની હોય; આજે તેનો આંક 4,16,442 બોલે છે. જ્યારે ચોપાસના અરુશા ગ્રામ્ય વિસ્તરણની વસ્તી ઉમેરણ રૂપે બીજી 323,198 સુધી જવા જાય છે.

પહેલા વિશ્વયુદ્ધ સુધી જર્મનોનો કબજો અરુશા પર પણ હતો. બ્રિટિશ શાસનનો આરંભ થયો અને મસાઈ પરંપરાના આ ગામ પર પહેલાં જર્મનોની અને તે પછી બ્રિટિશરોની છાપ પડતી આવી. જર્મનોને હાંકી કઢાયા અને તેની જગ્યાઓમાં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ અમેરિકાના વતનીઓ આવતા ગયા. તેની જોડાજોડ બ્રિટિશરો અને ગ્રિક વસવાટીઓનું ધાડું પણ અરુશામાં આવી પૂગ્યું. ત્રીસી સુધીમાં તો અરુશા ધંધેધાપે ધમધમતું થઈ ગયું. બીજા વિશ્વયુદ્ધ વેળા અને તે પછી અરુશાની સિકલ બદલાવા લાગી. યાદ હશે, 1960 વેળા, જગપ્રસિદ્ધ ‘હટ્ટારી’ ફિલ્મ અહીં જ ઊતરેલી. જોહ્ન વેઇને તે ચલચિત્રમાં મુખ્ય અદાકારી આપી છે, તે ય સાંભરે છે.

હવે તો ટૅન્ઝાનિયાના સાંપ્રત ઇતિહાસ અને રાજતંત્રમાં અરુશાનું સ્થાન અદકેરું રહેવા પામ્યું છે. ટૅંગાનિકાને સ્વતંત્રતા આપવાના અધિકૃત દસ્તાવેજો પર 1961માં અહીં જ સહીસિક્કા કરવામાં આવેલા. ‘અરુશા ડિક્લેરેશન’ નામે અરુશા ઘોષણા પર, વળી, 1967માં અહીં જ દસ્તખત કરવામાં આવેલા. હવે તો આંતરરાષ્ટૃીય સ્તરની અનેક બેઠકો અહીં થતી આવી છે, અને તેને સારુ કેટલાંક છાતી ગદ્દગદ ફુલાવતાં મથકો પણ અહીં બંધાયાં છે.   

સેરેન્ગેટી નેશનલ પાર્ક, કિલીમાન્જારો નૅશનલ પાર્ક, ન્ગોરોન્ગરો કનર્ઝવેશન એરિયા, અરુશા નૅશનલ પાર્ક, લેઇક મન્યારા નૅશનલ પાર્ક, તારાન્ગિરે નૅશનલ પાર્ક જેવાં જગપ્રસિદ્ધ અભયારણ્યો અડપડખે, એથી પ્રવાસન તથા અર્થતંત્રને સારુ અગત્યનું મથક પણ અરુશા બની ગયું છે.

આવા આ અરુશા પડખેના, જગપ્રસિદ્ધ ઊંચેરા પર્વત કિલીમાન્જારોની તળેટીમાં વિકસેલા, ગામ મોશીમાં ત્રણેય ભાઈઓએ, ગઈ ત્રીસીમાં, સાથે મળીને ધંધો આદરેલો. કહે છે કે મોટા અદા, મગનલાલ ઓધવજી કલ્યાણીની આગેવાનીમાં નાના અદા તેમ જ બાપુજીએ દુકાન કરી. મોશીમાં તો એમની બબ્બે દુકાનો હતી. કોઈ પણ કારણવશાત્‌ ધંધામાં માર ખાવાનો થયો. મોટા અદાને નામે ચાલતા આ ધંધાને નાદારી ફટકારાઈ અને પછી સૌ આવ્યા અરુશા. કદાચ એવાકમાં જ તે વખતના બબાટી રોડ પરનું મકાન ખરીદ થયું હશે. ત્યાં ફાવટ ન આવવાને કારણે નાના અદાએ મ્બુલુ વિસ્તારે સ્થાયી થઈ નોખો વેપાર શરૂ કર્યો. બાપુજી મ્બુલુ – બબાટીમાં આવ્યા જંગલ પ્રદેશોના ડોંગોબેશ – ઈન્દલાકાન [એન્ડાજીકોટ] તરફનાં ગામડાંઓમાં ધંધાર્થે જતા રહ્યા. બીજી પાસ, મોટી બન્ને દીકરીઓને પરણાવવા મોટા અદા તેમ જ મોટા જીબા કસ્તૂરબહેન કાઠિયાવાડમાં આવેલા મૂળ વતન જામ-ખંભાળિયા ગયાં. ત્યાં એમનું રહેણાક બે’ક વરસનું થયું હશે, તેમ સાંભરણ છે. અને પછી, બાપુજીએ મ્ટો-વા-મ્બુ નામના નાનકડા ગામે વસવાટ કર્યો અને ખુદને નામે ધંધો આદર્યો.

અરુશા વિસ્તારના મૉન્ડુલી જિલ્લામાં, અરુશાથી આશરે 112 કિલોમીટર દૂર આવ્યા આ ગામનું નામ સાર્થક જ લેખાતું હશે, કોને ખબર ? : કેમ કે તેનો અર્થ થાય ‘મચ્છરોની નદી’ ! તે દિવસોમાં ત્યાં અઢળક મચ્છર, ઢગલાબંધ સાપસીંદરા તેમ જ હૂપાહૂપ કરતાં વાનરોનાં ટોળાં. જાતભાતનાં અનેક રાની પશુઓને જાણે કે અહીંતહીં રઝળપાટની અસીમ સ્વતંત્રતા ને સ્વાયત્તતા. મન્યારા સરોવરની પડોશમાંના આ ગામની, તેમ જ ચોપાસની, વસ્તી માંડ ત્રણચાર હજારની હોય; તે આજે કહે છે કે અગિયાર / બાર હજારથી પણ વિશેષ થવા જાય. વળી, સેરેન્ગેટી નૅશનલ પાર્ક, ન્ગોરોન્ગોરો કનર્ઝવેશન એરિયા તેમ જ મન્યારા નૅશનલ પાર્ક સરીખાં અભયારણ્યોની સલેહગાહે જનારા સહેલાણીઓ તેમ જ પ્રવાસીઓ આ ગામેથી જ પસાર થવાના. આથી દાયકાઓથી અહીં ધંધોધાપો વિકસતો જ રહ્યો છે.

કેશવજી ઓધવજી કલ્યાણી, ભગવાનજી ઓધવજી કલ્યાણી, મગનલાલ ઓધવજી કલ્યાણી, મણિશંકર જેરામ નાકર તેમ જ પ્રેમજી જેઠા નાકર પારિવારિક લગ્રપ્રસંગે, અરુશા

આવી આવી ભૌગોલિક તેમ આર્થિક પછીતે આ ત્રણે ભાઈઓનો વિસ્તાર અરુશાને કેન્દ્રમાં રાખીને વિકસતો રહ્યો છે. ગઈ સદીની ચાળીસી વેળા, આથી અરુશાના મકાનમાં બાળકોને આણી તેમનાં ભણતરની સોઈ કરવાનો અખતરો વડીલોએ હાથ ધર્યો. ત્રણ દેરાણી-જેઠાણીને માથે, વારાફરતી, ત્રણ-ત્રણ મહિનાની લાલનપાલનની જવાબદારી આવી પડી. અમે દશેક ભાઈભાંડું એક છાપરે ભણતાં રહ્યાં. આમ વનિતા અને હું ય આ જૂથમાં સામેલ હતાં. જયંતીભાઈ, વિમળાબહેન ને નરેન્દ્ર; ઉમેશભાઈ, રમાબહેન, વનિતા તથા નવીન; હું, વસંત તેમ જ કદાચ હંસા આમાં સામેલ હતાં. જયંતીભાઈ, વિમળાબહેન, ઉમેશભાઈ, રમાબહેન મોટેરાં; વનિતા, હું ને નવીન સમવયસ્ક, જ્યારે વસંત, નરેન્દ્ર, હંસા નાનેરાં.

મૂળગત મોટા અદાને અધિકૃત નામે આ એકમાળી મકાન. કૉરુગેટેડ આયર્ન શીટ્સ – વાટા પાડેલાં લોઢાનાં પતરાં -ની દીવાલો ને તેનું જ છાપરું, પણ પાકી છો. રસ્તા પર આગળ દુકાન, જે તે દિવસોમાં ભાડે અપાયેલી. દુકાન અને મુખ્ય રસ્તા વચ્ચે દુકાનની લગોલગ જ બાંધેલી ને છત જડેલી ઉઘાડી પરસાળ. તેની પાછળ રહેણાકની જગ્યા. તેમાં અમે સૌ રહીએ. ત્યાં જ રસોઈ થાય અને ત્યાં જ અમારી ભોજનશાળા. પાછળની બાજુ, આ ઓરડાને અડીને પાકી પણ ઉઘાડી ઓસરી. જમણે નાવણી ને ડાબે ઘંટીની સ્થાપના, પણ ઓસરી બે બાજુએથી ઉઘાડી. માથે છત તો ખરું જ. એની પડખેથી બહાર જવા માટેની જગા અને એને લાકડાનું કમાડ. કમાડને માત્ર સ્ટોપર તથા લાકડાની આડસર. ફળિયું; અને તેમાં વચ્ચે રસોડા માટે મૂળે ઓરડી, જે નોકરને સારુ અનામત કરી દેવાયેલી. સામે છેડે ચોકડી. એમાં એક નળ, વાસણ વીછળવાં ને કપડાં ધોવાં સારુ આ ચોકડીનો વપરાશ. એની પછી બે ઓરડીઓ. આગળની ઓરડીમાં સૂવાબેસવાની સોઈ, જ્યારે બીજામાં વધારાનો સરસામાન ત્યારે રખાતો. એ બે ઓરડીઓની પછીતે કોલસા ને લાકડા રાખવાની વખાર અને એની જ પડખે પાયખાનું. આ તો આખા મકાનનું ફક્ત અડધિયું, બીજી કોરે ચંચળમાસી – આત્મારામકાકા તેમ જ પરિવાર વસે. તેમણે તેમની દુકાનને સલૂનમાં ફેરવી કાઢેલી.  

શહેરના એક મુખ્ય ધોરી માર્ગ, તત્કાલીન બબાટી રોડ (ટૅંગાનિકાને આઝાદી અપાઈ ત્યારે તે માર્ગનું ઊહુરુ રોડ નામાભિકરણ થયેલું. જ્યારે સાંપ્રત સમયે, દિવંગત પૂર્વ રાષ્ટૃપતિ એડવર્ડ મોરિન્ગે સોકોઇનની સ્મૃતિમાં તે રસ્તો સોકોઇન રોડ [Sokoine Road] તરીકે જાણીતો થયો છે.) પર આવેલું એ મકાન આજે હોત તો તે આજના આઝિમીઓ [Azimio Street] સ્ટૃીટની લગભગ સામે પડતું હોત. થોડુંક જમણે આગળ ચાલતાં જઈએ એટલે જમણે જકારાન્ડા સ્ટૃીટ [Jacaranda Street] આવે અને તેમાં અંદર વળી જતાં અમારી નિશાળ − ઇન્ડિયન પબ્લિક સ્કૂલનો વિસ્તાર આવતો. આજે એ ઊહુરુ પ્રાયમરી સ્કૂલને નામે જ પરિચિત છે. મોસમ ટાંકણે આ જકારાન્ડા સ્ટૃીટમાં મઘમઘતાં જકારાન્ડા ફૂલોનો વૈભવ જોવા મળતો, જે આંખને સતત ઠારતો રહેતો. અમારી નિશાળને લીલુંછમ્મ, રમતગમતને સારુ, મેદાન પણ હતું. એને અડીને વળી ગૉલ્ફ માટેનું મેદાન રહેતું. આવી આ નિશાળમાં અમને દરેકને દાખલ કરવામાં આવેલા. અમારાં પહેલાં શિક્ષક હતાં બચુબહેન શુક્લ. આવાં ઉત્તમ શિક્ષિકા આજે ય ધોળે દહાડે દીવો લઈને શોધવા નીકળીએ તો ય મળવાં દુર્લભ. એમનું બહુ વહેલું અવસાન થયેલું અને એમની સેવાઓને ધ્યાનમાં લઈ, ગામની હિંદી જનતાએ એમની સ્મૃતિમાં શાળાને એક વર્ગખંડ બંધાવી આપેલો. આજે ય તેની તક્તી નિશાળમાં સાહેદી પૂરે છે.

ઈસવીસન 1941માં અસ્તિત્વમાં આવેલી અમારી આ નિશાળ સારુ હિન્દી જનતાએ તનતોડ ભંડોળ ઊભું કરેલું. એને સારુ કેટલાક વડવાઓએ ભંડોળાર્થે નાટકના પણ ખેલ કરેલા તેમ સાંભળવા મળે છે. અમારા વખતમાં જાની સર સરીખા પ્રભાવક હેડમાસ્તર હતા અને એકમેકથી ચડિયાતાં શિક્ષકો-શિક્ષિકાઓ સામેલ હતાં. અંબાલાલ જે. પટેલ, ઉપાધ્યાય સર, ધોળકિયા સર, એમ.ટી. શાહ જે પાછળથી હેડમાસ્તર પણ થયેલા, મોદી સર, રમણલાલ વશી, વાડીલાલ ટેલર, સુદંરમતીબહેન, હરચરન સિંહ ભોગલ નામે અમારાં કેટલાંક શિક્ષકો, અબીહાલે, સ્મરણે ચડે છે. શિક્ષકોની આ ફોજે અમારું ઘડતર કરવામાં લગીર કસર કરી નથી. સિનિયર કૅમ્બ્રિજ સુધીનું ભણતર અપાતું, અને ગુજરાતી જ ભણતરનું માધ્યમ રહેલું. પાછળથી તેને અંગ્રેજી માધ્યમની શાળામાં ફેરવી નંખાઈ હતી. તેની વ્યવસ્થા સારુ ગામની આ હિન્દી જનતાના પ્રતિનિધિ સ્વરૂપની એક વહીવટી સમિતિ હતી, જે શાળાનું સંચાલન કરતી.

આવી આ નિશાળમાં 1952 સુધી આરંભે હું ભણ્યો હોઈશ. એ ગાળો નિશાળને નામે મારો પૂર્વાર્ધ. 1953માં બાબાપુજી, નાના અદા, નાના જીબા અને અમે સંતાનો કાઠિયાવાડ માંહેના અમારા વારસાના ગામે, જામ-ખંભાળિયા, કુટુંબ-જાતરાને સારુ, જવા નીકળ્યાં. એસ.એસ. કરાન્જા નામક એ સ્ટીમરમાં અમે કરાંચી થઈને પોરબંદર નાંગરેલાં.

•••••

વનિતા હતી બોલકી, અને તેથીસ્તો બાપુજી તેને કાગડી કહેતા ને. બોલબોલ કરતી વનિતા, બચપણથી સાથેસાથે જબ્બરી કામગરી. આવાં તેનાં પાસાં ઉપરાંત તે ક્યારેક અડપલાં ય કર્યાં કરતી. તેને સારુ, વળી, અન્યાય સહન ન કરવાની વૃત્તિ પણ એક કારણ હોઈ શકે. ક્યારેક ઉછીના ઝઘડા ઊસેડતી હોય તેમ લાગે ! મૂળ  બાબત આરંભે પિત્રાઈ નરેન્દ્રની જ તો મસ્તી હોય; પણ સહન કરવાનું વનિતાને ફાળે આવ્યું હોય. આ બધામાં હું ય વનિતા જોડાજોડ ખરો, હં કે ! તેમાંના બેચાર દાખલાઓ તપાસવા જેવા ખરા.

ગામમાં અમે દરેકને ઓળખીએ. દરેક સાથે આવનજાવનનો વહેવાર. નાનેરાં હળેમળે; સાથે ભણે તેમ જ રમે કરે. અમારા રહેણાકની તદ્દન નજીક મોહનલાલ લાલજી મકવાણા નામના એક પડછંદા સજ્જનની દુકાન અને દુકાનની પછીતે તેમનું રહેણાકનું મથક. મોહનલાલકાકા અને રળિયાત માસીની એક દીકરી પ્રભા વનિતા જેવડી. બન્ને વચ્ચે સખીપણું ય ખરું. બન્ને વચ્ચે બોલચાલ થઈ હશે, ચડસાચડસીમાં વનિતાએ પ્રભાને કહ્યું હોય : તારાં મા ને બાપ ડાકણ ! થઈ રહ્યું. થોડીક વારે રળિયાત માસી ને મોહનલાલકાકા હસતાં હસતાં ઘેર આવ્યાં. સોટકે બાપુજી અરુશામાં હોઈ ઘેર હતા. અને મારી બાનો લાલનપાલન માટેનો વારો હતો તે ય ઘેર. બા તો મોહનલાલકાકાની લાજ કાઢે; તેથી એ આઘાપાછાં થઈ ગયાં. કાકા બાપુજીને કહે, ભગવાનજી, કાઢ તારાં આ બારકસોને, અમે ખાવા આવ્યાં છીએ ! … હોય ? હું ને વનિતા ગભરાયેલાં અને તેથી અવાજ સાંભળીને ખાટલાની નીચે સંતાઈ ગયેલાં ! કાકા અને માસીએ થોડીઘણી વડીલો જોડે હસીમજાકની વાતો કરી. ને તે બન્ને વિદાય થયાં પછી અમારો છૂટકારો થયો ! બાબાપુજીનો ગુસ્સો સહ્યો અને શિક્ષા પણ એ નફામાં !

નરેન્દ્રે એક વાર અડપલું કર્યું, નોકર માટેની ઓરડીમાં રૂનું પૂમડું બાળવા આગ ચાંપી. આગની ઝાળ વધી અને ઘર માંહેનાં વડેરાંઓને દોડધામ કરવી પડી. આગને કાબૂમાં લેવાઈ. વનિતા ને હું નરેન્દ્ર જોડે બટેટા શેકવાનાં આ કામમાં સામેલ હતાં, પરંતુ નરેન્દ્ર છટકી ગયો. અમે બન્ને ગુનેગાર પુરવાર થયાં ! અમને સજા ફટકારાઈ – રાતનું ભાણું નહીં અને રાતે બહારની ઓસરીમાં જ રાતવાસો કરવાનો આદેશ. અમને સાદડીઓ અને તકિયા અપાયાં. ઓઢવાને માત્ર ચાદર. ઠંડી કહે મારું કામ. નોકર અમને ગૂણી ઓઢાડી ગયો ને જરીક હળવાશ થઈ. સૂતાં પહેલાં બટેટા ને ડુંગળી શેકીને ખવડાવી પણ ગયેલો. આવી આ શિક્ષાનાં ભોગી હું ને વનિતા કંઈકેટલી ય વાર થયાં હોઈશું.

એ વખતે ઘણું કરીને ભૂરો નામે મ્બુલુથી આવેલો નોકર હતો. ભારે સમજદાર ને હમદર્દ મનેખ. લાંબો સમય અહીં અમારી જોડે રહી ગયેલો ભૂરો અમારી બહુ કાળજીસંભાળ રાખતો.

વિમળાબહેન, રમાબહેન અને વનિતા રસોઈકામમાં સહાયક રહેતાં. વિમળાબહેનની પેઠે વનિતા પણ શિસ્તની ભારે આગ્રહી. થાળીમાં જે કંઈ પીરસાયું હોય એ પૂરું કરવાનું. એઠું લગીર મૂકવાનું નહીં. આવું કરવા જતાં, વધ્યું શાક વસંતને માથે ભૂંસાયાંનું ય સાંભરી આવે છે ! તે ટાંકણે તો ચોતરફ સોપો જ પડી ગયેલો, પરંતુ એઠું મૂકવાની આ આદતે અમારા એ પરિવારજનોમાંથી રજા લીધી હોય તેવું અનુભવું છું.

અરુશાના દિવસોમાં ભણતર મુખ્ય હોઈ, રજાના દિવસોમાં સૌ કોઈ પોતાનાં માવતર કને પહોંચતું. વનિતા મ્બુલુ જતી, નવીન, રમાબહેન, ઉમેશભાઈ જોડે. વસંત, હંસા જોડે હું પણ મ્ટો-વા-મ્બુ ભણી બાબાપુજી સાથે એ રજાનો વખત ગાળવાને સારુ નીકળી પડતો. નરેન્દ્ર, વિમળાબહેન ને જયંતીભાઈ કાં અરુશા હોય કાં મ્ટો-વા-મ્બુમાં અમારી જોડે. બાપુજી અને મોટા અદા સાથે મળીને મ્ટો-વા-મ્બુની દુકાન સહિયારી ચલાવતા. રહેવાનું પણ સહિયારું.

વારુ, જામ-ખંભાળિયાના એ દિવસો બાદ, હું જામ-ખંભાળિયે ભણવા રહ્યો, તેમ ઊમેશભાઈ અને નવીન પણ. બાકી સૌ પરત થયાં. પછી વનિતા નાના અદાને સહાયક થવાં દુકાનમાં આવતીજતી અને તેમાં જ પલોટાયેલી હોય.

પરિસ્થિતિવસાત્‌ 1957/58માં હું અરુશા પરત થયો, અને એ જ નિશાળમાં મારો ઉત્તરાર્ધ શરૂ થયો. ત્યાં સુધીમાં અંગ્રેજી માધ્યમ આવી ગયું હતું. 1961માં મુંબઈ ઉચ્ચ અભ્યાસ સારુ જવાનું થયું. રજાઓમાં સેવક ધુણિયે ને જામનગર મોસાળે સમય વિતાવતો. એમાં વનિતાનું લગ્ન લેવાયું અને 27 મે 1964ના દિવસે જામ-ખંભાળિયે જ લગ્ન લેવાયાં. ભાઈ તરીકે હું જ હાજર અને લગ્ન બાબતે સામાજિક રીતરિવાજો અનુસારનાં વિધિવિધાનો વેળા, સદ્દનસીબે, જવતલ હોમવામાં ય હું જ હાજર.

પછી તો વનિતાને મળવાનું ઓછું થતું રહ્યું. તે સાસરે, પહેલા દારેસલ્લામ, પછી અરુશા, એ પછી નાઇરોબી અને પરત અરુશા. છેલ્લા દશકા વેળાનો લંડનવાસ અને અરુશાનો આવરોજાવરો. જ્યારે-જ્યારે મળવાનું થાય ત્યારે તે હેતે ઊભરાતી રહેતી, અને જૂના દિવસોને અમે સંભારી ય લેતાં.

વનિતાની સેવા જાહેર જીવન ક્ષેત્રે ય પાંગરીને વિસ્તરી જાણી હતી. અરુશાવાસ દરમિયાન ત્યાંના હિન્દુ યુનિયનનના મકાનમાં લાઇબ્રેરી ચાલે. તેમાં સહાયક બને. વળી જોડેના લક્ષ્મીનારાયણ મંદિરમાં જેમ સમય આપે તેમ યુનિયનની મહિલા પાંખમાં પણ પૂરેવચ્ચ સક્રિય. નવરાત્રી ટાણે તો પૂછવાનું જ ન હોય, તે જ અગ્રેસર. ગામમાં ફરી વળે. સંબંધો જાળવે. હૂંફટેકો કર્યા જ કરે. આવું લંડનનિવાસમાં પણ તેણે કરેલું કામ બોલે છે. ઇલફર્ડ લાઇબ્રેરીમાં જવાનું રાખે. ખૂબ વાંચે. ત્યાંની પ્રવૃત્તિઓમાં સામેલ જ નહીં પણ સક્રિય બનતી. ત્યાં ગુજરાતી રીડિંગ ગ્રૂપ ચાલતું. એમાં પણ અગ્રેસર રહેતી. આમ તેની સાખ મજબૂતાઈએ જામી. વિદાય વેળાએ, આથી તો, કંઈ કેટલી આંખોને ભીની થતી જોઈ હતી.

ચાર પેઢી : મહેક – માલા – જીબા – વનિતા

હવે તો એ સઘળું વિરામ્યું જાણવું, કેમ કે વનિતાએ હજુ હમણાં જ 17 ઍપ્રિલે મોટા ગામતરે જવાની વાટ લીધી છે. … અને ખુદને મર્યાદાની પાળમાં સંઘરી ન શકવાને લીધે, કોઈક અજ્ઞાત કવિની એક અજાણી કવિતાનું ચરણ ટાંકતાં ટાંકતાં કહી તો લઉં : વનિતા, ‘બે પળ એક અણસાર બની આવજે.’        

ચાલ, બહેન, આવજે અને હું પણ … … સ્વામી આનંદે ક્યાંક લખ્યું તેમાંનું કેટલુંક ઉછીનું લઈને ય તને જણાવું : આગલે પડાવેથી ગાડી છૂટી છે; ને સ્ટેશન પરે પ્લૅટફૉર્મ પર કમબખ્ત હું ય રાહ જોતો બેસી રહ્યો છું.

… તો, વનિતા, ચોક્કસ મળીએ છીએ.

પાનબીડું :

મારે ઘેર આવજે, બેની !
નાની તારી ગૂંથવા વેણી.
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને
              સળગે કાળ દુકાળ;
ફૂલ વિના, મારી બેનડી ! તારા
             શોભતા નો’તા વાળ. – મારે.


બાગબગીચાના રોપ નથી, બેની,
            ઊગતા મારે ઘેર;
મોગરા ડોલર જાઈ ચંબેલીની
            મારે માથે મ્હેર – મારે.


રૂપ સુગંધી હું કાંઇ નો જાણું !
            ડુંગરાનો ગોવાળ;
આવળ બાવળ આકડા કેરી
            કાંટ્યમાં આથડનાર – મારે.


ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં
            રાતડાં ગુલેનાર;
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી
           બેન સાટુ વીણનાર – મારે.


પ્હાડ તણે પેટાળ ઊગેલાં
          લાલ કરેણીનાં ઝાડ;
કેશૂડલાં કેરી વાંકડી કળીઓ
         વીણીશ છેલ્લી ડાળ – મારે.


ખેતર વચ્ચે ખોઇ વાળીને
        ફૂલ ઝીણાં ખોળીશ;
વાગશે કાંટા, દુ:ખશે પાની,
       તોય જરીકે ન બ્હીશ. – મારે.


સાંજ વેળા મારી ગાવડી ઘોળી
      આવીશ દોટાદોટ;
ગોંદરે ઊભીને વાટ જોતી બેની
      માંડશે ઝૂંટાઝૂંટ – મારે.


મોઢડાં નો મચકોડજે, બાપુ !
     જોઇ જંગલનાં ફૂલ;
મોરલીવાળાને માથડે એ તો
     ઓપતાં’તાં અણમૂલ – મારે.


શિવ ભોળા, ભોળાં પારવતી એને
     ભાવતાં દિવસ-રાત;
તુંય ભોળી, મારી દેવડી ! તુંને
     શોભશે સુંદર ભાત. – મારે.


ભાઇભાભી બેય ભેળાં બેસીને
    ગૂંથશું તારે ચૂલ;
થોડી ઘડી પે’રી રાખજે વીરનાં
    વીણેલ વેણી-ફૂલ !
મારે ઘેર આવજે, બેની,
લાંબી તારી ગૂંથવા વેણી !

                                       – ઝવેરચંદ મેઘાણી

[કિલ્લોલ – સોના-નાવડી ; પૃ. 248]

[2,426]

E.mail : vipoolkalyani.opinion@btinternet.com

હેરૉ, 23-30 ઍપ્રિલ 2022

પ્રગટ : “નવનીત – સમર્પણ”, જૂન 2022; પૃ. 75-82

Loading

ડૉ. આંબેડકર વિશેની બે અગત્યની ચરિત્રાત્મક ગુજરાતી પુસ્તિકાઓ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|31 May 2022

દલિત વિષય પરના જાણીતા અભ્યાસી અને સમાજ-વિશ્લેષક ચંદુ મહેરિયાની  ડૉ. બાબાસાહેબ આંબેડકર પરની ખૂબ મહત્ત્વની જીવનચરિત્રાત્મક પુસ્તિકાની નવી આવૃત્તિ સાર્થક પ્રકાશને આંબેડકર જયંતીએ બહાર પાડી છે.

તેમાં બાબાસાહેબ પરની તમામ મહત્ત્વની વિગતો મળે છે અને સાથે મીતાક્ષરે તેમની મહત્તા પણ બરાબર ઉપસે છે. પુસ્તિકાના સરસ રંગમેળ ધરાવતાં મુખપૃષ્ઠ પર યુવાન આંબેડકરની તીક્ષ્ણ નજર અને તેમનું તેજસ્વી વ્યક્તિત્વ બતાવતી, જવલ્લે જ જોવા મળતી તસવીર છે. બીજા પૂંઠા પર આંબેડકરનું એક હૃદયસ્પર્શી અવતરણ અને છેલ્લા પૂંઠા પર પણ એક સરસ અવતરણ સાથેનો સ્કેચ છે.

મુંબઈના પ્રતિષ્ઠિત ‘પરિચય ટ્રસ્ટ’ની સુપ્રસિદ્ધ પરિચય પુસ્તિકા શ્રેણીમાં 1991માં પહેલી વાર પ્રસિદ્ધ થયાં બાદ આ પુસ્તિકાની સતત માંગ રહી છે. તે અંગે લેખક ‘ત્રણ દાયકે …' મથાળા હેઠળની શરૂઆતની નોંધમાં લખે છે : ‘પુસ્તિકાની પહેલી આવૃત્તિને 31 વર્ષ વીતી ચૂક્યાં છે. દરમિયાન તેની અનેક આવૃત્તિઓ અને હજારો નકલો છપાતી રહી છે. તેને મળેલા પ્રચંડ આવકાર બદલ સૌ વાચકો અને મોટી સંખ્યામાં નકલો છપાવીને તેનું વિતરણ કરનાર સૌનો આભારી છું.’

આ પુસ્તિકા સરળ ભાષામાં આપવામાં આવેલી પાયાની માહિતી માટે છે, આંબેડકર વિશેના મંતવ્યો કે વિવાદોના વિવરણ માટે નથી. ત્રીસ જ પાનાંની આ પુસ્તિકા જ્ઞાનકોશનાં અધિકરણની જેમ સીધી રેખામાં, વિશેષણોનાં ઓછા ઉપયોગથી, રજૂઆતની એક ચોક્કસ શિસ્તથી લખાયેલી છે. અંગ્રેજી  અ‍ૅકેડેમિક પરિભાષામાં જેને monograph કહેવામાં આવે છે તેનો સારો દાખલો અહીં મળે છે. જો કે, લેખક પાસેથી એકાદ-બે પાનાંમાં ચૂંટેલાં પુસ્તકોની વાચનસૂચિની અપેક્ષા રહે છે.

આવી અપેક્ષા એટલા માટે પણ રહે છે કે ચંદુભાઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મોટા અભ્યાસીઓમાંના એક છે. તેમના નોંધ પાત્ર પુસ્તકસંગ્રહમાં બાબાસાહેબ પરનાં અભ્યાસ અને સંશોધનગ્રંથો ઉપરાંત તેમનાં મૌલિક ગુજરાતી, અનુવાદિત ગુજરાતી, અનુવાદિત હિંદી અને અંગ્રેજી ભાષાનાં ઘણાં ચરિત્રો છે.

ચંદુભાઈએ ડૉ. આંબેડકરનાં જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે 'નયા માર્ગ' પખવાડિકે પ્રસિદ્ધ કરેલાં 'સંઘર્ષના સેનાની, સમતાના સૂર્ય' વિશેષાંકનું સંપાદન કર્યું છે. આ અંકમાં બાબાસાહેબ વિશે કેટલીક દુર્લભ માહિતી મળે છે. જેમ કે, બાબાસાહેબના જીવન પરની સંભવત: પહેલી પુસ્તિકા પર તેમણે લેખ કર્યો છે. યુ.એમ. સોલંકી નામની વ્યક્તિએ લખેલી આ સાઠ પાનાંની આ પુસ્તિકા 1940માં અમદાવાદના દરિયાપુર વિસ્તારના મહાગુજરાત દલિત નવયુવક મંડળે બહાર પાડી છે.

ઉચ્ચ શિક્ષણના 'અભિદૃષ્ટિ', માસિકના આંબેડકર વિશેષાંકના પણ ચંદુભાઈ અતિથિ સંપાદક હતા. ‘દલિત અધિકાર’ માસિકના, આંબેડકરના ગ્રંથો વિશેના અંકનું પણ તેમણે સંપાદન કર્યું હતું. 'દિશા' અને 'ગ્રામગર્જના' વિચારપત્રોના આંબેડકર વિશેષાંકોમાં આ પુસ્તિકા આખી સમાવાઈ  ચૂકી છે.

આંબેડકર સવાસો નિમિત્તે 2015માં ચંદુભાઈએ સંપાદિત કરેલું દળદર પુસ્તક 'સમતાના સેનાની ડૉ. આંબેડકર' સંસ્કાર સાહિત્ય મંદિરે (ગૂર્જર પ્રકાશન) પ્રસિદ્ધ કર્યું છે. 370 પાનાંના આ સંચયમાં ચાળીસ લેખકોમાંથી દરેકે એક અલગ વિષય પરા લખ્યું. એક જીવનચરિત્રાત્મક લેખ સિવાય બાકીના લેખો વૈચારિક છે, અને પુનરાવર્તન નહીંવત છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિષયની આવી બહોળી સજ્જતા ધરાવનાર લેખકને માટે તેમના વિશે ટૂંકમાં લખવું પડકાર બને, જે ચંદુભાઈએ સારી રીતે ઝીલ્યો છે. જો કે ભવિષ્યમાં ચંદુભાઈ બાબાસાહેબ પર ઓછામાં ઓછું એક ચરિત્રાત્મક પુસ્તક લખવા ઇચ્છે છે કે જેમાં બાબાસાહેબના જીવનની ઓછી  જાણીતી પણ વૈચારિક મહત્તા ધરાવતી માહિતી  સામેલ હોય.

આ સૂચિત પુસ્તક  મોનોગ્રાફ અને  ધનંજય કીરે  લખેલા  વિસ્તૃત  ચરિત્રની  વચ્ચેનાં  સ્થાનનું હોય એવી તેમની પરિકલ્પના છે. કીરે મરાઠીમાં લખેલાં ચરિત્રનો ગુજરાતી અનુવાદ મૂળજીભાઈ ખુમાણ અને દેવેન્દ્ર  કર્ણિકે કર્યો છે જે, નવભારત પ્રકાશને બહાર પાડ્યો છે. 

વળી, ચંદુલાલ ભગુભાઈ દલાલે બનાવેલી ગાંધીજીની દિનવારીની જેમ ડૉ. આંબેડકરની દિનવારીનો પ્રકલ્પ પણ અભ્યાસીઓ હાથ પર લે, તેવો પણ તેમનો એક પ્રસ્તાવ છે.

*****

ડૉ. બાબાસાહેબની પરિચય પુસ્તિકાની સાથે સાર્થક પ્રકાશને ‘દિલના દરવાજે દસ્તક’ નામે   બીજી એક પુસ્તિકાની પણ નવી આવૃત્તિ બહાર પાડી છે. તેમાં બાબાસાહેબનાં આત્મકથનાત્મક લખાણો સરળ-સચોટ ગુજરાતીમાં રજૂ કરવામાં આવ્યાં છે.

બાબાસાહેબે પોતે આત્મકથા લખી નથી, પણ તેમનાં કેટલાંક સ્વકથનો તેમનાં વ્યાખ્યાનો-લખાણોમાંથી મળે આવે છે. આવા લખાણોને અનુવાદિત-સંપાદિત કરીને ચંદુ મહેરિયા અને ઉર્વીશ કોઠારીએ ‘દિલના દરવાજે દસ્તક’ પુસ્તિકામાં એક સાથે મૂક્યાં છે. આ પુસ્તિકા 2010માં દલિત અધિકાર પ્રકાશનના ઉપક્રમે પહેલી વાર બહાર પડી હતી અને પછી તેની કેટલીક આવૃત્તિઓ પણ થઈ હતી.

બોંતેર પાનાંની આ પુસ્તિકામાં હિંદી લખાણોનો અનુવાદ ચંદુભાઈએ અને અંગ્રેજી લખાણોનો અનુવાદ ઉર્વીશભાઈએ કર્યો છે.

તેમાં બાબા સાહેબને બાળપણથી લઈને જીવનના અનેક તબક્કે આભડછેટના જે અનુભવો થયા તેની આપવીતી છે. બાળપણના કેટલાક કિસ્સા છે. લેખકે તેમના પિતાજીનું શબ્દચિત્ર પણ આપ્યું છે. તેમની વિદ્યાયાત્રા તેમ જ પુસ્તકરુચિ વિશે વાંચવા છે. પોતાના ત્રણ ગુરુઓ બુદ્ધ, કબીર અને જોતીરાવ ફુલે; તેમ જ ‘ત્રણ દેવો’ વિદ્યા, વિનય અને શીલ વિશે પણ બાબાસાહેબે લખ્યું છે.

વિનય વિશે તેમણે લખ્યું છે : ‘મારું બીજું બળ છે વિનય. મેં જિંદગીમાં કદી કોઈની પાસે દયાની અપેક્ષા રાખી નથી. મારું લક્ષ્ય એટલું જ કે મને બે ટંકનું ભોજન મળે અને આપણા સમાજની સેવા કરું … ખોલીમાં મેં કણકી અને રોટલા પર દહાડા ટૂંકા કર્યા છે, પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી જોયું નથી.’

વિદ્યા વિશે તેમણે લખ્યું છે : ‘અસલમાં વિદ્યા અત્યંત વ્યાપક છે. વિદ્યા પ્રત્યે મારા મનમાં અજબ લગની છે. કોઈ બ્રાહ્મણ પાસે નહીં હોય એટલાં પુસ્તકો મારી પાસે દિલ્હીમાં છે. લગભગ વીસેક હજાર પુસ્તકો હશે. કોઈ બ્રાહ્મણ પાસે હશે આટલાં પુસ્તકો ? હું દિવસ-રાત વિદ્યાની સાધના કરું છું.’

'દિલના દરવાજે દસ્તક' પુસ્તિકા ગુજરાતીમાં ડૉ. આંબેડકર પર થયેલાં પ્રકાશનોમાં વિશિષ્ટ છે.

*****

• ચંદુ મહેરિયાએ લખેલી પુસ્તિકાની કિંમત રૂ.45/-, અને ‘દિલના દરવાજે દસ્તક’ પુસ્તિકાની કિંમત રૂ.85/- છે. ઘણી નકલોની એકસામટી ખરીદી ખાસ ડિસકાઉન્ટ છે. 

• પુસ્તક મેળવવા માટે સંપર્ક સૂત્ર :ઇ-મેઇલ : : spguj2013@gmail.com, ફોન : કાર્તિક  શાહ : 98252 90796. 

આ પુસ્તકની છૂટક નકલ તેમ જ ‘સાર્થક જલસો’નો નવો અંક ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં આવેલા પુસ્તક ભંડાર  ‘ગ્રંથવિહાર’માં પણ ઉપલબ્ધ છે. ફોન  079-26587949

30 મે 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,5071,5081,5091,510...1,5201,5301,540...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved