Opinion Magazine
Number of visits: 9458996
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બજેટ અને વાસ્તવિકતા

રમેશ બી. શાહ|Opinion - Opinion|15 February 2022

બજેટનો એક ઉદ્દેશ અર્થતંત્રમાં જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો એનો ઉકેલ શોધવાનો હોય છે. આ દૃષ્ટિએ એ જોઈએ તો આગામી વર્ષ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર વાસ્તવિક્તાથી વિમુખ રહીને તૈયાર કરવામાં આવ્યું છે. નોટબંધીથી શરૂ કરીને જેને અર્થતંત્રનું બિનસંગઠિત ક્ષેત્ર કહેવામાં આવે છે અથવા જેને અર્થતંત્રનું અનૌપચારિક ક્ષેત્ર કહેવામાં આવે છે તે સંકોચાતું જાય છે. અર્થતંત્રના આ વિભાગમાં લગભગ ૮૫ ટકા લોકોને રોજગારી મળે છે. આનો અર્થ એવો થાય કે લોકોને મળતી રોજગારી ઘટતી રહી છે. એમાં જી.એસ.ટી.ના અમલથી વધારો થયો છે. કોવિડની મહામારી દરમિયાન એક વધુ ફટકો લાગ્યો છે. આમ અર્થતંત્રના બિનસંગઠિત વિભાગમાં રોજગારી ઘટી રહી છે. અને પરિણામે લોકોની ગરીબીમાં વધારો થયો છે. આ ગરીબો અને બેકારોને એમનાં નસીબ ઉપર છોડવાાં આવ્યાં છે. બજેટમાં એના માટે કોઈ પગલાં સૂચવાયાં નથી.

અર્થતંત્રની બીજી સમસ્યા બેકારીની છે. જે યુવાનો અર્થતંત્રમાં રોજગારી શોધવા માટે આવે છે એમને રોજગારી પૂરી પાડી શકાતી નથી. એને પરિણામે અર્થતંત્રમાં છેલ્લાં ચાર કે પાંચ વર્ષોમાં બેકારીનું પ્રમાણ બેવડું થઈ ગયું છે અને બેકારી ઝડપથી વધી રહી છે. ત્યારે બજેટમાં આગામી પાંચ વર્ષોમાં કેટલાંક ક્ષેત્રોમાં રોજગારીમાં ૬૦ લાખનો વધારો થશે એ વાત ભારપૂર્વક કહેવામાં આવી છે. પણ દર વર્ષે જે ૯૦ લાખથી વધારે યુવાનો રોજગારી શોધવા માટે આવે છે એમના માટે રોજગારીનો કોઈ પ્રબંધ કરવામાં આવ્યો નથી. રોજગારીના અભાવમાં કેટલાક લોકો નિરાશ થઈને રોજગારી શોધવાનું જ માંડી વાળે છે. અર્થશાસ્ત્રની ભાષામાં એ લોકો શ્રમના બજારમાંથી બહાર નીકળી જાય છે એને પરિણામે ભારતમાં શ્રમનો સામેલગીરીનો દર બીજા વિકાસશીલ દેશોની તુલનામાં ઓછો છે. આને પરિણામે આપણે આપણી શ્રમશક્તિનો ઉપયોગ કરીને ગરીબીમાંથી બહાર આવી શકતાં નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડની વાતો માત્ર વાતો જ રહી છે.

અર્થતંત્રમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યું છે. એવા કેટલાક નિર્દેશો મળ્યા છે ભારતમાં સરકારની કરવેરાની આવકમાં બજેટમાં મૂકવામાં આવેલા અંદાજની તુલનામાં ઘણી વધારે આવક થઈ છે. પણ એના પરિણામે રાજકોષીય ખાધમાં જોઈએ એટલો ઘટાડો થઈ શક્યો નથી. વિશ્વમાં ફુગાવાનું દબાણ સર્જાઈ રહ્યાંના નિર્દેશો સાંપડે છે. એને પરિણામે વ્યાજના દરમાં ઘટાડો કરીને મૂડી રોકાણને ઉત્તેજન આપી શકાશે નહીં. એ માટે રાજકોષીય ખાદ્યનું પ્રમાણ ઘટાડવું જ પડશે.

બધો મદાર બજેટમાં સરકાર દ્વારા પાયાની સવલતો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પાછળ મૂડી રોકાણમાં વધારો કરવામાં આવ્યો છે, એના ઉપર રાખવામાં આવ્યો છે. એ પાયાની સવલતોમાં આગલા વર્ષમાં કરવામાં આવેલા મૂડીરોકાણમાં ૫૦ ટકાનો વધારો સૂચવાયો છે. એની સાથે ‘મનરેગા’ જેવી કલ્યાણ યોજનાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એના પરિણામે વધનાર મૂડીરોકાણથી આવક અને રોજગારીમાં કેટલો વધારો થશે તે અનિશ્ચિત બાબત છે. પાયાની સવલતો જેવી કે રસ્તાઓ, બંદરો, વીજળી એ બધાં પાછળ થનાર મૂડીરોકાણ સમય જતાં ફળદાયી નીવડતું હોય છે. તેથી એ મૂડીરોકાણને પરિણામે તાત્કાલિક જે રોજગારી સર્જાય એની અસર અર્થતંત્ર પર પડે છે.

દરમિયાન, દેશનું શેરબજાર ઘણા સમયથી તેજીની અવસ્થામાં છે. પણ એ અર્થતંત્રની પારાશીશી નથી. એ માત્ર દેશનાં કોર્પોરેટ વિભાગની પારાશીશી છે. ઘણા અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રમાં એના સંદર્ભમાં જે રીકવરી ચાલી રહી છે. તેને અંગ્રેજી K આકાર જેવી વર્ણવી છે. એનો અર્થ એ કે કેટલાંક ક્ષેત્રોમાં તેજીની સ્થિતિ પ્રવર્તતે છે. પણ અન્ય ક્ષેત્રોમાં મંદીની સ્થિતિ પ્રવર્તે છે. દેશના અર્થતંત્રના અસંગઠિત વિભાગમાં હજી રીકવરી નથી આવી એનો આ નિર્દેશ છે.

ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધારે અસમાનતા ધરાવે છે. તે હકીકત તાજેતરમાં બહાર પાડેલા અસમાનતાના રિપોર્ટમાં પ્રગટ થઈ છે. ભારતનું અર્થતંત્ર તીવ્ર અસમાનતા ધરાવે છે. તેની સાથે એ એક ગરીબ અર્થતંત્ર છે એ પણ હકીકત નોંધવામાં આવી છે. આવા અર્થતંત્રમાં સમાનતાની દિશામાં કોઈ પગલાં ભરવામાં ના આવે એ ગરીબોની કમનીસીબી છે. ભારતનું અર્થતંત્ર આજે સમાજના ઉપલા વર્ગો માટે કામ કરી રહ્યું છે. આને સર્વસમાવેશી બનાવવા માટે અનેક ઉપાયો કરવા પડે એને બદલે વાતોથી સંતોષ માનવામાં આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 02

Loading

સંસદમાં જુઠ્ઠાણાંના વરસાદની મોજ લેતા મોદીજી

ભરત મહેતા|Opinion - Opinion|15 February 2022

છેલ્લાં કેટલાંક વખતથી મોદીજીએ એક નવી શૈલી કે સંસ્કૃતિ વિકસાવી છે. જૂઠું બોલો, જોરથી બોલો. એમની આ શૈલી એમના ભાષણેભાષણે ભયજનક રીતે વધી રહેલી માનસિક બીમારી થઈ ચૂકી છે. રાજનેતાઓ માટે પ્રજા પપ્પુ કે ફેંકુ જેવાં નામ પાડી દે છે એ એક અર્થમાં આજનું લોકસાહિત્ય છે. આ વખતે સંસદમાં અદાણી-અંબાણી જેવાં કોર્પોરેટની વધી રહેલી સંપત્તિ, મોંઘવારી અને ચીન-પાકિસ્તાનની વધી રહેલી દોસ્તી વિશે રાહુલ ગાંધીએ પ્રશ્નો પૂછ્યા તો એ પ્રશ્નોને ચાતરીને કોરોના પર ઊતરી આવ્યા! કોરોના માટે વિપક્ષ જ જવાબદાર છે, એમણે ભારતને બદનામ કર્યું છે–ની રાડારોળ કરવા માંડ્યા.

કોરોના વિષયક એક પછી એક જુઠ્ઠાણાંનો વરસાદ વરસાવી, એક કલાક અને વીસ મિનિટ સુધી આનંદ લીધો! એમણે કહ્યું કે લૉકડાઉન WHOની સૂચનાથી કરાયું હતું. WHOએ રદિયો આપ્યો કે એમણે આવી કોઈ સૂચના આપી ન હતી. માત્ર ચાર કલાકની અવધિમાં. એકાએક લૉકડાઉન લાગુ કરાયું હતું જેણે લાખો મજૂરોની પરિસ્થિતિ કફોડી બનાવી. મોદીજીના ભાષણ વખતે હવે હવે 'નિકાહ’નું ગીત યાદ આવે કે આ હવે છેલ્લાં સિતમ હશે, પરંતુ એના પછીનું વ્યાખ્યાન અગાઉની ઊંચાઇને પણ આંટી દે. એમના વ્યાખ્યાનનું જુઠ્ઠાણું, વ્યાખ્યાનનાં વિરોધી વિધાનોથી જ પકડાઈ જાય છે. એક તરફ એમણે કહ્યું તમારી (કાઁગ્રેસ) પાસે જનાધાર નથી, કેવળ ૪૪ સાંસદો છે. બીજી તરફ કહ્યું કે કાઁગ્રેસે મુંબઈના ૪ કરોડ યુ.પી.-બિહારના મજૂરોને ગામડે ધકેલી દઈને ભારતભરમાં કોરોના ફેલાવ્યો! થોડીક શરમ કરો વડા પ્રધાનજી. લૉકડાઉન જાહેર કરી સત્તા તો કુંભકર્ણની નિંદ્રામાં ચાલી ગઈ હતી. ટ્રમ્પના દરબારમાં મુજરો કરતી હતી; કુંભના મેળામાં સરકાર સ્નાન કરતી હતી!

તમે બીજું જુઠ્ઠાણું કોરોનાની રસી સંદર્ભે ફેલાવો છો. આટલા કરોડને મફત રસી આપી! અરે સાહેબ, તમે તો લેખિતમાં કહ્યું હતું કે મફત રસી નહીં આપી શકાય. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કર્યા પછી તમે મફત રસી આપી છે. આ ગાળામાં તમે હાઈ કોર્ટે અને સુપ્રીમ કોર્ટે કેટલીવાર ઠપકા આપ્યા એ યાદ કરો. શું આ ન્યાયાલયો ભારતને બદનામ કરે છે? કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે કંપની વચ્ચે રસી બિચારી કેટલી ફસાઈ હતી એ યાદ કરો? તમે કોરોનાની એક પણ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લીધી? આ જ તમારી સંવેદનહીનતાનો જીવતો-જાગતો પુરાવો છે.

માત્ર ચાર કલાકમાં થોપાયેલું લૉકડાઉન આ સદીનું સૌથી મોટું પાપ હતું. ત્યારે સોનિયા ગાંધીએ સૂચન કરેલું કે ૨૦ હજાર કરોડનો સેન્ટ્રલ વિસ્ટાનો પ્રોજેકટ અટકાવી મજૂરોને મદદ કરો પરંતુ તમે ગણકાર્યું જ નહીં. પગપાળા મજૂરોની હિજરત અવિસ્મરણીય અને દુઃખદ છે. મુંબઈમાં વિપક્ષના કારણે ગયાં તો સુરતમાંથી કોના કારણે ગયાં? મજૂરોને વતન મોકલવાની વ્યવસ્થા પૂરી પાડનાર પર દોષનો ટોપલો ઢોળી દેવો તમને શોભતો નથી.

વળી, તમે ભાષણમાં વિષ્ણુપુરાણની જેમ યોગને અને દેશી દવાઓને ખેંચી લાવ્યા. વિપક્ષે એનો વિરોધ કર્યો એમ કહ્યું. મોદીજી, જે બાબા રામદેવની કોરોનિલ નીતિન ગડકરીએ લોન્ચ કરી હતી એ દવાને ભારતભરના વૈજ્ઞાનિકોએ નકારી. બાબા રામદેવે દવા પાછી ખેંચી, માફી માંગી. તથાકથિત દવાનો સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધને વિરોધ કર્યો તો આપે એમને મંત્રીપદેથી રવાના કર્યાં!

ઓક્સિજન અને દવાના અભાવે લાખો લોકો મર્યા એ કોરોનાના કારણે નહીં પણ વ્યવસ્થાના અભાવે મર્યાં છે, જેના માટે સીધી જવાબદારી આપની છે. વળી, તમે આંકડાઓ છૂપાવ્યાનું ઘોર પાતક પણ કર્યું. સરકારી ચોપડે ગુજરાતમાં દસ હજાર મર્યાનું કહો છો? અને મૃતકોનું વળતર લેવાં લાખ નાગરિકોએ ફોર્મ ભર્યું છે! આ તો એક નાનું ઉદાહરણ છે. વેન્ટિલેટર ખરીદીના ભ્રષ્ટાચાર કૌભાંડનો શું જવાબ આપશો?

તમારી જુઠ્ઠાણાં સંસ્કૃતિનો પ્રભાવ કેવો પડે છે એનું એક ઉદાહરણ જુઓ. યુ.પી.ની ચૂંટણી સભામાં તમારી તર્જ પર યોગીજી પણ ગરજે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મૃત્યુ થયું નથી! કોરોના પૂર્વે જ પાંત્રીસ બાળકો ઓક્સિજન વિના ટળવળી મરી ગયાં! કોરોનામાં તો બેહિસાબ નાગરિકો. TMC સાંસદ ડેરેક બ્રાયને ગંગામાં વહી ગયેલી લાશોની વિગત માંગી હતી જેનો જવાબ જળશક્તિ મંત્રી વિશ્વેશ્વર ટૂંડુંએ આપ્યો કે અમારી પાસે શૂન્ય માહિતી છે! જ્યારે ૧૪મી મે, ૨૦૨૧ના ‘દૈનિક ભાસ્કરે’ ગંગાના ૧,૧૪૦ કિ.મી.માં સર્વે કરી બે હજારથી વધુ લાશો વહેતી મૂકાયાનો હેવાલ આપેલો છે!

તમે વારેતહેવારે વિપક્ષને ઝૂડવાના બદલે આત્મનિરીક્ષણ કરો. પ્રજાએ વિપક્ષને નહીં તમને  સૂંડલે સૂંડલે મત આપ્યાં છે. તમે ગેસના બાટલા માટે, પેટ્રોલ માટે ર્નિભયા માટે શેરીઓ ગજવતા હતા. આજે? શું જવાબ આપશો? સેંગર માટે, હાથરસ માટે, ચિન્મયાનંદ માટે, પાટણ માટે મૌન ધારણ કરી લો છો! સાત વર્ષમાં વિદેશી દેવું છગણું કરી બેઠા એ તમારી અણઆવડતનો બોલતો પુરાવો છે. તમારું રોલ મોડલ કાઁગ્રેસ છે? કે તમે એને જ યાદ કર્યા કરો છો? નહેરુ-ઇન્દિરાને છોડો. અત્યારે તમે આવ્યા ત્યારે જે કાળું નાણું સ્વિસ બેંકમાં હતું એ બમણું થયું છે એ તમે યાદ કરો. દેશ કો બીકને નહીં દુંગા, તમે હવે કેમ બોલી નથી શકતા? ડોલર-રૂપિયાની હરીફાઈ વિશે તમે કેટલું બોલતા હતા? આ બધાનો જવાબ નથી એટલે શીખોની હત્યા, હિંદુને ખતરોનું જ ગીત હવે ગાવું પડે છે. તમારી રાષ્ટ્રભક્તિ પણ ચીનની અરુણાચલની ઘૂસણખોરીમાં બહાર આવી ગઈ. ત્યાંના ભા.જ.પ.ના ધારાસભ્યો તમને માહિતી આપે છે છતાં ચૂં કે ચા નથી થઈ શકતું. પુલવામાના જવાબદારોને પકડી શકયા નથી. જે CRPF માટે તમે હવાઈવ્યવસ્થા આપી ન હતી, એ પક્ષ યુ.પી.માં ચૂંટણી માટે ૪૨ હેલિકોપ્ટર ભાડે રાખે છે!

છેલ્લી વાત :

તમે વિષ્ણુપુરાણ નિમિત્તે ભારતની સરહદોને યાદ કરી. સંસદમાં સંવિધાનને યાદ કરો. રાષ્ટ્ર-રાજ્યની વિભાવના, સમાનતાની વિભાવના તે કાળે ન હતી. તમે રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી છો, પંડિત નહીં. આમાંથી મારા જેવાને હિંદુરાષ્ટ્રની ગંધ આવે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2022; પૃ. 03

Loading

બહેનોનાં આ ન્યૂઝ પોર્ટલની ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી છે …

કિરણ કાપુરે|Opinion - Opinion|14 February 2022

ન્યૂઝ મીડિયા કોર્પોરેટ થઈ ચૂક્યું છે. તેના સ્ટુડિયો વર્લ્ડક્લાસ છે, સંસાધનોની તેમાં કમી નથી, જર્નાલિસ્ટોને લાખોના પેકેજ્ડ છે, તેનાં માલિકોમાં હવે ઉદ્યોગપતિઓ આવી ચૂક્યા છે, અને તેની બેલેન્સશીટ હવે નફાનુકસાનના ધોરણે જોવાય છે. સેવાનું આ ક્ષેત્ર માર્કેટ ઓરિયેન્ટેટ થઈ ચૂક્યું છે અને એટલે સત્તાસ્થાને બેસેલાંઓની મીડિયા નજીક આવી ચૂક્યું છે. મીડિયા સંસ્થાનની આ લાક્ષણિકતા સર્વવ્યાપી છે; જ્યાં કોઈ ગ્રામ્ય કેન્દ્રિત મીડિયા સંસ્થાન વિશે આપણે વિચારી સુધ્ધા શકતા નથી. આજના મીડિયાના ઝગમગાટમાં આ વિચાર કોને આવે? અને વિચાર આવ્યો હોય તો ય મીડિયાના આ ધોરીમાર્ગ પર પોતાની ગાડી કોઈ કેવી રીતે ચલાવે? મીડિયામાં ઠીકઠાક એન્ટ્રી કરવા માટે આજે લાખોની મૂડી જોઈએ. મીડિયાની આ બધી ધારણાઓને ધ્વસ્ત કરીને ઉત્તર પ્રદેશની કવિતા દેવી અને મીરાં જાટવે પોતાની ગ્રામ્ય બેઝ્ડ મીડિયા સંસ્થાન શરૂ કરીને ઇતિહાસ રચ્યો છે. તેમણે આ સાહસ 2002માં કર્યું અને જેમ મીડિયા માર્કેટ બેઝ્ડ થતું ગયું તેમ તેઓ પણ વધુને વધુ ઠોસ જર્નાલિઝ્મ તરફ આગળ વધતાં ગયાં. તેમના છાપાંનું નામ છે ‘ખબર લહેરિયા’ અને તે હવે તો ડિજિટલ ફોર્મમાં આવી ચૂક્યું છે. ‘ખબર લહેરિયા’ની આ પૂરી સફર પર ‘રાઇટીંગ વિધ ફાયર’ નામે ડોક્યુમેન્ટરી બની ચૂકી છે અને હાલમાં ઓસ્કાર એવોર્ડમાં તેની પસંદગી ડોક્યુમેન્ટરી ફિચર ફિલ્મ કેટેગરીમાં થઈ છે, જ્યાં તે અન્ય ચૌદ ફિલ્મ સાથે સ્પર્ધા કરશે. આ પંદર ફિલ્મમાંથી એક ફિલ્મ ઓસ્કારમાં જશે.

ઓસ્કાર મળે કે ન મળે, પહેલાં તો જે જર્નાલિઝમ ‘ખબર લહેરિયા’એ કર્યું છે તે સન્માનને પાત્ર છે. બીજું કે ઓસ્કાર સિવાય ‘રાઇટીંગ વિધ ફાયર’ આંતરરાષ્ટ્રિય કક્ષાના 28 એવોર્ડ મેળવી ચૂકી છે. ‘ખબર લહેરિયા’ની આ સફરને ફિલ્મી પડદે લાવવાનો જશ ડિરેક્ટર સુષ્મિત ઘોષ અને રીન્ટુ થોમસને જાય છે. પણ મૂળે જેમ ‘ખબર લહેરિયા’ જર્નાલિઝમમાં મજબૂત સ્ટોરીઝ પ્રકાશિત કરતાં રહ્યાં છે; તેમ તેમનાં સંઘર્ષનું કન્ટેન્ટ પણ મજબૂત હતું, જે કારણે ડોક્યુમેન્ટરી માટે એક સરસ વિષય મળ્યો છે. ‘ખબર લહેરિયા’ની વિશેષતા ગણાવવી હોય તો તેમના કામ આધારિત જ હોય, પરંતુ કામનાં મૂલ્યાંકન પહેલાં તેમની અનેક વિશેષતા સૌની સમક્ષ મૂકવા જેવી છે. મૂળે ‘ખબર લહેરિયા’ અખબાર હતું અને 2002માં તેની શરૂઆત થઈ હતી. હિંદી, બુંદેલી, અવધિ અને બજ્જીકા બોલીનું લખાણ હિંદી લિપિમાં તે પ્રકાશિત થતું. ‘ખબર લહેરિયા’ની આ પહેલને સૌ પ્રથમ નવી દિલ્હીની ‘નિરંતર’ નામની સંસ્થાએ મદદ કરી. બોલી સ્થાનિક પણ તેની છપાઈ હિંદી ભાષામાં થાય, તે રીતે આ છાપું ઉત્તર પ્રદેશ, બિહારના કેટલાંક પ્રદેશોમાં પોતાનું સ્થાન બનાવી શક્યું. ઉપરાંત ‘ખબર લહેરિયા’ની અનન્ય એ રીતે પણ બન્યું કે તેમાં કામ કરનાર બહેનો જ હોય. ઉત્તર પ્રદેશ તો ઠીક પણ હજુ ય આપણે ત્યાં ઠીકઠાક શિક્ષિત રાજ્યોમાં પણ બહેનોને જર્નાલિઝમ કરવાના પડકાર છે અને જે બહેનોએ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું તે પણ આ મુશ્કેલી વેઠે છે. ત્યારે આ બહેનો ગ્રામિણ પૃષ્ઠભૂમિ ધરાવતાં હતાં અને ઉપરાંત સમાજના વંચિત વર્ગમાંથી આવનારાં બહેનો હતાં. મહદંશે દલિત, આદિવાસી અને મુસ્લિમ બહેનો ‘ખબર લહેરિયા’નાં પત્રકારો છે. આપણું સમાજનું સ્ટ્રક્ચર એ પ્રકારનું છે કે તેમાં બહેનો કેટલાંક ક્ષેત્રોમાં પ્રવેશ લઈ જ ન શકે. સમજો કે જર્નાલિઝમમાં કોઈ બહેનને આવવું હોય તો તે પોતાના ગામડાંમાં નાનું છાપું શરૂ કરવા કરતાં શહેરમાં મોટાં મીડિયા સંસ્થાનમાં નોકરી કરવાનું વધુ પસંદ કરે. આવું થવાનું કારણ બહેનો સવાલ પૂછે તે આજે ય અસહજ લાગતી ઘટના છે, ખાસ કરીને જ્યારે તે કોઈ માર્જનલાઇઝ કોમ્યુનિટીમાંથી આવે ત્યારે તો પ્રશ્ન પૂછનાર બહેન માટે તે સામે ચાલીને મુસિબત વહોરવા જેવી વાત બને. આ બધાં પડકારોને હડસેલીને ‘ખબર લહેરિયા’ની બહેનોએ ઓલમોસ્ટ બે દાયકા સુધી જર્નાલિઝમ કર્યું અને આજના શોરબકોર મીડિયા કરતાં તે સારું છે.

2002માં શરૂ થયેલાં ‘ખબર લહેરિયા’ની 2012 આવતાં સુધીમાં ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાંક પ્રદેશોમાં તેમની છ હજાર પ્રિન્ટ કૉપી જતી હતી. તે વખતે તેની રિડરશીપનો અંદાજ વીસ હજારની આસપાસ હતો. 2013માં ‘ખબર લહેરિયા’ની વેબસાઇટ શરૂ થઈ અને આજે તેની યુટ્યૂબ ચેનલ પણ છે. ‘ખબર લહેરિયા’ની ટેગલાઈન છે : ‘રીઅલ, રુરલ, રિવ્યોલ્યૂશનરી’. ‘ખબર લહેરિયા’ ગ્રાસરૂટ સ્તરનું મહિલાઓનું ન્યૂઝ નેટવર્ક બની ચૂક્યું છે અને તેને શરૂ કરનારાં કવિતા દેવી એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાનાં સભ્ય પણ રહ્યાં છે. એડિટર્સ ગિલ્ડમાં સભ્ય બનનારાં કવિતા દેવી પ્રથમ દલિત મહિલા છે. એક બદલાવ સાથે કેટકેટલી જગ્યાએ તેની અસર પહોંચે છે તેનું ‘ખબર લહેરિયા’ આદર્શ ઉદાહરણ છે. કવિતા દેવીએ કોઈ શિક્ષણ લીધું નહોતું અને માત્ર બાર વર્ષની ઉંમરે જ તેમનું લગ્ન થઈ ચૂક્યું હતું. તેમણે અગાઉ એક અન્ય મહિલા પત્રિકાથી પોતાનું પત્રકારત્વ શરૂ કર્યું અને આજે તેઓ પત્રકારત્વની મિસાલ બની ચૂક્યાં છે. જાણીતાં ટેડ કોન્ફરન્સમાં તેઓ સ્પીકર તરીકે વક્તવ્ય આપી ચૂક્યાં છે.

‘ખબર લહેરિયા’માં કવિતા દેવી, મીરાં જાટવની આગેવાનીમાં અત્યારે ચાળીસ મહિલા પત્રકારોની ટીમ છે. ન્યૂઝ માટેનું કન્ટેન્ટ લખવાથી માંડીને ટેકનિકલ કામ સુધ્ધા અહીંયા બહેનો જ કરે છે. આમ તો મહિલા જગતનું કોઈ પણ કાર્ય કરી શકે છે, પણ માન્યતાઓ સરળતાથી તૂટતી નથી તે માટે અહીં તે લખ્યું છે. ‘ખબર લહેરિયા’ ન્યૂઝ વેબસાઈટને જર્નાલિઝમ માટે પ્રતિષ્ઠિત ચમેલી દેવી જૈન સન્માન મળી ચૂક્યું છે. યુનેસ્કોનું કિંગ સેજોન્ગ લિટરસી પ્રાઇઝ પણ તેમને મળ્યું છે. કૈફી આઝમી એકેડમી દ્વારા પણ ‘ખબર લહેરિયા’ સન્માનિત થયું છે. અને હવે તેમના નામે ફિલ્મ નિર્માણ થઈને રીલિઝ થઈ છે અને વિશ્વભરમાં ચાહના ઉપરાંત એવોર્ડ મેળવી રહી છે. જે કામ કોર્પોરેટ જગતના મોટાં મીડિયા સંસ્થાન નથી કરી શકતાં તે આ ગ્રામ્ય સ્તરની બહેનોએ દાખવ્યું છે.

સમય બદલાયો છે અને તેની સાથે ‘ખબર લહેરિયા’ પણ બદલાતું ગયું છે. આજે તેમની વેબસાઈટ પર મહિનામાં દસ લાખ લોકો વિઝિટ કરે છે. યુટ્યૂબ પર તેમનાં સાડા ચાર લાખ સબસ્ક્રાઇબર છે. તે સિવાય પણ તેમની સ્ટોરી ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ જેવાં પ્લેટફોર્મ પર શૅર થાય છે. ‘ખબર લહેરિયા’ની વેબસાઇટ પર જઈએ તો તેઓની પાસે રીડર્સ એન્ગેજ થઈ શકે તેવું ભરપૂર કન્ટેન્ટ જોઈ શકાય છે. અગત્યની બાબત તો એ છે કે તેઓ ગ્રામિણ ક્ષેત્રના ઉપયોગી ન્યૂઝને પ્રાધાન્ય આપે છે. ‘ખબર લહેરિયા’ સાથે જોડાયેલાં દીશા એ બાબતે જણાવે છે કે ન્યૂઝ કે ટેલિવિઝન પર આવતી હેડલાઇન્સ ન્યૂઝ નથી, બલકે કોઈ જિલ્લાના કેન્દ્રથી પચાસ કિલોમીટર દૂર ગામડાંમાં હેન્ડપમ્પ તૂટી જાય તે એટલાં જ અગત્યના ન્યૂઝ છે. આ રીતે લોકાનાં જીવન સાથે સંકળાયેલું સીધું જર્નાલિઝમ ‘ખબર લહેરિયા’ દ્વારા થાય છે. તેની વેબસાઈટના પાંચ મુખ્ય કેટેગરી દેખાય છે, જેની સબ-કેટેગરીમાં જોઈએ તો ખ્યાલ આવે કે ‘ખબર લહેરિયા’ દ્વારા કેટલું પાયાનું કાર્ય થઈ રહ્યું છે. તેમની એક સબ-કેટેગરી ‘વિકાસ’ છે. વિકાસનો માપદંડ આપણે શહેરમાં મેટ્રો આવી કે નહીં અને બ્રિજ કેટલાં બન્યાં તે બનાવી દીધો છે. ગ્રામિણ ક્ષેત્રોમાં ઇ-શ્રમ કાર્ડ બનાવવાથી માંડીને કોઈ ગામમાં રસ્તા તૂટ્યા, ગટરો ઉભરાઈ જેવાં મુદ્દાઓ વધુ અગત્યના છે – તે વિશે આ ન્યૂઝ પોર્ટલ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એટલું જ નહીં આ પોર્ટલ થકી જાગ્રતિનું કામ પણ થયું છે. ‘મહિલાઓ કે ખિલાફ હિંસા’ એ નેજા હેઠળ મહિલાઓ વિરુદ્ધ કેવી હિંસા થાય છે તેનું વિસ્તૃત રિપોર્ટીંગ અહીં મળે છે, અને ખાસ તો તેની અસર પણ થાય છે. અહીં એક ન્યૂઝ છે : ‘નિર્ભયા, હાથરસ, ઉન્નાવ મામલે બને બ્રાન્ડ નેમ, જાનીએ ગ્રામિણ ક્ષેત્રો મેં હુએ મામલો કી સચ્ચાઈ’. આ સિવાય અહીંયા ‘ઔરતેં કામ પર’, ‘જાસૂસ યા જર્નાલિસ્ટ’, ‘ચુનાવી બુખાર સાવધાન’, ‘રાજનીતિ, રસ, રાય’,  ‘આ ગઈ રે ચટોરી’ જેવાં વિભાગો છે.

ગ્રામિણ ક્ષેત્રે રિપોર્ટીંગની કેટકેટલી શક્યતાઓ છે તે ‘ખબર લહેરિયા’થી જાણી શકાય. અલ્ટીમેટલી, સમાજ વિવિધતાભર્યો છે અને તેનું પ્રતિબિંબ જ્યારે મીડિયામાં પડે છે ત્યારે તેનાં રંગ સર્વત્ર પ્રસરે છે. ‘ખબર લહેરિયા’ની ખ્યાતિ એટલે જ સર્વત્ર પહોંચી છે, બાકી તો આપણી સામેનું મીડિયા હવે પ્રેડિક્ટેબલ બની ચૂક્યું છે.

e.mail : kirankapure@gmail.com

Loading

...102030...1,4991,5001,5011,502...1,5101,5201,530...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved