Opinion Magazine
Number of visits: 9456262
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઑપરેશન સિંદૂરઃ  બે દેશોના સંઘર્ષની ચોપાટમાં વિશ્વ આખાના સ્વાર્થ, સતર્કતા, રાજકારણ, ડર અને તાકાતનાં પ્યાદાં

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 May 2025

પાકિસ્તાનની મિશ્ર લાગણીઓ સાથ–સાથ ફિલ્મના આ ગીતની પંક્તિનો પહેલો શબ્દ – ‘પ્યાર’ –  બદલીને જોવી જોઇએ? “યુદ્ધ મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગે? મેરે હાલત કી આંધીમેં બિખર જાઓગે …”

ચિરંતના ભટ્ટ

ઑપરેશન સિંદૂર, પાકિસ્તાન, ચીન, કાશ્મીર, અમેરિકા, ટ્રમ્પ અને યુ.એસ.એ., ટર્કી, આપણી શસ્ત્રોની તાકાત વગેરે મુદ્દાઓ પર આપણે ત્યાં આજકાલ એવી રીતે ચર્ચા થાય છે કે સિક્કો ઉછાળીને છાપ આવે છે કે કાંટો એ જોઈને લોકો કદાચ નક્કી કરતા હશે કે તમે પૂછો એ મુદ્દા પણ અમે વાણી પ્રવાહ વહેવડાવવા તૈયાર છીએ. ગણતરીના દિવસોમાં એક સાથે ઘણીબધી ઘટનાઓ ઘટી, 2022માં એક ફિલ્મ આવી હતી – એવ્રીથિંગ એવ્રીવ્હેર ઓલ એટ વન્સ – આપણે પણ લગભગ એવી જ સ્થિતિમાં હતા. એમાં પાછા સોશ્યલ મીડિયા પર છલકાતા અમૂક અધૂરા ઘડાઓ પર તો મનોરંજનને ખાતર પણ વારી જવાનું મન થાય. સંજોગોની ગંભીરતા આ બધી જ વાતો, મીમ્સ અને હું-ડાહ્યાઓના હુંકાર કરતાં કંઈ ગણી વધારે છે. જે દેખાય છે એટલું સરળ નથી, આ એક એવો કોયડો છે જેમાં ભૂલ-ભુલામણી, ટપકાં જોડો અને જિગ્ઝો પઝલ બધું એક સાથે જ કરવાનું આવ્યું છે.

સૌથી પહેલાં તો આખી કવાયત પૂરી થઇ અથવા તો એમ કહીએ કે જે વિરામની ઘડી આવી ત્યારે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે રાષ્ટ્રને સંબોધન કર્યું ત્યારે ગર્વ અને મર્યાદા બન્નેના સંતુલનને જાળવીને કરાયેલી વાત સામે આવી. તે માત્ર લશ્કરી સફળતાની વાહવાહી નહોતી પણ સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય સ્તરે દેશનું અવલોકન કરનારાઓને કાળજીપૂર્વક અપાયેલો સંદેશ હતો. ભારતે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં શું બહાદુરી બતાડી તેના મામલે કૉલર ઊંચા કરવાની ઘટના તેમના સંબોધનની અગ્રિમતા નહોતી પણ ભારત પાસે બધી જ તાકાત હોવા છતાં – ખાસ કરીને માથે પરમાણુ યુદ્ધની શક્યતા તોળાતી હોવા છતાં – ભારતે સંયમ દાખવ્યો છે પણ તેનો અર્થ એમ નથી કે ભારત હવે કોઈપણ પ્રકારના આતંકવાદી હુમલાઓ ચલાવી લેશેનો સ્પષ્ટ સંકેત તેમણે પોતાના સંબોધનમાં આપ્યો. નરેન્દ્ર મોદીના રાજકારણ સાથે જે પણ નાટ્યાત્મકતા છે તે તો ખરી જ પણ છતાં પણ જરા પણ આછકલાઈ વિના સલામતીને મામલે ભારતે હવે લોખંડી મુઠ્ઠી રાખી છે તેવું તેમણે સ્પષ્ટ કર્યું. રાજકીય વિવેચકોને મતે લોકોના દૃષ્ટિકોણ, જાહેર છબીને સાચવવાના આ પ્રયાસમાં સરકારે પાકિસ્તાન અંગેની પોતાની નીતિને મામલે વાસ્તવિકતા અને જીતને મામલે હુંકાર કરવા વચ્ચે રહેલી એક પાતળી રેખા પર સંતુલન કરવામાં સારી પેઠે મહેનત કરી છે. એ સંતુલન ખોરવાય નહીં એ પણ આપણા દેશની સુરક્ષા માટે અગત્યનું છે. 

પહલગામના આતંકી હુમલાના જવાબમાં છેડાયેલા ઑપરેશન સિંદૂરમાં રાફેલ જેટ, ડ્રોન્સ અને સેટેલાઇટ સંચાલિત શસ્ત્રોનો ઉપયોગ કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં નવ સ્થળોએ હુમલો કરાયો. ભારતે જૈશ-એ-મોહંમદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા તંત્રના જે સ્થાનકો હતા તેનો સફાયો કર્યો હોવાનો દાવો કર્યો. વિગતો પણ બહાર આવી. આ લશ્કરી ઑપરેશન પહેલાં કરાયેલી ઉરીની સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટના હવાઈ હુમલા કરતા અલગ હતું. આ ઑપરેશનમાં DRDOની એન્ટિ ડ્રોન સિસ્ટમ્સ, રિયલ ટાઈમ ટાર્ગેટિંગ માટે ભારતીય સેટેલાઇટ્સ અને આકાશ અને બ્રાહ્મોઝ મિસાઈલ્સનો ઉપયોગ કરાયો. ભારત લશ્કરી સ્તરે કેટલો સજ્જ છે તે વૈશ્વિક સ્તરે લોકોને સમજ પડી. આ ઑપરેશન સફળ ચોક્કસ હતું પણ આપણે એ સમજવું જરૂરી છે કે આપણે જે સ્થળોને આપણા ટાર્ગેટ બનાવ્યા તે વ્યૂહાત્મક કરતા સાંકેતિક વધારે હતા. ભારત જાણે કહેવા માગતો હતો કે અમે ધારીએ તો તમારી પણ આકરો હુમલો કરી જ શકીએ છીએ અને એ પણ પૂરી ચોકસાઈ સાથે. જો કે આપણે એ સમજવું રહ્યું કે આમ કરવાથી કે POKની વાસ્તવિકતા રાતોરાત બદલાઈ નથી જતી. હા, સંજોગો આઘા-પાછાં કે અસ્તવ્યસ્ત થાય પણ આમૂલ પરિવર્તન આવતાં હજી સમય લાગશે અને તે સ્વાભાવિક છે.

હવે સીઝ ફાયર  એટલે કે યુદ્ધ વિરામની વાત કરીએ તો અમુકને એમ થયું કે બધું પતાવી જ દેવાનું હતું વગેરે? જો કે પાનના ગલ્લે કે ચાની લારી પર આવી વાતો કરવાનું પોસાય. વળી, આપણા યુદ્ધ વિરામ પર દાવો કરનારા પણ ફૂટી નીકળ્યા. તેની વાત આગળ કરીએ પણ આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે પાકિસ્તાનને હુમલાની ઉગ્રતાનો અનુભવ થયો એટલે યુદ્ધ વિરામ શરૂ કર્યો અને ભારતે પણ નાગરિકોમાં તણાવ ઘટાડવા અને રાજદ્વારી સ્થિતિ સાચવવા માટે તેને સંમતિ આપી. પણ અચાનક જ યુદ્ધ વિરામ આવ્યો તેમાં પણ સવાલો થયા. શું યુદ્ધ વિરામ એક પક્ષીય હતો? કોઈ અન્યએ – બહારની વ્યક્તિ કે દેશે વચ્ચે પડીને મધ્યસ્થીનો ભાગ ભજવ્યો? આખી પરિસ્થિતિમાં ભારતનો હાથ ઉપર હતો ત્યારે જ યુદ્ધ વિરામની જાહેરાત કેમ કરાઈ? મોદી સરકારે તો કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થી હોવાની આખી વાતને નકારી કાઢી છે. યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ ટ્રમ્પે પોતે બૅક ચેનલિંગ કર્યું હોવાનો દાવો કર્યો પણ તેને આપણી સરકારે નકારી કાઢ્યો.  

ટ્રમ્પે એમ કહ્યું કે “હું એમ કહેવા નથી માગતો કે મેં કર્યું પણ મેં મદદ તો કરી જ” – લોકોએ આ વાત હસવામાં કાઢી. જો કે વ્યૂહાત્મક રીતે જોઈએ તો એવી શક્યતા છે કે યુ.એસ.એ. અને નાટો સાથે સંકળાયેલા દેશોનું દબાણ હોય. એક ધારણા એ પણ છે કે આવું થવાનું કારણ એ છે કે ભારતીય મિસાઈલોમાંની એક મિસાઈલ નાટો લોજિસ્ટિક્સ હબની નજીક ફૂટી હતી. આ માત્ર એક ધારણા છે જેની પર ઘણી બધી ચર્ચા થઈ છે પણ કોઈ નક્કર નિવેદન નથી આવ્યું, ન તો કોઈ સત્તાવાર અહેવાલે આની પુષ્ટિ કરી છે. પહેલાં ઉપ પ્રમુખ જે.ડી. વેન્સનું કહેવું કે અમારે આખી ઘટના સાથે કંઇ લેવાદેવા નથી અને પછી ટ્રમ્પનો મધ્યસ્થી થવાનો દાવો વગેરે જરા પેચીદું લાગે એમાં નાટો લોજિસ્ટિક્સ હબની ત્રિરાશી મંડાય ત્યારે કોકડું ઓર ગુંચવાય. એક સૂર એવો પણ છે કે ભારતે જ્યારે પોતાની શક્તિનો પરચો પાકિસ્તાનને – આતંકવાદને પાળનારા દેશને બતાડ્યો પણ ભારતને પોતાની આ પહેલ ‘રોકવા’નું કહેવાયું હતું. ટ્રમ્પની ભૂમિકા તેમાં હોય કે ન હોય પણ વૈશ્વિક સ્તરે કોઈ મધ્યસ્થીએ ભાગ ભજવ્યો હોવાના નેરેટિવને કારણે માત્ર દ્વિપક્ષીય સંઘર્ષનો જે પ્રભાવ હતો તેમાં આપણે થોડેઘણે અંશે ખોટમાં ગયા. આ સ્તરે વ્યૂહાત્મક નિર્ણય લેવાને મામલે ભારતની સ્વાયત્તતા અંગે ઘણાંએ ભવાં તાણ્યા અને સવાલોની શક્યતાઓ પણ ખૂલી. 

આ તરફ ચીને ચૂપચાપ બધું જોયે રાખ્યું. બેઇજિંગે બેમાંથી એક પણ પક્ષને ખુલ્લેઆમ, પૂરેપૂરો ટેકો તો ન આપ્યો પણ ચીનના લશ્કરી નિરીક્ષકોએ તરત જ એ નોંધ્યુ કે ચીનમાં બનેલી રડાર સિસ્ટમો જે પાકિસ્તાનને પૂરી પાડવામાં આવી હતી તેને ભારતે જામ કરી દીધી હતી. ચીન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષને કારણે બે હેતુ પાર પડ્યા – એક તો ચીને પોતે સંરક્ષણના જે સંસાધનોની નિકાસ કરી છે તેની કામગીરી, ટકાઉપણું અને ક્ષમતા આ સંજોગોમાં નાણી શકાયાં. બીજો હેતુ એ કે પોતે પૂર્વમાં જે ચાળા કરે છે તેની પરથી ભારતનું ધ્યાન ખસ્યું. ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં જે પણ વિશ્લેષક અહેવાલો પ્રગટ થયા હતા તે માપમાં રહીને જ લખાયા હતા પણ તેમાં આડકતરી રીતે એમ પણ કહેવાયું કે ભારત જે રીતે પશ્ચિમી ઇન્ટેલિજન્સ અને શસ્ત્રો પર આધાર રાખે છે, ભારતની પશ્ચિમી દેશો સાથેની નિકટતા તેને બાકીના એશિયાઈ દેશોથી રાજકીય અને વ્યૂહાત્મક સ્તરે અલગ પાડશે, ખાસ કરીને એ પ્રદેશોથી જેની પર બેઈજિંગનો પ્રભાવ છે. વળી ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં જો ચીનના શસ્ત્રો પાકિસ્તાની એરસ્પેસની રક્ષા કરવામાં પાછા પડે તો તેનો સીધો ફાયદો પશ્ચિમી દેશોને થાય. અહેવાલો અનુસાર ચીનની HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે પાકિસ્તાનમાં હતી તે ઑપરેશન સિંદૂર દરમિયાન ભારતના હવાઈ હુમલા રોકવામાં નિષ્ફળ ગઈ. આ નિષ્ફળતા ચાઈનીઝ ટૅક્નોલૉજીની વિશ્વસનીયતા પર સવાલ ખડા કરે છે. આની સીધી અસર થાય ચીની શસ્ત્રોની નિકાસ પર અને અન્ય દેશો જો ચીન પાસેથી શસ્ત્રોનો વ્યાપાર કરવાનું વિચારતા હોય તો તેઓ પોતાનો પ્લાન સ્વભાવિક રીતે બદલી નાખશે. આમાં ચીનનું ઇન્દ્રાસન પાછું ડોલી જાય તે સ્વાભાવિક છે. 

હવે ઘર આંગણે લોકોના પ્રતિભાવ અને નક્કર સ્પષ્ટતાની ગેરહાજરીની ચર્ચા કરવી રહી. રાષ્ટ્રવાદ છેલ્લા કેટલાક દિવસોમાં પરાકાષ્ઠા પર રહ્યો છે. ન્યૂઝ ચેનલોના નાટકીય મોન્ટાજ અને અહેવાલોથી અમૂક વર્ગને લાગ્યું કે જાણે પોતે જ સરહદ પર છે. સોશ્યલ મીડિયા પર અલગ સિંદૂર ખેલા થયો જેમાં જાણીતા-અજાણ્યા બધાં લોકો પોત પોતાની રીતે જોડાયાં. બરખા દત્ત, જે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જાણીતાં છે તેમના રિપોર્ટ્સમાં નિયંત્રણ રેખાની નજીક રહેતા લોકોને વ્યથા દેખાઈ આવી. અમુક વિશ્લેષકોએ સવાલ પણ કર્યા કે આ બધું માત્ર એક મેસેજ આપવા માટે હતું, માત્ર એક સંકેત હતો? કાશ્મીરમાં સ્થિતિ નથી બદલાઈ – આમે ય કશું રાતોરાત ન થાય પણ આ ઘટનાનો પ્રભાવ કેટલો? આતંકવાદીઓ હવે ખડા નહીં થાય? POKનો પ્રશ્ન ઉકેલાઈ ગયો? ભારતે પોતાની લશ્કરી તાકાત બતાડી દીધી પણ મળ્યું શું? આપણી તાકાત જોઇને હવે પાકિસ્તાન આપણી ક્ષમતા કળી જઈને પોતાનું જોર અને વ્યૂહરચના ચાર ગણી મજબૂત બનાવશે તો શું? પાકિસ્તાનને ખબર છે કે ભારત હવે હુમલો કરતા નહીં અચકાય તો તે ધારે તો આતંકવાદી હુમલાને અટકાવી શકે છે પણ અવરોધ ત્યારે જ કામ કરે જ્યારે તેની સાથે રાજકીય સુસંગતતા હોય. ભારતમાં ઐતિહાસિક રીતે તેનો અભાવ રહ્યો છે. વળી સવાલ એ પણ છે કે જો આપણી પર હુમલો થાય તો ભારત વધુ આકરો જવાબ આપશે? આતંકવાદીઓ તો જૈસે થે વાળા ઝોનમાં છે. કાશ્મીરમાં રાજકીય તણાવ યથાવત્ છે. વ્યૂહાત્મક રીતે તણાવ ટાળવા માટે યુદ્ધ વિરામ જરૂરી હતો પણ એમાં પાકિસ્તાનને કળ વળે અને તે ફરી બેઠો થાય તેનો સમય મળી ગયો છે.

એ ગણતરી યાદ રાખવી જરૂરી છે કે આ માત્ર બે દેશોનો સંઘર્ષ નથી. આ બહુ પેચીદું કોકડું છે. ચીન, અમેરિકા, અન્ય મુસ્લિમ દેશો, અન્ય પશ્ચિમી દેશો એ તમામ આ આખી ઘટનામાં એક યા બીજી રીતે જોડાયેલા છે. વિજય પતાકા અને મૃતકોની યાદી વચ્ચેનું રાજકારણ હંમેશાં તરત સપાટી પર નથી આવવાનું એ યાદ રાખવું જરૂરી છે. 

બાય ધી વેઃ 

ઑપરેશન સિંદૂર એ ભારતની ઇન્ટેલિજન્સ એજન્સીની ક્ષમતા અને લશ્કરી તાકાતનું નોંધપાત્ર પ્રદર્શન હતું. લશ્કરી સફળતાથી વ્યૂહાત્કમ વિજય હંમેશાં નથી મળતો. આપણે જીતીશું તો આપણી જીત કેવી દેખાશે એ આપણે વિચારવું જોઈએ. ચક્રવર્તી રાજા અશોકે કલિંગનું યુદ્ધ કર્યુ હતું જે ઇતિહાસના સૌથી મોટા અને ઘાતક યુદ્ધોમાંનું એક ગણાય છે પણ તેની તારાજી જોઈને રાજા અશોકે ભગવાન બુદ્ધનો અહિંસા અને શાંતિનો માર્ગ અપનાવ્યો હતો. POKમાં થયેલો છાવણીઓનો વિધ્વંસ વિજય હોય કે પછી કાશ્મીરની સ્થિરતા આપણા વિજયનું પરિણામ બનશે તે આપણે નક્કી કરવું રહ્યું. આ સવાલોના જવાબ નહીં મળે ત્યાં સુધી દરેક ઑપરેશન ક્ષણિક ઉત્તેજનાઓ, તાકાતનું પ્રદર્શન, ગર્વ અને પ્રસિદ્ધિમાં સમાઈ જશે પણ સંજોગો વણઉકેલાયેલા રહેશે. બીજી બાજુ પાકિસ્તાનની મિશ્ર લાગણીઓ સાથ-સાથ ફિલ્મના આ ગીતની પંક્તિનો પહેલો શબ્દ – ‘પ્યાર’ –  બદલીને જોવી જોઇએ? “યુદ્ધ મુઝસે જો કિયા તુમને તો ક્યા પાઓગે? મેરે હાલત કી આંધીમેં બિખર જાઓગે …”

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 મે 2025

Loading

પાકિસ્તાન તો ઠીક છે, અમેરિકા અને ચીનનું વલણ ચિતા ઉપજાવે એવું છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 May 2025

રમેશ ઓઝા

ઘડીભર મોદીદ્વેષ અને મોદીભક્તિને બાજુએ રાખીને ઓપરેશન સિંદૂરના સૂચિતાર્થો સમજવા જોઈએ.

ભારતમાં કે ભારત પર ત્રાસવાદી હૂમલા થયા હોય એ કોઈ નવી વાત નથી. છેલ્લાં ૩૫ વરસમાં સોથી વધુ નાનામોટા હૂમલા થયા છે, જેમાં ૧૯૯૯માં નેપાળથી દિલ્હી જતા ભારતનાં વિમાનના અપહરણની ઘટના, ૨૦૦૧માં સંસદભવન પર કરવામાં આવેલો હૂમલો અને ૨૦૦૮માં મુંબઈમાં તાજમહાલ હોટેલ અને અન્યત્ર કરવામાં આવેલા હૂમલા મુખ્ય છે. પહેલી બે ઘટના વખતે હિંદુ રાષ્ટ્રવાદી કૂળના અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા, તેમનાથી પણ વધારે આકરા હિંદુ રાષ્ટ્રવાદી લાલકૃષ્ણ આડવાણી ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા અને ૨૦૦૮ની ઘટના વખતે ભારતીય રાષ્ટ્રવાદી અને મિતભાષી ડૉ. મનમોહનસિંહ વડા પ્રધાન હતા. પાકિસ્તાન સામે લશ્કરી કારવાઈ કરવા માટે ત્યારે ઉધમપુરની ઘટના કરતાં પણ વધારે મોટું કારણ હતું, પણ તેમણે એ માર્ગ અપનાવ્યો નહોતો. આ ત્રણેય નમાલા હતા કે નિર્ણયશક્તિ ધરાવતા નહોતા એમ ન કહી શકાય. એમ કહેવું એ માત્ર તેમનું અપમાન નહીં ગણાય, ભારતીય લશ્કરનું અપમાન ગણાશે. કારણ કે ભારતીય લશ્કર પાકિસ્તાન સામે હારે એ અસંભવ છે. ભારતીય લશ્કરી તાકાત પ્રચંડ સરસાઈ ધરાવે છે, એ પાકિસ્તાન પણ જાણે છે. 

તો પછી શા માટે તેમણે અત્યાર કરતાં પણ વધારે મોટું કારણ હોવા છતાં પાકિસ્તાન સામે લશ્કરી કારવાઈ કરી નહોતી? હમણાં કહ્યું એમ ભારત પરાજીત થાય એવી તો કોઈ શક્યતા જ  નહોતી. પાકિસ્તાનને પાઠ ભણાવવો જોઈએ એવું પ્રજાનું દબાણ હતું, અપેક્ષા હતી અને વિશ્વદેશોનો ભારતને ટેકો હતો. કમ સે કમ સહાનુભૂતિ તો હતી અને ભારતના સ્વબચાવના અધિકારને સ્વીકારવામાં આવ્યો હતો. પણ ભારતના એ સમયના બન્ને ફૂળના શાસકોએ લશ્કરી કારવાઈનો માર્ગ અપનાવ્યો નહોતો. 

શા માટે?

કારણ બે હતાં અને એ બન્ને કારણો આજે પણ પ્રાસંગિક છે.

પહેલું અને સૌથી મોટું કારણ એ કે પાકિસ્તાન સામે ભારતનો પરાજય અસંભવ છે તો ૧૯૭૧ જેવો નિર્ણાયક વિજય પણ અસંભવ છે. એ દિવસો ગયા જ્યારે લડાઈ પરંપરાગત રીતે લડાતી હતી અને તેમાં લડનારાઓનો જય-પરાજય થતો હતો. વિરાટ રશિયા અને નાનકડા યુક્રેન વચ્ચેની લડાઈ આનું ઉદાહરણ છે. ત્રણ વરસ થવાં આવ્યાં અને કોઈ પરાજીત નથી થયું. અમેરિકા જેવા અમેરિકાએ ઈરાક અને અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યા. દેશભક્તિથી અને ગુસ્સાથી કાંપતા રાષ્ટ્રવાદીઓએ શૌર્ય માટે લડવા સિવાયના બીજા માર્ગો શોધવા જોઈએ. છે, આવા માર્ગ છે. મૂછો મરડવા સિવાયના અને બાવડાના ગોટલા બતાવવા સિવાયના બીજા માર્ગો પણ છે જે ચીન અપનાવી રહ્યું છે. એક જ ઉદાહરણ આપું. જે દિવસે યુદ્ધવિરામની જાહેરાત થઈ એ દિવસે હું સિક્કીમમાં નાથુ લા હતો જ્યાં ભારતથી ચીન જવાનો માર્ગ છે. બોર્ડર હજુ તો દૂર હતી ત્યાં ડ્રાઈવરે અમને ચેતવણી આપી કે હવે કોઈ નેટવર્ક મળશે નહીં અને જો ફોન કરશો કે લેશો તો આઇ.એસ.ડી.ના ચાર્જ લાગશે. હું હજુ તો બોર્ડર તરફ જતો હતો ત્યાં મને મેસેજ આવ્યો: વેલકમ ટુ ચાઈના અને પછી વાતચીત માટે ફોન એક્ટીવેટ કરવા માટે લીંક આપવામાં આવી હતી. ચીને પાવરફુલ જામર લગાડીને ભારતીય નેટવર્કને ભારતની ભૂમિમાં બ્લોક કરી દીધું હતું. આને કહેવાય નૂતન યુગની અભિનવ શક્તિ. મૂછો અને બાવડાના ગોટલા ચારણી સાહિત્યમાં શોભે, આજે હાસ્યાસ્પદ લાગે. 

સારુ, યુદ્ધ નિર્ણાયક સ્વરૂપમાં જીતી શકાય એમ ન હોય તો કાંઈ વાંધો નહીં, ભારતે મેદાનમાં તો ઉતરવું જ જોઈએ. શું આપણે સહન કરી લેવાનું અને બેસી રહેવાનું? આ સવાલ ત્યારે પણ પૂછવામાં આવતો હતો. ભારતે તેની પ્રજાનો આક્રોશ લશ્કરી કારવાઈ દ્વારા પ્રગટ કરવો જ જોઈએ.

વાત તો સાચી, પણ એ છતાં ય ભારતના ઉપર કહ્યા એ બન્ને કૂળના શાસકો ધીરજ ધરતા હતા અને એની પાછળ એક બીજું કારણ હતું. – આ જે યુગ્મવાચક ચિહ્ન છે તેને અંગ્રેજીમાં હાઈફન કહેવામાં આવે છે અને બે નામ કોઈ પણ પ્રકારના ભેદ વિના સાથે લેવામાં ત્યારે તેને હાઈફનેશન કહેવામાં આવે છે. ૧૯૪૭થી વિશ્વદેશો ભારત અને પાકિસ્તાનનો ઉલ્લેખ ભારત-પાકિસ્તાન તરીકે કરતા હતા. બન્ને નામ એક સાથે મૂકવામાં આવતા હતા કારણ કે બન્ને એક જ ભૂમિના સંતાન છે. હમણાં સુધી સાથે હતા, એક જ પ્રજા છે, એક જ ભાષા છે, પહેરવેશ છે અને એક સરખી આર્થિક સ્થિતિ છે. પણ પછી પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી આવી. લશ્કરી રાજ આવ્યું. ઇસ્લામિક મૂળભૂતવાદ આક્રમક થવા લાગ્યો અને ત્રાસવાદની ઉછેરભૂમિ બની ગયું. દુનિયાભરના ત્રાસવાદીઓ પાકિસ્તાનમાં જમા થવા લાગ્યા. પાકિસ્તાન એક નિષ્ફળ અને ગામના ઉતાર જેવો દેશ બની ગયો. હવે ભારતને એમ લાગવા માંડ્યું કે ભારતનું નામ પાકિસ્તાનની સાથે લેવામાં આવે એ બરાબર નહીં. લોકશાહી, વિવિધ પ્રજાઓનું સહઅસ્તિત્વ, કાયદાનું રાજ, સેકયુલરિઝમ, ફેડરલિઝમ, આઇ.આઇ.ટી. જેવી સંસ્થાઓએ પેદા કરેલા ભારતીય યુવકોએ દુનિયામાં મેળવેલું સ્થાન અને ભારતને આપેલી પ્રતિષ્ઠા, જગતનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર, વિકાસ વગેરે ક્યાં અને પાકિસ્તાન ક્યાં? ભારતે સંકલ્પ કર્યો કે ભારતનું નામ પાકિસ્તાન સાથે ન લેવાવું જોઈએ. 

આને માટે ભારતે પોતે અપનાવેલા માર્ગ આગળ વધવું જોઈએ અને પાકિસ્તાને અપનાવેલો માર્ગ ન અપનાવવો જોઈએ, એ બે ચીજ તો ખરી જ પણ બને ત્યાં સુધી પાકિસ્તાન સાથે ફૂલ ફ્લેજ્ડ યુદ્ધમાં પણ ન ઉતરવું એ પણ જરૂરી હતું. યુદ્ધ હંમેશાં બે દેશ વચ્ચે લડાતું હોય છે અને તેને રોકવા દુનિયા રસ લેતી થાય છે અને દુનિયા બન્ને દેશોને એક આળીએ મૂકતી હોય છે. આ સિવાય કાશ્મીરનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય બને અને દુનિયા તેનો ઉકેલ કરવા ચંચૂપાત કરે. પાછું આ યુગમાં કોઈ યુદ્ધ નિર્ણાયક સ્વરૂપમાં જીતી શકાતું નથી કે કોઈને હરાવી શકાતું નથી. 

તો પછી શું દરેક વખતે હાથ જોડીને બેસી રહેવાનું? 

ના, ગામના ઉતાર તરીકેની ઓળખ કેવી એક પીડા છે એની એને ખબર હોય જે અનુભવતા હોય. પાકિસ્તાનીઓના ચિત્કાર કરતાં પાકિસ્તાનીઓની આપઓળખની જે પીડા છે એ વધારે લોહીનિંગળતી છે, પણ મૂંગી છે. પાકિસ્તાન તરફડે છે, ભારત સાથે એક પંક્તિમાં બેસવા. ભારતની મુલાકાતે આવનારા વિદેશી મહેમાનો સમક્ષ ભારત સરકાર શરત મૂકતી હતી કે ભારત અને પાકિસ્તાનની મુલાકાત એક સાથે લેવામાં આવે એ અપને પસંદ નથી. આવો તો માત્ર ભારતની મુલાકાતે આવો. ડૉ મનમોહનસિંહ સરકારની શરત અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે માન્ય રાખી હતી અને બુશ પાકિસ્તાન પણ આવે એ સારુ પાકિસ્તાને ધમપછાડા કર્યા હતા. ઇતિહાસ છે તપાસી જુઓ. લોકશાહી, વિકાસ, સભ્યતા વગેરેની બસ તો પાકિસ્તાન ચૂકી ગયું છે એટલે હવે આસાન માર્ગ છે; યુદ્ધનો. ઉશ્કેરો અને યુદ્ધ માટે તૈયાર કરો. દુનિયા બન્નેને સાંભળશે, મનાવશે અને એક સરખું વજન આપશે. અને એવું જ બન્યું. 

જેટલા બુદ્ધિશાળી અને જવાબદાર લોકોને મેં સાંભળ્યા અને સમીક્ષાઓ વાંચી છે અને વિદેશી અખબારો વાંચ્યા છે એના પરથી મારી એવી સમજ બની છે કે ભારત સરકારનો ઈરાદો નવ જગ્યાએ ત્રાસવાદી છાવણીઓ પર હુમલા કરીને રોકાઈ જવાનો હતો. પણ એમ બન્યું નહીં. ગોદી મીડિયા કૂદી પડ્યા, સાયબર સેલે લલકારવાનું શરૂ કર્યું, “આ યુ.પી.એ.ની નબળી સરકાર નથી. અમે સમજાવવામાં નથી માનતા ઠોકવામાં માનીએ છીએ” વગેરે. આમ પણ દરેક કાર્યને ઇવેન્ટમાં પરિવર્તિત કરવાની અને પોતાની ઊંચાઈમાં કેટલો વધારો થયો તે માપતા રહેવાની આપણા વડા પ્રધાનને આદત છે. માટે મોકડ્રીલ, અંધારપટ, સાયરન, પક્ષના કાર્યકર્તાઓનો ઉન્માદ, લશ્કરી ગણવેશમાં હાથમાં હેલ્મેટ પહેરેલી વડા પ્રધાનની તસ્વીર વગેરેએ યુદ્ધનું વાતાવરણ પેદા કરી દીધું. (૧૯૭૧માં આવું કશું જ નહોતું કરવામાં આવ્યું અને ભારતે પાકિસ્તાનનાં બે ફાડિયા કરી નાખ્યા. ઇવેન્ટ યોજ્યા વિના ભારતીય ઉપખંડની ઐતિહાસિક મહાન ઇવેન્ટ બની ગઈ) ગોદી મીડિયાએ તો પાકિસ્તાનને પરાજીત કરી દીધું. તમારામાંથી ઘણાએ એ રસના ઘૂંટડા પીધા છે અને તૃપ્તિનો અનુભવ કર્યો છે એટલે વધારે લખવાની જરૂર નથી. પાકિસ્તાનને આ જ જોઈતું હતું જે તેને મળી ગયું. પાકિસ્તાને હુમલા જારી રાખ્યા કે જેથી ભારતે હૂમલા કરવા પડે. 

પહેલા બે દિવસ તો અમેરિકાએ અને બીજા દેશોએ ખાસ કોઈ રસ લીધો નહીં પણ પછી ધ્યાનમાં આવ્યું કે ચીન પ્રોક્સીવૉર લડી રહ્યું છે અને એ પણ સક્રિયપણે. આ અભૂતપૂર્વ અને ગંભીર વળાંક હતો. યુદ્ધવિરામ ભારતની જરૂરિયાત બની ગઈ. આ સિવાય પાકિસ્તાને પરમાણુ હૂમલો કરવા માટેની પાકિસ્તાનની પરમાણુ સમિતિની બેઠક બોલાવી. આપણે જાણતા નથી કે એ ધમકી હતી કે બ્લેક મેઈલીંગ હતું કે પછી ‘મરતા ક્યા નહીં કરતા’ જેવી સ્થિતિ હતી, પણ સ્થિતિ ચાન્સ લેવા જેવી નહોતી રહી. ભારતે યુદ્ધવિરામ સ્વીકારી લીધું. 

અમેરિકાએ યુદ્ધવિરામની જાહેરાત કરીને ભારતના વડા પ્રધાનના મિત્રએ ભારતનું અપમાન કર્યું છે. કોણે આવો અધિકાર આપ્યો? ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે મેં ભારતના અને પાકિસ્તાનના વડા પ્રધાનોને ધમકાવ્યા કે યુદ્ધ બંધ નહીં કરો તો બન્ને દેશ સામે વેપારપ્રતિબંધ મૂકવામાં આવશે. જો યુદ્ધ બંધ કરશો તો તમારી સાથે અમેરિકા વેપારમાં વધારો કરશે. વળી પાછું કહ્યું કે બન્ને દેશ મહાન છે, બન્ને દેશના વડા પ્રધાન મહાન છે, લોકપ્રિય છે, શક્તિશાળી છે, દૂરંદેશી ધરાવે છે વગેરે. વળી પાછું કહ્યું કે અમેરિકા બન્ને દેશ વચ્ચે કોઈ ત્રીજા સ્થળે મંત્રણા ગોઠવશે. અને વળી પાછું એક દિવસ કહ્યું કે હું પોતે (ટ્રમ્પ) કાશ્મીરની હજાર વરસ જૂની (જી, હજાર વરસ જૂની. આ તો ટ્રમ્પ છે) સમસ્યા ઉકેલી આપીશ. પાકિસ્તાનને તો લોટરી લાગી ગઈ. ભારત-પાકિસ્તાનના યુગ્મવિચ્છેદ (ડીહાયફનેશન)ની ચાર દાયકાની જહેમત પાણીમાં ગઈ. ચાર દિવસથી ટ્રમ્પ ભારત પરના પોતાના ઋણની યાદ અપાવે છે અને ભારત સરકાર ચૂપ છે. યુદ્ધવિરામ પછી ત્રીજા દિવસે વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધીને ભાષણ કર્યું જેમાં ટ્રમ્પના દાવાઓ વિષે કોઈ ખુલાસો નથી. વડા પ્રધાનના ચહેરા પર માયુસી નજરે પડતી હતી અને વડા પ્રધાન તેને છૂપાવી શકતા નહોતા. તેમનો ચહેરો ભાષણના શૌર્યપરક શબ્દોને અભિવ્યક્ત નહોતો કરતો. તમે નોંધ્યું હશે. 

આગળના શાસકો નમાલા તો નહોતા જ પણ મૂર્ખ પણ નહોતા. અમે અસભ્ય અસંસ્કારી અરાજકતાગ્રસ્ત દેશની મર્યાદાઓમાં માનતા સભ્ય પાડોશી છીએ એ ઈમેજ ભારતને વધારે લાભ આપતી હતી અને પાકિસ્તાનને વધારે પ્રતાડિત કરતી હતી. દુનિયામાં બે દેશના છાબડા ઉપરનીચે થઈ ગયા હતા. 

પાકિસ્તાન તો ઠીક છે, અમેરિકા અને ચીનનું વલણ ચિંતા ઉપજાવે એવું છે. ચીનની સક્રિયતા પહેલીવાર જોવા મળી છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 મે 2025

Loading

હાલો…

નારણ મકવાણા|Poetry|17 May 2025

હાક પડી છે, હાલો.
વાત ખરી છે, હાલો.

આજ તમારા માટે,
શૌર્ય ઘડી છે, હાલો.

આતંકી ફાવ્યા છો,
લાશ રડી છે, હાલો

હત્યા સ્વજનોની થઇ,
દુઃખ ઘડી છે, હાલો.

દુશ્મન તું ચેતી જા,
રક્ત દડી છે, હાલો.

દુશ્મની જૂની છે,
દાઝ ભરી છે, હાલો.

ખૂન તમે ચાખી ગ્યાં,
લાશ ઢળી છે, હાલો.

સેના સંગે જન સૌ,
યુદ્ધ લડી છે, હાલો.

નાના, મોટા, વૃદ્ધો,
બાંયધરી છે, હાલો.

સમરાંગણ પોકારે,
કાળ કડી છે, હાલો.

ભાંગી ભૂક્કો કરશું,
ખીજ ચડી છે, હાલો.

હથિયાર ઉપાડો બસ,
ઝાળ અડી છે, હાલો.

જળ, ધરતી, આભ બધે,
આગ ફરી છે, હાલો.

૯/૦૫/૨૦૨૫

Loading

...102030...148149150151...160170180...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved