Opinion Magazine
Number of visits: 9569864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતે એન્ટાર્ટિકા બિલ લાવવાની કેમ જરૂર પડી?

કિરણ કાપુરે|Opinion - Opinion|19 May 2022

આપણા દેશથી હજારો કિલોમીટર દૂર આવેલાં એન્ટાર્ટિકાનું બિલ ગત્ સંસદ સત્રમાં રજૂ થયું. આવું બિલ ભારતની સંસદમાં રજૂ કરવાની કેમ જરૂર વર્તાઈ? બિલના ઉદ્દેશમાં ચાર મુદ્દા દર્શાવવામાં આવ્યા છે. તેમાં સૌ પ્રથમ છે એન્ટાર્ટિકાના ક્ષેત્રને સુરક્ષિત રાખવું, ત્યાં જે કોઈ સંશોધન થાય તે શાંતિપૂર્વક થાય અને તે સંબંધિત આંતરરાષ્ટ્રિય મતભેદ ન થાય, ત્યાંની ઇકોસિસ્ટમ જળવાઈ રહે અને અંતિમ છે તે એન્ટાર્ટિકામાં સંસ્થાકિય અને વ્યક્તિગત સંશોધનને પ્રોત્સાહન મળે અને સુવિધા ઉપલબ્ધ થાય.

આવું બિલ ભારતને લાવવાની આવશ્યકતા વર્તાઈ તેની પાછળ એન્ટાર્ટિકાનો નજીકનો ઇતિહાસ અને તેની ભૌગોલિક સ્થિતિને જાણવી રહી. એન્ટાર્ટિકા પૃથ્વીના દક્ષિણ છેડે આવેલો ખંડ છે અને તે દક્ષિણ મહાસાગરની મધ્યમાં છે. એન્ટાર્ટિકા સર્કલના નામથી પણ તે ઓળખાય છે અને વિશ્વનો પાંચમો સૌથી મોટો તે ખંડ છે. ઓસ્ટ્રેલિયા જેવાં બે ખંડ ભેગા થાય ત્યારે એન્ટાર્ટિકા જેટલો વિસ્તાર બને. તેનું વાતાવરણ અતિશય ઠંડું છે અને ત્યાં સતત પવન ફૂંકાતા રહે છે. ઠંડા રણથી પણ તેનો પરિચય આપવામાં આવે છે. પૃથ્વીનું સિત્તેર ટકા જેટલું ચોખ્ખું પાણી એન્ટાર્ટિકામાં બરફ રૂપે સચવાયેલું છે અને દુનિયાનું ન્યૂનત્તમ તાપમાન માઇનસ 89.2 પણ ત્યાં જ નોંધાયું છે. આમ કોઈ વસી ન શકે તેવી તે ભૂમિ છે અને તે જ કારણે ત્યાં કાયમી વસવાટ કરવો મુશ્કેલ છે. વર્ષના કેટlaક દિવસોમાં ત્યાં સંખ્યા વધીને 1,000થી 5,000 થાય છે. તે સિવાય આ પૂરો ખંડ માનવરહિત છે.

હવે જ્યાં ભૌગોલિક સ્થિતિ આટલી વિપરીત હોય ત્યાં કેમ કોઈ જાય. તેમ છતાં ઓગણીસમી સદીના આરંભે કેટલાક રશિયન સાહસિકોએ આ ભૂમિ જોઈ અને તેમાં ડગ માંડ્યા. તે પછી ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટનના સાહસિકોએ પણ ત્યાં જવાની હિંમત કરી અને સફળ રહ્યા. પરંતુ નોર્વેની ટીમ 1895 વેળા વિધિવત્ રીતે ત્યાં પહોંચી અને એ રીતે એન્ટાર્ટિકા પર જનારી આ ટીમ પ્રથમ કહેવાય છે. તે પછી પણ ત્યાં જવાના સાહસ થતાં રહ્યા છે. એન્ટાર્ટિકાના મોટા ભાગના વિસ્તારમાં માણસ માટે આજે પણ જવું કપરું છે.

આ રીતે એન્ટાર્ટિકામાં કોઈ માણસ ન હોવાથી ત્યાં કોઈ શાસન નથી અને ત્યાં કોઈ જાય તો તેની વિધિસરની કોઈ મંજૂરી લેવાની જરૂર નહોતી પડતી. પરંતુ સમયાંતરે યુરોપ, અમેરિકા અને દુનિયાના અન્ય દેશોના સંશોધકો ત્યાં જવા માંડ્યા. એન્ટાર્ટિકામાં ઉનાળા દરમિયાન આ સંશોધકોની સંખ્યા પાંચ હજારની આસપાસ હોય છે અને શિયાળો આવતાવેંત તે સંખ્યા ઘટીને હજાર સુધી પહોંચે છે. એ રીતે જુદા જુદા રિસર્ચ સ્ટેશન પર અહીં કામ થાય છે. આ રીતે વર્ષો સુધી કામ થયું પણ વીસમી સદીનો મધ્યમાં આવતાં આવતાં સૌને એમ લાગ્યું કે એન્ટાર્ટિકામાં કામ કરવાના નિયમો હોવા જોઈએ. આ રીતે 1959માં એન્ટાર્ટિકા ટ્રીટી થઈ.

આ ટ્રીટ્રીની જરૂર એ માટે પડી તેનાં અન્ય પણ કારણો છે. જેમ કે, દુનિયાના મજબૂત કહેવાતા દેશો અહીં એક સાથે સંશોધન કરતા હતા. એન્ટાર્ટિકાનો વિસ્તાર ખૂબ મોટો છે અને તેથી ત્યાં કોઈ પણ પ્રકારનું સંશોધન કરી શકે. અમેરિકા અને રશિયા જેવા દેશો ત્યાં પરમાણુના પ્રયોગ કોઈની જાણ વિના કરી શકે. ઉપરાંત વસતી ન હોવાથી આગળ જતાં આટલા મોટા વિસ્તાર પર કોઈ દેશ સૈન્ય કાર્યવાહી કરીને ત્યાં પોતાનું શાસન જાહેર કરી શકે. આમ અનેક શંકાઓ સેવાતી હતી, ખાસ કરીને શીત યુદ્ધ વખતે આ શંકાઓએ વધુ જોર પકડ્યું. એટલે છેલ્લે 1959માં બાર જેટલાં દેશોએ અહીંયા શાંતિથી સંશોધન કરવા અર્થે એન્ટાર્ટિકા ટ્રીટી પર સહી કરી. તેમાં રશિયા, અમેરિકા, બ્રિટન અને યુરોપના અન્ય દેશો સહિત જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ, આર્જેન્ટિના અને ચીલી હતા. આ દેશોના કુલ 55 રિસર્ચ સ્ટેશન ત્યારે અસ્તિત્વમાં હતા. 2019 સુધીમાં આ સંખ્યા 54 દેશો સુધી પહોંચી છે.

વાત ટ્રીટ્રી સુધી પહોંચી તે માટે અમેરિકા દ્વારા 1946માં થયેલું ‘ઓપરેશન હાઇજમ્પ’ પણ કારણભૂત છે. તે વખતે અમેરિકાએ અહીંયા 13 જહાજ, 33 એરક્રાફ્ટ અને 4,700 સૈનિકોને મોકલીને પોતાનો દબદબો દાખવ્યો હતો. રશિયા પણ એ રીતે પોતાનું વર્ચસ્વ દાખવવા સૈન્ય શક્તિનો ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીંના રિસર્ચ સ્ટેશન પર આમને સામને ફાયરિંગ કરવાની ઘટનાઓ બની હતી. આ રીતે એન્ટાર્ટિકા જ્યાં સંશોધન સિવાય કશું ય કામ થવાનું નથી ત્યાં પણ દેશો એકબીજા પર હુમલો કરવા લાગ્યા. સૈન્યની ઘટનાઓ તો વિપરીત કુદરતી સ્થિતિના કારણે ત્યાં ન વધી. પરંતુ પર્યાવરણને નુકસાનીનો દોર વધવા માંડ્યો. રશિયાએ તો તેમના બેલિન્ગશુએન સ્ટેશનની બહાર ખૂબ કચરો ઠાલવ્યો અને પૂરી જગ્યાની સુંદરતા બગાડી નાંખી. આવી ઘટનાઓ બનવા માંડ઼ી અને તે કારણે વિશેષ કરીને એન્ટાર્ટિકાના પર્યાવરણની સુરક્ષાને લઈને અન્ય કરારો થયા. તેમાં સૌથી છેલ્લે 1998માં એક ટ્રીટ્રી થઈ તે ‘ધ પ્રોટોકોલ ઓન એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન ટુ ધ એન્ટાર્ટિકા’.

આ બધા કરાર થયા છતાં ય અહીંયા જે દેશોએ પોતાના બેઝ અગાઉ બનાવ્યા હતા, તેઓ અહીંના વિસ્તારને ક્લેઇમ કરી રહ્યા છે. નોર્વેએ અહીંના ક્વિન મોડ લેન્ડને પોતાનું ક્ષેત્ર જાહેર કર્યું છે. એ રીતે ઓસ્ટ્રેલિયાએ પણ જેર્વિસ બે ટેરિટરી પોતાના તાબામાં છે તેમ જાહેર કર્યું છે. અમેરિકા, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા દ્વારા પણ એન્ટાર્ટિકા પર પોતાના ક્ષેત્ર હોવાના દાવા કર્યા છે. હવે જ્યાં કોઈ કાયમી વસવાટ થવાની શક્યતા દેખાતી નથી ત્યાં પણ આ રીતે દેશો ક્ષેત્રો ક્લેઇમ કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રિય સ્તરે એન્ટાર્ટિકાના મામલે આમ ઘર્ષણ થતાં રહ્યા છે. હવે તેમાં ભારતનું પણ એક સ્થાન બને છે. આપણે 1983માં એન્ટાર્ટિકાના મુદ્દે થઈ રહેલાં કરારોના એક પક્ષકાર બન્યા છે. અને તે બનવાનું મહત્ત્વનું કારણ એ કે આપણા દેશે પણ એન્ટાર્ટિકા રિસર્ચમાં સારું એવું ખેડાણ કર્યું છે. 2012માં એન્ટાર્ટિકામાં આપણી સરકાર દ્વારા ‘ભારતી’ નામનું એક રિસર્ચ સ્ટેશન સ્થાપ્યું છે. તે પહેલાં ‘મૈત્રી’ અને ‘દક્ષિણ ગંગોત્રી’ રિસર્ચ સ્ટેશન અગાઉથી હતા જ. એન્ટાર્ટિકામાં આપણો પ્રથમ બેઝ ‘દક્ષિણ ગંગોત્રી’ હતું. આ બેઝ વિશાળ છે અને ત્યાં અનેક પર્યાવરણીય અને દરિયા સંબંધિત ઉપરાંત પવન ઉર્જા પર કામ થઈ રહ્યું છે.

આપણા દેશના આ ત્રણેય બેઝનું કાર્ય જોઈએ તો ખ્યાલ આવે કે ભારત અહીંયા મોટું હિસ્સેદાર બન્યું છે. આ માટે ભારત પણ એન્ટાર્ટિકામાં કેવી રીતે કાર્ય થવું જોઈએ અને તેના કાયદા શું હોઈ શકે તે માટે સજાગ છે. તેના પરિણામે એન્ટાર્ટિકાનું બિલ સંસદમાં રજૂ થયું. આ બિલ રજૂ થયું ત્યારે તેની પર ચર્ચા પણ થઈ. વિરોધ પક્ષના સભ્યોએ બિલની કેટલીક મર્યાદાઓ દર્શાવીને તેનો વિરોધ કર્યો. બિલની જોગવાઈમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, આ બિલ ભારતીય નાગરિક સાથે વિદેશી નાગરિકોને લાગુ થશે. આ સંબંધે વિરોધ પક્ષનું કહેવું છે કે, ‘ભારતીય કાયદો કેવી રીતે કોઈ વિદેશી નાગરિક પર લાગુ થઈ શકે? અને કેવી રીતે કોઈ વિદેશી નાગરિકને ભારતીય દંડસહિતા હેઠળ સજા કરી શકાય?’ એ રીતે તૃણમૂલ કૉંગ્રેસના સભ્ય સૌગત રોય બિલ વિશે કહ્યું કે, “આપણા દેશની એન્ટાર્ટિકા પર કોઈ હક બનતો નથી અને તે આજે પણ તેની દેશ તરીકેની કોઈ ઓળખ નથી. હવે આ કિસ્સામાં સરકાર કેવી રીતે કોઈને એન્ટાર્ટિકા પર જવા અર્થે મંજૂરી લેવાની ફરજ પાડી શકે.” સરકારની આ મુદ્દે દલીલ ભવિષ્યમાં જે રીતે એન્ટાર્ટિકામાં કામ વધવાનું છે તેને ઉદ્દેશીને આ બિલ લાવવામાં આવ્યું છે. અને વિશ્વના દરેક દેશ એન્ટાર્ટિકામાં કાર્ય કરવા અંગે પોતાના કાયદા ઘડી રહ્યા છે તેથી ભારતે પણ તેને અનુસરવું રહ્યું.

e.mail : kirankapure@gmail.com

Loading

મન્તવ્ય-જ્યોત—6

સુમન શાહ|Opinion - Opinion|19 May 2022

જ્યોત ૬ : સાહિત્યસૃષ્ટિ ૩ ઉપખણ્ડ ધરાવે છે :

એમ મનાયું છે કે પૃથ્વી ૭ ઉપખણ્ડ ધરાવે છે : આફ્રિકા. ઍન્ટાર્કટિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા / ઓસનિયા, યુરપ, નૉર્થ અમેરિકા, અને સાઉથ અમેરિકા.

ઘડીભર કલ્પી લો કે સાહિત્યસૃષ્ટિ પૃથ્વી છે. કહેવાયું છે કે સાહિત્યસૃષ્ટિ પણ ઉપખણ્ડ ધરાવે છે; એ ત્રણ છે : ઊર્મિ-કવિતા, કથન-કવિતા, અને નાટ્ય-કવિતા. અંગ્રેજીમાં કહેવું હોય તો, લિરિકલ અથવા લિરિક પોએટ્રી, નૅરેટિવ પોએટ્રી, અને ડ્રામેટિક પોએટ્રી.

અહીં ‘કવિતા’ અને ‘પોએટ્રી’ શબ્દોનો અર્થ ‘સાહિત્ય’ એમ લેવાનો છે.

આપણે માણસો સવારથી રાત સુધીમાં અનેક પ્રકારની ઊર્મિઓ અનુભવતા હોઈએ છીએ. બપોરે કે સાંજે કોઈ કોઈ ઊર્મિની એકબીજા આગળ કથાઓ, ઉપકથાઓ કે અમસ્તાં કથન કરીએ છીએ. અને કોઈ કોઈ ઊર્મિનું આપણી રાતોમાં નાટક ભજવાતું હોય છે – કૉમિક કે ટ્રેજિક.

માણસોનું એથી જુદું કશું જીવન નથી હોતું, અને સાહિત્યકલાના સર્જકો પોતાની આગવી રીતે એની જ વાત કરતા હોય છે.

પહેલા ઉપખણ્ડના સાહિત્યમાં, કેન્દ્રવર્તી હોય છે ઊર્મિ અને તે મનુષ્યના ભાવજગત સુધી વિકસતી હોય. બીજામાં, કથા અને તે વસ્તુજગત લગી વિસ્તરતી હોય. ત્રીજામાં, નાટ્ય અને નાટ્યમાં ભાવજગત અને વસ્તુજગત બરાબ્બર ગૂંચવાયાં હોય.

અલબત્ત, દરેક ઉપખણ્ડના સાહિત્યમાં, અન્યનાં વત્તાઓછાં તત્ત્વ નથી ભળ્યાં હોતાં એમ નથી.

સર્જકો ઊર્મિ, કથા અને નાટ્યકેન્દ્રી કૃતિઓ સરજે છે ત્યારે મનુષ્યના વિભાવાદિ ભાવસમૂહને એવી પ્રક્રિયા વડે સંયોજે છે કે એ સંયોગથી – એ ‘સંયોગાત્’ – ભરત મુનિકથિત રસનિષ્પત્તિ થાય છે. ફૉર્માલિસ્ટ થિન્કરો એ જ પ્રક્રિયાને ફૉર્મ કહે છે. ફૉર્મ વડે પણ રસનિષ્પત્તિ જ થાય છે. સુરેશ જોષી સમેતના સૌ સમજદારોએ વરસો પૂર્વે એ પ્રક્રિયાને ‘રૂપનિર્મિતિની પ્રક્રિયા’ કહી છે. સાર તારવ્યો છે કે ફૉર્મ અથવા આકાર એક પ્રક્રિયા છે, સર્જનની પ્રક્રિયા છે, અને અવર નામે તે રસનિષ્પત્તિની પ્રક્રિયા છે.

આ મન્તવ્યવ-જ્યોતમાં સવિશેષે નૉંધપાત્ર મુદ્દો આ છે : સામાન્યપણે એમ કલ્પવામાં આવ્યું છે કે ઊર્મિશીલ સાહિત્ય પદ્યમાં હોય છે. એ જ રીતે, કથા કે નાટ્ય ગદ્યમાં હોય છે એમ કલ્પવામાં આવ્યું છે. આમ તો એ સાચું છે. તેમ છતાં, ઊર્મિશીલ પણ ગદ્યમાં હોઇ શકે છે, કથા અને નાટ્ય પણ પદ્યમાં હોઇ શકે છે. બધું સંમિશ્ર પણ હોઇ શકે છે.

કેમ કે, વિવિધ અને સાત સાત ઉપખણ્ડ ખરા પણ તેમ છતાં જેમ પૃથ્વી અખિલ છે તેમ સાહિત્યસૃષ્ટિ પણ અખિલ છે.

જેમ કે, આ દૃષ્ટાન્તો પરખો :

આટલી મોટી “કાદમ્બરી” બાણે ગદ્યમાં સરજી છે છતાં એમની વર્ણનકલા કવિતામાં હોય એવી છે – એનું દૃષ્ટાન્ત છે, ઘડીએ ને પલકે આવતાં કાવ્યસદૃશ કલ્પનો અને એથી સરજાતો દૃશ્ય શ્રાવ્ય ઘ્રાણ્ય આસ્વાદ્ય કે સ્પર્શ્ય ઇન્દ્રિયપ્રત્યક્ષોનો આલોક. "કાદમ્બરી"-ને 'ગદ્યકાવ્ય' ગણનારાઓએ એ આલોક-દૃષ્ટાન્તને ખાસ આગળ કરવું જોઈએ.

“ધ ગ્રેટ ગૅટ્સ્બી” ફિત્ઝરાલ્ડકૃત કરુણાન્ત નવલકથાનું ગદ્ય ઊર્મિશીલ છે, પણ એમાં મુકાયેલો અન્તસૂચક ભાગ બ્લૅન્ક વર્સમાં છે.

કોઇ પણ બૅલેડમાં કથા હોય છે, પરન્તુ વિલિયમ વર્ડ્ઝવર્થે “લિરિકલ બૅલેડ્સ” લખ્યાં છે. વિનોદ જોશીએ શિખણ્ડીની કથાનું દીર્ઘકાવ્ય રચ્યું છે અને દ્રૌપદી-સૈરન્ધ્રીની કથાનું ચૉપાઇ-દોહરામાં પ્રબન્ધકાવ્ય સરજ્યું છે.

ટી.ઍસ. એલિયટે પાંચ પદ્યનાટકો લખ્યાં છે, એમાંનાં ત્રણ તો પદ્યનાટકનાં ઉત્તમ દૃષ્ટાન્તો છે : “મર્ડર ઇન ધ કૅથેડ્રલ”. “ફૅમિલિ રીયુનિયન”. “ધ કૉકટેઇલ પાર્ટી”. ઉમાશંકર-કૃત “મહાપ્રસ્થાન” જરૂર યાદ આવે. (પદ્યનાટકના આપણા પ્રયાસો વિશે મેં વરસો પર ‘બ્યુટિફુલ આ પદ્યનાટક’ લેખ કરેલો, મારા કયા પુસ્તકમાં સંઘર્યો છે, યાદ નથી આવતું.)

આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રચનાઓ મોટેભાગે પદ્યમાં છે, પણ માણિક્યસુંદર-રચિત “પૃથ્વીચંદ્રચરિત” ગદ્યમાં છે. કહેવાય છે કે મધ્યકાલીન સાહિત્યમાં, એ એકમાત્ર કૃતિ ગદ્યમાં છે.

સમકાલીન ગુજરાતી સાહિત્યમાં, પદો, ગીતો, સૉનેટ્સ, ખણ્ડકાવ્યો, પદ્યનાટકો, એકાંકી કે અનેકાંકી નાટકો, અ-પૂર્વ લાગે એવી નવલકથાઓ, જીવનકથાઓ કે આત્મકથાઓ નથી.

ઊર્મિ, કથા કે નાટ્ય – એ એકેય ઉપખણ્ડ પર સમકાલીનો નાનું ગામડું ય ઊભું કરી શક્યા નથી.

કીડીને શું જ્ઞાન કે પૃથ્વી કેટલી મોટી છે !

પૂછવું જોઈએ કે સમકાલીન ગુજરાતી સાહિત્યકારો ગદ્યના તેમ જ પદ્યના કેટલા અને કયા સાહિત્યપ્રકારોમાં લખે છે -? ગણવા બેસીશું તો એક આંગળીનાં વેઢાં પણ વધારે લાગશે.

= = =

(May 19, 2022: USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

હિંદુઓની શક્તિને પારખવાનો નાનકડો પ્રયાસ

રમેશ ઓઝા|Opinion - Opinion|19 May 2022

ભારતીય રાષ્ટ્રીય કૉન્ગ્રેસ તેના અસ્તિત્વનાં સંકટનો સામનો કરી રહી છે. આવું સંકટ કૉન્ગ્રેસે ૧૯૦૭નાં સુરત અધિવેશન પછી જોયું હતું, પરંતુ એ યુગ જુદો હતો અને તેના પ્રશ્નો જુદા હતા. અત્યારની કૉન્ગ્રેસ સત્તાલક્ષી રાજકીય પક્ષ છે, એટલે તે ઓછી ખપની છે એવું નથી. લોકતંત્રમાં નાગરિકોને રાજકીય વિકલ્પ મળવો જોઈએ અને તો જ લોકતંત્ર ટકી શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે દેશના નાગરિકોને વૈચારિક વિકલ્પની પણ જરૂર છે અને એ જરૂરિયાત ઘણી મોટી છે. સત્તાકીય વિકલ્પ લોકતાંત્રિક સંતુલન માટે જરૂરી છે, જ્યારે વૈચારિક વિકલ્પ સામાજિક સન્તુલન માટે જરૂરી છે.

આઝાદીની લડત વખતે કૉન્ગ્રેસના નેતાઓએ વિચાર્યું હતું કે દેશનું ભવિષ્ય સામાજિક સન્તુલન જાળવી રાખવામાં છે અને એ જો જાળવી રાખવું હોય તો સહિયારા ભારત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એવું ભારત જેમાં ધર્મ, ભાષા કે એવી બીજી કોઈ ઓળખના આધારે ભેદભાવ કરવામાં ન આવે. જ્યાં ભેદભાવ હોય ત્યાં બહુમતી કોમની દાદાગીરી હોય અને જ્યાં એક કોમની દાદાગીરી હોય ત્યાં સંઘર્ષ હોય. ઝઘડતી પ્રજા ક્યારે ય બે પાંદડે ન થઈ શકે. ઝઘડતો પરિવાર બે પાંદડે ન થઈ શકે અને વડીલોનાં ડહાપણના પરિણામે બે પાંદડે થયો પણ હોય તો ઝઘડતા વારસો તેને બરબાદ કરી નાખે. આ સનાતન સત્ય છે અને આધુનિક યુગમાં જગતમાં રાજ્યોનાં (નેશન) જેટલાં મોડેલ જોવાં મળતાં હતાં તેમાં સૌથી સફળ મોડેલ સહિયારા સંતુલિત રાજ્યનાં જોવા મળતાં હતાં. માટે કૉન્ગ્રેસના નેતાઓએ સહિયારા ભારતનો વિકલ્પ પસંદ કર્યો હતો. ભારતની પ્રચંડ વિવિધતા જોતાં ભારત માટે એ વધારે ઉપયુક્ત હતો.

પણ એની સામે કેટલાક હિંદુઓને એમ લાગતું હતું કે કમ સે કમ હવે આઝાદી પછી હિંદુઓને સરસાઈ મળવી જોઈએ. સાવ એકસરખાપણું ન ચાલે. કાયર અને પરાજીત પ્રજાનું જે કલંક હિંદુ પ્રજાને લાગેલું છે એ આધુનિક લોકતંત્રમાં સંખ્યાની તાકાત દ્વારા ભૂંસવું જોઈએ. દેશનું ભાગ્યવિધાન હવે હિંદુઓ કરશે અને તેનો એ હક છે. પહેલીવાર લોહી રેડ્યા વિના આવો મોકો મળી રહ્યો છે એટલે એ ગુમાવવો ન જોઈએ. આવી કલ્પનાનો પણ એક રોમાંચ હતો અને છે એટલે કેટલાક હિંદુઓએ આધુનિક યુગમાં લોકશાહીના માર્ગે એટલે કે સંખ્યાના જોરે હિંદુ સરસાઈવાળા હિંદુ રાષ્ટ્રની કલ્પના કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની રાજકીય પાંખ ભારતીય જનસંઘ / ભારતીય જનતા પક્ષ આને વરેલા છે.

એ સમયે બહુમતી હિંદુઓએ સહિયારા ભારતની કલ્પના સ્વીકારી એટલે અત્યારે જે બંધારણીય ભારત અસ્તિત્વ ધરાવે છે એ આકાર પામ્યું. આનો અર્થ એ નથી કે પ્રત્યેક હિંદુને સહિયારું ભારત કબૂલ હતું. ઘણી મોટી સંખ્યામાં હિંદુઓ હતા જેને સહિયારું-સંતુલિત ભારત કબૂલ નહોતું અને તેઓ હિન્દુત્વવાદી રાજકારણનું સમર્થન કરતા હતા.

જ્યારે લોકતાંત્રિક, સેક્યુલર, સહિયારા સ્વતંત્ર ભારતનાં શ્રી ગણેશ બાજોઠે મંડાયા ત્યારે જ તેનો વિરોધ કરનારો હિંદુઓનો એક વર્ગ અને તેની રાજકીય અભિવ્યક્તિનો રાજકીય મંચ અસ્તિત્વમાં હતા. તેમને સહિયારું ભારત કબૂલ નહોતું એ ઊઘાડી વાત હતી. તેમણે એ વાત છુપાવી પણ નહોતી અને તેમણે લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહી માર્ગે હિંદુ સરસાઈ ધરાવનારા ભારતની રચના કરવા રાજકીય પક્ષ રચ્યો હતો. એ તો સાદી સમજની વાત છે કે હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર ત્યાં સુધી અસ્તિત્વમાં ન આવી શકે જ્યાં સુધી બંધારણ બદલવામાં ન આવે, કારણ કે બંધારણમાં સહિયારા ભારતની કલ્પના કરવામાં આવી છે.

બન્યું એવું કે કૉન્ગ્રસે સત્તા ટકાવી રાખવા અને બીજું કોઈ સત્તા સુધી પહોંચી ન શકે એ માટે લઘુમતી કોમને ગાજર બતાવીને સહિયારા ભારતની પવિત્ર કલ્પના સાથે ચેડાં કરવા માંડ્યા. આને કારણે હિંદુઓની અંદર ધીરેર્ધીરે આવો અવળો પક્ષપાત જોઇને નારાજગીની ભાવના પેદા થવા લાગી. બીજી બાજુ કૉન્ગ્રેસનો ગઢ તૂટતો નહોતો એ જોઇને નિરાશ થયેલા વિરોધ પક્ષના નેતાઓ વિચારનિષ્ઠા બાજુએ મૂકીને સમાધાનો કરવા માંડ્યા અને એમાં તેમણે જન સંઘ / ભારતીય જનતા પક્ષનો પણ સાથ લેવા માંડ્યો અને આપવા માંડ્યો. સહિયારા સેક્યુલર ભારતને વરેલા વિરોધ પક્ષોના હતાશાગ્રસ્ત નેતાઓને એટલું ભાન ન રહ્યું કે તેઓ જેને મદદ કરી રહ્યા છે અને મદદ માગી રહ્યા છે તેમને તેમની કલ્પનાનું સહિયારું ભારત સ્વીકાર્ય નથી. સત્તાના રાજકારણમાં ટકી રહેવા માટે અને સત્તા સુધી પહોંચવા માટે અનુક્રમે કૉન્ગ્રેસે અને અન્ય સેક્યુલર વિરોધ પક્ષોએ પ્રજા સાથે વિશ્વાસઘાત અને રાષ્ટ્ર સાથે બંધારણઘાત કર્યો હતો. આને પરિણામ સામે છે.

સામાન્ય પ્રજાની વાત કરીએ તો આઝાદી પહેલાંથી હિંદુઓનો એક વર્ગ હિંદુ સરસાઈવાળા ભારતની કલ્પનાનું રોમાંચ અનુભવતો હતો. એ વર્ગ પ્રમાણમાં નાનો હતો. એમાં કૉન્ગ્રેસનું અવળા પક્ષપાતવાળું રાજકારણ અને વિરોધ પક્ષનું સિદ્ધાંતહીન રાજકારણ જોઇને નારાજ થયેલા થોડા હિંદુઓનું ઉમેરણ થયું હતું. મૂળ હિન્દુત્વવાદીઓ અને ઉમેરાયેલા નારાજ હિંદુઓએ મળીને ભા.જ.પ.ને આજની સ્થિતિએ પહોંચાડ્યો છે. એ વાત ન ભૂલવી જોઈએ કે હિંદુ ઉમેરણ કરી આપવાનું પાપ કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ કર્યું છે, પણ એમાં સૌથી મોટું પાપ કૉન્ગ્રેસનું છે.

સામાન્ય હિંદુ પ્રજાને લાગેવળગે છે ત્યાં સુધી આજે જે સ્થિતિ પેદા થઈ છે તેનો આ એક પક્ષ છે. બીજો વધારે મહત્ત્વનો પક્ષ એ છે કે કૉન્ગ્રેસના પક્ષપાત છતાં ય, પ્રજાકીય સન્તુલન સાથે ચેડાં કર્યા હોવા છતાં ય, કૉન્ગ્રેસમાં પરિવારવાદ હોવા છતાં ય, ભ્રષ્ટાચાર છતાં ય અને બીજા સેક્યુલર રાજકીય પક્ષોએ ભદ્દા સમાધાનો કર્યા હોવા છતાં ય બહુમતી હિંદુઓએ સહિયારા સંતુલિત બંધારણીય ભારતમાંની નિષ્ઠા ગુમાવી નથી. હતાશ થવા માટે અને ગુસ્સો કરવા માટે પર્યાપ્ત કારણો હોવાં છતાં ય આજે પણ દસમાંથી કમ સે કમ છ હિંદુઓ એવા છે જેમને હિંદુ સરસાઈવાળું હિંદુ રાષ્ટ્ર સ્વીકાર્ય નથી. કાળાં વાદળમાં રૂપેરી કોર આ છે. હિંદુ રાષ્ટ્રવાદીઓનો મુકાબલો આજે રાજકીય સ્તરે ભલે જોઈએ એટલા પ્રમાણમાં ન થતો હોય, નાગરિક સ્તરે પ્રચંડ પ્રમાણમાં થઈ રહ્યો છે અને પૂરી નિષ્ઠા સાથે થઈ રહ્યો છે. એકલા એકલા અદના હિંદુઓ હિંમતપૂર્વક ઝઘડી રહ્યા છે. કોઈ આધાર નહીં હોવા છતાં, પોતાની તાકાતે. સરકાર રાજદ્રોહના કાયદાનો દુરુપયોગ રાજકીય પક્ષો સામે નથી કરી રહી, વિવેકી હિંદુઓ સામે કરી રહી છે. તેમને ડરાવવા અને અંકુશમાં રાખવા જરૂરી છે. હિંદુરાષ્ટ્ર સામે ખરો ભય ક્યાંથી છે એ તેઓ જાણે છે.

આ એક મૂક પણ પ્રચંડ શક્તિ છે જેનો રાજકીય ઉપયોગ કરવો જોઈએ. કૉન્ગ્રેસે અને બીજા રાજકીય પક્ષોએ સામાધાનોવાળું અનીતિનું રાજકારણ કર્યું હોવા છતાં ય ૬૦ ટકા હિંદુઓ હજુ ય તેમની પડખે ઊભા છે અને ઊભા રહેવા તૈયાર છે. આ સંખ્યાની શક્તિ નથી, વિવેકની શક્તિ છે અને વિવેકની શક્તિ વધારે પવિત્ર હોય છે. આ પાવક જ્વાળા છે. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એ સનાતન સત્ય આવા વિવેકી હિંદુઓ સમજે છે. પરમેશ્વરનો અર્થ અહીં કલ્યાણ કરો. તેઓ દેશહિતમાં, તેમના પોતાના હિતમાં અને પોતાનાં સંતાનોના હિતમાં નિરાશાજનક સ્થિતિમાં પણ વિવેક જાળવીને બેઠા છે અને તેને છોડતા નથી. કલ્પના કરો આ કેટલી મોટી શક્તિ છે કેટલી રચનાત્મક શક્તિ છે!

કૉન્ગ્રેસની ઉદયપુરની ચિંતનશિબિરની જો કોઈ ઉપલબ્ધિ હોય તો એ એટલી જ કે તેમાં બહુમતી હિંદુઓની આ વિવેકપૂર્ણ રચનાત્મક શક્તિને પારખવાનો પ્રયત્ન કોંગ્રેસપતન પછી પહેલીવાર પ્રયાસ કર્યો છે. આ તો એક નાનકડો પ્રયાસ છે, મઝલ બહુ લાંબી છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 મે 2022

Loading

...102030...1,4821,4831,4841,485...1,4901,5001,510...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved