Opinion Magazine
Number of visits: 9671274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—151

દીપક મહેતા|Opinion - Opinion|25 June 2022

એ ઈમારતોની બહારના હાથી છે માંગલ્યનાં પ્રતિક

ગાંધીજી અને મહમદઅલી ઝીણા પહેલી વાર મળેલા

સર મંગળદાસ નથુભાઈના બંગલામાં

ઘણા વખતથી ઉકેલાતો નહોતો એ કોયડો સર મંગળદાસ નથુભાઈએ કઈ રીતે ઉકેલી આપ્યો હશે? એ માટે આપણે મુંબઈનાં કેટલાંક મકાનોની મુલાકાત લેવી પડશે. પહેલાં જઈએ આપણા જૂના ને જાણીતા કાલબાદેવી રોડ પર. ત્યાંના એક ખાસ્સા જૂના મકાનને લોકો ‘હાથીવાળા બિલ્ડિંગ’ તરીકે આજે ય ઓળખે છે. કારણ એના પ્રવેશ દ્વાર ઉપર મોટો, ભૂરા રંગનો હાથી આજે પણ મહાવતની સાથે ઊભો છે. હા, આજે હવે નામશેષ થઈ ગયેલા ભાંગવાડી ઉર્ફે પ્રિન્સેસ થિયેટર અને આ હાથી વચ્ચે કશો સંબંધ નહોતો. એ હાથીવાળા મકાનની અંદરના ભાગમાં આવેલા મોટા ચોગાનમાં એ થિયેટર બંધાયેલું, એટલું જ.

હાથીવાળા સિનેમા યાને ઈમ્પિરિયલ થિયેટર

કાલબાદેવીથી ચાલો લેમિન્ગટન રોડ. આજે સુધરાઈના ચોપડે જે નામ હોય તે, ઘણાખરા લોકો આજે ય તેને એ જ નામે ઓળખે છે. એ રોડ પર એક બિસમાર હાલતમાં પડું પડું થતું મકાન ઊભું છે. દરવાજે તાળાં. લાલ અક્ષરમાં સફેદ બોર્ડ પર પ્રવેશબંધીની ‘ચેતવણી’ લખી છે. એના દરવાજાની બે બાજુ બે હાથી ઊભા છે, પથ્થરના. એમનું મોઢું પ્રવેશદ્વાર તરફ છે એટલે બાકીનું શરીર જોવું મુશ્કેલ છે. એક જમાનામાં આ મકાનમાં હતું પ્રખ્યાત ઈમ્પીરિયલ થિયેટર. પણ ઘણા લોકો તેને ‘હાથીવાળા થિયેટર’ કે ‘હાથીવાળા સિનેમા’ તરીકે ઓળખતા.

ગરાજમાં ગજરાજ

એ જ રસ્તા પર, થોડે દૂર એક મોટર ગરાજ છે. પતરાના ખાસ્સા ઊંચા છાપરા નીચે નવી-જૂની મોટરો પડી છે. પણ મોટર ગરાજનું છાપરું આટલું ઊંચું કેમ? કારણ એ ગરાજની વચ્ચોવચ ઊભો છે પથ્થરનો વિશાળકાય હાથી, સૂંઢ હવામાં ઊંચી કરીને. એટલે તેને સમાવી લેવા માટે થઈને પતરાનું છાપરું ઘણું ઊંચું બાંધવું પડ્યું છે. પણ મોટરના ગરાજમાં હાથી કા ક્યા કામ હૈ?

આ ગેરેજથી થોડે દૂર છે એક રહેણાકનું મકાન. આગલો ભાગ ખખડધજ. પાછળના ભાગમાં નવું મકાન બંધાયેલું છે. આ મકાનનો દરવાજો લોખંડની ગ્રિલનો બનેલો છે. અને બંને દરવાજાની વચ્ચોવચ ગોળાકાર રિંગની વચ્ચે છે બે નાનકડા હાથી. આજે તો કાળા રંગે રંગાયેલા છે. દરવાજાની ઉપરની દિવાલમાં પણ એક હાથી કોતરેલો છે. ફરી, આજે બિસમાર હાલતમાં. એક બાજુ ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, તો બીજી બાજુ ભીંતે ઝૂલે છે વીજળી-ટેલિફોન-ટી.વી.ના વાયરની તલવારો, સાવ બુઠ્ઠી.

અને હવે છેલ્લો પડાવ. દરવાજા પર આરસની મોટી તકતી. પીળી પડી ગઈ છે. મોટી ઊભી તડ પડી ગઈ છે તકતીમાં. આ તકતીમાં લખ્યું છે : Sir Mangaldas House. તેની ઉપરના ભાગમાં અર્ધગોળાકારમાં લખ્યું છે : Gordhandas T. Mangaldas. સાથિયાનાં મીડાં જેવી આ બધી ઇમારતો તો જોવા મળી. પણ એ બધીને જોડતી લીટી ક્યાં? એક મિત્રની મદદથી ફોન દ્વારા સંપર્ક સાધ્યો સર મંગળદાસ નથુભાઈના એક વંશજ નીતિનભાઈ મંગળદાસનો. તેમણે પહેલી વાત કહી તે એ કે આ બધી જગ્યાઓ મૂળ સર મંગળદાસ નથુભાઈની માલિકીની. આજે કેટલીક છે, કેટલીક નથી. ક્રાફર્ડ માર્કેટથી થોડે દૂર આવેલી એક જાણીતી જગ્યા તે મંગળદાસ માર્કેટ. અ વિસ્તારમાં આવેલી ઘણી કાપડ માર્કેટોમાંની એક. તેની સાથે પણ જોડાયું છે સર મંગળદાસ નથુભાઈનું નામ. અને લોહાર ચાલ તરીકે ઓળખાતી ગલ્લીનું પણ સત્તાવાર નામ છે મંગળદાસ રોડ.

પણ આ બધી ઇમારતો સાથે જોડાયેલા હાથીનું શુ? નીતિનભાઈ કહે છે કે પહેલી વાત એ કે હિંદુ પુરાણોમાં હાથી માંગલ્યનું પ્રતિક મનાય છે. લક્ષ્મીની ઘણી છબી કે મૂર્તિમાં બે બાજુ હાથી ઊભા હોય છે – હવામાં ઊંચી કરેલી સૂંઢમાં લાલ કમળ લઈને. ઐરાવત નામનો હાથી એ ઇન્દ્ર દેવનું વાહન છે. અને ઇન્દ્ર એ વરસાદનો, ફળદ્રુપતાનો, સમૃદ્ધિનો દેવ મનાય છે. તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરની કે ઓફિસની ઈમારતની બહાર કે દરવાજાની તરત અંદરની ભીંત પર હાથીનું ચિત્ર કે શિલ્પ શુભંકર ગણાય છે. વાસ્તુશાસ્ત્રમાં તો કયા રંગના હાથી ક્યાં હોવા જોઈએ તે પણ જણાવ્યું છે. આ બધાં કારણોને લીધે સર મંગળદાસ નથુભાઈ પોતે બંધાવેલી ઇમારતોમાં હાથીનાં શિલ્પ મૂકાવતા હોવા જોઈએ. એટલે કાલબાદેવી રોડ પરના મકાન બહારના હાથીને અંદરના પ્રિન્સેસ થિયેટર સાથે ભલે કશો સંબંધ ન હોય, પણ તેને સંબંધ છે એ ઈમારતના અસલ માલિક સર મંગળદાસ નથુભાઈ સાથે. અને છેલ્લી વાત : સરસાહેબના ઘણા વંશજોએ પૂર્વજ મંગળદાસનું નામ હવે પોતાની અટક તરીકે અપનાવી લીધું છે.

કોયડો તો ઉકલ્યો, પણ હજી સર મંગળદાસ નથુભાઈની વાત પૂરી થઈ નથી. અને એ વાતને સંબંધ છે ૧૯૧૫માં ઘટેલી એક ઘટના સાથે. અને એ ઘટનાને સીધો સંબંધ છે ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ ગાંધી સાથે, અને પાકિસ્તાનના કાયદે આઝમ મહંમદ અલી ઝીણા સાથે. એ વળી કેવી રીતે? સર મંગળદાસ નથુભાઈનું તો ૧૮૯૦માં અવસાન થયું હતું. સર સાહેબનું ભલે અવસાન થયું હોય પણ ‘મંગળદાસ હાઉસ’ તરીકે ઓળખાતો તેમનો વિશાળ બંગલો તો હતો ને! અને એ બંગલાની આસપાસ હતો મોટો સુંદર ગાર્ડન. એ વખતે હજી ‘મહાત્મા’ બન્યા નહોતા એ મોહનદાસ ગાંધી અને કસ્તૂરબા દક્ષિણ આફ્રિકાથી લંડન જઈને ત્યાંથી એસ.એસ. અરેબિયા નામની સ્ટીમર દ્વારા મુંબઈ આવી પહોચ્યાં. સરકારની ખાસ મંજૂરી લઈને તેમને એપોલો કહેતાં પાલવા બંદરે ઉતારવામાં આવ્યા. ઊતર્યા તે જ દિવસથી મુંબઈમાં ઠેકઠેકાણે બંનેના માનમાં પાર્ટીઓ, સભા-સમારંભો યોજાયાં. આવી એક સભા ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૪મી તારીખે લેમિન્ગ્ટન રોડ પર આવેલા મંગળદાસ હાઉસના ગાર્ડનમાં ‘ગુજરાત સભા’ તરફથી યોજાઈ હતી. પ્રમુખસ્થાને હતા મહંમદઅલી ઝીણા. ગાંધીજી અને ઝીણાની આ પહેલી મુલાકાત. કનૈયાલાલ મુનશીએ ગાંધીજીનો પરિચય આપ્યો હતો, અંગ્રેજીમાં. એ વખતે મુંબઈમાં ઝીણા અને મુનશી બંને, મોહનદાસ કરતાં વધુ જાણીતા. બંને સફળ કામયાબ વકીલો. પણ બંનેએ ગાંધીજીનાં મુક્ત કંઠે વખાણ કર્યાં હતાં. મહમદઅલી ઝીણાએ પણ પ્રવચન અંગ્રેજીમાં કર્યું. પોતાના ભાષણમાં સર સૈયદ અહમદને યાદ કરીને ગાંધીજીએ કહ્યું હતું કે હિંદુ અને મુસલમાન તો ભારત માતાની બે આંખો છે. અને જો એક આંખ એક તરફ જોશે અને બીજી આંખ બીજી તરફ જોશે તો બેમાંથી એકેય કશું જોઈ શકશે નહિ. અને જો એક આંખ જશે, તો બીજી આંખનું તેજ પણ એટલે અંશે ઘટશે. આમ કહેનાર માણસને માથે દેશના ભાગલાની દરખાસ્તને મંજૂરી આપતી વખતે શી વીતી હશે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ. વળી ગાંધીજીએ નિખાલસતાથી કહ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં જ્યારે જ્યારે ‘ગુજરાતીઓ’ વિષે વાત થતી ત્યારે કેવળ હિંદુ ગુજરાતીઓને જ ધ્યાનમાં રાખીને વાત થતી. મુસ્લિમ અને પારસીઓની તો વાત જ નહોતી થતી. જ્યારે આ ગુજરાત સભાના પ્રમુખ સ્થાને એક મુસ્લિમ બિરાદર (ઝીણા) બિરાજે છે એ જોઈ આનંદ થાય છે. આ સમારંભમાં ઘણાંખરાં ભાષણો અંગ્રેજીમાં થયાં હતાં. ગાંધીજીએ જવાબ ગુજરાતીમાં આપ્યો હતો અને ગુજરાતીઓના મેળાવડામાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે ટકોર કરી હતી. આ સમારંભનો અહેવાલ ૧૯૧૫ના જાન્યુઆરીની ૧૫મી તારીખના ‘બોમ્બે ક્રોનિકલ’ અખબારમાં અંગ્રેજીમાં પ્રગટ થયો હતો. ‘ગુજરાતી’ સાપ્તાહિકના ૧૭ જાન્યુઆરીના અંકમાં પણ ટૂંકો અહેવાલ છપાયો હતો. આત્મકથામાં ગાંધીજી નોંધે છે કે ‘ગુજરાતીઓના કાર્યક્રમમાં ભાષણો અંગ્રેજીમાં થયાં એ અંગે આ રીતે ગુજરાતીમાં બોલીને મેં નાનકડો સત્યાગ્રહ કર્યો હતો.’ તો આ છે સર મંગળદાસ નથુભાઈ અને મોહનદાસ ગાંધીને જોડતી કડી.

ધ બોમ્બે ક્રોનિકલના ૧૫ જાન્યુઆરી ૧૯૧૫ના અંકમાં પ્રગટ થયેલો સર મંગળદાસ હાઉસના કાર્યક્રમનો અહેવાલ

એ કડી રૂપ બંગલો હતો કેવો? આજે જે ખંડિયેરની દિવાલ પર Sir Mangaldas House લખ્યું છે તે જોતાં આ બંગલાની વિશાળતા અને જાહોજલાલીનો ખ્યાલ નહિ આવે. પણ એનું થોડુંક વર્ણન મળે છે એક મરાઠી પુસ્તકમાંથી. પુસ્તકનું નામ ‘મુંબઈચે વર્ણન.’ ૧૮૬૩માં પહેલી વાર પ્રગટ થયેલા આ પુસ્તકના લેખક હતા ગોવિંદ નારાયણ માડગાંવકર. એમનો જન્મ ૧૮૧૫માં, અવસાન ૧૮૬૫ના માર્ચની ૧૫મીએ. મૂળ ગોવાના વતની. મુંબઈની ફ્રી જનરલ એસેમ્બલી નામની સ્કૂલમાં ભણતા હતા ત્યારે જ પિતાનું અવસાન થતાં અભ્યાસ અધૂરો મૂકી તે જ સ્કૂલમાં માસ્તરની નોકરી લેવી પડી. તેમણે લખેલાં આઠેક પુસ્તકોમાં ‘મુંબઈચે વર્ણન’ સૌથી મહત્ત્વનું છે. સર મંગળદાસ નથુભાઈના બંગલા વિષે શું લખે છે ગોવિંદરાવ? ચોપાટી અને ગિરગાંવની વચમાંના ભાગમાં શેઠ મંગળદાસ નથુભાઈ નામના પ્રખ્યાત વાણિયા ગૃહસ્થનો ‘વાડો’ અને બાગ આવેલાં છે. (મરાઠીમાં બંગલા કે હવેલી માટે ‘વાડા’ શબ્દ વપરાય છે.) આ વાડાને ચાર દરવાજા છે. તેનો પાછલો દરવાજો છેક ખેતવાડીના રસ્તા પર પડે છે. આ બાગમાં જાતજાતનાં ઝાડપાન છે. બાગમાં જુદી જુદી જગ્યાએ દરિયાની રેતી પાથરીને કેડીઓ બનાવી છે. વાડાની બાંધણી અંગ્રેજી ઢબની છે અને શેઠ મંગળદાસ પોતે અહીં રહે છે. આ વાડામાં કેટલું ય કિંમતી રાચરચીલું જોવા મળે છે. આ નામાંકિત શેઠ હિન્દુઓના મહાજનોમાંના એક છે. તેઓ સ્વભાવે ધરમપ્રેમી અને ઉદાર છે. તેઓ પોતાના દ્રવ્યનો ઉપયોગ લોકકલ્યાણ માટે સતત કરતા રહે છે. આ વાડાના બગીચામાં જઈને કલાકેક બેસીએ તો ભૂખ-તરસ, બધું ભૂલી જઈએ એવો તે રમણીય છે.

પણ હવે સરસાહેબ અને તેમના બંગલાની વિદાય લઈએ. મુંબઈ આવીને વસનારાઓમાં એક અગ્રણી કોમ તે પાઠારે પ્રભુ. આ જમાતના દાદાજી ધાકજીના જીવનની ચડતી-પડતી-ચડતીની વાત કરશું હવે પછી.

e.mail :deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 જૂન 2022

Loading

વાઘ જો બકરી બને તો બકરી પણ વાઘ બનવા મથે જ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 June 2022

શિવાજીએ સુરત લૂંટેલું તો સુરતે શિવસેનાને લૂંટી હોય તેવો ઘાટ થયો છે. મહારાષ્ટ્ર સરકાર જો જાય અથવા તે ભા.જ.પ.નું પડખું સેવે તો એમાં સુરત નિમિત બન્યું એમ કહેવાશે. એક સમયે ગુજરાતમાં, ભા.જ.પ.માં બળવો કરવા કેટલાક ધારાસભ્યોને ખજુરાહો લઈ જવાયેલા, એ જ રીતે શિવસેના વિરુદ્ધ બળવો કરવા શિવસેનાના કેટલાક ધારાસભ્યોએ સુરત આવવાનું સ્વીકાર્યું છે. એ બતાવે છે કે કોઈક રીતે પણ ઇતિહાસને પુનરાવર્તન ગમે છે. આમ તો સત્તા પ્રજાના કલ્યાણ માટે મેળવાય છે એવું બહાનું એક સમયે આગળ કરાતું, પણ હવે સત્તા, ટકાવી રાખવા ને આત્મકલ્યાણ માટે મેળવાતી હોવાનું લાગે ને ખરી વાત બીજી હોય એમ પણ બને. આ બધાંમાં જો જનકલ્યાણ થઈ જાય તો તેને અકસ્માત જ ગણવાનો રહે.

શિવસેનાના એક પ્રખર કાર્યકર એકનાથ શિંદેએ, શિવસેનાના જ કેટલાક ધારાસભ્યોને પોતાની સાથે કરી લઈને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સામે બળવો પોકાર્યો છે ને મહારાષ્ટ્રની આઘાડી સરકારને હચમચાવી દીધી છે. ઉદ્ધવ ઠાકરેની સાથે તેમની શિવસેનાના પૂરતા ધારાસભ્યો રહ્યા નથી ને 55માંથી 42 જેટલા શિવસેનાના ધારાસભ્યો એકનાથ શિંદે સાથે વાયા સુરત આસામના ગુવાહાટી પહોંચ્યા છે. ટૂંકમાં, ઠાકરે સરકાર જોખમમાં આવી પડી છે. કયાં તો વિધાનસભાનું વિસર્જન થાય અથવા તો ભા.જ.પ. સાથે મળીને એકનાથ શિંદે સાથેના ધારાસભ્યો યુતિ સરકાર રચે એમ બને. જો ભા.જ.પ. સાથે સરકાર રચાય તો પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડનવીસ ફરી મુખ્ય મંત્રી બને અને એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને એમ બને. આમ તો ભા.જ.પ.ના દેવેન્દ્ર ફડનવીસના દોરી સંચારથી જ વાત આટલે સુધી આવી છે એમ પણ લાગે છે. તેનું એક કારણ એ પણ ખરું કે ફડનવીસ અને શિંદે એકબીજાની નજીક છે. એમ પણ મનાય છે કે દિલ્હી દરબારથી આનાં પાનાં ચીપાયાં છે ને ભા.જ.પ.ની આમ પણ કેન્દ્રીય નીતિ એ રહી છે કે જ્યાં પણ ભા.જ.પ. સિવાયની સરકારો છે ત્યાં તે ખસેડીને ભા.જ.પ.નો દાણો ચાંપી જોવો. એ જ ખેલ મહારાષ્ટ્રમાં પણ પડ્યો લાગે છે.

એ જે હોય તે, પણ અત્યારે તો ઉદ્ધવ ઠાકરે, પરિસ્થિતિને પામીને મુખ્ય મંત્રી પદ છોડવાનું મન બનાવીને  બેઠા છે. તેમણે એ વાત એકનાથ શિંદે સુધી પહોંચાડી છે ને અપેક્ષા રાખી છે કે આ ધારાસભ્યો પાછા ફરે. આનો પડઘો શિવસેનાના સાંસદોમાં પણ પડ્યો છે. આમ પણ ઠાકરેએ મહારાષ્ટ્ર પૂરતું જ શિવસેનાનું મહત્ત્વ સ્વીકાર્યું હોય તેમ કેન્દ્રમાં શિવસેનાની જમાવટ બાબતે ઓછી જ ચિંતા કરી છે. એને કારણે શિવસેનાના સાંસદો ઉદ્ધવ ઠાકરેથી નારાજ છે. તેમાં એકનાથ શિંદેએ માથું ઊંચક્યું એટલે તેમની નારાજગી ઠાકરે પ્રત્યે વધી છે. જો કે, સાંસદો કે ધારાસભ્યોમાંથી કોઈ શિવસેના છોડવા રાજી નથી. તેમની નારાજગી ઠાકરે સામે છે, શિવસેના સામે નહીં. આમ પણ પક્ષપલટાનો કાયદો છે એટલે કોઈ શિવસેનાને છોડીને બીજા પક્ષમાં જવા તૈયાર નથી. શિવસેનાની મજબૂત સંગઠન તરીકેની છાપ છે, તો સવાલ એ થાય કે શિવસેનાને શિવસેનાના જ ધારાસભ્યો જોખમમાં મૂકવાં તૈયાર કેમ થયા? એકનાથ શિંદે જેવા થાણેના રિક્ષાચાલકની પહોંચ ઉદ્ધવના ગળા સુધી કેમનીક વિસ્તરી? એવું ન હતું કે એકનાથ શિંદે પાસે મંત્રીપદું ન હતું. એકનાથ ઉદ્ધવની સરકારમાં મંત્રી હતા જ. ઉદ્ધવને એકનાથ સાથે બાપે માર્યા વેર પણ ન હતાં, એકનાથની શક્તિથી ઠાકરે પૂરેપૂરા પરિચિત હતા, બંને નજીક પણ હતા, છતાં એવું બન્યું કે એકનાથે જીવ પર આવી જઈને ઉધ્ધવ સામે જ મોરચો માંડ્યો.

એક સમયે એકનાથ શિંદે થાણેમાં રિક્ષા ફેરવતા હતા. શિવસેનાના તેજસ્વી ને પ્રખર નેતા આનંદ દીઘેની પ્રતિભાથી અંજાઈને એ શિવસેનામાં પ્રવેશે છે. દીકરા-દીકરી ડૂબી જતાં રાજકારણ છોડે છે ત્યારે દીઘે જ તેને પાછા લાવે છે. પછી તો દીઘેનું જ અકસ્માતમાં મૃત્યુ થાય છે ને એ રાજ્કીય વારસો એકનાથને મળે છે. દીઘેનું તેજ એટલું પ્રખર હતું કે બાળાસાહેબ ઠાકરેને પણ પોતાનું પદ જોખમમાં લાગેલું. દીઘેના મૃત્યુ પછી એકનાથ બાળાસાહેબથી પ્રભાવિત રહ્યા ને ચાર વખત વિધાનસભામાં પહોંચ્યા. એટલે રિક્ષા ફેરવવાથી માંડીને એકનાથને ધારાસભ્યો ફેરવવા સુધીનો અનુભવ હાથવગો થયો. વાત હવે ઉદ્ધવ સરકારની અનિશ્ચિતતા પર આવી છે ને એ એકનાથને કારણે બન્યું છે. એકનાથને એ ખબર છે કે માથું ઊંચકવાનું પરિણામ શું આવશે? વિધાનસભા ભંગ કરવી પડે એવી શક્યતાઓ નકારી શકાય નહીં. એ જુદી વાત છે કે રાજ્યપાલ વિધાનસભા ભંગ ન કરે ને યુતિ સરકારની શક્યતા પણ ચકાસી જુએ. ચૂંટણી યોજવાને આમ પણ બે વર્ષની વાર છે, ત્યાં રાજ્યપાલ ‘વિધાનસભા ભંગ’ જેવો નિર્ણય ન કરે એમ બને. એટલે લાગે છે તો એવું કે શિવસેનાના 42 અને અપક્ષના 7 મળીને 49 ધારાસભ્યોને સાથે રાખીને ભા.જ.પ. સાથે સરકાર રચાય. એકનાથ શિંદેએ રાજ્યપાલને એવો પત્ર પણ લખાવ્યો છે કે ભા.જ.પ. સાથેની યુતિથી સરકાર રચાય. પણ એ હવે ત્યારે જ શક્ય છે જો એકનાથ શિંદે ગુવાહાટીથી પરત થાય. એ આવે ને ભા.જ.પ. સાથે બહુમતની સ્થિતિ સર્જાય તો જ જુદું કૈં શક્ય છે. એવું થાય તો એકનાથ શિંદે પોતે મુખ્ય મંત્રી થાય એમ બને અથવા તો દેવેન્દ્ર ફડનવીસ મુખ્ય મંત્રી થાય અને એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને.

એવું ઘણાંને લાગે કે એકનાથ શિંદેએ મંત્રી થવા આખો ત્રાગડો રચ્યો છે, પણ એવું નથી. મંત્રીપદ તો હતું જ ને ઉદ્ધવ સાથે કોઈ હિસાબ પતાવવા આ કર્યું છે એવું પણ નથી. શિવસેના જે સિદ્ધાન્ત કે આદર્શોને કારણે શિવસેના બની તેનું સ્વરૂપ ઝાંખું પડી રહ્યું છે એવું લાગતા આ બળવો પોકારવાની શિંદેને ફરજ પડી છે. એ ખરું કે 2019માં યુતિ સરકાર રચાઇ ત્યારે મુખ્ય મંત્રીની રેસમાં એકનાથ શિંદેનું નામ મોખરે હતું. એવું લાગતું હતું કે શિંદે મુખ્ય મંત્રી બનશે ને ઉદ્ધવ શિવસેના પ્રમુખ રહીને સેનાની જવાબદારી સંભાળશે, પણ છેલ્લી ઘડીએ ઉદ્ધવ આગળ થઈ ગયા ને એકનાથને મહારાષ્ટ્રનું શહેરી વિકાસ ખાતું ફાળવાયું. આ પણ બળવાનું મુખ્ય કારણ નથી. કારણ છે હિન્દુત્વ. કોઈ માને કે ન માને, પણ શિવસેનાનું તો સૂત્ર જ હિન્દુત્વ રહ્યું છે. એટલે એ તો માને જ, પણ શિવસેના પણ માનવામાં ઢીલી પડે તો એ શિવસેના જ કેટલી રહે એ વિચારવાનું રહે.

શિવસેનાની સ્થાપના મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેએ મરાઠી લોકોમાં પ્રચંડ હિન્દુત્વ જગાવવા કરી હતી. શિવસેનાની નીતિ રીતિ સામે મુંબઈગરાઓને કે અન્યોને વાંધા હોઈ શકે છે, એક સમયે આમચી મુંબઈને નામે મુંબઈમાં મરાઠી સિવાયની પ્રજાનો વાંધો પણ ઊઠવાયેલો, એમાં ગુજરાતીઓને પણ અન્યાય થયેલો ને હવે પછી પણ ત્યાં રહેનારા ગુજરાતીઓને થાય એમ બને, કારણ, મહારાષ્ટ્ર સરકારને હચમચાવવામાં સુરત નિમિત્ત થયું છે, પણ એટલું તો સ્પષ્ટ છે જ કે શિવસેનાનો વાઘ પ્રચંડ હિન્દુત્વને ત્રાડતો હતો. એ હિન્દુત્વનો મુદ્દો ગૌણ બની જતો એકનાથ શિંદેને લાગ્યો. એમ લાગવાનું કારણ, એન.સી.પી. અને કાઁગ્રેસ સાથે યુતિ સરકાર રચાઇ એમાં પડેલું છે. આ બંને પક્ષો સાથે માત્ર સરકાર રચવા જ જોડાવાનું બન્યું, બાકી આ બંને પક્ષોને હિન્દુત્વ જોડે પહેલેથી જ બહુ લેવાદેવા ન હતી. નથી. એ યુતિને કારણે સ્થિતિ એ સર્જાઇ કે હિન્દુત્વનો શિવસેનાનો મૂળ મુદ્દો જ ગૌણ થઈ ગયો. એમાં ઉદ્ધવ ઠાકરેનું હિન્દુત્વ સોફ્ટ પુરવાર થતું શિંદેને જણાયું ને એમણે ઉદ્ધવનું વારંવાર ધ્યાન પણ દોર્યું, પણ સત્તામાં રહેવા કે પોતાની ઢીલી માન્યતાને કારણે કદાચ, હિન્દુત્વની ગર્જના ઊઠી જ નહીં ! કાઁગ્રેસને અને એન.સી.પી.ને તો એ જ જોઈતું હતું. કાઁગ્રેસને તો હતું કે ઉદ્ધવ મુખ્ય મંત્રી બને તો જ ગઠબંધન કરવું, કારણ એના સોફ્ટ હિન્દુત્વની હવા ત્યારે પણ હતી. એનું પરિણામ એ આવ્યું કે શિવસેનાનું જોર ઘટતું ગયું ને એનો લાભ બીજા પક્ષો લેતા થયા. આ બધું એકનાથ અને અન્ય શિવ સૈનિકોને પચાવવાનું ભારે થઈ પડ્યું. જો શિવસેનાનો અવાજ બુલંદ કરવો હોય તો એ કાઁગ્રેસ સાથે રહેવાથી શક્ય ન હતું. એટલે કાઁગ્રેસ કે એન.સી.પી. સાથે રહેવાય કે ન રહેવાય, પણ શિવસેના રહે એ માટે પણ શિવસેનાની સામે જ શિવસેનાએ અવાજ ઉઠાવવો પડયો. એ કામ એકનાથ શિંદેએ કરવાનું આવ્યું.

એટલે જે ધારાસભ્યો ઉદ્ધવના હિન્દુત્વ બાબતના નરમ વલણથી સંતુષ્ટ ન હતા તેમણે શિંદેની સાથે જવાનું સ્વીકાર્યું ને એવા ધારાસભ્યો અપક્ષ સાથે 49 થયા. ઉદ્ધવ સાથે 55માંથી 13 જ ધારાસભ્યો રહેતાં મુખ્ય મંત્રી પદ છોડવું પડે એ નોબત આવી. ઉદ્ધવે પણ તેનાં સૌ સમર્થકોને ને શિવસેનાના પદાધિકારીઓને ‘માતોશ્રી’માં ભેગા થવાનો આદેશ આપ્યો છે જેથી આગળની રણનીતિ નક્કી થઈ શકે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે પણ એકનાથ શિંદેને કહેણ મોકલ્યું છે કે શિવસેના, કાઁગ્રેસ અને એન.સી.પી. સાથેનું ગઠબંધન તોડવા તૈયાર છે, પણ એકવાર આવીને શિંદે, ઉદ્ધવ સાથે વાત કરે. કાઁગ્રેસે જોયું કે ગઠબંધન કદાચ તૂટે ને બીજો મુખ્ય મંત્રી આવે તો તેણે સ્ટેન્ડ બદલ્યું કે કાઁગ્રેસ રહેતી હોય ને મુખ્ય મંત્રી બદલાતો હોય તો તેને ઉદ્ધવ બદલાય તો પણ વાંધો નથી. આ એ જ કાઁગ્રેસ છે જે કહેતી હતી કે ઉદ્ધવ મુખ્ય મંત્રી બને તો જ તે ગઠબંધન કરવા તૈયાર છે. ઠીક છે, કાઁગ્રસ આવું ન કરે તો આઘાત લાગે.

એમ લાગે છે કે ગઠબંધન તૂટશે. ભા.જ.પ. પણ તેના દાવમાં સફળ થશે ને તે મુખ્ય મંત્રી એ જ રાખે અથવા બદલે એમ બને. પણ, આમાં એકનાથ શિંદે નાયબ મુખ્ય મંત્રી બને એવી શક્યતાઓ વધારે છે. શરદ પવારે તો એકનાથને જ મુખ્ય મંત્રી બનાવવાની વાત કરી છે. તો, આ છે સ્થિતિ. હિન્દુત્વનો મુદ્દો મોળો પડતા એકનાથે જે અવાજ ઉઠાવ્યો, તે હેતુ ફળતો દેખાય છે. એમાં કોનો ઘડો લાડવો થાય છે ને એકનાથ, એક અનાથ તો નથી થતાને તે જોવાનું રહે. આ બધાંમાં પ્રજાનું કોઈને સપનું પણ પડે એવું લાગે છે? હવે રાજકારણ જ મુખ્ય છે. કાવાદાવા, દાવપેચમાંથી કોઈ પરવારે તો પ્રજા યાદ આવેને ! જોઈએ, કાલ કેવી ઊગે છે તે –

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જૂન 2022

Loading

અધૂરી રહે !

"પ્રણય" જામનગરી|Opinion - Opinion|24 June 2022

માંડેલી વારતાઓ અધૂરી રહે !
આદરી જાતરાઓ અધૂરી રહે !
વાગતી ઝાલરો આરતીની; અને,
ફર-ફરકતી ધજાઓ અધૂરી રહે !
ભાઇબીજ્ના બહેન વાટ જોતી રહે,
વ્રત અને વ્રતકથાઓ અધૂરી રહે !
આસ્થાઓ નિરાધાર એમ જ થતી,
માનેલી માનતાઓ અધૂરી રહે !
કોઇ કારી ન ફાવે તબીબોની પણ,
સારવારો-દવાઓ અધૂરી રહે !
શ્વાસ એવી રીતે લડથડી; થંભતો,
છંદની માતરાઓ અધૂરી રહે !
છેક મક્તા સુધી પ્હોંચતી ના ગઝલ,
સહુની જીવનકથાઓ અધૂરી રહે !
મૌજે-દરિયા ભલે હોય કોઈ અહીં,
એની સઘળી મજાઓ અધૂરી રહે !
ડાઘુઓ લાશ લઇ ચાલતા થઇ જતા,
સહુ – ‘પ્રણય’ – શક્યતાઓ અધૂરી રહે !

તા. ૦૬/૧૧/૨૦૨૧

મૌજે-દરિયા = મૌજીલું, આનંદી સ્વભાવનું માણસ

Loading

...102030...1,4791,4801,4811,482...1,4901,5001,510...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved