Opinion Magazine
Number of visits: 9569867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કુંભાર કરતાં ગધેડાં ડાહ્યાં …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|23 May 2022

સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગના એક ડોક્ટરે દરદીના સગાને ધમકી આપી કે સાંજ સુધીમાં બીજા ત્રણ હજાર નહીં મળે તો ઓપરેશન કરીને જે સળિયો નાખેલો છે તે કાઢી લઈશું. દરદી પાસે બી.પી.એલ. કાર્ડ હતો ને તેની પાસેથી પૈસા લેવાના ન હતા, છતાં પૈસાની માંગણી થઈ. આ અગાઉ એ દરદી પાસેથી પાંચ હજાર તો લઈ જ લેવાયા હતા ને બીજા ત્રણ હજારની માંગણી તો ઊભી જ હતી. આ મામલે હવે સમિતિ રચાઇ છે ને એ નાટક તો ચાલશે રાબેતા મુજબ, પણ પૈસા માંગવાની ને દરદીને મારવાની વાત સિવિલમાં નવી નથી. મુદ્દો વર્તણૂકનો છે. ડૉક્ટર કક્ષાનો માણસ સળિયો કાઢી લેવાની વાત કરે તે આઘાતજનક છે. આમ તો માણસાઈ માણસમાં જ હોય છે ને તે ત્યાં ન હોય તો બીજે ક્યાં ય હોતી નથી. એ માણસાઈ ડૉક્ટર ન દાખવે તો કોણ દાખવશે? ડૉક્ટર હોય તો સાવ અભણ તો ન જ હોય. ડૉક્ટર હોય તો સાવ નિર્દયી પણ ન જ હોય. એ પણ એટલું જ સાચું કે ધારો કે દરદી પૈસા ન આપે તો ડૉક્ટર સળિયો નહીં જ કાઢે, કારણ તે ડૉક્ટર છે, કસાઈ નથી. કસાઈ પણ આવું ન કરે, પણ જે ઉદ્ધતાઈ ને બેશરમી આજના લોકોમાં દાખલ પડી ગઈ છે તે આઘાતજનક છે. નાલાયકી જ જાણે લાયકાત હોય તેમ મોટે ભાગના લોકો વર્તે છે. ગમે એટલી પ્રગતિ થઈ હોય ને ગમે એટલો વિકાસ થયો હોય, તો પણ માનવીય અભિગમ બચે નહીં તો એ વિકાસ નથી, એનો છેડો વિનાશમાં જ નીકળે છે તે સમજી લેવાની જરૂર છે.

બીજી એક ઘટના એવી છે જેમાં ચૌદ વર્ષની દીકરી સાથે સગો બાપ જ મહિનાઓથી છેડછાડ કરે છે. દીકરીને લાગ્યું કે માને કહીશ તો તે સાચું નહીં માને એટલે તેણે ચાઇલ્ડ હેલ્પ લાઇનની મદદ લીધી. બાપ સગી દીકરીને પરાણે ભોગવે એવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે એટલે લાગણી, વાત્સલ્ય કઇ હદે દાવ પર લાગ્યાં છે તે સમજી શકાય એવું છે. આમન્યા, મર્યાદા ન જાળવવાથી જ સુધરેલા ગણાઈએ એવું ચિત્ર ઘણા સમાજમાં ઉપસે છે. બાપ-દીકરી કે મા-દીકરાનો પ્રેમ હજી નિર્મૂળ થયો નથી, પણ આવી ઘટનાઓ આવનાર ભવિષ્ય માટે દહેશત જગાવે તેવી છે. જગતમાં સારું હજી છે, પણ જે ગતિથી નિર્લજ્જતા, નાલાયકી અને નફફટાઈનો વધારો થઈ રહ્યો છે તે ચિંતા ઉપજાવનારો છે.

એક ઘટના મધ્ય પ્રદેશના મનાસાના નિમચની છે. રતલામ જિલ્લાના સૌથી વૃદ્ધ સરપંચનો આખો પરિવાર 15 મેના રોજ પૂજા માટે ચિત્તોડગઢ ગયો હતો. ત્યાં સરપંચનો 65 વર્ષનો અસ્થિર મગજનો દીકરો ભંવરલાલ જૈન 16 મેએ પૂજા પછી ગુમ થઈ ગયો. એનો ગયા ગુરુવારે, મનાસા પોલીસ સ્ટેશનથી અડધો કિલોમીટરને અંતરે, મૃતદેહ મળી આવ્યો. આ વૃદ્ધનો એક વીડિયો વાયરલ થયો છે. એમાં ભંવરલાલને એક માણસ ધડાધડ તમાચાઓ ઠોકે છે. વૃદ્ધ તેને રોકવાની કોશિશ કરે છે, પણ પેલો માણસ માર્યે જ જાય છે. એવો આરોપ એ માણસ પર છે કે એના મારથી વૃદ્ધનું મૃત્યુ થયું છે. પોલીસ ફરિયાદ થઈ છે. આ આરોપી બી.જે.પી. નેતા છે ને મરનાર ભંવરલાલ પણ બી.જે.પી. નેતાનો ભાઈ છે. આરોપીએ ભંવરલાલને ધડાધડ તમાચાઓ એટલે માર્યા કે તેને શક હતો કે તે મુસલમાન છે. તેણે ભંવરલાલ પાસેથી આધારકાર્ડની માંગણી કરી, પણ અસ્વસ્થ મનોદશાને કારણે ભંવરલાલ સાચી ઓળખ ન આપી શકયો. મારનાર બી.જે.પી. નેતાની ઓળખ દિનેશ કુશવાહા તરીકે થઈ છે. તે ભા.જ.પ. યુવા મોરચા અને જિલ્લા નિગમમાં પદાધિકારી છે. તેની પત્ની મનાસા નગરપરિષદમાં ભા.જ.પ.ની જિલ્લાધિકારી છે. આરોપીએ જ વીડિયો વાયરલ કર્યો જે ભંવરલાલના સંબંધીઓની નજરે ચડયો ને એને આધારે પોલીસે દિનેશની ધરપકડ કરી છે. જૈન સમાજ અને પરિવારજનોની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે કલમ 302 અને 403 આરોપી પર લગાવી છે.

એ ખરું કે સચ્ચાઈ, અચ્છાઈ હજી બચી છે, પણ આ અને આવી ઘટનાઓ પરથી એમ લાગે છે કે હોદ્દાની, ઉંમરની કોઈને જરા જેટલી પણ શરમ નડતી નથી. ખબર નહીં, પણ કેમ, કારણ વગરની તુમાખી, બદમાશી, હલકટાઈ બતાવવાનું ઝનૂન હાલની પ્રજામાં સામાન્ય થઈ પડયું છે. પૈસાનો, સત્તાનો છાક એવો છવાયો છે કે રાઈ, રસોઈમાં વપરાવાને બદલે મગજમાં ભરાઈ ગઈ છે. એક રેસિડેન્શિયલ ડૉક્ટર પણ હોસ્પિટલ પોતાને નામે ચડી ગઈ હોય તેમ ગમે તેને દબડાવતો થઈ જાય છે. એને એ ખબર જ નથી પડતી કે પોતે સિવિલનો એક ડૉક્ટર છે ને તેને કોઈ અધિકાર નથી પહોંચતો, દરદીને એમ ધમકાવવાનો કે પૈસા નહીં મળે તો નાખેલો સળિયો પગમાંથી ફરી કાઢી લેવાશે. એક ડૉક્ટર આવી વાત કરી જ કઇ રીતે શકે? ડૉક્ટર આટલો બધો પોતાના ધંધાથી ડિટેચ્ડ ને મતલબી હોઈ શકે? એનામાં સંવેદના જેવું કૈં હોય જ નહીં એ કેવું? એનામાં ને ટપોરીમાં કોઈ ફેર જ નહીં? જો કે, બધા એવા નથી તે આશ્વાસન છે, પણ ચિંતા પણ છે જ કે બધા આવા થઈ રહ્યા છે. ડોકટરોને દરદીઓ પણ ધાકધમકી આપે છે ને તેમના પર હુમલાઓ પણ કરે છે, એ જો ખરાબ હોય તો ડોકટરો ધમકી આપે એ પણ એટલું જ ખરાબ છે.

સ્ત્રીઓ અનેક રીતે શોષણનો ભોગ થતી આવી હોય ત્યાં બાપ જ ઊઠીને દીકરીને બગાડે એ તો બધી રીતે અક્ષમ્ય છે. તેને થઈ શકે તેવી મહત્તમ સજા થવી જ જોઈએ. જે દીકરી માટે સૌથી મોટું આશ્વાસન હોય, જેની છાયામાં દીકરી સૌથી વધુ નિર્ભય હોય એ છાયા આટલી દાહક કેવી રીતે હોય? બીજાના ત્રાસથી થાકીને જે દીકરી બાપની છાયામાં દોડી આવતી હોય એ જ છાયા અગ્નિસંસ્કારની ગરજ કેવી રીતે સારી શકે? સામાજિક સંબંધો ને વાત્સલ્ય દાવ પર લાગ્યાં હોય એવા દિવસોમાં આપણે જીવી રહ્યાં છીએ. એમ લાગે છે કે બહારથી બધું ટાપટીપવાળું છે, પણ અંદરથી બધું સડી ગયું છે.

દેખાડાનો યુગ ચાલે છે. એમ લાગે છે કે બધાં જ પોતાની વેચાણકિંમત લગાવીને બજારમાં વેચાવા ઊભાં છે. બધાં જ પોતાનો ભાવ ઉપજાવવા બોલી લગાવી રહ્યા છે. આમ જેનું કૈં ઉપજે એમ નથી તે વધારે બૂમાબૂમ કરે છે. આવી હલકટાઈનો મોટો ફાલ ઊતરી રહ્યો છે. સાધારણ નેતા, જે કોઈ મોટા હોદ્દે પણ નથી ને હોય તો પણ તેને, તેનાથી મોટી ઉંમરના વૃદ્ધને તમાચા મારવાનો શો અધિકાર છે ને તે પણ કઇ વાત પર? ભા.જ.પ.ના દિનેશ કુશવાહાને શક હતો કે ભંવરલાલ મુસલમાન છે. તેની પૂછપરછ કરવાનું દિનેશ કુશવાહાને કયું કારણ હતું તે નથી ખબર. એવી પૂછપરછ વાતચીત પૂરતી સીમિત હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ તે ધડાધડ તમાચા મારવા સુધી પહોંચે એ કોઈ રીતે ક્ષમ્ય નથી. ધારો કે કુશવાહાને  કોઈ વાતે શંકા હોય તો તે પોલીસને સોંપી શકે, પણ તે પોતે હિંસક ન્યાય કરવા બેસે એ જંગાલિયતનો નિર્લજ્જ નમૂનો છે. ભંવરલાલ કોણ છે એ નક્કી કરવાનું કોઈકે એને સોંપ્યું હતું કે એને એમ જ શૂરાતન છૂટ્યું હતું ને તેણે વૃદ્ધનો જીવ લીધો એ નથી ખબર. કોઈ મુસ્લિમ હોય એટલી શંકા પરથી તેને મારવા કેમ લેવાય? એ હિન્દુ હોય કે મુસલમાન કે કોઈ પણ કોમનો જ કેમ ન હોય, એની સાથે દિનેશને લેવાદેવા જ શી હતી? એ મુસલમાન હોય તો પણ એને શું દુખતું હતું તે નથી સમજાતું. મુસ્લિમ સમજીને ભંવરલાલને દિનેશે માર્યો ને એ ભા.જ.પ.નો જ સંબંધી નીકળ્યો તો એને એ હવે જીવતો કરી શકે એમ છે? જો નહીં, તો એનો જીવ લેવાનો એ નેતાને શો અધિકાર હતો? એ અધિકાર એને આપ્યો કોણે? એ આપનારે એને જીવ લેવાની સત્તા પણ આપી હતી કે શું?

છેલ્લા થોડા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે અમુકતમુક પક્ષના હોવા માત્રથી ઉદ્ધતાઈથી, બેશરમીથી, તુમાખીથી વર્તવાનું જાણે લાઇસન્સ મળી ગયું હોય તેમ પક્ષના કાર્યકરો વર્તી રહ્યા છે. એમાં હોદ્દો જેટલો નાનો તેટલો રુઆબ મોટો. ઉચ્ચ હોદ્દે બિરાજનારા આટલા છીછરા ભાગ્યે જ કોઈ હશે, પણ નાનાં હોદ્દે બેસનાર વધારે વહેમથી પીડાતા હોય છે. બધું સુધારી દેવાનું એમને જ કહી દેવાયું હોય તેમ અમસ્તા જ આ સજ્જનો કોલર ઊંચા રાખતા થઈ જાય છે ને ઘાટ ગાડાં નીચે ચાલતાં કૂતરાથી બહુ જુદો હોતો નથી. એમને એમ જ લાગે છે કે પક્ષ એને લીધે જ છે. આ સારું નથી. એમાં એમનું તો ખાસ બગડતું નથી, પણ પક્ષની ઇમેજને એથી ધોકો જરૂર પહોંચે છે. પક્ષના મોવડી મંડળે પણ આવાં છીછરાં તત્ત્વોને ઓળખીને તેમને  નિયંત્રિત કરવા જોઈએ. વાત, દિનેશ કુશવાહા પૂરતી કે અહીં નિર્દેશી એટલી ઘટનાઓ પૂરતી જ સીમિત નથી, એવા ઘણાં છે જેમને એમ જ લાગે છે કે પક્ષે તેમને હિટલર બનવાનો પરવાનો આપી દીધો છે ને હવે એ ધારે તેને ગેસ ચેમ્બરમાં ધકેલી શકે એમ છે. આવાં માણસો ન્યાય ગજવામાં લઈને ફરે છે ને ગમે તેનો ન્યાય રસ્તામાં જ કરી નાખે છે. ભંવરલાલનું મોત એનો તાજો દાખલો છે. રાજકીય પક્ષોએ એ જોવાની જરૂર છે કે તેના કાર્યકરો બેફામરીતે ન વર્તે.

ને પક્ષ કે કોઈ કહે તો જ આપણને સમજાય એ કેવું? એક સાધારણ માણસ પોતે ન સમજી શકે એવી અઘરી બાબત છે આ? ડૉક્ટરને એ ભણાવવું પડે કે દરદી એને ભગવાન માને છે તો એ ભગવાન પાસે મોકલી આપવા જેવી અભદ્રતા ન જ દાખવે કે બાપને એ કહેવું પડે કે કમ સે કમ દીકરીને તો દીકરી રહેવા દે ! સામેનો માણસ હિન્દુ છે કે મુસ્લિમ એ નક્કી કરવાનું ફરજમાં ન આવતું હોય તો કોઈ પક્ષના હોવા માત્રથી કોઈ પણ એવી દાદાગીરી કે ગુંડાગીરી ન જ કરી શકે જે તેને ને તેના પક્ષને જોખમમાં મૂકે.

ખરેખર, સારા થવું આટલું ખરાબ તો ક્યારે ય ન હતું !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 મે 2022

Loading

રામભક્ત રંગબાજ : કોમી રંગની વાસ્તવિકતા ચિતરતી નવલકથા!

કિરણ કાપુરે|Opinion - Opinion|23 May 2022

રાકેશ કાયસ્થ હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે, અને અત્યારે તે નામ ચર્ચામાં છે, તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના કારણે. રાકેશ કાયસ્થ મૂળે પત્રકાર છે અને તેઓ દેશના ગ્રામિણ પરિવેશથી માંડીને શહેરી ચમકદમક ભર્યાં જીવનને સારી રીતે સમજે છે. તેમનાં પુસ્તકના ફ્લેપ પર આપેલી તેમની ઓળખમાં તેમનું મુખ્ય કાર્ય ન્યૂઝ ટી.વી. ચેનલમાં રાજકીય વ્યંગ લખવાનું રહ્યું છે. તે ઉપરાંત તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ અને ‘મૂવર્સ એન્ડ શેખર્સ’ નામના જાણીતા શૉ માટે સ્ક્રિપ્ટ લખી છે. આ રીતે વર્ષો સુધી તેમનું કાર્ય ન્યૂઝ ટેલિવિઝન સાથે રહ્યું અને આ સાથે તેમણે રાજકીય વ્યંગલેખન પણ કર્યું. તેમનો વ્યંગસંગ્રહ ‘કોસ કોસ શબ્દકોશ’ હિંદી વાચકોમાં ખૂબ વંચાયો છે અને તે પછી તેમની નવલકથા ‘પ્રજાતંત્ર કે પકોડે’ પણ લોકપ્રિય થઈ છે. પણ અત્યારે આવેલી તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ની ચર્ચા ખૂબ થઈ રહી છે. જે સમયે આ નવલકથા આવી છે તે સમયમાં તેની કથાવસ્તુ આપણી આસપાસ ભજવાઈ રહી હોય તેમ લાગે છે અને તે કારણે તે વધુ પ્રસ્તુત છે.

હિંદી સાહિત્યમાં રાજકીય ધારદાર વ્યંગ લખવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુકલ, શરદ જોશી અને અશોક ચક્રધર જેવાં નામો તેમાં તરત સામે આવે છે. રાકેશ કાયસ્થના વ્યંગ હિંદીના આ જાણીતા વ્યંગકારોમાં સ્થાન પામશે એવો દાવો અત્યારે થઈ રહ્યો છે. આ દાવો થાય છે ખાસ કરીને ‘રામભક્ત રંગબાજ’ નવલકથાના કારણે. જેમાં તેમની કથાવસ્તુ હિંદુ-મુસ્લિમના સંબંધને જોડીને કહેવાઈ છે. પહેલાં તો નવલકથાનું નામ સાંભળીને એમ થાય કે તેમાં હિંદુ રાષ્ટ્રની કલ્પના હશે અને તેમાં હાલમાં થઈ રહેલાં જાતભાતનાં વિવાદોનો શોરબકોર હશે. પરંતુ તેવું જરા ય નથી અને લેખકે શરૂઆતમાં જ આ ભ્રમ ભાંગ્યો છે. અને પછી આપણી આસપાસ જે હિંદુસ્તાની પરિવેશ નિહાળીએ છીએ તે નાજુક દોરાથી જોડાયેલાં સમાજદર્પણ લેખક કરે છે. તેની સાથે એક વાર્તા આગળ વધી રહી છે. વાર્તાનો નાયક છે આશિક. નાયકથી વધુ તેને એક પાત્ર કહેવું યોગ્ય છે. આ પાત્ર મુસ્લિમ છે અને તે દરજીનું કામ કરે છે. આરામગંજ ચૌક પર તેની દુકાન છે અને મુસ્લિમ મહોલ્લા રૈયત ટોલીમાં તેનું ઘર આવેલું છે. તે તેના કામથી વધુ પોતાના વાતો કરવાના અંદાજથી વધુ ઓળખાય છે. અને આશિક દ્વારા જ સંવાદમાં એક વાક્ય આવે છે કે ‘ખાતે તો હમ વહી હૈ, જો હમે હમારે રામજી દેતે હૈ.’ હવે જન્મે મુસલમાન આશિક એક ઘોષિત ‘રામભક્ત’ છે. તે રામભક્ત બન્યો ઇંદ્રદેવ પાંડેના કારણે, જેની પાસે તેનું શિક્ષણ લીધું. માટે જ તે રામ અને રામના મહિમાથી પરિચિત છે અને ઘરમાં જે માહોલ છે તેના કારણે તે અલ્લાહ પણ આસ્થા ધરાવે છે. જો કે પાંડે પાસેથી શિક્ષણ લેતાં લેતાં સહજ રીતે તેના મોઢે રામ વધુ આવે છે. અને તે કારણે આરામગંજના લોકો તેને રામભક્ત કહે છે. તે મહિલા અને પુરુષ બંનેનાં કપડાં સીવે છે અને મહિલાઓ સાથે તેનો ઠીકઠીક પરિચય પણ કેળવાયો છે એટલે આરામગંજના તેના યુવાસાથીઓ તેને ‘રંગબાજ’ કહીને સંબોધે છે.

આપણા દેશના કોઈ પણ નાનાં શહેરોની પૃષ્ઠભૂમિ લઈએ તો ત્યાં આ પ્રકારનું વાતાવરણ જડી આવશે. આશિક જેવા પાત્રો પણ અને તેની આસપાસની આવી રસપ્રદ સૃષ્ટિ પણ. અહીંયા સુધીની કથાવસ્તુ સુંદર રીતે શબ્દમાં ઉતરી છે અને તેમાં ભારતનો એ પરિવેશ દેખાય છે જે સદીઓથી આપણે જીવી રહ્યા છે. જેમાં દોસ્તી છે, સહભાગિતા છે, અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. અહીંયા હિંદુ-મુસ્લિમોના ઝઘડા થાય તો તેને કોમી રંગ લાગતો નથી. આ ઝઘડાનો દાયરો સીમિત છે.

આ કથાની પૃષ્ઠભૂમિ 1990થી વર્તમાન સુધીની છે અને આરામગંજનો આ માહોલમાં ભંગ ત્યારે પડે છે, જ્યારે અડવાણીની રથયાત્રાનો આરંભ થાય છે. સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રાનો રાજકીય લાભ તેના શરૂ થતાંવેત જ ભા.જ.પ.ને દેખાવા માંડ્યો. આ વાસ્તવિક ઘટનાને પોતાની કલ્પનાની વાર્તાથી લેખક આગળ વધારે છે, પણ ખરેખર તો આ કલ્પના નથી તેમાં દેશના અનેક નાનાં-નાનાં નગરોનું ચિત્ર આલેખિત થતું જાય છે. રથયાત્રાની ચર્ચા આરામગંજ સુધી પહોંચે છે. હિંદુ-મુસ્લિમનો અહીં ભેદ નહીંવત્ હતો ત્યાં પણ લોકો હવે પોતાને હિંદુ-મુસ્લિમ તરીકે જોવા લાગ્યા. અને તેમાં પિસાય છે પહેલાં આશિકનું દરજીકામ અને પછી તે પોતે. આ રીતે ‘રામભક્ત’ આશિક રાતોરાત આરામગંજમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો થઈ જાય છે. મુસ્લિમ મહોલ્લામાં આશિક પર પહેલાંથી જ ‘રામભક્ત’નું લેબલ લાગેલું છે. અને એ રીતે તેના માટે ઓળખની મુશ્કેલી તેની સામે આવે છે કે ખરેખર તે કોણ છે? અહીં લેખક પ્રશ્ન કરે છે કે, “ખરેખર એક વ્યક્તિની ઓળખ શું હોય છે, જે તે પોતે માને કે પછી અન્ય ઠરાવે તે?”

ગતિથી આગળ વધતી આ કથામાં કેટલાંક સંવાદ સમાજનું પરિદૃશ્ય બતાવે છે. અસ્પૃશ્યતા વિશે સમજાવવા અર્થે આશિક એક બહેનને કહે છે : “અરે ચાચી ઇ નયા જમાના હૈ, છુઆછૂત ભલા કૌન માનતા હૈ. રામજી ભી તો કેવટ કી નાવ પર ચઢે ઔર શબરી કે જૂઠે બેર ખાએ થે. ગલત બોલ રહે હૈ તો બતાઈએ.” આ વાતને લઈને તે બહેને આશિકને પોતાની હેસિયત દર્શાવી દીધી. તેમણે કહ્યું : “તુમ કૌન રે? બેસી પંડિતાઈ મત છાંટ, ઔકાત ભુલાઈ ગઈલ બાડે તૂ આપન?” આરામગંજમાં હવે કોમી વંટોળ આવી ચૂક્યો છે, જેમાં આશિક ફસાઈ ગયો છે. રાજકીય નેતાઓ અને કોર્પોરેશને આશિકના મહોલ્લા રૈયત ટોલીને ગેરકાનૂની જાહેર કરી છે. એક તરફ  ‘એર ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’નો નારો બુલંદ થયો અને બીજી તરફ રામભક્ત રંગબાજના મહોલ્લા પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી થઈ રહી છે. આ નાટકીય ઉતાર-ચઢાવ વચ્ચે કોમી દાવાનળથી સમાજ ધાર્મિક આધારે એટલો વિભાજીત થયો નથી જેટલો દેખાય છે. સ્નેહસંબંધ છે અને ન્યાયના પક્ષે ઊભા રહેનારા પણ છે. આશિકના અબ્બૂ કહે છે કે, “ઇંસાન ચાહે જૈસા ભી હો, મગર અંદર સે અચ્છા હી હોતા હૈ.” આ રીતે નવલકથામાં દરેક પ્રસંગે માણસાઈના રંગ પૂર્યાં છે. જો કે હિંદુ મિત્રોની જ મદદથી આશિક કાયદાકીય લડાઈ જીતે છે અને પોતાનો મહોલ્લો સુરક્ષિત કરી શકે છે. પરંતુ તેના આ વિજય વચ્ચે કોમી દાવાનળ શાંત નથી થયો. અને તે અશાંત માહોલમાં જ આશિકને અર્ધવિક્ષિપ્ત વ્યક્તિ પેટ્રોલ છાંટીને સળગાવી દે છે. હત્યા કરનાર નિરંતર એવું સાંભળતો આવ્યો હતો કે મુસલમાન ખરાબ હોય છે અને આશિકની હત્યાથી તેનો કરુણ અંજામ આવે છે.

નવલકથાનો આ હિસ્સો આપણી કોમી માનસિકતાને છતી કરે છે. આશિકનો જનાજો તેના ગુરુ ઇંદ્રદેવ પાંડેના દરવાજાથી પસાર થાય છે, જ્યાં તે હંમેશાં થોડી વાર માટે રોકાતો હતો. પરંતુ આજે ત્યાં રોકાવવું આશિકના હાથમાં નહોતું. પાંડેજી કહેતા હતા, રામનો માર્ગ પીડાનો છે. આશિક પણ પોતાની જાતને એમ કહેતો રહેતો. આ નવલકથાનો અંત નથી. 30 વર્ષ પછી આશિકનો દીકરો ફરી આરામગંજમાં પાછો ફરે છે. તે ન્યૂઝિલેન્ડ સ્થાયી થવા જઈ રહ્યો છે. પરંતુ જતાં પહેલાં તે પોતાના પિતાની કહાની આરામગંજના લોકો પાસેથી સાંભળવા માંગે છે. હાલના સમયમાં જે રીતે મુસ્લિમો તરફ લોકોનું વલણ બદલાયેલું છે તેથી શમી નિરાશા અનુભવે છે. પરંતુ તેમ છતાં દેશ છોડતાં પહેલાં તેને નિર્ણય લેવામાં અસમંજસ છે. શમીનો માનસિક સંઘર્ષ લેખક આ રીતે બયાન કરે છે – “બેહતરી કી ઉમ્મીદ મેં કહીં ઔર ચલે જાના હી હિજરત હૈ. મગર હમ સિર્ફ અપને ફૈસલે ચુન સકતે હૈ. ઉનકે નતીજે નહીં. ક્યા મક્કા સે મદીના જાનેવાગે પગંબર કે વારિસ હમેશા કે લિએ સુખી હો ગયે? શાંતિ કી ખાતિર કૃષ્ણ ને મથુરા છોડકર જિસ દ્વારિકા કા રૂખ કિયા, વહ ભી અંતતઃ અપનોં કે રક્ત મેં નહાકર હમેશા કે લિએ સમુદ્ર મે સમા ગઈ.”

e.mail : kirankapure@gmail.com

Loading

મન્તવ્ય-જ્યોત—7

સુમન શાહ|Opinion - Opinion|22 May 2022

જ્યોત ૭ : ઊર્મિકેન્દ્રી સાહિત્ય ('ઊર્મિશીલ' પણ કહી શકાય) :

ઊર્મિકેન્દ્રી સાહિત્યનો – લિરિકલ લિટરેચરનો – પાયાનો સમ્બન્ધ લિરિક સાથે છે. લિરિક મૂળે તો ગાવા માટે હતું; સંગીત સાથે એનો અવિનાભાવી સમ્બન્ધ હતો. ‘લાયર’ (lyre) નામના તન્તુવાદ્ય સાથે ગવાતું હતું એટલે ‘લિરિક’ કહેવાયું.

કવિજન પાસે ઊર્મિને વિશેની સમજ ન હોય, ગતાગમ ન હોય, તો કાવ્યો નહીં પણ અકાવ્યો સરજાય છે.

લિરિક પોએમ – ઊર્મિકાવ્ય – સામાન્યપણે નાનું હોય, લઘુ કદનું. પદ, ભજન, ગીત, ગઝલ કે સૉનેટ ઊર્મિકાવ્યના પ્રકારો છે. કહેવાની જરૂર નથી કે એ ગાવા માટે છે. ભારતમાં ૧૫-મું શતક ભક્તિયુગ હતો. તે દરમ્યાન પદો, ભજનો અને ઈશ્વરની લીલાનાં સ્તુતિગાન ખૂબ રચાયાં ને ખૂબ ગવાયાં.

સનમ, સાકી અને સૂરા સાથે જિવાતી ઘટનાના કેન્દ્રમાં ગઝલ હતી. ૭મી સદીમાં અરેબિક કાવ્યસષ્ટિમાં ગઝલ જન્મી હતી. એનાં ગાયન થતાં. હકીકતે ગઝલ જાતીય પ્રેમ – સૅક્સ્યુઅલ લવ – સાથે જોડાયેલી, એટલે કે, ‘ઍમેટરી’ પોએમ હતી. ‘ગઝલ’ શબ્દનો અર્થ જ થાય છે, કુંવારી છોકરીઓ જોડે પ્રેમ અને સંવનનની વાતો.

ગઝલમાં, મિલનનો નશો ગવાતો હતો, તો વળી, વિરહનું દર્દ અને પ્રેમીને દર્દમાં ય મળતું એક જુદા જ પ્રકારનું સુખ પણ ગવાતું હતું. એ પછી ગઝલમાં, સૂફીઓએ ગાયેલો આશિકમાશુકનો પ્રેમલક્ષણાભક્તિભાવ ભળ્યો. આપણે ત્યાં મરીઝ આદિ પછી ગઝલનો ચ્હૅરો નગરજીવન ભણીનો થઈ ગયો ને એમાં આધુનિકતાવાદી સંવેદનોએ જગ્યા બનાવી. આજકાલ લખાતી ગુજરાતી ગઝલમાં એવો નર્યો પ્રેમ કે એવી ખરી ભક્તિ તો ક્યાંથી હોય? એ માત્ર પાંચ શેઅરની સુવાચ્ય રચના બનીને રહી ગઈ છે.

૧૩મી સદીમાં પ્રભવેલા સૉનેટની મુખ્ય ધારા પણ પ્રેમકાવ્યોની ધારા હતી. એ ‘સિસિલિયન’ સમ્પ્રદાયના દરબારી કવિઓની સરજત હતી. સૉનેટ પણ ગાયનનો વિષય હતું છતાં દરેક સૉનેટનો પાઠ પણ થતો હતો. એ પછી ૧૪મી સદીમાં પેટ્રાર્ક આવ્યા. એમની કાવ્યસૃષ્ટિમાં, કહે છે કે ૩૭૦ સૉનેટ છે, અને તે બધાં એમણે એમની પ્રિયા લૉરાને સમ્બોધીને રચ્યાં છે. પણ કાળક્રમે, કદાચ શેક્સપીયરનાં ૧૧૪ સૉનેટને કારણે કે પ્રભાવે, સૉનેટમાં ચિન્તન ભળ્યું; જો કે ચિન્તનને લીધે પ્રેમતત્ત્વ ગાયબ થઈ ગયું, સાથોસાથ, ગાયન પણ ગૂમ થઈ ગયું.

આપણે ત્યાં ચિન્તનોર્મિ સૉનેટ્સ લખાયાં તે સારી વાત પણ કોઈ કોઈ સૉનેટરચના એ જ કારણે ઘણી બધી ક્લિષ્ટ અનુભવાય છે. પ્રેમતત્ત્વ હોય અને ગાઇ પણ શકાય એવાં સૉનેટ આપણે ત્યાં બહુ ઓછાં જડશે. કવિઓ ક્રમે ક્રમે એ બે મૂળ વાનાં વીસરી ગયા. આજે તો સૉનેટ કોઇ લખતું જ નથી, કદાચ પ્રેમ કરવાનો અને પ્રેમને ગાવાનો કોઈ કવિ પાસે સમય જ નથી રહ્યો.

જો કે, આપણા ગઝલ અને સૉનેટના કેટલા સર્જકોને મારફાડ પ્રેમનો અનુભવ થયો હશે?

આમ તો ઊર્મિકાવ્યમાં કથકના અથવા કાવ્યનાયકનાં ભાવસ્પન્દનો / વિચારકણો હળવે હળવે રજૂ થતાં હોય છે. પરન્તુ પદ ભજન કે ગઝલની પાયાની જરૂરિયાતો નથી સંતોષાતી, અને તે પર ભાવ કે વિચારનો થોડોક પણ વધારે ભાર મુકાય છે, તો એ પડી ભાંગે છે.

હું વાત કરતો હતો ઊર્મિવિષયક સમજનો, ગતાગમનો. એમાં કપલેટ પણ ઉપકારક નીવડી શકે છે. કપલેટ બે પંક્તિનાં હોય છે. દાખલા તરીકે,

‘જગની સૌ કડીઓમાં
સ્નેહની સર્વથી વડી’.

                   – સુન્દરમ્.

એ પછીના ક્રમે મૂકી શકાય : મુક્તક. દાખલા તરીકે,

‘નથી સાહિત્યને સ્પર્શી શકાતું અલ્પ વાણીથી 

કદી આકાશ ભીંજાતું નથી વાદળના પાણીથી’.

                                                  – મરીઝ.

તે પછી, ઊર્મિકેન્દ્રી સાહિત્યમાં આવે, રાસ. ગરબો. પ્રબન્ધ. ખણ્ડકાવ્ય. આખ્યાન.

કેટલાક મિત્રો પોતાને સામેથી ગઝલકાર કહેવડાવે છે, તો કેટલાક પોતાને ગીતકવિ. એ એમની સમજ પ્રમાણેની નમ્રતા કહેવાય, બાકી, તેઓ કવિ છે.

ઊર્મિકેન્દ્રી કથાઓ પણ હોઈ શકે છે. આરણ્યક, સુકેશી અને સુમેરુની કથાનું નિરૂપણ કરતી ધૂમકેતુકૃત ‘પૃથ્વી અને સ્વર્ગ’ ટૂંકીવાર્તાને હું એમ ગણી શકું. સ્નેહરશ્મિકૃત ‘સ્વર્ગ અને પૃથ્વી’-ને પણ ગણી શકાય. માધ્યમિક શાળાનાં વરસોમાં હું એ બે રચનાઓ બહુ વાંચતો. મને પ્રશ્ન થતો – સાહિત્ય આટલું બધું ગળ્યું ચટપટું અને રંગરંગીન હશે?

કોઈકે સુરેશ જોષીકૃત “છિન્નપત્ર”-ને ઊર્મિકથા કહેલી, પણ સ્વીકારાયેલું નહીં. પરન્તુ, ચુનીલાલ વ. શાહકૃત “જિગર અને અમી” કે યશોધર મહેતાકૃત “સરી જતી રેતી”-ની ગણના એમ જરૂર કરવી પડે.

કેટલીયે રોમાન્ટિક નવલકથાઓ અને ટૂંકીવાર્તાઓ ઊર્મિકેન્દ્રી હોય છે. જગવિખ્યાત દૃષ્ટાન્તો છે, ડી. એચ. લૉરેન્સકૃત “લેડી ચૅટરલિ’ઝ લવર” અને નબાકોવકૃત “લોલિટા”. (“લોલિટા” વિશેના મારા લેખ માટે જુઓ, મારું પુસ્તક, “સાહિત્ય સાહિત્ય – 4”) જેન ઑસ્ટિનકૃત “પ્રાઇડ ઍન્ડ પ્રેજ્યુડિસ”, શાર્લોટ બ્રૉન્ટેકૃત “જેન આયર” કે ઍનિસ નિનકૃત વાર્તાસંગ્રહ “ડેલ્ટા ઑફ વીનસ” એટલાં જ જાણીતાં દૃષ્ટાન્તો છે.

આ વાત તો થઈ વિદ્વાનોએ સઘન અધ્યયનો કરીને વખાણેલી બહુપ્રશસ્ત કૃતિઓની, પરન્તુ એ વિદ્વાનો જેની સામે પણ નથી જોતા એવી હજ્જારો નવલકથાઓ એમાં નિરૂપાયેલા રોમાન્સને કારણે એટલી બધી વંચાય છે કે ન પૂછો વાત. એક વાર હું અમેરિકાના અમારા શ્હૅરની પબ્લિક લાઇબ્રેરીમાં ગયેલો, મને એમ કે રવીન્દ્રનાથ, તૉલ્સતોય, ચેખવ, દૉસ્તોએવસ્કી, કાફ્કા, કામૂ તો મળશે જ, પણ એમાંના એકે ય મહાનુભાવને એની એકાદ કૃતિ સાથે પણ ત્યાં જગ્યા ન્હૉતી અપાઈ ! સાહિત્યકલાના જાદુની એ બીજી છટા બે ઘડી માટે મારા મગજમાં ઊતરતી ન્હૉતી …

કોઈપણ ઊર્મિકાવ્ય કે કાવ્યમાત્ર તેનાં પાઠ તેમ જ ગાન માટે હોય છે. પદ કે ભજન રાગથી બંધાયેલું હોય તો તેનું, ગઝલ મુસલસલ કે અન્યથી હોય તો તેનું, રચના છન્દના લઘુ-ગુરુથી બંધાયેલી હોય તો તેનું, માત્રામેળથી હોય તો તેનું – સર્વનું – સાચવીને પઠન કરવું જોઈએ. મેં જોયું છે કે સારા સારા કવિઓને પણ, પોતાનાં જ કાવ્યોનાં પઠન નથી આવડતાં. ઊર્મિકાવ્યને સંગીતનું શત્રુ સમજનારા કવિઓ પણ હોય છે, પણ તેઓ ભીંત ભૂલે છે. બને કે એમને ગાતાં આવડતું ન હોય.

આપણી આવડત-અણઆવડતના ધોરણે સાહિત્યને વેતરી ન લેવાય.

= = =

(May 22, 2022 : USA)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4771,4781,4791,480...1,4901,5001,510...

Search by

Opinion

  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320
  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved