Opinion Magazine
Number of visits: 9459339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ત્રણ દા’ડા : વામનથી વિરાટ ભણી લઈ જનારા ….

રમજાન હસણિયા|Opinion - Opinion|8 March 2022

દિવસ – 1

'સેવાની અખંડ રામધૂન'

વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગુજરાતમાં વિભિન્ન એકાવન સ્થળોએ જાત-જાતના અને ભાત-ભાતના કાર્યક્રમ આયોજિત થયા, જેના એક ભાગ રૂપે મારે નંદિગ્રામ મુકામે પ્રિય કવિ મકરંદની કવિતાની વાતો કરવા જવાનો અવસર સાંપડ્યો ને એ નિમિત્તે ત્રણ દિવસની આનંદયાત્રાની જે ભેટ કુદરતે આપી એની થોડી વાતો વહેંચું છું.

વક્તવ્ય તો સોમવારે સાંજે હતું પણ રવિવારનો લાભ લેવા રામ, અબ્દુલ, બાસીમ, જ્યોતિબહેન અને હું શનિવારની સાંજે જ કોલેજની પરીક્ષાઓ પૂરી કરીને નીકળી પડ્યાં. બસમાં એક વિદ્યાર્થીમિત્ર વિરુકુમારસિંહે ઊભા થઈને બેસવા જગા કરી આપી, ભાવસભર રીતે પ્રવાસની શરૂઆત કરાવી. સામખિયારી રેલવે સ્ટેશન પર સાડા દસ પછી ટ્રેન આવવાની હતી અને મારું લેસન ૧૦.૨૦ સુધી ચાલ્યું. સાવ છેલ્લી ઘડીએ બધું નક્કી થયું હોવાથી બેસવાની સીટ જ કન્ફર્મ મળેલી. સાથી વિદ્યાર્થી મિત્રો અને બહેન જ્યોતિબહેન સતત મને અનુકૂળતા થાય એની ચિંતા કરતા રહ્યા ને  પોતે મને સુવાડી જાગતા રહ્યાં. સંકળાશની પણ એક મજા હોય છે, તેમાં વધુ નીકટતા કેળવાતી હોય છે. અડધા ઊંઘતાં ને અડધા જાગતાં અમે રાત પસાર કરી. સૌની આંખોમાં છલકાતો ઉત્સાહ ઊંઘને આંખમાં ઝાઝું ટકવા દે તેમ નહોતો. હસતાં-રમતાં ક્યારે વલસાડ સ્ટેશન આવી ગયું ખબર જ ન પડી !

વલસાડ સ્ટેશન પર બે રૂપકડાં સ્વજનો આશાબહેન અને વીરેન્દ્રભાઈ અમને આવકારવા સ્વયં હાજર હતાં. આ આશાબહેન એટલે “ભૂમિપુત્ર” પખવાડિકના અંતિમ પૃષ્ઠને નિત નવી વાર્તાથી શોભાવતાં લેખિકા આશાબહેન અને એમના પતિ તે આશા વીરેન્દ્રવાળા વીરેન્દ્રભાઈ ! આશાબહેનના હાથનો ગરમાગરમ નાસ્તો ને વીરેન્દ્રભાઈના હાથની મસ્ત મજેદાર ચા પીને અમારો આછોપાતળો એવો સઘળો થાક ઓગળી ગયો. આ દંપતીના પ્રેમની સુવાસ આખાયે ઘરમાં પ્રસરતી અમે અનુભવી. એક એક વસ્તુ એટલી સરસ રીતે ગોઠવેલી કે આંખ ત્યાં જ જડાઈ જાય. ઘરની શોભા રૂપકડાં ફર્નિચરથી તો હતી જ, પણ એથીયે વધુ એમાં કામ કરતાં ને ચુપચાપ એકબીજાંને પૂરક બનતાં આ બે પ્રેમીજનો થકી હતી. રસોડામાં બંનેની સહોપસ્થિતિ વૈરાગીને પણ પરણવાનું મન કરાવી દે એવી હતી. અલાયદું વાચન કક્ષ, બેઠક પાસે ગોઠવેલાં લેટેસ્ટ સામયિકો ને એવું તો ઘણું ઘણું પોતાની તરફ અમને ખેંચી રહ્યું હતું. પણ આગોતરા આયોજન મુજબ અમે ફટાફટ તૈયાર થઈને નીકળ્યા પિંડવળની તપોભૂમિની ધૂળ માથે ચડાવવા. એક સારા શિક્ષકની અદાથી ગાડીમાં બેસતાંવેંત વીરેન્દ્રભાઈએ 'એક્ત્વની આરાધના' નામક એક નાનકડી બુકલેટ બધાના હાથમાં ધરી દીધી. પચ્ચીસેક મિનિટ ગાડીમાં મૌન ફરતું રહ્યું આમ-તેમ. આ મૌનકાળે નાનકડી પુસ્તિકાએ પરિચય કરાવ્યો ચાર મોટાં ગજાંના સેવકોનો-સાધકોનો. એ ચાર મંગળ છે : નવનીતભાઈ ફોજદાર, કાંતાબહેન શાહ, હરવિલાસબહેન અને કાંતિભાઈ શાહ.

ધરમપુરના ડુંગરોમાં અમારી ગાડી પૂરપાટ દોડી જતી હતી. ચોરતફ પાનખરની વચ્ચે પણ અધલીલાં વૃક્ષો ક્યાંક હસતાં તો ક્યાંક મુરઝાતાં ઊભાં હતાં, જીવનના ક્રમનો સહર્ષ સ્વીકાર કરતાં. અચાનક જ ઘાટનો વિસ્તાર શરૂ થયો. થોડી વાર પહેલાં જ વાંચેલી નાનકડી પુસ્તિકામાંથી નવનીતભાઈ ફોજદાર જીવંત થઈ આંખ સામે તરવરવા લાગ્યા. જ્યારે આવી કોઈ ગાડીની સગવડ પણ નહોતી ત્યારે સ્વેચ્છાએ નીકળી પડેલો આ ઓલિયો ફકીર આ કપરા ચઢાણ એકલપંડે ચઢીને લોકસેવા માટે પિંડવળ સુધી જતો હશે, ત્યારે એને કયું તત્ત્વ બળ આપતું હશે, એ પ્રશ્ન મનમાં સળવળ્યાં કર્યો. મુંબઈ જેવા મહાનગરમાં ડૉક્ટરની ધમધમતી પ્રેકટીસ અને તેનાં થકી મળનારી સુખકારીને છોડીને કોઈ વિનોબાના પગલે ચાલતું એકલું અટૂલું સર્વોદયનું કામ કરવા નીકળી પડે, ત્યારે એને ચમત્કાર ન કહેવાય ? એક પણ પ્રકારની સગવડ વિના પારાવાર મુશ્કેલીઓની વચ્ચે એમણે ધરમપુરના ડુંગરોમાં વસતા આદિવાસી પરિવારો માટે દાક્તરી સેવા આપવાનું કામ શરૂ કર્યું. પછી એ યજ્ઞકાર્યમાં જોડાયા હરવિલાસબહેન, કાંતાબહેન ને કાંતિભાઈ. જેમની એક્ત્વની આરાધનાથી પ્રસન્ન થઈને સ્વયં વિનોબાજીએ જેમને 'હરિશ્ચંદ્ર' નામ આપેલું ને જેમણે વર્ષો સુધી “ભૂમિપુત્ર”ના અંતિમ પૃષ્ઠને પોતાની અનુસર્જનની વિશિષ્ટ પ્રતિભા થકી વિશ્વ સાહિત્યની ઉત્તમ વાર્તાઓના અર્ક સુધી ભાવકોને પહોંચાડ્યા. એમની કેટકેટલી સેવાકીય પ્રવૃત્તિઓ આંખ સામે તરવર્યા કરી. સર્વોદય શબ્દને આત્મસાત કરીને જીવેલાં ચારેય વિરલ વ્યક્તિત્વો આ પ્રદેશ માટે અવતાર બનીને આવ્યાં. લોકોને આરોગ્ય સેવા, ખાવા પૂરતું ધાન, ઘર ઉપર પાકું છાપરું, ખાદી કાંતણ દ્વારા રોજગારી, ચારિત્ર્ય ઘડતર કરતું શિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ, ખેતી સુધારણા, ચેકડેમ બનાવવા, જમીનનું ધોવાણ અટકાવવું, વૃક્ષારોપણ, ખેતી ને વ્યવસાય માટે આર્થિક સહયોગ, લોકજાગૃતિના કામો ને એવી અનેકાનેક પ્રવૃત્તિઓ દ્વારા આ લોકોએ ગુજરાતના આ અંતરિયાળ વિસ્તારની સેવા કરી છે ને આજે પણ એમનાં પગલે પગલે ચાલતા કાર્યકરો દ્વારા આ બધી પ્રવૃત્તિઓ ચાલુ છે. સર્વના ઉદયના ભાવ સાથે કામે લાગી ગયેલા હાથ હજુ થાક્યા નથી એ વાત વિશેષ રોમાંચકર બની રહે છે !

પિંડવળમાં સૌ પ્રથમ અમે એ પવિત્ર સ્થળે પહોંચ્યાં જ્યાં આ ચાર યોગીઓએ પોતાના કર્મયોગની સાધના કરી હતી. એમનું એ સમયનું નિવાસસ્થાન હજુ જેમનું તેમ સાચવવામાં આવ્યું છે. ગોઠવણ એવી છે જાણે હમણાં જ કોઈ દરવાજામાંથી આમાંનું કોઈ આવીને અમને ખબર અંતર પૂછશે એવું લાગ્યા કર્યું. એ ઓરડાઓમાં થયેલ સેવાયજ્ઞની સુવાસ હજુ અનુભવાય છે ત્યાં જનારને. અમને વીરેન્દ્રભાઈ એક પછી એક ઓરડો દેખાડતાં એની વાત કરતા જતા હતા. બધું તાદૃશ થયા કરતું હતું. આ બધાને ન જોયાનો વસવસો થતો તો થોડીવારમાં એમનાં કાર્ય થકી અનુભવાતી એમની ઉપસ્થિતિ એ ખોટ પૂરી જતી હતી. ભીંતો પર શોભતાં વિનોબાના વિચારો ને ફોટાથી શોભતી છબીઓ ઘણું ઘણું શીખવી ગઈ.

અમે ત્યાંથી થોડાંક જ આગળ જઈ નવલાં આધુનિક રૂપ પામેલી શાળાના પરિસરમાં પહોંચ્યાં. સવજીભાઈ ને ગણેશભાઈ અમારા સ્વાગત માટે હાજર હતા. નાનકડું પણ રૂપકડું પરિસર જોવાની મજા પડી. વાર્લી ચિત્રોથી શોભતી દીવાલો આંખને આનંદથી ભરી દેતી હતી. સંવાહકોની અનુભવસિદ્ધ વાતોમાંથી છલકાતી સ્થાપકો અને તે પછીના સંચાલકોની નિષ્ઠાનો આડકતરો પરિચય મળી રહ્યો હતો. સ્વાદિષ્ટ ભોજનમાં નાગલીના રોટલા ને શાક ખાવાની મજા પડી. ભોજન બાદ ત્યાંના એકથી આઠ ધોરણ સુધીનાં બાળકો સાથે થોડી બાળસહજ વાતો કરીને અમે નિસર્યા ખડકી ભણી ….

સર્વોદય પરિવારના જ એક ભેખધારી એવાં સુજાતાબહેન શાહને મળ્યાં ત્યારે એટલો તો પરિતોષ  થયો કે હાશ ! આ ધારાના કોઈક વાહકને તો મળી શકાયું ! પિંડવળથી પણ વીસ-પચ્ચીસ કિલોમીટર અંદર જંગલમાં ખડકી ગામે સુજાતાબેન છેલ્લાં પચ્ચીસ વર્ષથી ધૂણી ધખાવીને બેઠાં છે. ખડકી જતાં રસ્તામાં આવતાં કાજુના જંગલો, યુ શેપમાં વળાંક લેતી નદી, ત્યાંનાં છૂટાંછવાયાં મકાનો જોતાં થોડા કાચા રસ્તે અમે વળ્યાં. આ સમયે જ્યાં જવામાં વસમું લાગે એ જગ્યાએ સુજાતાબહેન આટલાં વર્ષોથી એકલપંડે બેઠાં છે.

પરિસરમાં પ્રવેશતાંવેંત નાનાં નાનાં ફૂલછોડોએ અમારું સ્વાગત કર્યું. બહેન ક્યાં છે એવા વીરેન્દ્રભાઈના પ્રશ્નના જવાબમાં જે તરફ આંગળી ચીંધાઈ ત્યાં પહોંચ્યા ત્યાં એક બહેન આછા થઈ ગયેલા છુટ્ટા વાળમાં ફરતા ઓરડામાં બાળકોની મદદથી આવનાર મહેમાન માટે બિસ્તર લગાવી રહ્યા હતા. સસ્મિત નમસ્તે કરી પોતાનું કામ નિપટાવીને તેઓ અમારી સાથે વાતે વળગ્યાં. ત્યાં સુધી સામે નજર કરી તો પરિસરને અડીને જ વહી જતી સુંદર નદી જોઈ અમે સૌ રાજી રાજી થઈ ગયા. સુજાતાબહેનને અસ્મિતા પર્વ નિમિત્તે કોઈ કાર્યક્રમમાં સાંભળેલા ત્યારથી એમની સંસ્થા જોવાની ઉત્કંઠા જાગેલી. સાચા મનથી કરેલી પ્રાર્થના ફળે છે એની વધુ એક પ્રતીતિ આ પ્રવાસે કરાવી. અમે શું લઈશું એવું પૂછી ચા કે લીંબુપાણીનું ઓપશન આપતા બહેને કહ્યું કે જે હાજર ન હોય એ વસ્તુનું અમે ઓપશન પણ નથી આપતા. કેવી સરસ વાત ! જે છે તેમાં ચલાવવાની. અમે સહજ ઉપલબ્ધ લીંબુપાણી પીધું. હું ને વીરેન્દ્રભાઈ ત્યાંનાં બાળકો સાથે વાત કરવા રોકાયાં પણ અમારી સાથે આવેલ ત્રણ વિદ્યાર્થી મિત્રો ને જ્યોતિબહેન તો નદીનું આકર્ષણ રોકી જ ન શક્યાં ને દોડી ગયાં એની પાસ. મેં પણ ટૂંકમાં વાત સંકેલી નદીની વાટ પકડી. એ નદી એટલે ગુજરાત અને મહારાષ્ટ્રની  જળબોર્ડર. નદીની આ પાર સંસ્થા અને પેલે પાર મહારાષ્ટ્રના કોઈ ગામની સીમ. શાંત વહી જતી નદીને કાંઠે બાંધેલી મઢૂલીમાં બેસીને નદીને જોતાં જોતાં સુજાતાબહેનની વાતો સાંભળી. રમણીય પરિસર જોઈને મારાથી સહજ બોલાઈ ગયું કે અહીં ચોમાસામાં તો કેવી મજા પડતી હશે, નહિ ? તો બહેન કહે મજા તો બહુ પડે પણ બસો બાળકોને લઈને બેઠેલાં અમને ક્યારેક અઠવાડિયું પંદર દિવસ લાઈટ વગર ચલાવવું પડે. આટલાં બધાં બાળકો સાચવવામાં મુશ્કેલી પડે પણ મજાથી બધું ચાલે છે.

નીચે જઈને એ નદીના પાણીમાં જરા ભીનાં થઈ લીધું. જંગલમાં મંગલરૂપ બનેલ આ સ્થળની જમીન એક આદિવાસીભાઈએ સંસ્થાને આપેલ છે. આ પણ કેવી સામાજિક નિસબત ! એમના દીકરા પણ અહીં સેવા આપે છે.

સુજાતાબહેન શાહ બહુ જ દૃષ્ટિવાન સંવાહક છે એવું સંસ્થા જોનાર કોઈને પણ લાગ્યા વિના ન રહે. એવું રમણીય ને ઉપયોગી પરિસર બહેને બનાવડાવ્યું છે. નકામા ટાયરોમાંથી બનાવેલા હીંચકા, ટ્રી હાઉસ ને એવું તો ઘણું ઘણું ! ત્યાંનાં બાળકોને અપાતી લીલી ચાય, ગોળ તુલસી આદિનો ઉકાળો બાળકોને પીવડવાય છે. ગાર લીંપીને ગુફા બનાવી છે. અહીં માત્ર છાત્રાલય છે. અહીંનાં બાળકો ભણવા માટે સરકારી શાળામાં દાખલ થાય. અહીં જીવનની કેળવણી મેળવે. ચારેક તો શિક્ષકો પણ દેખાયા જે એમણે વિદ્યાર્થીઓને ભણાવવા રાખેલ છે. જે વર્ગમાં દિવસે ભણે તે જ વર્ગ રાતે શયનખાંડ બની જાય. ઓછામાં ઓછાં સાધનોનો મહત્તમ ઉપયોગ. વિદ્યાર્થીઓ ને શિક્ષક તેમ જ સુજાતાબહેન પણ નજીક નજીક જ રહે, જેથી આત્મીયતા બંધાય અને બાળકને જરા મુશ્કેલીને પડે કે તરત શિક્ષક પહોંચી શકે. મોટાં વિદ્યાર્થીઓને સરસ રીતે નાનાં બાળકોને ગીતો ગવડાવતાં જોઈ શિક્ષક તરીકે અંતર રાજીપાથી છલકાઈ ગયું.

જરા બહાર નીકળ્યા કે બાળકો ફાનસના કાચ સાફ કરી રહ્યા હતા. કેટલે વખતે એ દૃશ્ય જોયું. મારી આંખ સામે મારું બચપણ આ ફાનસના કાચે લાવી દીધો. જરા ઊંચી નજર કરું કે ત્યાં છોકરાઓની ધબાધબ ચાલુ હતી. નાનાં નાનાં પંદર-વીસેક બાળકો જુવારના રોટલા ઘડી રહ્યા હતાં. એ દૃશ્ય પણ મજાનું હતું.  તો બીજા રોટલા પક્વતા હતાં. બધાને બધું આવડે આવી સંસ્થાઓમાં.

આ તો દેખાય એટલું પરિસર ને શિક્ષણનું કામ પણ એ ઉપરાંત જળ, જમીન અને જંગલનાં અનેક કામો ચાલ્યા કરે. અમે વાંસનાં જંગલો જોઈને પછી નીકળ્યાં. વળી એ જ ચઢાવ-ઉતાર જિંદગી જેવાં. પ્રેરણાનો પ્રકાશ આંખમાં આંજીને અમે અંધારે રસ્તે ઘર ભણી જવા નીકળ્યા. ઘરે પહોંચ્યાં ત્યાં આશાબહેને ગરમાગરમ ઈડલી તૈયાર રાખી હતી. બધાએ ભરપેટ ખાધું ને સાથોસાથ વાતોના વડા પણ ખરા. એટલું ઓછું હતું કે જમાડીને અમને આશાબહેન અને વીરેન્દ્રભાઈ આઈસ્ક્રીમ ખાવા પણ લઈ ગયાં. રાતે અરસપરસ વાતો થઈ. આખરે નિંદ્રા રાણીને વશ થયા એ પૂર્વે પલંગમાં પડ્યે પડ્યે મને થયા કર્યું કે સેવાકાર્ય કરવા માટે દાન જેટલું જરૂરી નથી, એટલું જરૂરી છે આત્મવિશ્વાસ, મરી ફિટવાની ભાવના ને ઉમાશંકરે કહ્યું છે તેવું સમસંવેદન. આ બધા સાધુ ચરિતોની ભૂમિની ધૂળ અમારા પગમાં ચોંટેલી, તેનો રંગ જો લાગે તો આજની યાત્રા સાર્થક ગણાય.

અહીં અમે સાંભળી સેવાની અખંડ રામધૂન .. એ ધૂનનો રણકાર હજુ મારા કાનમાં ગુંજયા કરે છે …

•

દિવસ – 2

માતૃભાષાદિને મળી મોંઘેરી મિરાત !

પિંડવળ આશ્રમમાં જ વિનોબાનું એવા કોઈ અર્થસંદર્ભનું વિધાન વાંચેલું કે નિઃસ્વપ્ન નિદ્રા પણ સમાધિ જ છે. એ જ સાધુના પરતાપે આવી સહજ સમાધિસભર નિદ્રા આશાબહેન અને વીરેન્દ્રભાઈના ઘરમાં લીધી. અમે ઘરમાં એવી રીતે ગોઠવાઈ ગયેલાં જાણે વર્ષોથી અહીં રહેતાં હોઈએ.

જો કે આગલા દિવસનો રોમાંચ હજુ ઓછો નહોતો થયો. બાળપણમાં ચકડોળ પર બેઠેલા ત્યારે અનુભવેલા પેટમાં થતાં ગલગલિયાં ધરમપુરના ડુંગરોમાં અનુભવેલા તેનું સ્મરણ પણ ગલગલિયાં કરી ગયું.

ઊઠતાંવેંત ઘરમાં બિરાજમાન દેવના દર્શન આછા અજવાસમાં કરવા મળ્યાં. જાગીને જોઉં તો જોડે દિસે અહીં આશા ને વીરેન્દ્ર કેરું જુગલ જોડલું … બંને વડીલ સ્વજનોને રસોડામાં સાથે કામ કરતાં હતાં. એમને મન એ જ અરસપરસ પ્રેમ વ્યક્ત કરવાની રીત. મને પણ એમની સાથે નાનાં નાનાં કામમાં ગૂંથાવા દઈને એમણે વધુ પોતીકાપણું અનુભવાવડાવ્યું. વીરેન્દ્રભાઈએ લીલી ચા ને મસાલાવાળી મસ્ત ચા બનાવી, તો હું ને આશાબહેન વલસાડના પ્રસિદ્ધ દાળના ઢોકળાં લેવાં ગયાં. રસ્તામાં એક માજી મળ્યાં ને પૂછ્યું સાથે આ ભાઈ કોણ છે ? તમારા દીકરા ? જવાબમાં આશાબહેને હકારમાં માથું ધુણાવ્યું, પણ પાછા ગાંધીના વારસદાર એટલે સાચી ઓળખ આપ્યા વગર તો અપરાધભાવ અનુભવે એટલે મારી મા જેમ ગૌરવભેર મારી ઓળખ આપે તેમ હું જાણે શુંયે હોઉં એવી ઓળખ આપી. એ બહેન તો એટલા રાજી થઈ ગયાં કે બેત્રણ મિનિટના પરિચયમાં મને વક્તવ્ય માટે આમંત્રણ આપી બેઠાં.

અમે ભાવની મીઠાશથી સભર એવી ચા ને મસ્ત મજાના ઢોકળાં ધરાઈને ખાધાં. છોકરાઉંને તો આ બધી ઉજાણી જ .. નીકળતાં પહેલાં ફોટોસેશન ચાલ્યું. ત્રણ વાંદરાના પોઝથી માંડીને જાતજાતના ફોટા પડાવ્યા. આગલી રાતે થયેલી વાતોનો દોર સહજ બંધાઈ ગયો ને આશાબહેને પોતાની વાર્તાલેખનની વાતો અમારા આગ્રહવશ કરી. આ પ્રકારની વિશિષ્ટ વાર્તાઓ લખવા તેઓ કઈ રીતે અલગ અલગ પ્રદેશની વાર્તાઓ વાંચે, એનું ચયન કરે, એમાં ભાષા કે પ્રદેશનું પુનરાવર્તન ન થાય એની કાળજી લેવી પડે ને એમાં સતત મહેમાનોની અવરજવર; આ રીતે છેલ્લાં દસેક વર્ષથી ચાલતી તેમની વાર્તાલેખન પ્રવૃત્તિની વાતો નિમિત્તે એક સર્જકની કેફિયત સાંભળવાની મજા પડી. એ વાર્તાઓના ચાર પુસ્તકોનું સંપુટ તર્પણ ભાગ ૧ થી ૪ એમણે અમારા હાથમાં મૂક્યાં ત્યારે થયું કે કેટલાં મંથન પછી નીકળેલું નવનીત આપણને કેવું સહજ મળી ગયું. સર્જકને ને તેમનાં કાર્યને સમજ્યા પછી સર્જનનું મૂલ્ય ખરે જ બહુ વધી જતું હોય છે. આશાબહેને કરેલાં કસ્તૂરબા, કૈકૈયી આદિના એકપાત્રિય અભિનયના લેખન અને ભજવણીની વાતો પણ એટલી જ રસપ્રદ રહી. અમને ઝાંપા સુધી મુકવા આવેલા આશાબહેનના ચહેરા પર વંચાતી હતી કવિતા : વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ …..

આજે માતૃભાષા દિવસ હતો ને જોગાનુજોગ માતૃભાષાના મર્મી સર્જકોને મળવાનો મોકો પણ મળી ગયો હતો. વલસાડ જઈએ એટલે સ્વાભાવિક રીતે જ હિમાંશીબહેન શેલતને મળવાનો લોભ થાય. આશાબહેને જ અમારી મુલાકાત ગોઠવી આપેલી ને વીરેન્દ્રભાઈ કાગ બાપુની આજ્ઞાથી પણ આગળ વધીને અમને પોતાના ઘરના ઝાંપા સુધી નહિ પણ હિમાંશીબહેનના ઝાંપા સુધી મેલવા આવ્યા. એટલું જ નહિ, અમને પરસ્પર મેળવી ચુપચાપ સરકી ગયા, અમારી નંદિગ્રામ સુધી પહોંચવાની ગાડીની વ્યવસ્થા કરીને …

હિમાંશીબહેન અમને સૌને આવકારવા દરવાજે તૈયાર જ હતાં. નિર્મળ વદને બહેને સૌને આવકાર્યાં. થોડી જ વારમાં અમે વાતોમાં એવા પરોવાઈ ગયાં કે બે'ક કલાક ક્યાં પસાર થઈ ગયા એનું ભાન જ ન રહ્યું. હિમાંશીબહેનને સર્જક તરીકે અમારા વિદ્યાર્થીઓ ભણે એટલે એમને તો ભારે આકર્ષણ હતું બહેનને જોવાનું ને મળવાનું. રામે તો કહેલું કે જીવન કવન તો અમે વાંચીને લખી શકીએ પણ કેવા લાગે છે એ તો સર્જકને જોઈએ – મળીએ તો જ ખબર પડે. બધા મિત્રો આ પ્રત્યક્ષ દર્શને પરિતૃપ્ત થયાં.

બહેનની વાર્તાઓની, વિકટરની, તેમના પશુ પ્રેમની, સમાજ સાથેની નિસ્બતની કેટકેટલી વાતો થયા કરી. અમે બધા વચ્ચે નાનકડી ટાપસી પુરાવતા મુગ્ધભાવે પ્રિય સર્જકને સાંભળતા રહ્યાં. એમની વાતોમાં છલકાતી નિખાલસતા, સચ્ચાઈ ને સમસંવેદનની પીડા અમને પણ ભીંજવતી રહી એના ઓજસથી.

થોડીવારે બહેન ઊભા થયાં એટલે થયું આપણે પણ હવે ઊઠવું જોઈએ, પણ તરત તેઓ જે બોલ્યાં એ પરથી ખ્યાલ આવ્યો કે તેઓ બારીમાંથી ઘરમાં પ્રવેશવા ઈચ્છતા બીલાડાને આવકારવા ને તેના માટે બારી ખોલવા ઊભા થયાં હતાં. હિમાંશીબહેનના ઘરમાં કોઈ પણ પ્રાણી કે પક્ષી ઈચ્છે ત્યારે આવી શકે, મન પડે ત્યાં ફરી શકે ને મોજ પડે એવું ખાઈ શકે. બહેને બિલાડીને શિકાર કરવાની ઈચ્છા ન થાય એ પ્રકારનું એમનું ખાણું પણ તૈયાર રાખ્યું હોય, જેથી પક્ષી પણ સુખથી ચણી શકે. તેમણે નાના નાના છોડની કાળજી લેવાની વાતથી માંડીને ગાંધીને માપવા આપણી ફૂટપટ્ટી નાની પડે ત્યાં સુધીની વાતો કરી. સમાજમાં ચોતરફ ફેલાઈ રહેલા દુરિતથી અસ્પૃશ્ય કેમ રહી શકાય એવો પ્રશ્ન કરી પોતે એક સર્જક તરીકે કેવાં તો ખળભળી ઊઠે છે એની વાત પણ કરી.

પોતાનાં સર્જન અને સંપાદનકાર્યની વાતની સાથેસાથે એમ.ટી.બી. કૉલેજના સ્ટાફરૂમમાં સર્જાઈ જતા 'દિવાનેઆમ' અને 'દિવાનેખાસ'ની વાતો પણ હસતાં હસતાં કરી.

અમને બહેનના ઘરની છાશ પણ પીવા મળી, તો એમનાં વાચનાલયમાં એકએકથી અધિકાં પુસ્તકો જોવાની મજા પડી. એમના ભાવો જ્યાં શબ્દરૂપ પામીને પ્રગટ થાય છે, એ ટેબલને પણ અમે બહેન ન જુએ તેમ વંદન કરી લીધાં, ક્યાંક જરા ચેપ લાગી જાય એવા ભાવથી.

વિદ્યાર્થીએ ભણતાં ભણતાં એમના દ્વારા સંપાદિત મકરંદ દવે અને સ્વામી આનંદના પત્રોના કરેલ ઓડિયો-વીડિયો રૂપાંતરણ બહેનને સંભળાવ્યા-દેખાડ્યા. બહેનના રાજીપારૂપી પ્રમાણપત્ર મેળવીને તેમની સાથે હુંયે ધન્ય થયો. સંકોચાતે અવાજે મેં પૂછ્યું કે બહેન, તમારી સાથે ફોટો પડાવીએ ? બહેને ઉમળકાભેર કહ્યું કે બિલકુલ, તમે કચ્છનાં લોકો ઊંચા ને કેવાં સુંદર લાગો છો, અમે દક્ષિણનાં લોકો જરાં ઠીંગણાં ! પણ અમે બધાએ એ વામન શરીરમાં ભાળેલી વિરાટતા પાસે અમારી સ્થૂળ ઊંચાઈ વામણી લાગી. બહેનનો પ્રેમપ્રસાદ તો અહીં મળ્યો જ, પણ વિદ્યાર્થીઓને કારણે મને ચોકલેટ પણ મળી.

વીરેન્દ્રભાઈ તો ધીર ગંભીર પણ એમનાં વાહનના સારથીભાઈ રાજુભાઈ પણ એટલા ધીરજવાન. બહેન સાથેની અમારી રસપ્રદ વાતો લાંબી ચાલી પણ તેઓ સહેજ પણ વિચલિત થયા વગર અમારી રાહ જોતાં બેઠા રહ્યા. આ બધું પણ અમારે તો શીખવાનું જ છે. રાજુભાઈ અમને નંદિગ્રામ પહોંચાડી પરત ફર્યા.

નંદિગ્રામ મારું કાયમનું આકર્ષણ ! અહીંથી આવતું તેંડુ મને સ્વર્ગનું તેંડુ લાગે એટલે હાકલ પડી નથી ને આપણા રામ દોડ્યા નથી ! આ વખતે તો વિદ્યાર્થીઓની જાન લઈને પહોંચી ગયો. હરિ ઓમ ! ના મીઠા રણકારથી અમારો સત્કાર કરી વ્યવસ્થાપક બહેન અમને ઊતારો આપવાનો હતો એ ઓરડે મૂકી ગયાં. મકરંદભાઈની મોટાઈ ઓરડામાં પણ અનુભવાઈ. રૂમમાં સામાન મૂકીને અમે તરત બહાર નીકળ્યા. ભોજનનો સમય પણ થઈ ગયો હતો. બહાર નીકળતાંવેંત સામે મળ્યા મકરંદભાઈના ભત્રીજા વિમલભાઈ દવે. કદ કાઠીમાં મકરંદભાઈ જેવા જ એટલે એમને જોઈને મકરંદભાઈને જોયાની અનુભૂતિ થાય. તેઓ અમને રસોડે દોરી ગયા. રસોડામાં પ્રવેશતાં જ સામે દર્શન થયા અરુણભાઈ ભટ્ટના. ભોજનખંડ એમની હાજરીથી ભજનખંડ બની ગયેલો અનુભવ્યો. એમનું મંદ મંદ સ્મિત અને આંખોમાંથી ઝરતું અમી મને એવું ભીંજવી ગયું કે મેં જે ખાધું તે સઘળું અરુણું અરુણું લાગ્યું ! એમની પાસે બેસીને જમાડતાં અમીબહેનમાં મીરાંબહેનનાં દર્શન કરી ધન્ય થયો. તો મારી પડખે જ બેઠેલાં મોંઘીબહેન મયાત્રાની થાળીમાંથી મેં ગોળ ઉપાડીને ખાઈ લીધો ને એમને મારી છાશ આપી દીધી. અરુણભાઈ તો દેખાવે ને સ્વભાવે વિનોબા જ લાગે ! એમણે વિનોબાને એટલા ચાહ્યા કે સ્વયં વિનોબારૂપ બની ગયા !

ભોજન પછી અમે એમના ઊતારે દોડી ગયા. નાદુરસ્ત તબિયત હોવાં છતાં એમનાં ચહેરા પરનું સ્મિત લગીરે ઓછું નહોતું થયું. હું તો અધિકારપૂર્વક એમના પલંગ પર, એમની સાવ નજીક બેસી ગયો ને પગ દબાવવા લાગ્યો એટલે તેઓ હસતા હસતા કહે કે, ભાઈ અત્યારના છોકરા વડીલોને ભારે દબાવે છે !' મેં દબાવવાનું ચાલુ રાખ્યું ને એમણે મને એમ કરવા દઈને મારી ઈચ્છા પૂર્ણ કરી. એમનો હાથ મારા હાથ, પીઠ ને માથા પર ફરતો રહ્યો ને હું તરબતર થતો રહ્યો એમની પ્રેમવર્ષામાં. અવાજ બહુ જ ધીમો થઈ ગયેલો, એટલે હું એમની વધુ નજીક જઈ શક્યો. બોલવા માટે ધીમો પડી ગયેલો અવાજ કબીરનું પદ ગાવા સહજ મોટો થઈ ગયો. એમનું વ્હાલ વરસતું રહ્યું ને ટપકતી રહી મારી આંખ. અમારાં આ મૌન સંવાદને વિદ્યાર્થી મિત્રો કદાચ કુતૂહલવશ જોઈ રહ્યાં હશે, પણ મને તો એની ભાન સુધ્ધાં ન રહી. અરુણભાઈના ઘરે જઈ એમની સાથે રહેવાનું મન થઈ ગયું ને એમણે પ્રેમથી કહ્યું જરૂર આવજો. વાતવાતમાં હરિ મળશે કે નહિ એવી વાત મારા મોઢે આવી ગઈ ને એક ઋષિ વચન આપે તેમ તેઓ બોલી ઉઠ્યા, 'જરૂર મળશે.' મને થયું કે મારી લાયકાત તો કદાચ સાત ભવે પણ થાય કે કેમ પણ આવા સાધુજનોની આજ્ઞા થકી હરિને આવવું પડશે એ નક્કી. અરુણભાઈ સાથેની આ ક્ષણો મારા પ્રવાસની સૌથી મહામૂલી ક્ષણો હતી. એમની સાથેના મૌન સંવાદને તો મારે કેમ વાચા આપવી ? એમનાં જેવું સ્મિત કરતાં પણ નથી આવડતું કે જેનાથી વ્યક્ત થાઉં !

અરુણભાઈનો અપૂર્વ પ્રસાદ લઈ અમે સાંઈના નિવાસ ભણી ડગ માંડ્યા. બહાર હીંચકે ઝૂલતા ને બારણે આવકારો આપતા સાંઈની અનુભૂતિ અમે સૌએ કરી. મેં જ્યાં બેસીને ઈશામા સાથે વાતો કરેલી, એ જગ્યા મિત્રોને બતાવીને જરા પોરસાઈ લીધું. સાંઈના ધામમાં અમે નિરાંતે બેઠાં, દર્શન કર્યાં, કણકણમાં વ્યાપ્ત આ બંને પ્રેમરૂપ અસ્તિત્વોને અનુભવ્યાં. એમની જ કવિતાઓ એમને જ ગાઈને સંભળાવી ને ત્યાંથી ચાલ્યા સાંઈ અને ઈશામાની સમાધિ ભણી.

બંનેને નિરાંતે મળ્યાં, મનની વાતો કરી, મૌનમાં એમનાં જવાબો સાંભળ્યા ને પરત ફર્યા. હજુ ઘણું જોવાનું હતું. વિદ્યાર્થી મિત્રોને પરિસર બતાવવાનું હતું. અમે ડગલે ને પગલે સાંઈને અનુભવતા એમની ભોંયમાં ભમતાં રહ્યાં. હનુમાનમઢી, ગ્રંથાલય, મ્યુઝિયમ, વગેરે વગેરે ….

ચાની સાથે ચાહ પીને અમે તૈયાર થઈ કાર્યક્રમ સ્થળે પહોંચ્યાં. બારડોલીથી નિરંજનાબહેન ક્લાર્થી અમને તેડવા આવેલાં, ગીતાબહેન, દીપકભાઈ, મનીષભાઈ વગેરે છેક ઉમરગામથી આવેલાં, મિત્ર અંકિત દેસાઈ વાપીથી ખેંચાઈને આવેલા, આશાબહેન અને વીરેન્દ્રભાઈ તો ખરાં જ. નંદિગ્રામના અમીબહેન આદિ સ્વજનો પણ મળ્યાં. સુદર્શનભાઈ આયંગરને કારણે મને આમંત્રણ મળેલું. બધા મળ્યા. કવિની, માતૃભાષાની વાતો થઈ. ગમતાંનો ગુલાલ ગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો. ભોજન લઈ સૌ પોતપોતાના માર્ગે સંચર્યા. અમે નાની સાથે બારડોલી ભણી ઉપડ્યાં. બારડોલી પહોંચતાં જ પ્રજ્ઞાબહેન ક્લાર્થી અમને આવકારવા હાજર હતાં.

આશાથી પ્રજ્ઞા સુધીની આ સફરમાં આજના માતૃભાષા દિવસે કેવી મોંઘેરી મિરાત મને અપાવી હતી, તે તો હું જ જાણતો હતો ને બસ માંહે માંહે મલકાતો હતો !

••

દિવસ – 3

દિન દિન બઢત સવાયો …..

સાંઈના દેશમાંથી ઉર્જા લઈને અમે નાનીની નિશ્રામાં આવી પહોંચેલાં. આમ તો આ નાની એવી એક અખંડ નિશ્રા છે, જેનાથી ક્યારે ય વેગળા થવાતું નથી, પણ તેમ છતાં સદેહે તેમની ઉપસ્થિતિને અનુભવવા હું અવારનવાર ઉપડી જાઉં છું બારડોલી. મારે તો નાની જ એક જબરું આકર્ષણ ! નાનીની સહજ, નિર્દોષ, નિખાલસ વાતો, એ સાહજિક હાસ્ય ને વિશિષ્ટ પ્રકારની વાકછટાના ગળાડૂબ પ્રેમમાં છું એમ કહીશ તોયે કહેવું છે તે નહિ કહી શકાય. નાની એટલે કે નિરંજનાબહેન ક્લાર્થી આમ તો સાંઈના પણ ચાહક, પણ આ વખતે નંદિગ્રામ આવ્યાં ત્યારે અમને બાળકોને તેડવા આવેલાં એ વાતે પોરસાઉં છું. હું બોલું ને એ સાંભળે એવું અમે કાર્યક્રમ પૂરતું રાખીએ, બાકી એ બોલે ને હું સાંભળું એ મૂળ કાર્યક્રમ ! નાનીની સ્મૃતિસંદૂક એટલે જાણે જાદુઈ પટારો; એક પછી એક અદ્દભુત વાતો આવ્યા કરે ને સાંભળનારને અભિભૂત કર્યા કરે. મારી જેમ એમની વાતોના દિવાના કોણ જાણે કેટલા ય હશે ! માનું મૂળ ને કૂળ નાની કહેવાય એટલે એની મમતાનો તાગ ક્યાંથી મળે ! પણ વરસાદમાં ભીંજાતી વેળા આપણે ક્યાં ગણિત લગાડીએ છીએ ? એ જ રીતે આ પ્રેમવર્ષામાં ભીંજાયા કરવાની મજા પડે. આ વખતે મારી સાથે બીજા ચાર જણ હતાં, પણ એમાં કાંઈ ભાગ થોડી પડી જાય પ્રેમમાં. કૃષ્ણ અને ગોપીઓની રાસલીલાનું ચિત્ર આપણે સૌએ જોયું હશે. દરેક ગોપીની સાથે રમતાં કૃષ્ણ ને પાછા વચ્ચે રાધિકા સાથે ઊભેલાં કૃષ્ણ. સાચુકલા મોટા માણસની આ વિશેષતા છે કે એ બધાનો હોય ને તેમ છતાં તેની નિર્લેપતા એવી કે એ બધાથી પર જલકમલવત્ હોય ! પૂજ્યશ્રી મોટાના હાથમાં રમેલાં નાનીને આ મોટાઈ સહજ સાધ્ય છે.

ઊતારે ઝડપથી પરવારીને અમે નાનીના વારસાને આગળ ધપાવતા પ્રજ્ઞાબહેન ક્લાર્થીના મ્યુઝિયમ જેવા શોભતાં ઘરમાં ચા પીવા ધસી ગયાં. વિદ્યાર્થી મિત્રો તો ઘરમાં સુંદરત્તમ રીતે ગોઠવેલાં તાંબા-પિત્તળનાં નાનાં નાનાં વાસણો, સ્વરૂપવાન મૂર્તિઓ ને પુસ્તકોનો ભંડાર જોઈને જ છક થઈ ગયાં. પ્રજ્ઞાબહેને મસ્ત ચા પીવડાવી. એક એક પુસ્તક ભેટ આપ્યું. દીકરીઓને ગમે એવું કંઈ કેટલું ય સાથે બંધાવ્યું. પ્રજ્ઞાબહેન વિશે તો ક્યારેક અલગથી લખીશ પણ એમની એક વિશેષતા તરફ અંગૂલીનિર્દેશ કર્યા વિના રહી જ નહિ શકું તે એ છે કે પચાસ પ્રકારનાં કામો કરતાં હોવાં છતાં તમને લાગે જ નહિ કે તેઓ આટલાં બધાં કામ કરી રહ્યાં છે. કોઈ વ્યક્તિ આટલું સાહજિક રીતે કામ કરી શકે એ લગભગ ચમત્કાર લાગે !

પ્રજ્ઞાબહેન સાથે ચા પીતે પીતે થોડી વાતો કરી, પણ મારું મન ખેંચાયા કરતું હતું નાની પાસે જવા. પુનાભાઈ અમને લેવા પણ આવી ગયેલા. ફટાફટ અમે ગાડીમાં ગોઠવાયા ને વાયુવેગે પહોંચ્યા સ્વરાજ આશ્રમ બારડોલીના એક જીવતા ખૂણામાં વિદ્યાલય લઈને બેઠેલી માના ખોળે. દીકરીઓ સહિત મા બારણે રાહ જોતી ઊભી હતી. ક્યાંક વાંચેલું કે જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે. આ એ જ મા … દરવાજામાં પ્રવેશતાં વેંત મઘમીઠાં ગીતથી દીકરીઓએ ભાવસભર આવકારો આપ્યો. માનો ભાવ ને દીકરીઓનું ગાન આ બંનેનું ઐક્ય તો જેણે અનુભવ્યું હોય તેને જ સમજાય. 'પાયોજી મૈને, રામ રતન ઘન પાયો !' મીરાંનું આ પદ દીકરીઓના સુમધુર કંઠે અને તાલબદ્ધ રીતે સાંભળવાની તો મજા પડી જ પણ એમાંની એક એક પંક્તિ જાણે મને લાગુ પડતી હોય, એવું પણ અનુભવાયું. મને આ બધા સ્વજનોનો જે પ્રેમ મળ્યો હતો, તે રામ રતન ધન જ તો હતો મારે મન, કે જેને કોઈ ચોર લૂંટી નહોતો જવાનો ને જે દિન દિન સવાયો થઈ રહ્યો હતો ! સોએક દીકરીઓની આંખોમાં વરસતા અમીને ધ્રો કરીને પીધો ને તોયે હજુ માની સાથે ચા પીવાની તો બાકી જ હતી. જેમનું નામ અમે અન્નપૂર્ણા દેવી પાડ્યું છે, એવાં ઈલાબહેનના હાથની ચા, પૌવા તો હજુ બાકી જ હતાં. 'ચાલોની રમજાનભાઈ, ગરમાગરમ નાસ્તો કરી લોની !' ઈલાબહેનના પ્રેમાગ્રહને આધીન થઈ અમે વળી ડાઈનિંગ ટેબલ પર ગોઠવાયાં.  એમાં પણ મારી તો જગા ફિક્સ. નાના બચ્ચાંની જેમ હું તો મા કને જ બેસું !

માનો પ્રેમપ્રસાદ લઈ વિદ્યાર્થી મિત્રો સહિત પરિસર જોવા અમે નિસર્યા. માના બુલંદ છતાં વિનમ્ર અવાજે સૌએ પરિસરની વાતો સાંભળી ને આંખો ભરીને સઘળું જોયું. એની સુંદરતા તો ઊડીને આંખે વળગે એવી પણ સાથોસાથ એની સુઘડતા, કતારબદ્ધ પગરખાં, તાજો જ લીંપેલો ચૂલો, સરસ રીતે ગોઠવેલાં વાસણો, દીકરીઓના ખુલ્લા કબાટ ને એમાં સરસ રીતે ગોઠવેલો એમનો નાનકડો અસબાબ, ગણી ન શકાય એટલાં ફૂલછોડના કુંડા ને એવું તો ઘણું ઘણું જોઈ વિદ્યાર્થી મિત્રો ને જ્યોતિબહેન ચકાચોંધ થઈ ગયેલાં. મારું તો આ હવે ઘર જ છે એટલે હું મૌન રહી એમનાં ચહેરા પર ઊઠતાં ઉદ્દગાર ચિહ્નોને વાંચીને રાજી થતો રહ્યો. થોડી ઉતાવળ પણ હતી કેમ કે તરલાબહેન શાહને ત્યાં નિયત સમયે પહોંચવાનું હતું. આપણે કોઈની રાહ જોઈએ તે ચાલે પણ આપણી કોઈએ રાહ ન જોવી પડે એમ માનતા નાનીબહેન ફરી અમને પવનપાવડીમાં બેસાડી લઈ ચાલ્યાં વાલોડ ભણી …

વાલોડ એટલે તરલાબહેન શાહ જ મારે મન. અમે તરલાબહેનના ઘરે પહોંચ્યાં ત્યારે કેટલાંક ફૂલો પોતાનું સ્વધામ છોડીને અમારી નાનકડી કેડીને સુંદર ને સુગંધી બનાવવા ભોંય શોભાવી રહ્યાં હતાં. ખરી પડતાં તો કોઈ પુષ્પ પાસેથી શીખે. અમે એ ફૂલોની સુગંધમિશ્રિત સૌંદર્યશ્રીને માથે ચઢાવી તરલાબહેનનાં વાત્સલ્યથી ભર્યા ભર્યા ઘરમાં પ્રવેશ કર્યો. ધીમા ને પ્રેમાળ સ્વરે તરલાબહેને મીઠો આવકાર આપ્યો. હીંચકે ઝૂલતા તરલાબહેન અને એમની ઉપર પ્રસન્ન મુખમુદ્રામાં શોભતી બાબુભાઈ શાહની છબી ! કેવું સુખદ સાયુજ્ય ! સ્વાતિબહેને મીઠપ ભરેલી વાનગી ચખાડી સૌનું મીઠું મોઠું કરાવ્યું. તરલાબહેન અને નાનીબહેનની વાતોમાં બાબુભાઈ પ્રત્યક્ષ થતા રહ્યા. તરલાબહેન મૂળે નાગર એટલે એમની વાત કરવાની શૈલીમાં નાગરી લહેકો ને વ્યંજનાનું ધીમું સંગીત વાગ્યા કરે. હું દર્શનાબહેનને લીધે નાગરોની નાતમાં થોડો-ઘણો ભળેલો એટલે એ સૂર પકડવાની થોડીક તાલીમ અનાયાસ મળેલી એ આવા ટાણે કામ લાગે.

થોડી વાતો ને થોડા ફોટા લઈને અમે બહાર નીકળ્યાં પણ ફૂલછોડ અમને છોડે એમ નહોતાં. તાજેતરમાં જ 'જીવતર નામે અજવાળું' શ્રેણીના પ્રથમ મણકામાં તરલાબહેન શાહને મેં એમની ફૂલવાડી વિશે વાત કરવા કહેલું ત્યારે એમણે જે જે ફૂલ જ્યાં જ્યાંથી આવ્યું હોય એની એક બે વાતો કરેલી. એ ફૂલકયારીઓ જાણે તરલાબહેનને કહી રહી હતી કે, 'ભાઈ રાપરથી પૂછે ત્યારે અમારી વાત કરો ને એ ભાઈ વાલોડ આવે ત્યારે અમને રૂબરૂ મળાવો નહિ, એ તો કેમ ચાલે ?' ફૂલની સુગંધ તો સૌ લઈ શકે પણ સુવાસની પાછળની એની સંવેદનાઓને પણ પામી શકે એવાં તરલાબહેને તરત એ ફૂલોનું કહ્યું માનીને અમારી સાથે એમનો પરિચય કરાવ્યો. 'આનું મૂળ પોંડીચેરીમાં, તો આ સુરેશભાઈ જોશીને ગમતું છોડ' એવી એવી ફૂલકથાઓ ઉતાવળે તો ઉતાવળે પણ તરલાબહેને અમને કહી ને આ જુદેરી પ્રેમકથાઓને વાગોળતાં વાગોળતાં અમે ઉપડ્યા વેડછીના વડલાના દર્શને.

દક્ષિણમાં જીવનલક્ષી કેળવણીનો પર્યાય બની ગયેલા જુ.કાકા એટલે કે જુગતરામ દવેની જગ્યાની ધૂળ, જ્યારે ગયો છું, ત્યારે માથે ચડાવી છે. આ વખતે અમારે કલમકુઈ જવાનું હતું. સમય બહુ જ ઓછો હતો પણ તોયે વિદ્યાર્થી મિત્રોને આ તીર્થનો સ્પર્શ કરાવ્યા વિના જતો રહું તો મારો માંહ્યલો ભીતર ખટક્યા કરે, એટલે જ્યાં નાનીબહેન ભણ્યાં હતાં એ જુ.કાકાની નિશાળે અમે દોડીને પણ જઈ આવ્યાં. જુ.કાકા આકાશ દર્શનનો પાઠ ભણાવવા કઈ રીતે રાતે ખુલ્લા આકાશ નીચે સુવડાવી ને બધું પ્રત્યક્ષ કરાવી દે એની નાનીબહેન વાતો કરતાં હતાં ને એમનાં ગુરુ-શિષ્યની એ વિરલ વાતો અમે સૌ ભીની આંખે સાંભળી રહ્યાં હતાં. કૂવો ખોદાઈ જાય ને પાણી નીકળે ત્યારે જુ.કાકા નવું ગીત રચી દે ને પાણીને આનંદભેર ગીત ગાતાં ગાતાં બાળકો વધાવે. આ બધી તપોભૂમિમાં પગ મુકવા મળે એ પણ અમારું સદ્ભાગ્ય. પોતાના આ સદ્ભાગ્ય પર ગૌરવ લેતાં લેતાં લીલી વાડીઓની વચ્ચેથી પસાર થતાં કલમકુઈ ભણી આગળ વધ્યાં. રસ્તામાં આવતા આદિવાસીઓના નાનકડા જુદા પ્રકારના આવાસ મને પોતાની તરફ ખેંચી રહ્યા હતા. દરેક ઘરમાં એક-એક કથા છે, આ  જગત પરની આટલી બધી કથાઓ લખનાર આ વિધાતાની કલમને ખરેખર દાદ દેવી પડે !

હું ઘણી વખત વાલોડ આવેલો પણ કલમકુઈ સંસ્થા જોવાઈ નહોતી એટલે મેં તરલાબહેન પાસે દરખાસ્ત મુકેલી કે આ વખતે કલમકુઈ લઈ જાઓને. બાળકની દરખાસ્ત કબૂલ થઈ ગઈ ને અમે પહોંચ્યા કલમકુઈ. નામ પણ કેવું કલાત્મક ! આ એ જગ્યા છે જ્યાં યુવાન બાબુભાઈ શાહ અને તરલાબહેન શાહે પોતાનાં દામ્પત્યના આરંભકાલીન વર્ષોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવેલી. એ સમયે તેઓ અહીં જ રહેતાં. એમનું ઘર હજુ એમની એ સમયની સ્મૃતિઓને અકબંધ સાચવીને બેઠું છે. સંસ્થા દર્શન કરતાં અમે એ સ્થળે પહોંચ્યાં ત્યારે ધીમે ધીમે ત્યાં સુધી પહોંચેલાં તરલાબહેન કાળચક્રને અતિક્રમીને પોતાના એ સુવર્ણકાળમાં પ્રવેશી ગયેલાં અનુભવાયાં. એક જ પાકું કહેવાય એવું મકાન, એ જ ઓફિસ, એ જ ગૃહપતિ નિવાસ, એ જ મહેમાનઘર ને વરસાદના દિવસોમાં એ જ નિશાળ ને એ જ છાત્રાલય ! એક ઘર કેટકેટલું બની શકે ને કેટકેટલાં મોટા મહોલાતો ભેંકાર બની બેઠાં હોય ત્યારે આવા ચેતનવંતા લોકોનું મૂલ્ય સમજાય. પ્રજ્ઞાબહેન ક્લાર્થી અહીં પણ ટ્રસ્ટી છે. એમના પ્રયત્નોથી બનેલું નવું મકાન પણ જોયું. આંગણે બબલભાઈ મહેતાની અસ્થિઓની સાંખે એમની જેમ છાયા આપતો પીપળો પણ જોયો ને તરલાબહેને જ કદાચ વાવી હશે, તે બોરસલ્લીની મીઠી છાંયડી પણ અનુભવી.

મારે ત્યાંના ઉત્સાહી આચાર્ય મિત્રના આદેશથી 'આપણાં અસુરો : નવી નજરે' એ વિષય પર વાત કરવાની હતી. સરસ મજાના પ્રાંગણમાં સુચારુ રીતે આયોજિત નાનકડા કાર્યક્રમમાં ત્યાંના બાળકો અને બાજુની પી.ટી.સી. કૉલેજનાં બહેનો સામે વાત આવડે એવી વાત મૂકી. તરલાબહેન કાયમ મને મુક્ત રાખે, સમય કે વિષયમાં ક્યારે ય ન બાંધે એટલે મને ગમતાં અસુરોની વાતો નિરાંત જીવે કરી. બાળકોએ સરસ પ્રાર્થના કરી તો દીકરીઓએ લયબદ્ધ ગીત રજૂ કરીને સૌને રોમાંચિત કરી દીધાં. તરલાબહેને નાનકડી પણ પ્રેરક વાત કરી. શીખંડ, પૂરી ને ખમણ ઢોકળાંનું સ્વાદિષ્ટ ભોજન અને આચાર્યશ્રી સહિત સૌનો પ્રેમાગ્રહ એટલે ધરાઈને ખાધું. બધાં કામમાં બાળકોને મળતી પરોક્ષ તાલીમ જોઈને આપણો શિક્ષકજીવ રાજી રાજી ! ઘણી ઘણી મીઠી સ્મૃતિઓ લઈ અમે વળ્યાં બારડોલીના રસ્તે.

રસ્તામાં નાની સાથેની વાતોનો દોર સંધાતો રહ્યો ને ઇતિહાસમાં સાંભળેલા સરદાર આદિ પાત્રો અમારી સમક્ષ પ્રગટ થતાં રહ્યાં. બારડોલી પહોંચી વિદ્યાર્થી મિત્રો થોડો વિશ્રામ કરી સરદાર નિવાસ અને મ્યુઝિયમ જોવા ગયાં ને હું ને નાની વાતે વળગ્યાં. એમાં ભળ્યાં પ્રજ્ઞાબહેન. અમારી વાતો વહ્યા કરી, અંધારા ઉતરવાની તૈયારી કરી રહ્યાં છે ને અમારે જમીને અહીંથી નીકળીને સુરત જઈ ટ્રેન પકડવાની છે એવું યાદ આવતાં અમે અટક્યાં. ભાવતું ભોજન લઈ, દીકરીઓની વિદાય લઈ, અમારા ઝોલા ભરાઈ જાય એવડી સોગાદ લઈ અમે બારડોલીથી વિદાય થયાં. પણ  હા મા હજુ અમારી સાથે જ હતાં. સુરત સ્ટેશને અમને મુકવા આવેલાં નાનીબહેન સાથેની એક એક ક્ષણ અમારા સૌ માટે સુખદ સંભારણું બની રહી.

ટ્રેનમાં બેસીએ એ પહેલાં એક સ્વજન અરવિંદભાઈ ગડાનો મેસેજ આવેલો કે ટ્રેનમાં મળી શકાય તો મળીએ, હું ‘કચ્છ એક્સપ્રેસ'માં જ છું.' અમને સિટીંગ કોચમાં જ રિઝર્વેશન મળેલું, એટલે એમને મળી ન શકાયું પણ સામખિયાળી ઊતરતાંવેંત એક પ્રેમાળ ચહેરો અમારી સામે હસતો હસતો સામે આવ્યો. એમને અમારી ત્રણ દિવસની સફરની ખબર હતી એટલે બોલ્યા 'તમે તીર્થોની યાત્રા કરીને આવ્યા છો એટલે તમને પગે લાગવું જોઈએ, પણ તમે એમ નહિ કરવા દો એની મને ખબર છે. પણ તમે મારી આ સાલ સ્વીકારો, એમ કહી એમણે પોતાનો ભાવ એ રીતે વ્યક્ત કરતાં સાલ ઓઢાડી દીધી ને હું કંઈ બોલી ન શક્યો. અરવિંદભાઈ પોતે બહુ સારા વાચક છે ને મેં એમને 'તત્ત્વમસિ' વિશે વાત કરતાં પણ સાંભળ્યા છે. 'પ્રિયને પત્ર' લખવાનું અમે વિદ્યાર્થીઓને ઈજન આપેલું ત્યારે નમૂનારૂપ પત્રો લખવા સૌને ફેસબુક પર અનુરોધ કરેલો, ત્યારે તેમણે સૌથી પહેલો પત્ર લખી મોકલેલો. મારા માટે એક મજાનું પુસ્તક પણ ભેટ આપી એ સ્વજન ઝાઝું કંઈ બોલ્યા વિના ચૂપચાપ અમારી ગાડીની વ્યવસ્થાઓની વચ્ચે પોતાનો પ્રેમ મૌનરૂપે વહાવતા રહ્યા. અમારે ઘરે એટલે ઝડપભેર પહોંચવું હતું કેમ કે અમારી કૉલેજ અમારી સૌની રાહ જોઈ રહી હતી. આવજો … આવજો કહેતાં અમે છૂટાં પડ્યાં.

મને મળેલાં આ ત્રણ દા'ડા અનેક અર્થમાં મને વામનથી વિરાટ ભણી લઈ જનારા બની રહ્યા. ત્રણેય દિવસો દરમિયાન સાધુજન કહી શકાય એવાં કેટલાં ય પ્રિયજનોના પ્રાપ્ત થયેલા પ્રેમને સંભારતો નીલપર ભણી જઈ રહ્યો હતો ત્યારે ફરી સવારે સાંભળેલ ગીત અમને સૌને મળેલાં અગણિત પ્રેમના સંદર્ભમાં યાદ આવતું રહ્યું ને અંતર બોલી ઊઠ્યું :

'દિન દિન બઢત સવાયો ….

જોગાનુજોગ આજે વિશ્વ મહિલા દિવસે પ્રિય નાની એટલે કે નિરંજનાબહેન ક્લાર્થી દિલ્લીમાં રાષ્ટ્રપતિશ્રીના હસ્તે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત થશે ને એવોર્ડની ગરિમા વધી જશે ….

e.mail : ramjanhasaniya@gmail.com

સૌજન્ય : રમજાનભાઈ હસણિયાની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે – પછી એ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ હોય કે નર્મદા બાલઘર

સોનલ પરીખ|Opinion - Opinion|7 March 2022

ડૉ. સી.વી. રામનને મળેલા નોબેલ પ્રાઇઝની યાદગીરીમાં, આપણે ત્યાં દર 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન-દિવસ ઉજવાય છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ જેવી સુંદર-અર્થપૂર્ણ થીમ પર દેશભરમાં 75 સ્થળે આખું અઠવાડિયું વિજ્ઞાન-સપ્તાહ તરીકે ઉજવાયું. આ તકે મળીએ વિજ્ઞાનના બે અનન્ય ઉપાસકોને. બન્નેના અભિગમ, વ્યક્તિત્વ, કાર્યપદ્ધતિ અને વ્યાપ આગવાં છે પણ જ્યાં સુધી સામાજિક નિસબત અને વિજ્ઞાન-સમર્પણની વાત છે, બન્ને એક છે.

ભારતના પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ. સી.વી. રામન, પહેલા ભારતીય જ નહીં, પહેલા એશિયન હતા જેમને વિજ્ઞાનનું નોબેલપ્રાઈઝ મળ્યું. આ ગૌરવપૂર્ણ ઘટનાને કાયમ યાદ રાખવા ‘નેશનલ કાઉન્સિલ ફૉર સાયન્સ એન્ડ ટૅક્નૉલૉજી’ દ્વારા ભારતમાં દર 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન-દિવસ ઊજવવામાં આવે છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આ વર્ષે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજ્યતે’ જેવી સુંદર-અર્થપૂર્ણ થીમ પર દેશભરમાં 75 સ્થળે આખું અઠવાડિયું વિજ્ઞાન-સપ્તાહ તરીકે ઉજવાયું.

આજે આપણે વિજ્ઞાનના બે અનન્ય ઉપાસકોની સામાજિક નિસબત વિશે જાણીશું. બન્નેના અભિગમ, વ્યક્તિત્વ અને કાર્યપદ્ધતિ આગવાં છે પણ જ્યાં સુધી સામાજિક નિસબત અને વિજ્ઞાન-સમર્પણની વાત છે, બન્ને એક છે.

પહેલા ઓળખીએ ડૉ. અરુણભાઈ દવેને. ગુજરાતમાં જે ત્રણ સ્થળ વિજ્ઞાન-સપ્તાહ ઉજવવા માટે પસંદ થયા, એમાંનું એક હતું લોકભારતી ગ્રામવિદ્યાપીઠ, સણોસરા. લોકભારતીનું લોકવિજ્ઞાન કેન્દ્ર જે આ વર્ષે 50 વર્ષ પૂરાં કરે છે.

આ લોકવિજ્ઞાન કેન્દ્રની શરૂઆત અત્યારે લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી સંભાળતા ડૉ. અરુણભાઈ દવેએ કરી હતી. એ વખતે અરુણભાઈ બાવીસ વર્ષના. દર્શકદાદા કહે, ‘આવા ચાળા ન કરીશ. હું સોંપુ એટલું જ કામ કર.’ અરુણભાઈ કહે, ‘જે સોંપશો તે બધું જ કરીશ. પણ મને આ કરવા દો.’ અને વપરાયેલા કોથળા પર વિજ્ઞાનનાં ચિત્રો અને સમાચારો ઘરઆંગણે લગાડવાથી એમણે શરૂઆત કરી. વિદ્યાર્થીઓને રસ પડ્યો. લોકવિજ્ઞાન કેન્દ્ર વિકસતું ગયું. અરુણભાઈ બ્રિટિશ કાઉન્સિલ પાસેથી વિજ્ઞાનફિલ્મો મગાવે, એનું ગુજરાતી કરે અને વિદ્યાર્થીઓને બતાવે. આ ફિલ્મો ચૌદ-ચૌદ કલાકની હોય! એટલે આખું અઠવાડિયું રોજના બે-બે કલાક બતાવે. આવાં અનેક વિજ્ઞાન-ફિલ્મ-સપ્તાહો ઉજવ્યાં. કાઉન્સિલવાળા તપાસ કરવા આવ્યા કે આટલી બધી ફિલ્મોનું થાય છે શું? પચીસ વર્ષ વિજ્ઞાનસામયિક ચલાવ્યું, અનેક કાર્યક્રમો કર્યા. વિજ્ઞાનકાર્યક્રમો લઈને દેશભરમાં તો ફર્યા જ, 25 જેટલા દેશોમાં પણ ગયા. વીસ વર્ષ સુધી વિજ્ઞાનનાં પાઠયપુસ્તકો બનાવવામાં માર્ગદર્શન આપ્યું. સોલાર એનર્જીમાં તો યુનિક કહી શકાય એવું કામ થયું. નાસાને પત્ર લખ્યો કે હું એવા વિસ્તારમાં છું જ્યાં વિમાન પસાર થાય તો લોકો માથાં ઊંચાં કરીને જોઈ રહે છે. આમને મારે સ્પેસ અને ટૅક્નૉલૉજી વિશે કેવી રીતે સમજાવવું તેનું માર્ગદર્શન આપો. નાસાએ ઉત્તરમાં થોકબંધ સાહિત્ય અને સ્લાઈડ્સ મોકલ્યાં.

અરુણભાઈએ સિન્થેટિક દવાઓ પર પીએચ.ડી. કર્યું છે અને નાસા જેવી ઈન્ટરનેશનલ ખ્યાતિપ્રાપ્ત સંસ્થામાં કામ કરવાની તક છોડીને જીવનલક્ષી શિક્ષણ આપતી ‘લોકભારતી’ને સર્વસ્વ ગણી છે. એટલે જે બાળકો ગણિત અને વિજ્ઞાનમાં 99 અને 100 ટકા માર્ક્સ લાવે એમને ઘરમાં કે રોજના જીવનમાં એનો શો ઉપયોગ છે તે ખબર ન હોય એ અરુણભાઈને ખટકે – આ કેવું કે પરીક્ષા માટે ગોખવાનું ને પરીક્ષામાં ઓકવાનું – ખરી જરૂર તો વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની છે. જીવન સાથે ન જોડાય એ જ્ઞાનને નાનાદાદા ‘વાંઝિયું’ કહેતા; અને અબ્દુલ કલામ કહેતા કે દેશ વિજ્ઞાન-ગણિત વિષયશિક્ષણમાં હોંશિયાર છે, પણ વૈજ્ઞાનિક અભિગમની બાબતમાં ગરીબ છે – આ બન્ને વાત એમના હૃદયમાં ઊતરી ગયેલી. લોકભારતીના શિક્ષણમાં ઘુંટાયેલા જીવન સાથેના અનુબંધના તત્ત્વનો ઉપયોગ એમણે વિજ્ઞાનમાં પણ કર્યો અને પાંચ પાંચ વર્ષના પાંચ વિજ્ઞાન-કાર્યક્રમો કર્યા, જેમાંનો છેલ્લો ‘મોજીલું શિક્ષણ’ બેવડાઈને દસ વર્ષનો થયો છે.

મોજીલું શિક્ષણ એટલે ભણનાર અને ભણાવનાર બન્નેને મોજ આવે એવું શિક્ષણ. એ તો સાબિત થઈ ચૂક્યું છે કે પ્રાથમિક કક્ષાના 98 ટકા વિદ્યાર્થીઓમાં મૌલિક વિચારશક્તિ અને અભિવ્યક્તિ હોય છે, જે બીબાંઢાળ ગોખણિયા શિક્ષણના પ્રતાપે નાશ પામે છે. અનુસ્નાતક કક્ષાએ પણ ‘લિથો’ પકડાવી દેવાય છે. એથી જ આપણા દેશમાં વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક વલણો વિકસ્યાં નથી અને વિશ્વની આધુનિક શોધખોળોમાં ભારતનો ફાળો ક્યાં ય દેખાતો નથી.

મોજીલું શિક્ષણનો મૂળ હેતુ કોઈ વિષયને ‘ભણાવી દેવાનો’ નથી, પણ વિદ્યાર્થી જાતે ભણતો – સમજતો થાય અને જ્ઞાનને જિવાતા જીવન સાથે જોડતો થાય એવી દૃષ્ટિ કેળવવાનો છે. લોકભારતીના વિજ્ઞાન-પ્રદર્શનમાં 350 રમકડાં છે જે બાળકોને પ્રવૃત્તિ દ્વારા વિજ્ઞાનશિક્ષણ આપે છે. માણસ જે પણ કામ કરતો હોય, એમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ઉમેરાય તો એ વધારે સારી રીતે થાય – લોકવિજ્ઞાન કેન્દ્ર મહિલાઓ, ખેડૂતો અને શિક્ષકોને પણ કેળવે છે. 

લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રે તમામ વિજ્ઞાનદિન ઉજવ્યા છે. ગાંધીજીએ વિજ્ઞાનના ‘વિવેકપૂર્ણ ઉપયોગ’ની જે વાત કરી તે લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રનો આદર્શ છે. આમ પણ લોકભારતીના તમામ વિભાગો આ દૃષ્ટિથી જ વિકસાવાયા છે. કોઈ ભલામણ વગર કેન્દ્ર સરકારે લોકભારતીની કરેલી પસંદગી યોગ્ય જ છે. આ સપ્તાહ દરમિયાન લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભાવનગર જિલ્લાના આઠ સ્થળે બ્રહ્માંડ અંગેનાં વ્યાખ્યાનો, આકાશદર્શન અને વિજ્ઞાનમેળા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. હજારો વિદ્યાર્થીઓએ અને એમના શિક્ષકોએ ભાગ લીધો.

વિજ્ઞાન-સપ્તાહ નિમિત્તે મોરબીમાં વિજ્ઞાનશિક્ષણના ક્ષેત્રે મહત્ત્વાકાંક્ષી પ્રવૃત્તિઓ કરનાર ભરતભાઈ મહેતાને પણ યાદ કરવાનું મન થાય. ભરતભાઈનાં માતાપિતા સુખલાલભાઈ અને નર્મદાબહેન અનન્ય વતનપ્રેમી અને આર્થિક-સામાજિક-આધ્યાત્મિક રીતે અતિવિકસિત દંપતી. ભરતભાઈ પણ મુંબઈ અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લઈ, યોગ-ફિલોસોફીના અભ્યાસ સાથે ઉદ્યોગ અને કોર્પોરેટ ક્ષેત્રના અનેકવિધ અનુભવો મેળવી આંતરબાહ્ય રીતે ઘણા સમૃદ્ધ થયા. ભારતમાં કૉમ્પ્યુટર્સ લાવવામાં એક હાથ એમનો પણ હતો.

પૌર્વાત્ય અને પાશ્ચાત્ય મૂલ્યોના આ સંયોજન સાથે 1999માં એમણે માતાના નામ સાથે વતન મોરબીમાં, ‘નર્મદા બાલઘર’ શરૂ કર્યું. મોરબી સૌરાષ્ટ્રનું ઉદ્યોગ-પાટનગર ગણાય છે. એમાં ઉછરી રહેલાં બાળકોને કલાઓ, રમતગમત અને વિજ્ઞાનના સંસ્કાર મળે તે ભરતભાઈનું અને નર્મદા બાલઘરનું સ્વપ્ન.

ભવિષ્યની ટેક્નોલોજી પર નજર ઠેરવતા અને 82 વર્ષની વયે પણ યુવાન જેવી સ્ફૂર્તિ રાખતા ભરતભાઈ મોરબીને ‘સિલિકોન વેલી’ બનાવવા ઈચ્છે છે. અમેરિકામાં થાય છે એવો ટૅક્નૉલૉજિકલ પ્રોગ્રેસ અહીં કેમ ન થાય? વિકસિત દેશોની હરોળમાં ભારતને અગ્રીમ સ્થાન કેમ ન મળે? આવતીકાલની દુનિયાને ઉપયોગી એવા નવાં-નવાં સાધનો એમણે નર્મદા બાલ ઘરમાં વસાવ્યાં છે. અહીં વિદ્યાર્થીઓ વિજ્ઞાન-પુસ્તકોના અભ્યાસક્રમો પર આધારિત પ્રયોગો તો કરે જ છે, સાથે કૉમ્પ્યુટર કૉડિંગ, થ્રી-ડી પ્રિન્ટિંગ, બૅઝિક સાયન્સ, ડ્રોન ટૅકનૉલૉજી, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઑગ્મેન્ટેડ રિયાલિટી, વર્ચ્યુઅલ રિયાલિટી આ બધાને લગતાં અનેક અદ્યતન સાધનથી પરિચિત થાય છે. આ સાધનોની રચના અને ઉપયોગ અંગે અહીં વિજ્ઞાનશિક્ષકોને ખાસ તાલીમ અપાય છે. ભરતભાઈની નજર ભવિષ્ય પર છે અને જ્ઞાનની સ્વતંત્રતાપૂર્વક વિસ્તૃતિને તેઓ ખૂબ જરૂરી માને છે. વિજ્ઞાન સપ્તાહ દરમિયાન 24 ફેબ્રુઆરી 2022ના દિવસે નર્મદા બાલઘરના ઉપક્રમે વીરપુરની ન્યૂ એરા ગ્લૉબલ સ્કૂલ ખાતે 75 શાળાઓમાં થ્રી ડી પ્રિન્ટર્સ અને 25 શાળાઓમાં વર્ચ્યુઅલ રિયાલિટી ગ્લાસિઝનું વિતરણ થયું, સાથે દસ ગામડાંની શાળાઓ અને રાજકોટ-મોરબીની બધી આશ્રમ શાળાઓના સંપૂર્ણ વિકાસની અને રાજકોટની વિદ્યાર્થિની બહેનોના કૌશલ્ય દ્વારા સશક્તીકરણની શરૂઆત થઈ.

ભારતમાં મધ્યમ અને ગરીબ વર્ગ મોટો છે. શિક્ષણ અને વિકાસની તકો થોડા શ્રીમંત અને શહેરી બાળકો પૂરતી મર્યાદિત રહે એ બરાબર નહીં. દૂરદૂરની શાળાઓમાં બધું પહોંચવું જોઈએ. આપણાં બાળકો આવનારા ભવિષ્ય માટે તૈયાર થાય અને નોકરીઓ પર મોહતાજ રહેવાને બદલે આત્મનિર્ભર બને એ માટે બાલઘરમાં ડુ ઈટ યૉરસેલ્ફ ઉત્પાદનો અને કૌશલ્યવિકાસ માટે  ‘મેકર રૂમ’ છે, ઉપરાંત સમૂહચર્ચા, સ્કેટિંગ, ચિત્રકામ, નૃત્ય સંગીત, યોગ વગેરે શીખવવાની જગ્યા અને લાયબ્રેરી પણ છે. પણ એમને ગામડે ગામડે પહોંચવું છે. ‘આપણાં બાળકો તેજસ્વી છે, એમને તક અને વૈજ્ઞાનિક વાતાવરણ આપવાની જરૂર છે.’ ભરતભાઈ કહે છે, ‘અમે 850 શાળાઓના 1,100 શિક્ષકોને તાલીમ આપી છે અને અઢી લાખ બાળકો સુધી પહોંચ્યા છીએ. આ વર્ષે આખા ગુજરાતમાં પહોંચવાની નેમ છે. હું ડેમોક્રોસી ઑફ એજ્યુકેશનમાં માનું છું. અમારી કાર્યશૈલી પણ કુટુંબભાવના આધારિત છે. સખત મહેનત અને સર્જનાત્મકતા અમારા મંત્રો છે.’ પણ આ બધા માટે વાતાવરણ જોઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની એક ઈકોસિસ્ટમ જોઈએ અને તે માટે શાળાઓ અને શિક્ષકોએ જ નહીં, શિક્ષણવિદો, વાલીઓ અને પત્રકારોનો સાથ પણ જોઈએ, તો વર્તુળ પૂરું થાય. હું એ સમજ્યો છું કે આપવાના આનંદથી મોટો કોઈ આનંદ નથી.’  

આપણા દેશના વર્તમાન સમાજને અને ભાવિ નાગરિકોને આવા થોડાક અરુણભાઈઓ અને ભરતભાઈઓની ખૂબ જરૂર છે.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 27 ફેબ્રુઆરી 2022 

Loading

લૂઝ કનેક્શન શ્રેણી (27)

સુમન શાહ|Opinion - Opinion|7 March 2022

સૅક્સ્યુઅલ રીલેશનશિપ :  લેખાંક – 8 : ઑપ્ટિમમ ગ્રિપ :

પૉન્તિને વિશ્વ સાથે પાનું પાડવાની માનવીય રીતિમાં સવિશેષે રસ પડ્યો છે. એને તેઓ coping કહે છે. એટલે કે આપણે માણસો આસપાસના વિશ્વ સાથે પાનું પાડીએ છીએ, અમુક પરિસ્થતિનો મુકાબલો કરીએ છીએ, સામનો કરીએ છીએ, તે.

ત્યારે હમેશાં ઇચ્છીએ છીએ કે પરિસ્થિતિને કાબૂમાં લઇ શકીએ, પરિસ્થિતિ આપણા અંકુશમાં આવી જાય, એ પર સારામાં સારી – ઇષ્ટતમ – પકડ મેળવી શકાય. એવી પકડને પૉન્તિ optimum grip કહે છે.

આપણે નિપુણતાથી કોપિન્ગ કરીએ, કશા વિચારથી કે વિચારણાથી દોરવાયા વિના, ત્યારે શરીર આપણું પરિસ્થતિ પર ઇષ્ટતમ પકડ મેળવી લેતું હોય છે.

કોપિન્ગની આ માનવીય લાક્ષણિકતા વર્ણવીને પૉન્તિએ ‘ઍન્ગ્ઝાઇટી’ ‘રિસ્ક’ વગેરે અસ્તિત્વવાદી વિભાવનાઓને બાજુએ મૂકી દીધી છે, એમ કેટલાક વિદ્વાનોનું માનવું છે.

પૉન્તિનું કહેવું એમ છે કે આપણે માણસો આપણા શરીર વડે હમેશાં એવું વર્તન કરીએ છીએ જેથી ન તો વસ્તુની વધુ નજીક જવાય, ન તો વધુ દૂર. આપણે સંતુલન સાધીએ છીએ. નહિતર, વસ્તુ જેની બની છે એ વીગતોને ચૂકી જવાય.

પૉન્તિ દાખલો આપતાં પૂછે છે – આપણે મ્યુઝિયમમાં જઈએ છીએ ત્યારે શું થાય છે? કહે છે, ત્યારે  શરીર ભીંતે લટકતા ચિત્રથી દોરવાતું ચાલે છે – શરીર એવું ઑપ્ટિમમ ડિસ્ટન્સ સાધે છે કે એથી ચિત્રની સમૃદ્ધિને વધુ ને વધુ પામી શકાય, ચિત્રના ફૉર્મની – રૂપની – સ્પષ્ટતાને વધુ ને વધુ પામી શકાય.

મ્યુઝિયમનું દૃષ્ટાન્ત તો ચાક્ષુસ છે, ચક્ષુ વડે વસ્તુને પામી શકાઈ, વસ્તુનો સાક્ષાત્કાર થયો. પણ કોપિન્ગ અને ઓપ્ટિમમ ગ્રિપ હમેશાં હરેક ઇન્દ્રિયના પ્રસંગે સંભવે છે. વધારે સમજવા જેવી વાત એ છે કે શરીર અને કોઈ પણ પર્સેપ્શન કદી છૂટાંછૂટાં નથી હોતાં.

સામાન્યપણે એમ મનાતું હોય કે પર્સેપ્શન કોઈ પણ પરિવેશના કે વાતાવરણના અમુક હિસ્સામાંથી માહિતીને ગાળી નાખે છે, પણ પૉન્તિ જુદું એમ કહે છે કે, ના, પર્સેપ્શન તો શરીર અને વાતાવરણ વચ્ચે ચાલતી નિરન્તરની આન્તરક્રિયા છે – શરીર વાતાવરણને અને વાતાવરણ શરીરને નિત્ય જોડતાં રહે છે. પૉન્તિ ચેતનાને પણ આ આન્તરક્રિયાનું પરિણામ ગણે છે. 

પૉન્તિના આ દૃષ્ટિબિન્દુ અનુસાર, એમનો કોઈ પણ વાચક સૅક્સ્યુઅલ રીલેશનશિપ વિશે સ્વતન્ત્રપણે વિચારી શકે છે. જેમ કે, સાહચર્ય કેળવાય અને સંવનન સંભવે ત્યારે સ્ત્રી / પુરુષ એકમેકને નાથતાં હોય છે, એટલે કે કોપિન્ગ કરતાં હોય છે. અને તેઓ સમ્ભોગ દરમ્યાન એકમેકને પકડમાં લેતાં હોય છે એ વર્તનનું ઉત્તમ દૃષ્ટાન્ત ઑપ્ટિમમ ગ્રિપ હોય છે.

એમણે કહ્યું કે સંવેદનો અનુભવના એકમો છે. જેમ કે, મને અગ્નિને દાઝતાં જે જે વેદનો અને સંવેદનો થયાં હોય એ બધાંનો સમવાય તે એ અગ્નિનો મારો અનુભવ. માણસ ક્રિયાઓ વિશે ચિન્તવી શકે છે કેમ કે એ ચિન્તન-પૂર્વ પ્રકારની એક ભૂમિકા ધરાવે છે. શરીરની આ લાક્ષણિકતાને કારણે જ્ઞાન ચેતનાથી મેળવાય છે એ પ્રરૂઢ ખયાલથી છૂટી શકાયું અને ફિલસૂફી એ રૂપે વધુ વાસ્તવિક બની.

પૉન્તિ ફિનૉમિનોલૉજિથી એવે દૂર ખસ્યા જેને તેઓ ‘ઇન્ડાયરેક્ટ ઑન્ટોલૉજિ’ અથવા ‘ઑન્ટોલૉજિ ઑફ ધ ફ્લેશ ઑફ ધ વર્લ્ડ’ કહે છે. વિશ્વના હાડમાંસને લક્ષમાં લેતું એમનું આ દર્શન એમના છેલ્લા પુસ્તકમાં, ‘વિઝિબલ ઍન્ડ ઇન્વિઝિબલ’-માં સવિશેષે વ્યક્ત થયું છે.

પરમ્પરાગત ફિલસૂફીના કેન્દ્રમાં ઇશ્વર હતો, અર્વાચીન ફિલસૂફીના કેન્દ્રમાં મનુષ્ય મુકાયો, પૉન્તિના દર્શનમાં શરીર કેન્દ્રમાં મુકાયું. માણસ શરીરસ્વરૂપે અસ્તિત્વમાં સંડોવાયેલો, વિષય છે – સબ્જેક્ટ છે. આપણે જોયું છે કે સાર્ત્ર સબ્જેક્ટને ‘ફૉર ઇટસૅલ્ફ’ અને ઑબ્જેક્ટને ‘ઇન-ઇટસૅલ્ફ’ કહે છે. ચેતના બન્નેની વચ્ચે અને બન્નેમાં માણસની અવરજવરને શક્ય બનાવનારું એક માધ્યમ મનાયું હતું, પૉન્તિમાં ચેતનાના એ માધ્યમ સ્વરૂપનો ધ્વંસ જોવા મળે છે.

એમણે ‘પ્રાયમસિ ઑફ પર્સેપ્શન’ પ્રયોગ સરજ્યો. મતલબ, શરીર વડે સૌ પહેલાં આપણે વિશ્વને પામીએ છીએ, ને પછી વિશ્વની ફિલસૂફી લખીએ છીએ…

= = =

(March 6, 2022: Ahmedabad)

સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર

Loading

...102030...1,4741,4751,4761,477...1,4801,4901,500...

Search by

Opinion

  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved