Opinion Magazine
Number of visits: 9672121
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નૃત્યનાટિકા ‘મેઘદૂત’ : એક સ્મરણીય સૌન્દર્યાનુભવ

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|3 July 2022

આષાઢસ્ય પ્રથમ દિવસે, ગુરુવારે સાંજે, કાલિદાસના ‘મેઘદૂત’ પરની નૃત્યનાટિકા એ પ્રેક્ષકોને સવા કલાક સુધી આનંદથી ઝકઝોળી દેનારો પ્રયોગ હતો.

લાલિત્ય અને લાવણ્યથી પરિપ્લાવિત આ પ્રયોગનું નૃત્ય નિર્દેશન અને  દિગ્દર્શન ભરતનાટ્યમના ગુરુ ચંદન ઠાકોરે કર્યું હતું.

વિરહી યક્ષનો સંદેશાવહક મેઘ અને તેનો આકાશમાર્ગ, આંબા અને જાંબુનાં વૃક્ષો, મોરલા અને હરણ, ઉજ્જૈનીની વનિતાઓ અને તેમનો શૃંગાર-વિહાર, નિર્વિન્ધ્યા નદી અને  હિમાલય, જેવાં કવિના કલ્પનોને દિગ્દર્શકે નૃત્યમય દૃશ્યરચનાઓ દ્વારા પૂરેપૂરાં તરાશીને મંચ પર મૂક્યાં હતાં. આ દિગ્દર્શકની પરિકપલ્પનાની અને તેમના વૃંદના પરિશ્રમની  બહુ મોટી સિદ્ધિ હતી.

નૃત્ય નાટિકાની કલાકારો ચંદન અને તેમનાં પત્ની નિરાલી દ્વારા સંચાલિત ‘નૃત્યભારતી’ નામની ભરતનાટ્યમ્‌ શિક્ષણ સંસ્થાની વિદ્યાર્થિનીઓ છે.

નાટિકાની રજૂઆત માટેનો સાંગિતીક આધાર વિશ્વમોહન ભટ્ટના સંગીત નિર્દેશનમાં કવિતા કૃષ્ણમૂર્તિ  અને હરિહરને ગાયેલું ‘મેઘદૂત’ હતું. તેમણે આ કૃતિના જુદા જુદા તબક્કાના તેર શ્લોકો ગીત સ્વરૂપે કેટલાક શાસ્ત્રીય રાગોમાં પ્રલંબ રીતે ગાયા છે. ‘ઇન્ડિયા ટુડે મ્યુઝિક’ના નેજા હેઠળનું એક કલાકનું આ રેકૉર્ડિંગ યુ-ટ્યૂબ પર છે. ગીતની સાથે મંચ પર નૃત્યના માધ્યમથી દૃશ્યો ભજવાતાં. બે ગીતોની વચ્ચે ફેડ-આઉટ અને  ઉદ્દઘોષણા/સમાલોચના (કૉમેન્ટરિ) હતાં.

ચંદનના પત્ની નિરાલીએ પ્રોષિતભર્તુકા નાયિકા યક્ષિણીની, અને ચંદન પાસે વીસ વર્ષથી નૃત્ય સાધના કરી રહેલા વિદ્યાર્થી અને અર્થશાસ્ત્રના અધ્યાપક આત્મન શાહે વિરહી નાયક યક્ષની ભૂમિકા ભાવવાહી રીતે ભજવી હતી. નિરાલી મોટા ભાગની દૃશ્યરચનાઓમાં ઉપસી આવતાં હતાં.  તેમણે એક  દૃશ્યમાં બતાવેલાં, યક્ષિણીનાં પ્રફુલ્લિત તન્વી શ્યામા અને પછી ગલિતગાત્ર વિરહિણી એવાં બે રૂપો વિશેષ નોંધપાત્ર હતાં. આત્મન માટે સુશોભિત વેશભૂષા કે આંગિક અભિનયમાં પ્રભાવશાળી પોશ્ચર્સ બતાવવાની તક ઓછી હતી. તેમણે સૌષ્ઠવપૂર્ણ આંગિક અને અસરકારક હાવભાવ થકી વ્યથિત યક્ષનું પાત્ર ઊભું કર્યું હતું.

આગળ ઉપર જે દૃશ્યરચનાઓનો ઉલ્લેખ કર્યો તેમાં દરેક કલાકારની દરેક મુદ્રા, હસ્ત-પદવિન્યાસ, આંગિક અભિનય, વેષભૂષા, રંગભૂષા, સમયપાલન એ બધામાં ભાગ્યે જ કચાશ હતી – આંગળીનાં ટેરવે લગાવેલી મેંદીમાં પણ કચાશ નહીં.

મંચના પાછળના હિસ્સા આપેલી લેવલ પરથી મેઘ તરીકે પસાર થતી કલાકારોનાં ગતિ અને લય, સફેદ કાપડથી ઊભા કરેલાં હિમાલયના વિવિધ શિખરોને પળવારમાં બદલી બતાવનારી, કાપડની પછવાડે ઊભી રહીને પોતે દેખાયા વિના કસબ સાધનારી કલાકારો, હિલોળા લેતી નદીનાં દૃશ્યમાં વૃંદની વિલક્ષણ સંવાદિતા – આવી બીજી મનભર વિશિષ્ટતાઓ પણ  બતાવી શકાય. દરેક કલાકારની લગન અને અનેક રિહર્સલ્સની મહેનત સર્વત્ર દેખાતી હતી. એ પણ કહેવું જોઈએ કે આખી ય રજૂઆતમાં ક્યાં ય ભડકપણું ન હતું, રૂપરંગ અને સજ્જાસજાવટમાં સુરુચિ તેમ જ આભિજાત્ય હતાં. પ્ર્કાશ અને મંચસજ્જાથી  તખ્તા  પર આહ્લાદક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું.

જો કે હરિહરને ગાયેલાં પહેલાં ગીતમાં કેટલીક વખત  स्वाधिकारात प्रमत्त: ને બદલે स्वधिकारात प्रमत: કે स्वधिकरात प्रमत સંભળાય છે, જે કાનને ખટકે છે,અને અર્થ પણ બદલાય છે. પ્રયોગની ઉત્કૃષ્ટતા અને આભિજાત્ય સાથે બંધબેસતી  જરૂરી અન્ય થોડીક  બાબતો સુજ્ઞ રસિકોના ધ્યાનમાં આવી હશે.

નૃત્યભારતી સંસ્થા નિર્મિત આ નૃત્ય નાટિકાના પ્રયોગનું આયોજન મનીષ પાઠકે ઓમ કમ્યુનિકેશનના ઉપક્રમે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાયથી ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં કર્યું હતું. કલાકૃતિની ગુણવત્તામાં જેમનો ફાળો હતો તે સહુ આ આ મુજબ છે. રંગભૂષા : હેતુલ અને આકાશ તપોધન; પ્રકાશ આયોજન : અશ્વિન તપોધન અને ઉર્વીશ જળગાવકર; મંચ સજ્જા : અશ્વિન તપોધન અને ધ્વનિ કિશોર રાઠોડ.

પ્રયોગ બાદ પરિચય-અભિવાદન વખતે દરેક કલાકારે અલગ રીતે પ્રક્ષકોને વંદન કર્યાં.

આ સહુ કલાકારો છે : દેવાંશી, ઝીલ, પાહિની, ઔશી, હરિક, તનુશ્રી, સ્વધા, શૈલી, ખૂશ્બુ, દીર્ઘા, હેલી, નુપુર, કશીશ, સલોની, ભવાની, હિમાની, દિશા, શિવાની, દિયા, એકતા, ખુશી.

(ફોટો સૌજન્ય : મનીષ પાઠક)

03 જુલાઈ 2022

સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

હત્યા જ જો ધર્મ હોય તો અધર્મ આપણે કોને કહીએ છીએ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|1 July 2022

સાચું તો એ છે કે હવે જગતમાં ખોટું કૈં રહ્યું જ નથી. બધું જ ખોટું, સાચું થઈ ગયું હોય તેમ ક્યાં ય અસત્ય જેવું કૈં લાગતું જ નથી. ચારે બાજુએ અનાચાર જ સદાચારની જેમ ફેલાઈ રહ્યો છે. ખોટું જ એટલું બધું વ્યાપકપણે ચાલે છે કે ખરું કોને કહેવાય એની સમજ જ નથી પડતી. બળાત્કાર, ખૂનની ઘટનાઓ વગરનું વર્તમાનપત્ર જડતું નથી. ખૂન સ્વાભાવિક થઈ ગયાં છે. જાણે કોઠે પડી ગયાં છે ! આઝાદી સાથે વારસામાં મળેલી કોમી હોળી હજી ક્યાંક ક્યાંક સળગતી જ રહે છે. નાની નાની વાતમાં (અ)ધર્મ એટલો ઊંડે ઊતરી ગયો છે કે લોહી ઠંડું પડતું જ નથી. કોઈ કૈં જરા ધર્મ વિષે બોલે છે કે તેમાં ખોટું શું છે તેની ખોળાખોળ ચાલુ થઈ જાય છે. બીજું ગમે તે બોલો, પણ ધર્મ વિષે કૈં બોલાયું કે તેનો હિંસક વિરોધ શરૂ થઈ જાય છે. ભાગ્યે જ કોઈ ધર્મ એમાંથી બાકાત હશે. કોણ જાણે કેમ પણ કટ્ટરતા જ ધર્મ થઈ પડ્યો છે. બહુ મહેનત કરીને ઝનૂન ઉછેરવામાં આવી રહ્યું છે. આ સારું નથી. દુ:ખની વાત છે કે હિન્દુઓ પણ વાત વાતમાં ઉશ્કેરાય છે. તે પણ બદલાની વાતો કરતા થયા છે. કેટલાક વિધર્મીઓ, હિન્દુઓ તરફ આંગળી ચીંધે છે કે હિન્દુઓ પણ ઝનૂનને પોષે છે, તો તે સંદર્ભે એટલું જ કહેવાનું કે કોઈ હિંદુએ આજ સુધી તલવારની અણીએ કોઈને મુસ્લિમ બનાવ્યો નથી. ઝઘડાની શરૂઆત ક્યારે ય હિન્દુઓથી થઈ નથી. પહેલો પથ્થર હંમેશાં સામેથી આવ્યો હોય ને પછી પ્રતિક્રિયા આવી હોય એમ બને, બાકી પહેલ હિન્દુઓએ કરી નથી. એનું કારણ છે કે હિન્દુ ધર્મ મૂળથી જ સહિષ્ણુ અને ઉદાર રહ્યો છે. એની ધીરજની કસોટી અનેકવાર થઈ છે ને થતી રહે છે. 28 જૂને ફરી એક વાર કસોટી કરતી એક ભયંકર ઘટના રાજસ્થાનનાં ઉદેપુરમાં બની છે.

કનૈયાલાલ નામના ઉદેપુરના એક દરજીની બે મુસ્લિમો – રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે દુકાનમાં ઘૂસી જઈને છરીના 26 ઘા મારીને કરપીણ હત્યા કરી છે. આ અરેરાટીપૂર્ણ જઘન્ય અપરાધનો વીડિયો ઉતારવામાં આવ્યો અને તેને વાયરલ પણ કરવામાં આવ્યો, જેથી દહેશત ફેલાય. વીડિયોમાં હત્યારાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી અને કોઈ પણ જાતના ખોફ વગર આપી. આ પૂર્વ નિયોજિત કાવતરું હતું. એક જણ છરીના ઘા મારે અને બીજો એનો વીડિયો ઉતારે એવું આયોજન હતું. દુકાનમાં સી.સી.ટી.વી. કેમેરા હતો અને બે કારીગરો કામ કરતા હતા, પણ તેની હત્યારાઓને જરા ય ચિંતા ન હતી. તે ધોળે દિવસે કોઈ ખોફ વગર દુકાનમાં ઘૂસ્યા ને માથું અલગ કરી નાખવાની ગણતરીએ હત્યા કરીને ચાલતા થયા. જો કે, પોલીસ હત્યારાઓને પકડવામાં સફળ થઈ છે ને કાનૂની રીતે એમના પર હવે કામ ચાલશે, પણ આ હત્યા અનેક પ્રશ્નો ઊભા કરે છે.

મૂળ વાત આટલી છે. કનૈયાલાલની પોસ્ટ તેનાં દીકરાની ભૂલથી મુકાઇ હતી, જેમાં નુપૂર શર્માનાં સમર્થનની વાત હતી. દરજીને તો સ્માર્ટ ફોન વાપરવાની આવડત ન હતી, પણ પોસ્ટ મુકાઇ જતાં, ડરીને કનૈયાલાલે પોલીસ રક્ષણ માંગ્યું હતું ને ત્યારે તેણે ઉમેર્યું હતું કે તેના મુસ્લિમ પડોશીએ જ તેની વિરુદ્ધ ફરિયાદ કરી હતી ને તેણે જ પોસ્ટ વાયરલ કરી હતી. તે એ પણ જાણતો હતો કે દરજીને ફોન વાપરતાં આવડતું નથી. જે નૂપુર શર્માનું સમર્થન કરવાની વાત તેની જાણ બહાર વાયરલ થઈ હતી, તે શર્માને તો કૈં થયું ન હતું, પણ એક દરજી બલિનો બકરો બની ગયો હતો.

આમાં પોલીસની ભૂમિકા પણ સંદિગ્ધ રહી છે. એક તરફ કનૈયાલાલની ધરપકડ પણ કરવામાં આવી હતી ને જ્યારે તેણે રક્ષણ માંગ્યું ત્યારે પોલીસે હત્યારાઓની સાથે મુલાકાત ગોઠવીને વાતને વાળી લીધી હતી.  ગંભીરતાથી વાતને લેવાઈ ન હતી. દરજીએ મોતની મળેલી ધમકીને પગલે અઠવાડિયું  દુકાન પણ બંધ રાખી હતી ને જે દિવસે તેણે દુકાન ખોલી એ જ દિવસે કમનસીબે તેની હત્યા થઈ ગઈ હતી. હત્યારાઓ હત્યા કરીને કોઈ ધાર્મિક કાર્ય પાર પડ્યું હોય તેમ નિર્ભય થઈ ગયા હતા. કોઈ ધર્મ હત્યાની અનુમતિ આપતો નથી, પણ કટ્ટરપંથીઓ એવું માનીને ચાલતા હોય છે કે હત્યા ધાર્મિક કાર્ય છે.

કનૈયલાલની હત્યાને પગલે રાજસ્થાન સરકારે શાંતિ જાળવવાની ને ગુનેગારને બક્ષવામાં નહીં આવે એવી  વાત રાબેતા મુજબ કરી છે, તો બધાંએ જ હત્યાની નિંદા પણ કરી છે, એ નિંદા કરવામાં પાકિસ્તાન પણ ખરું. આ હત્યાને આતંકવાદ સાથે પણ જોડવામાં આવી રહી છે, કારણ આ હત્યા તાલિબાની સ્ટાઇલે કરવામાં આવી છે. એક વાત નક્કી છે કે આતંકવાદી ઘટના ગમે ત્યાં બને તો પણ તેનો છેડો પાકિસ્તાનમાં તો નીકળે જ છે. કનૈયાલાલની હત્યાનું પગેરું પણ પાકિસ્તાનમાં નીકળે છે. નુપૂર શર્માનું નિવેદન આવ્યું ત્યારે વિદેશી મુસ્લિમ રાષ્ટ્રોએ ભારતનો સામૂહિક વિરોધ નોંધાવેલો. એમાંનાં કોઈએ ઉદેપુરની આ હત્યાને મામલે અત્યાર સુધીમાં એક હરફ સુધ્ધાં કાઢયો નથી. એટલે બતાવવાના ને ચાવવાના તો બધે જ જુદા છે.

રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોત કનૈયાલાલને ઘરે ખરખરો કરવા જઈ આવ્યા છે. તેમણે 31 લાખના વળતરની જાહેરાત પણ કરી છે ને ઘટનાના તાર પાકિસ્તાન સાથે જોડાતા હોવાનો સંકેત પણ આપ્યો છે. એ હકીકત છે કે આરોપીઓ પાસેથી 8થી 10 નંબરો પાકિસ્તાનના મળી આવ્યા છે જેની મદદથી આરોપીઓ સંપર્કમાં રહેતા હતા, એટલું જ નહીં, આરોપીઓ રાજસ્થાનના 8 જિલ્લાઓમાં આઈ.એસ.આઈ.એસ. માટે સ્લીપર સેલ પણ બનાવી રહ્યા હતા. કાશ્મીરમાં મોટી આતંકી ઘટનાઓ શક્ય નથી એટલે હવે ટાર્ગેટ કિલિંગ દ્વારા દહેશત ફેલાવવામાં આવે છે, એ જ રીતે રાજસ્થાનમાં પણ કનૈયાલાલનો શિકાર થયો હોય એમ બને. રિયાઝે આતંકી હેતુઓ પાર પાડવા કરાંચીમાં 45 દિવસની ટ્રેનિંગ પણ લીધી છે ને તે દાવતે ઇસ્લામ નામનાં આતંકી સંગઠન સાથે જોડાયો હોવાનું પણ બહાર આવ્યું છે. એ સંસ્થાના મૌલાનાએ રિયાઝનું બ્રેઇન વોશ કર્યું હતું. કનૈયાલાલની હત્યા કરવાનું 20 જૂને નક્કી કરવામાં આવ્યું હતું ને રિયાઝના તાર તો અન્ય આતંકી સંગઠન અલસુફા સાથે પણ જોડાયેલા છે જેની મદદથી જયપુર અને અન્ય શહેરોમાં સિરિયલ બ્લાસ્ટ કરવાનું કાવતરું પણ ઘડાયું હતું.

ચાર દિવસથી ઉદેપુરમાં કર્ફ્યૂ લાગુ કરી દેવાયો છે. ઈન્ટરનેટ સેવાઓ રાજ્યમાં બંધ કરી દેવામાં આવી છે, તો સમગ્ર રાજસ્થાનમાં મહિના માટે 144મી લાગુ કરી દેવાઈ છે. જયપુર, ઉદેપુરમાં લોકરોષ ચરમસીમાએ છે. સીટ અને એન.આઈ.એ.એ તપાસ હાથ ધરી છે. એસ.કે. એન્જિનિયરિંગ નામની ફેક્ટરી પણ તપાસ દરમિયાન હાથ લાગી છે જ્યાં આરોપી રિયાઝ અત્તારી અને મોહમ્મદ ગૌસે હથિયાર બનાવ્યું ને એ હથિયાર ત્યાંથી મળી પણ આવ્યું છે. અહીં હત્યા પહેલાં ને પછી વીડિયો પણ બનાવાયો હતો. હાલ તો સીટ દ્વારા ફેક્ટરી અને ઓફિસને જપ્ત કરવામાં આવી છે. હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા ગુરુવારે મૌન રેલી કાઢવામાં આવી હતી ને રાજ્યભરમાંથી હત્યારાઓને વહેલી તકે ફાંસી આપવામાં આવે એવી માંગ ઊઠી છે. આ એક ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે.

એક વાત સ્પષ્ટ છે કે આ કાવતરું છે અને પોલીસ અને સરકારની ઉદાસીનતાને કારણે એ પાર પડ્યું છે. કનૈયાલાલના બે દીકરાઓના કહેવા મુજબ જો પોલીસે રક્ષણ પૂરું પાડ્યું હોત તો તેમનો પિતા જીવતો હોત, પણ પોલીસે વાતને ગંભીરતાથી લીધી નહીં ને પરિણામ હત્યામાં આવ્યું. રાજ્ય સરકાર પણ રાજસ્થાનમાં ચાલી રહેલી આતંકી હિલચાલને મામલે જોઈએ એટલી સજાગ નથી જણાતી. જયપુરમાં સિરિયલ બ્લાસ્ટ કરવાની વાતો તો હવે બહાર આવી ગઈ છે, પણ એ ઉપરાંત પણ બીજી વાતો હશે જે બહાર આવી નથી. એ અંગે સરકાર સતર્ક નહિ રહે તો આતંકીઓનો ઇરાદો તો રાજસ્થાનને ભડકે બાળવાનો છે જ. સરકારે પૂરતી સતર્કતા દાખવવાની રહે જ છે.

એ પણ છે કે મોટે ભાગના વિધર્મીઓ આ દેશમાં શાંતિથી રહે જ છે ને તે ભારતીય જન જીવનમાં ભળી-ગળી ગયેલા છે, પણ કેટલાક કટ્ટરવાદી તત્ત્વો શાંતિ નથી જ ઇચ્છતા. કોઈને કોઈ રીતે ઝનૂન પોષ્યાં વગર એમને રાહત થતી નથી. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને પણ ધ્યાન ખેંચતા કહ્યું છે કે મદ્રેસાઓમાં અપાતું શિક્ષણ નાનેથી જ બાળકોમાં ઝનૂન જ સીંચે છે. આવું કરવાથી શું હાથમાં આવતું હશે તે નથી ખબર, પણ એનાથી બીજાઓને તો ઠીક પણ એ કટ્ટરવાદીઓના હાથમાં પણ કૈં આવતું હોય એમ લાગતું નથી. લોહી વાવવાથી તો લોહી જ ઊગે ને ! કેમ એવું છે કે ધર્મો લાગણી, પ્રેમ અને સહકારના અભાવમાં જ લાગણી, પ્રેમ અને સહકારની અપેક્ષા રાખે છે? ગળાકાપ સ્પર્ધાઓ વચ્ચે જીવન રોજે રોજ સાંકડું થતું જાય છે ત્યારે ખરેખર ગળું કાપવાથી તો જિંદગી વધારે સાંકડી થઈ રહી છે તે કેમ નહીં સમજાતું હોય? કોઈને હવે દયા, માયા, પ્રેમની જાણે જરૂર જ ન રહી હોય તેમ સૌ બેફિકર ને બેફામ થઈ ગયા છે. આ બરાબર છે?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 જુલાઈ 2022

Loading

ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનજી સાહેબ

દીપક મહેતા|Opinion - Opinion|1 July 2022

પહેલવહેલાં ગુજરાતી બીબાં બનાવ્યાં એક પારસીએ, બહેરામજી છાપગરે. પણ ગુજરાતી મુદ્રણનો પાયો નાખ્યો તે તો બીજા એક પારસીએ. સુરતની કણપીઠમાં કમનગરની શેરીને નાકે આવેલા મોબેદ (ધર્મગુરુ) પિતાના મકાનમાં ૧૭૮૭માં એમનો જન્મ. નામ, ફરદુનજી મર્ઝબાનજી. હા, મોટે ભાગી આપણે તેમને પહેલવહેલા ગુજરાતી અખબાર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક-તંત્રી તરીકે ઓળખીએ છે, પણ ફરદુનજીનો ફાળો એના કરતાં ઘણો વધુ મોટો છે. બાર વર્ષની ઉંમરના થયા ત્યાં સુધીમાં પિતા પાસેથી ધાર્મિક વિધિઓ ઉપરાંત ગુજરાતી અને ફારસી શીખ્યા. પછી એક પંડિત પાસેથી સંસ્કૃત શીખ્યા અને એક મૌલવી પાસેથી ફારસીનો અભ્યાસ વધુ પાકો કર્યો. ભરૂચના એક વૈદ પાસેથી વૈદક શીખ્યા. પણ પછી બાપ કહે કે હવે બહુ ભણ્યા, બેટા. કામે લાગી જાવ. પણ બેટાને તો હજી વધુ ભણવું હતું, અને તે ય પાછું મુંબઈ જઈને. પણ બાપ માન્યા નહિ. એટલે ૧૭૯૯માં પોતાની બધી ચોપડીઓ પોટલામાં બાંધી કોઈને કહ્યા વગર ફરદુનજી ઘરમાંથી ભાગી ગયા. રાત પડી એટલે એક ગામમાં રોકાયા. કકડીને ભૂખ લાગેલી. પણ કોઈ પાસે હાથ લાંબો કેમ કરાય? ગામને ચોરે બેસીને મોટે મોટેથી સંસ્કૃત શ્લોકો લલકારવા લાગ્યા. ગામના લોકોને નવાઈ પણ લાગી અને ખુશ પણ થયા. ખાવાનું આપ્યું, રાતવાસાની સગવડ કરી આપી. પણ ફરદુનજી ભાગી ગયા તે પછી તેમના બાપે તેમને શોધવા માણસો મોકલ્યા હતા. બીજે દિવસે તેમને હાથે પકડાઈ ગયા અને પાછા સુરત ભેગા થયા.

પણ મુંબઈ જવાની તક અણધારી રીતે ૧૮૦૫માં મળી ગઈ. પિતા મર્ઝબાનજીના મુંબઈવાસી ખાસ મિત્ર દસ્તુર મુલ્લાફિરોઝના ઘરે લગ્ન પ્રસંગ હતો. તેમાં પોતે ન જતાં બાપે દીકરાને મોકલ્યો. બસ, તે પછી ફરદુનજીએ ફરી ક્યારે ય સુરતમાં પગ ન મૂક્યો. મુલ્લાફિરોઝ પાસેથી અરબી-ફારસી શીખ્યા, તેમના અંગત ‘પુસ્તકખાના’(લાઈબ્રેરી)નું ધ્યાન રાખ્યું. પછી પોતાના પગ પર ઊભા રહેવાના ઈરાદાથી અલાયદો બુક બાઇન્ડિંગનો ધંધો શરૂ કર્યો. પણ એ વખતે આખા મુંબઈમાં છાપખાનાં હતાં એક આંગળીને વેઢે ગણાય એટલાં. એમાં કેટલાં પુસ્તકો છપાય? પહેલા છ મહિનાની કુલ આવક રૂપિયો દોઢ! પણ પછી અણધારી રીતે અંગ્રેજ સરકારના લશ્કરના દેશી સિપાઈઓ માટેની ટોપીનાં ખોખાં બનાવવાનું કામ મળી ગયું. થોડા દિવસમાં એકલે હાથે ૩૦૦૦ ખોખાં બનાવી દોઢ હજાર રૂપિયા કમાયા!

બુક બાઇન્ડર તરીકે બોમ્બે કુરિયર પ્રેસ અને બીજાં છાપખાનાંમાં આવરો-જાવરો તો હતો જ. વિચાર આવ્યો કે કેવળ ગુજરાતી છાપકામ કરવા માટે એક છાપખાનું શરૂ કેમ ન કરવું? ૧૮૧૨માં કર્યું, મુંબઈના કોટ વિસ્તારમાં જૂની માર્કેટની સામેના એક નાના મકાનમાં. અને ફરદુનજીની નમ્રતા – અથવા પારસીઓ કહે તેમ નમનતાઈ – તો જુઓ! કેવળ જાતમહેનતથી જે છાપખાનું ઊભું કર્યું તેને ન પોતાનું નામ આપ્યું, ન પોતાના કોઈ કુટુંબીનું. પ્રેસની બહાર નામનું પાટિયું જ લગાડ્યું નહિ! લોકો એને ‘ગુજરાતી છાપોખાનો’ તરીકે ઓળખે. ૧૮૧૪માં પહેલવહેલું પંચાંગ છાપ્યું. એ જમાનામાં ઘણી મોંઘી ગણાય એવી બે રૂપિયાની કિંમતે પણ નકલો ચપોચપ વેચાઈ ગઈ. એમણે શરૂ કરેલું પંચાંગ આજે પણ દર વર્ષે નિયમિત પ્રગટ થાય છે, ‘મુંબઈ સમાચાર પંચાંગ’ તરીકે. ૧૮૧૫ના વર્ષમાં બે પુસ્તકો છાપ્યાં : ઓક્ટોબરમાં છાપ્યું ‘ફલાદીશ’ નામનું જ્યોતિષનું પુસ્તક અને ડિસેમ્બરમાં છાપ્યું ‘દબેસ્તાન.’ ગુજરાતી ભાષામાં, એક ગુજરાતીએ, પોતાના છાપખાનામાં છાપેલાં આ પહેલાં પુસ્તકો. પછી તો ગાડી સડસડાટ ચાલવા લાગી. પોતાનાં ‘બનાવેલાં’ વીસેક પુસ્તકો છાપ્યાં. તેમાંનું એક તે ‘પંચોપાખીઆંન’ નામે કરેલો સંસ્કૃત પંચતંત્રનો અનુવાદ. ૧૮૨૪માં પ્રગટ થયેલું આ પુસ્તક તે સંસ્કૃતમાંથી અર્વાચીન ગુજરાતીમાં થયેલો પહેલો અનુવાદ. તો બીજાઓનાં ‘બનાવેલાં’ ૨૨ જેટલાં પુસ્તકો ફરદુનજીએ છાપ્યાં. પુસ્તકના લેખક, સંપાદક, અનુવાદક, બધા માટે ફરદુનજી ‘બનાવનાર’ શબ્દ વાપરતા. તેમાંનાં કેટલાંક પુસ્તકોની તો બે-ત્રણ આવૃત્તિ પણ થયેલી! જરૂર પડી તેમ પ્રેસ મોટું કરતા ગયા.

અને પછી એ જ પ્રેસમાં છાપીને ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખે શરૂ કર્યું અઠવાડિક ‘શ્રી મુમબઈનાં શમાચાર’ જે આજે પણ ‘મુંબઈ સમાચાર’ નામે પ્રગટ થાય છે. માત્ર આપણી ભાષામાં નહિ, માત્ર આપણા દેશમાં નહિ, આખા એશિયામાં આજે પ્રગટ થતાં બધી ભાષાનાં અખબારોમાં સૌથી જૂનું અખબાર. તે વખતે માસિક લવાજમ રાખેલું બે રૂપિયા. પહેલો અંક છપાયો તે પહેલાં ૧૫૦ ગ્રાહકો નોંધાઈ ગયા. પચાસ નકલો મુંબઈ સરકારે નોંધાવેલી. બાકીના ગ્રાહકોમાં ૧૪ અંગ્રેજ, ૮ હિંદુ, ૬ મુસ્લિમ, અને ૬૭ પારસી હતા. પછીનાં દસ વર્ષ જાહોજલાલીનાં વીત્યાં. ગાડી ઘોડા, વાડી-બંગલા, નોકરચાકર. અંગ્રેજ અમલદારો, ‘દેશી’ વેપારીઓ, મુંબઈના અગ્રણીઓ વગેરે સાથે ઊઠતાબેસતા થયા. ‘ફરદુનજીશેઠ’ તરીકે ઓળખાતા થયા.

પણ ચડતી પછી પડતી. પારસી કેલેન્ડરની કાળગણના અંગે વિવાદ થયો તેમાં ઝંપલાવ્યું. વાત વણસી. બે પક્ષના માણસો વચ્ચે મારામારી પણ થવા લાગી. વિરોધીઓએ ચાલાકીપૂર્વક એક મિલકતના કિસ્સામાં ફરદુનજીને સપડાવ્યા. સાથોસાથ ‘ફરદુનજી ભાંગ્યા’ એવી અફવા ફેલાવી. દેવું ચૂકવવા વાડી-વજીફા વેચ્યા, ‘મુંબઈ સમાચાર’ અને તેનું છાપખાનું વેચ્યું. છતાં બે લાખ રૂપિયાનું દેવું બાકી રહ્યું. એ વખતે દેવાદાર માટેના અંગ્રેજ હકુમતામાંના કાયદા ભારે કડક હતા. એટલે મુંબઈ છોડી પહેલાં વસઈ ગયા, અને ૧૮૩૨ના ઓક્ટોબરની ૧૧મી તારીખે ત્યાંથી દમણ જઈ વસ્યા. કારણ દમણમાં પોર્ટુગીઝ શાસન હતું તેથી અંગ્રેજ સરકારના કાયદા ત્યાં લાગુ ન પડતા. પણ જીવ હતો છાપખાનામાં. એટલે દમણમાં પહેલા લિથોગ્રાફ અને પછી મુવેબલ ટાઈપ વાપરતું છાપખાનું શરૂ કર્યું. તેમાં પણ થોડાં પુસ્તકો છાપ્યાં. સાથોસાથ વૈદક અને જ્યોતિષીના ધંધા પણ કર્યા. ૧૮૪૭ના માર્ચ મહિનાની ૨૩મી તારીખે ફરદુનજી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા. ગુજરાતી મુદ્રણ રૂપી શકુંતલાના જનક વિશ્વામિત્ર હતા બહેરામજી છાપગર, પણ ફરદુનજી તેના પાલક પિતા બન્યા. એટલું જ નહિ, ફરદુનજી એટલે અર્વાચીન યુગના પહેલા ગુજરાતી લેખક, સંપાદક, અનુવાદક, ખબરપત્રી, તંત્રી, મુદ્રક, પ્રકાશક, પુસ્તક વિક્રેતા. એક નહિ, અનેક જ્યોતિને ધારણ કરનાર જ્યોતિર્ધર.

Loading

...102030...1,4721,4731,4741,475...1,4801,4901,500...

Search by

Opinion

  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.
  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved